Tuesday, 26 July 2016

જોરુકા ગુલામ.

જોરુકા ગુલામ.  પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

-મિ. પારેખ, આજે અમે બધા સ્ટાફ મેમ્બર્સ ‘સુલતાન’ ફિલ્મ જોવા જવાના છીએ, તમે પણ ચાલો.
-નહિ મિ. શાહ, મારાથી નહિ અવાય, મારે ઓફિસમાં ઘણું કામ છે.
-એય મહેશિયા, સીધેસીધો ચાલ ને હવે ભાવ ખાયા વિના. એક મિત્ર અમિત એ કહ્યું.
-અમિત, હું ભાવ નથી ખાતો, સાચ્ચે જ મારે અહી ઘણું કામ છે.
-કામ કાલે કરજો મિ.પારેખ, ફાઈલો રિસાઈ નહિ જાય. મિ.શાહે આગ્રહ કર્યો.
-ના,  ના. મારાથી નહિ અવાય, સોરી મિ. શાહ.  મિ.પારેખે લાચારી દર્શાવી.
-જવા દો ને મિ.શાહ. એ નહિ જ આવે, ભારે વેદિયો છે. અમિતે નારાજગીથી કહ્યું. 
થોડીવાર પછી ઓફિસમાં ટેલીફોનની રીંગ વાગી. મિ.શાહે ફોન ઉપાડીને વાત કરીને કહ્યું:
-મિ.પારેખ, તમારા માટે ફોન છે, તમારા ઘરેથી.
-હેલો, મહેશ બોલું છું, કોણ મીના? બોલ કેમ ફોન કર્યો? મહેશભાઈએ પૂછ્યું.
-મહેશ, તમે તરત જ ઘરે આવો.
-મારે અહી ઘણું કામ છે, અત્યારે નીકળાશે નહી, પણ થયું છે શું તે કહેને.
-અરે! તમારા કામને નાખો ચૂલે, બાબો પડી ગયો છે અને એનો  પગ મોચવાઈ ગયો છે,  તરત જ ડોક્ટર ને ત્યાં લઇ જવો પડશે, તમે ફટાફટ ઘરે આવો.
-ઠીક છે, આવું છું, હમણા આવ્યો.
મિ.પારેખ ફોન મુકીને ફાઈલોના ઢગલાને એક બાજુ કરીને ઊભા થયા. સ્ટાફ મેમ્બર્સે એક બીજાની સામે ખાસ સૂચક રીતે જોયું અને પછી મર્માળુ સ્મિત કર્યું.
-મિ. પારેખ, ફાઈલો ખસેડીને ઊભા કેમ થઇ ગયા? તમારે તો ઘણું કામ છે ને?  મિ.શાહે સંભળાવ્યું.
-મારે તરત જ ઘરે જવું પડશે.
-તો પછી કામનું શું? આ ફાઈલોને ખોટું નહિ લાગે?
-નહિ જાઉં તો મીનાને ખોટું લાગશે, ને એ બબડાટ કરશે.
-હાસ્તો, આ ફાઈલો તો બિચારી મુંગી છે, જા  જા તું તારે  ખુશીથી.  અમિત બોલ્યો.
-હવે તમે બધા ચુપ રહેશો? 
કહીને મિ. પારેખ ચીઢાઈને બહાર નીકળી ગયા. એ હજી દરવાજે માંડ પહોંચ્યા હશે ત્યાં એમની પીઠ પાછળ એક વાકય એમના કાને અફળાયુ, ‘જોરૂ કા ગુલામ’ એમને ખુબ ગુસ્સો ચઢ્યો પણ કરે પણ શું? અમિત તો  વારંવાર  એની સામે જોઇને જોક્સ સંભળાવતો,  દાખલા તરીકે,
૧- આગંતુક: બેટા, તારા પપ્પા શું કરે છે?
   બાળક:  મારી મમ્મી જે કહે તે બધું જ.
૨- મમ્મી: આ અઠવાડિયે તમારામાંથી જે આજ્ઞાંકિત રહેશે તેને હું ઇનામ આપીશ.
   પુત્રો: ના, મમ્મી. તો તો એ ઇનામ પપ્પાને જ મળે.
ઓફિસમાં જ્યારે જ્યારે હેનપેક્ડ હસબંડ ની વાત નીકળતી ત્યારે સૌની નજરો ના સૂચક તીર મિ.પારેખની સામે જ તકાઈ રહેતા. આ તીરોથી વીંધાઈને તેઓ નીચું જોઈ મનોમન કહેતા: ‘હે ધરતી મા, તમે મારગ આપો તો હું એમાં સમાઈ જાઉં.’ પણ એકવાર પોતાના ઉરમાં સીતાને સમાવી લીધા પછી હવે ધરતી મા  પણ ચેતી ગયા હતા. ‘જો હું આ લોકોને મારગ આપવાનું શરુ કરું તો આ લોકો તો એક પછી એક અહી જ આવવા માંડે અને પછી ઉપરની જેમ અંદર પણ આ લોકો તો જગ્યા માટે લડવા માંડે, જગ્યા માટે થઇ ને પાઘડી બોલવા માંડે,  માટે મારે એ બબાલ જોઈએ જ નહિ ને. આ લોકો કરતા તો મારે ધગધગતો ‘લાવા’ સારો.’   
આમ ધરતી ના મારગ આપવાના ઇન્કારથી નિરાશ થયેલા મિ. પારેખ મનોમન બબડતા, ‘સાલાઓ, આ બધા હમણા મારી ઠેકડી ઉડાવે છે, ઉડાવો ઉડાવો. પણ એકવાર લાગ મળવા દો. પછી જો હું આ બધાને બતાવી ન આપું કે મિ. પારેખ શું ચીજ છે, તો મારું નામ મહેશ નહિ. બૈરાની બે વાત શું માની કે ‘જોરૂ કા ગુલામ’ થઇ ગયા?  હું તો મારી બૈરીની જ વાત માનું છું, પણ આ બધા તો પારકા બૈરા આગળ પાણી પાણી થઇ જાય છે અને એમના કામો કરવા ટાણે – કટાણે દોડી વળે છે, એમને શું કહેવું? એકવાર તો આ સૌ ને બતાવી જ આપવું છે કે હું ‘જોરુ કાં ગુલામ’ નથી. સાલું, આવી ઈમેજ લઈને ક્યા સુધી જીવી શકાય?’
અઠવાડિયા – દસ દિવસથી પતિને સુનમુન થઇ ગયેલો જોઇને મીનાએ બહુ પ્રેમથી પૂછ્યું, ‘મહેશ, શું થઇ ગયું છે તમને? તમારી તબિયત તો ઠીક છે ને?’ પણ મહેશે ન મીનાની વાત નો કોઈ જવાબ આપ્યો ન એની સામે જોયું. ઓફિસમાં પણ દિવસના દસ ના હિસાબે કામમાં ગોટાળા કર્યા, પંદર વાર સ્ટાફ મેમ્બર્સ સાથે ઝઘડ્યા, પાંચ વાર પટાવાળા ને ધમકાવ્યો અને સાત વાર બોસની બોલી ખાધી.
ચિંતાતુર મીનાએ મહેશના મિત્ર એવા ડોક્ટરને બોલાવ્યા, પણ મહેશે એમને પણ દાદ ન દીધી. નટખટ સાળી સ્મિતાએ આવીને જીજાજીને જોક્સ કહ્યા, હસી મજાક કરી, તો પણ મહેશજી સુનમુન રહ્યા. કંટાળીને મીનાએ પોતાની બેસ્ટ સલાહકાર એવી મમ્મીને બોલાવી. એની સલાહ મુજબ સવાર – સાંજ મહેશને ભાવતી વાનગીઓ રાંધવા માંડી, પણ મહેશભાઈ તો ભાવતા ભોજન જમીને ઓડકાર પણ ખાધા વિના ચુપચાપ ઉઠી જતા હતા. મીના એ મહેશ માટે પરફ્યુમ, પેન, ટાઈ, શર્ટ,  પર્સ વગેરે દસ દિવસમાં દસ ગીફ્ટ લાવીને આપી, તો ય મહેશભાઈ ન પીગળ્યા. હવે મીના ખરેખર કંટાળી ગઈ અને સૌ હથિયાર હેઠા મૂકી દીધા.
એક બપોરે મીનાએ મહેશને ઓફિસમાં ફોન કર્યો:
-હેલો, મહેશ?
-મીના, હું કામમાં છું, પ્લીઝ ડોન્ટ ડીસ્ટર્બ મી.
-મહેશ, સાંભળો તો ખરા...
-કહ્યું ને એકવાર કે મને ફુરસદ નથી.
-મારી વાત સાંભળો, અત્યારે ને અત્યારે જ ઘરે આવો.
-ઘરે આવવા હું અત્યારે નવરો નથી, સમજી? તારે હવેથી ઓફિસમાં મને  ફોન કરવો નહિ.
મિ. પારેખે રીસીવર મુક્યું અને ગર્વભેર મિત્રોની સામે જોઈ રહ્યા. આજે મિત્રોની નજરમાં પણ મિ. પારેખ તરફ અહોભાવ છલકાતો હતો. મિ. પારેખની નજર આજે ધરતી તરફ નહિ પણ આસમાન તરફ હતી. આજે તો તેઓ પણ ઉડું ઉડું થઇ રહ્યા હતા, ‘આજ મેં ઉપર, આસમાં નીચે, આજ મેં આગે, જમાના હૈ પીછે...’ આજે એમની વર્ષો જૂની ‘જોરુ કાં ગુલામ’ ની ઈમેજ ભાંગીને  ભુક્કો થઇ ગઈ હતી.
મિ. પારેખ આજે ખુબ ખુબ ખુશ હતા. પણ કહેવાય છે ને કે, ‘ખુશી યંહા થોડી હૈ ઓર બહોત ગમ હૈ..’ ફોન મુક્યાને વીસેક મિનિટ જ થઇ હશે અને મિ.પારેખની પત્ની મીના વાવાઝોડાની જેમ ઓફિસમાં ધસી આવી.
-મહેશ, આ બધું શું માંડ્યું છે?
-મીના તું અહી શા માટે આવી? ઘરે જા. મહેશે જોશ્ભાર્યા સ્વરે કહ્યું.
-હું બોલતી નથી અને લાખ વાના કરું છું, એટલે બહુ ફાટ્યા છો. ચુપચાપ ચાલો ઘરે નહીતર..
-નહીતર શું કરીશ? નથી આવવાનો જા.
-નથી આવવું ને? ઠીક છે, તમ તમારે ખુશીથી પડ્યા રહો અહી. હવે તમે તમારે રસ્તે અને હું મારે રસ્તે.  હું મારી મમ્મી અને બહેન જે નીચે ગાડીમાં જ બેઠા છે, એમની જોડે પિયર જાઉં છું. આપણા ડાયવોર્સ નાં પેપર વકીલ મારફતે થોડા જ દિવસમાં તમને મળી જશે,  હવે કોર્ટમાં જ મળીશું, બાય બાય. કહેતા કહેતા  મીના ઓફિસમાંથી સડસડાટ નીકળી ગઈ.
-અરે અરે, મીના, સાંભળ તો ખરી. સાવ આવું શું કરે છે?

કહેતા કહેતા મિ. પારેખ મીનાની પાછળ જવા તૈયાર થયા. એમણે આસમાન તરફ થી પોતાની નજરોને ધીરે ધીરે જમીન પર ઉતારી. અને દરવાજાની બહાર નીકળતી વખતે એમના કાન પીઠ પાછળથી આવતા એક જ વાક્ય સાંભળવા સરવા થયા, ‘જોરૂ કા ગુલામ’  

Tuesday, 19 July 2016

બોસનો ડિટેકટીવ પટાવાળો.

બોસનો  ડિટેકટીવ પટાવાળો.      પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી. 

બહુમાળી બિલ્ડીંગના બીજા માળે અમારી ઓફીસ આવેલી છે. ત્રણ મહિલાઓ સહીત અઢાર વ્યક્તિઓનો બનેલો અમારો સ્ટાફ મેળો છે. બે પટાવાળાઓ પણ છે, જેમાનો એક પટાવાળો સીધો સાદો  અને બીજો પટાવાળો – પટાવાળો  ઓછો અને ડિટેકટીવ વધારે લાગે છે. બોસની ગેરહાજરીમાં એ સવાયા બોસ ની જેમ વર્તે છે. એને અમે સ્ટાફનો સભ્ય ગણતાં નથી, કારણ કે એને ઓફીસના સામાન્ય નિયમો લાગુ પડતાં નથી.

જો કે એમ તો પેલી ત્રણ મહિલાઓ પણ અવાર નવાર નિયમોનો ભંગ કરે છે, પણ એમને તો અમે સ્ટાફના સભ્ય તરીકે સ્વીકારીએ છીએ. એટલું જ નહિ, પણ એમ કરવામાં અમે ગર્વ અને આનંદની લાગણી પણ અનુભવીએ છીએ. અમારું ચાલે તો એ ત્રણ માંથી એકાદને અમે અમારા ઘરના સભ્ય તરીકે પણ સ્વીકારી લઈએ. પણ કાયમ કંઈ આપણું ધાર્યું  ઓછું જ થાય છે? એકાદ બે જણે તો આવું ધારીને એ અમલમાં મુકવાની ટ્રાય પણ કરેલી, પણ...જવા દો ને એ વાત જ. એમના જે હાલ થયેલા તે જોઇને અમે તો એ ખ્યાલને મનમાંથી સદંતર ભૂસી નાખ્યો હતો. અને આમ પણ હિંદુ કાયદો ક્યાં બીજી પત્ની કરવાની પરવાનગી આપે પણ છે?

હા, તો આપણે વાત કરવાની છે પેલા મનસ્વી, બોસના માનીતા, બોસના ચમચા, બોસના જમણા હાથ જેવા ગણાતા પટાવાળા શંકર ની. બોસની કેબીનની બહાર બેસીને એ ઘણીવાર નિરાંતે હથેળીમાં તમાકુ અને ચૂનો મસળતો હોય, અથવા જાસુસી નવલકથા વાંચતો હોય. (આમ તો પાછો એ ભણેલો ગણેલો છે.) જો એ જાસુસી નોવેલ ફક્ત વાંચતો જ હોત અમને કંઈ વાંધો નહોતો, કેમ કે ચોપડીઓ વાંચતા લોકો અમને ગમે છે, એમાંય અમારી લખેલી ચોપડીઓ વાંચતા લોકો તો અમને વિશેષ ગમે છે અને વાંચીને અમને પોઝીટીવ ફીડબેક આપતા લોકો તો અતિ વિશેષ ગમે છે. 

પણ પટાવાળો શંકર તો એની ડિટેકટીવગીરીની અજમાયેશ અમારા સ્ટાફના માણસો પર પણ કરતો. શંકરની ચકોર નજરથી અમારી કોઈ પણ  વાત છાની રહેતી નહિ. એના દ્વારા સ્ટાફની રજે રજ માહિતી બોસને મળતી. શંકરની પત્ની પાર્વતી બોસના બંગલે ઘરકામ કરતી. અત્યાર સુધીમાં શંકરની ડિટેકટીવ- કલાનો ભોગ અમારામાંના દરેક જણ (મારા સિવાય) બન્યા હતા, અને એટલે જ બધા એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતા.

એની હાજરીમાં અમે વાતો કરવાનું લગભગ ટાળતા અથવા વાત કરતી વખતે ખુબ જ સતર્ક રહેતા. વાત કર્યા વિના છૂટકો ન હોય ત્યારે અત્યંત ધીમા અવાજે, લગભગ એક બીજાના કાનમાં મોઢું નાખીને વાત કરતા. મહિલા સ્ટાફ સાથે આ રીતે વાત કરવાની આવે ત્યાર પુરતો શંકર અમને ખુબ ગમતો. અરે, અમે તો ઇશારાઓની ભાષા પણ વિકસાવી હતી, પણ એમાંય અમને ક્યારેક વહેમ પડતો કે શંકર આ બહેરા – મૂંગાની ભાષા પણ સમજે છે.

અત્યાર સુધી તો હું શંકરથી બચતો આવ્યો હતો, પણ એકવાર મને પણ એનો પરચો મળી જ ગયો. મારા નાના દીકરાને ઈંગ્લીશ મૂવી જોવું હતું, શુક્રવારે મૂવી બદલાઈ જવાનું હતું, એટલે એ જીદ લઈને બેઠો હતો કે, ‘પપ્પા, મને ગુરુવાર સુધીમાં મૂવી બતાવો.’ મૂવીની સાથે પોપકોર્ન અને થમ્સઅપ ની પણ ડિમાન્ડ કરી હતી. એ માટે મારે ઓફિસમાં જુઠું બોલીને રજા લેવી પડે એમ હતું, એવું મે બાબાને જણાવ્યું તો એને એ સાહજિક લાગતું હતું.

મે કહ્યું, ‘બેટા, હું તારા જેવડો હતો ત્યારે કદી જુઠું બોલ્યો નહોતો.’ તો એ કહે, ‘અચ્છા, તો પપ્પા તમે ક્યારથી જુઠું બોલવાનું શરુ કર્યું?’ હવે હું મૂંઝાયો. જો મારા બોસને સાચું કહું કે – મારે મારા બાબાને ફિલ્મ જોવા લઇ જવા માટે રજા જોઈએ છે, તો એ મને નોકરીમાંથી પાણીચું પકડાવી દે અને કહે – જાવ, તમતમારે આજથી રોજ હવે તમારા બાબાને મૂવી બતાવવા સ્વતંત્ર છો. અને જો ખોટું બહાનું બતાવીને રજા લઉં તો બોસના ડિટેકટીવ ચમચા પટાવાળા શંકરની બીક, એ ગમે તે રીતે જાણીને બોસને કહી દે તો મારું આવી બને.

મારી પત્ની મારી સાથે આ બાબતે નારાજ હતી. એના સિવાય હું બીજા કોઇથી ડરું તો એનું એકહથ્થુ  શાસન લજવાય ને? એ દિવસે એણે મને કહ્યું, ‘બોસ કંઈ વાઘ છે કે એનાથી આટલા ડરો છો?’ મેં કહ્યું, ‘બોસનું તો ઠીક, એમને તો બહાનું કાઢીને બનાવી/મનાવી લેવાય, પણ તું અમારા પટાવાળા શંકરને ઓળખતી નથી.’ આ સાંભળીને એ તુચ્છકારથી બોલી, ‘ધત તેરી કી. એક પટાવાળાથી આટલા બધા ડરો છો? શરમ છે તમને. અરે, એક આટલી અમથી વાત તમે એનાથી છુપી રાખી નથી શકતા?’ પત્નીના મહેણાંથી વીંધાયેલો હું પહેલા ખીજવાયો, પછી લજવાયો અને અંતે મને પાનો ચઢ્યો, કે હવે તો મારે કોઈ પણ હિસાબે શંકરથી છાનું રાખીને બાબાને પિક્ચર બતાવવું જ. 

બીજે દિવસે ઓફિસમાં મે  બોસને કહ્યું, ‘સર, મારા કાકાનું અવસાન થયું છે, અને એમને સ્મશાને લઇ જવાના છે, એટલે મારે અડધા દિવસની રજા જોઈએ છે. ‘એમ, શું થયું હતું તમારા કાકાને?’ એમણે પૂછ્યું. ‘જ..જ..જી? હાર્ટફેલ’ મે થોથવાતા કહ્યું. ‘ઠીક છે, તમે જાવ.’ બોસે કહ્યું. મને આસાનીથી રજા મળી ગઈ એટલે હું બોસની કેબિનમાંથી નીકળીને ખુશખુશાલ ચહેરે મારા ટેબલ  પાસે આવ્યો અને અને મારી બેગ લઈને બહાર નીકળ્યો. સામે જ મારા કલીગ મી. દવે મળ્યા એમને તાળી  આપી. ફિલ્મ બતાવી મેં બાબાને ખુશખુશાલ કર્યો અને મારી વાઈફની તારીફ મેળવી.

બીજે દિવસે ઓફીસ ગયો એટલે બોસનું તેડું આવ્યું. હું કેબીનમાં ગયો એટલે એમણે પૂછ્યું, ‘કેવી લાગી કાલે ફિલ્મની સ્ટોરી?’ ધુનમાં ને ધૂનમાં મારાથી બોલાઈ ગયું, ‘’ફંટાસ્ટીક’ પણ પછી મને ટ્યુબ લાઈટ થઇ એટલે મે ફેરવી તોળ્યું, ‘સર, સ્ટોરી, શાની સ્ટોરી?’ હવે બોસ તાડૂક્યા, ‘શરમ નથી આવતી તમને? તમે સીનીયર ઓફિસર થઈને એક ફિલ્મ જોવા માટે મારી આગળ જુઠું બોલ્યા? અને કાકાનું વગર કારણે હાર્ટફેલ કરી એમને મારી નાખ્યા?’

મે દયામણા અવાજે ક્ષોભ પૂર્વક એમની માફી માંગી. અને કહ્યું, ‘સર, મારો એવો બદ ઈરાદો નહોતો. પણ આ તો બાબાની જીદ હતી, એટલે મારે એમ કરવું પડ્યું, આઈ એમ વેરી સોરી, સર.’ એમણે કહ્યું, ‘ઠીક છે, પહેલી વાર આવું બન્યું છે, એટલે ચેતવણી આપીને તમને જવા દઉં છું, પણ ફરીવાર બનશે તો હું ચલાવી નહિ લઉં. મે ડોકું હલાવ્યું અને ત્યાંથી નીકળી ગયો.
બહાર નીકળીને હું વિચારવા લાગ્યો, ‘બોસને મારી ફિલ્મ જોવા જવાની વાતની કેવી રીતે ખબર પડી ગઈ? પછી વિચાર્યું કે આ બોસ લોકોને કુટુંબ પ્રેમ જેવું કંઈ હોતું હશે કે નહિ? એ કદી એમના બૈરી છોકરાને સિનેમા જોવા કે ફરવા લઇ જતા હશે કે નહિ?’  આવી પરિસ્થિતિમાં પણ મને શેઠ – નોકરની એક જોક યાદ આવી ગઈ.

એક દુકાનમાં શેઠ બેઠા હતા, અને નોકર કંઈ લેવા ગોડાઉનમાં  ગયો હતો. ત્યાં જ એક ભિખારી  આવીને શેઠને કશુંક આપવા આજીજી કરવા લાગ્યો. શેઠ ગુસ્સે થઈને બોલ્યા, ‘કહ્યું ને અત્યારે દુકાનમાં કોઈ માણસ નથી, પછી આવજે.’ એટલે ભિખારી બોલ્યો, ‘શેઠ, થોડી વાર માટે તમે જ માણસ બની જાવ અને મને કશુક આપોને, બહુ ભૂખ લાગી છે.’

હું વિચારમાં હતો ત્યાં જ શંકર ભટકાયો. એના હાથમાં જાસુસી નવલકથા હતી અને હોઠો પર મને જોઈને આવેલું ‘મર્માળુ’  અને ‘ભેદી’ સ્મિત. હું બધી વાત સમજી ગયો. મને થયું, ‘કાશ! જાસુસી નવલકથાઓ લખાઈ જ ના હોત!’ 

Tuesday, 12 July 2016

શું પ્રોગ્રામ છે આજ નો?

શું પ્રોગ્રામ છે આજ નો?  પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

જે રીતે બધી વ્યક્તિઓ બહારથી દેખાય છે, એટલી સીધી સાદી અંદરથી હોતી નથી, એ રીતે સામાન્ય વાતચીત માં પુછાતા બધા સરળ પ્રશ્નો અભિનેતાના ચહેરાની જેમ બહારથી દેખાય છે, એટલા સીધા સાદા કે નિર્દોષ હોતા નથી. આવા ‘અંદરસે કુછ ઔર, બાહર સે કુછ ઔર’ પ્રશ્નોને ઓળખવામાં તમે જરા પણ ગફલત કરી કે ખલ્લાસ! તમે  નથી માનતા ને આ વાત?  તો વાંચો આગળ....
-હલ્લો, મિતેષ. શું કરે છે?
-કોણ, અનીષ?
-નહિ તો બીજું કોણ હોય? દેખાતો કેમ નથી આજ કાલ?
-ઘર, બૈરી - છોકરાં ને નોકરી, એમાંથી સમય જ ક્યા રહે છે?
-હા, હા. બહુ મોટો માણસ થઇ ગયો ને તું તો. અમને યાદ કરવાનો તારી પાસે ટાઈમ ક્યાંથી હોય?
-એવું કંઈ નથી યાર. બોલ શી વાત હતી?
-શું પ્રોગ્રામ છે આજ નો?
-કંઈ નહી, બેઠા છીએ.
જોયું ! વગર વિચાર્યે તમે અનીષનાં બહારથી નિર્દોષ દેખાતા પણ હકીકતમાં નિર્દોષ નહી એવા સવાલોના ચીલા ચાલુ જવાબો આપી દીધા ને? જરા ધીમા પડો અને વિચારો કે શા માટે આ બધા સવાલો પુછાયા છે. શું કહ્યું તમે? સવાલો તો વળી પુછાય, એમાં વિચારવાનું શું? તમારી પાસે એ બાબતે વિચારવાનો ટાઈમ નથી? તો પછી તમારા કર્યા  તમે જ ભોગવો, બીજું શું? 
-નવરા બેઠા જ છો તો પછી ઘરે આવો, હવે તો તમારે ગાડી પણ આવી ગઈ છે ને?
-હા, એ તો ખરું, પણ અત્યારે?
-તે અત્યારે વળી શી ધાડ મારવાની છે, આવો ને. કે પછી ભાવ ખાય છે?
-ના ના, એવું કંઈ નથી. ઠીક છે, થોડી વારમાં આવીએ છીએ.  .
તમે મિત્રની વાતમાં આવી જાઓ છો અને સંમતિ આપી બેસો છો. અને પછી પત્નીને કહો છો:
-ચાલ, તું અને છોકરાઓ તૈયાર થઇ જાવ.
-ક્યાં જવાનું છે?  પત્ની પૂછે છે. (એ બુદ્ધિશાળી છે)
-અનીષનાં ઘરે.
-નથી જવું. (પાછલા અનુભવોને કારણે પત્ની સાવચેત છે, ચબરાક છે, તેથી ના પાડે છે)
-ચાલ ને હવે યાર, નખરા કર્યા વગર. તમે સહેજ ખીજવાઈને કહો છો.
-તમારો એ મિત્ર મને દીઠો ય ગમતો નથી. પત્ની ન જવાનું કારણ કહે છે.
-તો એની સામે જોયા વગર વાત કરજે, બસ? તમે એન હસાવવા કહો છે, પણ એ ગંભીર છે.
છેવટે  ‘જવું છે’  અને  ‘નથી જવું’ ની  વચ્ચે થોડો સંઘર્ષ થાય છે. જીત તમારી થાય છે. તમે પત્ની અને બાળકોને લઈને અનીષના ઘરે જાવ છો.  ‘આવો, આવો’ અને  ‘કેમ છો, કેમ છો’ પત્યા પછી, પાણી આવે છે, તમે પાણી પીને બેઠા છો, ત્યાં જ-
-પપ્પા ચાલો ને પપ્પા ચાલો ને ... અનીષનો નાનો દિકરો અનીષ ને કહે છે.
-ક્યાં જવું છે બેટા, મુન્નુ? અનીષ એના દીકરાને લાડથી પૂછે છે.
-બહાલ જવું છે, ફલવા જવું છે. મુન્નુ એની કાલી  ઘેલી બોલીમાં કહે છે અને અનીષનો હાથ ખેંચે છે.
-અત્યારે બહાર ફરવા ન જવાય બેટા, જો અંકલ અને આંટી આપણા ઘરે આવ્યા છે ને?
-પપ્પા, અંકલની નવી કારમાં ફરવા જઈએ. મુન્નુ થી મોટો દીપલ બોલે છે.
-પપ્પા, ચાલો ને, પપ્પા ચાલો ને. કહીને મુન્નુ જોરથી ભેંકડો તાણે છે.
તમારા કાનમાં મુન્નુ ની ‘પપ્પા, ચાલો ને’ ની રેકર્ડ અને ભેંકડો ત્રાસ ગુજારે છે. તમે ઊભા થઇ જાવ છો અને કહો છો:
-ચાલ ને યાર, આને કારમાં  એક આંટો મરાવી આવીએ. બધા થોડું ફરી આવીએ.
મુન્નુ ખુશ થઈને તાળીઓ પાડે છે. તમે બહાર આવો છો અને પાછળ આખું ટોળું તમે બે- તમારા બે અને અનિષ લોકો બે અને એમના બે-  એમ આઠ જણ સાંકડે - માંકડે ગાડીમાં ભરાઈને બેસો છો. રસ્તામાં આઈસ ક્રીમ પાર્લર જોઇને મુન્નુ ચીસ પાડે છે.
-પપ્પા, આઈસ કલીમ, પપ્પા, આઈસ કલીમ.
-ચુપ ચાપ બેસ છાનો માનો. અનીષ તડુકે છે.
-મને જોઈએ મને જોઈએ.. ફરી મુન્નુ ફૂલ વોલ્યુમ થી ભેંકડો તાણે છે.
તમે કંટાળીને ગાડી આઈસ ક્રીમ પાર્લર પર પાછી લાવો છો. ને પછી તો અહહાહહા! આઈસ્ક્રીમ ખાવાનો હોય ત્યારે શું નાના કે મોટા, બધા જ ગ્રાહક થઇ જાય છે.મસ્ત ફિગર  ૪૨૦ રૂપિયાનું બીલ આવે છે, ત્યારે અનીષ કહે છે, ‘યાર હું તો ઘરના પહેરેલે કપડે જ બેસી ગયો છું, પર્સ નથી લાવ્યો, તું જ આપી દે.
તમારા ખીસ્સાને વગર વાંકે ૪૨૦ રૂપિયાનો ફટકો પડે છે. તમારી પત્ની તમારી સામે કતરાતી નજરે જુએ છે, એ નજરો કહી રહી છે, ‘હું નહોતી કહેતી કે અનીષ ભાઈના ઘરે નથી જવું. તમે ન માન્યા, લો ભોગાવો હવે.’ ઘરે પાછા વળતી વખતે અનીષનો મોટો દિકરો દીપલ કહે છે:
-પપ્પા, તમે શરત જીતી ગયા. હે પપ્પા જીતી ગયા. એ તાળીઓ પાડે છે.
-ચુપ બેસ, શેતાન. અનીષ એને ધમકાવે છે.
-એ એ મમ્મી હારી ગઈ. દીપલ હસીને બોલે છે.  
-ચુપ રહે ચાંપલા, કે પછી એક અડબોથ દઉં? અનીષ કહે છે.
અરે ! એને બોલવા તો દે, બોલ બેટા, શું શરત પપ્પા જીતી ગયા? તમે કહો છો.
-અંકલ, મુન્નુને આજે સવારે જ આઈસ ક્રીમ ખાવો હતો.
-હં હં પછી?  તમે રસપૂર્વક પૂછો છો.
પછી પપ્પાએ કહ્યું, ‘બેટા, તને સાંજે આઈસ ક્રીમ ખવડાવીશ’ તો મમ્મી બોલી, ‘એવા ખોટા ખર્ચા કરવાની જરૂર નથી.’ તો પપ્પા કહે, ‘એક પાઈ પણ ખર્ચ્યા વગર મફતમાં તમને બધાને આઈસ ક્રીમ ખવડાવું તો?’ તો મમ્મી કહે, ‘આઈસ ક્રીમ  વેચવા વાળો તમારો સગો થતો હશે, ખરું ને?’ તો પપ્પા  કહે, ‘આઈસ ક્રીમ વેચવા વાળો તો નહિ પણ આઈસ ક્રીમ ખવડાવવા વાળો તો જરૂર આપણો સગો થતો જ હશે.’   તે હેં અંકલ, તમે અમારા શું સગા થાવ? દીપલે પૂછ્યું.
-ગયા જનમનો દેણદાર.  દીપલના સવાલના જવાબમાં તમે મનમાં બોલો છો.
તમને મનમાં ખુબ ગુસ્સો ચઢે છે. અનીષને ગાડીમાંથી ધક્કો મારીને બહાર ફેંકી દેવાનું મન થાય છે, પણ તમે તેમ કરી શકતા નથી, લાચાર છો. જો કે આ બધામાં અનીષનો કંઈ વાંક નથી. વાંક તમારો પોતાનો જ છે. તમે પોતે જ પેલા સીધા સાદા લાગતા સવાલની ઝપટમાં આવી ગયા. પ્રશ્નની ગંભીરતા ને સમજ્યા વગર, વિચાર્યા વગર એનો જવાબ આપી બેઠા. લો, તમે પૂછી રહ્યા છે, ‘કયો પ્રશ્ન?’ આટલી વારમાં ભૂલી ગયા? તો તમને યાદ દેવડાવું- એ પ્રશ્ન હતો – ‘શું પ્રોગ્રામ છે, આજ નો?’   

Tuesday, 5 July 2016

આ બધાને થયું છે શું?

આ બધાને થયું છે શું?      પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

લાખ વાના કર્યા તો ય... છેલ્લા કેટલાય કલાકોથી, અરે કલાકોથી શું, કેટલાય દિવસોથી કોઈની સાથે સંતોષ કારક રીતે ઝઘડો થયો નથી. ઝઘડા વગર લાઈફમાં થ્રિલ ન આવે, અને થ્રિલ વગર જીવવામાં મઝા ન આવે. એક સરખી, તદ્દન મોનોટોનસ લાઈફમાં જીવવાનું ય શું? સાવ આવું તે કેમ ચાલે? લાવ, હું જ સામેથી કંઈ પ્રયત્ન કરું, એમ વિચારી વહેલી સવારે મે દૂધ વાળા થી શરૂઆત કરી.
-અલ્યા, આજ કાલ મ્યુનિસિપાલીટી વાળા તારે ઘેર છૂટથી પાણી આપે છે કે?
-કેમ બેન, આવું પૂછો છો? એણે ભોળે ભાવે પૂછ્યું.
-આવું નહી તો કેવું પૂછું? તું તે દૂધ લાવે છે કે પાણી?
-મા જગદંબાના સોગન ! બેન, જો હું દૂધમાં પાણીનું એક ટીપું પણ  ભેળવતો હોઉં તો.
-તો પાણીમાં દૂધ ભેળવતા હશો.  બધું એક નું એક જ ને?
-આ સોસાયટીમાં બીજા દસ જણા મારી પાસેથી દૂધ લે છે. એમને પૂછી જોજો, બેન.  આજ સુધી એક પણ ફરિયાદ નથી આવી.
-એટલે મારે પણ તમને કશું નહી કહેવાનું? એમાં  જ તો તમને ફાવતું પડી ગયું છે ને?
ગમે એમ ન બોલો બેન.
-તો શું ‘ન ગમે એમ બોલું?’ પણ આવું જ દૂધ આપવું હોય તો બહેતર છે કે કાલથી દૂધ જ ન આપશો, અમે નળેથી પાણી ભરી લઈને ચલાવી લઈશું.
-જેવી તમારી મરજી, બેન. પછી એ પાણીની જ ચા બનાવીને પીજો. 
અને એ ચાલતો થયો. પત્યું, મારા ઝઘડવાના મૂડ પર પાણી ફેરવીને એ તો જતો રહ્યો. મારી સવાર બગાડી. પણ કંઈ વાંધો નહી, છોકરાઓ હમણા જ ઊઠ્યા છે, લાવ એમને પકડું.
-અલ્યાઓ! બન્ને જણ ક્યારના રૂમમાં શું કરો છો?
-મમ્મી, અમે ટાઈમ ટેબલ ગોઠવીએ છીએ.
-અત્યારે ટાઈમ ટેબલ ગોઠવવાનો ટાઈમ છે કે?
-અત્યારે નહી તો પછી ક્યારે ગોઠવીએ મમ્મી?
-રાત્રે ટાઈમ ટેબલ ગોઠવતા શું થતું હતું?
-રાત્રે તો તારો ડ્રેસ લેવા તેં અમને તારા દરજી ને ત્યાં મોકલ્યા હતા.
-તે દરજીને ત્યાં રાત થોડાં જ રોકાયા હતા, આવીને શું કર્યું  હતું?
-આવતા મોડું થયેલું તેથી તેં જ તો કહ્યું હતું – ‘ચાલો, હવે સુઈ જાવ, સવારે વહેલું ઊઠવાનું છે. ટાઈમ ટેબલ સવારે ગોઠવજો.’
-એમ પાછા મારું કહ્યું માની જાવ એવા ડાહ્યા ડમરા તમે ખરા ને?
-ચાલ મમ્મી, અમને સ્કુલે જવાનું મોડું થાય છે, બાય બાય.
લો, આ ઝઘડો પણ કંઈ બરાબર જામ્યો નહી. ઝઘડો તો બરોબરિયા સાથે જ જામે. અરે હા, પતિદેવ! ઠીક યાદ આવ્યા.
-કહું છું, સાંભળો છો? કેટલી વાર ઘોર્યા કરવું છે? ઉઠો હવે.
-તું ચા મૂક, હું બ્રશ પતાવીને આવું છું.
-તમને તો બ્રશ કરતા ય ભાઈસા’બ અર્ધો કલાક થાય છે.
-કંઈ અગત્યનું કામ છે?
-હા, આજે તો બરાબર ઝઘડવું છે.
-શું?
-કંઈ નહી, અગત્યના કામો તો સવારના પહોર માં શું હોય?
તો લાવ, ચા પીતા પીતા જરા છાપું જોઈ લઉં.
-હવે મુકોને છાપું બાજુ પર, બે ઘડી જરા મન મુકીને ઝઘડો તો ખરા,  આઈ મીન બે ચાર વાતો કરો.
-બૈરા સાથે તે વળી શું વાતો કરવાની?
-એ કરતા એમ કહોને કે – ‘પોતાના બૈરા સાથે વળી શું વાતો કરવાની?’
-અરે વાહ! કાફી સમજ્દાર છે તું તો, ચાલ, હું નહાવા જાઉં.
ને ‘એ’ નહાવા જતા રહ્યા. આમ પણ આવા ‘એકતરફી’ ફીક્કાફાસ ઝઘડામાં લિજ્જત પણ શું આવે? આમ તો હું ધારું તો પાડોશી સાથે સારી એવી જામી જાય, પણ એ ય બહાર ગયા છે. કચરો લેવા આવનારી ને મે ધમકાવી જોઈ, પણ એ તો એક પણ શબ્દ બોલ્યા વિના ચુપચાપ કચરો લઈને ચાલતી થઇ.
બપોરે મારી કામવાળીને આવતી જોઇને હું ખુબ ખુશ થઇ ગઈ. હાશ! આ સારી હાથમાં આવી, હવે મઝા આવશે, આજે તો એની સાથે એવી જમાવું કે...
-પધારો, મહારાણી બા! એ પગથીયું ચડતી હતી ત્યાં મે એને સંભળાવ્યું. એણે મારી સામે જોયું અને માત્ર હસી.
-આ તે કંઈ ટાઈમ છે, કામે આવવાનો?  મે સહેજ ઊચે સાદે કહ્યું, તો પણ એ ચુપ  રહી.
-અલી એય, તને કહું છું, મોઢામાં માગ ભર્યા છે કે?
-ઘેર મે’માન આયા’તાં, બુન. એ  ધીમેથી બોલી.
-ઓહોહોહો! બહુ સ્વાગત કર્યું હશે નહી મે’માનોનું? આ જો કપડા, ધોયા છે કે ધોકાવી જ નાખ્યા છે?
-પાછા ધોઈ આપીશ.
-સાબુ મફત માં આવતો હશે, નહી?
-મારા પગારમાં થી સાબુના પૈસા કાપી લેજો, બુન.  
મેં ત્યાર પછી એને આઠ થી દસ વાક્યો ઉશ્કેરણી જનક કહ્યા, પણ એ તો ચુપ ચાપ એનું કામ કરતી રહી. હું નિરાશ થઇ ગઈ. પછી તો ધોબી, માળી, પગી, શાકવાળો વગેરે ઘણાની સાથે ઝઘડો કરવાની ટ્રાય કરી જોઈ, પણ કોઈ એ મને મચક ન આપી. મને તો ખાવાનું ય ન ભાવ્યું અને બપોરની ઊઘ પણ બરાબર ન આવી. હું વિચારતી હતી કે આખરે – ‘આ બધાને થયું છે શું?’