Wednesday, 31 January 2018

સિદ્દીભાઈને સિદકાં વહાલાં.


સિદ્દીભાઈને સિદકાં વહાલાં.       પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

કે.જી. ના શાળા પ્રવેશ અંગે આજે મુન્નાનો, સોરી, એટલે કે રાહુલનો થર્ડ ઈંટરવ્યુ હતો. મુન્નાના મમ્મી પપ્પાને મતે,  પહેલા બે ઈંટરવ્યુમાં મુન્નાનો દેખાવ સારો રહ્યો હતો. જો કે પહેલા ઈંટરવ્યુમાં તો ૯૦% સવાલો મુન્નાના મમ્મી-પપ્પાને પૂછવામાં આવ્યા હતાં. તમારી બન્નેની જોબ છે કે બીઝનેસ? ફેમિલીની ટોટલ વાર્ષિક આવક કેટલી છે? ઘરમાં કેટલા મેમ્બર્સ છે?  ઘરમાં કયા કયા સાધનો ( ટી.વી., ડીવીડી પ્લેયર, ફ્રીઝ, ઓવન, વોશિંગ મશીન, કોમ્પ્યુટર, એ.સી.) છે?  વીહીકલ કેટલા છે, કયા કયા? કાર કઈ વાપરો છો? કોઈ લોન લીધેલી છે કે કેમ? ( આ તે સ્કુલ ના એડમિશન માટેનો ઈંટરવ્યુ છે, કે કોઈ ઇંકમટેક્સ ઓફિસરની પૂછપરછ ?) બધાંજ સવાલોના જવાબો મુન્નાના મમ્મી પપ્પાએ કચવાતા જીવે અને હસતા મોંએ આપ્યા હતા. (છૂટકો જ નહોતો)
ફક્ત રાહુલના મમ્મી પપ્પા જ નહીં, બધા જ બાળકોના  મા-બાપ બિચારા થઈને ચુપચાપ ઈંટરવ્યુ આપી રહ્યા હતાં, કારણ? સ્કુલનું નામ ઘણું ફેમસ હતું. અમારો રાહુલ, “…” સ્કુલમાં ભણે છે,’  એમ કહેવાથી વટ પડે એમ હતો. સ્કુલ પછી એને સંલગ્ન  કોલેજમાં એડમીશન સહેલાઈથી મળે એમ હતું, એટલે લાંબા ગાળે ફાયદો થાય એમ હતો. સ્કુલમાં સીટના પ્રમાણમાં એડમિશન લેનારા બાળકોની સંખ્યા પ્રમાણમાં ઘણી વધારે હતી. એટલે મનમાની - તગડી ફી હોવા છતાં અહીં ધસારો ઘણો જ હતો. બાળકો તો બિંદાસ રમવા માંગતા હતાં, પણ મા-બાપે એમને એવી રીતે બાંધી રાખ્યાં હતાં,  જાણે ધસમસતી નદી પર કોઈએ બંધ  બાંધી દીધો હોય, જંગલના સિંહને કોઈએ ઝૂ માં પીંજરે પૂરી દીધો હોય, મસ્ત સુગંધીદાર ફૂલને કોઈએ બૂકેમાં બાંધી દીધું હોય.   
ગઈ કાલે મોડી રાત સુધી મુન્નાની એટલે કે રાહુલની લેફ્ટ-રાઈટ લેવાઈ હતી. સંભવિત પ્રશ્નોની મમ્મી-પપ્પા દ્વારા યાદી બનાવાઈ હતી. અને એ તમામ પ્રશ્નોના જવાબો રાહુલને લર્ન – બાય - હાર્ટ  કરાવાયા હતા. વોટ ઇઝ યોર નેઈમ?  વોટ ઇઝ યોર એજ? વોટ ઇઝ યોર સરનેમ? વીચ કલર ડુ યુ લાઈક મોસ્ટ? થી શરૂ કરીને એનીમલ  નેઇમ, બર્ડ્સ નેઇમ, વેજીટેબલસ નેઇમ,-બી-સી-ડી, વન-ટુ-થ્રી-ફોર વગેરે વગેરે. આમ તો આ બધું યાદ રાખવાની કસરત રાહુલને  છેલ્લા પંદર દિવસથી કરાવાતી હતી એટલે એનું ફાઈનલ પરફોર્મન્સ જોઈને મમ્મી-પપ્પા રાજી હતાં. વળી રાહુલને વારંવાર બધા સાચા જવાબ આપશે તો પપ્પા ગાર્ડનમાં રમવા લઈ જશે,  અને મમ્મી ખુબ બધી ચોકલેટ્સ અપાવશે એવી વાત ઠસાવવામાં આવી હતી,(નેતાઓ ચૂંટણી વખતે મોટા મોટા વચનો આપીને પ્રજાના ગળે ગાજર લટકાવે તેમ) એટલે રાહુલે પણ લસરપટ્ટી – હીંચકા અને ચોકલેટની લાલચમાં પોતાની ઉંમરના પ્રમાણમાં સારું એવું હોમવર્ક  કર્યું હતું.
આખરે એ કયામતની ઘડી આવી પહોંચી, રાહુલને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યો. મમ્મી - પપ્પાએ એને રૂમમાં લઈ જતાં પહેલાં ઓલ ધ બેસ્ટ કહ્યું. મમ્મી પપ્પાના ચહેરા જોતાં  ખરેખર તો એમને પોતાને આવી શુભેચ્છાની ખાસ જરૂર હતી એવું લાગતું હતું. પછી રાહુલનો ઇંટરવ્યુ થયો, જે મમ્મી-પપ્પાને હિસાબે  એકદમ સક્સેસફુલ રહ્યો. રાહુલે એને પૂછાયેલા બધા જ પ્રશ્નોના જવાબો પૂરતી ગંભીરતાથી (એના ચંચળ સ્વભાવની વિરુધ્ધ જઈને) સાચા આપ્યા. ઇંટરવ્યુ લેનાર એક મેમ્બરે તો   ગુડ - વેરી સ્માર્ટ બોય - હી વીલ બી અ જેમ ઓફ અવર સ્કુલ  એવી રીમાર્ક પણ આપી, જે સાંભળીને મમ્મી-પપ્પાના ચહેરા લાપસી ખાતા હોય એવા મલકાયા, છાતી ગજ ગજ ફૂલી અને પછી એમને હૈયે ધરપત થઈ કે ચાલો, હવે આ સ્કુલમાં રાહુલનું એડમિશન તો પાકું. બહાર નીકળીને મમ્મી પપ્પાએ રાહુલને વેલ ડન માય બોય કહ્યું  એટલે રાહુલ ખુશ થઈને કૂદતાં કૂદતાં બોલ્યો, મમ્મી,  હવે તું મને ચોકલેટ્સ અપાવશે ને? અને પપ્પા, તમે મને ગાર્ડનમાં ફરવા લઈ જશોને?’  ખુશહાલ મમ્મી-પપ્પાએ પોતાનું વચન નીભાવ્યું.
ઇંટરવ્યુના રીઝલ્ટના ઈંતેઝારમાં પાંચ દિવસો જરા  અધીરાઈમાં  પસાર થયા. જે દિવસે રીઝલ્ટ હતું એ દિવસે ઘરમાં સવારથી જ જોરદાર એક્સાઈટ્મેંટ હતું. પણ આશું? રીઝલ્ટ ડિક્લેર થયું ત્યારે એમાં રાહુલનું નામ નહોતું. મમ્મી-પપ્પા બન્ને આઘાત લાગ્યો.  સ્કુલ મેનેજમેન્ટવાળા જોડે બહુ આર્ગ્યુમેન્ટ કરી, અમારા રાહુલે બધા જ સવાલોના સાચા જવાબો તો આપ્યા પછી તમે રાહુલને એડમિશન માટે ના કેવી રીતે કહી શકો?’  મેનેજમેન્ટવાળા કહે, એવા સાચા જવાબો તો ૧૦૦૦ છોકરાઓએ આપ્યા તો શું અમારે એ તમામ ને એડમિશન આપી દેવાનું?’ મમ્મી-પપ્પા કહે, અમારી મહેનત તો જુઓ, કેટલો સમય આપ્યો આ તૈયારી માટે? અને તમે પોતે જ કહ્યું હતું – હી વીલ બી અ જેમ ઓફ અવર સ્કુલ.  મેનેજમેન્ટવાળા કહે, તમારી સાથે અમારી સંપૂર્ણ સહાનૂભુતિ છે, પણ અમારી મર્યાદા પણ તો સમજો તમે.  મમ્મી-પપ્પા હતાશ થઈને જરા ગુસ્સાથી કહ્યું, પોતે જ કહીને પોતે જ ફરી જવું એ ક્યાંનો ન્યાય? આટલા સ્માર્ટ છોકરાંને એડમિશન ન આપવું એ હળાહળ અન્યાય છે, આવું તો કેવી રીતે ચલાવી લેવાય?’ મેનેજમેન્ટવાળા કહે, એ જે હોય તે, તમારાથી થાય તે કરી લો, જાવ.
મેં તો એવું સાંભળેલું કે, ‘Argument  wins the situation, but loses the relationship / people.’ અહીં મેનેજમેંટ વાળાએ તો કંઈ જ ગુમાવવાનું નહોતું - ન સીચ્યૂએશન કે ન રીલેશન ન પીપલ. જે કંઈ ગુમાવવાનું હતું તે મમ્મી-પપ્પાને જ હતું.  કેમ કે  મમ્મી-પપ્પા માટે તો સીચ્યુએશન એટલે કે પરિસ્થિતિ પર તો વિજય નહોતો જ, અને રીલેશનશીપ એટલે કે સંબંધ તો બંધાય તે પહેલાં જ તૂટી ગયો હતો. હવે બીજી જગ્યાએ મમ્મી-પપ્પાએ પાછું નવેસરથી આખું નાટક ભજવવાનું હતું, ચાલ જીવ ફરી કામે વળગ, બીજું શું?  મમ્મી-પપ્પા થવું અને થયા પછી નીભાવવું એ કંઈ એટલું સહેલું થોડું જ છે?’  હવેના મા-બાપ આ વાત સમજી ગયા છે, એટલે સરકારે આપેલું  કુટુંબ નિયોજન માટેનું  સૂત્ર- અમે બે – અમારા બે’, ના બદલે અમે બે - અમારું એક નું સૂત્ર અપનાવી રહ્યા છે. કેટલાક મા-બાપ તો આથી ય આગળ વધીને, આ બધી ઝંઝટમાંથી બચીને રહેવા માટે, DINK’ (Double Income, No Kid. મતલબ કે  પતિ - પત્ની બન્ને જણ કમાય, બાળકની ઝંઝટ નહીં અને જલસાથી  રહે.)  
રાહુલના મિત્ર ઉત્પલનું એડમિશન એ જ સ્કુલમાં થઈ ગયું. ઉત્પલનાં મમ્મી-પપ્પા પેંડા લઈને રાહુલના ઘરે આવ્યાં. રાહુલનાં મમ્મી-પપ્પાએ પૂછ્યું, ઉત્પલને કેવી રીતે અહીં એડમિશન મળ્યું?’ રાહુલનાં પપ્પાએ કહ્યું, મારી જ્વેલરીની શોપ છે, મેં ઇન્ટરવ્યુ પછી તમામ મેમ્બર્સને સોનાની ચેઇન ગીફ્ટ આપી. પણ આ તો લાંચ ન કહેવાય?’ રાહુલના પપ્પાએ આઘાતથી પૂછ્યું.  જો દોસ્ત, કામ આપણું છે, ને તે કરાવવાનું પણ આપણે જ છે, તો થોડો ખર્ચો તો કરવો જ પડે ને?’ ઉત્પલના પપ્પાએ કહ્યું.  
 એ વાત બરાબર, પણ આપણાં છોકરાં આટલાં સ્માર્ટ હોય તો સ્કુલવાળાએ એ વાત કંસીડર કરવી જોઈએ. રાહુલના પપ્પાએ કહ્યું. ઉત્પલના પપ્પાએ કહ્યું, એક વાત સમજ, - સીદ્દીભાઇને સિદકાં વહાલાં  એટલે વળી શું? રાહુલના પપ્પાએ પૂછ્યું.  એનો મતલબ કે બધાંને પોતાનાં છોકરાં કાળા હોય, ગોરાં હોય, હોંશિયાર હોય, ભોટ હોય, ડાહ્યા હોય , તોફાની હોય, શાંત હોય, અળવીતરાં હોય -  એ જેવાં હોય તેવાં - વહાલાં જ હોય, પણ સ્કુલ મેનેજમેન્ટને એ સાથે શું લાગે વળગે? એમને મન તો બધાંય સરખા.   હં, હવે સમજ્યો, સિદ્દીભાઈને સિદકાં વહાલાં - ની વાત. રાહુલના પપ્પાએ હસીને કહ્યું.

Wednesday, 24 January 2018

મારો બેટો એ જ લાગનો છે.

મારો બેટો એ જ લાગનો છે.      પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી
જજ: (આરોપીને) : આશ્ચર્ય એ વાતનું છે કે તમે ફરિયાદીના બંધ કોટના અંદરના ખિસ્સામાંથી પૈસા ચોર્યા શી રીતે?
આરોપી: સાહેબ, એ કલા શીખવવાના હું હજાર રુપિયા લઉં છું.
આવા અનોખા ચોર લોકોની દુનિયા પણ અનોખી હોય છે. એમની દુનિયામાં ચોરીની વ્યાખ્યા છે : વસ્તુ જેની છે, એને જણાવ્યા સિવાય કે એની કિમત ચુક્વ્યા સિવાય, માલિકને ખબર ના પડે એ રીતે વસ્તુ મેળવી  લેવાની કળા.  એમની દુનિયામા ચોરી એ કોઇ અપરાધ કે ગુનો નહીં, પણ એક કલા ગણાય છે, અને ચોર એક કલાકાર.  હા, ચોરી કરતા પકડાઇ જવાય તો એને ભુલ જરુર ગણવામા આવે છે, ચોરી કરતી વખતે પકડાઇ ના જવાય એની તે લોકો  ખાસ તકેદારી રાખે છે.
ચોર : તમે અહીં આજુબાજુ કોઇ પોલીસવાળો જોયો?
મુસાફર : ના.
ચોર : ઠીક છે, તો પછી  મારું કામ અહીં જ થઇ જશે. ચાલ, જલ્દી કર, તારી પાસે ચેન, વીંટીં, ઘડિયાળ, પર્સ, જે કંઈ હોય તે ચુપચાપ મારે હવાલે કર.
ઘણા સમય પહેલાં  અખબાર મા છપાયેલા એક અજીબો ગરીબ કિસ્સા ઉપર મારું ખાસ ધ્યાન ગયેલું. સમાચાર લંડનના હતા. એમા લખ્યું હતું, ઉત્તર ઈગ્લેન્ડમા લીડ્સ ગામે, ૧૬ વર્ષના એક કિશોરે સંખ્યાબંધ ઘરોમા ઘુસીને ટી.વી., કેમેરા, પ્લે-સ્ટેશન જેવા સાધનો ચોર્યા. સંખ્યાબંધ ઘરોમાં ઘુસી  આવા ઉપકરણો ચોરવા એ ચોર જગતમાં કંઈ નવાઇની ઘટના નથી.  પણ આ ટીનેજર ચોરને પકડીને  સઘન દેખરેખ હેઠળ જે સજા કરવામાં આવી એ નવાઇની છે.
સજાના ભાગરુપે એને કહેવામાં આવ્યું કે, તેં જે જે ઘરોમા ચોરી કરી હોય, એ બધાને પત્ર લખીને અફસોસ વ્યક્ત કર. ચોરે ઘર માલિકોને પત્રો તો લખ્યા પણ અફસોસ વ્યક્ત કરવાને બદલે એમને જ આ પરિસ્થિતિ માટે જવાબદાર ઠેરવતાં લખ્યું, તમે ઘરના રસોડાની બારીઓ ખુલ્લી રાખીને ગંભીર ભુલ કરી છે. એનો પત્ર વાંચીને ઘરમાલિકો સુધર્યા હતા કે નહીં તે ખબર નથી, પણ ત્યાંની પોલીસ આ કિશોરના આવા વલણથી ખુબ હતાશ થઈ ગઈ  હતી.
ઘણા સમયથી મહિલાઓ પર વધી રહેલા બળાત્કારના કિસ્સા. ના સમાચારો એ ખુબ હોબાળો મચાવ્યો છે. એમાં પણ કેટલાક નિવેદનો, મહિલાઓ ટુંકા કપડાં પહેરી, અંગપ્રદર્શન કરી, પુરુષોની વૃત્તિને  બહેકાવે છે અને બળાત્કાર કરવા પ્રેરે છે. એ સમાચારે તો બળતામા ઘી હોમવાનું કામ કર્યું છે. ટુંકમાં ઘરની ખુલ્લી બારી ચોરને અને મહિલાઓના ખુલ્લા અંગો બળાત્કારીને આકર્ષે છે. અહીં મને રામરાજ્ય ની યાદ આવે છે. મેં વાંચ્યું હતું કે, રાજા રામનું રાજ્ય હતું ત્યારે પ્રજા રાત્રે ઘરના બારણા ખુલ્લા રાખીને, નચિંત મને સુઇ જતી, કેમ કે ત્યારે કોઇ ઘરમા ચોરી નહોતી થતી.’ વિચાર એ આવે  છે  કે, ત્યારે પણ પ્રજામા કોઇ ગરીબ અને  કોઇ તવંગર તો હશે જ ને ?  તો પછી ચોરી ના થવાનું કારણ શું ? કોઇ ને આ કારણ જાણમાં હોય તો મને (કૂતુહલ સંતોષવા)  અને સરકારને (ચોરી રોકવા) જણાવવા વિનંતિ છે.
પત્રકાર મગન : મને એ સમજાતું નથી કે તમે લોકો કૂતરાઓને લઇને કેમ ઘૂમો છો ?
પોલીસ છગન : કેમ કે કૂતરાઓ ચોરને પકડી પાડે છે.
મગન : તો તમે લોકો શું કરો છો ?
છગન : અમે લોકો કૂતરાને પકડી રાખીએ છીએ.
છુપાવનાર ની બે આંખ તો ચોરનાર ની ચાર,  આ કહેવત ચોરની વધુ ચાલાકી વ્યક્ત કરે છે. એક વખત એક ઘરમાંથી તમામ ઘરવખરી ચોરાઇ ગઈ. ફરિયાદને આધારે પોલીસે તપાસ કરી તો માલુમ પડ્યું કે ચોરો ટી.વી. સિવાયની તમામ મિલકત લઈ ગયા હતા. પોલીસે ઘરમાલિકને પૂછ્યું, નવાઇ એ વાતની લાગે છે, કે ચોર બધું જ લઈ ગયા તો આ મજાનું ૪૨’’ નુ ટી.વી. કેમ છોડી ગયા ?’ ત્યારે ઘરમાલિકે સ્પષ્ટતા કરતાં કહ્યું, કેમ કે તે વખતે હું ટી.વી. પર ક્રિકેટ મેચ જોઇ રહ્યો હતો. આમ પોલીસોનો પનારો ચોર ઉપરાંત આવા જાતજાતના લોકો સાથે પડતો હોય છે. પોલીસોની ધીરજ અને સહનશક્તિને  સલામ !
જેલર : તને અઢાર વર્ષની સખત કેદની સજા થઈ તે સાંભળીને તારા સગા વહાલાઓ ને બહુ દુ:ખ થયું હશે, નહીં ?
ચોર : ના, સાહેબ. એ બધા તો બહુ ખુશ થયા, કેમ કે તે સૌ અહીં જેલમાં જ છે.
આપણને બાળપણમા સ્કુલમા શિક્ષક ભણાવે છે, કે,  ચોરી કરવી એ પાપ છે. અને આપણા મા-બાપ પણ આપણને હમેશા કહેતા આવ્યા છે, ચોરી કરવી નહી. પણ કેટલાક કિસ્સામા વાત કંઇ અલગ જ હોય છે. એક બગીચામા ફળ તોડતાં પકડાયેલા છોકરાને માલિકે કહ્યું, ચોરી કરતાં શરમ નથી આવતી તને ? ચાલ, ક્યાં છે તારો બાપ ? બોલાવ એને. છોકરાએ ડરતાં ડરતાં કહ્યું, એ તો સામેના ઝાડ પરથી ફળ તોડી રહ્યો છે.
ચોરી કરવી એ લાગે છે એટલું આસાન કામ નથી. કેટકેટલી તકેદારી રાખવી પડે અને કેટકેટલી કુશળતા કેળવવી પડે છે. માલિક જાગી ના જાય, ચોકીદાર કે અડોશી-પડોશી કોઇ જોઇ ના જાય, પોલીસ આવી ના જાય, કૂતરાઓ ભસે નહી, કોઇને શક ના પડે, વગેરે વગેરે.  એકવાર કેટલાક ચોરોએ એક હવેલીમા ચોરી કરવાનું નક્કી કર્યું. પણ હવેલી ને ફરતે આવેલી દિવાલ ખુબ ઊંચી હતી જે ઓળંગીને જઈ શકાય એમ નહોતું.  ચોરોએ ગામમા એક નટને ઊંચી છલાંગ લગાવીને દોરડા ઉપર ચઢી જતાં અને કશું પણ પકડ્યા વગર, બેલેન્સ જાળવીને  દોરડાને બીજે છેડે પહોંચી જતાં જોયો. ચોરો એ નટને ઉપાડી લાવ્યા અને ધમકી આપીને કહ્યું, તું છલાંગ લગાવીને હવેલીના પહેલે માળે આવેલી બાલ્કનીમા પહોંચી જા અને ત્યાંથી દોરડું બાંધીને ફેંક. આદતસે મજબુર નટે કહ્યું, પણ તમે લોકો પહેલાં નગારું તો વગાડો.
સામાન્ય રીતે ચોરો લુંટ્ફાટ કરવા માટે એકલ દોકલ મુસાફરોને પસંદ કરતાં હોય છે અને એકાંત સ્થળ પસંદ કરતાં હોય છે, જેથી પકડાઇ જવાની શક્યતા ઓછી રહે.  પણ કેટલાંક ચોર ભલાં, દયાળુ અને હિમ્મતવાળા હોય છે.
ચોર : માફ કરજો, સાહેબ. તમે શું પેલી નદી તરફ જઇ રહ્યા છો ?’
 મુસાફર : ના ભાઇ ના.
ચોર : તો પછી મારે મજબુરી વશ તમને અહીં જ લુંટવા પડશે.
નેતાઓ અને રાજકારણીઓ ભ્રષ્ટાચાર ના પ્રતિકરુપ ગણાય છે. વકીલો જુઠના પ્રતિકરુપ ગણાય છે. તેમ ચોર-લુંટારાઓ અપ્રમાણીકતા  અને ક્રુરતા ના પ્રતિકરુપ ગણાય છે. જો કે કેટલીક વાર વ્યક્તિ પોતાના વ્યવસાયથી વિપરીત પણે પણ વર્તન કરતાં નજરે પડે છે. રાત્રિના અંધકારમા દોડતો જઈ રહેલો એક માણસ એક હવાલદાર સાથે અથડાઇ ગયો.
હવાલદાર : અબે એય, કોણ છે તું ?
માણસ : સાહેબ, ચોર છું.
હવાલદાર : (હળવેથી એને દંડો ફટકારતાં) પોલીસવાળા સાથે મજાક કરે છે ? ચાલ ભાગ અહીંથી.
દરેક ચોરની ચોરી કરવાની અલગ અલગ સ્ટાઇલ હોય છે. કોઇ દિવસે અજવાળામા ચોરી કરે, કોઇ રાત્રે અંધકારમાં. કોઇ એકલાં એકલાં ચોરી કરે તો કોઇ સંગાથમા. એક અદાલતમા જજે આરોપીને પૂછ્યું, તું ઘરનું  છાપરું તોડીને ચોરી કરવા પ્રવેશ્યો હતો, સાચી વાત ?’ આરોપી : હા, સાહેબ. શું કરું એક તો ઘરના પ્રવેશદ્વારે લખ્યું હતું, અજાણ્યા લોકોએ પ્રવેશ કરવો નહી અને બીજું, પ્રવેશદ્વાર પર ચોકીદાર પણ તો બેઠો હતો.
જેલમા દરેક કેદી પાસે કંઇ ને કંઇ કામકાજ કરાવવામા આવે છે, એમને હુનર શીખવવામા આવે છે. જેથી સુધરી ગયેલા કેદીઓ જેલની બહારની દુનિયામા જાય ત્યારે પ્રામાણીક અને સ્વાવલંબી જીવન જીવી શકે.  થોડાઘણા ભણેલા એક કેદી ને જેલરે કહ્યું, હું વિચારું છું કે તારી પાસે કોઇ કામ લેવું જોઇએ, તું કેવા પ્રકારનું કામ કરી શકે ?’ શિક્ષિત ચોરે જેલરને કહ્યું, એક અઠવાડિયું પ્રેકટીસ  કરું તો પછી તમારા બધા ચેકોને સહી કરી શકું. (ઊંચે લોગ, ઉંચી પસંદ)
ચોર લોકોને થાપ આપવા માટે ઘણી ગ્રુહિણીઓ અનાજના પીપમા, કઠોળના ડબ્બામા કે ખાંડની બરણીમા પૈસા છુપાવીને રાખે છે.  જુના જમાનામા લોકો જમીનમા ખાડો ખોદીને સોનામહોરો દાટી રાખતા. એક ઘરમા તિજોરી પર સુચના લખી હતી, તિજોરી તોડશો નહી. એને ખોલવા માટે એના હેંડલને ડાબી બાજુ ઘુમાવો. ચોરી કરવા ઘરમા ઘૂસેલા ચોરે સુચના મુજબ હેંડલ ઘુમાવ્યું તો સાઇરન વાગવા માંડી અને ચોર પકડાઇ ગયો. કોર્ટમા રજુ કરાયેલા એ ચોરને જજે પૂછ્યું, તારે તારી સફાઇમા કંઇ કહેવાનું છે?’ ચોર બોલ્યો, નામદાર! શરાફત પરથી તો મારો વિશ્વાસ જ ઊઠી ગયો છે.
આ ચોર નો ભલે શરાફત પરથી વિશ્વાસ ઊઠી ગયો હોય પણ આ પતિ મહાશયનો એમની પત્નીની રસોઇ પર સંપૂર્ણ વિશ્વાસ જોવા મળે છે.
પત્ની: અરે ઉઠો, ઘરમા કોઇ ચોર ઘુસી ગયો છે, અને ફ્રીઝ ખોલીને એમાંથી ખાવાનું ખાઇ રહ્યો છે.
પતિ: ખાવા દે એને ! મારો બેટો એ જ લાગનો છે.


Wednesday, 17 January 2018

ઊંઘ.

ઊંઘ.               પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-મીનાબેન, તમે બુક, મનની શક્તિ અપાર વાંચતાં હતાં તે વંચાઇ ગઇ?
-ના, પલ્લવીબેન. થોડા પાના વાંચ્યા છે.
-મેં તમને થોડા દિવસ પહેલાં પૂછ્યું હતું ત્યારે પણ તમે આ જ જવાબ આપ્યો હતો.
-અને થોડા દિવસ પછી તમે પૂછશો તો પણ હું એ જ જવાબ આપીશ.
-કેમ, એમ?  શ્રી દોલતભાઇ દેસાઇની એ બુક તો ખુબ જ સરસ છે. તમને એ બોરીંગ લાગી?
-ના, ના. એવું નથી. એ  બુક તો ઇન્ટરેસ્ટિંગ જ છે.
-અચ્છા! સમજી. થોડા સમયથી તમારા ઘરે વારંવાર અને ઘણા મહેમાનો આવ્યા હશે  એટલે તમે બુક નહીં વાંચી શક્યા હોવ, હેં ને?
-ના રે, જ્વલની પરીક્ષા છે એટલે  હમણાંના તો મહેમાનો પણ ખાસ આવ્યા નથી.
-તમારી તબિયત નરમ ગરમ ચાલે છે કે પછી ઘરમાં કોઈ સાજુ માંદુ છે?
-અરે નહીં પલ્લવીબેન, ભગવાનની દયાથી હમણાં તો ઘરમાં બધાની તબિયત એકદમ ઓલરાઈટ છે.
-હં હં. તો તો પછી ચોક્કસ તમને ઓફિસ અને ઘરના કામકાજમાંથી સમય નથી મળતો એટલે બુક નથી વંચાતી, બરાબર ને?
-પલ્લવીબેન, સાચું કહું તો - હું ધારું તો આખા દિવસમાં  મને એટલીસ્ટ એકાદ કલાક જેટલો સમય તો  બુક વાંચવા માટે મળી જ રહે. પણ થાય છે શું કે - હું માંડ બે-ત્રણ પાના વાંચું એટલે મને ઊંઘ આવવા માંડે છે. માત્ર આ જ બુક નહીં, કોઇ પણ બુક વાંચું ત્યારે આવું જ થાય છે. ઓફિસનું કે ઘરનું કામકાજ હું વહેલી સવારથી મોડી રાત સુધી કરું તો પણ હું થાકું નહીં. પણ જેવું કંઇ વાંચવાની શરુઆત કરું કે મને તરત જ ઊંઘ આવવા માંડે છે.
સામાન્ય રીતે કોઇ કંટાળાજનક પ્રવૃતિ કરતાં હોઇએ ત્યારે આપણને  બગાસાં અને ઊંઘ આવે છે. કોઇ સી ગ્રેડની હિંદી ફિલ્મ જોતાં, કોઇ સભામાં નેતાઓના ભાષણ  સાંભળતાં,  ક્લાસમાં પ્રોફેસરોના લેક્ચરો સાંભળતાં કે ટી.વી. પર કોઇ મેલોડ્રામેટિક હિંદી સીરીયલો જોતાં આપણી આંખ મીંચાવા લાગે છે. ઘણાંને નિદ્રાદેવીનું વરદાન હોય છે, એમને પથારીમાં પડતાં વેંત ઊંઘ આવી જાય છે. તો ઘણાંને ઉંઘ લાવવાના પ્રયત્નમાં જ સવાર પડી જાય છે.
-વિશુ, શુ કરે છે, આરોહી?  એકવાર મેં મારી ભત્રીજાવહુને એની દોઢ વર્ષની દિકરી વિશે ફોન પર પૂછ્યું.
-એ ધમાલ કરે છે, ફોઇ. આખો દિવસ મને એની પાછળ ફેરવે છે. ઘડીભર એનાં રમકડાંથી રમે, ઘડીકમાં ટી.વી. કે એ.સી.ના રીમોટથી રમે,  ઘડીકમાં સોફા, હિંચકા કે ટીપોઇ પર ચઢી જાય અને ઉતરતાં ન ફાવે તો ગબડી પડે,  ક્યારેક કીચનમાં જઈ ડ્રોઅર્સ ખોલીને વાસણો કાઢે, ક્યારેક લાઇટ કે પંખાની સ્વીચ ઓફ-ઓન કરે. એ સુઇ જાય પછી જ હું કંઇ કામ કરી શકું. સાંજની રસોઇ પણ એ બપોરે સુતી હોય ત્યારે જ કરવી પડે છે.  હું અને પાર્થ એની પાછળ એટલા તો થાકી જઈએ કે રાત્રે એ જેવી સુઇ જાય કે તરત અમે પણ બધાં જ કામો બાજુ પર મુકીને ઊંઘી જઈએ.
 સિંહ તો સૂતેલો જ સારો  એવી કહેવત ભલે સાચી હોય, પણ નાનાં બાળકોના માતા-પિતાને એમનું બાળક ઊંઘતું હોય એ સ્થિતિ પરમ રાહતમય લાગે છે. ગમે તેવો ઉત્પાતિયો કે ધમાલિયો માણસ પણ ઊંઘતો હોય ત્યારે કેવો શાંત અને નિર્દોષ લાગે છે. હું તમને મારો જ અનુભવ કહું. મારો મોટો દિકરો જિગર નાનો એટલે કે આરોહીની ઉમરનો હતો ત્યારે એટલો  ધમાલિયો હતો કે એણે એકવાર રસોડામાં જઈને લોટ ભરેલો ડબ્બો ઉથલાવી નાંખ્યો હતો. એકવાર ટીપોય પર ચઢીને કુદકો મારતાં હાથમાં હાડવૈધનો પાટો આવ્યો હતો.એ એટલો તો ચંચળ હતો કે એનું નામ મેં પારો (મરક્યુરી) પાડ્યું હતું.
મારો નાનો દિકરો સાકેત પણ નાનો હતો ત્યારે એવો જ ધમાલિયો હતો. એકવાર અમારા  મિત્રના ઘરે ક્યાંકથી બર્નોલ (દાઝ્યા પર લગાડવાનો મલમ) ની ટ્યુબ એના હાથમાં આવી જતાં અમારી સૌની નજર ચુકાવીને એણે મલમ એના હાથે-પગે લગાવી દીધો હતો. રમત ગમતમાં એ એટલો તો મશગુલ થઈ જતો કે એને પોતાને જ ઇજા થઈ જાય એની ખબર એને નહીં રહેતી. પરિણામે એને વારંવાર પાટાપીંડી કરવા પડતા. અને અમારા મિત્રો એને વીર પટ્ટીવાળો ના નામે ઓળખતાં. તેથી એને ઊંઘાડવા હું અનેક પ્રયત્નો કરતી.  મને પણ એ ઉંઘતો હોય ત્યારે વિશેષ વહાલો લાગતો.   
ટુંકમાં કહું તો નાના બાળકોને ઊંઘાડવા મા-બાપ ખાસ પ્રયત્નો કરતાં હોય છે. એમાં એક પ્રયત્ન હાલરડું ગાવાનો પણ છે. પણ મા નો અવાજ કર્કશ હોય તો બાળક તો ઊંઘતાં ઊંઘે, પણ ઘરમાં બાકી બધાંની ઊંઘ ઊડી જાય છે. હવેનાં મા-બાપ તો બાળકોને ઊંઘાડવા નર્સરી રાઇમ્સ (પોએમ્સ) બા બા બ્લેક્શીપ... એ બી સી ડી ઇ એફ જી, ટ્વીંકલ ટ્વીંકલ લીટલ સ્ટાર’,   વગેરે સંભળાવે છે. મારા મોટા પૌત્ર કવીશને  વાર્તા સાંભળતાં અને નાના પૌત્ર આયાંશ ને છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટોસો મેરો મદન ગોપાલ સાંભળતાં ઊંઘ આવી જાય  છે. નાના બાળકો ઘોડિયામાં આરામથી સૂઇ જાય છે, અને લાંબો સમય સૂઇ રહે છે. પણ મોડર્ન મમ્મી-પપ્પા પછી એને ઘોડિયાની ટેવ પડી જાય. એવું વિચારીને  એમાં સુવડાવતાં નથી. પરિણામે બાળક અને મમ્મી-પપ્પા બન્નેની ઊંઘ બગડે છે.
 હું ઊંઘવા માટે જેવી પથારીમાં પડું કે જાણે એ જ ક્ષણની રાહ જોતાં હોય એમ  હજારો વિચારો મને ઘેરી વળે છે. ક્યાંતો આખા દિવસ દરમ્યાન બની ગયેલા બનાવો એક પછી એક યાદ આવવા માંડે અથવા આવતી કાલે ઘરના કે બહારના શું શું કામો કરવાના બાકી છે તે યાદ આવવા માંડે.એનાથી મન થાકે ત્યારે માંડ માંડ ઊંઘ આવે. ક્યારેક કોઇ પંક્તિઓ યાદ આવે અથવા હાસ્યલેખના મુદ્દા યાદ આવે, પછી ભૂલી જઈશ એમ વિચારીને એ કાગળ પર ટપકાવી લઉં ત્યારે  માંડમાંડ નિદ્રાદેવી મારા પર પ્રસન્ન થાય. ક્યારેક ટી.વી. પર જોયેલી સીરીયલોના પાત્રો યાદ આવે અને હવે આગળ ઉપર એમની સાથે શું થશે?’ એની ચિંતામાં ઊંઘ ઊડી જાય. મિંયા દૂબલે ક્યું? તો સારે ગાંવકી ફિકર. જેવું મારું ઊંઘની બાબતમાં છે.
અને મારા પતિદેવ  જીતેંદ્ર! એમને એમની ઉંઘ બહુ વહાલી. બાબુ મોશાય, જિંદગી બડી હોની ચાહિયે, લંબી નહી. એવો ડાયલોગ રાજેશખન્ના, આનંદ ફિલ્મમાં અમિતાભની સામે બોલે છે.  મને પણ એ સાચું લાગે છે. પણ મારા પતિદેવ માને છે, કે ઊંઘ જેટલા વધુ કલાકો મળે એટલી સારી. મને એમની આ માન્યતા સામે કોઇ વાંધો નથી. પણ એમને મારી ઓછી ઊંઘ સામે સખત વાંધો છે. એમનું કહેવું એવું છે કે એ ઊંઘતાં હોય અને હું જાગતી હોઉં (પ્રવૃતિશીલ હોઉં)  ત્યારે એમની ઊંઘ અવાજને કારણે ડીસ્ટર્બ થાય છે. મને એક કવિની પંક્તિ યાદ આવે છે. સૌને ચાહવાને મેં લીધો હતો જનમ, વચ્ચે તમે જરા વધારે ગમી ગયા.  આમ તો મારા પતિદેવ રોજ સવારે ૭ વાગ્યે જાગી જાય છે, પણ જે દિવસે સવારે ૮ વાગ્યે જાગે છે, તે દિવસે હું કહું છું, આમ તો તમે ઊંઘવાને જ લીધો તો જનમ, પણ આજે તમે જરા વધારે ઊંઘી રહ્યા.’
કેટલાક આદર્શવાદી શિક્ષકો સાથે આવું થાય છે:
શિક્ષક: (વર્ગમાં ઊંઘતાં વિધાર્થીને જગાડીને) પણ તું મારા વર્ગમાં ઊંઘી જ શી રીતે શકે?
વિધાર્થી: સાહેબ, એવું કંઈ નથી, તમે જરા ધીમેથી બોલો તો હું ચોક્કસ ઊંઘી શકું.
Wednesday, 10 January 2018

આબરુ.

આબરુ.              પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.
દ્રશ્ય :૧ 
-પિનલ બેટા, હાથ-મોં ધોઈ લે, વાળ ઓળી લે અને ફ્રોક બદલી નાંખ.
-કેમ મમ્મી, કોણ આવવાનું છે?
-અમી આન્ટી અને અનિલ અંકલ આવવાના છે.
-ઓકે મમ્મી, કયું ફ્રોક પહેરું?
-કોઈ પણ પહેર, પણ જરા સારામાંનું પહેરજે.
-મમ્મી, મીકી માઉસવાળું પિંક ફ્રોક પહેરું?
-મીકી વાળું પિંક ફ્રોક? ગાંડી થઈ છે કંઈ?
-કેમ મમ્મી, એ ફ્રોક ન પહેરાય? એ કેવું સરસ ફ્રોક છે.
-બેબી, એ પાર્ટીમાં પહેરવાનું ફ્રોક છે, ઘરમાં ન પહેરાય.  તને ખબર છે એ થ્રી થાઉસન્ડ રૂપીસનું આવ્યું છે?
-તો પેલું બ્રાઉન કલરનું વ્હાઈટ લેસવાળું થ્રી હંડ્રેડ રૂપીસવાળું ફ્રોક પહેરું? મને એ પણ ગમે છે.
-છી, એ તે કંઈ ફ્રોક છે? કોઈ આવવાનું હોય ત્યારે એવું ફ્રોક પહેરાય કે બેબી?
-કેમ ન પહેરાય મમ્મી? રીના આન્ટી અને રોમેશ અંકલ આવ્યા ત્યારે તેં મને એ જ ફ્રોક પહેરાવ્યું હતું ને?
-રીના આન્ટી આવે ત્યારની વાત જુદી છે, બેબી.
- મને સમજાયું નહીં. કહેને વાત  જુદી કઈ રીતે મમ્મી?
 -તેં નહોતું જોયું, રીના આન્ટીએ કેવી સાડી પહેરી હતી તે?
-કેવી સાડી પહેરી હતી, મમ્મી? મને તો સારી જ લાગી હતી.
-અરે, ધૂળ સારી, સાવ ચીંથરા જેવી હતી. હું તો એવી સાડી મસોતાં તરીકે પણ ન વાપરું, સમજી?
-તારી વાત મને સમજાતી નથી, મમ્મી. આ મસોતું શું હોય?
-મસોતું એટલે પોતું મારવાનું કપડું. પણ તું જા હવે. કોઈ સારું ફ્રોક પહેરીને તૈયાર થા.  
-ગ્રીન કલરનું ફ્રોક પહેરું? વન થાઉસંડ રૂપીસવાળું?
-હા, એ ઠીક રહેશે, અમી આન્ટી અને અનિલ અંકલ આગળ જરા રૂઆબ પડશે આપણો. એમને પણ ખબર તો પડે કે સમાજમાં આપણી આબરૂ કેવી છે.
- આપણી આબરૂ કેવી છે, મમ્મી ?
-સવાલ કર્યા વગર તું જા હવે, કપડા બદલ.

દ્રશ્ય :૨ 

-સુધીર, આજે ઓફિસે જતી વખતે આપણા ગોર મહારાજ ને કહેતા જજો કે ઘરે આવી જાય.
-ગોર મહારાજ નું તને વળી અત્યારે શું કામ પડ્યું?
-સત્યનારાયણ ભગવાનની કથા કરાવવાની છે, તે માટે દિવસ નક્કી કરવા.
-કથા? તેં કથાની માનતા માની હતી?
-માનતા માન્યા વગર કથા ન કરાવાય?
-કરાવાય, પણ હજી હમણા ચાર મહિના પહેલાં જ તો તેં કથા કરાવી હતી ને? અને એના બે મહિના પહેલાં પણ કંઇ પૂજા કરાવેલી.
-તો શું થયું? બાજુવાળા દક્ષાબેન તો દર બે મહિને કથા કરાવે છે. અને તમે જોયું નહીં કે એના ઘરમાં દર બે મહિને નવી નવી વસ્તુઓ આવે છે.  અને પેલી  શીલાડી તો દર પૂનમે કથા કરાવે છે,  એની શેફાલીને કેવો સરસ રૂડો-રૂપાળો  મહિને બે લાખ રૂપિયા કમાતો વર મળ્યો છે. પેલી સ્નેહા તો કોઇની પણ વર્ષગાંઠ હોય કથા કરાવે અને કરાવે જ. અને સોના-ચાંદી-હીરા-મોતીનાં દાગીના વસાવે છે. તમને ભલે ન હોય, પણ મને તો ભગવાન પર પહેલેથી જ ઘણી શ્રધ્ધા!
-અચ્છા, તારી પાસેથી શ્રદ્ધા માટેની આ મેં નવી થીયરી જાણી, ભગવાનની  કથા, ભક્તિ માટે નહીં, પણ વસ્તુઓ વસાવવા માટે અને અવનવી માંગણીઓ પૂરી કરાવવા માટે ભગવાનને લાંચ આપવા માટે કરાવવામાં આવે છે, અને એને તું શ્રધ્ધા કહે છે.
-તમે ય તે શું? બધા કથા કરાવે અને આપણે ન કરાવીએ તો આપણી શું આબરૂ રહે? લોકો તો આપણને નાસ્તિક જ કહે ને?
-ઓહ ! ગજબ છે તારો આ આલાપ, આબરૂ, આબરૂ, આબરૂનો. તને ખબર છે,  “સબ સે બડા રોગ, ક્યા કહેંગે લોગ ?”
-મારે તમારી સાથે જીભા-જોડી નથી કરવી, બસ, તમે જતાં જતાં  ગોરમહારાજ ને કહેતા જાવ એટલે વાત પતે.
-જો હુકમ મેરે આકા! મારે માટે બીજું  કોઈ ઓપ્શન પણ શું છે ?

દ્રશ્ય:૩

-મમ્મીજી, તમે સ્મિતા આન્ટીના ઘરે જાવ છો?
-હા, વહુ બેટા, કંઈ કામ છે તારે?
-આપણા ઘરે  સ્મિતા આન્ટીનો આ સ્ટીલનો ડબ્બો પડ્યો છે, તે આપતાં આવશો?
-ભલે, પણ ડબ્બામાં શું ભર્યું છે?
-ખજૂરપાક છે, કાલે બનાવ્યો તે.
-ખજૂરપાક? તું ય ખરી છે ને.
-કેમ મમ્મીજી, તમે આવું કેમ કહો છો?
-તને ખબર છે એણે ડબ્બામાં શું મોકલ્યું હતું?
-હા, મકાઈનો ચેવડો મોકલ્યો હતો.
-તું ભલે કહે એને મકાઈનો ચેવડો. બાકી હું તો કહું છું, નર્યા મકાઈના પૌઆ તળીને ભર્યાતા. કાજુ-દ્રાક્ષ કે કોપરું તો સમ ખાવા પૂરતું ય નહોતું નાખ્યું. પાછી કહેતી હતી, “ લો, મકાઈનો ચેવડો કર્યો છે, તાજો જ છે, છોકરાંઓ ખાશે.” જાણે આપણા છોકરાં એના ચેવડા વગર ભૂખે મરી જવાના હશે.
-પણ મમ્મીજી, સ્મિતા આન્ટીએ ગયા રવિવારે આપણને બદામપાક નહોતો મોકલ્યો?
-મોકલ્યો હતો તો એમાં શું નવાઈ કરી? એને બદામ કોણ આપી ગયું હતું કહે તો જોઉં?
-અનિલભાઈ અમેરિકાથી લાવ્યા હતાં.
-હા, બરાબર.  અને એ અનિલ સ્મિતનો  કોણ થાય?
-સ્મિતા આન્ટીના કાકાનો દિકરો.
-બરાબર. એનો તો એ કાકાનો દિકરો થાય, પણ મારી તો સગી બહેનથી પણ વધારે એવી મણીનો દિકરો થાય. એ બદામ લાવ્યો અને સ્મિતાડીએ બદામપાક કરીને મોકલ્યો તો એમાં શું નવાઈ કરી?
-ઠીક મમ્મીજી, પણ એના પહેલાં પણ એમણે એકવાર દૂધીનો હલવો અને એકવાર શીરો મોકલ્યો હતો, તે યાદ છે ને?
-વહુ, તું મને એટલી ભૂલકણી ન સમજતી. આજથી વીસ વર્ષ પહેલાંકોણ, ક્યારે અને શું આપી ગયું હોય, તે બધું જ મને યાદ હોય,  એટલું જ નહીં એની સામે મેં કોને, ક્યારે અને શું આપેલું તે પણ મને બરાબર યાદ હોય, સમજી? સ્મિતાએ હલવો આપેલો તો મેં એની સામે એની દીકરીને પૂરા એકાવન  રૂપિયાની ભેટ નહોતી આપી?
-એ તો એની વર્ષગાંઠ હતી એટલે. અને તમારા દિકરાએ તો એ વખતે બસો એકાવન આપવાના કહ્યા હતા, પણ તમે...
-એ જે હોય તે. વહુ, તું એક વાત બરાબર સમજી લે. સામેવાળા કરે તેટલું જ આપણે કરવું જોઈએ એવું કોણે કહ્યું? આ મોંઘવારીના જમાનામાં આપણે બહુ વિચારીને ખર્ચા કરવાના, દાબીને પગ મૂકવાનો. મનમાં આવે એમ ખર્ચા કરીએ અને લોકોને આમ વહેંચવા બેસીએ તો કુબેરના ભંડાર પણ ખાલી થતાં વાર નહીં લાગે, સમજી કંઈ?
-ઠીક મમ્મીજી, સમજી ગઈ, લો આ ડબ્બો.
-વહુ, આમાંથી ખજૂરપાક કાઢી લે અને એમા મસાલાપૂરી ભરી દે. અને હા, ડબ્બો ભરતાં પહેલા ઘસીને પછી ભરજે. ક્યાંક ખબર પડી જશે કે ખજૂરપાક કાઢીને પૂરી ભરી છે તો આપણી આબરુ શું રહેશે?

Wednesday, 3 January 2018

ઓ સાથી રે..તેરે બીના ભી ક્યા જીના?

ઓ સાથી રે..તેરે બીના ભી ક્યા જીના       પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

મહેશ: તારી પત્નીના મૃત્યુ પછી, તને આનાથી ઘણી સારી સારી છોકરીઓ જીવનસાથી તરીકે મળતી હતી. છતાં તેં તારી કુરુપ સાળી સાથે જ બીજા લગ્ન કરવાનું કેમ વિચાર્યું?
રમેશ: કેમ કે હું બીજી અજાણી સાસુ નું  રીસ્ક લેવા માંગતો નહોતો. તેં સાંભળ્યું તો હશે જ કે,  અજાણ્યા દોસ્ત કરતાં, જાણીતો દુશ્મન સારો.
આપણા ગુજરાતી સમાજમાં સાસુ નામનું વિચિત્ર પ્રાણી, વહુ કે જમાઈ માટે ખતરારૂપ છે. સાસુ-વહુ કે સાસુ-જમાઈના સંબંધો, ભારત-પાકિસ્તાનના સંબંધો જેવા છે.  એક તરફ જમાઈ ઘરે આવે તો, ઓહોહો! આવો, આવો, જમાઈરાજા. ભલે પધાર્યા. આપ પધાર્યા તો ધનભાગ્ય અમારા  એવા ઉપર ઉપરથી ઠાલા આવકારના ઉદગારો છે, અને બીજી તરફ, જમાઈ એટલે દસમો ગ્રહ એવી કહેવત પ્રચલિત છે.
સસરા-જમાઈના સંબંધો પણ કંઈ ઉત્સાહ પ્રગટાવે એવા તો નથી જ હોતા. જમાઈને  થાય કે, સસરાની દીકરી વહેતી સરિતા જેવી સુંદર છે, પણ સસરો મારો હિમાલય જેવો અડગ ને ખડકાળ છે. તો સસરાને થાય, મારી ફૂલ જેવી કોમળ દીકરીને આ જમડો પટાવીને લઈ ગયો, કાગડો દહીંથરું લઈ ગયો.’
સાસુ-વહુના સંબંધોની તો વાત જ શી કરવી? એક પ્રખ્યાત લોકગીત છે, મારી સાસુએ એમ કહ્યું કે કોઢમાં દીવો મેલ, મેં ભોળીએ  એમ જાણ્યું કે સોડમાં(સાસુની) દીવો મેલ. વહુથી જાણીજોઈને તો સાસુને કંઈ કહેવાય નહીં કે સાસુ સાથે પંગા  લેવાય નહીં, તેથી ભોળપણનાં બહાને જે કંઈ કરી શકાતું હોય તે કરી છૂટે છે બિચારી. અને સાસુમા?   મોટે ભાગે સાસુ-વહુના સંબધો  તો તૂ તૂ મૈં મૈં ના જ હોય. એ કેવા હોય તે જાણવું હોય તો કોઈ પણ મેલોડ્રામેટીક હિંદી ટીવી સીરીયલ જોઈ લેવી
કદાચ કોઈ  સાસુ-વહુના સંબંધો મા-દીકરીના સંબંધો જેવા મીઠાં હોય, કે કોઈ સસરા-જમાઈના સંબંધો બાપ-દિકરા જેવા સરસ હોય પણ ખરાં. પણ લોકોને તો શંકા જ થાય, ભાઈ, આ તો હાથીના દાંત છે, ચાવવાના જુદા અને બતાવવાના જુદા.  મેં આ બધાંથી અલગ જ હોય એવા એક કિસ્સાના સમાચાર ન્યૂઝ પેપરમાં થોડા સમય પહેલાં વાંચ્યા. “સાસરિયાના ત્રાસથી કંટાળીને પતિએ કરેલી આત્મહત્યા-  દહેજમાં પતિનો ભોગ લેવાયાનો બનેલો અજીબો ગરીબ કિસ્સો.”
બનાવની વિગત એવી હતી કે, સાબરકાંઠા જિલ્લામાં રહેતાં, એસ-ટી. બુથમાં કામ કરતાં, બાબુભાઈએ મધુ નામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતી છોકરી સાથે લગ્ન કર્યા હતાં. બન્નેનું લગ્નજીવન ઠીક-ઠાક ચાલતું હતું. બન્ને સુખી અને સંતોષી હતાં.
પણ જેમ દિવસ પછી રાત આવે છે, એમ સુખ પછી દુ:ખ આવે છે. આ બન્નેના જીવનમાં પણ એવું જ બન્યું. મધુના પિતા એટલે કે બાબુભાઈના સસરા આ બન્નેના જીવનમાં વંટોળ બનીને આવ્યાં અને બધું છિન્ન-ભિન્ન કરી નાંખ્યું. જે ઝાડ વાવે, એનો અધિકાર એ ઝાડના ફળ પર હોય’, એવું આત્મજ્ઞાન લાધવાથી સસરાએ જમાઈને કહ્યું કે, મધુના પગાર પર અમારો હક્ક છે એમણે એ પગાર લેવા મધુના ભાઈને એટલે કે પોતાના દિકરા હિતેશને બાબુભાઈ પાસે મોકલી આપ્યો.
બાબુભાઈએ મધુનો પગાર હિતેશને આપવાની ના પાડી, એટલે હિતેશ ધોયેલા મૂળા જેવો પાછો ગયો. પણ સસરાએ હાર ન માની. તેઓ વારંવાર જમાઈ પાસે પૈસાની ઉઘરાણી કરવા લાગ્યા, સસરાની ઉઘરાણીથી જમાઈ બાબુભાઈ કંટાળી ગયો. મધુએ એને સમજાવતાં કહ્યું કે પોતે પિતાની સાથે આ બાબતમાં વાત કરશે, અને એમને સમજાવશે. મધુના કહેવાથી  આ વાત તત્પૂરતી તો ઠેકાણે પડી, સસરા થોડા શાંત પડ્યા  અને બાબુભાઈએ નિરાંતનો  દમ  લીધો.
ત્યાં જ મધુને સારા દિવસો છે, ની જાણ થઈ. આ સારા દિવસો બાબુભાઈ માટે ખરાબ દિવસો પૂરવાર થયા.  મધુને ડિલિવરી માટે એના પિયર મોકલવાની બાબુભાઈની મરજી નહોતી, છતાં સમાજના  રિવાજ મુજબ  ડિલિવરી માટે મધુ પિયર ગઈ. પણ થોડા દિવસમાં જ  એને ત્યાં મીસકેરેજ થઈ ગયું. થોડા દિવસો બાદ  બાબુભાઇ મધુને લેવા સાસરે પહોંચ્યો.
સસરા: કહો જમરાજા, આઈમીન જમાઈરાજા, શીદને પધાર્યા છો?
બાબુભાઈ: મધુને તેડી જવા આવ્યો છું.
સસરા: એ...મ? તમને કોઈએ આમંત્રણ મોકલ્યું હતું કે?
બાબુભાઈ:આમંત્રણની રાહ જોવા બેસું તો મારું મરણ આવે, પણ આમંત્રણ નહીં.
સસરો: તમારે માટે એ જ યોગ્ય છે.
બાબુભાઈ: મારે મધુને મળવું છે.
સસરો: તમે એને નહીં મળી શકો. 
બાબુભાઈ: શા માટે? મધુ મારી પત્ની છે, એને મારી સાથે લઈ જવાનો મને હક્ક છે.
સસરા: અચ્છા! તો હવે મને કાયદો બતાવો છો? મધુ નહીં આવે, જાવ, તમારાથી થાય તે કરી લો.
બાબુભાઈ: હું મધુને લીધા વગર પાછો જવાનો નથી. સીધી રીતે મોકલો, નહીંતર...
સસરા: મને ધમકી આપે છે? કહે, નહીતર શું કરી લેશે?
બાબુભાઈ: હું...હું...હું આત્મહત્યા કરી લઈશ.
સસરો: કાલે કરતો હોય તો આજે કર. પણ હવે તું જા. ફરીથી અહીં આવ્યો છે તો ટાંટિયા તોડી નાંખીશ.
તનથી અપંગ કરી નાંખવાની સસરાની ધમકી સાંભળીને, અપમાનિત બાબુભાઈ મનથી અપંગ (હતાશ) થઈને, મધુને લીધા વિના  ઘરે પાછો ફર્યો.  
પત્નીના વિરહમાં,  ઓ સાથી રે,  તેરે બીના ભી ક્યા જીના?’ એવું લાગવાથી બાબુભાઈએ ઝેરી દવા ગટગટાવી લઈને આત્મહત્યા કરી લીધી. પત્ની માટે આવો પ્રગાઢ પ્રેમ ધરાવતા પ્રેમી પતિને ધન્ય છે.
આમ તો,  બાબુભાઈ કોર્ટમાં કેસ દાખલ કરીને,  કાયદેસર રીતે પત્નીને મેળવી શક્યા હોત એવું કદાચ ભારત દેશના કાયદા ન જાણનાર,  અને કદી પણ કોર્ટ કચેરીમાં ન જનાર વ્યક્તિ માને એમાં નવાઈ નથી. પણ રામના બાણ વાગ્યાં હોય એ જ જાણે, કોર્ટ કચેરીના ધક્કા ખાધા હોય એ જ જાણે. 
બાબુભાઈનામાં એટલી ધીરજ અને વિશ્વાસ નહોતાં. પણ એમનું કામ કાજ ચોક્કસ હતું. હિંમતનગરના ડી.એસ.પી. ને ઉદ્દેશીને, એમણે દસ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર, પોતાની આત્મહત્યાનું કારણ લખી જણાવ્યું હતું. એ સાથે,  આવો બીજો કિસ્સો ન બને એ માટે તકેદારી રાખવાનું જણાવ્યું હતું.
ડી.એસ.પી. સાહેબે પછી આ કેસમાં સસરા સામે શું  પગલાં લીધાં તે જાણવા મળ્યું નથી. પણ આવો ઓ સાથી રે... તેરા બીના ભી ક્યા જીના?’ જેવો  કિસ્સો  ત્યાર પછી મારા જાણવામાં આવ્યો નથી.