Tuesday, 30 August 2016

પીનેવાલો કો પીનેકા બહાના ચાહીએ.

પીનેવાલો કો પીનેકા બહાના ચાહીએ.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

પત્ની: પેલા ટેબલ પર જે માણસ ડ્રીંક લઇ રહ્યો છે, એને મેં લગ્ન માટે રીજેક્ટ કર્યો હતો.
પતિ: ખરું કહેવાય, આટલા વર્ષો પછી આજે પણ એ ખુશીના પ્રસંગને હજી સેલીબ્રેટ કરી રહ્યો છે.

કહેવાય છે કે હિન્દી ફિલ્મોના મહાન ગાયક મર્હુમ શ્રી સાયગલ સાહેબ હંમેશા ગાતા પહેલા દારુથી પોતાનું ગળું ભીનું કરી લેતા. ગળામાંથી સંગીતના અદભુત ‘સુર’ રેલાવવા એમને ‘સુરા’ ની જરૂરત પડતી. સુરા એમના ગાળામાં જઈને અંદર રહેલા સૂરોને ધક્કો મારીને બહાર મોકલતી હશે?

આમ તો સુરા એ દેવલોકોનું પીણું ગણાય છે. પરંતુ માનવ જાતિને પણ એ એટલું જ પ્રિય છે. કેટલાક માણસો આ પીણું પીને અકાળે દેવલોક થઇ ગયાના દાખલા મૌજુદ છે, એમાં ફિલ્મી સિતારાઓનો પણ સમાવેશ થાય છે. ફિલ્મ ‘દેવદાસ’ માં શાહરૂખ ખાને દારુડીયાની એક્ટિંગ કરવા દારુ પીને કામ કર્યું હતું. આ જોઇને એક સ્માર્ટ હિરોઈને સંભળાવ્યું, ‘શાહરૂખે મરવાની એક્ટિંગ કરવાની આવશે તો શું કરશે?’

ગાંધીજીના રાજ્ય ગુજરાતમાં વર્ષોથી ‘દારૂબંધી’ નો અમલ થાય છે. આ રાજ્યમાં લગભગ ચાલીસેક હજાર લોકો એવા છે, કે જેમની તબિયત દારુ પીધા વિના સારી નથી રહેતી. એમનું  આરોગ્ય જળવાઈ રહે તે માટે સરકારે એમને દારુ પીવાની પરમીટ આપેલી છે. સરકાર પોતાના પ્રજાજનોની કેટલી દરકાર કરે છે, નહિ? આ હિસાબે દારૂમાં આરોગ્ય જાળવવાના ગુણધર્મો હોવા જોઈએ, એવું સાબિત થાય છે.

પ્રોફેસર: (પ્રયોગ શાળામાં), વિધાર્થીઓ, આ એક ગ્લાસમાં પાણી છે અને બીજામાં આલ્કોહોલ છે. હવે હું પાણીમાં થોડા જીવડા નાખું છું, અને થોડા જીવડા આલ્કોહોલમાં નાખું છું.  જુવો, પાણીમા જીવડા જીવે છે અને આલ્કોહોલમા જીવડા મરી જાય છે, આ ઉપરથી શું સાબિત થાય છે?
વિધાર્થીઓ: સર, આ ઉપરથી સાબિત થાય છે કે આલ્કોહોલ આપણા આરોગ્ય માટે સારો છે, આપણે નિયમિત પણે આલ્કોહોલ પીવો જોઈએ, એનાથી પેટમાના જીવડા નાશ પામે છે.

ઘણી દવાઓમાં કદાચ આ જ કારણસર આલ્કોહોલ થોડી અથવા ઘણી માત્રામાં હોય છે. અને આપણે તો  બોલવામાં પણ ‘દવા –દારુ’ જેવો પ્રયોગ કરીએ છીએ. શાયર શ્રી મનહર દીલદારે દારુ માગવાની બાબતે શરમાળ લોકો માટે એક મજાની પંક્તિ લખી છે, ‘હું બાકી છું, હું બાકી છું હવે બોલ્યા ભલા માણસ? સુરા વહેંચાઇ રહી હતી ત્યારે બોલવું જોઈએ’ એક બીજા શાયરે સુરા માટે એવું પણ લખ્યું છે કે – ‘બોટલમાં હતી ત્યારે કેટલી શાંત હતી, ગળાની નીચે ઉતરી અને આગ થઇ ગઈ’ 
  
સારું છે કે ગુજરાતમાં વર્ષોથી તમાકુ – ચરસ – ગાંજો અને દારૂ ની બંધી હોવા છતાં જાણીતા કવિ શ્રી વેણીભાઈ પુરોહિતની  ‘તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી, તારા રૂપની પુનમનો પાગલ એકલો’ ગાવા બદલ સરકારે ક્યારેય ધરપકડ કરી નહિ. કવિ – લેખકોને પાગલ અને બંધાણી થવાની છૂટ છે (ભલે મનમાં) એટલું સારું છે. જોકે અહી ‘દારૂબંધી’ નો અર્થ ‘જાહેરમાં દારુ વેચવો કે પીવો નહિ, એમ કરો તો પકડાવું નહિ, પકડાઓ તો ઓળખાણ કે પૈસા આપી છૂટી જતા આવડવું જોઈએ’ એવો થાય છે. બાકી તો  ગુજરાતમાં દારુ છૂટથી મળે છે.

પત્ની : (દારૂડીયા પતિને) એક ડોલમાં પાણી મુક્યું હતું અને એક ડોલમાં દારુ. ગધેડો  પાણી પી ગયો અને દારુ સામે જોયું પણ નહિ, એનો અર્થ શું થયો જાણો છો?
પતિ: એનો અર્થ એ કે દારુ ન પીએ તે ગધેડો કહેવાય.

ગુજરાતના પગલે બિહારમાં પણ થોડા સમય પહેલા જ દારૂબંધી લાગુ પડાઈ છે. પણ લોકોની વર્ષો જૂની આદત એમ રાતોરાત જતી રહે? છતાં ફરજીયાત દારૂબંધીના અમલથી ત્યાં ના પુરુષો અકળાયા છે અને સ્ત્રીઓ પર અકળામણ કાઢી રહ્યા છે. ‘આ ઘર કેમ આટલું ગંદુ રાખ્યું છે?’,  ‘મુન્નાના માર્ક્સ કેમ આ વખતે આટલા બધા ઓછા આવ્યા છે?’ ‘શાકમાં મીઠું કેમ વધારે નાખ્યું છે?’ વગેરે વગેરે કહીને તેઓ પોતાની અકળામણ કાઢતાં હશે? અને એમની પત્ની  કહેતી હશે, ‘ક્યાંક થી લાવીને બે પેગ લગાવી દો, બધું બરાબર થઇ જશે.’

જે રાજ્યોમાં દારૂબંધી છે, ત્યાં દર વર્ષે લાખો – કરોડો રૂપિયાનો દારુ પકડાય છે, બુલડોઝર ફેરવીને એ બોટલોનો નાશ કરાય છે. એના બદલે એ દારૂની બીજા રાજ્યમાં અથવા બીજા દેશમાં નિકાસ કરવામાં આવે તો એ રાજ્યને અથવા ભારતને કેટલો ફાયદો થાય અને સમૃધ્ધિ પણ આવે. જો કે ગુણવત્તા ના હિસાબે એ સવાલ ઉભો થાય ખરો કે ભારતનો દારુ ખરીદે કોણ? એ કરતા ગુજરાત કે બિહારમાંથી દારૂબંધી જ ઉઠાવી લેવામાં આવે તો?

એક વર્ષે અમારા પાડોશી અમિતભાઈ એ પહેલી અપ્રીલની સવારે મારા પતિને કહ્યું:
-આવી ક્રૂર મશ્કરી તે કરાતી હશે?
-મેં તમારી કોઈ મશ્કરી કરી હોય એવું મને યાદ નથી, હું તો હજી હમણા જ ઉઠ્યો છું.
-હું તમારી વાત નથી કરતો, આ છાપાવાળાઓ ની વાત કરું છું.
-ઓહ! શું કર્યું એમણે?
-જુવોને છાપાવાળાએ આજ ના પેપરમાં છાપ્યું છે કે ગુજરાતમાંથી આજ થી દારૂબંધી ઉઠાવી લેવામાં આવે છે.
-તો શું થયું, તમારે માટે તો સારું જ છે ને? આ તો તમારા માટે ખુશીના સમાચાર કહેવાય.

મારા પતિ જાણતા હતા કે અમિતભાઈ ને પીવાનો અને પીવડાવવાનો બહુ શોખ છે. એમને બહાર ગામના કેટલાક ક્લાયન્ટ માટે અવાર નવાર ડ્રીન્ક્સની વ્યવસ્થા ગોઠવવી પડતી અને ક્યારેક એ માટે મો માગ્યા દામ પણ ચુકવવા પડતા. અને પકડાઈ ન જવાય એ માટે  પોલીસને પણ ક્યારેક હપ્તા આપવા પડતા.

-ખુશીના સમાચાર ચોક્કસ હોત પણ જો એ સમાચાર સાચા હોત. આ તો છાપાવાળાએ આપણને ‘એપ્રિલ ફૂલ’ બનાવ્યા.
-અચ્છા! એમ વાત છે?
-હા. તમને નથી લાગતું કે છાપાવાળાઓ એ આવી ક્રૂર મશ્કરી ન કરવી જોઈએ?
-આપણને તો ઘણું બધું લાગે, પણ એ બધું સાચું થોડું જ થાય?

સરકાર તો મોંઘવારી અને અવનવા કરવેરા દ્વારા દર વર્ષે પ્રજાની મશ્કરી કરતી જ આવી છે, ભલે ને એક દિવસ છાપાવાળાને પણ ચાન્સ મળતો.  મને અહી ‘ઉમરાવજાન’ ની રેખા યાદ આવે છે. એ મારકણી આંખોની અદા થી કહે છે:
‘સિર્ફ હમ હી હૈ, જો મય કો આંખોસે પિલાતે હૈ, કહેનેકો તો દુનિયામે મયખાને હજારો હૈ.’

સારું છે કે ગુજરાત સરકારને હજી આ વાતની ખબર પડી નથી કે દારુ ફક્ત સુરાહીથી નહિ પણ આંખોથી પણ પીવડાવી શકાય છે. મને ખાતરી છે કે આ વાતની ખબર ગુજરાત સરકારને પડી જાય તો એ આના ઉપર પણ ‘બંધી’ કે ‘પાબંદી’ લાવ્યા વગર રહે નહિ. 

Tuesday, 23 August 2016

યે મેરા પ્રેમપત્ર પઢકર.

યે મેરા પ્રેમપત્ર પઢકર.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

મમ્મી: મુન્ના, ક્યારનો શું કરી રહ્યો છે બહાર?
મુન્નો: મમ્મી, હું મારા ફ્રેન્ડસ જોડે ‘પોસ્ટમેન – પોસ્ટમેન’ રમી રહ્યો છું.
મમ્મી: એ વળી કઈ રમત?
મુન્નો: મમ્મી, અમે પોસ્ટમેન બનીને સોસાયટીના ઘરે ઘરે જઈને પોસ્ટ આપી આવ્યા.
મમ્મી: અને એ માટે ટપાલ આઈ મીન પોસ્ટ ક્યાંથી લાવ્યા?
મુન્નો: મમ્મી, તારા કબાટમાં ‘ખાનગી’ લખેલું લેટર્સ નું એક પેકેટ હતું ને, એ મેં લીધું.

આ તો એક જોક છે એટલે પછી મુન્નાનું શું થયું? કે મમ્મીનું શું થયું? એ પ્રશ્નો અપ્રસ્તુત છે. અને આમ પણ હવે ઈન્ટરનેટ ના ફાસ્ટ કોમ્યુનીકેશન ના જમાનામાં પત્રો લગભગ આઉટ ડેટેડ થઇ ગયા છે. પણ જ્યારે પ્રેમ પત્રોનો એક અદભૂત જમાનો હતો એ વખતની વાત તમને વાત કરું છું.

માણસ જ્યારે કોઈ ખોટું કામ કરવા જઈ રહ્યો હોય છે, ત્યારે ચોવીસે કલાક જાગતો રહેતો એનો અંતરાત્મા એને ડંખે છે, ચેતવે છે, અંત:સ્ફૂરણા દ્વારા મેસેજ મોકલે છે, ‘ હે વત્સ, સાવધાન ! તું જે કઈ પણ કરવા જઈ રહ્યો છે તે કરવા યોગ્ય કામ નથી. આગળ વધતા પહેલા ફરીથી એકવાર વિચારી લે. જો તું મારા અવાજને – તારા અંતરાત્માના અવાજને અવગણીને આગળ વધશે તો તારે કર્મના ફળ મીઠા નહિ પણ માઠા ભોગવવા પડશે. મેં તો મારી ફરજ પ્રમાણે તને ચેતવણી આપી દીધી, હવે તું જાણે અને તારું નસીબ જાણે.’
 
માણસનું નસીબ જો આ ક્ષણે પાધરું એટલે કે સારું હોય, ઠેકાણે હોય, તો એ ચંચુપાત કર્યા વગર આત્માના અવાજને અનુસરીને ખોટું કામ કરવાનું માંડી વાળે. જો કે એવું ભાગ્યે જ બને છે. મોટેભાગે તો પોતાને ‘બુદ્ધિશાળી’ ગણાવતો માણસ અંતરાત્માને ડરાવી, ધમકાવીને ચુપ કરાવી દે છે, એના અવાજને દબાવી દે  છે, ‘બેસ, બેસ, ડાહ્યલા. તને આમાં શું સમજ પડે? બુદ્ધિ ન ચાલતી હોય ત્યારે ચુપ રહેતા શીખ.’ એની આવી ધમકી  સાંભળીને અંતરાત્મા પણ ચુપ થઇ જાય. વારંવાર ની આવી દમદાટી થી કેટલાકના અંતરાત્મા લાંબા ગાળા માટે અને કેટલાકના તો કાયમને માટે ચુપ થઇ જાય છે.
માણસની બુદ્ધિ જ્યારે ખોટી પડે છે અને અંતરાત્માનો અવાજ સાચો સાબિત થાય છે, ત્યારે માણસ પોતાના ખોટા કામોને લીધે ઊંધા માથે પછડાય છે. આવે વખતે અંતરાત્મા પાછો જાગ્રત થઇ જાય છે અને સંભળાવે છે, ‘લે, મેં નહોતું કહ્યું કે આ કામ કરવા જેવું નથી? મારી વાત ન માની ને પછડાયા ને ઊંધા માથે? હાથના કર્યા હૈયે વાગ્યા ને? ભોગવ હવે તારા કર્મોને. મને ચુપ કરતો હતો, હવે પોતે જ ચુપ થઇ ગયો ને? તું એ જ લાગનો છે.’ ને માણસ પસ્તાય છે, અંતરાત્માની મનોમન માફી માંગે છે, ફરીથી એવી ભૂલો ન કરવાનું નક્કી કરે છે, થોડા સમય બાદ પોતાની આ કબુલાત ભૂલી જાય છે, અને એ જ ભૂલ ફરીથી કરવા તૈયાર થઇ જાય છે.
 
પ્રેમપત્ર લખવાની પ્રક્રિયા પણ ઘણીવાર પસ્તાવો કરવાનો વખત આવે એવી પ્રક્રિયા છે. કુંવારાઓ કદાચ મારી આ વાત માનવા તૈયાર નહિ થાય, પણ પરણેલા પુરુષો તરત જ મારી વાત સાથે સહમત થશે એની મને ખાતરી છે.કેમ કે જ્યારે પત્ની એક હાથમાં વેલણ ઝાલીને અને એક હાથ કેડ પર મૂકીને પતિને પૂછતી હોય(ખરેખર તો ઉધડો જ લેતી હોય), - ‘કેમ, પ્રેમપત્રો માં તો કેવું કેવું લખતા’તા? પ્રિયે ! તારા માટે આકાશના તારા તોડી લાવીશ, પૂનમનો ચાંદ લાવી આપીશ, તારી રાહોમાં ફૂલોની સેજ બીછાવીશ અને તને મારી બાહોંના ઝૂલામાં હેતથી ઝુલાવીશ.’

‘ક્યાં ગયા એ તમારા ઠાલાં વચનો? ચાંદ- તારા તોડી લાવવાની વાત મૂકો બાજુએ, રેશનીગ માંથી ખાંડ – કેરોસીન લાવી આપો તો ઘણું. રાહોમાં ફૂલડાની સેજ ન બિછાવો તો વાંધો નહિ, પણ બાળકોને સ્કુલેથી લઇ આવવા એકટીવા તો અપાવો, ક્યા સુધી લ્યુના જેવું ફટફટીયું ચલાવ્યે રાખું? (બાળકો પણ હવે તો એના પર બેસતા શરમાય છે) બાહોંના ઝૂલામાં ઝુલાવવાની વાતને મૂકો તડકે, માળીયેથી આટલો એક તેલનો ડબ્બો ઉતારી આપો તો પણ તમારી મહેરબાની. દાઝ તો મને એવી ચઢે  છે કે તમારા બધા પ્રેમપત્રો કબાટમાંથી કાઢીને નાખું ચૂલામાં, દેખવું ય નહિ ને દાઝવું ય નહિ. મને તો એ જ નથી સમજાતું કે તમે (પુરુષ) લોકો અમને (સ્ત્રીઓને) પ્રેમપત્રો લખીને આવા તદ્દન જુઠા-ખોટા વચનો આપીને કેમ છેતરતા હશો?

અરે બહેન! તમને શું ખબર કે પ્રેમપત્રો લખતી વખતે એ બિચારાની દાનત તમને છેતરવાની જરા ય નહોતી. પણ પ્રેમપત્રો માં શું લખાય તે વાતની જ એ નાદાન – નિર્દોષ અને બિન અનુભવી માણસને ખબર નહોતી. એને શું, આ વાતની ખબર ઘણા પ્રેમીઓને નથી હોતી. ઘણા  ઓછા લોકો જાણે છે કે – પ્રેમપત્રો લખવાની કળા ઘણી કુશળતા માંગી લે છે. એમાં ક્યાંય ભેરવાઈ ન પડાય એની કાળજી રાખવાની હોય છે. પરંતુ આ કુશળતા કે સાવધાની ઘણા અનુભવની બાદ આવે છે, અને ત્યાં સુધીમાં તો ભાઈ કે બેન કુરબાન થઇ ચુક્યા એટલે કે પરણી ચુક્યા હોય છે, ક્યાં તો પોતે જેને પ્રેમપત્રો લખ્યા હોય છે એને અથવા બીજાને.
પોતાની પ્રેમિકા પોતાને છોડીને બીજા કોઈની ડાળે જઈને બેસી ગઈ હોય, એટલે કે બીજાને પરણી ચુકી હોય છે, અને પોતાને જોઈતી પત્ની ન મળી હોય ત્યારે કેટલાક સનકી પ્રેમીઓને બદલો લેવાની ઈચ્છા જાગે છે. એ  પ્રેમિકાએ લખેલા પ્રેમપત્રોનો શસ્ત્રો તરીકે ઉપયોગ કરીને પ્રેમી એને ‘બ્લેકમેલ’ કરે છે. જેનાથી પેલી ‘વ્હાઈટ ફીમેલ’ એટલે કે ડરની મારી ‘ફિક્કી’ પડી જાય છે.

પ્રેમપત્રો લખવામાં જો પ્રેમીજને મૂર્ખતાની તમામ સરહદો વટાવી દીધી હોય, એટલે કે ન લખવા જેવું પણ ભરડી નાખ્યું હોય, ઉપરથી એવા પ્રેમપત્રો નો નાશ કરવાને બદલે મિલકતની જેમ કબાટમાં સંઘરીને બેઠા હોય, નસીબ કાણા હોય, તો આ ખજાનો પતિ અથવા પત્નીના હાથમાં આવી જાય, તો પછી તો – અહાહાહા ! એમના લગ્ન જીવનમાં ‘બોમ્બ વિસ્ફોટ’ થાય છે. અને વકીલોને કમાણી નું સાધન મળી રહે છે, અદાલતમાં લોકોને મનોરંજન મળી રહે છે. નિર્દોષ અને મજાના લાગતા આવા  પ્રેમપત્રો એ ઘણા  પ્રેમીજનોની પત્તર ખાંડી છે.
ક્યારેક પ્રેમપત્ર ભૂલથી પ્રેમિકાના બદલે એના પરમ પૂજ્ય પિતાશ્રીના હાથમાં જતો રહે તો હાડકા ભાંગવાને કારણે પ્રેમીએ હોસ્પીટલમાં જવાનો વારો પણ આવી શકે છે. અથવા આવા કેસમાં પ્રેમી જો લાખોપતિ કે કરોડપતિ પિતાનો પુત્ર હોય તો જીવનભરની જેલ (લગ્ન બંધન) માં જવું પડે છે. આમ પ્રેમપત્રો ક્યારેક ‘બેધારી તલવાર’ જેવી અસર પણ ઉપજાવે છે. એટલે મિત્રો, ક્યારેક તમને પ્રેમપત્ર લખવાનું મન થાય, તો આ બધી બાબતોનું ધ્યાન રાખીને પ્રેમપત્ર લખજો.

ગમે તેવી અડગ મનોબળ વાળી વ્યક્તિ હોય તો પણ પ્રથમ વાર પ્રેમપત્ર લખતી વખતે થોડી પળો માટે તો એનો આત્મવિશ્વાસ ડગમગી જ જાય છે, અને એ ‘યે મેરા પ્રેમપત્ર પઢકર તુમ નારાજ ના હોના’ એવું લખવા પ્રેરાય છે. પછી પ્રેમિકાને મસ્કા મારતા લખે છે, ‘કી તુમ મેરી જીંદગી હો, કી તુમ મેરી બંદગી હો’  બદનસીબે એ જ પ્રેમિકા ને પરણી જાય તો વર્ષો પછી એ પ્રેમિકા એને ‘મૌત’ સમાન અને ‘બદદુવા’ સમાન લાગવા માંડે છે, કેવું અજબ છે ને માનવ મન? પછી તો એ ‘એ મેરા પ્રેમપત્ર પઢકર...’ ગાવાનું ભૂલી જાય અને ગણગણવા માંડે, ‘દુનિયા બનાનેવાલે ક્યા તેરે મન મેં સમાઈ, તુને કાહે કો દુનિયા બનાઈ....?’  

Tuesday, 16 August 2016

સરિતાનું સૌંદર્ય.

સરિતાનું  સૌંદર્ય.             પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

(૧૧ મા ધોરણના ગુજરાતી વિષયના ‘નિબંધ’ વિભાગમાં પુછાયેલા ‘સરિતાનું સૌંદર્ય’ અંતર્ગત એક તોફાની વિધાર્થી એ લખેલો જવાબ.)

સ..રિ..તા..! ઓહ ! કેટલું સુંદર નામ ! નામ લેતાં જ મુખમાંથી નીકળે વાહ વાહ ! અને દિલમાંથી નીકળે આહ આહ ! સરિતા... જેને પ્યારથી ‘સરુ’ કહીને બોલાવી શકાય અથવા તો ‘રીતુ’ પણ કહી શકાય. અગર મુડ બન જાય તો ઉસે ‘’સત્તુ’ કહકર બુલા લીજીયે, ક્યા ફર્ક પડતા હૈ? ચાંદને તમે ચંદ્ર કહો, શશી કહો કે શશાંક કહો, ચાંદ તો આખરે ચાંદ જ છે. સુંદર, શીતળ, મનોહર અને આકર્ષક ! એ જ રીતે સરિતાને પણ કોઈ પણ નામે બોલાવો, સરિતા તો આખરે સરિતા જ છે. ચંચળ – નટખટ – નાચતી – કુદતી – ગાતી – કલકલ નિનાદ કરતી – વહેતી સુંદર સરિતા!

પૃથ્વી પરની તમામ વનિતાઓ માં સરિતાનું સૌંદર્ય અજોડ છે, બેનમૂન છે, નિરાળું છે. આદિકાળથી સરિતાઓ (વનિતાઓ) નું સૌન્દર્ય પુરુષોને આકર્ષતું રહ્યું છે. સરિતાના સૌંદર્યમય  સ્મિતમાં પોતાના પ્રેમનું પ્રતિબિંબ જોતાં મારા તમામ મિત્રો કેટલા મુર્ખ છે. શું તેમને પોતાના દેખાવ વિશે ભયંકર ભ્રમ છે? એમણે કદી અરીસામાં પોતાના મોં જોયા છે? ‘કૌઆ ચલા હંસ કી ચાલ તો અપની ચાલ ભી ભૂલા.’ બિચ્ચારા ! જ્યારે એમનો ભ્રમ તુટશે – દિલ તુટશે ત્યારે તેઓ શું કરશે? કેટલા  દુખી થશે એ બધા? પણ એ તો જેવા જેના નસીબ, એમાં આપણે શું કરી શકીએ? મારી સાથે એ સૌનો શું મુકાબલો? ‘કહાં રાજા ભોજ ઔર કહાં ગંગુ તૈલી?’

ક્યાંથી મેળવ્યું હશે સરિતાએ આવું અનુપમ સૌંદર્ય? એની મમ્મી પાસે? ના, ના, એ તો લાગે છે જ લલીતા પવાર જેવી.  તો એના પપ્પા પાસે? ના, ના. એ તો કાદરખાન કરતા પણ જાય એવા છે. અને એનો ભાઈ પણ કેવો? જ્હોની લીવરને ય હેન્ડસમ કહેવડાવે એવો. એના દાદા-દાદી, કાકા-કાકી, મામા-મામી, માસા-માસી..બધા જ ‘એન્ટી-બ્યુટી-કોન્ટેસ્ટ’ માં એવોર્ડ જીતી લાવે એવા છે. તો પછી સવાલ એ થાય છે કે, સરિતાનું સૌંદર્ય આવું મનમોહક ક્યાંથી? હશે, આપણે મમ મમ થી કામ છે, ટપ ટપ થી નહિ.
    
સંસ્કૃત માં એક શ્લોક છે, કયો? પેલો..પેલો.. ‘સુરતરુવર શાખા લેખીનીમ પત્રમઉર્વી, લિખતી યદી ગૃહીત્વા શારદા સર્વ કાલમ, તદપી તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ’ પહેલી લીટી યાદ નથી, પણ આખા શ્લોકનો અર્થ કઈક આવો થાય છે, ‘સમુદ્ર ભરાય એટલી શાહી લઈને, પૃથ્વી પરના તમામ વૃક્ષોની ડાળીની પેન બનાવીને મા સરસ્વતી (શારદા) આખો વખત (દિવસ અને રાત) લખ લખ કર્યા કરે, તો પણ હે ઈશ્વર! તારા ગુણનો પાર પામી શકાય એમ નથી.’

હે સરિતે!   તારા સૌંદર્ય ની બાબતમાં પણ આવું જ કઈ છે. ગુજરાતીના આ ક્વેશ્ચન પેપરમાં બીજા કોઈ સવાલોના જવાબો હું ના લખું અને એક માત્ર આ જ સવાલ (નિબંધ) નો જવાબ લખ લખ કર્યે રાખું તો પણ પરીક્ષકને હું તારા સૌંદર્ય નો પરિચય કરાવી શકું એમ નથી. પણ તો શું થયું? આવા વિચારે હું તારા વિશે લખવાનું અધુરું છોડી દઉં તો એ તને અન્યાય થયેલો  ગણાય.

તારા સૌંદર્ય પ્રશસ્તિ ની શરૂઆત હું ક્યાંથી કરું? ચાલ, મને જે અત્યંત લોભાવે છે એ તારા સુંદર નયનોથી જ કરું. તારા સુંદર ચક્ષુ, ..અહાહાહા! એકવાર જે એમાં ડૂબ્યો તે ગયો કામથી, બચવાના કોઈ ચાન્સીસ નહિ. હું તો તારા લોચનિયે લોભાયો છું. જે નથી લોભાયા એવા ઈર્ષ્યાળુઓ માંથી પેલો મદનીયો ભલે તારા નયનોને ‘ઉત્તર – દક્ષીણ ‘ કે પછી ‘લુકિંગ લંડન – ટોકિંગ ટોકિયો’ કહે. હકીકત તો હંમેશા હકીકત જ રહે છે.

તારા સુંદર ચહેરામાં આંખથી જરાક નીચે ઉતરીએ કે આવે તારું નાક. કોઈ ગઝલકારે કોઈના નાક પર ગઝલ નથી ફટકારી ( ફટકારી હશે તો મને વાગી નથી) એટલે મારે સાદી ભાષામાં જ એનું આલેખન કરવું પડશે. તારા આખાય ચહેરામાં પહેલી નજરે ધ્યાન ખેંચે એવું છે તારું અપ્રતિમ નાક. પેલા યમરાજે (તારા પપ્પાએ) આપેલી સાચા હીરાની ચૂંક (જળ) તું જ્યારે ધારણ કરે છે, ત્યારે નાકની શોભામાં અભિવૃદ્ધિ થાય છે. પણ પેલો મદનીયો? એનાથી બોલ્યા વિના કઈ રહેવાય? એ તો તારા નાકને ‘પકોડા’ સાથે સરખાવે છે. ભલેને સરખાવતો, આપણને તો પકોડાય પ્યારા છે.

નાક પછી વારો આવે છે તારા હોઠનો. હોઠ ઉપર તો ભલ ભલા કવિઓ – શાયરો – ઘાયલો એટલે કે ગઝલકારોએ અવનવી કવિતાઓ – શાયરીઓ – ગઝલો લખી છે. પણ એ બધીઓ તારા હોઠની તારીફ કરવામાં ફીકી લાગે. તું જ્યારે લાલ – ગુલાબી – બ્રાઉન – પર્પલ વગેરે કલરની લીપસ્ટીક લગાડીને આવે છે, ત્યારે મારા મિત્રોના હોઠો પર મલકાટ (કે મરકાટ?) આવે છે. એ લોકો મારા જેટલા પ્રમાણિક નથી તેથી પોતાના મનોભાવ છુપાવીને તારા હોઠને ‘ગાંઠીયા – ભજીયા‘ વગેરે ઉપનામ થી નવાજે છે. ભલેને તેઓ એમ કરતા, હું તો પહેલેથી જ ફરસાણ નો ચાહક છું.

હવે આવું છું તારા કાન ઉપર. તારા કાન બનાવવામાં તો કુદરતે કમાલ જ કરી નાખી છે. તદ્દન ઓરીજીનાલીટી એટલે કે મૌલિકતા વાપરી છે. એમાય જ્યારે તું કાનોમાં હીરા રૂપાના લટકણીયા  સજાવીને આવે છે, ત્યારે જોનારા અવાક થઇ જાય છે. પણ આપણે ત્યાં અદેખાઓનો ક્યા તોટો છે? મદનીયો તને ‘સુપર્ણખા’ (સુપડા જેવા કાનવાળી)  કહે છે. ભગવાને એનામાં ‘એસ્થેટિક સેન્સ’ મૂકી જ નથી તો શું થાય?

તું ડીઝાઈનર અથવા તો  કોઈ પણ ડ્રેસ પહેરે  એનાથી કશો ફરક નથી પડતો. આઈ મીન ..બધા જ કપડા તને મસ્ત રીતે સુટ થાય છે. ‘સોનામાં સુગંધ’ તો ત્યારે ભલે છે, જ્યારે તું મહેફિલમાં ગાય છે. મારા મિત્રો ભલે એમ કહે કે, ‘આ ભેસાંસુરીને સુર – લય – તાલ ની ગતાગમ નથી.’ પણ હું જાણું છું ણે કે – ‘કોકિલ કંઠી’ લતાજી સાક્ષાત તારા ગાળામાં વસેલા છે.

હે સરિતે ! તું તો સૌન્દર્યનો ‘લખલૂટ’ ખજાનો છે. મારી બોલપેનમાં રીફીલ ખલાસ થઇ જાય ત્યાં સુધી તારા વિશે લખું, તો પણ તારી સુંદરતાનો પુરેપુરો પરિચય હું પરીક્ષક ને કે ઇવન વાચકોને આપી શકું એમ નથી. તેથી જાણીતા કવિ શ્રી વેણીભાઈ પુરોહિત ની ફેમસ પંક્તિથી આ પ્રશસ્તિ પત્ર પૂરો કરું છું.

‘તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પુનમનો પાગલ એકલો....’ 

  

Tuesday, 9 August 2016

હર કુત્તેકે દિન આતે હૈ.

હર કુત્તેકે દિન આતે હૈ.          પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-પલ્લવી, હું સાંજે ઓફિસેથી આવું ત્યારે ડીનર રેડી રાખજે, આપણે જમીને અજયના ઘરે જઈ  આવીએ.
-અજયભાઈના ઘરે તો ગયા વીકમાં જ જઈ  આવ્યા ને આપણે? આજે કેમ પાછું?
-એના હાથે ફ્રેકચર થયું છે, એટલે ખબર કાઢી આવીએ.
-અરરરર! ફ્રેકચર શી રીતે થયું?
-એ તો એના ઘરે જઈશું એટલે ખબર પડશે.
-ઓકે, લગભગ કેટલા વાગ્યે ઘરે પહોચશો?
-સાત વાગ્યાની આસપાસ.
અમે જમીને રાત્રે અજયભાઈના ઘરે પહોંચ્યા. અજયભાઈ સોફામાં ત્રાંસા પાડીને ટીવી જોતા હતા. એમને એમના ઘાયલ જમણા હાથને ખભેથી લટકાવેલી કપડાની ઝોળીમાં સાચવીને મુક્યો હતો. ઇન્ડિયા – પાકિસ્તાન ની વન ડે મેચમાં ઇન્ડિયન બેટ્સ મેનોનો ખરાબ દેખાવ જોઇને અજયભાઈ સોફામાં ઉછળતા હતા અને પછી હાથે દુખાવો થતા ઉંહકારા કરતા હતા.
-હાય અજય, કેમ છે, મઝામાં?  મારા પતિ જીતુએ પૂછ્યું.
-શું ધૂળ મઝામાં? જોતો નથી કેવો સજામાં પડ્યો છું તે. અજયભાઈએ સોફામાં સરખા બેસતા કહ્યું.
-એ તો ‘કરે એવું પામે અને વાવે તેવું લણે’ રીનાભાભીએ એક કહેવત ટાંકતા કહ્યું.
-એ ય રીનાડી, તું તો ચુપ જ રહેજે, કઈ બોલતી જ નહિ.
-શું કામ નહિ બોલું? હું તો બોલીશ જ અને સાડી સત્તર વાર બોલીશ, બોલ શું કરી લેશે તું?
-આ હાથને સાજો થઇ જવા દે પછી તારી વાત છે, તને પણ જોઈ લઈશ. જોને જીતુ, આ રીનાડી મારી અવદશાનો કેવો ગેરલાભ લે છે તે. ઇસ દુનિયામે કિસે અપના સમજે કિસે બૈગાના ?
-અજય, પ્લી...ઝ. બીજું કાંઈ પણ કર, પણ તું ગાવાનું તો બંધ જ કર.  તારો રડકો સુર સાંભળીને પડોશીઓને થશે કે હું તને મારી રહી છું.
-મારી તો રહી જ છે ને તું મને, શબ્દો વડે. હમણા  તું પણ મજાક કરી લે. પણ યાદ રાખજે રીનાડી, ઈશ્વરકે ઘર દેર હૈ, અંધેર નહિ હૈ,  ઔર ‘ હર કુત્તેકે દિન આતે હૈ.’  
-એય રીના – અજયભાઈ, તમે બંને ઝઘડો નહિ. અજયભાઈ અમને કહો તો ખરા, આ એક્સીડન્ટ થયો શી રીતે?    મેં  જીજ્ઞાસા પૂર્વક પૂછ્યું.
-રીનાભાભીએ વેલણ વાપર્યું કે સાણસી છુટ્ટી ફેંકી?  જીતુએ રમુજ કરતા કહ્યું.
-મને એવો મોકો મળ્યો જ ક્યા? રીનાએ હસીને કહ્યું.
-વાંક બધો આ રીનાડીનો જ છે, જીતુ.  અજયે ફરિયાદી સુરે કહ્યું.
-અરે વાહ ! ‘હલકું લોહી હવાલદારનું?’ મારો વાંક શી રીતે ? કુતરું મેં રસ્તા પર મોકલેલું?
-ના,  કુતરું તો તેં રસ્તા પર નહિ મોકલેલું, પણ તેં ફોન કરીને મને જલ્દી ઘરે આવી જવાની તાકીદ કરેલી કે નહિ?
-હા, જલ્દી ઘરે આવવાનું જરૂર કહેલું, પણ આંખ બંધ કરીને રસ્તા પર સ્કુટર ચલાવવાનું નહોતું કહ્યું.
-મેડમ, તમે શું ધારો છો, હું આંખો બંધ કરીને સ્કુટર ચલાવું છું? હું તો ખુલ્લી આંખે જ સ્કુટર ચલાવતો હતો.
-એમ? તો પછી રસ્તા પર કુતરું કેમ દેખાયું નહિ? કે પછી ‘બીજું કૈક’ જોવામાં પડ્યા હતા ભાઈસા’બ?
-આપણા એરીયામાં ‘બીજું કૈક’ જોવા જેવું હોય છે જ ક્યાં? શું કહે છે, જીતુ તું?
-હેં ?  હા, હા. તારી વાત તો સાચી છે, યાર. પણ એ તો કહે કે આ થયું શી રીતે?
-યાર, હું અંજલી થીયેટર પાસેથી સ્કુટર લઈને પસાર થતો હતો ત્યારે ડિવાઈડર ની પેલી બાજુથી અચાનક જ એક કુતરું આપઘાત કરવા નીકળ્યું હોય એમ એમ દોડી આવ્યું. હું હજી કઈ  વિચારું કે બ્રેક મારું તે પહેલા તો એ સીધું મારા સ્કુટર સાથે ભટકાયું. મેં બેલેન્સ ગુમાવ્યું ને સ્કુટર સમેત  ભૂમિ નમસ્કાર કર્યા. વજન બધું આવી ગયું મારા હાથ પર અને હાથમાં ફ્રેકચર થઇ ગયું.
-અંજલી થીયેટરમાં કઈ ફિલ્મ ચાલે છે?
-કેમ, તારે જાણીને શું કામ છે? અત્યારે મારી આવી સ્થિતિ છે ને તને ફિલ્મ જોવા જવાનું સુઝે છે?
-ના, મને ફિલ્મ જોવા જવાનું નથી સુઝતું. પણ બનવા જોગ છે કે કોઈ કોમેડી ટાઈપ હોરર ફિલ્મ ચાલતી હોય તો તે જોઇને કુતરાને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હોય. લાગ્યું હોય કે ‘આવી ફિલ્મ જોવી એ કરતા મરવું સારું.’
 -અત્યારે તને મજાક સુઝે છે, પણ મને એ કહે કે ‘મેરે સાથ હી ઐસા કયું હોતા હૈ?’
-આજુબાજુ ડાફરિયા મારતા ફરે એની સાથે આવું જ થાય. રીનાએ ફરી ટપકું મુક્યું.
-રીનાડી, તું હવે ચુપ રહેવાનું શું લઈશ? આ સાલા મ્યુનીસીપાલીતી વાળા તદ્દન નકામા માણસો છે. રોડ ટેક્સ – વિહિકલ ટેક્સ – ફલાણો ટેક્સ – ઢીકણો ટેક્સ – એવા જાત જાતના ટેક્સ લે છે અને રસ્તા પર રખડતા કુતરાને દુર કરવાનું એમને સુઝતું નથી.
-સાંભળ અજુ, ગાંધીનગરમાં તો ગવર્મેન્ટે જાહેરાત કરી છે કે જે કોઈ શખ્સ રસ્તા પર રખડતા ગાય , ભેંસ કે કુતરાને પકડીને ડબ્બામાં પુરવામાં મદદ કરશે એમને આર્થિક સહાય કરવામાં આવશે. બોલ, આપણે જોડાવું છે  આ અભિયાનમાં?
-રીનાડી, રીનાડી. તું તો બોલાતી જ નહિ. એક તો આ ઇડીયટ જેવા ઇન્ડિયન બેટ્સમેનો તદ્દન કંગાળ અને શરમ જનક દેખાવો કરી રહ્યા છે અને  ઉપરથી તું મારો છાલ છોડતી નથી.
-અજય, ટી વી બંધ કરવા રીમોટ નામની ચીજ આપી હોય છે. – જીતુએ કહ્યું.
-જીતું, કાશ ! ટી વી ની જેમ આ બીવી ને બોલતી બંધ કરવાનું રીમોટ પણ મળતું હોત !!Tuesday, 2 August 2016

તુંકારો.

તુંકારો.         પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-જેન્ટલમેન, ઊઠો, આ મારી સીટ છે.
ટ્રેનના રીઝર્વ કોચ માં પહેલેથી પોતાની સીટ પર બેસી ગયેલા એક ભાઈને પાછળથી આવેલા બીજા સદગૃહસ્થે કહ્યું.
-અરે ! આવી જાવ ને બાપુ, લ્યો અહી આરામથી બેસો.
સીટ પર બેસી ગયેલા ભાઈએ જરા ખસીને બેસવાની જગ્યા કરી આપતા હસીને સીટના દાવેદારને કહ્યું.
-એમ થોડી જગ્યા કરી આપવાથી નહિ ચાલે, હું આટલી અમથી જગ્યામાં નહિ બેસું. તમે અહીંથી ઊઠી જાવ.
સદગૃહસ્થે રોફ બતાવતા ઉંચે અવાજે કહ્યું એટલે બધા પ્રવાસીઓ નું ધ્યાન એ તરફ દોરાયું.
-હું અહીંથી ઊઠીશ તો બીજો કોઈ બેસી જશે.
-બીજાની ચિંતા કરવાની તમારે જરૂર નથી, સમજ્યા?
-પણ મારી ચિંતા તો હું કરું કે નહિ?
-તમારી વાત તમે જાણો, અહીંથી ઊઠો, આ જગ્યા મારી છે.
-મેં ક્યારે કહ્યું કે આ મારી જગ્યા છે?  બોસ, તમારી જ જગ્યા છે, તમે બેસો.
-તો પછી ભલા થઈને ઊઠી જાવ તો હું બેસું.
-નહિ ઊઠું તો શું કરી લેશો?
-નહિ શેના ઊઠો? આ જગ્યાનું રીઝર્વેશન મેં કરાવ્યું છે.
-કરાવ્યું હશે. આખી ગાડીનું રીઝર્વેશન તો નથી કરાવ્યું ને?
-વ્હોટ ડુ યુ મીન?
-આઈ મીન વ્હોટ આઈ સેઇડ. રૂઆબ તો એવો મારો છો જાણે આખી ગાડી તમારા બાપની હોય.
-જો...જો... કહી દઉં છું, બાપ સુધી ના જાવ.
-જઈશ, સાડી સત્તર વાર જઈશ. શું કરી લેશે તું?
-અરે, અરે! મને ‘તુંકારે’  બોલાવે છે? મેં તમને સજ્જન ધાર્યા  હતા.
-સજ્જન છું, ત્યારે જ તો તને બેસવા સીટ આપું છું.
-સીટ આપે છે તે કઈ ઉપકાર નથી કરતો. એક તો મેં રીઝર્વ કરાવેલી સીટ પડાવી લીધી છે, અને ઉપરથી...
-ક્યારનો મારી સીટ... મારી સીટ... કરે છે તે  ગળે બાંધીને લઇ જવાનો છે કે?
-લઇ પણ જાઉં. તારા બાપનું કઈ જાય છે?
-એય, મોં સંભાળીને બોલ, નહીતર...
-નહીતર શું? ના..ના, શું કરી લઈશ તું?
-જોવું છે? લે, લેતો જા.
-અલ્યા, મને ધક્કો મારે છે? મારતા મને પણ આવડે છે, સમજ્યો?
-માર્યા માર્યા હવે. આંગળી તો અડકાડી જો.
–જા, જા. તારા જેવા સાડી સત્તર જોયા.
-એમ? લે તો પછી, આ અઢારમાં ને પણ જોતો જા.
કોઈવાર ટ્રેનની મુસાફરી દરમ્યાન રીઝર્વેશન અને અપ – ડાઉન વાળા વચ્ચે  ઉપર મુજબની બોલાચાલી – હુંસાતુસી જોવાની – સાંભળવાની ખુબ મઝા પડે છે. પ્રથમ સામાન્ય સંવાદ, પછી તુંકારો, પછી ગાળાગાળી અને છેલ્લે વાત મારામારી કે ઝપાઝપી સુધી પહોચે છે.  એમની વચ્ચેના સંવાદો જે ઝડપથી રૂપ બદલીને વિકાસ પામે છે, એનાથી આપનું ભાષાજ્ઞાન વધે છે. શહેરીજન માનવાચક સંબોધનથી ટેવાયેલો હોય, એને ‘તુંકારો’ અપમાનજનક લાગે છે.  પણ ગામડા ગામમાં તો ‘તુંકારો’ સામાન્ય રૂપે ચલણમાં હોય એની કોઈને નવાઈ નથી લાગતી. તેઓ એને સ્વાભાવિક રૂપે સ્વીકારે છે, એના જાતે અનુભવેલા ત્રણ ઉદાહરણો તમને આપું એટલે તમે  સહેલાઈથી સમજી શકશો.

૧- શાકવાળી અને ગૃહિણી (ગ્રાહક) વચ્ચેનો સંવાદ:
-હાક આઈવું હાક, બુન, હાક લેવું સે?
-ગુવારશીંગ કેમ આપી?
-૨૦ રૂપિયાની હેર. ( શેર= ૫૦૦ ગ્રામ)
-બહુ મોંઘી છે ને કઈ?
-હારું, તને ૧૮ રૂપિયે આપા (આપીશ) લઇ લે બુન, બીજું હું લેવું સે? કૂણા – કૂણા ભીંડા સે, ને મખમલ જેવી પાપડી સે,  બીજા પાંહે ની મલહે, લઇ લે, ના ની કે’તી.

૨- શેઠાણી અને કામવાળી નો સંવાદ:
-લખમી, કાલે સવારે આઠ વાગ્યે આવી જજે, મોડું નહિ કરતી.
-આઠ વાગે તો નીં અવાય. ઈસ્પિતાલમાં હો મારે વાળવા જવાનું કે નીં?
-તે એક દિવસ વહેલી ઊઠજે.
-કેમનીકને  વે’લી ઊઠું? રાતના વાહણ કાઢતાં તું જ તો દહ વગાડે છે. પસી મને ઘેર જઈને પરવારતાં અગ્યાર વાગી જાય સે.
-હવે તો હું નવ વાગ્યે વાસણ કાઢી આપું છું ને?
-ઈ વાત હાચી. પણ તારી એકલીને તાં જ થોડી કામ કરતી સું? બીજા પાંચ ઘેર કામ કરું ને છઠ્ઠું મારું ઘર. તારે તો બસ, જીપ (જીભ) ચલાવવાની ને મારે હાથ હલાવવાના. ઊં તો નવ વાગે આવા, ચાલહે ને?
-ચલાવ્યા વગર કઈ છૂટકો છે?

૩- ઓફિસર અને પટાવાળા વચ્ચે નો સંવાદ:
-જેન્તી (જયંતી) કાલે કેમ દેખાયો નહિ?
-ફુવારે તો ઉતો (હતો)  સાયેબ.
-જોશી સાહેબ ફુવારે રાઉન્ડ મારવા ગયેલા, પણ તું ત્યાં નહોતો એમ એમણે કહ્યું.
-ઊં તો તાં જ ઉતો. પણ જોશી સાયેબ જ  તાં ની આવેલો. ઊ ઓફિસમાં ગયો તો દેહાઈ સાયેબ હો ઘેર જવા નીકળી ગેયલો. ને ઊ ટીફીન લેવા તારે ઘેર ગીયો તો ભાભી જ ની મલે, ટીફીન આપે કોણ?
-ફુવારો સાફ કર્યો તો કે?
-ની ત્યારે? ઈ સાફ કરી કરીને તો આંગળાના ટેભા હો ઘસાઈ ગિયા. ફુવારાનું કામ બહુ અઘરું સે. તું જોશી સાયેબ કે દેહાઈ સાયેબને કઈ દેજે કે મને બીજું કઈ કામ હોંપે. મારે આ કામ કરવા કરતા ટીફીન આપવા જવાનું કામ જ હારું સે.