Wednesday, 26 April 2017

ઉછીનું.

ઉછીનું.     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

ઉછીનું આપવાની કળા શીખવા માટે કોઈ ખાસ પ્રયત્ન કરવો પડતો નથી. પરંતુ ઉછીનું લેવાની કળા શીખવા માટે ઘણા પ્રયત્ન કરવા પડે છે. ‘ટ્રાયલ અને એરર’ ની રીત અપનાવવી પડે છે. કેટલાક આ કળામાં માહેર  હોય છે, પણ એવા ઘણા  ઓછા લોકો હોય છે. અહીં એવા બે નમૂના પેશ કરું છું. 
-પલ્લવીબેન, ચપટીક લોટ આપજોને જરા, હું મૂઈ કાલે ઉતાવળમાં લોટ દળાવવાનું  ભૂલી ગઈ.
-લોટ કઈ રીતે દળાવાય, આભાબેન?
-તમે ભારે રમૂજી છો પલ્લવીબેન. લોટ દળાવવાનું એટલે કે ઘઉં દળાવવાનું. આજે સાંજે દળાવીશ ત્યારે પાછો આપી જઈશ.
-શું પાછું આપશો, આભાબેન?
-ઘઉંનો લોટ વળી.
-અરે હોય? ચપટીક લોટમાં વળી પાછું શું લેવાનું?
-એ તો ચપટીક લોટ એવું કહેવાય, તમે જ કહો, હું એમ કહું કે એક ડબ્બો  ભરીને લોટ ઉછીનો આપજોને, તો સારું લાગે?
--ન જ લાગે વળી.
-જો કે મને ખબર છે કે તમે બહુ ઉદાર દિલના છો. હું ચપટીક લોટ માગું તો પણ તમે ડબ્બો ભરીને આપી દો એવાં છો.
-મારા વિષે ઘણાને ઘણી ગેરસમજો છે, આભાબેન.
-પણ હું તો તમને સારી રીતે સમજુ છું, પલ્લવીબેન. તમે એક મહાન લેખક તો છો જ સાથે સાથે ખુબ ઉદાર દિલના વ્યક્તિ પણ છો. ચપટીક લોટ આપવાનું તમને શોભે પણ ખરું? અને આમ જુઓ તો ચપટીક લોટની તો રાબ પણ ન થાય. તો પછી આપીએ ત્યારે ઉદાર દિલે જ કેમ ન આપીએ? શું કહો છો તમે?
-બરાબર છે. આજ સુધી મેં તમને ઉદાર હાથે (ઉદાર દિલે કહું તો એ અર્ધસત્ય હોય, આ બાબતમાં મારું દિલ મારા હાથ સાથે નથી.) કાંદા, બટાકા, લસણ, ટામેટાં, મીઠું, ચા, રાઈ, જીરું, તલ, ચણાનો અને ઘઉંનો લોટ વગેરે વગેરે...અરે ! કપાળ પર ચોટાડવાના ચાંદલા સુધ્ધાં આપ્યા જ છે ને? અને આપ્યા પછી ક્યારેય એ વસ્તુઓ પાછી માંગી છે? (એ વાત જુદી છે કે તમે ‘ઉછીનું’ કહીને આ બધું લઇ જાવ છો એટલે એ ‘પાછું આપવું જોઈએ’ એવી મારા મનમાં ધારણા બંધાતી હતી. પણ પછી તમને ઓળખી ગયા પછી તો એ પણ મેં છોડી દીધી છે.)
-એટલે જ તો કહું છું કે તમે ઘણા ઉદાર છો. પેલી બાજુવાળી રીનાડી તો બહુ કંજૂસ છે. કઈ પણ માગીએ તો ધડ દેતીકને ના પાડી દે છે. બોલો, આ રીતે કોઈને ચોખ્ખી ના કહેવાય?
-ન જ કહેવાય, એણે કઈ પણ બહાનું કાઢી દેવું જોઈએ.
-એ જ તો. ઠીક, તો પછી ડબ્બો મોકલું છું.
-ડબ્બો, શાનો ડબ્બો?
-લોટનો ડબ્બો, તમે મને ડબ્બો ભરીને લોટ આપવાના છોને?
-અરે, હા હા. મોકલોને.
-સાંજે પાછો મોકલીશ હો.
-એની જરૂર નથી. (મને ખબર છે કે તમે ખાલી ખાલી જ કહી રહ્યા છો)  બીજે રહેતા હતા ત્યારે આવકના દસ ટકા અમે જરૂરીયાતમંદોને દાન કરતા હતા. પણ હવે મારે અહી આવ્યા પછી મંદિરમાં એ માટે જવાની જરૂર રહી નથી. 
-હે? હા હા. બહેન તમે તો ઉદાર પણ ખરા ને ધાર્મિક પણ ખરા.
                                   *     *     *
-મનુભાઈ, આજનો દિવસ તમારી કાર વાપરવા આપજોને.
-કેમ, તમારી કાર ક્યાં ગઈ ? બગડી ગઈ છે?
-નારેના. કાર તો એ પડી ઘરે અને ચાલુ જ છે. પણ આ તો શું,  ટી.વી. ખરીધું છે તે લેવા જવાનું છે. મારી જૂની કારના બદલે તમારી નવી કાર લઈને જાઉં તો વટ પડે ને.
-એ તો ઠીક. પણ આજકાલ તો બધા જ ટી.વી. વાળા ફ્રી હોમ ડીલીવરી આપે છે.
-જાણું છું, પણ મારે તો જાતે જઈને ટી.વી. બરાબર ચાલે છે કે નહિ તે ચેક કરીને લેવું છે.
-પણ મારે ઓફીસ જવાનું છે, અને રોજ હું મારી કાર લઈને ઓફીસ જાઉં છું.
-તે જજોને. એક દિવસ મારી કાર લઈને જશો તો શું બગડી જવાનું છે.
-તમારી કાર. આગળ એકવાર આ રીતે તમે કાર એક્સચેન્જ કરેલી ત્યારે તમારી કાર રસ્તામાં જ બગડી ગયેલી. કેટલા ધક્કા માર્યા તો પણ ચાલુ જ ન થઇ. છેવટે મારે તમારી કારને રસ્તામાં મૂકીને રીક્ષામાં ઓફીસ જવું પડેલું.
-પડોશી માટે તમે એટલું તો કરી જ શકોને? ચાલો, એવું પણ ન કરવું હોય તો હું તમને ઓફિસે ઉતારીને પછી મારું ટી.વી. લેવા જઈશ, બસ? મારા માટે તો  ‘પહેલો સગો પાડોશી’
-મારા ભોગ લાગ્યા તે હું તમારો પાડોશી બન્યો.
-એમાં આટલા ગરમ શું થવાનું? આ તો તમારા મિત્રના વટનો સવાલ છે.
-વટનો જ સવાલ હોય તો એક કામ કરજો, અનિલભાઈ. ટીવી. લેવા જાવ ત્યારે રસ્તામાંથી બેન્ડવાજા વાળાને ય લઇ જજો.
-કેમ?
-તમે મારી નવી ગાડીમાં તમારું નવું ટી.વી. ..... અરે, અનિલભાઈ, ટીવી. તો નવું જ લીધું છે ને?
-ઓફકોર્સ, એકદમ બ્રાન્ડ ન્યુ કલર ટી.વી. લીધું છે, બંદાએ...
-તો ઠીક, તમે ગાડીમાં ટી.વી. લઈને આવતા હોય અને બેન્ડવાજાવાળા આગળ ..આગળ.. એક દો તીન.. વગાડતા હોય.. એ ય ને વટ પડી જાય તમારો તો.
-અરે વાહ ! એક્સેલન્ટ આઈડીયા, આપો રૂપિયા ૨૭૫૦.
-શાના રૂપિયા?
-બેન્ડવાજા વાળાના.
-અનિલભાઈ, ‘જિસ કી જૂતી ઉસ કા સર?’ મજાક કરો છો?
-શરૂઆત કોણે કરી? ચાલો હવે, લાવો કારની ચાવી. અને હા, સાંજે વહેલા આવજો, ઘરે પાર્ટી રાખી છે.
-એના કેટલા પૈસા આપવાના છે?
-તમારી આ રમૂજ કરવાની રીત મને ખુબ ગમે છે. આવજો.
-ભલે. ( છૂટકો છે?)  
Wednesday, 19 April 2017

એક લેખિકાનો ભ્રમ.

એક લેખિકાનો ભ્રમ.        પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-તને દાંતનો દુખાવો હતો અને તું ડેંટીસ્ટ પાસે જવાની હતી, તેનું શું થયું ? જઈ આવી?
મારી એક ખાસ મિત્ર હર્ષાએ મને ફોન કરીને પૂછ્યું.
મેં થોડા દિવસો પહેલાં જ મારા બ્લોગ પર ‘દાંતનો દુખાવો’ નામનો લેખ મુક્યો હતો. મને થયું, હર્ષાએ એ લેખ વાંચીને મને ફોન કરીને ખબર પૂછી લાગે છે.
હું ઉત્સાહમાં આવી ગઈ, ખુશખુશાલ થઇ ગઈ, એટલા માટે નહીં કે ડોકટરે મારા દાંતનો દુખાવો મટાડી દીધો હતો, પણ એટલા માટે કે મારી ખાસમખાસ ફ્રેન્ડે મારો લેખ વાંચીને મને ફોન કર્યો હતો.
શેક્સપિયર નામના લેખક તો કહી ગયા છે, કે ‘What’s there in a Name ?’  મતલબ ‘નામમાં તો શું છે ?’ તે છતાં આપણે સૌ આપણા નામના ખુબ જ પ્રેમમાં હોઈએ છીએ. મારા લેખની સાથે છપાયેલું મારું નામ વાંચીને,  વર્ષો પછી આજે પણ મને એટલો જ અવર્ણનીય આનંદ થાય છે.
હું ૧૧ માં ધોરણમાં (જૂની એસ એસ સી) માં હતી ત્યારે બીજા વાર્તાકારોને જોઇને મને પણ  એકવાર વાર્તા લખવાનો ચસકો ઉપડ્યો. મેં વાર્તા લખી અને સુરતથી કુરિયર દ્વારા અમદાવાદના એક જાણીતા સ્ત્રી સાપ્તાહિકને મોકલી. મારી વાર્તા છપાઈ તો ખરી, પણ મારા બદલે કોઈક બીજા જ લેખકને નામે. એ જોઇને મને આઘાત લાગ્યો.
મારા પપ્પાની સલાહથી મેં કુરિયર દ્વારા મારી ફરિયાદ અને વાર્તાની  લખાણની મારી કોપી એ સાપ્તાહિકને મોકલી, પણ એમણે કઈ જવાબ ન આપ્યો. ખેર! મેં એમ માનીને સંતોષ માન્યો કે, ‘પ્રસિદ્ધ સાપ્તાહિકમા છપાઈ શકે એવી વાર્તા મને પણ લખતા આવડે છે ખરી.’ બાકી તો આ પંક્તિ લખનાર કવિએ કેટલું સરસ કહ્યું છે, ‘શ્રધ્ધાનો જ હોય વિષય તો પુરાવાની શી જરૂર ? કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી હોતી નથી.’
લગ્ન પછી તો હું ‘હાસ્યલેખો’ લખવાના રવાડે ચઢી ગઈ, સુખી લગ્નજીવનની એ આડઅસર હશે ? જે હશે તે, એમાં મારા ઘણા શુભચિંતકોએ મને પ્રોત્સાહન આપ્યું. ગુજરાતી સાહિત્ય અકાદમીએ મારા હાસ્યલેખોના  ચાર પુસ્તકોમાંથી બે પુસ્તકોને (પહેલું અને ચોથું પુસ્તક) હાસ્ય વિભાગનું ઇનામ પણ આપ્યું. (આ માહિતી છે કે માર્કેટીંગ ? જે ગણો તે, જમાનો જ માર્કેટિંગ નો ચાલે છે ને ?)  
મારા મુંબઈના વસવાટ દરમ્યાન ‘લેખિની’ સંસ્થાએ મારી લઘુકથા  ‘ત્રીજી દીકરી’ ને ઇનામ આપીને મને વાર્તા લખવા પ્રોત્સાહન આપ્યું. અમદાવાદ આવ્યા પછી ‘મમતા’ મેગેઝીને મારી લાંબી વાર્તા ‘સ્વાગતની તૈયારી’ ને ઇનામ આપ્યું. હું પહેલેથી જ અતિનમ્ર અને સરળ સ્વભાવની, એટલે ‘મારા હાસ્યલેખો અને વાર્તા કોઈ ઇનામના મોહતાજ નથી’, એવું કહેવાને (કે માનવાને) બદલે, એનાથી પ્રોત્સાહિત થઈને હું  લાંબી અને ટૂંકી વાર્તાઓ પણ લખતી થઇ. હજી પણ વાર્તા લખવાની કોઈપણ ‘ઇનામી સ્પર્ધા’ વિષે જાણીને મારું મન ખુબ જ પ્રફુલ્લિત થઇ જાય છે, જો કે હવે મારામાં ઇનામની લાલચ કરતા આળસ વધી જાય, ત્યારે  હું એમાં ભાગ નથી લેતી એ વાત જુદી છે, બાકી મને વાર્તા લખવાની મઝા તો ખુબ આવે છે.
પણ ગયા વર્ષે સાહિત્ય અકાદમીએ પ્રખ્યાત હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટને, અને આ વર્ષે સ્વ. શ્રી તારક મહેતાને હાસ્યનો  સર્વોચ્ચ એવોર્ડ, ‘રમણલાલ નીલકંઠ પારિતોષિક’ આપ્યો, તે પછી મને થયું કે મારે મારી આડે પાટે ચઢી ગયેલી ગાડીને ઠેકાણે લાવીને હાસ્યલેખો લખવા ખુબ મહેનત કરવી જોઈએ.
ખેર ! આ તો બધી આડવાત થઇ, આપણે આ લેખની આડે પાટે ચઢી ગયેલી ગાડીને  ફરી પાટે ચઢાવીએ.
-અરે વાહ હર્ષા! તેં મારો હાસ્યલેખ ‘દાંતનો દુખાવો’ વાંચ્યો?
-તું તો જાણે જ છે  કે મને હાસ્યલેખો  કરતા આધ્યાત્મિક લેખો વાંચવાના વધુ ગમે છે, તો પછી તને એવો ભ્રમ શાથી થયો કે મેં તારો લેખ વાંચ્યો ?
-જો તેં મારો લેખ ન વાંચ્યો હોય તો પછી તને મારા દાંતના દુખાવાની ખબર શી રીતે પડી?
-અરે ! તેં જ તો કહ્યું હતું મને વોટસએપ પર. ( ઢન્ઢેરો પીટીને તું પોતે જ ભૂલી ગઈ કે?)
એણે મારી (એક લેખિકાની)  ખુશાલી ના ફૂગ્ગામાં વાસ્તવિકતાની  ટાકણી મારીને બધી હવા કાઢી નાખી. ઠીક છે, ‘દોસ્તીમાં સો ગુના માફ’, એમ સમજીને હું એને મારી દાંતના ડોકટરના દવાખાનાની મુલાકાતની દાસ્તાન સંભળાવવા ઉત્સુક થઇ.
-સાંભળ હર્ષા, મેં સવારે જ દાંતના ડોક્ટરને ફોન કરેલો, પણ સાંજ સુધી ...
-તારી સવારથી સાંજ સુધીની હિસ્ટ્રી જાણવામાં મને રસ નથી, મારી પાસે એટલો ટાઈમ પણ નથી, એટલે તું ટૂંકમાં જ પતાવ...એણે મારા ઉત્સાહ પર ઠંડુ પાણી રેડ્યું.
-તો પછી મને પણ મારી કોઈ વાત તને કહેવામાં રસ નથી... એના રુક્ષ શબ્દોથી ઘવાઈને મેં મોં ફુલાવીને અવાજમાં રીસ ઉમેરીને  કહ્યું.
-અરે, અરે. તું તો ખોટું માની ગઈ. ચાલ, સંભળાવ તારો દંતકિસ્સો. અત્યારે હું ફ્રી જ છું, અને મેં ફોન પણ  JIO પરથી જ કર્યો છે, એટલે કોઈ ચાર્જ તો લાગવાનો નથી.
-અચ્છા ? એટલે ચાર્જ લાગવાનો હોત તો તું મારી વાત સાંભળવાનો ઇનકાર કરત, એમ જ ને ?
-અરે, એવું તે હોતું હશે? સાંભળ, ગાંડી. હું તો મજાક કરતી હતી.
-હા, અને મજાક મજાકમા તેં મને ‘ગાંડી’ પણ કહી દીધી એમ જ ને?
-જો, સાચી વાત તો એ છે કે તું મારી ખાસમખાસ ફ્રેન્ડ છે. મારે તારા સિવાય બીજી કોઈ ક્લોઝ  ફ્રેન્ડ નથી,  જેની સાથે હું મારા દિલની તમામ વાતો શેર કરી શકું. વાત કરવામાં એક તું છે અને એક મારો ગ્રાન્ડસન. બસ બે જ સાથે મારે ફોન પર વાત કરવાની હોય, એટલે હવે રીસાયા વિના વાત કર, સમજી?
-તારી સાથેની ‘લમણાઝીંક’ મા મારે સમય ક્યાં પસાર થઇ ગયો તે ખબર જ ન પડી. એક તો મારું ઘરનું કામ પણ બાકી રહી ગયું, અને બીજું,  દાંતના ડોક્ટરની મુલાકાતનો સમય પણ થઇ ગયો,  એટલે મારી દર્દભરી દાસ્તાન દવાખાને થી પાછી આવીને તને સંભળાવું છું, ઓકે ?
-ભલે, પણ સાંભળ, જો દવાખાનેથી આવ્યા પછી ડોકટરે થોડો સમય  બોલવાની ના પાડી હોય તો, પુરતો આરામ કરી લઈને પછી ફોન કરજે, આપણે તો તબિયત પહેલા પછી બીજું બધું, ખરું કે નહીં? 
-હાસ્તો વળી.
-ચાલ તો પછી મોડેથી વાત કરીશું, બાય બાય.
-બાય બાય.  
       


Wednesday, 12 April 2017

આંધળે બહેરું કુટાયું.

આંધળે બહેરું કુટાયું.           પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-દોસ્ત, તારે મારી સાથે એક જગ્યાએ આવવાનું છે. મેં મિત્રના ખભે ધબ્બો મારતા કહ્યું.
-અરે ! બંદા એક શું એકવીસ જગ્યાએ આવવા તૈયાર છે, ચાલ, બોલ ક્યા જવાનું છે? એણે અતિ ઉત્સાહમાં આવીને મને વળતો ધબ્બો મારતા કહ્યું. એ ઊભો થઇ ગયો અને મને પણ હાથ પકડીને લગભગ મારા ઘરની બહાર ખેંચ્યો.
-અરે, અરે ! જરા ધીમો પડ યાર. જ્યાં જવાનું છે ત્યાં આજે નથી જવાનું, આવતી કાલે જવાનું છે.
-ઊંહ ! કાલની વાત કાલે. આજે આજની વાત કર. એ પાછો આરામથી સોફામાં ગોઠવાઈ ગયો.
-એ જ કહું છું, સાંભળ. આજે જેવો આવ્યો છે એવો રઘલા જેવો કાલે આવશે તો નહીં ચાલે, સમજ્યો?
-ન સમજ્યો. વોટ ડુ યુ મીન બાય – ‘રઘલા?’
-રઘલાનો મતલબ ‘લઘર – વઘર.’ જરા સારા કપડા પહેરીને  ફાંકડો તૈયાર થઈને આવજે. ચહેરા પરના આ થોરિયા સારા નથી લાગતા. એને લીધે તું ‘ઇન્ડિયા’સ મોસ્ટ વોન્ટેડ’ જેવો લાગે છે. 
-તું ય શું યાર, મારી બૈરી જેવું બોલે છે.  જવાનું ક્યાં છે ? કોઈ  કંપનીમાં ઈન્ટરવ્યું આપવા જવાનું છે ?
-ઈન્ટરવ્યુ આપવા નહીં, ઈન્ટરવ્યુ લેવા જવાનું છે.
-કોનો ઈન્ટરવ્યું લેવા જવાનું છે અને  શા માટે?
-છોકરીનો ઈન્ટરવ્યુ લેવા જવાનું છે, પરણવા માટે.
-શું ? પરણવા માટે ? ના, બાબા ના. શાદી તો બરબાદી હૈ, ગુમ હો જાતી આઝાદી હૈ.  એકવાર પરણીને હું પસ્તાયો છું, ત્યાં બીજીવારની આફત કોણ ઉઠાવે ? બે બૈરાવાળા પુરુષોની દશા જોઉં છું તો મને દયા આવે છે. અને સાંભળ, આમ પણ હિંદુ લગ્નધારો બીજી પત્ની કરવાની પરમિશન નથી આપતો. અને આપતો હોય તો પણ મારે એ જફા નથી જોઈતી. પણ એક વાત કહે, તું જ શા માટે પરણી જતો નથી?
-લોચા ન માર યાર, અને તારી આ બકબક બંધ કર. તને એ જ વાત કહી રહ્યો છું.  છોકરી તારા માટે નહીં, મારા માટે જ જોવા જવાનું છે.
-તો પછી મને સરસ રીતે તૈયાર થઈને આવવાની સૂચના શા માટે આપી?
-છોકરીવાળા પર આપણો વટ પડવો જોઈએ કે નહિ? આ વધેલી દાઢીમાં તું બકરા જેવો લાગે છે, જરા સારો તૈયાર થાય તો માણસ જેવો તો લાગે.
-તો ઠીક, હું તો એવો ઘભરાઈ  ગયેલો, મને થયું કે તું મને ‘બલિનો બકરો’ બનાવવા માંગે છે.
હવે તો ખબર પડી ને કે ‘બલિનો બકરો’ તારે નહીં મારે થવાનું છે ?
-હા, ચાલ જાઉં, કાલે આવીશ.
બીજે દિવસે એની સાથે હું ‘સાહસ ખેડવા’ એટલે કે લગ્ન માટે કન્યાને જોવા નીકળી પડ્યો.
-અલ્યા, છોકરીનું ઘર ક્યા આવ્યું તે તો જોયું છે ને ? એણે મને પૂછ્યું.
-હા, જોયું છે. પારુલે એડ્રેસ પણ આપ્યું છે.
-અચ્છા, કેવી છે છોકરી?
-પારુલ કહેતી હતી, ‘છોકરી ખુબ સુંદર છે, ખાસ કરીને એની આંખો. ભાઈ તમે એની આંખો જોશો તો તમને ગીત યાદ આવશે, હમ કો તો જાનસે પ્યારી હૈ તુમ્હારી આંખે, હાય કાજલભરી....’
એણે મારો હાથ પકડીને સાઈડમાં ખેંચી લીધો ન હોત, તો છોકરીના ખ્યાલમાં ખોવાયેલો હું રસ્તામાં ભેંસ સાથે અથડાઈ પડત.
-હા, બોલ હવે, પારુલ શું કહેતી હતી એ છોકરીની બાબતમાં?
-પારુલે કહ્યું કે  - ભાઈ, તમે છોકરીને જોશો તો એનું નામ ‘અલ્પના’ બદલીને ‘ઐશ્વર્યા’ રાખી લેશો એવી સુંદર છે.  અલ્પના, કેટલું  સરસ નામ છે, નહીં?
-પેલો કોણ... ? નેપોલિયન જ ને ? એ કહી ગયો છે, ‘વોટ્સ ધેર ઇન અ નેમ?’
-અલ્યા, નેપોલિયન નહીં, એ વાત શેક્સપીયર કહી ગયો છે.
-જ્યારે નામનું જ મહત્વ નથી, ત્યારે એ નેપોલિયન કહી ગયો હોય કે શેક્સપીયર, શું ફરક પડે છે ?
-એ વાતેય સાચી. એની ચર્ચા આપણે પછી કરીશું, લાગે છે કે એનું ઘર આવી ગયું છે.
અમે ઘરના ઓટલા પર ઉભેલા આધેડ વયના સન્નારીને એડ્રેસ પૂછવાનો વિચાર જ કરતા હતા, ત્યાં ખુબ જ ઉમળકાભેર અમને આવકારતા એમણે કહ્યું, ‘અરે, તમે લોકો આવી ગયા ? આવો આવો. અમે તમારી જ રાહ જોતાં હતા. અમને લાગ્યું કે અમે બરાબર ઠેકાણે જ પહોચી ગયા. જરા સંકોચવશ અમે ઘરપ્રવેશ કર્યો.
ત્યાં બે ભાઈઓ અને એક બહેન બેઠા હતા, બધાને હાથ જોડીને પ્રણામ કરીને અમે સોફામાં બેઠા. પેલા ઓટલાવાલા આધેડ નારીએ રસોડા તરફ જોઇને બૂમ પાડી, ‘ટીનુ, બેટા. મહેમાનો આવી ગયા છે, ચા – નાસ્તો લાવજે તો જરા.’
ટીનુ મલપતી ચાલે ચા નાસ્તાની ટ્રે સાથે પ્રવેશી.  ટ્રે ટીપોઈ પર મુકીને એણે મારી સામે ચાનો કપ ધર્યો અને સ્માઈલ આપ્યું. અમારી નજરો મળી, અને  હું ધ્રુજી ઉઠ્યો, કપમાંથી ચા રકાબીમાં છલકાઈ ગઈ. મેં મિત્રની સામે જોયું, એની નજરમાં રહેલો પ્રશ્ન મેં વાંચી લીધો.
આશ્ચર્ય અને આઘાત પચાવી અમે જેમતેમ ચા નાસ્તાને ન્યાય આપી, રૂઢિગત વાતચીત પચાવી ફટાફટ બહાર નીકળ્યા. રસ્તામાં મારા મિત્રે એની થનાર ભાભીને ‘લાખોમાં એક’  ગણાવી મારી ભરપુર મજાક ઉડાવી. અમે ઘરે પહોંચ્યા એટલે મમ્મીએ પૂછ્યું,
-કેમ, બેટા. આવી ગયા ? કેવી લાગી છોકરી?
- અરે, પૂછો છો કેવી લાગી ? આવી મજાક તે હોતી હશે ? મેં પારુલનો ચોટલો પકડ્યો.
-પણ વાત શું છે ભાઈ, તે તો કહો – પારુલે ચોટલો છોડાવતા કહ્યું.
-મમ્મી, આ પારુલડી છોકરીની આંખોના એટલા બધા વખાણ કરતી હતી, જ્યારે છોકરીની આંખો ‘ઉત્તર-દક્ષિણ’ છે. 
-ઉત્તર – દક્ષિણ ? હોય નહીં. મમ્મીએ મૂંઝવણ ભર્યા અવાજે  કહ્યું.
-માસી, છોકરી ‘લુકિંગ લંડન – ટોકિંગ ટોકિયો ‘ હતી. વાત આની સાથે કરતી હતી અને જોતી મારા તરફ હતી.
-યુ મીન બાડી ? હોય નહીં, ભાઈ. મેં અલ્પનાને બે વાર જોઈ છે, જ્ઞાતિના મેળાવડામાં એકવાર વાત પણ કરી છે.  એની આંખો એટલી સુંદર છે કે  ઐશ્વર્યા  યાદ આવ્યા વિના રહે જ નહીં. પારુલ બોલી.
-પણ ટીનુને જોઇને તો અમને ઐશ્વર્યા નહીં, ટુનટુન યાદ આવી.
-ટીનુ ? પણ તમે તો અલ્પનાને જોવા ગયેલા ને ? ટીનુના ઘરે કેવી રીતે પંહોચી ગયા ?
-કેમ, ટીનુ એ જ અલ્પના નહીં ?
-નહીં, ટીનુ તો અલ્પનાની કઝીન છે, બાજુ બાજુમાં જ એમના ઘર છે.
-ઓહ ! હું તો સમજ્યો કે અલ્પના ને ઘરે બધા ટીનુ કહીને બોલાવતા હશે, એ એનું લાડકું નામ હશે. પણ તો પછી એની મમ્મીએ અમને આવકાર્યા અને અમારું સ્વાગત કર્યું...
-બંને પક્ષે ગેરસમજ થઇ લાગે છે, ભાઈ. આજે ટીનુને જોવા પણ એક છોકરો આવવાનો હતો એટલે આવું થયું લાગે છે.
-ઊંહ ! આ તો ‘આંધળે બહેરું કુટાયું’ મેં કહ્યું.
-કોઈ વાધો નહિ,  ભાઈ. હવે તમે પાછા ઉપાડો, મારી ભાભી અલ્પનાને જોવા માટે. અને હા, ભાઈ. આ વખતે સાચા ઘરે જજો હોં.Wednesday, 5 April 2017

દાંતનો દુખાવો..

દાંતનો દુખાવો..   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

એક  સવારે ધીરા  અને દબાતા પગલે ‘એ’ આવ્યો.... ‘એ’ એટલે એ જ... ‘દાંતનો દુખાવો.’   ઠીક છે, આવ્યો તો ભલે આવ્યો, મેં એની ખાસ દરકાર કરી નહીં. સાચું કહું તો મેં એની અવગણના જ કરી. ‘થોડું દુખે છે ને ? મટી જશે એ તો.’  એમ માનીને મેં એને ભગાડવા એક નાનકડું લવિંગ નીચેના દુખતા દાંત પર મૂકીને ઉપરના દાંત વડે દબાવી દીધું.
મને લવિંગવાળો ઉપાય કારગત થતો લાગ્યો, દુખાવો ઓછો થયો  હોય એમ લાગ્યું. પણ જેવી લવિંગની અસર ઓછી થઇ કે ફરી એણે ઉપાડો લીધો, મને ફરી હેરાન કરવાનું ચાલુ કર્યું.  દાંતના દુખાવાનું શાસ્ત્ર એવું છે કે – ‘રામ ના બાણ વાગ્યા હોય એ જ જાણે.’ દાંતનો દુખાવો થયો હોય એ જ જાણે, બાકીનાને ખબર ન પડે. એક પ્રખ્યાત પંક્તિને જરા મરોડીને કહીએ તો - ‘માંહી પડ્યા એ મહાદુઃખ માણે, દેખનહારા શું જાણે?’ 
‘બસ બહુ થયું, હવે આને પાઠ ભણાવવો જ પડશે’,  ભારત જેમ પાકિસ્તાની સેનાની સામે કડક હાથે કામ લે છે, તેમ મેં પણ દુખાવાની સામે કડક હાથે કામ લેવાનું નક્કી કર્યું. પતિદેવ હજી થોડા સમય પહેલાં જ દાંતના દુખાવાની ટ્રીટમેન્ટ કરાવી (દાંત પડાવી) સાજા થયા હતા એટલે મેં એમને ઉપાય પૂછ્યો. એમણે મને એમના ‘દવા ભંડાર’ માંથી એક લંબગોળ સફેદ ટીકડી કાઢીને આપી અને પાણી સાથે ગળી જવાનું કહ્યું. મેં એ પેઇન કીલર  લીધી. અર્ધો કલાક માં જ મને રાહત થઇ ગઈ. ‘વાહ હુઝુર વાહ!’ કહીને મેં એમનો આભાર માન્યો.
પણ જમતી વખતે દુખાવા એ ફરી પોતાનું પોત પ્રકાશ્યું. ‘વ્યવસ્થિત ઉપાય કરાવ્યા વિના મારી પાસે કામ લેશો તો હું મારો પરચો બતાવીશ’ એમ કહીને એણે અસહકારનું આંદોલન કર્યું. એટલે ‘તું નહિ તો તારો ભાઈ કામ કરશે...’   એમ કહીને મેં ડાબી ના બદલે જમણી તરફના દાંત વડે જમવાનું કામ પતાવ્યું.
પણ એની અવગણના મને સાંજે  ભારે પડી.  આપણે દાબમાં રાખીને શિસ્ત શીખવી હોય, તે  બાળક ઘરમાં મહેમાનો આવે ત્યારે આપણી મજબુરીનો ગેરલાભ લે, સોફા પર ઉછળે, ચોકલેટ માંગે, મુખવાસના બુકડા ભરે અને મા બાપને ત્રસ્ત કરે,  એમ જ  એ દાંતે મને હેરાન પરેશાન કરી મૂકી.
રાત્રે તો મેં સાવ ઢીલો પોચો (મારી  સ્થિતિ જેવો) ખોરાક  જમણી તરફ ચાવીને લીધો, સાચું કહું તો  પાણીની મદદ વડે ખોરાકને ગળા નીચે ઉતાર્યો. હું ભાગ્યે જ પેઈન કીલર લઉં છું, પણ લાચારીવશ એ સાંજે મેં બીજી પેઈનકીલર લીધી, એનાથી જરા સારું લાગ્યું.
મને થયું, ચાલો  દુખાવા પર તો કાબુ મેળવ્યો. પણ  એ તો માત્ર ભ્રમ હતો. ટીવી પર આવતા ‘ઝી સીને એવોર્ડ્સ’  જોતા જોતાં , સ્ટાર લોકોની ચમક દમક અને મનીશ પોલ – ભારતીની કોમેડીમાં  દુખાવો થોડીવાર વિસરાઈ ગયેલો. પણ જેવી પથારીમાં પડી એવી જ એણે  એની હાજરી બતાવીને મારી પથારી ફેરવી નાખી.
આમથી તેમ પડખા ઘસતા ઘસતા અડધી રાત થઇ ગઈ, હવે ? પતિદેવ આ ઘટનાથી અજાણ બાજુમાં નીદ્રાદેવીની શરણમાં આરામથી સુતા હતા. શું કરું, જગાડું ? ના, એમની ઊંઘ બગાડવાથી મારો દુખાવો ઓછો નહીં થાય, ઉપરથી એ ચિંતા કરશે તો મારો દુખાવો બેવડાશે,
ત્યાં જ મને ‘કોમ્બીફ્લેમ’ નામની સ્ટ્રોંગ દવાનું નામ યાદ આવ્યું. એના પર લખ્યું હતું, ‘ડોઝ કરતા વધારે લેવાથી લીવર ખરાબ થાય છે.’ થોડો ડર લાગ્યો. પણ આજે તો મેં બીજી જ કોઈ દવા લીધી હતી, આ દવા કોમ્બીફ્લેમ તો પહેલીવાર લઇ રહી છું, મેં ગોળી ગળી લીધી. પણ દવા એમ કઈ તરત અસર થોડી જ કરે?
દુખાવા સાથે હું ફરી પથારીમાં પડી, ત્યાં જ મને ઘરના ફ્રીઝરમાં મૂકેલા ‘આઈસ પેક જેલ’ ની યાદ આવી. જાડા પ્લાસ્ટીકની ટ્રાન્સપેરન્ટ લંબચોરસ એક થેલીમાં બ્લ્યુ રંગની જેલ (જેલી જેવો સેમી લીક્વીડ પદાર્થ) ભરેલી હોય, એને તમારે ફ્રીઝરમાં ઠંડી કરવા મૂકી રાખવાની. એની સાથે એના માપની એક કાપડની થેલી આપી હોય,( એ બહાર રાખી મુકવાની),  આ કાપડની થેલીમાં જેલપેક મુકીને દુખાવાની જગ્યાએ દસ પંદર મિનિટ ઠંડો શેક કરવાનો.
આ ઠંડા શેકથી ‘એનેસ્થેશીયા’ જેવી અસર થાય અને દુખાવો ઓછો થાય. આ ઉપાય કારગત નીવડ્યો. મને દાંતના દુખાવામાં રાહત થઇ ગઈ અને સરસ ઊંઘ આવી ગઈ. બીજે દિવસે સવારે ઊઠીને સૌથી પહેલા દાંતના ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લઇ લીધી, એમણે સાંજની એપોઇન્ટમેન્ટ આપી. હવે તો બસ, ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ’ ની જેમ ...‘હવે દાંતના ડોકટરના હવાલે હું અને મારો દાંત,  દોસ્તો.’
અને છેલ્લે:
એક મહિલા : (દાંતના ડોક્ટરને) : ડોક્ટર સાહેબ, આપ જલ્દીથી દાંત પાડી આપો, એનેસ્થેશિયા આપવાની જરૂર નથી , અમારી પાસે ટાઈમ નથી, એક મેરેજ રીશેપ્શનમાં માં જવાનું છે.,
ડોક્ટર: તમે તો બહુ બહાદુર મહિલા છો, ચાલો આવી જાઓ ખુરશીમાં.

મહિલા: (પતિને) : ચાલો બેસી જાઓ અહી, જલદી કરો. ડોક્ટર સાહેબ, આમનો દાંત પાડવાનો છે.