પૂરી એક અંધેરી
ને ગંડુરાજા.
રશિયામાં સામ્યવાદીઓ
રાજ કરતા હતા ત્યારે એમનું એક પ્રતિનિધિમંડળ ભારતના પ્રવાસે આવ્યું. સામ્યવાદીઓ
ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતા નથી. પરંતુ આ પ્રતિનિધિમંડળના કટ્ટર નાસ્તિક સભ્યો
રશિયા પાછા ફર્યા ત્યારે ચુસ્ત આસ્તિકો થઈ ગયા હતા. ભગવાન પર પૂરો ભરોસો રાખતા થઈ ગયા હતા. આ જોઈને રશિયામાં આશ્ચર્યનું
મોજું ફરી વળ્યું. લોકો આ પ્રતિનિધિમંડળના સભ્યોને પૂછવા લાગ્યા, “ આટલા દિવસોમાં ભારતમાં તમે એવા કયા ચમત્કારો જોયા કે કટ્ટર
નાસ્તિકમાંથી પૂરેપૂરા આસ્તિક બની ગયા ? પ્રતિનિધિમંડળે જવાબ આપ્યો, “ભારતનું
રાજ્યતંત્ર કે અર્થતંત્ર જે રીતે ચાલી રહ્યું છે તે જોતાં અમને ખાતરી થઈ ગઈ છે કે
ચોક્કસ ઈશ્વર નામના તત્વનું અસ્તિત્વ છે, છે અને છે જ, એ વગર આટલો મોટો દેશ ભારત
ટકી કઈ રીતે શકે ?
આ લખનારને પણ
ભારતદેશ, દેશના નેતાઓ અને એની રાજનીતિ વિશે ભારોભાર આશ્ચર્ય છે. એક તરફ ‘ઝેડ’
કક્ષાની સુરક્ષા મેળવતા નેતાઓ અને એક તરફ આતંકવાદી હુમલાઓમાં કીડી-મકોડાની જેમ
મરતાં માણસો. આતકવાદી કસાબને સાચવવા કરોડો રૂપિયાનું આંધણ અને ગરીબી રેખાની નીચે
જીવતા આજની મંદીમાં ટપોટપ આપઘાત કરતા માણસો. ભારત સરકાર વિશે વિચારું છું ત્યારે
મને આ વાત યાદ આવે છે.
રશિયાના પ્રમુખ
જ્યારે ગોર્બોચોવ હતા ત્યારે એક જગ્યાએ એમનું જોરદાર ભાષણ ચાલી રહ્યું હતું.
પ્રમુખે ત્યાં હાજર રહેલ જંગી જનમેદનીને સંબોધીને બુલંદ અવાજે કહ્યું, “આવતા
વર્ષના અંત સુધીમાં પ્રત્યેક સોવિયેત નાગરિક પાસે પોતાની માલિકીની કાર હશે.”
શ્રોતાઓએ એમના આ વિધાનને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. પ્રમુખશ્રીએ આગળ બોલતાં
કહ્યું, “આવતાં બે વર્ષમાં પ્રત્યેક રશિયન નાગરિક પાસે પોતાની માલિકીનો ફ્લેટ
હશે.” ફરીવાર આખો હોલ તાળીઓનાં ગડગડાટથી ગુંજી ઊઠ્યો. પ્રમુખે પોરસાઈને આગળ બોલતાં
કહ્યું, “આવતા પાંચ વર્ષમાં દરેક નાગરિક પાસે પોતાની માલિકીનું હેલીકોપ્ટર હશે.” આ
સાંભળતા જ સભામાં સન્નાટો છવાઈ ગયો. એક પણ તાળી ન પડી. પ્રમુખસાહેબે આશ્ચર્યથી પૂછ્યું,
“કેમ તમને તમારું પોતાનું હેલીકોપ્ટર હોય
તે ન ગમે ?” એક શ્રોતાએ હિંમત ભેગી કરીને ઊભા થઈને પૂછ્યું, “પ્રમુખહેબ, અમે એ
હેલીકોપ્ટરનું કરીશું શું ?” એટલે પ્રમુખસાહેબે જવાબ વાળતાં કહ્યું, “કેમ, તમે
તમારું હેલીકોપ્ટર લઈને આજુબાજુના દેશોમાં જઈને ત્યાં લાઇનમાં ઊભા રહીને તમારા
માટે બ્રેડ ખરીદીને લાવી શકશો.”
ભારત પણ આ બાબતે હવે
રશિયાની બરોબરી કરવાના પંથે જઈ રહ્યું છે. મોંઘવારી દિન પ્રતિદિન વધતી જઈ રહી છે.
મુંબઈ તો સૌથી મોંઘુ શહેર સાબિત થયું છે. જીવનજરૂરિયાતની અને રોજબરોજની વપરાશની
ચીજોના ભાવ આસમાને પહોચ્યા છે. પરંતુ અવનવી કારોના ભાવ ઘટ્યા છે. ભારત સરકાર પણ પોતાની
પ્રજાને ગર્વથી કહી શકાશે, “તમારી પોતાની કાર લઈને આજુબાજુની કન્ટ્રીમાં જાવ ને
લોટ ને શાકભાજી લઈ આવો.” પોતાની ગાડી લઈને ભીખ માગવા જવાના કિસ્સા તો હજી જોયા નથી
પણ -
ભિખારી : શેઠાણીબા,
સાંજનું વાળુ (ખાવાનું) વધ્યું હોય તો આપો.
શેઠાણી : ભઈલા, હજી
શેઠ ઘરે આવ્યા નથી તેથી અમે જમ્યાં નથી.
ભિખારી : ઠીક છે, જમી
લ્યો પછી ખાવાનું વધ્યું હોય તો મને મોબાઈલ પર ફોન કરજો. આવીને લઈ જઈશ.
ભારત સરકારે માત્ર
પેકિંગમાં વેચતા રિફાઇન્ડ તેલો ઉપર જ એક્સાઈઝવેરો લગાવ્યો છે. એટલે હાથલારી
ખેંચતા, પાન-બીડી વેચતા, સરકારી કાર્યાલયોમાં કામ કરતા મજુરો કે મિડલક્લાસ લોકોએ
હવે મિલમાલિકો કે ધનપતિઓના વાદ કર્યા વિના હવેથી રીફાઇન્ડ તેલ ખાવાનો મોહ છોડી
દેવો જોઈએ. “ગુજરાત સરકારના કાયદાને લીધે રાજ્યમાં લુઝ તેલ ન મળે તો પ્રજાએ તેલ
ખાવાનો આગ્રહ જ છોડી દેવો જોઈએ. રાજાને ખાતર પ્રજા આટલું ન કરી શકે ?
હજી થોડા વર્ષ
પહેલાં પામોલીન તેલ ગરીબોને પોસાય તેવું હતું. પરંતુ આ કારણે પ્રજા વધુ પડતું તેલ
ખાઈને પોતાનું સ્વાસ્થ્ય બગાડે નહિ, એટલા ખાતર ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને
ભલામણ કરીને પામોલીન સહિત તમામ આયાતી ખાદ્યતેલો પર સોમાંથી આઠ બાદ કરતાં જે રહે તે
એટલે કે ૯૨% આયાત જકાત લગાવી દીધી.
અમે નાના હતા ત્યારે
એક મજાની વાર્તા વાંચેલી. “પુરી એક અંધેરી ને ગંડુરાજા, ટકે શેર ભાજી ટકે શેર
ખાજાં.” અંધેરી નગરીના ગંડુરાજાના રાજ્યમાં જે ભાવે ભાજી મળે એ જ ભાવે ખાજાં પણ
મળે. એક ગુરુ-શિષ્ય આ નગરીમાં જઈ ચઢ્યા. શિષ્યે જાણ્યું કે લોટના ભાવે જ સુખડી મળે
છે, એટલે Exchange offer સ્વીકારીને સુખડી લઈ ખુશખુશાલ ગુરુ પાસે આવ્યો.
આજના મોડર્ન યુગમાં પણ કેટલાક ‘મોલ’વાળા ૨૫ રૂપિયે કિલો પસ્તી અને ૫૦ રૂપિયે કિલો
જૂનાં કપડાં લઈ લે છે. ને ઘરાકને કૂપન આપે છે. જેનાથી ચારઘણું એણે ખરીદવું પડે છે
અને તે પણ મોલવાળાએ નક્કી કરેલી , Selected items જ. હા, તો શિષ્ય લોટના બદલામાં સુખડી લઈ આવ્યો પણ ગુરુજી
સમજદાર હતા. દૂરનું જોઈ-વિચારી શકતા હતા. એમણે તરત જ શિષ્યને કહ્યું, “આપણે અબઘડી
આ નગરી છોડી ચાલ્યા જવું જોઈએ.” ઘણા સમજદાર લોકો ભારતનગરી છોડીને ચાલ્યા પણ ગયા
છે. પણ “આટા” ના બદલામાં સુખડીના મોહમાં ફસાયેલા શિષ્યે નગરી છોડવાની નામરજી બતાવી
એટલે ગુરુજી એકલા જ નગરી છોડી અન્યત્ર ચાલી ગયા.
થોડા સમય બાદ અંધેરી
નગરીમાં એક ડોશીમાને ઘરે એક ચોર ચોરી કરવાના ઈરાદે ભીંતમાં બાકોરું પાડવા ગયો. પણ
ભીંત તૂટી પડતાં ચોર દબાઈને મરી ગયો. ચોરની માએ રાજાને ફરિયાદ કરી એટલે ગંડુરાજાએ
ડોશીના દીકરાને નબળી ભીંત ચણાવવા બદલ શૂળીએ ચઢાવવાનો હુકમ કર્યો. ડોશીના દીકરાએ
ભીંત ચણનાર મજૂરનો વાંક કાઢ્યો એટલે રાજાએ મજૂરને મૃત્યુદંડ કર્યો. પણ મજૂર પાતળો
હતો અને શૂળીને લાયક નહોતો તેથી રાજાએ કોઈ તગડા માણસને શોધી લાવીને શૂળીએ ચઢાવવા
હુકમ કર્યો. સુખડી ખાઈ ખાઈને તગડા બનેલા શિષ્યને રાજાના માણસો શૂળીએ ચઢાવવા પકડી
લાવ્યા.
શિષ્યને ‘સંકટ સમયની સાંકળ’ એવા ગુરુજી યાદ આવ્યા, એણે
રાજાને પોતાની અંતિમ ઈચ્છા જણાવી એટલે રાજાએ ગુરુજીને બોલાવી મંગાવ્યા. ગુરુજીએ
પરિસ્થિતિ પામી જઈને રાજાને કહ્યું, “આ સમયે જે વ્યક્તિ શૂળીએ ચઢશે એને લેવા
સ્વર્ગમાંથી વિમાન આવશે.” અને ગંડુરાજા પોતે શૂળીએ ચઢી ગયો. ભારતના કેટલાય નેતાઓ
એવા છે જેમને શૂળીએ ચઢાવવા પ્રજા તત્પર
છે. પરંતુ તેઓ તો સદેહે જ વિમાનમાં વિહરે છે અને ધરતી પર જ સ્વર્ગની તમામ મજાઓ
માણે છે. નેતાઓને ક્યારેય મોંઘવારી નડતી નથી. સરકારે કાર, સી.ડી.,એસી, મોબાઈલ
સસ્તા કર્યા છે. અને રાંધણગેસ અને કેરોસીનના ભાવોમાં જે રીતે ઉત્તરોઉત્તર વધારો
કર્યો છે તે જોતા લાગે છે કે ભવિષ્યમાં
ભારતની પ્રજાને રાંધવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
પ્રેમિકા : પ્રિયે,
મારે એક વાતની સ્પષ્ટતા કરવાની છે કે મને ખાસ રાંધતા આવડતું નથી.
પ્રેમી : વહાલી,
તુંય મારી એક સ્પસ્ટતા સાંભળી લ્યે. હું પોતે કવિ છું. એટલે તારે ભાગે ઝાઝું
રાંધવાનું આવશે પણ નહિ.
No comments:
Post a Comment