Sunday, 29 May 2016

આશ્વાસન.

આશ્વાસન.               પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

‘ઈદમ તૃતીયમ’ વાળા  જાણીતા હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટ ના પ્રથમ પત્ની કૈલાસબેનનું અવસાન થયું ત્યારની આ વાત છે. એમનું બેસણું અમુક દિવસે, અમુક સમયે એમના ઘરે રાખવામાં આવ્યું છે, એવી જાહેર ખબર (અવસાન નોંધ) લોકોએ છાપામાં વાંચી.
ફોન પર આ વાતની પાકી ખાતરી કરી લીધા પછી, ઓળખીતાઓ એ અને સ્વજનો એ શિષ્ટાચાર ખાતર વિનોદ ભટ્ટ ને આશ્વાસન આપવા જવાનું નક્કી કર્યું. ઘણા ખરા તો ‘ન જઈએ તો ખોટું લાગે’ એમ વિચારીને ગયા. અને ઘણા ખરા ‘આપણે ન જઈએ તો પછી આપણા ઘરે પણ કોણ આવે?’ એવું વિચારીને ગયા.    
-તમારે વિનોદભાઈ ના ઘરે બેસણામાં જવાનું છે કે નહિ? 
‘બુધવારની બપોરે’ અને ‘એનકાઉન્ટર’ વાળા જાણીતા હાસ્યલેખક શ્રી અશોક દવે ને એમના પત્ની હકીભાભી એ પૂછ્યું.
-હું શા માટે જાઉં? તેઓ કદી મારે ત્યાં આ રીતે આવ્યા છે?  અશોક દવે એ રીસ પ્રગટ કરી.
-તેં કદી એમને એવો ચાન્સ જ ક્યાં આપ્યો છે કે એ આવે? અશોક દવે નાં પિતાશ્રી ચંદુભાઈ એ પુત્ર ને કહ્યું.
-જુઓ બાપુજી, તમે એમને ચઢાઓ નહિ.  હકીભાભી એ કહ્યું.
- આ જાડી ( અશોકભાઈ હકીભાભી ને આવા હુલામણા નામથી બોલાવે છે.) સાથ આપે તો ને? અશોક દવે એ મુશ્કેલી રજૂ કરી.
-ધીરજ ધર, બેટા. ઉતાવળે આંબા ન પાકે.  પિતાજી એ કહ્યું.
-એ જાડી, કયા પેન્ટ શર્ટ પહેરીને જાઉં તો સારું લાગે?
-તે તમે ત્યાં સારું લગાડવા જાઓ છો?
-કહેતી હોય તો હવે કહે ને સીધી રીતે.
-નથી કહેવાની જાઓ. કહીને હકીભાભી  રસોડામાં ચાલી ગયા.
-બેટા, કફની પાયજામો પહેરીને જા. અશોકભાઈના માતુશ્રી એમની મદદે આવ્યા.
-હવે એ ન પુછતા કે કયા રંગના કફની પાયજામાં સારા લાગે. હકીભાભીએ રસોડામાં થી ડોકિયું કરીને દાઢમાં કહ્યું.
-તને કોણ પૂછે છે, વાયડી થા મા.  
અશોક દવે એ આ કહેવા ખાતર પત્નીને કહ્યું. પણ ખરેખર તો એ પુછવા માંગતા હતા કે- કફની પાયજામાં ઓફ વ્હાઈટ પહેરું કે લાઈટ ગ્રીન કલરનાં  પહેરું? કોટન પહેરું કે ટેરીકોટન પહેરું? પણ અત્યારે જાડી સીધી રીતે જવાબ નહિ જ આપે એવી ખાતરી હોવાથી, ‘સાલું, આ તે કેવું, પત્ની હોવા છતાં બધા ડીસીઝન્સ જાતે જ લેવાના?’  એમ બબડતા બબડતા અશોક દવે તૈયાર થવા ગયા.
-એ જાડી મારે ત્યાં જઈને શું કહેવાનું?  અશોક દવે એ એમને મૂંઝવતો સવાલ આખરે હકીભાભીને પૂછી જ લીધો.
-રસ પૂરી અને ખમણ ઢોકળા ખાઈને આવ્યો છું, એવું ન કહેતા, એ સિવાય જે કહેવું હોય તે કહેજો.
મનોમન શબ્દો ગોઠવતા ગોઠવતા અશોક દવે વિનોદભાઈ ના ઘરે પહોંચ્યા. આગલી રૂમમાં વિનોદભાઈ શેતરંજી પર નીચી નજર કરીને બેઠા હતા. આજુબાજુ ૭ – ૮ જણ ગંભીર વદને  બેઠા હતા. અશોકભાઈ જેવા વિનોદભાઈની સામે જઈને બેઠા કે વિનોદભાઈ ચોધાર આંસુએ રડી પડ્યા. અશોકભાઈ ને તરત તો શું બોલવું તે સૂઝ્યું નહિ. એમણે વિનોદભાઈને બરડે હાથ ફેરવતા ફેરવતા ગળગળા સાદે કહ્યું,
 ‘આટલા દુખી ક્યાં થાવ છો, વિનોદભાઈ. તમારા  ઘરમાં તો બીજા ( વિનોદભાઈના બીજા પત્ની – નલિનીબેન) જીવતા જાગતા બેઠા છે ને?
-આ એ જ વિચારે તો રડવું આવે છે ને? કે - એ (કૈલાસ) તો ગઈ, પણ હજી આ (નલિની) તો રહી ને?  વિનોદભાઈ અશોક દવેના કાનમાં ગણગણ્યા.
’એન્જોયગ્રાફી’ વાળા પ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગર બધા જતા રહ્યા પછી મોડા મોડા આવ્યા.
-માફ કરજો, વિનોદભાઈ. હું જરા મોડો પડ્યો છું. એમણે કહ્યું.
-કશો વાંધો નહિ રતિલાલભાઈ, બીજી વાર સમયસર આવી જજો. વિનોદભાઈ એ ધીમેથી એમને કહ્યું.
(પ્રિય વાચકો, હાસ્યલેખકો બધા ‘જીંદાદિલ’ હોય એમ નથી લાગતું?)

Sunday, 22 May 2016

શેઠાણીની રામાયણ.

શેઠાણીની  રામાયણ.       પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

બે કામવાળી સોસાયટીના નાકે રસ્તા વચ્ચે મળી જાય છે.
-અલી મણી, ચ્યમ દેખાતી નથી?  કિમ ચાલે  સે કામકાજ?
-જીમ ચાલતું તું ઈમ જ સ્તો મારી બુન. કામકાજમાંથી નવરી જ નથી પડતી ને.
-હાંભળ્યું  સે કે આ સોસીટી(સોસાયટી‌) માં તેં નવું કામ બાંઈધુ સે. આ તારી નવી હેઠાણી ચેવી સે?
-હેઠાણી તે વરી કેવી ઓય? બીજી બધી હેઠાણી જેવી સ્તો.
-તારી હારે કચકચ તો નથી કરતી ને?
-લે કઈર વાત, તંયે કચકચ ન કરે તો ઈ હેઠાણી હાની (શાની)?
-હં, તારે ઈમ કેને કે ઈ બધી યું એક જ જાતની.
-નંઈ તારે, આ જો ને કાલે મને હવારમાં સાએબ (સાહેબ) નો બુશકોટ બતાઈને કે – જો મણી, કાલે તેં શરટ (શર્ટ) ધોયું તે બાંયુ ને કોલર તો એવાંને એવાં જ મેલાં સે.
-હાય હાય. ઈવડી ઈ આવું બોલી તને? પણ પસી તેં હું કીધું?
-ઉં હું કેવાની ઊતી વરી? મેં કીધું કે – બુન, કાલે મારી સોડી (છોકરી) બૌ રોતી તી, તે મારું ધીયાન (ધ્યાન) ઈનામાં ઊતું. શરટ મેલું રઈ ગીયું ઓય (હોય) તો મેલી દીયો, પાસું (પાછું)  ધોઈ દઉં.
-તું ય ખરી સે ને મણી, હાવ નરમ ડિલની (દિલની.) તંયે જ તારી હેઠાણી તારી પાહે ડબલ કાલ લિયે સે ને?
-ડબલ કામ કરે મારી બલારાત. સાએબનું ઈ શરટ પાસું ધોયું, પણ હેઠાણીનો ચણિયો ધરાર ધોકાઈને હૂકવી મેઇલો.
-હં તીયારે તું ઊશીયાર (હોંશિયાર) ખરી હોં મણી. આવા માણા (માણસ) ની હાથે (સાથે) તો આવું જ કરવું જોવે, તંઈ જ ઈમને  ખબર પડે.
- ભેંસના હીંગડા (શીંગડા) ભેંસને ભારી, આપણે હું? છોડ ઈ બધી વાતો, તારે કીમ હાલે સે?
-મારી હેઠાણીની તો તું વાત જ ના પૂસ. (પૂછ) મહા કંજૂસડી. ચમચી જેવી ચમચી હો ગઈણા કરે. પરમ દિ મને પૂસે –મંજુ એક ચમચી કીમ ઓસી (ઓછી)  સે?’
-લે કઈર વાત. આપણે હું જાણીએ કે ચમચી કાં ગઈ?
-હાસ્તો, આપણે તો રીયા દેહી (દેશી) માણહ.  આપણે થોડા ચમચીથી ખાઈએ? ને ચમચીમાં વરી હું ચોરવાનું? હું તો ઈવી (એવી) નાની ચીજને હાથ હો નીં લગાડું. હા, થારી (થાળી) , વાડકો કે તપેલી હોય તો વરી વાત જુદી. આ હેઠાણીયું બધી ભણેલી ખરી પણ ગણેલી નીં મલે.
-કીમ ઈમ કીયે સે અલી?
- જોને, મને મારી હેઠાણીએ જુના કપડાં વેસવા આલેલાં. તે બે – તઈણ જોડ, બે – તઈણ જોડ, કરી કરીને હું લાવતી ગઈ  ને પસી કટકે કટકે પૈહા આલતી ગઈ. એને તો યાદ હેનું રહે કે ચેટલા કપડા આલેલા ને ચેટલાના પૈહા આઈવા.
-ઈમ મંજુ, ખરી ઉશિયાર તું તો. ચેટલા પૈહા કમાઈ લીધા?
-જવા દે ને મણી. ઈટલામાં હું આપણી કંઈ મેડીયું (બંગલા)  બંધાવાની સે?
-નહીં સ્તો વરી. પણ આ હેઠાણીની જાત – પૂસો નંઈ. ઈવડીઈ મહારાણી તો રોજ બની ઠનીને માલવા (મહાલવા) જાય ને આપણે કાંઈ કેથે જવું હોય તો કે  કે પેલ્લેથી કઈ (કહી) ને જવાનું.
-હં, ને પેલ્લેથી કઈએ એટલે ઈમ કીયે કે કામ પતાવીને જાને.
-મેમાન આઈવા ઓય તીયારે વાહણ ઘહવા તો હારી બોલાવે ને ખાવાનું આલે તીયારે બે તઈણ પૂરી ને ચપટીક હાક (શાક), કોળીયો દાળ –ભાત ને મીઠાઈને નામે તો અલ્લાયો જ, ભાળી છે જ કુણે ભા?
-તે મીઠાઈ કદાચ બનાવતા જ નીં ઓય.
-અરે નીં હાની બનાવે? વાહણ ઉટકતાં આપણને ખબર નોં પડે કે ખીર બનાઈતી કે હીખણ (શ્રીખંડ) લાયા તા.
-મારી હેઠાણી તો હાવ એવી નીં મલે. મને તો બધુંય આલે હોં. જીનું ખાયે ઈનું ખોદે તો પાપ લાગે. ખાવાનું આલવામાં મારી હેઠાણી જરાય ડીલ નીં ચોરે.
-તીયારે  તો તું  નસીબદાર કેવાય મણી.
-હા હોં. પણ મંજુ, આ હેઠાણીની રામાયણ માંડીને બેહી હું (બેસીશું) તો હવારની હાંજ પડહે તો હો પાર નીં આવહે. પસી કામ કુણ કરહે, મારો ભા? (ભાઈ)
-અરે, આ તો જરી મલીએ ને બે વાત થાય તો આપણું મન હલકું (હળવું) થાય. હું કીયે સે મણી?
-હા હોં, વાત તો તારી ખરી, મંજુ. લે હાલ,  પસી પાસા મલહું, અમણા તો જાઉં,  મારી તો સોકરી રોતી ઓહે(હશે)

હા, તું તારે જા, બેન, વાતો તો તો પસી હો  થતી રેહે, આવજે બુન. 

Sunday, 15 May 2016

અન્યથા શરણમ નાસ્તિ.

અન્યથા શરણમ નાસ્તિ.    પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી

-હલ્લો અનુભાઈ, આવું કે?
-શાના માટે? 
-રૂપિયા લેવા માટે. 
-રૂપિયા લેવા માટે? શાના રૂપિયા?
-લ્યો એટલામાં ભૂલી ગયા? તમે મને આપવાના હતા તે રૂપિયા.
-હું તમને આપવાનો હતો? પણ મેં તમારી પાસે ક્યારેય રૂપિયા ઉધાર લીધા હોવાનું  મને યાદ નથી.
-ભલા માણસ, જેની પાસે પૈસા લીધા હોય તેને જ પૈસા આપી શકાય એવો નિયમ થોડો જ છે? જેની પાસે પૈસા ન લીધા હોય, છતાં એને પૈસાની ખુબ જરૂર હોય, એને પણ પૈસા આપી શકાય ને?
-આપી શકાતા હશે, પણ તમને આપવા માટે મારી પાસે હાલ પૈસાની સગવડ નથી.
-પણ તમે જ તો કહ્યું હતું, કે થોડા દિવસોમાં તમે પૈસાની સગવડ કરી દેશો.
-મેં  કહ્યું હતું?  પૈસાની સગવડ કરવાનું? તમને? ક્યારે?
-ભૂલી ગયા? યાદ કરો યાદ કરો રાજ્જા.
-જુઓ મારી પાસે એવો ફાલતુ ટાઈમ નથી. હું સખત કામમાં છું.
-ભલે, તો કલાક પછી આવું?    
-તમે સમજતા કેમ નથી? તમને કહ્યું ને કે પૈસાની સગવડ થાય એમ નથી.
-એવું તે કંઈ ચાલતું હશે ? દર વખતે તો  તમે પૈસાની સગવડ કરી આપો છો.
-એટલે આ વખતે પણ મારે જ સગવડ કરી આપવી જોઈએ, એવું ક્યાંક લખી આપેલું છે?
-લખી નથી આપ્યું તો શું થયું? તમે થોડા દિવસનો વાયદો તો કર્યો જ હતો ને? માણસની જબાનની પણ કોઈ કિંમત હોય કે નહીં?
-હું પણ તમને એ જ વાત કહું છું. દર વખતે તમે  રૂપિયા લેવા આવો ત્યારે, ‘પંદર દિવાસમાં  આપી જઈશ ‘ એમ કહીને પાંચ  મહીને રૂપિયા આપો છો અને તે પણ ટુકડે ટુકડે .
-પાંચ મહીને તો પાંચ મહીને, પણ રૂપિયા પાછા તો આપુ છું ને?
-આભાર તમારો.
-એમાં આભાર શાનો?  એકબીજાની સગવડ સાચવવી એ તો દરેક મનુષ્યની ફરજ છે.
-સાચી વાત છે, તમારી.
-તો પછી હું આવી જાઉં?  
-તમે પણ ખરા ‘ચીટકુ’ છો, એકવાર ના તો પાડી તમને.
-પણ તો પછી હવે આ છેલ્લી ઘડીએ હું કોની પાસે પૈસા માંગવા જાઉં?
-એ તમારે નક્કી કરવાનું, તમારે  કોની પાસે પૈસા માંગવા એ પણ મારે કહેવાનું?
-તમે પૈસા ન આપો તો કમ સે કમ એ તો કહો કે હું કોની પાસે પૈસા માંગવા જાઉં?
-મેં કઈ તમને ઠેકો નથી આપ્યો કે દર વખતે મારે જ તમને રૂપિયાની સગવડ કરી આપવી.
-એવું હોય તો વ્યવહારે જે થતું હોય,  તે વ્યાજ ગણી લેજો, બસ?
-તમારી પાસે તો મારે તો મુદ્દલ પાછું મેળવતાં પણ દમ નીકળી જાય છે, ત્યાં વ્યાજ? ઈમ્પોસીબલ.
-આ દુનિયામાં ઈમ્પોસીબલ કશું જ નથી.
-એમ? તો પછી મારા સિવાય કોઈ બીજા પાસે વારંવાર રૂપિયા ઉધાર લઈને બતાવો ને.
-થાય, એવું પણ થઈ શકે. પણ મુળમાં વાત એવી છે કે – તમારા શુકનવન્તા રૂપિયા મને ફળે છે ખૂબ.
-તો પછી એનું વ્યાજ કેમ નથી આપતાં?
-હું તો આપવા તૈયાર જ છું, પણ આપણા સંબંધો ને ધ્યાનમાં લઈએ, તો તમને જ એ સારું નહિ લાગે ને? 
-મને તો તમે ફોન પર આ રીતે મારો સમય અને તમારા પૈસા બગાડો છો તે પણ સારું નથી લાગતું.
-ફોનના પૈસાની તમે ચિંતા ન કરો રાજ્જા, મેં મારા ઘરેથી નહી, પણ મારી ઓફિસેથી જ ફોન કર્યો છે.
-ઓફિસમાંથી નકામા ફોન કરીને સમય બગાડો છો એના કરતાં કામ કરો ને.
-કામ તો થયા કરશે, એ ક્યાં નાસી જવાનું છે, નથી તો હું નાસી જવાનો, તો બોલો રાજ્જા, ક્યારે આવું?
-હું કોઈ રાજા નથી, હું તો સીધો સાદો પ્રજાજન છું. માટે કોઈ બીજા બકરાને આઈ મીન બીજા દેણદારને શોધો તમે.
-જુઓ અનુભાઈ, તમે સીધા સાદા  વ્યક્તિ છો એટલે જ મને બીજા પાસે જવા કરતાં તમારી પાસે આવવું વધારે ગમે છે. તમે પેલો  સંસ્કૃત શ્લોક તો સાંભળ્યો જ હશે, ‘અન્યથા શરણમ નાસ્તિ, ત્વમેવ શરણમ મમ’  અર્થાત   ‘હું કોઈ અન્યને નહીં, તમારે શરણે જ છું.’
-મારી તમને એક  સલાહ છે,  કે...
-મારે તમારી પાસે સલાહ નહીં, પૈસા જોઈએ છે.
-મારી પાસે જે કઈ છે તે તમને આપી રહ્યો છું. તમારે આમ વારંવાર ઉધાર માંગ્યા કરવું પડે છે, એના  કરતાં તમારા ખર્ચા થોડા ઓછા કરો ને. 
-આ બૈરાં લોક સમજે તો ને, એમને લીધે ધારીએ તો પણ ખર્ચા ઓછા થતા નથી. એમને  કહેવા જઈએ તો કહે છે કે -  ‘આ  મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે, ખરચા કેમના ઓછા કરીએ?’  એમની વાત પણ સાચી છે. અને ઉપરથી આ  મારો કંજૂસ – મખ્ખીચૂસ શેઠિયો પગાર વધારવાનું નામ નથી લેતો.
-તમે ઓફીસ ટાઈમમાં કામ કરવાને બદલે આ ફોનના ચકરડા ઘુમાવીને લાંબી લાંબી વાતો કરો અને કામ ઓછું કરો પછી શેઠિયો પગાર વધારે  ક્યાંથી? જાણો છો ને કે પગાર વધારો પરફોર્મન્સ પર આધાર રાખે  છે?  
-ભલે, તમારી આ સલાહ હું ધ્યાનમાં રાખીશ. બસ, આટલી  છેલ્લી વખત મારું કામ કરી આપો, પૈસાની ક્યાંકથી સગવડ કરી આપો.
-તમે દર વખતે ‘આટલી છેલ્લી વખત’ કહો છો, હું પણ તમને આ છેલ્લી વખત કહું છું કે મારી પાસે પૈસા નથી.
-નથી? ખરેખર નથી?
- ના.  નથી, નથી અને નથી. હવે મારું માથું ન ખાઓ. 
-તો એક કામ કરો અનુભાઈ, તમેય મારી ભેગા ચાલો. આપણે બે મળીને કો’ક પૈસાદાર આસામીને ફાંસીએ. અને રૂપિયા ઉધાર લઇ આવીએ.
-હેં?????
Sunday, 8 May 2016

શું કરવી છે આવી શોધખોળોને ?

શું કરવી છે આવી શોધખોળોને ?   પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

દ્રશ્ય ૧ :
રમેશ: (ફોન પર) શું કરે છે મહેશ?
મહેશ: કંઈ નહીં ઘરમાં શાંતિથી બેઠો છું,  તું શું કરે છે?
રમેશ: હું પણ બેઠો જ છું, યાર એક સાથે ૪ રજાઓ આવવી જ ન જોઈએ. ઉનાળાના આ ભર  તડકામાં  હું તો ફમિલીને મૉલમાં,  હોટલમાં, ગાર્ડનમાં ...ફેરવી ફેરવીને કંટાળી ગયો. આજે તો કહી જ દીધું, તમારે જવું હોય ત્યાં જાઓ, હું ક્યાંય આવવાનો નથી.
મહેશ: અચ્છા, બધા દોસ્તો આજે મનિયાના ફાર્મ હાઊસમાં પાર્ટી કરવા જવાના છે, તારે આવવું છે?
રમેશ: અરે વાહ ! નેકી ઔર પૂછ પૂછ? બોલ કેટલા વાગ્યે જવાનું છે?

દ્રશ્ય ૨:
માલા: (પતિને) આજે હું બાર વાગ્યે મોનાના ઘરે જવાની છું, ઘરે પાછા આવતા મોડું થશે.  સાંજનું  જમવાનું  બનાવી રાખ્યું છે, આવું એટલે ગરમ કરીને ખાઈ લઈશું.
પતિ: મોનાના ઘરે કાલે જાય તો ન ચાલે? આજે રવિવાર છે તો અનિલને રજા હશે,આપણે એના ઘરે જઈ આવીએ તો?
માલા: અમે બધી ફ્રેન્ડ્સ મોનાના ઘરેથી મૉલમાં  શૉપિંગ કરવા જવાના છે. પણ વાંધો નહીં, હું તમારી સાથે અનિલભાઈના ઘરે આવું, પછી ત્યાંથી તમે મારી સાથે શૉપિંગ કરવા આવજો.
પતિ: અરે હોય કંઈ, ગાંડી? તું તારે મોનાને ઘરે જા અને નિરાંતે શૉપિંગ કરીને આવજે, અનિલના ઘરે જવાની કંઈ ઉતાવળ નથી, બીજી કોઈવાર જઈશું.

ઉપરના બે  દ્રષ્ટાંત એટલા માટે લખ્યા છે કે – પુરુષો નવરા પડે તો પાર્ટી કરવા અને સ્ત્રીઓ નવરી પડે તો શૉપિંગમાં જાય. એ જ  એમની ફેવરીટ પ્લેસ. પણ વૈજ્ઞાનિકો અલગ પ્રકારના ઈન્સાનો છે. એમની ફેવરીટ પ્લેસ કઈ? તો તે અલગ  અલગ હોય છે.

એક વૈજ્ઞાનિક: (પત્નીને) : બોલ, તને તારી વર્ષગાંઠના દિવસે ક્યાંફરવા લઈ જાઉં?
પત્ની: (ઉદારતાથી) તમારી ફેવરીટ પ્લેસ હોય ત્યાં લઈ જાઓ.
વૈજ્ઞાનિક: (પત્નીનો હાથ પકડીને) ચાલ તો પછી, આપણે મારી પ્રયોગશાળામાં જઈએ.

વૈજ્ઞાનિક ન્યૂટનની વાત કરીએ તો એક વાર તેઓ નવરા પડ્યા તો બગીચામાં જઇ સફરજનના ઝાડ નીચે બેઠા. લ્યો, આ તે કંઈ નવરાશની પળો ગુજારવાની જગ્યા છે કંઈ? આપણે નવરા પડ્યા હોઈએ તો લૉ ગાર્ડન જઈને કોઈ આઈસક્રીમની લારીએ  અથવા તો કોઈ ઢોસાવાળાના ટેબલે જઈને ગોઠવાઈએ.  કે પછી અમદાવાદના કાંકરીઆ તળાવની પાળે 
બેસી, આ કેટલું ઊંડું હશે? ખબર નથી પણ આબુના નખી લેક જેટલું ઊંડું તો નહીં જ હોય એવો રસમય વાર્તાલાપ કરીએ.

પણ ન્યૂટનભાઈને તો જગ્યાની ચોઈસ બોઈસ જેવું કંઈ નહોતું. કે નહોતો એમને ત્યાં સફરજનના ઝાડ નીચે બેસતાં સ્ટેટસ સિમ્બોલ નડ્યો. હવે કાગનું બેસવું અને ડાળનું પડવું ની જેમ ન્યૂટનનું બેસવું અને સફરજનનું પડવું  જેવી વાત બની. સફરજન એમના પગ પાસે પડ્યું છતાં એમણે સફરજન ખાધું નહીં. સફરજન કબજિયાત કરે છે, અને સર્વ રોગોનું મૂળ કબજિયાત છે  એવી ડબલ કહેવત એમણે સાંભળેલી હશે કે પછી સફરજન તરફ  એમને અરૂચિ હશે?  

એટલે સફરજન ઝાડ પરથી નીચે આવવાથી, એને હાથમાં લઈને ન્યૂટનજી આંખ મીંચીને વિચારમાં પડી ગયાં, આ સફરજન ડાળીએથી તૂટીને નીચે જ કેમ આવ્યું,  ઉપર આકાશમાં કેમ ન ગયું?’ ભેજાનું દહીં કરીને, ગહન વિચારમાં ડૂબીને, મરજીવા સમ એમણે  એક મોતી એટલે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ શોધી કાઢ્યું, કે જેને લીધે સફરજન ઉપર જવાના બદલે પૃથ્વી પર નીચે આવ્યું.

કોલંબસે અમેરિકા ખંડ શોધી કાઢેલો ત્યારે એમને જેવો આનંદ થયેલો, કંઈક અંશે એવો જ આનંદ ન્યૂટનને પોતાના આ ગુરુત્વાકર્ષણના બળના સિધ્ધાંતની શોધ બદલ થયો. પણ એમને શું ખબર કે છ્ઠ્ઠા – સાતમા ધોરણમાં ભણતાં વિધાર્થીઓએ વિજ્ઞાન વિષયમાં એક નવો નિયમ યાદ રખવાનો (ગોખવાનો) થયો. એ તો જાણે ઠીક છે, સમજ્યા – આટલા બધા નિયમોની સાથે એક વધુ . પણ આમ ને આમ છાશવારે ન્યૂટન  જેવા ઉત્સાહી માણસો નવું નવુંકંઈ કંઈ શોધ્યા કરે, તો આપણે તે કેટકેટલા નિયમો યાદ રાખીએ?

છતાંય માની લઈએ કે , વૈજ્ઞાનિક નિયમો યાદ રાખવાથી આપણને ફાયદો થાય છે, તો યાદ રાખીએ પણ ખરા. પણ મને તો એમાં કંઈ ફાયદો જણાતો નથી. ન્યૂટનજીએ આ ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો તે પહેલાં પણ માણસ ઝાડ પરથી, ઘર પરથી કે ઊંચા પહાડ પરથી પડતાં નીચે પૃથ્વી પર જ આવતો. ( હા, કમનસીબે કોઈ વાર એનો આત્મા ઉપર પહોંચી જતો ખરો) અને આજે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધાયા પછી પણ તે નીચે જ પડે છે. તો પછી આ નિયમ હોય કે ન હોય, શું ફરક પડે છે? હા, કોઈ એવો નિયમ શોધાય કે માણસ ઉપરથી નીચે પડે ત્યારે અધવચ્ચે એ પોતાની જાતને ક્યાંક અટકાવી શકે, તો એ  નિયમ આપણને ફાયદાકારક થાય ખરો.

સુપ્રસિધ્ધ વૈજ્ઞાનિક શ્રી આલ્બર્ટ આઈનસ્ટાઈન એકવાર ટ્રેનમાં મુસાફરી દરમ્યાન ડાઈનિંગ કારમાં જઈને બેઠા. તેઓ વાંચવાના ચશ્મા પોતાના કમ્પાર્ટમેન્ટમાં ભૂલી આવ્યા હતા, એટલે એમની બાજુમાં બેઠેલા શખ્સને મેનૂ કાર્ડ વાંચી સંભળાવવા કહ્યું. એ માણસે આઈનસ્ટાઈનને નમ્રતા પૂર્વક કહ્યું, માફ કરજો જનાબ, હું પણ આપની માફક અભણ જ છું.’ આ સાંભળીને અનેક શોધખોળોના પ્રણેતા આઈનસ્ટાઈનને કેવું લાગ્યું હશે?

વૈજ્ઞાનિકો તો હંમેશા નવી નવી શોધખોળો અને સંશોધનો કરતાં જ રહે છે.  એનો લાભ છે તો ગેરલાભ પણ છે. વિજ્ઞાન આશિર્વાદ રૂપ છે કે શ્રાપરૂપ?’  એ વિષય સદીઓથી ચર્ચાતો રહ્યો છે. સઘળા રોગોનું મૂળ કબજિયાત છે એમ સઘળા દુ:ખોનું મૂળ વિજ્ઞાન અને એની શોધખોળ જ છે  એમ મારું માનવું છે. તમે નથી માનતા ને? તો વાંચો આગળ.

માણસે વ્હીલ એટલે કે ચક્રની શોધ કરી.એણે બળદ, ઊંટ, ઘોડાં, બકરાં જેવા પ્રાણીઓને જોડીને ગાડાં બનાવ્યાં. પછી સાઈકલ, સ્કુટર, ગાડી, બસ, અને વિમાનની શોધ કરી. શું ફાયદો થયો એમાંથી? રોજેરોજ રસ્તાઓ પર ટ્રાફિક જામ’,  નો પાર્કિંગ ના પ્રોબ્લેમ અને જીવલેણ એક્સિડન્ટ  ના સમાચારોથી ન્યૂઝપેપર્સ ભરાયાં તે જ કે બીજું કંઈ?

ઉપરથી પેટ્રોલ –ડિઝલની અછત, ખાતર પર દિવેલ  જેવું હવામાં ધૂમાડાથી થતું પ્રદૂષણ. ઉપરાંત ચાલવાના અભાવે થતાં ડાયાબિટિશ, મેદસ્વિતા અને બ્લડપ્રેશર જેવા રોગો મળ્યાં. શું ફાયદો થયો આ ચકરડું એટલે કે ચક્ર શોધીને? આજકાલ તો માણસ નિરાંત, ફેમિલી, સુખ,  બધું જ વિસારે પાડીને પોતે જ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવા આખો દિવસ અને ક્યારેક તો રાત્રે પણ (ઓવર ટાઈમ્) ચકરડાની જેમ ગોળ ગોળ ઘૂમી રહ્યો છે.

આવી તો કેટકેટલી શોધો, અણુથી માંડીને એટમબોમ્બ માણસે કરી છે, અને હજી કરી જ રહ્યો છે. આ શોધખોળોથી માણસનું જીવન સુખી અને સરળ અને સરવાળે દુ:ખી અને દુર્ગમ બન્યું  છે. જો આવું જ હોય તો મનમાં માત્ર આ જ સવાલ ઊઠે છે ‌

શું કરવી છે આવી  શોધખોળોને?’

Sunday, 1 May 2016

લૂંટાયા.

લૂંટાયા.        પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

કહેવાય છે કે મુસીબત આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે પોતાની ઘણી બધી બહેનપણીઓને લઈને આવે છે. પરંતુ મારી એક બહેનપણી હમેશાં એકલી આવે છે અને સાથે હજારો મુસીબતોને લઈને આવે છે.

એક દિવસ મારા ઘરનું કામકાજ આટોપીને હું હાથમાં છાપું લઈને, ટીવી. પરના બપોરના કાર્યક્રમો જોતી આરામથી સોફા પર બેઠી કમ સૂતી હતી.  ટીવી. પર વેસ્ટમાંથી બેસ્ટ આઈટમ બનાવવાનો કંઈક પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. ભૂતકાળમાં જ્યારે પણ મેં આવા કાર્યક્રમો જોઇને, એમાંથી પ્રેરણા લઈને કંઈ બનાવવાન પ્રયત્નો કરેલાં, ત્યારે પરિણામ બેસ્ટ આવવાને બદલે ડબલવેસ્ટ જ આવ્યું હતું. તેથી ટી.વી. પરના પ્રોગ્રામ જોવા કરતાં છાપું વાંચવામાં મારું વિશેષ ધ્યાન હતું. ત્યાં જ મુસીબત એટલે કે મારી ખાસ  ફ્રેન્ડ વાવાઝોડાની જેમ ટપકી પડી.

-અરે, હજી તું આમ જ બેઠી છે?
-હું ઘરમાં એકલી હોઉં છું અને ફ્રી હોઉં  છું, ત્યારે આમ જ બેસુ છું, તું પણ બેસ.
- ઊઠ  ઊઠ હવે,  ઊભી થા.
-જો આ બે  સોફાચેર  ખાલી પડી છે, તને ફાવે એમાં બેસ.
-બેસવાનો ટાઈમ નથી, અને તું પણ તૈયાર થા.
-તૈયાર શું કામ થાઉં? ઘરમાં તો આમ જ ચાલે.
-બહાર જવાનું છે, તને કહેવડાવ્યું તો હતું.
-કોની સાથે કહેવડાવેલું?
-અં... યાદ નથી આવતું, પણ એ જાણીને તારે શું કામ છે?
-ત્યારે હું બેસું કે સૂઈ જાઉં, તારે શું કામ છે?
-બહુ સ્માર્ટ ન થા અને વાઈડાઈ ન કર. ઘરમાં બેસીને ટી.વી. પર આવા કચરા જેવા પ્રોગ્રામ જોયા કરે એના કરતાં થોડી આરોગ્યની સંભાળ લેતી થા.
-મારું આરોગ્ય સારું જ છે. મને કોઈ પણ પ્રકારની શારિરીક તકલીફ નથી. અને તું નહોતી આવી ત્યાં સુધી કોઈ પણ જાતની માનસિક તકલીફ પણ નહોતી.
-તકલીફ કંઈ કહીને નથી આવતી, સમજી?
-હા, એટલે જ તું કાયમ કહ્યા વિના જ આવે છે.
-મારી વાત જુદી છે, તું જલદી તૈયાર થઈ જા.
-પણ જવાનું ક્યાં છે, એ તો કહે. મને કેવા કપડા પહેરવા તે ખ્યાલ આવે.
-તું કોઈ પણ કપડાં પહેર, પણ જલદી તૈયાર થઈને આવ. સાથે થોડા પૈસા વધારે રાખજે.
-થોડા રાખું કે વધારે રાખું?
-જાને ભાઈ હવે, મોડું થાય છે.

હું તૈયાર થઈને, મારું પર્સ લઈને આવી એટલે એણે મારી સામે મારા સ્કુટરની ચાવી ધરી. મેં સ્કુટર સ્ટાર્ટ કર્યું એટલે એણે મારી પાછળની સીટ પર બેસીને, અહીંથી સીધું લે, હવે જમણી બાજુ વાળ, જરા ધીરેથીચલાવ – સ્કુટર છે કંઈ પ્લેન નથી, અરે, બ્રેક માર – જો જો –સામેથી સાઈકલ આવે છે,  હોર્ન તો માર, મંદિરેથી  ડાબી બાજુ લઈ લે, આ સામે રોંગ સાઈડમાં થોડું જવા દે, બસ, બસ.ધીમું કર,  પેલા લીમડાના ઝાડ નીચે ઊભું રાખ. જેવી નોનસ્ટોપ સૂચનાઓ આપે રાખી.
લીમડાના ઝાડ નીચે મેં સ્કુટર ઊભું રાખ્યું, મેં આજુબાજુ જોયું તો ત્યાં દાંતનું દવાખાનું  એવું બૉર્ડ વંચાયું, પણ એ સિવાય કોઈ સાડીની દુકાન, જ્વેલરીની દુકાન કે કોઈ મૉલ મને દેખાયો નહીં. 

-એય, આપણે આ દાંતના દવાખાનામાં અંદર જવાનું છે?
-નહીંતર શું તું એમ માને છે કે  ડૉક્ટર એમની ખુરશી અહીં બહાર લાવીને તારી ટ્રીટમેન્ટ કરશે?
-પણ મને તો દાંતનો કોઈ જ પ્રોબ્લેમ નથી.તને ખબર છે, હું નાની હતી ત્યારે મારા એકસરખા દાંત મારા ક્લાસમાં બધાંને બહુ ગમતાં. મારા ક્લાસ ટીચર તો મને ખીસકોલી કહીને જ બોલાવતાં.
-તેં ખીસકોલીના દાંત કોઈ દિવસ જોયાં છે ખરાં?
-ના જોયાં તો નથી, પણ..
-બસ ત્યારે, બહુ ભૂતકાળમાં ગયા વિના પાછી ફર અને વર્તમાનની વાત કર.
- વર્તમાન કોણ? આપણો કોઈ કોમન ફ્રેન્ડ છે?
-બહુ ડાહી ન થા, છેલ્લે તેં ક્યારે દાંત સાફ કરાવેલાં?
-વર્ષો પહેલાં મમ્મી મને દાંત સાફ કરી આપતી, પણ પછી તો એણે , હવે તું મોટી થઈ, તારી જાતે બ્રશ કર એવું કહ્યું ત્યારથી મારી મરજી હોય કે ન હોય હું જાતે જ દાંત સાફ કરું છું, રોજ રાત્રે અને સવારે, આજે સવારે મેં છેલ્લા દાંત સાફ કર્યા છે.
-અરે, એમ નહીં. તેં દાંતના ડૉક્ટર પાસે ક્યારે દાંત સાફ કરાવેલા?
-અરે, વાહ ! દાંતના ડૉક્ટર દાંત સાફ પણ કરી આપે?
-હા કરી આપે, પણ એ માટે એ ચાર્જ લે.
-રોજનું બંધાવીએ તો કંઈ રીઝનેબલ કરી આપે કે નહીં?
-તારી સાથે તો વાત કરવી જ નકામી છે.  આજના છાપામાં તેં મોતી જેવા દાંત લેખ વાંચ્યો?
-ના, હોટલ કર્ણાવતીમાં મોતીના દાગીનાનું પ્રદર્શન છે. એ વાત વાંચી.ચાલ જવું છે ત્યાં જોવા?
-તને પણ શું વાંચવું અને શું ન વાંચવું કંઈ ખબર પડતી નથી. કંઈ વાંધો નહીં, એ તને હું પછી સમજાવીશ. અત્યારે તો તું દવાખાનામાં ચાલ.
-હું અહીં લીમડાના છાંયે સ્કુટર પર બેઠી છું, તું જઈ આવ.
-સાવ ડરપોક બીકણ સસલી છે તું. ચાલ સીધી રીતે અંદર.
એ મને પરાણે અંદર ઢસડી ગઈ. અમે વેઈટીંગ રૂમમાં બેઠા. બાજુવાળા બહેને મને પૂછ્યું,
-     આ ડ્રેસ ક્યાંથી લીધો?
-     સેલમાંથી
-     કેટલાનો આવ્યો?
-     બારસો રૂપિયાનો.
-     લૂંટાયા. અમારા એરિયામાં આઠસોમાં મળે છે, કહો એટલા લાવી આપું.
-     એકમાંના એક થી વધુ ડ્રેસહું ખરીદતી નથી.
-     તમને બાર્ગેઈન આવડતું નથી લાગતું. ડ્રેસ પર લખી હોય એનાથી અર્ધી કિંમતે માંગવાનો.
અમારી વાતચીત હજી લંબાઈ હોત પણ એમનો વારો આવ્યો એટલે એ અંદર ગયાં, ટ્રીટમેંટ પતાવીને એ બહાર આવ્યાં. મેં એમને પૂછ્યું,
-થઈ ગયું કામ?
-હા, નીચેની ત્રણ દાઢમાંચાંદી પૂરાવી, જુઓ.
-અહીં ચાંદી જેવું તો કંઈ દેખાતું નથી, કાળું કાળું કંઈ દેખાય છે ખરું.
-દાંતમાં પૂરેલી ચાંદી એવી જ હોય.
-એમ, ડૉક્ટરે કેટલા રૂપિયા લીધા?
-એક દાઢ પૂરવાના એક હજાર રૂપિયા, ત્રણ દાઢના ત્રણ હજાર થયાં.
-એટલા બધાં? લૂંટાયા. ડૉક્ટર માંગે એનાથી અર્ધા પૈસા જ આપવાના હતાં ને? અહીં તમને બાર્ગેઈન કરતાં ન આવડ્યું?
-દાંતના ડૉક્ટરને ત્યાં એવું નહીં ચાલે. એ મોઢું બગાડીને બોલ્યાં.
દાંતના ડૉક્ટરને ત્યાં કેવું ચાલે? એ વિશે હું એમને સવિસ્તર પૂછવા માંગતી હતી, પણ મારી ફ્રેન્ડ મારો હાથ પકડીને મને કેબિનમાં લઈ ગઈ અને ટ્રીટમેન્ટ ચેરમાંબેસાડી દીધી.
-શું તકલીફ છે? ડૉક્ટરે પૂછ્યું.
-મને કોઈ જ તકલીફ નથી.  મેં કહ્યું.
-ડૉક્ટર, એના દાંત સાફ કરી આપો. મારી ફ્રેન્ડ બોલી.
ડૉક્ટરે મરું મોઢું ખોલી, લાઈટ નાંખીને, એમના ઓજારોથી બધે ખખડાવ્યું, ખોતર્યું, તપાસ્યું અને બોલ્યાં
-તમારી ચાર દાઢ સડી ગઈ છે, ચાંદી પૂરવી પડશે.
-ચાંદી ન પૂરાવું તો?  ( મને રૂપિયા ચાર હજાર નજર સામે દેખાયા)
-તો બધી દાઢ સડી જશે, પછી પડાવવી પડશે. અને આ એક દાઢ ક્યારે કઢાવેલી?
-યાદ નથી, પણ દસેક વર્ષ થયાં હશે.
-ત્યાં તમારે નવી દાઢ  અને બ્રીજ કરાવવો પડશે. નહીંતર આજુબાજુની દાઢ એની તરફ ઢળી જશે અને એની ઉપરની દાઢ  પણ નીચે આવી જશે.
-અરે, મારી દાઢ કંઈ પીસાનો મિનારો છે કે ઢળી જાય?
-તું ચૂપ રહે. ડૉક્ટર એની ચારે દાઢમાં ચાંદી પૂરી દો, અને નવી દાઢ પણ બનાવી આપો.  ફ્રેન્ડ બોલી.
-અરે, પણ નવી દાઢ બનાવવાના કેટલા રૂપિયા થશે?
-ચાર દાઢમાં ચાંદી પૂરવાના ચાર હજાર રૂપિયા અને નવી દાઢના બે હજાર તેમ જ આજુબાજુની બે કેપ(બ્રીજ) કરવાના બે હજાર રૂપિયા. ટોટલ આઠ હજાર રૂપિયા. તમે બધું કરાવશો તો તમને  ક્લીનીંગ ફ્રી કરી આપીશું.
-હેં, એટલા બધા? મારે નથી કરાવવી દાઢ.
-ઠીક છે, ડૉક્ટર સાહેબ, હમણાં  એના દાંતની સફાઈ અને ચાર દાઢમાં ચાંદી તો પૂરી દો. 

બહેનપણી અને ડૉક્ટરની  સતત  સમજાવટ પછી, મેં નવી દાઢ – બ્રીજ કરાવવા સહિત બધી જ ટ્રીટમેન્ટ પૂરી કરાવી. આજે  પણ જ્યારે હું  એ દવાખાના પાસેથી પસાર થાઉં છું,  ત્યારે મને પેલા બહેનનો એક શબ્દ બહુ યાદ આવે છે,  લૂંટાયા