Tuesday 25 October 2016

દહેજ એક આભૂષણ છે.

દહેજ એક આભૂષણ છે.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

શેફાલીના લગ્ન અને રિસેપ્શન સારી રીતે પતી ગયાં, એટલે નિરાંતનો શ્વાસ લેતાં કન્યા વિદાય પહેલા કન્યાને એકાંતમાં મળીને એના માતા પિતાએ પૂછ્યું:

-બેટા, બધું સરસ રીતે પતી ગયું, હવે તું સાસરે જવા તૈયાર છે ને?
-સાસરે? ઓહ મોમ, ડોન્ટ સે ધેટ, હું તો મારા પોતાના ઘરે જઈ રહી છું. શેફાલીએ ઉન્નત મસ્તકે જવાબ આપ્યો.
-એ બધું તો ઠીક બેટા, પણ લગ્નજીવનનો માર્ગ કેટલો કઠણ છે એ તું જાણે છે ને?
-કઠણ ને નરમ કેમ કરવું તે મને બહુ સારી રીતે આવડે છે. એન્ડ બાય ધ વે, એ લોકોએ કઈ પણ ગરબડ કરી તો મને અહી પાછી આવતા કોણ રોકનાર છે?
-છતાં ય બેટી તને કઈ મુશ્કેલી પડે તો..
-ડોન્ટ વરી ડેડ,આઈ વીલ મેનેજ ઓલ થિંગ્સ.
-બેટી, એ લોકો તને મિક્સર-ગ્રાઈન્ડર-ફૂડ પ્રોસેસર લઇ આવવાનું કહેશે તો?
-એ તો મારા ફ્રેન્ડ સર્કલે ઓલરેડી આપ્યું જ છે.
-એ લોકો ઘરઘંટી લાવવાનું કહેશે તો?
-વેલ, તો આપણે સરળ હપ્તેથી ઘરઘંટી લઇ લઈશું.
-અને બેટી, એ લોકો ફ્રીઝ માંગશે તો?
-ફ્રીઝ એક તો પડ્યું જ છે ને, નવું પણ છે અને મોટું પણ છે, પછી બીજાની શી જરૂર?
-ઓકે, એ લોકો તારી પાસે સ્કુટર માંગશે તો?
-સ્કુટર તો જોઇશે જ ને પપ્પા! ક્યાંકથી એની સગવડ કરાવી પડશે. મમ્મીની ફિક્સ ડીપોઝીટ ઉપાડવી પડશે.
- પણ કાલે ઉઠીને એ લોકો તારી પાસે કાર મંગાવશે તો?
-હંઅઅઅ. કાર તો આજકાલ ‘સ્ટેટ્સ સિમ્બોલ’ ગણાય છે. એક કામ કરીશું, ડેડી? તમારી ઓફિસમાંથી કાર માટેની લોન લઇ લઈશું. પછી તમે હપ્તે હપ્તે ચૂકવી દેશો તો ખાસ વાંધો નહિ આવે, ખરું ને ડેડી?
એ બધું તો ઠીક છે બેટા, ‘પડશે એવા દેવાશે’ પણ આ બધું એરેન્જ કરતા થોડો ઘણો ટાઈમ તો લાગે જ ને? ત્યાં સુધીમાં એ લોકો તને જાતજાતના મહેણાં-ટોણા સંભળાવશે.
-અરે! દેન છે કોઈની કે મને કઈ કહી જાય? મોઢું જ ન તોડી લઉં એનું?
-ત્યાં કોઈ તારા પર હાથ ઉપાડશે તો?
-મને કોઈ આંગળી તો અડાડી જુએ,તમારી દીકરી  કરાટે ચેમ્પિયન છે, ડેડી.
-શાબાશ બેટી, તારી પાસે મને આ જ ઉમ્મીદ હતી. હવે મને શાંતિ થઇ. ઓલ ધ બેસ્ટ, બેટા.
-થેંક્યું ડેડી, મમ્મી! ગુડબાય. ટેક કેર ઓફ યોરસેલ્ફ.

ક્યાં પહેલાની દબાયેલી, કચડાયેલી, લજામણીના છોડ જેવી શરમાયેલી નવોઢા, અને ક્યાં આજ ની ‘બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ’ બધી રીતે સામનો કરવા સજ્જ આ હિંમતવાન દુલ્હન.

જો કે આપણે અહી દુલ્હન વિશે વાત નથી કરવી, આપણે તો અહી વાત કરવાની છે દહેજ વિશે. જો કે હું તો માનું છું કે દહેજના દૂષણને દૂષણ કહેનારા લોકો સમાજ વિરોધી તત્વો છે. દહેજ એ તો આધુનિક લગ્ન પ્રણાલીનું એક અત્યંત કીમતી આભૂષણ છે, ગરીબી દુર કરવાના સાધનોમાનું એક સરળ સાધન માત્ર છે. એનો વળી વિરોધ શું કામ? આ પ્રથાને પ્રેમથી અપનાવો.

મુરતિયો તો લગ્ન બજારનો ‘કોરો ચેક’ છે, એને કસી કસીને વટાવો. દહેજને લીધે મોતને ભેટતી યુવતીઓ ‘વીરાંગનાઓ’ છે. એમના મોત પર ગર્વ લેવો જોઈએ, રુદન કરીને કે વિલાપ કરીને એની શહીદીને શરમાવો નહિ. ધન્ય છે એવા માતા પિતા કે જેઓ દહેજરૂપી યજ્ઞવેદી પર પોતાની લાડકવાયીઓ ના બલિદાન ચઢાવતા ખંચકાતા નથી. ફટ છે એવી યુવતીઓને કે જે દહેજરૂપી ભૂષણથી ડરીને પોતાના પિયર ચાલી આવીને પોતાની કાયરતાનું પ્રદર્શન કરે છે.
 
‘દહેજને કારણે મરવું પડે તો ભલે પણ પારોઠના પગલાં ન ભરતી, પાછી આવીને પીયરિયાની આબરુને લાજાવતી નહિ.’ એવું સાસરે જતી પોતાની પુત્રીને કહેનારા માતા પિતા અજોડ છે. છાપાવાળા, ટીવીવાળા તેમ જ સરકારે આવી મહાન વ્યક્તિઓનું ભવ્ય સન્માન કરવું જોઈએ, જેથી અન્ય માતા પિતાઓને આમાંથી પ્રેરણા મળી રહે.

દહેજના કારણે જે સાસુ – સસરા – જેઠ - નણંદ કે પતિ પોતાની પુત્રવધુ, ભાભી કે વહુ નું ખૂન કરે એ તમામ વ્યક્તિનું સરકારે બહુમાન કરવું જોઈએ. એક રીતે જોઈએ તો ‘વસ્તી વધારા’ ના  ફણીધરને નાથવાની આ એક આડકતરી રીત જ છે. પોતાની જાનના જોખમે ( ક્યારેક ફાંસી પણ થઇ શકે છે) એ લોકો પરિણીતાને મોક્ષ અપાવે છે. સરકારે તો આવા સમાજસેવી વ્યક્તિઓને કાયદાકીય રક્ષણ પૂરું પાડવું જોઈએ.

સાસરીયાઓ વહુના માતા પિતા પાસે ટીવી, વીસીઆર, ફ્રીઝ, સ્કુટર, કાર કે ઇવન ફ્લેટ પણ માંગે તો એમાં ખોટું શું છે? એ તો એમનો હક્ક બને છે. આખરે આ બધી તો જીવન જરૂરિયાતની વસ્તુઓ જ છે ને? પોઝીટીવ રીતે વિચારો તો તમને લાગશે કે એ લોકો કેટલા સારા માણસો છે કે તેઓ પોતાના ઘરમાં જ રહે છે અને પુત્રવધુના ઘરે રહેવા આવતા નથી. દીકરીના સાસરીયાઓના ભરણ પોષણની જવાબદારી દીકરીના પિતાની જ છે, એ વાત દીકરી જન્મે ત્યારથી જ એનો પિતા  બરાબર સમજી લે તો ઝઘડો જ ક્યાં રહ્યો? 

દીકરીના જન્મની સાથે જ એના પિતાએ વધુ પૈસા કમાવાના પ્રયત્નમાં લાગી જવું જોઈએ. જે માણસમાં દીકરીના સાસરીયાઓને પોષવાની, એમને ખુશ રાખવાની ત્રેવડ ન હોય એને દીકરીનો પિતા બનવનો કોઈ હક્ક નથી, આ વાત જો દરેક દીકરીના મા-બાપ સમજી લેશે તો પછી આપણા સમાજમાં દહેજ એક દૂષણ નહિ, પણ ઝગારા મારતું એક આભૂષણ બની જશે એમાં શંકાને લેશમાત્ર સ્થાન નથી.    

 
 




Tuesday 18 October 2016

કાયદે કાયદે ભ્રષ્ટાચાર.

કાયદે કાયદે ભ્રષ્ટાચાર.       પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. 

મકાન વેચાતું લેવા આવનાર ગ્રાહકને બિલ્ડર અતિ ઉત્સાહપૂર્વક પોતાની સ્કીમ સમજાવી રહ્યા હતા. બિલ્ડરની સમજાવવાની સ્ટાઈલ એટલી સરસ હતી કે સાધારણ ગ્રાહક તો એમ જ માની બેસે કે આખી દુનિયામાં આના જેવું મકાન બીજે ક્યાંય સંભવી શકે જ નહિ. પણ સામેવાળો ગ્રાહક કોઈ કાચોપોચો ગ્રાહક ન હતો, પાકો અમદાવાદી જણ હતો. એણે અમદાવાદની પોળપોળ ના પાણી પીધાં હતાં, એટલે એ જલદી બિલ્ડરની વાતોમાં આવીને પીગળી જાય એવો નહોતો.

બિલ્ડરે આ બકરાને એટલે કે ગ્રાહકને મકાન અંદરથી કેવું લાગશે એ સમજાવવા ‘પ્લાન’ના પેપર્સ બતાવ્યા. મકાન સામેથી કેવું દેખાશે એ સમજાવવા ‘એલીવેશન’ ના, અને મકાન ત્રાંસમાં કેવું દેખાશે એ સમજાવવા ‘પરસ્પેકટીવ’ ના ડ્રોઈંગ બતાવ્યા. મકાન અર્ધેથી કટ કરો તો કેવું લાગે એ સમજાવવા એણે ‘સેકશનલ’ ડ્રોઈંગ બતાવ્યું. ગ્રાહકને સમજાયું નહિ કે મકાન કટ શા માટે કરવું જોઈએ? છેવટે એ કંટાળ્યો અને બોલ્યો,

-મારે મકાન ફક્ત જોયા જ કરવાનું છે કે એમાં રહેવાનું પણ છે?
-જે મકાનમાં તમે રહેવાના છો, એને તમારે ધ્યાનથી જોવું તો જોઈએ કે નહિ?
-ઠીક છે, ઠીક છે. હજી કઈ બાકી છે બતાવવાનું?
-બાકી તો ઘણું ય છે, પણ તમને રસ નથી ત્યાં શું થાય?
-જે કઈ બાકી હોય તે બતાવી તો એટલે વાત પતે, ‘ઘા ભેગો ઘસરકો’ બીજું તો શું.
-જુઓ, આ મકાનનું ‘મોડેલ’ છે, ખાસ મુંબઈ જઈને સ્પેશીયલ ઓર્ડર આપીને બનાવડાવ્યું છે.
-આ મકાન પણ મુંબઈ જઈને બનાવડાવવાના છો?
-તમે ય શું શેઠિયા, મકાન તો અહી જ થશે. મકાન કેવું છે?
-ઠીક છે. પણ મકાનની કીમત તો તમે બોલતા જ નથી.
તમે એકવાર ફ્લેટ પસંદ તો કરો પહેલા.
-અરે! પસંદ પડ્યા વિના તમે ક્યારના આ.. ને.. તે.. ને ફલાણું.. ને.. બધું બતાવતા હતા તે જોયા કરતો હોઈશ?
-અચ્છા! તો મકાન પસંદ પડ્યું એમ ને શેઠિયા?
-કહો તો પેપર પર લખી આપું?
-ગુડ આઈડીયા. બીજા ગ્રાહકને પટાવવા..  આઈ મીન બતાવવા તમારો કાગળ કામ લાગશે.
-અરે! પણ પહેલા મારું તો પતાવો તમે.
-તમને તો હું હમણા પતાવી દઈશ.
-શું?
-જુઓ, આ ચોથા માળના છે, ત્રીસ લાખ રૂપિયા, ત્રીજા માળના તેત્રીસ લાખ અને બીજા માળના છત્રીસ લાખ.
-અને પહેલા માળના?
-જોઉં, ઉપલો માલ ખાલી છે કે નહિ.
-ખાલી જ તો છે.
-તમને કેવી રીતે ખબર પડી?
-અનુમાનથી. એના કેટલા છે?
-એના ચાલીસ લાખ.
-કેમ એટલા બધા? એનો એરિયા સૌથી વધારે છે?
-ના, ના. બધા ફ્લેટના એરિયા તો સરખા જ છે.
-ત્યારે  મટીરીયલ નો તફાવત હશે? એ સારામાનું વાપર્યું હશે.
-ના, ના. ફ્લેટ તો બધા જ સરખા છે, કોપી ટુ કોપી સેમ.
-તો પછી ભાવમાં તફાવત કેમ?
-તમે છાપા વાંચો છો?
-દરરોજ.
-તો તમે વાંચ્યું હશે કે હવે ટપાલીઓ ટપાલ આપવા માટે મકાનના દાદરા ચઢીને ઉપર નહિ આવે.
-ત્યારે શું હેલીકોપ્ટર માં બેસીને આવશે?
-ના, તે બધાની ટપાલ નીચલા માળે જ નાખી જશે.
-કેમ, ઉપરવાળા એ શું ગુનો કર્યો?
-ગુનો બુનો કઈ નહિ. કાયદો એટલે કાયદો.
-અરે, આવા અક્કલ વગરના તે કાયદા હોતા હશે?
-ત્યારે કાયદા તે વળી કેવા હોય?
-અને શાકવાળા, દૂધવાળા, ધોબીઓ, ગેસવાળા , કચરો લેનારા કે કરિયાણું આપનારા?
-એ બધા જ એવું કરશે. આથી નીચલા માળવાળા ને ફાયદો થશે. સર્વિસ આપનાર લોકો ઉપર આવવાનો એકસ્ટ્રા ચાર્જ લેશે. બધાને પૈસા ખાતા આવડી જશે. હવે સમજ્યાને નીચલા માળના ભાવ કેમ વધારે છે?
-હા સમજ્યો. ‘કાયદે કાયદે ભ્રષ્ટાચાર’ એ વાત બરાબર સમજ્યો.  




Tuesday 11 October 2016

મારી મહત્વકાંક્ષા.

મારી મહત્વકાંક્ષા.    પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી. 

પોતાના વિશે વખાણવા લાયક અને બીજાના વિશે વખોડવા લાયક વાતો કહેવાનું માણસને હંમેશા ગમતું આવ્યું છે. તેથી મારે જ્યારે ‘મારી મહત્વકાંક્ષા’ વિશે લખવાનું આવ્યું ત્યારે એ લખતા હું અત્યંત આનંદિત થઇ ગઈ છું.

‘વાહ ઉસ્તાદ વાહ’ – ‘નહી હુજુર વાહ તાજ બોલીએ’ ની જાહેર ખબર વાળા તબલા વાદક ઝાકીર હુસેન સાહેબનું નામ બોલવું હોય તો આગળ ‘ઉસ્તાદ’ બોલવું જ પડે. ‘ઉસ્તાદ ઝાકીર હુસેન સાહેબ’  ના તબલા વાદન થી ઉત્પન્ન થતું અદભૂત સંગીત સાંભળું છું, ત્યારે મને પણ એમના જેવા પ્રખર તબલા વાદક બનવાની મહત્વકાંક્ષા જાગે છે.

એમ તો  શ્રી હરિપ્રસાદ ચોરસિયા નું મનભાવન બાંસુરી વાદન સાંભળું છું, ત્યારે મને ય એવા બાંસુરી વાદક થવાના સ્વપ્ન આવે છે. મલ્લિકા સારાભાઈને સુંદર નૃત્ય કરતા જોઉં છું, ત્યારે હું વિચારું, ‘એ ય ગુજરાતણ અને હું ય  ગુજરાતણ ! શું હું એમની જેમ નૃત્ય કલામાં પારંગત ન થઇ શકું?
અમદાવાદ ના ‘ટાગોર હોલ’ માં મારું ‘આરંગેત્રમ’ છે. એ જ વખતે શહેરના કેટલાક સિનેમા ઘરોમાં અમિતાભ બચ્ચન જી નું ‘પિંક’ મુવી લાગ્યું છે. લોકો અમિતજીના ઓવારેથી દોડી આવીને મારા ‘આરંગેત્રમ’ ના પાસ મેળવવા પડાપડી કરે છે. ટીના મુનીમ અને અનીલ અંબાણી ના લગ્નમાં નહોતી થઇ એવી અદભુત મેદની ટાગોર હોલના પ્રાંગણ માં ભેગી થઇ છે. પબ્લિક ને કાબુમાં રાખતા પોલીસોને પરસેવો છૂટી જાય છે.

હેમા માલિની, સુધા ચન્દ્રન, વૈજંતીમાલા વગેરે પ્રસિદ્ધ નૃત્યાંગનાઓ મને પ્રોત્સાહિત કરવા સામે ચાલીને હોલ પર પધાર્યા છે.  મારું નૃત્ય જોવામાં એવા તલ્લીન થઇ જાય છે, કે એમના હાથમાંનું આઈસ્ક્રીમ પીગળી જાય છે એનો પણ ખ્યાલ રહેતો નથી. બધા આંખનો પલકારો મારવાનું પણ ચુકી જાય છે. નૃત્ય પૂરું થતા આખો ટાગોર હોલ ૫ મિનીટ સુધી તાળીઓના ગડગડાટ થી ગુંજી ઉઠે છે.

ફિલ્મ અભિનેત્રી ‘સુજાતા મહેતા’ નો ‘ફોટોગ્રાફ વિથ ઓટોગ્રાફ’ મારી પાસે છે. જ્યારે જ્યારે હું એ ફોટો જોઉં છું, ત્યારે ત્યારે મારી અંદર સુષુપ્ત અવસ્થામાં રહેલી અભિનય શક્તિ આળસ મરડીને જાગી ઊઠે છે.  ફિલ્મ જગતના રૂપેરી પરદે હું ધામધૂમ થી પદાર્પણ કરું છું. મારા બારણે મોટા મોટા નિર્માતાઓની કતાર લાગી જાય છે, એ બધા મને મોં માગ્યા દામ આપીને પોતાની ફિલ્મ માટે સાઇન કરવા તત્પર છે.

મારી અભિનય કલાથી હું સમગ્ર ફિલ્મ જગત પર છવાઈ જાઉં છું. મારા ચાહકો મને ‘ઓટોગ્રાફ’ અને ‘ફોટોગ્રાફ’ માટે ઘેરી વળે છે. હું મેકપ વગર નીકળું તો પણ મને ઓળખી કાઢે છે. એ બધાથી બચવા હું રોજ  મારી કાર બદલીને નીકળું, ક્યારેક મર્સિડીઝ, ક્યારેક આઉડી, ક્યારેક લીમોઝીન તો ક્યારેક વિન્ટેજ કાર લઈને નીકળું, છતાં ચાહકો મારો પીછો છોડતા નથી. મારા ઘરના ફોનની ઘંટડી સદા રણકતી રહે છે, જે મને ખુબ સંતોષ આપે છે.

આમ તો રાજકીય ક્ષેત્ર થી હું તદ્દન અજ્ઞાત છું. સ્કુલમાં નાગરિક શાસ્ત્ર માં જેટલા ભણાવવામાં આવ્યા છે, તેટલા કાયદાઓ મેં ખુબ જ કંટાળા પૂર્વક જાણ્યા છે. તે સિવાયની કાયદાકીય આંટી ઘૂંટીઓ કે બંધારણના નિયમો હું જાણતી નથી. તો પણ મને ક્યારેક નેતા કે નેશનલ લીડર બનવાની મહત્વકાંક્ષા જાગે છે.

મારામાં ક્યારેક મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચન્દ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, કે લોકમાન્ય ટીળક..વગેરે સઘળા નેતાઓનું જોમ ઉભરાઈ આવે છે. મારું ભાષણ સાંભળીને કરોડોની જન મેદની મંત્રમુગ્ધ બની જાય છે.  દેશ વિદેશથી નેતાઓ મને મળવા અને સલાહ લેવા આવે છે. વડા પ્રધાન વાત વાતમાં ટેલીફોન કરીને મને દેશ બચાવવાના ઉપાયો પૂછે છે. ક્યારેક રાષ્ટ્રપતિ મને , ‘આ વડા પ્રધાન ચાલુ રાખવા કે બદલવા?’ એ વિશે સલાહ પૂછે છે, ક્યારેક તેઓ મારા ઘરે આવી બાજરીનો રોટલો – માખણ – રીંગણ નું ભડથું – મગની દાળની ખીચડી અને કઢી જમી જાય છે. 

હાસ્ય ક્ષેત્રે મહાન હસ્તી બનવાની મહત્વકાંક્ષા તો મેં જે ઘડી એ કલમ હાથમાં પકડી એ જ ઘડીએ જ પાળી રાખી હતી. ગુજરાતી હાસ્ય ક્ષેત્રે લેખકોની મતલબ સારા લેખકોની અછત છે. લેખકોનું તો ઠીક પણ લેખિકાઓની તો રીતસર કમી જ છે. તેથી ઘુસણખોરી કરવા માટે હાસ્ય ક્ષેત્ર સારામાં સારું ફિલ્ડ છે, એમ લાગવાથી મેં મારી, ઉત્તમ હાસ્યલેખિકા બનવાની મહત્વકાંક્ષા ને પાળી પોષીને મોટી કરવા માંડી.

ગુજરાતની તો વાત છોડો, ભારત ભરના ન્યૂસપેપર્સ વાળા એમની પૂર્તિમાં મારા હાસ્યલેખો છાપવા અધીરા થયા છે. મારા મગજમાંથી હાસ્યલેખો નો ધોધ વહી રહ્યો છે, અંત:સ્ફૂરણાની રેલમછેલ છે. લેખો લખતા લખતા મારા નાજુક હાથ થાકી જાય છે. છેવટે મહાભારતમાં જેમ વેદ વ્યાસ મુનીજી બોલે અને ગણપતિજી લખે, એવી વ્યવસ્થા – હું બોલું અને મારી મિત્ર લખે એમ મેં ગોઠવી.

પણ થોડા સમયમાં મારી મિત્ર બીમાર (?) પડી, એટલે મારે બીજા લહિયાની વ્યવસ્થા કરાવી પડી. કેટલાક અખબારના તંત્રીઓને મારે ના પાડીને નિરાશ કરવા પડ્યા. દેશના અનેક હાસ્યલેખકોની વિનંતીને માન આપીને મેં ‘હાસ્ય માર્ગદર્શિકા’ બહાર પાડી, જેની લાખો કરોડો નકલ છપાવા છતાં આજે બજારમાં એક પણ નકલ વેચાવા માટે ઉપલબ્ધ નથી, એવી એની માંગ છે.

દેશ ભરના હાસ્ય સંમેલનોમાં મારી હાજરી અને વક્તવ્ય અનિવાર્ય અંગ બની ગયા, આયોજકો અણધાર્યો પુરસ્કાર અને સન્માન આપવા માંડ્યા, હોલની કીડીયારા જેટલી ભીડ છતાં પીનડ્રોપ સાઈલન્સ જેવી અકલ્પ્ય ઘટનાઓ રેગ્યુલર બનતી ગઈ, ભલભલા મુંજીઓ મને બોલાતી સાંભળીને ખડખડાટ હસવા લાગ્યા.


સ્કુલ, કોલેજ અને તમામ લાયબ્રેરી માં મારા પુસ્તકોની હાજરી વર્તાવા લાગી. ગુજરાતી સાહિત્યમાં મારો  ‘હાસ્યક્ષેત્રે સૂર્ય’  ઝળહળવા લાગ્યો. લોકો એના તેજ વડે સાવ અંજાઈ ગયા. આવા હાસ્યલેખો, આવા હાસ્યલેખિકા  -  ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ બોલી લોકો મારા પુસ્તકો ખરીદીને વાંચવા લાગ્યા, ત્યારે એક સફળ હાસ્યલેખિકા બનવાની મારી મહત્વકાંક્ષા પૂરી થઇ.    

Tuesday 4 October 2016

અખિયાં.

અખિયાં.       પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.              

સામાન્ય રીતે એક વ્યક્તિનું એક જ નામ હોય છે. જો એક વ્યક્તિના અનેક નામો હોય તો ઘણી ગરબડ થવાનો સંભવ રહે છે. આપણી પાસે પૈસા ઉધાર લઇ ગયો હોય દીપક, અને એ વસુલ કરવા જઈએ ત્યારે ખબર પડે કે વાસ્તવમાં દીપક નહીં પણ પંકજ ઉર્ફે પ્રદીપ ઉર્ફે પ્રકાશ પૈસા લઇ ગયો હતો. જો આવું થાય તો આપણે નામો જ ગણતા રહીએ અને પૈસા વસુલ કરવાના રહી જ જાય.

અમિત સાથે પ્રેમમાં પડેલી આશાની કંકોત્રીમાં મુરતિયા તરીકે અશોકનું નામ જોઇને આપણને દુઃખ થાય, પણ પછી ખબર પડે કે અશોક એ જ અમિત છે ત્યારે આપણને ‘જેને જે જોઈએ તે મળી રહ્યું’ નો આનંદ થાય. આમ એક વ્યક્તિના વિવિધ નામો ગોટાળા કરાવે છે, પણ એ જ વ્યક્તિના શરીરના અંગોના વિવિધ નામો મનોરંજન કરાવે છે.
દાખલા તરીકે –

આંખ. એને અખિયાં, નયન, નેત્ર, ચક્ષુ, લોચન.. વગેરે વિવિધ નામો આપ્યા છે. કવિ શ્રી વેણીભાઈ પુરોહિતે આંખ પર સરસ મજાની પંક્તિઓ લખી છે, ‘તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પુનમનો પાગલ એકલો...’ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કવિશ્રીની ધરપકડ ‘નશાબંધી’ ધારા હેઠળ કરવામાં આવી નહોતી.

ઘણા કવિઓને સ્ત્રીઓની આંખોમાં ‘ઝીલ સી  ગહેરાઈ’ જોવા મળે છે. ‘તેરી ઝીલસી ગહેરી આંખોમે  કુછ દેખ હમને, ક્યા દેખા?’  બિચારા કવિને ખબર નથી પડતી કે એણે  શું જોયું એટલે  પ્રેમિકા એને મદદ કરીને કહે છે, ‘મેં સમજ ગઈ રે દીવાને, તુ ને રાત કોઈ સપના દેખા.’ ઘણા પ્રેમી વર્ષો સુધી આવી ઝીલમાં ડૂબકીઓ માર્યા કરે છે, ઘણા ઓછાને એમાંથી તરીને કિનારે નીકળતા આવડે છે.

રૂપની પ્રશસ્તિ ના આલમમાં પુરુષોને પહેલેથી જ અન્યાય થતો આવ્યો છે. આથી એમની પ્રશસ્તિના બે બોલ ભાગ્યે જ આપણા કાને પડે છે, કે આપણી આંખે ચઢે છે. એનો અર્થ હરગીજ એવો નથી કે પુરુષોની આંખો પાણીદાર નથી હોતી. હા, એ વાત સાચી છે કે પુરુષોને પોતાની આંખોની સુંદરતા બતાવવા કોઈ માધ્યમ ની જરૂર પડતી નથી, જ્યારે સ્ત્રીઓ આંખોમાં કાજળ લગાવી એને વધુ ધારદાર કરે છે અને પછી પુરુષોના દિલને એનાથી ઘાયલ કરે છે. વિધિની વક્રતા એ છે કે ખુદ પુરુષો પોતે જ આવી તેજ નજરથી ઘાયલ થવા આતુર હોય છે, તેથી આવા સંજોગોમાં એમના બચાવ માટે કોઈ નક્કર પગલા શી રીતે લઇ શકાય તે સમજી શકાતું નથી.

દરેક આંખોને પોત પોતાનો રંગ હોય છે. કાળી કાળી આંખો ઉપરાંત લીલી, પીળી , ભૂરી કે તપખીરી આંખો પણ હોય છે. કેટલીક આંખોમાં એક જુદો જ -  પ્રેમનો રંગ જોવા મળે છે, અને પ્રેમ પરાકાષ્ટા એ હોય ત્યારે એમાં મેઘ ધનુષી રંગો  પણ જોવા મળે છે.

મનના વાતાવરણ પ્રમાણે આંખોનો રંગ, આંખોનું ઉષ્ણતામાન બદલાતું રહે છે,  અને એ મુજબ ઋતુ પણ બદલાય છે. યુવાન કમાઉ દીકરો મા-બાપની આજ્ઞામાં રહે કે દીકરીના સાસરીયા સાથે સરળ સંબંધ ચાલતો રહે , ત્યારે આંખોમાં ખુબ ઠંડક હોય છે, એ આંખોનો શિયાળો છે.

‘બાપ માર્યાનું વેર’ હોય એવી બે વ્યક્તિઓ સામ સામે મળે છે અને આંખો પરસ્પર ટકરાય છે ત્યારે આંખોમાંથી તણખા ઝરે છે, અને એનું ઉષ્ણતામાન વધી જાય છે, એ આંખોનો ઉનાળો છે. દીકરી સાસરે જાય ત્યારે અથવા કોઈ આત્મીય જન અવસાન પામે ત્યારે આંખોમાંથી શ્રાવણ- ભાદરવો વહે છે, એ આંખોનું ચોમાસું છે. સામાન્ય રીતે બાળકોની આંખોમાં શિયાળો, સ્રીઓની આંખોમાં ચોમાસું અને પુરુષોની આંખોમાં ઉનાળો વધુ જોવા મળે છે.

આંખોની પોતાની એક આગવી અને અસરકારક ભાષા હોય છે, જેને ‘નજરો કી જુબાં’ કહેવાય છે, આ ભાષા દિલ સારી રીતે સમજી શકે છે. ‘દિલ કી નજરસે નજરોકી દિલ સે એ બાત ક્યા હૈ એ રાઝ ક્યા હૈ કોઈ હમે બતાયેં’ કોઈ હમે બતાયે કી ન બતાયે, પણ દિલ જેવી નાજુક ચીજની અદલા બદલી આ નજરકી જુબાં સે હો જાતી હૈ. બે બળવાન વ્યક્તિ લડે તો કોઈ વાર ‘હાડકાનું ફ્રેકચર’ થાય છે, પણ જો બે વ્યક્તિ ની નજર લડે તો ‘પ્રેમ’ ઉત્પન્ન થાય છે.

દબાયેલી યુવાન વ્યક્તિ જ્યારે હિમ્મત પૂર્વક કોઈ સત્ય વાત વડીલને કહે ત્યારે વડીલ કહેશે, ‘લો, આ તો માંકડને આંખો આવી’ આમ તો આપણને જન્મ વખતે જ આંખો મળી ગઈ હોય છે, પણ કોઈ વાર મોટપણે ‘આંખો આવવી’ એવો રોગ થાય છે, ત્યારે બધા જ રોગીથી ‘આંખો ચોરવા’ માંડે છે. સામાન્ય સંજોગોમાં બાળકોને ‘આંખો કાઢીને’ ચુપ કરાવી શકાય છે. પણ મહેમાનોની હાજરીમાં બાળકો વડીલોએ કાઢેલી આંખો સામે ‘આંખ આડા કાન’ કરીને પોતાના તોફાનો જારી રાખે છે.

આમ તો આંખોને પગ ન હોવાથી એ ચાલી શકાતી નથી, પણ ‘મોતિયાના ઓપરેશનમાં દાદાજીની આંખો ચાલી ગઈ’ એવું સાંભળવા મળે છે ખરું. પ્રિય વ્યક્તિને ‘આંખોની જ્યોતિ’ કે ‘આંખનું રતન’ કહેવામાં આવે છે. જ્યારે અપ્રિય વ્યક્તિને ‘આંખના કણા’ સાથે સરખાવવામાં આવે છે. કેટલાક ન ગમતા કામો કોઈની ‘આંખોની શરમે’ કરવા પડે છે.

કેટલાક તોફાની સંતાનો પોતાના મા બાપની ‘આંખોમાં પાણી’ લાવી દે તેવી માંગણીઓ કરે છે, અને માંગણી પૂરી થતા ‘આંખોથી ઓઝલ’ થઇ જાય છે. બાળકોના લાડમાં કેટલાક મા બાપની ’આંખો પર પડદો’ પડી ગયો હોય છે, તેઓ સંતાનોની કુટેવો સામે ‘આંખ મીચામણા’ કરે છે.
 
ઘણા ચિત્રો એટલા સુંદર હોય છે કે ‘ઉડીને આંખે વળગે’ છે. ઘણી યુવતીઓ મન મોહક હોવાથી ‘આંખમાં વસી જાય’ છે. (એમાંથી કેટલીક તો મેળ પડે તો યુવકના ઘરમાં પણ વસી જાય છે) કેટલીક કુટિલ વ્યક્તિની ‘આંખોમાં સાપોલિયા રમતા’  હોય છે. ‘જીવનસે ભરી તેરી આંખે, મજબુર કરે જીનેકે લિયે’ એવી કોઈની આંખો જીવનરસ થી સભર હોય છે.


કેટલીક વ્યક્તિની આંખો એટલી નિર્મળ અને નિર્દોષ હોય છે કે એની સામે કલાકો સુધી જોતા બેસી રહેવાનું મન થાય છે. અને કેટલાક લેખો એવા હોય છે કે એ વાંચનાર ની તો ઠીક, પણ લખનારની આંખો પણ ઘેરાવા લાગે છે.