Wednesday, 29 April 2015

હું ગાડી ચલાવતાં શીખી.

હું ગાડી ચલાવતાં શીખી.    પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

અત્યાર સુધીના મારા બહોળા અનુભવના  આધારે હું એ તારણ પર પહોંચી છું કે મને જે વિષયમા નબળા શિક્ષક પ્રાપ્ત થયાં છે, તે વિષયમા પ્રગતિ મેં સ્વયમ સાધ્ય કરી છે.ગાડી ચલાવતાં શીખવાની બાબતમા પણ આવું જ બન્યું. આમ તો જો કે મને કાર-ડ્રાઇવિંગનો નાનપણથી જ અનુભવ. હું જ્યારે દસમા ધોરણમા હતી, એ વખતે અમારે કામસર ઘણીવાર સુરતથી નવસારી જવાનું થતું. રસ્તામા સચીન નામનુ નાનકડું મજાનું ગામ આવે. જાણે બાપાના બગીચામા ટહેલવા નીકળી હોય તેમ આ ગામની ગાય-ભેંસ  ગામના સાંકડા રસ્તા પર ફરવા નીકળતી.

 જેમ ચૂંટણી સિવાય નેતાઓના કાન પર ગરીબ જનતાના દુ:ખ-દર્દ ભર્યા પોકારો નથી પડતાં, એ જ રીતે મારી ગાડીનો વારંવાર વાગતો હોર્ન આ સહેલાણી ગાયો-ભેંસોના કાને પડતો નહી. અથવા તો સફળ રાજકારણીની જેમ એ બધી આ અવાજની પરવા કરતી નહી. છેવટે મારે જ મારી ગાડીની બ્રેક લગાવવી પડતી, અને તોય એમાની એકાદી તો પ્રેમથી મારી ગાડીને ભેટી જ પડતી. જાણે આજ તકની રાહ જોઇને બેઠો હોય તેમ, ક્યાંક્થી ભરવાડ કે રબારી ગાય અને ગાડીના અદભુત મિલન સ્થળે ઈર્ષ્યાવશ દોડી આવતો અને સામે રહેલી પોલિસ ચોકીનો ડર બતાવીને ૫૦-૧૦૦ રૂપિયા પડાવતો. મને લાગે છે કે બકરો[બકરી] મૂંડવાની આ પ્રક્રિયા રબારી અને પોલિસના સહકારથી જ ચાલતી હશે.

ખેર, આ તો થઈ મારાં ભવ્ય ભૂતકાળની વાતો. એ તો ઇતિહાસમા જ શોભે, હાસ્યલેખમા નહી. વળી મારા આ ભવ્ય ભૂતકાળના આધાર પર મને કારનુ પાકું લાયસંસ તો શું કાચું લાયસંસ પણ મળે નહી. મારા ઘરે એક પ્રિમિયર-પદ્મીની કારની પધરામણી થઈ હોવાથી મને પાકાં લાયસંસની ખાસ જરુર હતી. આમ તો લાયસંસ વગર પણ ગાડી ચલાવી શકાય [ઘણા એવું કરતાં પણ હોય છે] પણ એક્સિડંટ કરવો હોય તો લાયસંસ હોવુ જરુરી ખરું.

અમારી ગાડીનો વિમો હજી ઉતરાવ્યો નહોતો, તેથી ડ્રાઇવિંગ સ્કુલની ખટારા ગાડી પર ડ્રાઇવિંગ શીખવું વધારે સારું, એમ મારા પતિદેવની મદદથી વિચારતાં મેં ડ્રાઇવિંગ સ્કુલમા મારું નામ નોંધાવ્યુ. ૧૫ દિવસ સુધી મારાં માટે રોજ તેઓ  જોખમ લેવા તૈયાર થયાં. મિલ મજૂરોને જેમ રોજ વેતન કાર્ડ ભરવું પડે છે, તેમ અમારે રોજ એક કાર્ડમા સહી કરવી પડતી. સહી કરતી વખતે મને કાયમ એવી લાગણી થતી કે આ લોકો મારી પાસેથી લખાવી  લે છે કે, હું જે કંઈ પણ કરવા જઈ રહી છું તે, સમ્પૂર્ણ સ્વસ્થતા પૂર્વક અને પૂરેપૂરી મારી જવાબદારીથી કરી રહી છું. હું નર્વસ થઈ જતી અને પછી સ્ટીયરીંગ  હાથમા લેતાં જ શરુ થતી ભૂલોની પરંપરા.

અન્ય સ્ટુડન્ટ્સ ના સદનસીબે મને જે ઇન્સ્ટ્રક્ટર મળ્યો હતો તે અત્યંત ગુસ્સાવાળો, સાક્ષાત દુર્વાસાના અવતાર સમો હતો. એના મોં સામે જોઉં અને એણે આપેલી બધી સુચનાઓ ભુલી જાઉં. પહેલે દિવસે જ એણે મને સુચના આપતાં કહ્યું, જુવો, ડ્રાઇવરની સીટ પર તમે બેસો એટલે તમારે સજાગ રહેવાનું.’ મને નવાઇ લાગી કે શું એ એમ વિચારતો હશે કે ડ્રાઇવરની સીટ પર બેસીને હું ઊંઘી જઈશ?

ત્યાર પછી તો એણે ભઠ્ઠીમા ધાણી ફૂટે એમ ફટાફટ સૂચનાઓ ફોડવા માંડી. પેલ્લા [પહેલા] ગાડી નૂટલ [ન્યૂટ્રલ] છે કે નહી તે જોઇ લેવાનું. ગાડી નૂટલ  નંઇ હોય તો એને નૂટલ કરવાની. પછી ચાવી લગાડી ગાડી ઇસ્ટાર્ટ [સ્ટાર્ટ] કરવાની. પછી કલચ [ક્લચ] દાબી ગાડી ફસ્ટમાં [ફર્સ્ટ ગીયરમા] લેવાની. પછી સિંગલ [સિગ્નલ] બતાડી ધીરે ધીરે કલચ છોડતાં જવાનુ અને ધીરે ધીરે એસ્કૂલેટર [એક્સીલેટર] આપતાં જવાનુ.ગાડી થોડી રનિંગમા આવે પછી કલચ દાબીને એસ્કૂલેટર છોડીને ગાડી  સેકંડ[સેકંડ ગિયર] મા લેવાની, પછી એ જ રીતે થડ [થર્ડ ગિયર]મા લેવાની ને પછી ટોપ [ફોર્થ ગિયર] મા લેવાની. ચાર રસ્તા આવે તંઇ અગાડી [ત્યાં આગળ] ગાડી ધીમી કરવાની, હોન મારવાનો, કલચ-બિરેક [બ્રેક]કરવાનાં, હાથ બતાડવાનો, ગિયર ઓછુ કરવાનું ,એસ્કૂલેટર પરથી પગ લઈ લેવાનો, સ્ટિયરિંગ ફરાવવાનુ ને પછી ગાડી વાળીને સીધી કરી દેવાની.

મશીનગનમાંથી  છૂટતી ગોળીઓની જેમ એના મોંમાથી નીકળતી સૂચનાઓનો અમલ હું એકલી,એકસાથે કઈ રીતે કરી શકીશ એ વિચારે મેં એની સામે જોયું ત્યારે એણે છેલ્લી સૂચના આપી,’ ગાડી ચલાવતી વખતે તમારે કાયમ અરીસામા જોયા કરવાનું. મને એની આ છેલ્લી સૂચના ખૂબ ગમી ગઈ.એણે જ્યારે મને ગાડી ચલાવવા સોંપી ત્યારે ગાડી  બે-ત્રણ આંચકા ખાઇને ઊભી રહી અને પછી બંધ પડી ગઈ.
એણે ચિઢાઇને પૂછ્યું, આ શું કરો છો?’ મેં અત્યંત નિર્દોષભાવે કહ્યું, ગાડી ચલાવું છું.
પેલાએ વધારે ચિઢાઇને કહ્યું, ગાડી ચલાવો છો કે બંધ પાડો છો? આમ તે વળી ગાડી ચલાવાતી હશે? એસ્કૂલેટર આઇપા વગર કલચ કેમ છોડી દો છો?’

પછી તો ઘણી મહેનતના અંતે હું એની સૂચના મુજબ ગાડી ચલાવતાં શીખી. પણ જેમ કોઇ સજી-ધજીને જતી સુંદરીને જોઇને જુવાનિયાઓ [૬૦ વર્ષ સુધીના] ઘડીભર અટકીને એને જોઇ રહે, તેમ કાયમ ચાર રસ્તા પર સિગ્નલને જોઇને મારી ગાડી અટકી જતી. છેવટે જેમ-તેમ ટ્રેનિંગના ૧૫ દિવસ પુરા થયાં. મેં અને પેલા ઇંસ્ટ્ર્કટરે – બેન્ને એ એકબીજાથી, હાશ છુટ્યાં એમ અનુભવ્યું.

છેલ્લે દિવસે જો કે એણે મને કહ્યું, તમે કોઇને કહેતાં નહિ કે તમે અમારી ઇસ્કુલમા કાર ડ્રાઇવિંગ શીખ્યા છો. પણ જ્યારે પાકા લાયસંન્સની ટેસ્ટમા હું પહેલા જ પ્રયત્ને કોઇની મદદ વગર  પાસ થઈ ગઈ અને મને પાકું લાયસંન્સ  મળ્યું ત્યારે એને નવાઇ લાગી. પણ એ બિચારાને મારા કાર-ડ્રાઇવિંગના  ભવ્ય ભૂતકાળના અનુભવ વિશે શું ખબર? ને આવા ઇંસ્ટ્રક્ટરને આવુ બધું કહીને ફાયદો પણ શું?   આજે તો હું બિંદાસ્ત, ભરચક ટ્રાફિકમાં કે હાઇવે પર પણ ઘભરાયા વિના અને કોન્ફિડન્સથી ગાડી ચલાવી શકું છું એ જ મારા માટે તો કાફી છે ને?

આજની જોક:
પત્ની: ડાર્લિંગ, આપણી ગાડીના કારબ્યુરેટરમા પાણી ભરાઇ ગયું છે.
પતિ: [ઓફિસમાથી] : તો રિપેર કરાવી લે ને. બાય-ધ-વે, ગાડી છે ક્યાં?
પત્ની: તળાવમા.

Wednesday, 22 April 2015

બાબાનું લેસન.

બાબાનું લેસન.    પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-બાબા, એ બાબા. પુનવ...પુ..નવ..ચાલ જલદી, તને લેસન કરાવી લઉં.
-ના આ આ... દાદીમા, મારે લેસન નથી કરવું. મા, મા. જો, જો...વરસાદ આવ્યો.
-તારે વરસાદમાં નથી પલળવાનું, શરદી થઈ જશે તો તારી મમ્મી મને ખીજવાશે, ચાલ, અંદર આવ.
-નહીં આવું. વરસાદમાં નહીં પલળું, બસ?
-તું લેસન કરી લે, બાબા. બોલ, વન, ટુ, થ્રી...
-નથી બોલવું. જો, જો..મા. હેએએએ.... પુશીકેટ. પુશીકેટ નીલુભાઇના ઘરમાં ગઈ.  પુશીકેટ, પુશીકેટ વેર હેવ યુ બીન, આઇ હેવ         
   બીન લંડન ટુ  લુક એટ ધ ક્વીન. 
-પુનવ, ભઇલા.  લેસન કરી લે. નહીતર તારી મમ્મી આવશે તો મને લડશે.
-મમ્મી તને લડશે? તો તો બહુ મજા પડશે. તું મને કેમ લડે છે?
-જો બેટા, આટલું લેસન કરી લે, તો તને ચોકલેટ આપીશ.
-ચોકલેટ? મોટ્ટી કેડબરી અપાવશે, મા?
-તારી મા મને મોટ્ટો દલ્લો આપી દે છે ને તે તને હું મોટ્ટી કેડબરી અપાવું.
-મા, દલ્લો એટલે શું? દલ્લામાંથી કેડબરી મળે?
-તું મારું માથું ના ખા. સીધી રીતે લેસન કરી લે, નહીંતર...
-મા, મારા ટીચરે કહ્યું છે કે વેકેશનમાં રમવાનું, લેસન નહીં કરવાનું.
-એ વાત તું તારી મમ્મીને સમજાવજે. હમણાં તો એ કહી ગઈ છે એટલું લેસન કરી લે. બોલ, વન, ટુ, થ્રી.
-વન, ટુ, થ્રી, ફોર. હે મા. જો, જો. કાચીંડો. જો આ ઝાડ પર.
-કાચીંડાને છોડ, આ લેસન કરી લે.
-મા, હું સાઇકલ ફેરવું?
-આખી જિંદગી સાઇકલ જ ફેરવજે. જા, જલદી થી બે આંટા લઈ આવ.
-એ પુનવ...પુનવીયા... તારા બે આંટા પત્યા કે નહીં? તારાથી તો તોબા, બાપા. આના કરતાં તો તારી મા તને ભણાવે અને હું નોકરીએ જાઉં તો સારું પડે.
-હેં મા, તું નોકરીએ જશે? મને તારી સાથે લઈ જશે?
-મારા ભોગ લાગ્યા છે કે ત્યાં પણ તને સાથે લઈ જાઉં. ચાલ, બોલ. વોટ ઇસ ધીસ?
-એ. એ ફોર એપલ.
-વેરી ગુડ. એન્ડ વોટ ઇસ ધીસ?
-બી. બી ફોર બૉલ. મા, મારે બૉલ જોઇએ છે.
-તારી મમ્મી તને લાવી આપશે.
-ના, ના. મા, તું જ લાવી આપ.
-જીદ ના કર. પહેલાં લેસન કરી લે. બોલ, આ કયો કલર છે?
-પીંક.
-અને આ?
-ગ્રીન.
-ગ્રીન નથી બાબા, એ બ્લ્યુ છે.
-બ્લ્યુ નથી ગ્રીન છે. મા, તને કંઇ આવડતું નથી. તારી પાસે નહીં ભણું.
-નહીં શું ભણે, તારી મા પણ ભણશે. ચાલ બેસ અહીં.
-જા, જા. તું જ બેસ.
-સામું બોલે છે? એક લાફો મારી દઈશ.
-હું મમ્મીને કહી દઈશ કે મા મને લાફો મારે છે.
-અરે, અરે! પણ મેં તને ક્યાં માર્યું જ છે? ચાલ, મારો ડાહ્યો દિકરો છે, ને? મમ્મીએ કહ્યું છે એટલું ભણી લે પછી તને હું કોલ્ડકોફી
  બનાવી આપું.
-મારે નથી  પીવી કોફી, મારે નથી ભણવું.
-ભણશે નહીં તો શું કરશે, મજુરી?
-મજુરી શું હોય, મા?
-કંઇ નહીં. તારે તારા પપ્પાની જેમ મોટા માણસ બનવું છે, ને? મોટી કાર લેવી છે, ને?
-હા. મારે કાર લેવી છે.
-તો ડાહ્યો થઈને ભણી લે, ચાલ.
-ભણી લઉં તો કાર મળે?
-હાસ્તો. મળે જ ને વળી.
-કાલે મેં ભણ્યું હતું, તો મને કાર ક્યાં મળી?
-હે ભગવાન! આને મારે હવે કેમ સમજાવવો?
-તું જુઠ્ઠાડી છે, મા. મારે નથી ભણવું જા.
-તું ભણશે નહિં તો સારા માર્ક્સ નહીં આવે. અને સારા માર્ક્સ નહીં આવે, તો સારી સ્કુલમાં એડમિશન નહીં મળે, સમજ્યો?
-મારે સ્કુલમાં જવું જ નથી ને.
-સારું, ના જતો. પણ હમણાં તો લેસન કરી લે, મારા બાપ. તારી માવડી આવશે અને તેં લેસન નહીં કર્યું હોય તો તારી સાથે સાથે
  એ મારી પણ ધૂળ કાઢી નાંખશે, સમજ્યો?
-તું ફર્નિચરમાંથી ધૂળ કાઢે છે એમ,  મા?
-હા, એમ જ.
-તો તો બહુ મઝા પડશે.
-પુનવ, તું લેસન કરે છે, કે નહીં?
-મા, તું જ લેસન કરી લે ને.
-તારી સાથે માથાઝીંક કરવી નકામી છે.
-તો હું રમવા જાઉં, મા?
-હા, જા. તું રમવા જા. મારું તો જે થવું હશે તે થશે.

-હુર્રર્રર્ર, હુર્રર્રર્ર , હુર્રર્રર્ર. 

Wednesday, 15 April 2015

સાયન્સ ના વિદ્યાર્થી નો પ્રેમપત્ર.

સાયન્સ ના વિદ્યાર્થી નો પ્રેમપત્ર.   પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.   
 
માય ડીયર મોસ્ટ ઉષ્મા,

જે દિવસથી મેં તને કોમર્સ  કોલેજના કંમ્પાઉન્ડમાં ફરતી જોઇ છે, તે દિવસથી સાયન્સ કોલેજમા એડમિશન લેવાનો મારો આનંદ, પાણીમા સોડીયમ ક્લોરાઇડ એટલે કે મીઠું ઓગળે એમ ઓગળી ગયો છે. મારા મિત્રોનુ માનવુ એવું છે, કે...જે વિધાર્થી ફર્સ્ટ ક્લાસ લાવે તે સાયન્સમા જાય, જે સેકન્ડ ક્લાસ લાવે તે કોમર્સમા જાય અને બાકીના બીજા બધા આર્ટસમા જાય. મેં એમને સમજાવવાની ઘણી ય  કોશિશ કરી કે આ સિવાય પણ કેરીયર બનાવવાની બીજી ઘણી લાઇનો છે. પણ તેઓ તો છોકરીઓને લાઇન મારવામાથી ઊંચા આવે તો મારી વાત સમજે ને?

ડાર્લિંગ, તને પ્રશ્ન તો થશે. કે... તો પછી  હું શા માટે આ લાઇનમા આવ્યો, ખરું ને? વાત જાણે એમ બની કે મારા પપ્પાના કરોડપતિ ફ્રેન્ડની એક ની એક પુત્રી શીલા આ કોલેજમા દાખલ થઈ, એટલે મારે મારા પપ્પાના દુરાગ્રહને કારણે આ કોલેજમા દાખલ થવુ પડ્યું. નહીં તો મને તો સાહિત્યમા વિશેષ રસ, એટલે મારેતો આર્ટસ મા જવુ હતું.  જો કે તને મેં કોમર્સમા દાખલ થયેલી જોઇ, ત્યારે મને કોમર્સમા એડમિશન લેવાનો વિચાર પણ આવી ગયેલો. પણ મારી મમ્મીએ ઉપવાસ પર ઉતરવાની અને પપ્પાએ ઘરમાથી કાઢી મૂકવાની ધમકી આપી એટલે એ વિચારતો મેં માંડી વાળ્યો. ખેર! એકવાર ડૉક્ટર બની જવા દે, પછી આ બધાને તો હું મારી ટ્રીટમેંટ દ્વારા જોઇ લઈશ.

પ્રિયે, તું તો મને પ્રથમ નજરે જ ગમી ગયેલી. એક તો તારો ફટકડી જેવો ગોરો વાન, અને એમાય તું પોટેશિયમ પરમેંગેનેટ જેવો પર્પલ  કલરનો ડ્રેસ જ્યારે પહેરે છે, ત્યારે એટલી તો ફૂટડી... આઇ મીન બ્યૂટિફૂલ લાગે છે કે મને એમ થાય કે બસ! તને જોયા જ કરું. પણ આજકાલ આ જો જો કરવાનુ  પણ એટલુ બધું થાય છે ને કે... ચાલ, જવા દે એ વાત. તેં અમારા પ્રોફેસરો વિશે પુછાવ્યું છે, પણ એમની તો તને શું વાત કરું?  તેઓ તો અમારા કરતાં પણ વધુ ક્રેઝી છે.

અમારા બયોલોજીના પીપેટ જેવા દેશપાંડે સરની જ વાત કરું તો તેઓ બોલવાનુ શરુ કરે અને અમને બગાસાં આવવા માંડે. એક બે વાર તો એમણે મને કાચી ઊંઘમાથી જગાડીને ક્લાસની બહાર કાઢી મૂક્યોતો. તે વખતે મને તો એવો ગુસ્સો આવેલો કે... યાર, ક્લાસમા પ્રોફેસરો શાંતિથી સુવા નથી દેતા અને ઘરમા પપ્પા. જવું તો જવુ ક્યાં? સાચુ કહું તો  હું લાયબ્રેરીમા જઈને મારી ઊંઘ પૂરી કરી આવુ છું.

એકવાર અમારા ફિજીક્સના પ્રોફેસર મીસ પંડ્યા આર્કીમીડીઝનો નિયમ સમજાવતા હતા, પદાર્થનુ પાણીમાં વજન કરવાથી એના વજનમા થતો દેખીતો ઘટાડો એના કદના પ્રમાણમા હોય છે. તે વખતે મારા મિત્ર નિલેશે ઊભા થઈને એમને પૂછ્યું, મેડમ, આ પ્રયોગ હું મારા ઘરના સ્વીમીંગ પુલમા આપનુ વજન કરીને કરવા માંગુ છું, આપ સહકાર આપશો?’  તું માનીશ, ઉષ્મા? એમણે સહકારતો ના આપ્યો, ઉપરથી બ્લ્યુ લિટમસને એસીડમા બોળીએ અને લાલ થઈ જાય, એમ મેડમ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા અને નિલેશને તમાચો મારીને ક્લાસની બહાર કાઢી મૂક્યો. તું જ કહે, નિયમ શોધે કોક આર્કિમીડીઝ, અને સજા થાય નિર્દોષ નિલેશને, આ તે ક્યાંનો ન્યાય?

તને એક ખાનગી વાત કહું ઊશી? આ નિલેશે એકવાર અમારા કેમેસ્ટ્રીના દેસાઇ સરને પેલી નટખટ નીનાના નામે લવલેટર લેખેલો. દેસાઇ સર ત્યારથી ક્લાસમા નીનાની સામે જોઇ જોઇ ને કેમેસ્ટ્રી ભણાવતા થઈ ગયા છે. અરે! એક્વાર કેવું થયું ખબર છે? અમારા પીટીના પીરીયડમા ખો આપવાને બહાને  એ નીનાએ બે સેકંડ સુધી મારો હાથ પકડી રાખેલો. ત્યારે મને, બે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ બળ પેદા થાય છે. એ નિયમ યાદ આવી ગયેલો. પણ દૂર ઊભેલી શીલાને જોઇને આ આકર્ષણ બળ સાવ ખંખેરાઇ ગયું હતું. યાર, આ શીલાડી પણ  કમોસમી વરસાદની જેમ ગમે ત્યારે જ  ટપકી પડે છે.

સ્વીટહાર્ટ!  તું મને તારા ઘરે આવવાનું આમંત્રણ વારેવારે આપે છે. પણ તારા પપ્પાનો પોટેશિયમ સાયનાઇડ જેવો કાતિલ સ્વભાવ યાદ આવતાં જ મને ટાઢીયો તાવ ચઢી જાય છે. તારી મમ્મી ક્ષાર વગરના પાણી જેવી નરમ છે, પણ નાઇટ્રીક એસીડ જેવા જલદ સ્વભાવના તારા પપ્પા આગળ એમનુ કંઈ ચાલતું નથી. અને તારો ભાઇ મનિયો? આઇ મીન મનીષ... એ તો મરક્યુરી એટલે કે પારા જેવો ચંચળ છે. એને આપણો કેસ સમજાવવાનો કંઇ જ અર્થ નથી.

મને લાગે છે કે મારે જ કોઇ ઊદ્દીપક એટલે કે મદદગાર શોધી કાઢવો પડશે કે જેથી આપણા પ્રેમનો પ્રેક્ટીકલ પૂરો થાય. ચાલ, ત્યારે હવે જર્નલમા પ્રેક્ટીકલ ઉતારવાનો સમય થયો છે, એટલે પત્ર પૂરો કરું છું. પત્ર નો જવાબ જલદીથી લખજે. અને હા, એક ખાસ સુચના. પત્ર વાંચીને તરત જ ફાડી નાંખજે, ક્યાંક પેલા યમદૂતની આંખે ચઢી જશે તો એ વગર છરીએ મારું ડિસેક્શન કરી નાંખશે.

                                                            એ જ, તારા પત્રની રાહમા...
                                                               તારો..તારો..અને તારો જ,

                                                                  ચંબુ. [ચંદ્રકુમાર બુટવાલા]

Wednesday, 8 April 2015

એની માએ એને કંઇ શિખવાડ્યું જ નથી.

એની માએ એને કંઇ શિખવાડ્યું જ નથી.     પલ્લવી જીતેંદ્ર મીસ્ત્રી.

મુન્ની:

-મુન્ની, એ મુન્ની. ચાલ ઊઠ. સવારના નવ વાગી ગયા
-અરે! સુવા દો ને. બિચારી ગઈ કાલે રાત્રે મોડે સુધી વાંચવા માટે જાગી હતી
-અચ્છા! મને બધી ખબર છે. બેનબા શું વાંચવા માટે જાગ્યા હતા તે. એના મોબાઇલમા  SMS  અને ઇંટરનેટ  ચેટિંગ ચાલતું હતું.
-તમે તો મારી દિકરીની પાછળ જ પડી ગયા છો.
-ઊઠાડ તારી દિકરીને. ક્લાસમા જવાનુ મોડું થશે તો મારે મૂકવા દોડવું પડશે.
-ઓ.કે. ઊઠાડું છું. મુન્ની, બેટા મુન્ની. ચાલ ઊઠ તો. જો ટુથપેસ્ટ લગાડીને તારું બ્રશ બાથરુમમા વોશબેસીન  પર મૂક્યું છે. તું બ્રશ કરી લે ત્યાં સુધી હું તારા માટે બોર્નવીટા બનાવી દઊં છું. પછી તું નાહી લે ત્યાં સુધીમા હું તારા કપડાને ઈસ્ત્રી કરી દઊં છું.
-એ કઇં નાની કીકલી નથી. સોળ વરસની થઈ છે. થોડાક કામો એની જાતે પણ તો કરવા દે. ક્યાં સુધી એના કામો તું કરી આપીશ?
-સાસરે જઈને બધું કરવાનું જ છે ને? અહીં તો હું છું તો લાડ લડાવી લઊં.
-પીયરમા કઈં કામ શીખી હશે તો સાસરે જઈને કરશે ને?

પીંકી:

-પીંકી, તેં દૂધ પી ને ગ્લાસ ત્યાં જ કેમ મૂકી રાખ્યો છે? ઊપાડ તો.
-એને બૂમ ના પાડો. હું ઊપાડી લઊં છું ને?
-કેમ? એના હાથમાં મહેંદી મૂકી છે તે તું કામ કરી આપે છે. આપણા ઘરમા આપણે રૂલ બનાવ્યો છે કે સૌએ પોતાનુ કામ પોતે જ કરવું. તું, હું અને સૌમિલ, આપણે ત્રણે આ રૂલ  ફોલો કરીએ જ છીએ ને? એક આ પીંકી જ એવી છે જે પોતાનું કામ પોતે નથી કરતી. નથી તો એની એંઠી થાળી ઊપાડતી કે નથી તો એ એના વાસણ સાફ કરતી.
-ભાઇસા, તમે પણ શું સવાર સવારમા પાછી આ રામાયણ લઈને બેસી ગયા. એ બારમા મા છે. બોર્ડ્ની એક્ઝામ નજીકમા છે. સ્કુલમા ભણવાનુ, ક્લાસમા જવાનુ અને ઘરે આવીને વાંચવાનુ. બિચારી થાકી જાય છે.
-બોર્ડમા તો એ આ વર્ષે આવી પણ એને તો પહેલેથી જ કામ કરવાનું ગમતું નથી. નહિતર સૌમિલે પણ ગયા વર્ષે બોર્ડની એક્ઝામ આપી જ ને? છતાં ય એ એના કામો જાતે કરતો જ હતો ને.
-જવા દો ને હવે આ વાત. એના વતીથી હું કામ કરી જ લઊં છું ને?
-તેં જ ખોટા લાડ લડાવીને એને બગાડી મૂકી છે.

બેબી:

-બેબી, ડી-હાઇડ્રેશનને કારણે આવતી કાલે તારી મમ્મીને બે ત્રણ દિવસ માટે હોસ્પિટલમા દાખલ કરવાની છે. તારે ઘર સંભાળી લેવું પડશે.
-પપ્પા, તમે આજે રાત્રે નાનીમાને ઘરે બોલાવી લ્યો ને.
-અરે! બેબી. તું આવડી મોટી વીસ વરસની છોકરી થઈને બે  ચાર દિવસ ઘર ના સંભાળી શકે? તારા એ સિત્તેર વર્ષના નાનીમા ને શું કામ તકલીફ આપવી? ઘરમા સર્વંટ તો છે જ. જે કપડાં, કચરા-પોતા, વાસણ તો કરી જ જશે. તારી મમ્મીએ શાક-ભાજી, ફ્રુટ્સ પણ ભરી રાખ્યું છે. તારે તો ફક્ત ચા-પાણી ને બે ટાઇમ રસોઇ જ બનાવવાના ને?
-રસોઇ? આઇ ડોન્ટ લાઇક ટુ કુક પપ્પા. કિચનમા હિંગ-મરચાંની વાસ! ઓહ, પપ્પા. સાચું કહું તો એક્ચુયલી મને તો કિચનમા જવાનું જ ગમતું નથી.
-તે ક્યાંથી ગમે? માય ડિયર ડોટર, તારી મમ્મીએ તને નાનપણથી હજી નાની છે. કહીને રસોડામા ધકેલી જ નહોતી ને. અહીં તો ઠીક છે, અમે ચલાવી લઈએ છીએ, પણ સાસરે જઈને શું કરીશ?
-યુ ડોન્ટ વરી, માય ડિયર ડેડ, હું અહીંથી રસોઇઓ લઈને જ જઈશ.

૧-પીંકીની મમ્મી [મુન્નીની સાસુમા]:

  અરેરે! હું ફક્ત ચાર દિવસ બહારગામ ગઈ, ત્યાં આ વહુ મીનલ [મુન્ની] એ તો ઘરના રંગઢંગ જ ફેરવી નાખ્યા.ઘર તો જાણે કબાડીખાનામા ફેરવાઇ ગયું. બૂટ-ચપ્પલના ખાનામા પસ્તીના પેપરો મૂક્યાં અને બુકકેસના ખાનામા બૂટ-ચપ્પલ મૂક્યાં. નાસ્તાના ડબ્બા ડ્રોઇંગરુમમા મૂક્યા છે ને સાબુ- શેમ્પૂની બોટલ્સ કીચનમા મૂકી છે. ઘરની એકેય ચીજ ઠેકાણે નથી અને આ ગંદકી? હે ભગવાન! બધું ક્યારે સરખું કરીશ. એની માએ એને કઇં શીખવાડ્યું જ નથી.

૨-મુન્નીની મમ્મી [બેબીની સાસુમા]:

અરેરે! આ વહુ બીન્ની [બેબી] ની પાસે બજારમાથી રતાળુ કન મંગાવ્યો તો એ સુરણ લઈ આવી અને પાલકની ભાજી મંગાવી તો એ મેથીની ભાજી લઇ આવી. કાલે એને રોટલીનો લોટ બાંધવા કહ્યું તો એણે ઘંઊના બદલે ચણાનો લોટ કાઢ્યો અને ભજીયાનું ખીરું બનાવવા ઘંઊનો લોટ લીધો. ખબર નથી પડતી આનુ શું કરવું? એની માએ એને કંઈ શીખવાડ્યું જ નથી.

૩-બેબીની મમ્મી [પીંકીની સાસુ]:


આ વહુ પંક્તિ [પીંકી] ને તો મારે શું કહેવું? કાલે કઢીમાં ઘી-જીરુ ને બદલે તેલ-રાઇનો વઘાર કર્યો અને આજે દાળમાં ઘી-અજમાનો વઘાર કર્યો. વોશિંગ મશીનમા સફેદ કપડાંની સાથે એણે ટાઇલ્સ પર પોતુ મારવાનુ ફિનાઇલ વાળુ કપડું પણ ધોવા નાંખ્યું. આનાથી તો તોબા તોબા! એના એકેય કામમા ભલીવાર ના મળે. એની માએ એને કંઇ શીખવાડ્યું જ નથી.  

Wednesday, 1 April 2015

વિદ્યાર્થીનો ઈન્ટરવ્યૂ.

વિદ્યાર્થીનો ઈન્ટરવ્યૂ.           પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

હલ્લો નીરવભાઈ, ખૂબ ખૂબ અભિનંદન ! બારમા ધોરણમાં ચાર સબ્જેક્ટમાં પાસ થવા બદલ.’
થેન્કયૂ
તમને વિશ્વાસ હતો ખરો કે તમે ચાર સબ્જેક્ટમાં પાસ થશો ?’
હા મને પૂરો વિશ્વાસ હતો કે હું એટલીસ્ટ ચાર સબ્જેક્ટમાં તો પાસ થઈશ જ.’
તમારા આવા પ્રચંડ આત્મવિશ્વાસ પાછળનું કારણ ?’
આયોજનસંપૂર્ણ અને વ્યવસ્થિત આયોજન.’
જરા વિગતવાર જણાવશો ?’
સ્યોર. મારી બર્થડે પર મેં ટીચર્સને ગ્રાન્ડ પાર્ટી આપી હતી અને પપ્પાએ એમનેસ્કૂટીજેવીરીટર્ન ગિફ્ટઆપી હતી. પ્રિન્સિપાલને તોકાયનેટીકપ્રેઝન્ટમાં આપેલું અને પરિણામે મને બધા પેપર્સ અગાઉથી મળી ગયેલા.’
વેરી ગુડ. તમે એ પ્રમાણે પ્રીપરેશન કર્યું અને…’
પ્રીપરેશન ? માય ફૂટ ! એવી  ગધ્ધામજૂરીમાં હું માનતો જ નથી.’
તો પછી તમે ચાર-ચાર વિષયોમાં પાસ કઈ રીતે થયા ?’
મને જે કવેશ્ચન પેપર્સ મળી ગયાં હતાં, તેના મોસ્ટ એપ્રોપ્રીયેટ  આન્સર્સ મારા ટ્યુશન સરોએ રાતદિવસની મહેનત બાદ શોધી કાઢ્યા.’
ઓહો ! અને તમે તે લર્ન કરી નાંખ્યા એમને ?’
નોટ એટ ઓલ ! લર્ન કરવાનું કામ મારું નહીં.’
તો પછી તમે….’
પાસ કઈ રીતે થયો એમ જ પૂછો છો ને ?’
હા, હા..’
હું કોપી કરવામાં એક્સપર્ટ છું. મારા ટ્યુશનસરોએ શોધી કાઢેલા આન્સર્સ એમણે ઝીણા પણ વાંચી શકાય એવા અક્ષરોએ કાગળની કાપલીઓ પર લખી નાંખ્યા.’
વેરી ઈન્ટરેસ્ટીંગ
હજી સાંભળો તો ખરા. આ કાપલીઓ ક્યાં ક્યાં સંતાડવી તે એમણે મને શિખવાડ્યું. જોકે ઘણાં વર્ષોથી હું આ કામ કરતો આવ્યો છું એટલે મને જરાય અઘરું ના લાગ્યું. અને ક્યા આન્સરની કાપલી ક્યાં સંતાડી છે તે દર્શાવતી એક કાપલી બનાવી રાખીને ક્યાં સંતાડવી તેય શીખવ્યું.’
ઓહ ! વન્ડરફૂલ ! ’

ખરું કૌશલ્ય તો મારે હવે બતાવવાનું હતું. સુપરવાઈઝરની નજર ચુકાવીને કાપલી કાઢીને કોપી કરવી એ ઘણું જટફકામ છે. પણ તમે તો જાણતા જ હશો કેકઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો.’ મેં મારા આયોજન મુજબ આ મુશ્કેલ કામ પણ પાર પાડ્યું.’
તો પછી તમે ફક્ત ચાર જ વિષયમાં પાસ કેમ થયા ?’
ગુડ ક્વેશ્ચન. બાકીના વિષયની પરીક્ષા વખતે પપ્પાને અચાનક બહારગામ જવાનું થતાં સુપરવાઈઝરોને ખરીદી શકાયા નહીં.’
વેરી સેડ !’
યુ નો, પપ્પાની લાગવગ પોલીસથી માંડીને પોલિટિશીયન સુધીની છે. માર્ક્સ મૂકીને પાસ કરી આપવાનો કોનો કેટલો ભાવ છે તે પપ્પા સારી રીતે જાણતા હતા. એટલે એમણે બધી ગાયોને (ખરું કહું તો આખલાઓને) એમનોચારોખવડાવી જ દીધોતો.’
તો પછી…’
સમજી ગયો. હજી તમારા મનમાં એ જ પ્રશ્ન રમે છે ને કે હું ફક્ત ચાર જ વિષયમાં પાસ કેમ થયો ?’
એકઝેટલી, યૂ આર વેરી ઈન્ટેલીજન્ટ
થેન્કસ ફોર ધ કૉમ્પ્લીમેન્ટસ.’
તમે આગળ કંઈ કહો જેથી તમારા પછીના સ્ટુડન્ટસને માર્ગદર્શન અને પ્રેરણા મળી રહે.’
સ્યોર. મારા કેસમાં ગરબડ એવી થઈ કે પપ્પાએ ચાર સબ્જેકટમાં પેપર તપાસનારને મારો સાચો નંબર લખી આપ્યો હતો અને બાકીના ત્રણ સબ્જેક્ટમાં ભૂલથી એમણે ખોટો નંબર લખ્યો તેથી હું ફુલ્લી પાસ ના થઈ શક્યો. એટલે સ્ટુડન્ટસને મારે એ જ કહેવાનું કે પપ્પા નંબર લખીને આપે ત્યારે તમારે ચૅક કરી લેવાનો. નહીંતર મારા કેસમાં જેમ થયું તેમ બીજો કોઈ લાભ ખાટી જાય.’
તમારી આટલી બધી મહેનત એળે ગઈ તે બદલ અમો દિલગીર છીએ.’
ચાલ્યા કરે એ તો ! બીજી વાર મહેનત ક્યાં નથી કરી શકાતી
બીજીવાર પરીક્ષા વખતે તો પપ્પા એવી ગોઠવણ કરવાના છે, કે સુપરવાઇઝર જાતે જ આવીને મને  જવાબો લખાવશે. પોસીબલ હશે તો કદાચ સુપરવાઇઝર ઘરે આવીને પેપર પણ લખાવી જશે.  પપ્પા છે ત્યાં સુધી મારે શી ચિંતા ?’
અને તમારી મમ્મી?’
ડોન્ટ ટોક એબાઉટ હર. શી ઈઝ વેરી ઓર્થોડૉકસ વુમન. આખો દિવસબેટા બારમું છે, વાંચકહ્યા કરે.’
હવે ભવિષ્યમાં તમે શું કરવા ધારો છો ?’
બસ, જલસા. બારમું પાસ કરી લઉં પછી કૉલેજની મસ્ત રંગીન જિંદગી અને પપ્પાનો બીઝનેસ તો છે જ.’
તમે બારમા ધોરણના વિદ્યાર્થીને શુંમેસેજઆપવા ધારો છો ?’
એ જ કે વડીલો તો કહ્યા કરે. ‘બારમુંછે વાંચ. પણ આપણે તો આપણી રીતે જીવવું. કોઈ ટૅન્શન માથે લેવું નહીં. ભણી-ગણીને ય કોનું ભલું થયું છે તે આપણું થશે ? જીવન મોજ-મજા માટે છે તો કરો જલસાભણવાનો ભાર રાખવો નહીં, રિલેક્સ રહેવું.’
.કે. ઈન્ટરવ્યૂ બદલ આભાર. નીરવભાઈ, બાય !’
બાય ! બાય !’