Wednesday, 29 April 2020

રાજીવરત્ન શ્રી રાહુલગાંધીને પત્ર


રાજીવરત્ન શ્રી રાહુલગાંધીને પત્ર   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

આદરણીય શ્રી રાહુલભાઈ,

ઘણા વખતથી તમને પત્ર દ્વારા ચુંટણીની જીતના અભિનંદન પાઠવવા વિચારતી હતી તે છેક આજે ટાઈમ મળ્યો. સૌ પ્રથમ તો ભારતની પ્રજા તરફથી તમને હાર્દિક અભિનંદન ! મને તમારી સકારાત્મક ચૂંટણી પ્રચારની રીત ખૂબ જ ગમી. જોકે તમે પ્રચાર દરમિયાન કોઈ જોરદાર કે અસરકારક સૂત્ર અમને આપ્યું નહિ. તમારા પપ્પાને હિંદી બરાબર નહોતું આવડતું એટલે એમણે (રાજીવજીએ)  “હમેં દેખના હૈ... હમ દેખેંગે” જેવું નબળું સૂત્ર આપ્યું હતું. પરંતુ તમારાં નાનીમા ઈન્દિરાજીએ તો “કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી” અને “ગરીબી હઠાવો” જેવાં બે જોરદાર સૂત્રો આપેલાં. ખેર ! તમે જ્યારે વડાપ્રધાન બનો ત્યારે અમને કોઈ જોરદાર સૂત્ર જરૂર આપજો. તમારું તો હિંદી સારું છે એટલે અમને તમારી પાસે ઘણી આશા છે.
બીજી એક વાત તમને ખાસ કહેવાની છે, રાહુલભાઈ તે એ કે તમારા ફાધર રાજીવજીએ સુરક્ષાકવચ તોડ્યું અને પોતાની જાત ખોઈ. તમારાં નાનીમા ઇન્દિરાગાંધીને એમના જ સુરક્ષાદળના એક જવાને ગોળી મારી અને કમોતે માર્યા – એટલે પ્લીઝ, તમે તમારી સુરક્ષાનો પૂરેપૂરો ખ્યાલ રાખજો, જેથી અમારે ફરીથી એક હોંશિલા, તરવરિયા અને યુવાન આશાસ્પદ નેતાને ખોવાનો વારો ન આવે.

રમેશ : (ચૂંટણીના ઉમેદવાર છગનને) આપ ચૂંટણી જીતશો તો શું કરશો ?
ઉમેદવાર છગન : એના કરતાં મને વધારે ફિકર હું ચૂંટણી હારીશ તો શું કરીશ એની છે.

ચૂંટણી લડતા દરેક ઉમેદવારને હોય છે એવી ફિકર તમને પણ થઈ જ હશે, ખરુંને રાહુલભાઈ ! Defeat is not when you fall down,  defeat is when you refuse to get up. હાર પડી જવામાં નથી પણ પડીને પાછા ઊઠવાનો ઇન્કાર કરવામાં છે. તમે ગયા વખતે ચૂંટણી હારેલા પણ પછી જોરદાર તૈયારી કરીને પૂરેપૂરી માનસિકતાથી ઝુકાવ્યું  અને આ વખતે ઝળહળતી ફતેહ મેળવી. બ્રેવો ! અભિનંદન !

પ્રસૂતિ અને ચૂંટણી ! રિઝલ્ટ આવ્યા પછી જ કંઈ નક્કર કહી શકાય. આ ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને કોંગ્રેસ જીતી એટલે એનું એનાલિસીસ ચાલુ થઇ ગયું. અહીં એની વાત જણાવું છું. અમારા જગદીશકાકાએ કહ્યું, “ જે નેતા ઝૂંપડપટ્ટીમાં જાતે જઈને ગરીબોના ખબર-અંતર પૂછે, એમની સાથે ઊઠે-બેસે-ખાય-પીએ તે નેતા અચૂક ચૂંટણીમાં જીતે.” અમે પૂછ્યું, “એનું શું કારણ, જગદીશકાકા ?”  તો એમણે કહ્યું, “અભણ લોકોની જાગૃતિ અને ધીરજ અને ભણેલાઓનું અજ્ઞાન અને આળસ.” વળી એમણે ઉમેર્યું, “અમારા બિલ્ડિંગમાં ૪૨ જણમાંથી ૨ જણ વોટ આપવા ગયા અને મારી કામવાળી, રસોઇવાળી અને ડ્રાઇવર સવારમાં વહેલા જઈને વોટ આપી આવ્યાં અને ડયુટી પર હાજર થઈ ગયાં.” એમણે તમારી ઝૂંપડપટ્ટીની મુલાકાતને તમારી સફળતાનું કારણ આપ્યું.

તો મુંબઈના જાણીતા ન્યૂમરોલોજિસ્ટ (અંકશાસ્ત્રી) સંજય બી.જુમાનીએ તમારા જ્વલંત વિજયનું રસમય તારણ કાઢ્યું. એમના કહેવા પ્રમાણે ૯મી ડિસેમ્બરે જન્મેલા તમારા મમ્મી સોનીયાજીનો જન્માંક ૯ છે. એમને અત્યારે ૬૩મું  વર્ષ ચાલી રહ્યું છે. (સ્ત્રીની ઉંમર કહેવાય કે પુછાય નહીં, પણ અહીં એનો ઉલ્લેખ જરૂરી છે) તો ૬ + ૩ = ૯ ! સોનિયાજીના સ્પેલિંગને આંકમાં ફેરવો તો થાય છે ૩૬. ફરીથી ૩ + ૬ = ૯ !  ટૂંકમા ત્રણે ત્રણ  રીતે અંકશાસ્ત્ર સોનિયાજીની તરફેણમાં છે, એટલે ચૂંટણીમાં તેમનો – તમારો વિજય થયો. “ખુદા દેતા  હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ” મતદારોએ મત આપ્યા તો મન મૂકીને આપ્યા છે. હવે આપવાનો વારો તમારો છે, તમે અમને ભૂલશો નહિ. “રાજકારણી એટલે ભ્રષ્ટાચારી” એ પરંપરા હવે તમારે જ બદલવાની છે.

એરોપ્લેનમાં છગનની બાજુમાં બેઠેલા અમેરિકન જ્હોને બડાશ મારતાં કહ્યું, “અમારે ત્યાં એક મજૂર દર મહિને ઓછામાં ઓછા ૫ હજાર ડૉલર કમાઈ લે. એમાંથી ૪ હજાર ડૉલર ખર્ચ કરે અને એક હજાર ડૉલર બચાવે.” છગને ઇંતેજારીથી પૂછ્યું, “અચ્છા ? તો એ બચાવેલા એક હજાર ડૉલરનું શું કરે ?” જ્હોને કહ્યું, “અમારે ત્યાં લોકોની પ્રાઇવેટ મેટરમાં કોઈ માથું ન મારે.” છગને કહ્યું, “અમારે ત્યાં મજૂર કે કારકૂન ખાસ નથી કમાતા પણ અમારા નેતા સંસદસભ્ય કે ધારાસભ્ય થાય એ દર મહિને એક લાખ રૂપિયા કમાય અને એક કરોડ રૂપિયા ખર્ચે છે.” “એક લાખની કમાણી અને એક કરોડનો ખર્ચ ? તો બાકીના રૂપિયા એ લોકો લાવે ક્યાંથી ?” જ્હોને આશ્ચર્યથી પૂછ્યું. છગને કહ્યું, “અમારે ત્યાં સરકાર કોઈ પણ નેતાની પ્રાઇવેટ બાબતમાં દખલગીરી કરતી નથી.”

આ તો એક હળવી રમૂજ છે. પણ તમે એને હળવાશથી લેશો નહિ. કેમ કે ચૂંટણી જીતવા કરતાં પણ રાજ ચલાવવું અઘરું કામ છે. ઘણા લોકોને અહીં ઝાઝી ગતાગમ નથી. એમને મન તો બે જ પક્ષો છે. કોંગ્રેસ અને ભાજપ. જે એકબીજાના કટ્ટર વિરોધી છે. પણ તમે તો જાણતા જ હશો કે સત્તાપક્ષના સેંકડો વિરોધીઓ ફૂટી નીકળે છે. તમારે તો લોકોના દિલ અને સહાનુભૂતિ જીતવાનાં છે. “દર્દીની નાડ પારખે તે સાચો વૈદ અને પ્રજાની મનોદશા પારખે તે સાચો નેતા.”

તમારામાં અમને એક સાચા નેતાનાં દર્શન થયાં છે. ૧૯૮૪ના શીખોની કત્લેઆમના સાઝીદાર ગણાતા જગદીશ ટાઇટલર અને સજ્જનકુમારને નિર્દોષ જાહેર કરીને કોંગ્રેસી ઉમેદવાર તરીકે તમે પસંદ કર્યા. પણ ગૃહપ્રધાન ચિદમ્બરમ પર જોડો ફેંકીને શીખોએ વિરોધ પ્રદર્શિત કર્યો. તમે સમયસર ચેતી જઈને એ બંનેની ઉમેદવારી રદ કરી તે ડહાપણનું કામ કર્યું  ને દિલ્હીની તમામ બેઠકો જીત્યા. મને તમારી એટલે કે મનમોહનસિંહની મુત્સદ્દીગીરી માટે માન થયું -  શ્રીલંકાના બનાવથી.  
શ્રીલંકામાં તામિળવ્યાઘોના ચુંગાલમાં નિર્દોષ તામિલો ફસાઈ ગયા ત્યારે એમની સલામતી માટે તમિલનાડુમાં જબરો ઉહાપોહ થયો હતો. પી.એમ.કે, એમ.ડી.એમ.કે. જેવા કટ્ટરપંથી પક્ષે કોંગ્રેસનો છેડો ફાડી નાખ્યો ને જયલલિતાએ શ્રીલંકાના વિભાજનની માંગણી કરી, પણ મુત્સદ્દી મનમોહનસિંહે કહી દીધું કે “પારકા પ્રદેશમાં લશ્કરી ચંચુપાત કરવાનું યોગ્ય નથી.” આપણા વિદેશમંત્રી પ્રણવ મુખરજીએ પણ સમતુલા જાળવી એમને ટેકો આપ્યો. આ બનાવથી પ્રભાવિત ભારતની જનતાએ નીરક્ષીર વિવેક દાખવી તમને મબલક મતો આપ્યા.

રાહુલભાઈ,ડાબેરી પક્ષોએ મનમોહનસિંહને આર્થિક વિકાસના પાયારૂપ અમેરિકાના અણુકરાર વખતે જે બ્લેકમેઈલ કરીને પરેશાન કરી મૂક્યા તે મને જરાય નહોતું ગમ્યું. પણ શું થાય “ગામ હોય ત્યાં ઉકરડો તો રહેવાનો જ” હશે ! “ભેંસના શીંગડા, ભેંસને ભારી” એ બધા હવે પેટ ભરીને પસ્તાતા હશે. બાકી ગુજરાતમાં નરેન્દ્ર મોદી, બિહારમાં નીતિશકુમાર અને દિલ્હીમાં મનમોહનસિંહ સિવાય કોઈ નેતાને દેશની આર્થિક સધ્ધરતામાં રસ હોય એવું લાગતું નથી. બધાને પોતપોતાની ખીચડી પકાવવામાં રસ છે અને મલાઈદાર ખાતા પડાવી લેવાની પડાપડી છે.

“Never think before you speak”  મતલબ કે “સમજ્યા વિચાર્યા વગર ભસી મરો” વાળા બિહારના લાલુજી ચૂંટણીમાં ઊંધા માથે પછડાયા છે. રામવિલાસ પાસવાન ફક્ત વાણીવિલાસના પાસવાન પુરવાર થયા છે. કાશ ! બિહારની બેઠકો ભાજપના બદલે તમને મળી હોત. ખેર ! “Better luck next time”  “બે ની લડાઈમાં ત્રીજો ફાવે” એ મુજબ યુ.પી.માં આઝમખાન અને અમરસિંહની લડાઈનો લાભ તમને મળ્યો એ સારી વાત છે. મહારાષ્ટ્રની વિચારશીલ પ્રજાએ પણ “મરાઠી માણસ” ના કન્સેપ્ટને ફગાવી દઈ કોંગ્રેસ પર પસંદગી ઉતારી છે. ચારેકોર તમારો જયજયકાર છે રાહુલભાઈ.

“ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે” એ વાત છેલ્લાં પાંચ વર્ષમાં પ્રાદેશિક પક્ષોનો સહકાર લેવામાં તમને બરાબર યાદ રહી ગઈ હશે. હવે તમારી જીત બાદ એ બધાં મિયાંની મીંદડી બનીને તમને સહકાર આપવા પડાપડી કરી રહ્યા છે, એ જોઇને યાદ આવે છે કે ‘સમય સમય બલવાન હૈ, નહિ મનુષ્ય બલવાન.”  નરેન્દ્ર મોદીની જ વાત લઇ લ્યો ને. ૨૦૦૭માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ, ડાબેરીઓ, લાલુઓ, પાસવાનો બધા જ આદુ ખાઈને નરેન્દ્ર મોદીની પાછળ લાગી ગયેલા. મીડિયામાં એમને બદનામ કરવાની એકે તક નહોતી છોડી. પરિણામે લોકોની સહાનુભૂતિ એમના તરફ વળી અને એમને અઢળક મત મળ્યા.

બરાબર એવું જ આ ૨૦૦૯ ની લોકસભાની ચૂંટણીમાં તમારી સાથે થયું ને તમે જીતી ગયા. તમે ચૂંટણી ભલે જીત્યા રાહુલભાઈ, પણ મને તમારી કોંગ્રેસમાં તમારા જેવા જુસ્સાવાળા બીજા કોઈ ખાસ નેતા દેખાતા નથી. એટલે હવે જ તમારું કામ કપરું થવાનું છે. તમારી નાનીમાનું સૂત્ર, “કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી” એ ખાસ યાદ રાખીને હવે ભારતની આર્થિક સમસ્યાને સુલઝાવી એને આર્થિક મહાસત્તા બનાવવાના ભગીરથ કાર્યમાં જરૂર લાગી પડજો.

લોકો તમને “મમ્મા’ઝ બોય” તરીકે ઓળખે છે તો તમે મમ્મીનું ઠરેલપણું, સૂઝબૂઝ, અનુભવમાંથી ઘણુંબધું અપનાવજો. અમને તો તમારામાં વડાપ્રધાનના તમામ ગુણો જોવા મળ્યા છે. તો નેક્સ્ટ ટાઈમ તમે વડાપ્રધાનપદનો ઇન્કાર ન કરશો. અમને તો તમારા જેવા બાહોશ – તરવરિયા – યુવાન વડાપ્રધાન જોઈએ છે. ચાલો ત્યારે, ઘરનાં ઘણાં કામો અધૂરાં પડ્યાં છે (તમારે ઘણાં કામો કરવાનાં બાકી હશે) એટલે પત્ર અહીં જ પૂરો કરું છું.

એજ લિ. આપની હિતેચ્છુ,
ભારતીય પ્રજાજનોમાંની એક, પલ્લવી.

એક પ્રધાને પ્રવાસ દરમ્યાન એક ખેતરમાં ભૂખમરાથી મરતા એક કુટુંબને ઘાસ ખાતું જોયું. એમને બંગલે લઈ લેવા આદેશ આપ્યો. કુટુંબના મોવડીએ હાથ જોડીને ગદગદ થઈને પ્રધાનને કહ્યું, ‘આપ કેટલા દયાળુ છો, અમને ભૂખે મારતા જોઇને તમારા બંગલે ખાવાનું આપવા લઈ જાવ છો.” પ્રધાને કહ્યું, “એવી ગેરસમજ ન કરો ભાઈ, હું તો મારા બંગલાના કમ્પાઉન્ડમાં ઊંચુ ઘાસ ઊગી નીકળ્યું છે, એટલે તમને લઈ જાઉં છું.”                                                                        
 

No comments:

Post a Comment