Wednesday, 19 August 2015

નામમાં તે શું છે?

નામમાં તે શું છે?           પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-શું શોધે છે તું આટલી રાત્રે?
-હું નામ શોધું છું.
-નામ?  કેમ?  તારે તારું નામ બદલવું છે? એવું તે શું બની ગયું, કે તારે તારું નામ બદલી નાંખવું પડે? કે પછી તારા સ્વભાવ મુજબ તેં કોઈ સાથે શરત મારી હતી, કે  “આમ” ન થાય તો જોજો, હું મારું નામ બદલી નાંખીશ.
-તમે પણ શું, જરા કંઈ થાય ને મારા સ્વભાવ વિશે અટકળ કરવા માંડો છો, હલકું લોહી હવાલદારનું?’  તમે ચિંતા ન કરો,  મારે મારું નામ બદલવું પડે એવું હજી સુધી તો કંઈ બન્યું નથી.
-તો પછી આટલી મોડી રાત્રે, આવી માનસિક કસરત કરવાનું શું પ્રયોજન?
-હું આપણી રન્નાના બાબા માટે નામ શોધું છું.
-ફોઈના બદલે વળી માસી ક્યારથી નામ પાડતી થઈ ગઈ?
-ફોઈ હોય તે જ નામ પાડે, એવું હવે ક્યાં રહ્યું છે? અને ધારો કે રહ્યું હોય તો પણ, મેં કોઈ સારું નામ શોધી રાખ્યું હોય તો એની ફોઈને મદદરૂપ થવાય ને?
-એ કરતાં તું મને મદદરૂપ થાય તો કેવું?
-એ કઈ રીતે?
-બેડરૂમની લાઈટ બંધ કરી દઈને, મને હવે ઊંઘ આવે છે.
-પણ પછી અંધારામાં હું નામ શોધું કઈ રીતે?
-અરે, તારે તો ફક્ત નામ જ શોધવાનું છે ને? ક્યાં કોઈ વસ્તુ કે વ્યક્તિને શોધવાની છે. અત્યારે કોઈ નામ વિચારી રાખ, સવારે નોંધી લેજે.
-સવાર સુધીમાં એમાંના કેટલાક નામો હું ભૂલી જાઉં તો?
-ભૂલી જવાય એવા નામ શોધ્યા હોય તો ય શું, અને ન શોધ્યા હોય તો ય શું?
-એ તમે નહીં સમજો, તમારાથી થાય તો મને મદદ કરો.
-ભલે, બોલ. કઈ રાશિ પરથી નામ શોધવાનું છે?
-કન્યા રાશિ.
-કન્યા રાશિ? કન્યા રાશિ પરથી તો કન્યાના સારા નામો મળે.
-પણ આપણે કન્યાનું નહીં, બાબાનું નામ શોધવાનું છે. હવે તમે મજાક છોડીને સીરીયસલી કન્યા રાશિ પરથી. એટલે કે- પ..ઠ..ણ. અક્ષરો પરથી  બાબાનું નામ શોધવામાં મદદ કરો.
-લે, એ તો સાવ સહેલું છે, ઠાકોરજી નામ લખી લે.
-૨૧મી સદીમાં આ તમે કઈ સદીનું નામ લઈ આવ્યા?
-ભગવાનનું નામ સદીઓની સદીઓ સુધી અમર રહેવાનું.
-મજાક જ કરવાના હોય તો બેટર, કે તમે સૂઈ જાવ.
-ના, ના. સીરીયસલી,  હવે ચાલ બોલ, તારા મનમાં જે હોય તે નામો તું જ બોલ.
-યે હુઈ ના બાત. બોલું? તમે સાંભળશો?
-છૂટકો છે કંઈ?
-જાવ ત્યારે, મારે તમને કંઈ કહેવું જ નથી.
અરે, અરે! હું તો મજાક કરતો હતો, અને તું તો રિસાઈ ગઈ. ચાલ બોલ જોઉં.
-બોલું? પાવક.
-પાવક? એ તો શીરા માટે શ્રાવક જેવું લાગે.
-તો પૌરવ?
-કૌરવના સગાભાઈ જેવું લાગે.
-તો પછી પાર્શ્વ?
-આમ સારું છે, પણ પાર્શ્વભાઈ બોલવાનું ફાવે નહીં.
-ઓકે. તો પાર્થ કેવું છે?
બહુ જ કોમન છે
-પ્રિયવદન સરસ નામ છે ને?
-ના, અમદાવાદથી ગાંધીનગર જેટલું લાંબુ નામ સારું નહીં લાગે.
-તો પછી પ્રસન્ન?
-આટલા બધા ટેન્શન વચ્ચે આજના યુગમાં કોઈ પ્રસન્ન રહી શકે ખરું? કોઈ એપ્રોપ્રીએટ નામ બોલ ને, યાર.
-તો પછી તમે જ કોઈ એવું નામ શોધી આપો ત્યારે ખરા.
-સોક્રેટીસ કહી ગયા છે, કે ‘What is there in a name?’
-જનાબ,  એ વાત સોક્રેટીસ નહીં, પણ શેક્સપીઅર કહી ગયેલા.
-જ્યારે નામમાં જ કશું નથી, ત્યારે એ વાત શેક્સ્પીઅર કહી ગયા હોય કે સોક્રેટીસ, શું ફરક પડે છે?
-હે ભગવાન! હું વળી તમારી સાથે આ ચર્ચામાં ક્યાં પડી? ‘To Argue with a Husband, is like to fight with Hippopotamus in mud.’  તમે એ કહો કે તમારે મને મદદ કરવી છે, કે નહીં?  
-જે વસ્તુ અજરામર નથી, નાશવંત છે, એવી વસ્તુ કે નામ પાછળ આટલો બધો સમય, શક્તિ, બુધ્ધિ અને સૌથી કીંમતી એવી ઉંઘ બગાડવાનું કોઈ કામ છે?
-કામ વગર એમ જ કંઈ હું મથામણ કરતી હોઇશ?  આપણે કોઈ સારું નામ શોધી નહીં રાખીએ અને એની ફોઈ,  પરેશ, પ્રકાશ, પલ્લવ, પ્રવીણ કે પંકજ જેવું કોઈ ચીલાચાલુ કે આલતુ ફાલતુ નામ પાડી દે તો?
-તો આપણે એ નહીં સ્વીકારવાનું. આપણે તો આપણે જે નામ પાડીએ એ જ નામે એને બોલાવવો.
-તે ના ચાલે. એકવાર એનું નામ પડ્યું એટલે ખલ્લાસ. જુઓને, હેમાબેનની દીકરીનું કાદમ્બરી જેવું સરસ નામ છે. પણ એ નામ પાડવામાં વાર કરી એમાં બધા  એને ભોટી કહીને બોલાવવા લાગ્યા, તો હવે એ જ નામ પડી ગયું ને? મંગુકાકા-અનસૂયામાસીની  દીકરી કેયૂરી, બે છોકરાની મા બની ગઈ,  તો પણ ઠકી નું જે લેબલ લાગ્યું તે ઉખડ્યું જ નહીં. અને  આપણી ધરા ને આપણે કેટલી વાર ધરા કહીને બોલાવી, કાયમ  ડોલી જ કહીએ છીએ ને?
-તને સાચી વાત કહું? વ્યક્તિનું નામ ભલે ને ગમે તે હોય, એનાથી વ્યક્તિ તો જે છે  એ જ રહેવાની ને, કે બદલાઈ જવાની?
-એટલે, મને સમજાયુ નહીં.
-એટલે એમ કે કોઈ વ્યક્તિનું નામ હોય પ્રજ્ઞેય (ઘણું જાણનાર),  પણ એ પોતાના દેશના પ્રાઈમ મિનિસ્ટરનું નામ પણ નહીં જાણતો હોય. કોઈનું નામ હોય પ્રણવ (ઓમકાર), જેણે જિંદગીમાં કદી ઓમકાર નહીં કર્યો હોય, પણ અભિમાનથી બધાંની સામે સદાય હુંકાર જ કર્યો હોય. નામ હોય પ્રણય (પ્રેમ), પણ એ આખી દુનિયાને નફરતની નજરે જ જોતો હોય. નામ હોય પારસ’, ( જે લોખંડને સ્પર્શે તો લોખંડ પણ સોનુ બની જાય), પણ એવો ડફોળ પાકે કે સોનાને અડે તો સોનુ પણ લોખંડ થઈ જાય. નામ હોય પૂજિત (પૂજાનાર-પૂજ્ય),  ને એ પૂજાય પણ ખરો, પણ ફૂલોથી નહીં, લોકોની ગાળોથી. નામ હોય પ્રબુધ્ધ (જાગેલું-જાગૃત),  પણ ક્યારેય અજ્ઞાનની ઊંઘમાંથી કદી ન જાગવાની પ્રતિજ્ઞા કરી હોય. મારો કહેવાનો મતલબ એ  છે કે, નામમાં તે વળી શું છે?’
-તમે નામની એનાલિસીસમાં આટલો બધો સમય બરબાદ કર્યો, તે કરતાં મને મદદ કરી હોત તો  બીજા દસ નવાં નામ મળી જાત ને? અને ભલે તમે કહો, કે નામમાં તે વળી શું છે?’ પણ તમે જ વિચારો કે -પતંજલિ  નામ ઋષિમુનિઓને જ સારું લાગે, એ નામનો એક્ટર કોઈ દિવસ સાંભળ્યો છે? પુનિત, પાવન,    પુષ્કર, પરમ કે પુંડરિક નામનો કોઈ દાણચોર પાક્યો છે? પદ્મનાભ, પ્રિયવ્રત, પ્રિયકાંત કે પ્રિયવદન નામનો ભિખારી કોઈ દિ ભીખ માંગતો જોયો છે? પર્જન્ય, પ્રધુમ્ન, પૌર્વિક, પિનાક કે પાર્થિવ નામનો પટાવાળો કોઈ ઓફિસમાં કામ કરતો ભટકાયો છે?  
-માની લે કે નથી ભટકાયો, તો શું?
-તો એટલું જ કે-  નામ પાડીએ તો બહુ વિચારીને કે સમજીને, કોઈ સરસ, સુંદર, મનભાવન, પ્રેક્ટિકલ, એપ્રોપ્રીએટ નામ પાડવું જોઈએ.
-તને આશા છે કે-  એવું નામ મળશે?
-ચોક્કસ. જુવો,  મારી પાસે આ ગુજરાતી શબ્દકોશ છે.
-ઓહ! આટલી રાત્રે તું આ દળદાર ગ્રંથમાંથી નામ શોધવા બેસીશ?
-તમે ચિંતા ન કરો. હું બેડરૂમની લાઈટ બંધ કરીને, નીચેના માળે ડ્રોઈંગરૂમમાં જઈને નામ શોધીશ.
-હાશ ! થેંક્યુ ! ગુડ નાઈટ.
-ગુડ નાઈટ કહેતાં પહેલાં એક વાત કહું?
-કહે, પણ ફક્ત એક જ વાત, હોં.

-તમારી ફોઈએ તમારું નામ કુંભકર્ણ પાડ્યું હોત,  તો એ વધુ એપ્રોપ્રીએટ ન હોત?  

Wednesday, 12 August 2015

ચાલતો રે’ જે [૨]

ચાલતો  રે જે [૨]         પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

ચાલતો રે જે...  એ વિષય પર ગીતકારોએ જે ગીતો લખ્યા છે, તેમાં એક ગીત આવું પણ છે – ચલ અકેલા, ચલ અકેલા, ચલ અકેલા... આમ રીપીટેશન દ્વારા કવિએ એકલા ચાલવા ઉપર ભાર મૂક્યો છે. કદાચ મૃત્યુ પછીની સફર આત્માએ એકલા જ કરવાની હોવાથી કવિએ દૂરંદેશી વાપરી, પ્રેકટિસ થાય એ માટે એકલા ચાલવાની હિમાયત કરી હશે.  અથવા તો કોઈની સાથે ચાલવા જવામાં કવિને ગેરફાયદો જણાયો હશે, એટલે એકલા ચાલવા જવાનું કહ્યું હશે. પરંતુ એકલા ચાલવા જવામાં તો એનાથી ય મોટો ગેરફાયદો છે, અને તે છે – જાત સાથેનો સંવાદ’,  જે નર્યો બકવાસ હોય છે.

એક ગીતકારે એમ પણ કહ્યું છે કે –ચલના હિ જિંદગી હૈ, રૂકના હૈ મૌત તેરી... આ વાત કદાચ ૯૯% સાચી હશે, પણ એક ટકો ખોટી છે. મારી ફ્રેંડનો ભત્રીજો એક સવારે ચાલવા ગયો હતો.  સુરા પાન કરીને ટ્રક ચલાવી રહેલા એક ડ્રાઇવરે એને ટ્રક દ્વારા ધક્કે ચઢાવ્યો. ભરયુવાનીમાં એને પૃથ્વીના રસ્તેથી પળભરમાં સ્વર્ગના રસ્તે ચઢાવી દીધો. આમ આપણી મરજી વિરુધ્ધ  કોઈ આપણો રસ્તો બદલાવી નાંખે, તે પસંદ ન હોવાથી હું નજીકની શાકની દુકાને પણ ચાલતા જવાને બદલે સ્કુટર પર જવાનું વધુ પસંદ કરું છું.

હવે તો મારા દિકરાઓ પણ મારું જ અનુસરણ કરીને, મમ્મી, મને  બસ સ્ટોપ સુધી મૂકી જા ને એવી માંગણી નજીકના બસસ્ટોપ પર જવા માટે કરે છે, ત્યારે હું એમને હોંશથી સ્કુટર પર અથવા કારમાં બેસાડીને બસસ્ટોપ પર મૂકી આવુ છું. આજકાલ રસ્તા પર ચાલીને જઈ રહેલી બહેનોના ગળામાંથી મોટરસાઈકલ પર આવેલા ગઠિયાઓ, મંગળસૂત્ર- ચેઇન એવું તોડીને લઈ જાય છે. આવા બનાવો જ સૂચવે છે કે, ચાલતા જવામાં નુકસાન છે અને વાહન પર જવામાં ફાયદો છે.

ચલ રે નૌજવાન, ચલ ચલ રે નૌજવાન... વાળા ગીતમાં તો મારે ચાલવાનું છે જ નહીં, કેમ કે ગીતકારે નૌજવાનોને ચાલવાનું કહ્યું છે, નૌયૌવનાઓને નહીં.  ચલો સજના જહાં તક ઘટા ચલે… માં આપણે માત્ર આપણી બુધ્ધિને જ ચલાવીએ તો પણ ખબર પડી જાય છે કે ઘટાઓ કોઈ દિવસ ચાલતી નથી, હા, ઘેટાંઓ ઊંધુ ઘાલીને ચાલતાં રહેતાં હોય છે. આમ ગીતકારે ચાલવું જ ન પડે એવો ચબરાકી ભર્યો પ્રસ્તાવ આ ગીતમાં મૂક્યો છે.

એક ગીતકારે ચલકર દેખે ફૂલ રંગીલે, ફૂલ રંગીલે નીલે પીલે... એવો પ્રસ્તાવ મૂક્યો છે. આ ગીતકારની જેમ હું પણ ફૂલો જોવાની ચાહક હોવાથી, એ માટે ચાલવું પડે તો ચાલવા પણ તૈયાર છું. પણ... અમારી સોસાયટીના ગાર્ડનમાં ઊગેલાં ફૂલો નીલાં, પીળાં, લાલ, ગુલાબી, સફેદ... અમારા બેડરૂમની ગેલેરીમાં બેઠાં બેઠાં જોઈ શકાય છે. એટલું જ નહીં, અમારા ઘરની પાસે ઊગેલ ગુલમહોરનાં લાલ લાલ ફૂલો તો હું ગેલેરીમાંથી હાથ વડે સ્પર્શી શકું એટલા નજીક ઊગ્યાં છે. આમ કુદરતને પણ હું ચાલતી રહું એ વાત કદાચ મંજૂર નથી.

ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો... જેવી એક્સાઈટીંગ ઓફર જિંદગીમાં જવલ્લે જ મળતી હોવાથી, હમ હૈ તૈયાર ચલો ઓ ઓ ઓ..’,  કહીને સ્વીકારી લેવાનું મન થાય છે. કારણ કે આપણને  ખબર છે કે, પછી બહુ બહુ તો ચાંદની રેસ્ટોરન્ટમાં ડીનર –બીનરની ઓફરથી  વધુ કંઈ મળવાની આશા નથી. વળી બીજું કારણ એ પણ કે ચાંદકે પાર જવાનું થાય તો નેચરલી ટાંટિયાતોડ કરીને જવાનું તો થાય નહીં, ત્યાં તો અવકાશયાન જ ભાડે કરવું પડે. એટલે આ ઓફર સ્વીકારાય, પણ...

વખત છે ને અવકાશી ચાંચિયાઓ મારું અપહરણ કરી જાય (???) અને મારા બદલામાં ભારતનાં પી.એમ. પાસે અમુક-તમુક ત્રાસવાદીઓને છોડી મૂકવાની માંગણી મૂકે તો? મને ખાતરી છે કે પી.એમ. સાહિત્યપ્રેમી હોવા છતાં, અપહરણ કર્તાઓની માંગણી નહી જ સ્વીકારે. (આના કરતાં તો આતંકવાદીઓ સારા) જો આવું થાય તો એક હાસ્યલેખિકાના જવાથી ભારત દેશને પડેલી ખોટ પૂરતાં કેટલા યુગો જાય? આથી દેશને ખાતર હું આ ઓફર પણ જતી કરું છું.

ચલો એકબાર ચલકર, અજનબી બન જાયેં હમ દોનોં... આ ગીત કોઈ દેણદારે પોતાના લેણદારને ઉદ્દેશીને લખ્યું હશે. બેઠાં બેઠાં અજનબી બનવાની ઑફર મૂકતાં એને સંકોચ થયો હશે કે અવિનય જેવું લાગ્યું હશે તેથી એણે ચાલીને (ચલકર...) આ કામ કરવાનું મુનાસિબ માન્યું હશે. મારો લેણદાર આ ઑફર સ્વીકારવા તૈયાર થાય તો, એ માટે જેટલું ચાલવું પડે તેટલું, ચાલી નાંખવાની મારી તૈયારી છે.
શ્રી મનહર મોદીનો એક શેર છે : મુસાફર થવાનું પ્રલોભન થશે, આ રસ્તાઓ એવાં ચમકદાર છે. અમદાવાદના રસ્તાઓ જો પોતાની ધૂળદાર સ્થિતિ બદલીને આવા ચમકદાર થશે, તો હું મારો ઘરે બેસી રહેવાનો નિર્ણય બદલીને ચાલવા જઇશ.

એકવાર બિહારના મુખ્યપ્રધાન લાલુપ્રસાદ યાદવે બિહારના રસ્તાઓ અભિનેત્રી હેમા માલિનીના ગાલ જેવા લીસ્સા બનાવીશ એવી જાહેરાત કરી  હતી, ત્યારે મેં નિર્ણય કર્યો હતો, ભલે લપસી પડાય, હું બિહારના રસ્તાઓ પર ચાલવા જઈશ પણ ન તો એ રસ્તાઓ હેમા માલિનીના ગાલ જેવા લીસ્સા થયા, ન તો મારે એના પર ચાલવા જવાનો સવાલ ઊભો થયો. કદાચ આમ ને આમ વર્ષો વિતી જશે, અને હેમા માલિનીના ગાલ બિહારના રસ્તાઓ જેવા થઈ જશે.

આદિલ મનસૂરીનો એક શેર છે, ચાલતા સાથે નીકળતાં યાદ છે, શહેરના એક એક રસ્તા યાદ છે એમાં એક જ શબ્દનો ફેર કરીએ તો મને આ શેર લાગુ પાડી શકાય. સ્કુટર પર સાથે નીકળતાં યાદ છે, શહેરના એક એક રસ્તા (ખાડા-ટેકરા સહિત) યાદ છે 

પંડિતોની એક ઉક્તિ છે, ચાલે તેનું નસીબ ચાલે છે, બેસે તેનું બેસે છે અને સૂતેલાનું નસીબ સૂઈ જાય છે શાંતિથી વિચારીએ તો લાગે છે કે, આ કોઈ ઉક્તિ નથી, પરંતુ કહેવાતા પંડિતોની જનતાને ઉલ્લુ બનાવવાની યુક્તિ છે, પ્રયુક્તિ છે. આપણે ચાલીએ તો નસીબ ચાલે, આપણે બેસીએ તો નસીબ બેસે અને  આપણે સૂઈ જઈએ તો નસીબ સૂઈ જાય, આ તે કંઈ નસીબના ડહાપણની વાત થઈ? નસીબને પોતાના સ્વતંત્ર અસ્તિત્વ જેવું પણ કંઇ હોય કે નહીં? અને ન હોય તો, આવા પોન ઓરીએન્ટેડ , અધર રેફરલ એવા નસીબને લઇને આપણે કરવાનું શું?

ચાલનારા કહે છે કે, ચાલવું એ ઉત્તમ વ્યાયામ છે’, તરનારાઓ સ્વીમીંગને, યોગીઓ યોગને, સંતો ધ્યાનને અને કસરતબાજો કસરતને ઉત્તમ વ્યાયામ ગણાવે છે. જ્યાં સુધી ઉત્તમ વ્યાયામ કયો?’ એ નક્કી ન થાય ત્યાં સુધી આપણે કોઈ પણ જાતનો શારીરિક કે માનસિક વ્યાયામ શા માટે કરવો જોઇએ? હું તો ત્યાં સુધી કહું છું કે તમારે આવા લેખો  વાંચવાનો અને મારે આવા લેખો લખવાનો વ્યાયામ પણ શા માટે કરવો જોઇએ?

ગ્રીક ફિલસૂફો ગૂઢ પ્રશ્નોની ચર્ચા ચાલતાં-ચાલતાં કરતા, અને સંગીત સમ્રાટ મોઝર્ટને અટપટી સંગીત રચનાની ગૂંચનો ઉકેલ ઘરની બહાર ખુલ્લામાં લટાર મારવાથી મળી જતો. મને તો આ રીતે લટાર મારતાં એક રૂપિયાના સિક્કાથી વધુ કોઈ દિવસ કંઈ મળ્યું નથી.

ચલના હી જિંદગી હૈ, રૂકના હૈ મૌત તેરી નો વિચાર કરું તો હું જીવનમાં જીવિત કરતાં મૃત અવસ્થામાં વધુ  સમય ગાળું છું’, એ હકીકત પૂરવાર થાય છે. જો કે મને એ વાતનો જરા પણ અફસોસ નથી, કેમ કે જીવનમાં સૌએ એકવાર તો મરવાનું છે જ.

મહાન નેતા શ્રી અબ્રાહમ લિંકનનું એક પ્રસિધ્ધ વાક્ય છે, આઇ વૉક સ્લોલી, બટ આઇ નેવર વૉક બેક. હવે જો આવા મહાન નેતા પણ પાછા ફરતી વખતે ચાલતા નહીં આવતા હોય, તો- એમના સિધ્ધાંતને વધુ દ્રઢપણે અનુસરતાં, એટલે કે જતાં તેમ જ આવતાં   હું ચાલતી આવવાને બદલે વાહનનો ઉપયોગ કરું, તો- એમના વાક્યમાં રજમાત્રનો ફેરફાર કરી હું મારા માટે આજે તો એટલું ક કહીશ :

આઇ વૉક સ્લોલી, બટ આઇ નેવર વૉક.

Wednesday, 5 August 2015

ચાલતો રે’ જે...[૧]

ચાલતો રે જે...[૧]           પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

ચાલતો રે જે.... ચાલતો રે જે  એ.. એ..એ.. એ.. આ ગીત કોઈ ગીતકારે ખુરશીમાં બેસીને લખ્યું હતું. કદાચ ખુરશીમાં બેસીને નહીં લખ્યું હોય, તો હીંચકે બેસીને લખ્યું હશે, અથવા તો ખાટલા પર બેસીને લખ્યું હશે. ટૂંકમાં આ ગીત એમણે બેસીને લખ્યું હશે, કેમ કે ચાલતાં-ચાલતાં તો ગીત લખી નહીં શકાય તે સમજી શકાય એવી વાત છે. અને આ ગીતકાર જો જીવનમાં ચાલવા કરતાં ઝાઝું બેઠાં રહ્યા હશે તો જ તેઓ ઝાઝાં ગીતો લખી શક્યા હશે, એની મને ખાતરી છે.

સ્વાનુભવે મને સમજાયું છે, કે બેસીને, સૂઈને કે સ્થિર ઉભા રહીને કરવાનાં કામો ચાલતા રહેવાથી અટકી પડતાં હોય છે. પરંતુ ઉપરની પંક્તિ લખનાર ગીતકારે તો આગળ વધીને [ફક્ત પંક્તિમાં જ]  વિસામો ન લેજે....વિસામો ન લેજે. એમ પણ કહ્યું છે. પણ પ્રેક્ટિકલી આ વિસામો ન લેજે વાળી વાત આપણે  હાર્ટ એટલે કે હ્રદય સિવાય  કોઈનેય લાગુ પાડી શકીએ એમ નથી. જો કે ક્યારેક હાર્ટનેય વિસામો લેવાનું મન થઈ આવે છે ખરું. પણ એનો વિસામો માણસને ક્યારેક હોસ્પિટલના ICCU  વિભાગનો તો  ક્યારેક સ્વર્ગનો  રહેવાસી બનાવે છે.

એકવાર અમે અમારી કારમાં બેસીને મહુડી ગયા હતા. પ્રભુના દર્શન કરતાં પણ ગરમ સુખડીનો પ્રસાદ અમને ત્યાં જવા માટે વધુ પ્રોત્સાહિત કરે છે. મહુડીથી પાછા વળતાં અમે વિસામો ન લેવાનું નક્કી કર્યું. પણ ગાંધીનગરથી અમદાવદ તરફ આગળ વધતાં અમારી કાર રસ્તામાં અટકી અને બૉનેટે સ્મૉકિંગ કરી ધુમાડા કાઢવા માંડ્યા. એના ડૉક્ટરે એટલે કે ડ્રાઇવરે બૉનેટ ખોલી , પ્રાથમિક તપાસ કરીને અમને રિપોર્ટ આપ્યો, ગાડી ગરમ થઈ ગઈ છે, અર્ધો કલાક પછી પાણી નાંખીશું પછી જવાશે.  ગાડીના ગરમ થવાની વાત સાંભળીને અમે સૌ ઠંડા થઈ ગયા.

આ રીતે અર્ધા રસ્તે પરાણે વિસામો લેવાની વાત અમને વસમી લાગી. અમારે ઘરે વહેલા પહોંચવું હતું, કેમ કે અમારે ટી.વી. પર ક્રિકેટ મેચ જોવી હતી. અમે ડ્રાઈવરને કહ્યું, રેડિયેટરમાં અત્યારે જ પાણી નાંખી દો તો ગાડી ઠંડી થઈને ચાલતી ન થઈ જાય?’  ગરમ રેડિયેટરમાં ઠંડુ પાણી નાંખીએ તો રેડિયેટર કાણું થઈ જાય એણે એનો એક્સપર્ટ ઓપીનીયન આપ્યો, જે સાંભળીને અમારે અમારી ઈચ્છા વિરુધ્ધ ચાલવું પડ્યું એટલે કે વિસામો લેવો પડ્યો.

આ તો જાણે અમારી ગાડીના ચાલવા ન ચાલવાની વાત થઈ પણ અમારા પડોશી વયોવૃધ્ધ કાકાએ ગીતકારની પંક્તિ  ચાલતો રે જે.. સાંભળી હશે. એટલે એમણે ડાકોરની યાત્રા, રણછોડજીનાં દર્શન ચાલતા જઈને ચાલતા આવવાની શરતે આરંભી. પણ તેઓ તો જતી વેળા રસ્તામાં જ માંદા પડી ગયા તેથી એમનો દિકરો એમને  કારમાં ઘરે લઈ આવ્યો. ડૉક્ટરે તગડી ફી લઈને દવા આપીને બે દિવસ નહીં ચાલવાની [પથારીમાં સૂઈ રહેવાની] સજા ફરમાવી. એટલે આ બનાવ ઉપરથી રણછોડરાયને પણ ચાલીને કોઇ મળવા આવે તે પસંદ નથી એવું તારણ કાઢી શકાય.

એક પ્રખ્યાત ગીતકારે, કદાચ રવીંદ્રનાથ ટાગોરે,  લખ્યું છે, કે તારી જો હાક સુણીને કોઈ ના આવે રે..તો તું એકલો જા ને રે  મતલબ કે આપણી હાક એટલે કે બૂમ સાંભળીને જો કોઈ આપણી સાથે ચાલવા ન આવે તો આપણે એકલા જવું. નહીંતર બૂમ સાંભળીને કોઈ તૈયાર થાય તો સાથે ચાલવા જવામાં કોઈ વાંધો નથી. પરંતુ  સાથે ચાલવા જવામાં એકબીજાની શરતો સ્વીકારવી પડે છે. મારા પતિ કહે છે, સવારમાં ચાલવા જઈએ. મને સવારમાં ઘરનું કામકાજ હોવાથી હું કહું છું, રાત્રે ચાલવા જઈએ. અમારા આ ઝઘડાનો ઉકેલ આપતા અમારા બાળકો કહે છે,  બપોરે જાવ.  હજી આ ઝઘડો ભારતની કોર્ટમાં દાખલ નહીં થયો હોવા છતાં ઉકલ્યો નથી.

પરંતુ એકવાર મારા પતિ મારા માટે કંઈ સરસ ભેટ લાવ્યા હતા અને હું મારી ઈચ્છા વિરુધ્ધ એ દિવસે એમની સાથે સવારે ચાલવા નીકળી હતી, ત્યારે અમારી વચ્ચે નીચે મુજબના સંવાદો થયાં.
-કેમ આટલી ધીમી ચાલે છે?
-મારી ચંપલની પટ્ટી તૂટું- તૂટું થઈ રહી છે.
-એક નવી ચંપલ ખરીદી લેજે.
-ભલે. આ સામે બંધાઈ રહેલું બિલ્ડિંગ સરસ છે, નહીં?
-હા, સારું છે. ભાવની તપાસ કરી આવજે.
-કેમ, લેવાનો વિચાર છે?
-એકાદ ફ્લેટ નોંધાવી દઈએ.

એ દિવસે હું ખુશ થઈ ગઈ. ચાલવા જવાના અનેક ફાયદા મને દેખાવા લાગ્યા. બીજે દિવસે મેં મારા પતિદેવને કહ્યું, ચાલો ચંપલ લેવા જઈએ. તો એમણે કહ્યું, હજી ચાલે ત્યાં સુધી આ ચંપલ ચલાવ પછી મેં ફ્લેટ નોંધાવવાની વાત કરી તો એમણે કહ્યું, હાલમાં તો સગવડ થાય એમ નથી. ત્યાર પછી તો મેં ચંપલ અને ફ્લેટ માટે એમને બે-ત્રણ વાર ફોસલાવવાના પ્રયત્ન કરી જોયા, પણ એમના આ વિચારો મક્કમ હતાં.

એ ઉપરથી મેં તારણ કાઢ્યું કે,
મનુષ્ય ચાલવા જાય છે ત્યારે એને ઝડપી વિચારો આવે છે, પણ એ વિચારો સારા હોવા છતાં મક્કમ નથી હોતાં.  તેથી ચાલવા જવા કરતાં ઘરે બેસવું  હિતાવહ છે. 

ઝડપી વાહનોના આ યુગમાં પગપાળા પ્રવાસે જવાની વાત જરા અજુગતી લાગે. હું જ્યારે આઠમા ધોરણમાં ભણતી હતી, ત્યારે મારા ક્લાસ ટીચરે મારો પગપાળા પ્રવાસ વિષય પર નિબંધ લખી લાવવા જણાવેલું. મેં આમ લખ્યું, મારા પપ્પા સરકારી અફસર હોવાને કારણે અમારી પાસે  ગવર્મેન્ટે આપેલી એક જીપકાર છે, જે  ગવર્મેન્ટે આપેલી હોવા છતાં ટનાટન ચાલે છે. એ ઉપરાંત અમારી પાસે અમારી પોતાની પ્રાઇવેટ કાર પણ છે. તેથી મારે પગપાળા પ્રવાસ કરવાનો દુ:ખદ સમય આવ્યો નથી. ભવિષ્યમાં પણ આવો કોઈ પ્રવાસ કરવાનું મેં વિચાર્યું નથી. છતાંય સંજોગોવશાત મારે આવો પગપાળા પ્રવાસ કરવો પડશે, તો હું એ વિષય પર નિબંધ જરૂર લખીશ.

મારા ટીચર મારી આ સેન્સ ઓફ હ્યુમર  સમજી શક્યા નહીં અને મને શિક્ષા કરી. જો એમણે મને ત્યારે જ  આ દિશામાં પ્રોત્સાહન આપ્યું હોત તો આજના હાસ્ય સાહિત્યમાં મારું સ્થાન અત્યંત આગળ- કદાચ પ્રસિધ્ધ હાસ્યલેખક શ્રી જ્યોતીંદ્ર દવે પછીનું તરતનું હોત!  ખેર, લેટ ઇઝ બેટર ધેન નેવર. ના સિધ્ધાંત પ્રમાણે હાસ્યક્ષેત્રે તો હું હમેશાં મારી કલમ દ્વારા ચાલતા રહેવાનું પસંદ કરીશ.