Tuesday, 28 July 2015

પૌલોમીએ બહુ ખોટું કર્યું.

પૌલોમીએ બહુ ખોટું કર્યું.      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-પલ્લવીબહેન, તમે રામા શંકરનું ઘર જોયું છે?
-હા, જોયું છે ને.
-તો જરા મારી સાથે આવીને મને બતાવોને.
- જવા દો ને, સુલુબહેન, એનું ઘર કંઈ જોવા જેવું નથી. ઐતિહાસિક કહી શકાય એવી જૂની-પુરાણી ગંદી ચાલમાં એક ઓરડી, એમાં તૂટેલી-ફૂટેલી એક  ખાટલી, એના પર જૂનુ-પુરાણુ-ગંધાતું એક ગોદડું અને એના પર પાથરેલી ડાઘ-ડુઘવાળી એક ચાદર. ખૂણામાં જૂનો ભંગાર સમ એક ખખડધજ સ્ટવ, બે-ચાર કાળા-બળેલાં એલ્યૂમિનિયમનાં વાસણો, રંગ વિનાની દિવાલમાં એક નાનકડી ગોખલી અને એમાં ભગવાન શંકરનો એક જૂનો ફોટો.
-બસ, બસ, બસ.
-હું પણ એ જ કહું છું, બસ, એટલું જ, એ સિવાય કશું નહીં. ક્યાં ભગવાન શંકરનું ઘર..રમણીય અહ્લાદક પર્વત કૈલાસ અને ક્યાં આપણા રામા શંકરનું ઘર! મને તો એને માટે કોઈ ઉપમા પણ જડતી નથી.
-નહીં જડે તો વાંધો નહીં, હમણાં તમે એની શોધ પડતી મૂકો, અને મને હમણાં ને હમણાં એનું ઘર બતાવો.
-તમને એનું ઘર જોવાનો શોખ ક્યાંથી જાગ્યો, સુલુબહેન?  તમે રામાઓના જીવન પર કોઈ માહિતી લેખ લખી રહ્યા છો? કે પછી નવલકથા’? કે પછી રામાઓ માટેની કોઈ આવાસ-યોજનાતૈયાર કરી રહ્યા છો?
-એવું કશું નથી, અત્યારે તો એની વાત જ  વાર્તા થઈ ગઈ છે.
-અરે વાહ! મને કહો તો ખરા, સારી વાર્તા સાંભળ્યે કેટલા વર્ષો થઈ ગયાં અને મને તો વાર્તા સાંભળવાનો અને લખવાનો બહુ શોખ છે. પ્લીઝ, સુલુબહેન, શંકરની વાર્તા કહો ને.
-વાર્તા કહેવાનો અત્યારે ટાઈમ નથી, એટલે પછીથી કહીશ. અત્યારે તો તમે મને એનું સરનામું આપી દો.
-જુઓ, ગામમાં રામ મંદિર છે ને? એની બાજુમાં એક નાનકડી ગલી છે. એમાં ડાબી તરફ એક, બે અને ત્રણ છોડીને ચોથી છે એ શંકરની ઓરડી. પણ વાત શું છે એ કહો તો ખરા.
-આ આજકાલની છોકરીઓ....તમે વાત જ જવા દો યાર.
-ના, ના. વાત જવા દેવી એ વાત બરાબર નથી. એમાંય આ તો કોઈ સસ્પેન્સ સ્ટોરી હોય એમ લાગે છે. પ્લીઝ સુલુબહેન, મને માંડીને વાત કહોને.
-માંડીને વાત કરવાનો માહોલ નથી. તમને ટૂંકમાં કહું, સાભળો, અમારાં પડોશી ખરાંને?
-કયાં, ત્રણ નંબરવાળાં?
-ના, પાંચ નંબરવાળાં, સુનિતાબહેન. ઓળખોને?
-હા, હા. પેલાં બટકાં અને જાડાં પણ રૂપાળાં. એમની શી વાત છે? શંકર એમને ત્યાંથી ચોરી કરીને ભાગી ગયો કે શું?
-સમજી લો ને, કંઈક એવું જ થયું છે.
-ઓહ માય ગોડ, સુલુબહેન, મારું શું થશે?
-કેમ, તમારું તે વળી શું થવાનું?
-આજે બપોરે મારે મારી એક ફ્રેન્ડ સાથે સેલ માં જવાનું હતું, કેમ કે ભારી ડીસ્કાઉન્ટનો  આજે છેલ્લો દિવસ છે. વળી સાંજે પણ મેં કીટ્ટી પાર્ટી  રાખી છે. હવે શંકર વગર ઘરનું બધું કામકાજ કોણ કરશે? આ શંકરિયાએ તો મારા બન્ને પ્રોગ્રામ ફ્લોપ કરી નાંખ્યા, આવવા દો એને, એની બરાબર ખબર લઉં છું.
-લ્યો, અહીં તમે તમારા  પ્રોગ્રામને રડો છો અને ત્યાં સુનિતાબહેનને કોઈને મોં બતાવવા જેવું નથી રહ્યું.
-કેમ? રામો ઘરમાંથી ચોરી કરી જાય એમાં સુનિતાબહેનનો શો વાંક? શરમાવું હોય તો શંકરિયો શરમાય, એ કોઈને મોં ન બતાવે, સુનિતાબહેનને એમાં શું?
-ઊંહ ! તમે પૂરી વાત જ હજી સમજ્યાં નથી, પલ્લવીબહેન.
-તમે પૂરી વાત મને હજી કહી છે જ ક્યાં?
--જુઓ, સુનિતાબહેનની પૌલોમી ખરી ને?
-હા, બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ, ઈન્ટેલિજન્ટ એન્ડ ચાર્મિંગ ગર્લ.
-એ જે હોય તે, પણ એ આજે સવારે શંકર સાથે ભાગી ગઈ.
-આર યૂ જોકીંગ? સાંભળો તમને શેફાલીની વાત કહું:
શેફાલી ઘણા વખતથી પૈસા બહુ ઉડાવતી હતી એટલે એની મમ્મીએ એકવાર કંટાળીને કહ્યું, હવે જો તું તારી ઉડાવગીરી બંધ નહીં કરે ને તો હું તને કોક ભિખારી જોડે પરણાવી દઈશ. થોડીવાર રહીને એક ભિખારીનો બહારથી અવાજ આવ્યો, શેઠાણીબા, હું ઊભો રહું [રાહ જોઉં] કે જતો રહું?
-તમને આવા સમયે જોક સૂઝે છે, પલ્લવીબહેન?
-જીવનમાં આવતી દરેક મુસીબતોને હસતાં હસતાં સહેવી જોઈએ. પણ એ તો કહો કે પૌલોમી શંકર સાથે ભાગી ગઈ છે એવી ખબર શી રીતે પડી?
-આઠ નંબરવાળા મીનાબહેન સવારે સાત વાગ્યે દૂધ લેવા ઊઠ્યા હતાં ત્યારે એમણે પૌલોમીને બેગ સહિત શંકર સાથે સોસાયટીની બહાર જતાં જોઇ હતી.
-તો એમણે પૌલોમીને રોકી કેમ નહિં? કે સુનિતાબહેનને ચેતવ્યાં કેમ નહીં?
-મીનાબહેન એવું સમજ્યા હતાં કે પૌલોમી બહારગામ જઈ રહી છે અને શંકર એને બસ-સ્ટોપ પર  મૂકવા [બેગ ઉંચકવા] એની સાથે જઈ રહ્યો છે.
-પછી સાચી વાતની ખબર ક્યારે અને કઈ રીતે પડી?
-નવ વાગ્યે કામ કરવા આવનાર શંકર જ્યારે દસ વાગ્યા સુધી આવ્યો નહીં ત્યારે સુનિતાબહેને મીનાબહેનને પૂછ્યું અને સાચી વાતની ખબર બન્નેને પડી.
-ત્યાં સુધી પૌલોમી ઘરમાં નથી એ વાતની જાણ સુનિતાબહેનને થઈ જ નહીં?
-પૌલોમી તો દરરોજ સવારે સાત વાગ્યે કોલેજમાં જાય છે, તે દસ-સાડાદસ  વાગ્યા પછી જ આવે છે. એટલે સુનિતાબહેનને એમ કે પૌલુ કોલેજમાં જ ગઈ છે. ચાલો હવે આપણે ગામમાં જઈએ?
-પણ એ શંકર-પાર્વતી તો... આઈમીન શંકર-પૌલોમી તો ક્યાં ના ક્યાંય નીકળી ગયાં હશે. એ લોકો થોડાં જ આપણી રાહ જોઈને ઘરમાં બેસી રહ્યાં હશે? આપણે પોલીસમાં ફરિયાદ નોંધાવવી જોઈએ.
-પૌલોમીના પપ્પા પોલીસ ચોકીએ જ ગયા છે. સુનિતાબહેને મને ગાડી લઈને ગામમાં તપાસ કરી આવવાનું કહ્યું છે.
-તો ચાલો આંટો મારી આવીએ. બિચારો શંકર ! પૈસાદાર પૌલોમી શેઠાણીને પાળશે-પોષશે ત્યારે જ એને પરસેવો ઊતરશે  અને એને સમજાશે કે આ કંઈ લોકોના ઘરનાં કામ કરવા જેટલું સહેલું નથી. હવે એને કેટલા વીસે સો થાય છે એનું ભાન થશે.
-લ્યો, તમે તો પૌલોમીની દયા ખાવાને બદલે શંકરની દયા ખાવા લાગ્યા.
-પૌલુને તો જલસા જલસા થવાના, એને તો વરની સાથે મફતિયા નોકરનું વરદાન જો મળ્યું.
-પણ શંકરની કમાણી કેટલી? આર્થિક સમસ્યા નહીં નડે?
-રામો હોય કે રઈસજાદો, પરણ્યા પછી આર્થિક સમસ્યા કોને નથી નડતી?  તમે પેલી વાત તો સાંભળી જ હશે, પત્ની ખર્ચી શકે એટલું ધન કમાઈ લાવે તે સફળ પતિ,  અને એવો પતિ પોતાને માટે શોધી શકે તે સફળ પત્ની. ખેર એમની વાત છોડો, પણ ખરી સમસ્યા તો હવે આપણને નડવાની છે.
-એ કઈ રીતે?
-શંકર જેવો વિશ્વાસુ અને કામગરો રામો હવે આપણને ક્યાં મળવાનો?
-વાત તો તમારી સોળ આના સાચી, પલ્લવી બહેન.
-આ પૌલોમીએ બહુ ખોટું કર્યું.
Wednesday, 22 July 2015

સ્ટેટસ સિમ્બોલ .

સ્ટેટસ સિમ્બોલ .         પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

ત્રણ અમીર મિત્રો જમ્યા બાદ રાત્રે અગિયાર વાગ્યે મુંબઈમાં પાર્લા ઈસ્ટની શિવસાગર રેસ્ટોરન્ટમાં ઘણા સમય બાદ મળ્યાં. ત્રણે જણ ડબલ ચીઝ પીઝા, તીખી તમતમાટ પાંવ-ભાજી ઇન બટર અને ડીપ ફ્રાય ઓનિયન પકોડા નો ઑર્ડર આપીને  વાતોએ વળગ્યા.

અંધેરીથી ઔડીમાં આવેલા અમિતે કહ્યું, મેં તો અંધેરીમાં કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લાસ્ટ મંથ જ બાયપાસ કરાવી, પાંચ-સાત લાખ ખર્ચ ભલે થયો, પણ હોસ્પિટલ એટલે જાણે ફાઇવસ્ટાર હોટેલ!

મુલુંડથી મર્સીડીઝમાં આવેલા મનિષે  કહ્યું, હું તો ચેન્નઈ જઇને બાયપાસ કરાવી આવ્યો. ખર્ચ ભલે દસ-બાર લાખ થયો પણ હાર્ટ જેવા નાજુક ઓપરેશનમાં તો સ્પેશિયાલિસ્ટ પાસે જ જવાય.

તમે બન્ને  દેશી ના દેશી જ રહ્યા,’ બાંદ્રા બેન્ડસ્ટેન્ડથી બી એમ ડબલ્યુમાં આવેલો બિમલ બોલી પડ્યો, હેલ્થની બાબતમાં નો કોમ્પ્રોમાઈઝ. વીસ-પચીસ પેટી ભલે ખર્ચાઈ ગઈ, પણ ટ્રીટમેન્ટ તો યુ એસ થી જ કરાવી.

મિત્રો,  આમ જમ્યા બાદ પણ અખાધ એવા ફસ્ટફુડ આરોગતાં  અને પૈસાનું ખોટું પ્રદર્શન કરતા આવાં સ્ટેટસ સિમ્બોલ ધરાવતા લોકો તમને પણ જોવા મળ્યાં જ હશે, ખરું ને?

અમદાવાદના નવરંગપુરામાં એક બંગલોમાં લેડીઝ મેમ્બર્સ [શેઠાણીઓ] ની કીટી પાર્ટીનું એક દ્રશ્ય:
શેફાલી: બધાં આવી ગયાં કે કોઇ બાકી છે, હજી?
મોના: બધાં તો આવી ગયાં પણ દીપિકા મેડમ બાકી છે હજી. બ્યુટી પાર્લરમાં ટાપટીપ કરાવીને આવશે એટલે વાર લાગશે ને?
દીપિકા: બોલોને મોનામેડમ, હું તો આવી ગઈ છું, પણ બ્યુટી પાર્લરમાંથી નહીં, નર્સિંગ હોમમાંથી.
અમીષા: નર્સિંગ હોમમાંથી કેમ? શું થયું?
દીપિકા: થાય શું, બ્લડપ્રેશર છે, હાઈ બ્લડપ્રેશર.
મોના: આપણને ચિંતાઓ કંઈ ઓછી થોડી જ છે? જુઓને મનેય ડાયાબિટીસ નો પ્રોબ્લેમ છે.
શેફાલી: અને મને હાર્ટવાલ્વનો પ્રોબ્લેમ છે. સુનય તો કહેતો હતો કે અમેરિકા જઈને ટ્રીટમેંટ કરાવીશું.
અમીષા: હાસ્તો, હેલ્થની મેટરમાં નો કોમ્પ્રોમાઈઝ. થોડા સમયથી તો મને પણ બેચેની જેવું લાગતું હતું, ભૂખ પણ બરાબર લાગતી નથી. ડૉક્ટરને બતાવ્યું તો કહે, તમારે બધું નોર્મલ છે, સવાર-સાંજ ચાલવાનું રાખો. મોના: કોઈ બોગસ ડૉક્ટર લાગે છે. બાકી આપણને આટલા ટેન્શન વચ્ચે બધું નોર્મલ હોય એવું બને?
શેફાલી: મોના સાચું કહે છે. કોઈ સારા ડૉક્ટરને બતાવવું. હું તો ડૉક્ટરને સામેથી કહું કે તમે તમતમારે જે કંઈ [ઓપરેશન પણ] કરવા જેવું લાગે તે કરો, પૈસાની ચિંતા કરશો નહીં.
દીપિકા: હાસ્તો, આપણા વર કમાય છે શેના માટે? પણ પ્રીતિ હજી કેમ ન આવી?
અમીષા: પ્રીતિની તો વાત જ ન કરશો. સાવ મુફલીસવેડા કરે છે. મોટા બંગલામાં રહે છે, પણ રસોઈ બનાવવી, કપડાંને ઈસ્ત્રી કરવી, કરિયાણું- શાકભાજી લાવવાં, છોકરાંને ભણાવવાં વગેરે બધાં કામો જાતે કરે છે. સવાર-સાંજ વોક કરીને, એક્સસાઈઝ કરીને હેલ્થ કોંશીયસ હોવાનો ડોળ કરે છે. સાવ કંજૂસડી છે.
મોના: સોસાયટી સ્ટેટસ શું હોય છે, તે બિચારીને ખબર જ નથી. એસિડીટી, ડાયાબિટીશ, બ્લડપ્રેશર, કેન્સર વગેરે માંથી એક પણ રોગ એને નથી બોલો.

બિમારી પણ હવે તો  હાઈ સોસાયટીનું સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. તમે નોર્મલ છો? તો તમે બિચારાં છો. બિમારી જેટલી ભારી- ઇલાજ એનાથી ભારી. જેટલો મોંઘો ઈલાજ એટલું તમારું સ્ટેટસ ઊંચું.
જ્યારે પહેલ વહેલું રેફ્રીજ્રેટર આવ્યું ત્યારે ઘરમાં ફ્રીજ હોવું સ્ટેટસ સિમ્બોલ ગણાતું. પછી ટી.વી., વી.સી.આર., ડીવી.ડી. પ્લેયર હોવું સ્ટેટસ સિમ્બોલ ગણાતું. એક વખત એવો હતો જ્યારે ઘરમાં ટેલીફોન હોવો એ ગર્વની વાત ગણાતી. પછી આવ્યા મોબાઈલ. મોબાઈલ નવો આવ્યો હતો ત્યારનો એક કિસ્સો કહું.

મદનલાલ શેરબજારનાં રાજા ગણાતા. કોઈનીય ઓફિસમાં જઈને બેસે પછી પ્યૂનને કહે, ઉમેશ, નીચે મારી મર્સીડીઝમાંથી ડ્રાયવરને કહેજે મારો મોબાઈલ આપે. પછી મોબાઈલ પરથી બે-ચાર કોલ કરી લે અને એને ટેબલ પર પ્રદર્શનમાં મૂકે. શેરબજારની મંદીની ઝપટમા આવી ગયા પછી મદનલાલનો જુસ્સો ઓગળી ગયો છે, એમણે બાપ-દાદાનો કાપડનો ધંધો સંભાળી લીધો છે.

આજકાલ લાંબી, મોટી, ખાસ કરીને ઈમ્પોર્ટેડ કાર હોવી એ સ્ટેટસ  સિમ્બોલ ગણાય છે. ઉદય પાસે ઔડી છે, મોનલ પાસે મર્સીડીઝ છે,બિમલ પાસે બીએમડબલ્યુ છે,  ફેનિલ પાસે ફેરારી છે, લલિત પાસે લીમોઝીન છે, વગેરે વગેરે. તમારી પાસે નાની અને ઈંડીયન કાર છે? તો તમારું કંઈ સ્ટેટસ નથી.

વસ્તુઓની વાત તો છોડો, આજકાલ મા-બાપ, ખાસ કરીને મમ્મીઓ પોતાના બાળકોને પણ આ સ્ટેટસ સિમ્બોલ મેનિયાનો શિકાર બનાવી રહી છે. તારો છોકરો ફલાણી સ્કુલમાં ભણે છે? મારો છોકરો તો એનાથી વધારે સારી સ્કુલમાં ભણે છે. તારો છોકરો ફલાણા બોર્ડમાં છે, મારો છોકરો તો એનાથી હાયર બોર્ડમાં છે. તારો છોકરો સ્વીમીંગ ક્લાસમાં જાય છે? મારો છોકરો તો સ્વીમીંગ ઉપરાંત ડ્રોઈંગ અને પર્સાનાલિટી ડેવલેપમેન્ટ ક્લાસમાં પણ જાય છે.

સ્ટેટસ સિમ્બોલ દ્વારા સામેવાળાને ઇમ્પ્રેસ કરવા લોકો જાતજાતની ટેકનિક અજમાવતાં જોવા મળે છે. પૈસાદરોની વાત જવા દઈએ, ક્યારેક તો સાધારણ આર્થિક પરિસ્થિતિ વાળા લોકો પણ સ્ટેટસ સિમ્બોલની માયા છોડી શકતાં નથી.  હેમાએ એની બેબીને આ માટે સારી રીતે તૈયાર કરી હતી. 

એકવાર એના ઘરે મોંઘેરા મહેમાનો આવ્યા અને મમ્મી-બેબીનું નાટક શરૂ થયું.
-બેબી, મહેમાનો માટે નાસ્તો લાવજે.
-મમ્મી, ચંદ્રવિલાસના ફાફડા લાવું, હેવમોરની ટમટમ લાવું કે શેરબજારનું ચવાણું લાવું?
-બેબી, ડિસાઈડ યોરસેલ્ફ. હા, સાથે શરબત પણ લાવજે.
-મમ્મી, શરબત કયું લાવું? વૈભવનું રૂહ અબઝા લાવું, મૌસમનું કેસર-બદામ લાવું કે રસનાનું શાહી ગુલાબ લાવું?
-તને જે પસંદ હોય તે લાવ, બેબી. પછી મુખવાસ પણ લાવજે.
-મુખવાસમાં માણેક ચોકની મીઠી વરિયાળી લાવું, કાનપુરની કતરી સોપારી લાવું કે પાલનપુરની પાનચુરી વરિયાળી લાવું?
-ઓહો બેબી, ઘરમાં એટલું બધું પડ્યું  છે કે શું લાવવું અને શું ન લાવવું એવી વિમાસણ થાય છે, નહીં?  વાંધો નહીં તું તારી મેળે તને જે ગમે તે લાવ.
એવામાં ટેલિફોનની રીંગ વાગે છે, હેમા ફોન લે છે, થોડીવાર વાત કરે છે અને પછી બેબીને કહે છે:
-બેબી, ત્યાંથી તારો કોર્ડલેસ ફોન લેજે, તારા પપ્પાનો ફોન છે.
-મમ્મી, કયા પપ્પાનો ફોન છે, સિંગાપોરવાળા, અમેરિકાવાળા કે પછી  લંડનવાળા પપ્પાનો?

Wednesday, 15 July 2015

માંદગી અને હાસ્ય.

માંદગી અને હાસ્ય.           પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

પ્રસિધ્ધ હાસ્યલેખક શ્રી જ્યોતીંદ્ર દવે જ્યારે એકવાર માંદગીના બિછાને હતા, ત્યારે એમના એક મિત્ર એમની ખબર કાઢવા આવ્યા. જ્યોતીંદ્રભાઇએ એમને આવેલા જોઇને, ખાટલામાંથી ઊભા થઈને, રૂમની ખીંટી પર લટકતો કોટ પહેરવા માંડ્યો. આ જોઈને એમના મિત્રે પૂછ્યું, “તમે ક્યાંક બહાર જઈ રહ્યા છો?”  જ્યોતીંદ્રભાઈએ કહ્યું, “ ના રે ના. આ તો હું ખાટલામાં સૂતેલો તમને બરાબર દેખાઉંને એટલે મેં કોટ પહેર્યો.”
શ્રી જ્યોતીંદ્ર દવે તો હાસ્યલેખક હતા, એટલે એમને માંદગીમાં પણ હાસ્ય સૂઝે એ સ્વાભાવિક છે. પરંતુ મારું માનવું છે કે સામાન્ય માનવીને પણ માંદગીમાં હાસ્ય સૂઝી આવે છે. દાખલા તરીકે-
ડૉક્ટર:[દર્દીને] તમને કોઈ બિમારી નથી. માત્ર ભયાનક ચિંતા તમારી પાછળ પડી છે.
દર્દી: શી...શ! ડૉક્ટર સાહેબ, જરા ધીમેથી બોલો. એ રૂમની બહાર જ બેઠી છે.
આમ માંદગીમાં મનુષ્યની હાસ્યવૃત્તિ ખીલે છે અને એના વડે એ લાંબુ જીવી શકે છે. એનેટોમી ઓફ ઈલનેસ પુસ્તકના રચયેતા શ્રી નોર્મન કઝીન્સ કે જેમણે હાસ્યોપચાર વડે જ ગંભીર માંદગી અને મૃત્યુને દૂર હડસેલ્યાં હતાં.  હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરે માંદગી અને સારવાર પરનું સ્વાનુભવ પર આધારિત હાસ્યનું પુસ્તક એંજોયગ્રાફી લખ્યું, અને ગુજરાતી સાહિત્ય અકાદમીએ એને  શ્રેષ્ઠ હાસ્યકૃતિ ઘોષિત કરીને ઈનામ પણ આપ્યું. એ જ બતાવે છે, કે માંદગીમાંથી નીપજતું હાસ્ય શ્રેષ્ઠ અને ઈનામપાત્ર હોય છે.
માંદગીની જ વાત નીકળી છે તો આજુબાજુ નજર કરશો તો કેટલાક લોકો હરતીફરતી હોસ્પિટલ જેવા માલૂમ પડશે. હોસ્પિટલમાં જેમ અનેક રોગીઓ વસે છે, તેમ આવા લોકોના દેહમાં અનેક રોગો વસેલા હોય છે. આવા લોકોને વળી એ વાતનો ગર્વ પણ હોય છે. યોગ્ય શ્રોતા મળી જાય તો તેઓ ખૂબ રસપૂર્વક પોતાના રોગોનું વર્ણન પણ કરે છે.દુનિયાભરનાં ડૉક્ટરો અને દવાઓનાં નામ આ લોકોને કંઠસ્થ હોય છે. આવા લોકોને શરદી થઈ હોય તો ન્યુમોનીયા અને ખાંસી થઈ હોય તો ટી.બી. થયાનો ભ્રમ હોય છે. દવાખાનાની મુલાકાત એમને મન બગીચામાં લટાર મારી આવવા જેવી સાધારણ ઘટના હોય છે. પછી ડૉક્ટરનું બીલ આવે ત્યારે –
દર્દી: ડૉક્ટર સાહેબ, હવે મને સમજાયું કે સાધારણ ખાંસી પણ કેવી ખતરનાક હોય છે.
ડૉક્ટર: એ શી રીતે?
દર્દી: તમારું બીલ જોઈને.
આજે હું તમને મારી એક આવી જ ફ્રેંડ હર્ષા વિશે મજેદાર વાત જણાવીશ.
-ચાલ હર્ષા,’દીપકલામાં સાડીઓનું મસ્ત સેલ લાગ્યું છે, ત્યાં જઈએ.
-ના બાબા ના. આ ઘૂંટણનાં દર્દે તો મને પરેશાન કરી મૂકી છે.
-દવા લીધી?
-હા, દવા ચાલે જ છે.
-અચ્છા, દવા ચાલે છે પણ તું નથી ચાલી શકતી એમ ને? ચાલ, તને કારમાં બેસાડીને લઈ જાઉં.
-અહીં મારી ટાંગ બેકાર થતી જાય છે, અને તને કારમાં ફરવાનું સૂઝે છે?
-સાંભળ હર્ષા, તને એક જોક કહું, -
ઘૂંટણના દર્દમાંથી સાજા થયેલા એક દર્દીને ડૉક્ટરે પૂછ્યું, “કેમ છો? હવે તમે બરાબર ચાલતા થઈ ગયાં ને?”  દર્દીએ ડૉક્ટરને કહ્યું, “હા, સાહેબ. તમારું બીલ ભરવા મારું સ્કૂટર વેચવું પડ્યું.”
-તું તે કેવી ફ્રેંડ છે? અહીં મારો જીવ જાય છે અને તને આવી જોક સૂઝે છે?
-યાર, હું તને હસાવવાનો પ્રયત્ન કરું છું, જેથી તું જલ્દી સાજી થાય.
-આજ સુધી ત્રણ ડૉક્ટર, બે વૈધ અને એક હોમિયોપેથની દવા કરાવી ચૂકી છું. તે પહેલાં ઘરગથ્થુ અનેક ઉપચારો પણ કર્યા. પણ ગુંદરિયા મહેમાન જેવો આ ઘૂંટણનો દુખાવો મટતો જ નથી.
-તો પછી તું એનો ઇલાજ કરવાનું જ માંડી વાળ ને.
-અચ્છા!  તો હવે તું મારી એક જોક સાંભળ.:
“ડૉક્ટર: [દર્દીને] તમારા પગે સોજા છે ખરા, પણ મને એમાં ખાસ ચિંતા કરવા જેવું કશું લાગતું નથી.
દર્દી: ડૉક્ટર સાહેબ, તમારા પગે સોજા હોત તો મને પણ ચિંતા કરવા જેવું કશું ન લાગત.”
-વાહ ! વાહ ! ક્યા ખૂબ કહી, માન ગયે જનાબ આપકો. જોયું હું નહોતી કહેતી કે- માંદગીમાં મનુષ્યની હાસ્યવૃત્તિ ખીલે છે?’
-હાસ્તો, ગધેડા સાથે ગાયને બાંધીએ તો ભૂંકતાં નહીં તો કમ સે કમ ઉંચું ડોકું કરતાં તો શીખે જ.
-એય, હર્ષાડી, વોટ ડુ યુ મીન? તું મારી સરખામણી ....
-ટેક ઈટ ઈઝી માય ડીયર ફ્રેંડ, તું હાસ્યલેખિકા છે અને પુસ્તકો લખે છે, તો હું તારી ખાસ દોસ્ત, એકાદ જોક તો ફટકારું ને?
-હા, હા. ફટકાર, ફટકાર. હું ય જોઈ લઇશ.
-રહેવા દે હવે. તારે જ્યારે દાંતમાં દુખતું હતું ત્યારે તો કેવી કૂદાકૂદ કરતી હતી? હર્ષા પ્લીઈ..ઝ , કંઈ કર...નહીંતર આ દાંતના દુખાવામાં હું ગાંડી થઈ જઈશ. અચ્છા, એ તો કહે તે વખતે તું ગાંડી થઈ ગયેલી તે પાછી ડાહી થઈ કે નહીં?
-જો હર્ષાડી, તું હવે મારા હાથનો માર ખાવાની થઈ લાગે છે.
-માર-બાડ છોડ. હું તો આમ પણ આ ઘૂંટણનાં દુખાવાથી અધમૂઈ થઈ જ ગઈ છું. તારી ઓળખાણમાં કોઈ સારો ડૉક્ટર કે વૈધ હોય તો જણાવ.
-એક બહેન છે, આયુર્વેદવાળા, ખાસ ઓળખીતાં. બોલ જવું છે?
-આજે જવાતું હોય તો કાલ નથી કરવી.
-ઠીક છે. એ સાંજે પાંચ વાગ્યે  દવાખાને આવે છે, ત્યારે જઈ આવીએ.
અમે સાંજે પાંચ વાગ્યે આયુર્વેદીક ડૉક્ટર મીતાબહેનનાં દવાખાને ગયાં. કમ્પાઉંડરે કહ્યું, બહેન સાડા-પાંચે આવશે. એટલે ટાઈમ પાસ કરવા અમે એ શોપિંગ સેન્ટરમાં આંટો મારવા નીકળ્યાં. મેં હર્ષાને કહ્યું, ચાલ,પાણીપુરી ખાઈએ.” તો એણે કહ્યું, ના, મને એમાંની આમલીની ચટણીની ખટાશ નડે છે. મને તો ઓફિસમાં બૉસ અને ઘરમાં નોકર સિવાય કંઈ નડતું નથી. પણ એકલાં એકલાં ખાવાની શી મજા આવે?
થોડે આગળ ગયાં ત્યારે ગરમાગરમ પાંઉવડાની દુકન જોઈને મેં હર્ષાને કહ્યું, ચાલ,પાંઉવડા ખાઈએ. તો એણે કહ્યું, એમાંના બટાકા મને વાયડા પડે છે. મેં સેંડવીચ ખાવાનું કહ્યું તો એણે કહ્યું કે બ્રેડ આથાના લીધે એને માફક આવતાં નથી. આમ હર્ષાડીને લીધે સાવ કોરોકટ આંટો મારીને અમે પાછા ક્લીનીક પર આવ્યાં ત્યારે મીતાબહેન આવી ગયાં હતાં.અમે એમની કેબિનમાં ગયાં.
મીતાબહેન: આવો, આવો.બોલો શું પ્રોબ્લેમ છે?
હું:મીતાબહેન, આ મારી ખાસ ફ્રેંડ હર્ષા છે. એને ઘૂંટણમાં દુખાવા નો પ્રોબ્લેમ છે.
મીતાબહેન: અચ્છા, કેટલા વખતથી દુખાવો છે? કંઈ દવા બવા કરો છો?
હર્ષા: લગભગ ચાર મહિનાથી દુખે છે, દવા ચાલુ જ છે.
મીતાબહેન: ઘૂંટણના દુખાવા સિવાય કોઈ તકલીફ ખરી?
હું: એને કઈ તકલીફ નથી એ પૂછો, મીતાબહેન.
હર્ષા: પ્લીઝ, તું મને બોલવા દઈશ? મીતાબહેન, મને છાતીમાં ફાઈબ્રોઈડની ગાંઠ છે. ક્યારેક દાંત અને પેઢામાં દુખે છે. હું કામ કરતાં થાકી જાઉં છું. ઉભડક કે પલાંઠી વાળીને બેસી શકતી નથી. ક્યારેક ચક્કર આવે છે. પેટમાં બળતરા થાય છે. ક્યારેક ઊલટી થવા જેવું લાગે છે. દાદર ચઢ-ઉતર કરતાંમારા ધબકારાં વધી જાય છે. ડૉક્ટર, મને હાર્ટની તકલીફ તો નહીં હોય ને?
મીતાબહેન: તમે બ્લડ્સુગર ચેક કરાવો, કદાચ તમને ડાયાબિટીશ હોય. કે કદાચ એસિડિટી હોય.  તમે તીખું અને તળેલું ખાવાનું ઓછું કરી દો. ભૂખ્યાં નરહેશો.
હર્ષા: ક્યારેક માથું દુખે, બેચેની લાગે, વાંચું તો વંચાય નહીં.
હું: એ તો ઘણું જ ખરાબ. તું મારી આટલી ક્લોઝ ફ્રેંડ અને તારાથી વંચાય નહીં તો મારાં હાસ્યલેખો કોણ વાંચશે?
હર્ષા: એનાથી મને કે તને ખાસ કશો ફેર નહીં પડે, સમજી?
મીતાબહેન: તમે ચશ્માનો નંબર ચેક કરાવી લો. રોજ એક લિટર દૂધ અને ૩-૪ કેળાં લો. હું લખી આપું છું તે શક્તિ અને વિટામિનની ગોળીઓ લેજો. રોજ ૩-૪ કિલોમીટર ચાલવાનું રાખો.
અમે ત્યાંથી નીકળીને કેમિસ્ટની દુકાને ગયાં, હર્ષાની દવા લઈ અમે ઘરે આવવા નીકળ્યાં. વળી પાછી હર્ષા એને ભૂતકાળમાં થયેલાં, વર્તમાનમાંચાલુ રહેલાં અને ભવિષ્યકાળમાં થવાની સંભાવના વાળા રોગો બાબતે વાત કરવા લાગી. મેં મજાક કરતાં કહ્યું, હર્ષા, એવો કોઇ રોગ હશે ખરો કે જે તને ક્યારેય નહીં થયો હોય?’ હર્ષાએ મલકીને કહ્યું, હા, પ્રોસ્ટેટગ્લેંડનો રોગ જે  મને આજ સુધી થયો નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં.
આજની જોક:
ડોક્ટર: હવે તમારી તબિયત સારી લાગે છે. મારી સૂચના મુજબ દવા બરાબર લીધી હતી કે?
દર્દી: હા સાહેબ, દવાની શીશી પર લખેલી સૂચનાનું બરાબર પાલન કર્યું હતું.
ડોક્ટર: એમ, શું લખ્યું હતું શીશી પર?
દર્દી: શીશીના ઢાંકણને ચુસ્તપણે બંધ રાખો.  


Tuesday, 7 July 2015

જૂઠું બોલવામાં કોણ ચઢે, સ્ત્રી કે પુરુષ?

જૂઠું બોલવામાં કોણ ચઢે, સ્ત્રી કે પુરુષ?   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-પપ્પા, હમેશાં સાચું બોલો એ વિષય પર નિબંધ લખાવોને.
-ટીનુ બેટા, મારે હજી ઓફિસનું કામ બાકી છે, તારી મમ્મીને કહે, એ તને નિબંધ લખાવશે.
-તમારે ટીનુને નિબંધ ન લખાવવો હોય તો કંઈ નહીં, પણ છોકરા આગળ જૂઠું શા માટે બોલો છો?
-શું? હું જૂઠું બોલું છું?
-હા. સાડી સત્તરવાર  જૂઠું, તદ્દન જૂઠું. ઓફિસના કામના બહાના હેઠળ મોડી રાત સુધી ટી.વી. ની ચેનલો પર આલતુ-ફાલતુ અને ન જોવા જેવા પ્રોગ્રામ જોયા કરો છો, અને ઉપરથી પૂછો છો, હું જૂઠું બોલું છું?’ જૂઠા ક્યાંયના.
-જા જા હવે, જોઈ મોટી રાણી હરિશ્ચન્દ્રની અવતાર! ખરી જુઠ્ઠી તો તું છે. તે દિવસે હોસ્પિટલમાં સંબંધીની ખબર કાઢવા જવાને બદલે સાડીઓના સેલમાં કોણ ગયું હતું, હું કે તું?
-હું તો હોસ્પિટલમાં જ ગઈ હતી. પણ ત્યાં પેલાં ઉર્વશીબહેન મળી ગયાં. એમણે કહ્યું કે આ વર્ષે સેલમાં એકદમ રીઝનેબલ ભાવે સારામાંની સાડી મળે છે. એટલે પછી હું એમની સાથે ત્યાં ગઈ. અને એ પણ મારા માટે નહીં, પણ બળેવ પર તમારી બહેનને આપવાની સાડી લેવા ગઈ હતી, સમજ્યાં?
-જા, જા, જુઠ્ઠાડી.
-જુઠ્ઠા તો તમે છો, પગ થી તે માથા સુધી.
જુઠ્ઠું બોલવામાં કોણ ચઢે, સ્ત્રી કે પુરુષ’? આવી સ્પર્ધા યોજાય તો કોણ જીતે, સ્ત્રી કે પુરુષ?  સ્ત્રીઓ કહેશે, પુરુષો જુઠ્ઠું બોલવામાં પાવરધા છે.  અને પુરુષો કહેશે, સ્ત્રીઓ જુઠ્ઠું બોલવામાં ઘણી હોંશિયાર છે. વૈજ્ઞાનિકો આ બાબતે શું કહે છે? તેઓ આ બાબતે પુરુષોના પક્ષમાં છે. મતલબ કે તેઓ કહે છે, સ્ત્રીઓ જુઠ્ઠું બોલવામાં ઘણી કાબેલ એટલે કે કુશળ હોય છે. સ્ત્રીઓ ખૂબ જ આસાનીથી ક્ષણભરના પણ વિલંબ વગર જુઠ્ઠું બોલી શકે છે.
પતિ: જો તું પાંચ મિનિટની અંદર જુઠ્ઠું બોલી બતાવે તો હું તને ૧૦૦ રૂપિયા ઈનામમાં આપીશ.
પત્ની: [ક્ષણભરમાં] હમણાં તો તમે ૫૦૦ રૂપિયા ઇનામમાં આપવાનું કહ્યું હતું. 
વૈજ્ઞાનિકોનું આ તારણ , જુઠ્ઠું બોલવું સ્ત્રીઓને સહજ સાધ્ય છે. એટલે કે સ્ત્રીઓ ઘણી આસાનીથી જુઠ્ઠું બોલી શકે છે  એ સાંભળીને એક સ્ત્રી તરીકે મને ઘણો જ આનંદ થયો. થયું કે ચાલો આ એકાદ ક્ષેત્ર તો એવું છે જેમાં સ્ત્રી, પુરુષને હરાવી શકે છે.જો કે જૂઠું બોલવાની કળા માંથી જૂઠું શબ્દ કાઢી નાંખીને માત્ર બોલવાની કળા  વિશે વાત કરીએ તો એમાં પણ સ્ત્રીઓ પુરુષોને હરાવી શકે છે. વૈજ્ઞાનિકો કહે છે, પુરુષો સો શબ્દો બોલવામાં સરાસરી ત્રણ વાર અટકે છે, જ્યારે સ્ત્રીઓ સો તો શું હજારો, લાખો, કરોડો શબ્દો અટક્યા વિના અવિરતપણે બોલી શકે છે.
આસિસ્ટંટ: સર, આપ અર્ધો કલાકથી ફોન કાન પર માંડી ચુપચાપ બેઠા છો.
બૉસ: શ..શ..શ. મારી પત્ની સાથે ફોન પર વાત ચાલી રહી છે.
સ્ત્રીઓને તમે બોલતી સાંભળો તો તમને એમ જ લાગે કે એણે માત્ર બોલવા માટે જ જન્મ લીધો છે. સ્ત્રીઓએ જીવન જીવવા માટે ભલે પુરુષોનો આશરો લેવો પડતો હોય, પરંતુ બોલવા માટે એને કશાયનો આશરો લેવો પડતો નથી, ઈવન વિષયનો પણ નહીં.  બોલવા માટે વિષયની જરૂર માત્ર પુરુષોને પડે છે, સ્ત્રીઓ તો વગર વિષયે અને ઘણીવાર વગર વિચાર્યે કલાકો સુધી, દિવસો સુધી, મહિનાઓ સુધી, વર્ષો સુધી, અરે પુરુષોના મતે આખી જિંદગી બોલ્યે રાખે છે.
એક દયાળુ બહેને એમનું ભાષણ પત્યા પછી કહ્યું, માફ કરજો, મારા હાથમાં ઘડિયાળ નહોતું એટલે સમયનો ખ્યાલ ન રહ્યો.  તરત જ પાંખી હાજરીમાંના એક શ્રોતાભાઈએ કહ્યું,’ બહેનજી, ઘડિયાળની વાત તો છોડો, સામેની દિવાલ પર કેલેંડર લટકે છે, એ ય તમે ના જોયું?’
આપણી ભાષાને માતૃભાષા એટલા માટે જ કહેવામાં આવે છે, કેમ કે માતાઓ એટલે કે બહેનો જ એનો મહત્તમ ઉપયોગ કરે છે. મારા મતે તો પુરુષો તો ભાષા ન શીખે તો પણ કામ ચાલી જાય. હવે તો બાળકો પણ આ વાત સારી રીતે જાણી ગયા છે.
બિટ્ટુ : પપ્પા, મને વાર્તા લખાવોને.
પપ્પા: તારી મમ્મી પાસે જા, એ તને લખાવડાવશે.
બિટ્ટુ: પપ્પા, ટીચરે ટૂંકી વાર્તા લખી લાવવા કહ્યું છે.
સ્ત્રીઓની ડિક્શનરીમાં ટૂંકું શબ્દ ભાષામાં છે જ નહીં. હા, એમના વસ્ત્રપરિધાન માં એ શબ્દ જરૂર આવે છે. બોલવું એ સ્ત્રીઓનો શોખ છે, અને પુરુષોની જરૂરિયાત છે. સ્ત્રીઓનો આ શોખ એટલો તો વિકસિત છે, કે બહેનો બેસણામાં પણ ચૂપ નથી રહી શકતી. 
વળી સ્ત્રીઓને માત્ર બોલવાથી જ સંતોષ નથી થતો, એમની વાતો બીજાઓ, ખાસ કરીને પુરુષો અને એમાં પણ ખાસ તો એનો પતિ સાંભળે એવો એનો આગ્રહ હોય છે. અને એટલે જ એ દરેક વાતની શરુઆત, કહું છું, સાંભળો છો?’ ના પ્રશ્નથી કરે છે.
પુરુષો બોલવામાં ભલે સ્ત્રીઓથી પાછળ છે, પરંતુ અભિનય એટલે કે એક્ટિંગમાં એ ઘણા આગળ છે. સ્ત્રી[ખાસ કરીને પોતાની સ્ત્રી- પત્ની ] જ્યારે બોલતી હોય ત્યારે એ , તને જ તો સાંભળી રહ્યો છું, ડાર્લિંગ. એમ કહીને, એવો ડોળ કરીને પત્નીએ કહેલી વાત સિવાયનું બધું જ – ટી.વી. ન્યૂઝ, ક્રિકેટની કોમેંટ્રી, શેરબજારનાં ભાવો, બીઝનેસ ટીપ્સ....વગેરે વગેરે સાંભળ્યે જાય છે.
પણ એક વાત નિશ્ચિત છે, જૂઠું બોલનાર સ્ત્રી હોય કે પુરુષ – એની યાદશક્તિ ઘણી સતેજ થાય છે. કેમ કે એણે કયા સમયે, કોને, શું કહ્યું હતું તે યાદ રાખવું પડે છે અને સમય આવ્યે ફરીથી યાદ કરવું પડે છે. વૈજ્ઞાનિકોના તારણ પ્રમાણે પુરુષ ઓછું જૂઠું બોલતો હોવાથી એની સ્મરણશક્તિ નબળી પડે છે. ઘણીવાર તો એટલી નબળી પડે છે કે પોતે પરણેલો છે, એ વાત પણ એ ભૂલી જાય છે. આવું ખાસ કરીને એ કોઈ સુંદર સ્ત્રીને જુએ છે ત્યારે થાય છે.
વૈજ્ઞાનિકો કહે છે કે, હવે પછી શું બોલવું?’ એની તૈયારી કરવા  પુરુષે વાક્ય બોલતી વખતે શબ્દોની વચ્ચે વચ્ચે અં..ઉં..  એવા ધ્વનિનો ઉપયોગ કરવો પડે છે. વળી જૂઠું બોલતી વખતે પુરુષોની જીભ, સ્ત્રીઓની જીભના પ્રમાણમાં વધુ થોથવાય છે. દાખલા તરીકે-
પત્ની: આ રોઝી  કોણ છે?
પતિ: કો..ણ? અં ઉં.. રોઝી? હં .. હા. એ તો  એક કૂતરીનું નામ છે, જ.. જેને હં.. હું ખરીદવાનો છું.
પત્ની: એ એ એ ...મ? આજે તમારી એ કૂતરીના ત્રણ વખત ફોન આવ્યા હતા.Wednesday, 1 July 2015

બાબુજી ધીરે ચલના.

બાબુજી ધીરે ચલના.       પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

“બાબુજી ધીરે ચલના...”  હું જ્યારે આ ગીત સાંભળું છું, ત્યારે એક દિવસના ધોધમાર વરસાદ પછીના અમદાવાદનાં રસ્તા મારી આંખ સામે આવી જાય છે. આજકાલ અમદાવાદનાં હાલમાં જ બનેલાં નવાંનકોર રસ્તાઓ સહિતના લગભગ તમામ રસ્તાઓ પર ચાલતાં અથવા વાહનોમાં બેસીને નીકળતા દરેક વ્યક્તિએ ઉપરનું ગીત, બાબુજી ધીરે ચલના.. યાદ કરવું જ પડે એવી હાલત વરસાદે કરી મૂકી છે.  આ ગીત તો આમ તો ઘણા વર્ષો જુનું છે, પણ આજે પણ એ કેટલું હાલતને અનુરૂપ છે, તે જોતાં ગીતકારની દીર્ઘદ્રષ્ટિ ને સલામ કહેવી પડે. 

 આકાશી આફત’,  અમદાવાદ કે ભૂવાનગર , વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતનાં હાલ-બેહાલ’, સૌરાષ્ટ્રમાં મેઘ કહેર’, ભારે વરસાદે અમરેલીને ઘમરોળ્યું  વગેરે વગેરે મથાળા હેઠળ વિવિધ  ન્યૂઝપેપરવાળા એ વરસાદનાં ભયંકર સચિત્ર અહેવાલો પ્રગટ કર્યા. મને પણ લાગ્યું કે મેઘરાજાની સાંભળવામાં ભૂલ થઈ ગઈ છે:
અમે કહ્યું હતું  મેઘરાજાને કર જરા મહેર,
અને જુઓ તો એણે કરી આ કેવી કહેર?’

વરસાદ થંભ્યો એટલે હું મારું પ્રિય કામ [શોપિંગ] કરવા નીકળી, ત્યારે મારી  મહાબળેશ્વર સોસાયટીમાં રહેતી એક જુની પડોશી મિત્ર મળી ગઈ.
હાય, હર્ષા, કેમ છે?’ મેં એને ખબર અંતર પૂછ્યાં.
કોણ જાણે હતી કેવી વર્ષો જુની, જિંદગીમાં અસર એક તનહાઈની,
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, કેમ છો?’ એને આખી કહાણી સુણાવી દીધી.” 
ઘણા જ જાણીતા કવિ[નામ અત્યારે યાદ નથી]ની ઉપર મુજબની પંક્તિઓને સાર્થક કરતાં હર્ષાએ મને જે કહાણી સંભળાવી તે નીચે મુજબ છે.

“અમારી સોસાયટીનાં ઉબડ-ખાબડ રસ્તાઓ પર ચાલવા માટે અમે અહીંના રહીશો ટેવાઈ ગયાં છીએ. અહીંના સ્કૂટર સવારોનું ડ્રાયવીંગ એટલું તો પાકું થઈ ગયું છે, કે એમને ક્યારેક ચંદ્ર પર સ્કૂટર ચલાવવાનો વારો આવે તો પણ તેઓ આસાનીથી ચલાવી શકે. મહાબળેશ્વર નામની સોસાયટીમાં તો ચારેકોર હરિયાળી હશે એવું કોઇ ધારે, પણ નામથી ભોળવાયા વગર જુવો તો દર ચોમાસાની જેમ આ વખતે પણ અમારી સોસાયટીના રસ્તાઓ  પર કાદવનાં થર જામ્યાં છે. અમારી સોસાયટીના રસ્તાઓ પર ચાલનારને કુદરતી રીતે પ્રાણાયામ ની પ્રેકટિસ થઈ જાય છે.[ શ્વાસ રોકીને ચાલવું પડે છે.]

મહેમાનોની ફરિયાદો સાંભળીને તે દૂર કરવાના હેતુસર અમારી સોસાયટીના  ચેરમેન, મ્યુનિસિપલ  કચેરીમાં ગયા. આજના દિવ્યભાસ્કર નામના ન્યૂઝપેપરમાં આવેલા ન્યૂઝ, “ વરસાદના સેમ્પલ ટેસ્ટમાં નાપાસ મ્યુનિસિપલ તંત્ર એકબીજાની પીઠ થાબડે છે. “  એ સમાચાર જો વાંચ્યા હોત તો ચેરમેન આ ધક્કો ખાવામાંથી બચી ગયા હોત.
ખેર! ત્યાં શું બન્યું?  તમે પોતે જ વાંચી લો.

સ્થળ: મ્યુનિસિપલ કચેરીની ઓફિસ રુમ.
પટાવાળો સાહેબની કેબિનની બહાર બેસીને ડાબા-જમણી ઝોકાં ખાય છે. કેબિનમાં સાહેબ, ખુરશીમાં બેસી ટેબલ પર પગ લંબાવી ફોન પર વાત કરી રહ્યા છે. સ્ટાફ મેમ્બરો કોઈ ટોપિક [કદાચ ભારી વરસાદ] પર જોર શોરથી ચર્ચા કરી રહ્યા છે.ચેરમેન સાહેબની રૂમમાં પ્રવેશે છે.
ચેરમેન: [ગુસ્સાથી] આ જોયું? આ જોયું?
અધિકારી: આવજો, બાય બાય,  ફરી મળીશું ત્યારે.
ચેરમેન:મારી સાથે વાત તો કરી નથી અને ફરી મળીશું  કેમ?
અધિકારી: [ચેરમેનને ખુરશીમાં બેસવાનો ઇશારો કરીને]એ તમને નહીં. મારા મિત્રને ફોન પર કહ્યું.
ચેરમેન: તમને ફોન પર ગપ્પાં મારવાનો સમય મળે છે અને અમારી મુશ્કેલી દૂર કરવાનો સમય નથી, કેમ?
અધિકારી: પણ તમારી મુશ્કેલી કહો તો ખબર પડે ને, હું કંઈ અંતર્યામી છું?
ચેરમેન: તમારું આખું તંત્ર જ સડી ગયું છે.
અધિકારી: તમે અમારું તંત્ર સુધારવા આવ્યા છો?
ચેરમેન: હું તો શું, ઉપરથી ભગવાન પણ ઉતરી આવે ને તો પણ તમારું તંત્ર સુધરે એમ નથી.
અધિકારી: ભલે, તો પછી એ પ્રયત્ન તમે રહેવા દો.
ચેરમેન: હાસ્તો, તમારે શું? આખો દિવસ આંખો મીંચીને ઓફિસમાં ઠાઠથી બેસી રહેવાનું.
અધિકારી: હું માત્ર રાત્રે સૂતી વખતે જ આંખો મીંચું છું, એ વગર તો ઉંઘ ના આવે ને?
ચેરમેન: ભગવાન જાણે, તમારા લોકોની ઉંઘ ક્યારે ઉડશે? તમારે શું, કારમાં ફરવાનું.
અધિકારી: તમને મારી કાર કયાં નડી?
ચેરમેન: મને તમારી કાર નહીં, અમારી સોસાયટીનો કાદવ-કીચડ નડે છે.
અધિકારી: તો એમ કહોને, દુ:ખે છે પેટ અને કૂટો છો માથું.
ચેરમેન: તમને એથી શો ફરક પડે? તમારા તો પેટનું પાણી ય હાલતું નથી.
અધિકારી:તમે ઠીક યાદ દેવડાવ્યું. આજે તો સવારથી મેં પાણી પણ પીધું નથી.
ચેરમેન: પાણી પછી પીજો, પહેલાં તમે મને એ કહો કે તમે આ કાદવ-કીચડ હટાવવા કંઈ પગલાં લેવાના છો કે નહીં?
અધિકારી: લેવાના છો કે નહીં એવું પૂછો છો? અમે તો ઓલરેડી પગલાં લઈ ચૂક્યાં છીએ. ગઈ કાલે જ અમે એ માટે શીબા રેસ્ટોરંટમાં મીટીંગ બોલાવી હતી.
ચેરમેન: તો મીટીંગમાં શું નક્કી કર્યું?
અધિકારી: મારે તો ચાઈનીસ લેવું હતું પણ મેજોરીટીએ પંજાબી પ્રીફર કર્યું
ચેરમેન: કાદવ-કીચડ હઠાવવાની આ કોઇ નવી પધ્ધતિઓ છે?
અધિકારી: તમે સમજ્યાં નહીં, હું તો ડીનરની વાત કરું છું.
ચેરમેન:ઓહ,  ભયંકર. અતિ ભયંકર.
અધિકારી: ભયંકર નહીં ટેસ્ટી કહો, ટેસ્ટી.
ચેરમેન: અમે અહીં કાદવમાં સબડીએ છીએ અને તમને ત્યાં શીબા માં ડીનરનું સૂઝે છે?
અધિકારી: તમારા માટે થઈને જ તો શીબામાં જવું પડ્યું અને નામરજી છતાં પંજાબી લેવું પડ્યું.
ચેરમેન: ઘણો ઘણો આભાર તમારો!  પણ એ તો કહો કે કાદવ હઠાવવા શું કરવાનું નક્કી કર્યું?
અધિકારી: એના માટે અમે બીજી મીટીંગ શનિવારે પતંગ માં રાખી છે. આ તો શું રીવોલ્વિંગ રેસ્ટોરંટ મા બેસીએ તો આખા અમદાવાદ પર બરાબર નજર રાખી શકાય.
ચેરમેન: ઓહ ગોડ! તમે લોકો ક્યારેય નહીં સુધરવાના.
અધિકારી: તમારે અમને સુધારવા છે, કે તમારી સોસાયટીને?
ચેરમેન: અમે કાદવ કીચડથી ત્રાસી ગયાં છીએ.
અધિકારી: તમે ખોટી ચિંતા કરો છો. વરસાદ જશે ને તડકો પડશે એટલે કાદવ સૂકાઈ જશે.
ચેરમેન: એટલે? ત્યાં સુધી અમારે આવામાં જ રહેવાનું? કેટલી માખીઓ થઈ છે, તમને ખબર છે?
અધિકારી: માખીઓની વસતિ ગણતરી અસંભવ છે.
ચેરમેન: મચ્છરોનાં ઝુંડના ઝુંડ ઉતરી આવ્યા છે.
અધિકારી: જ્યારે આ વાત બુધ્ધિશાળી માણસો પણ સમજતાં નથી ત્યાં મચ્છરોને તો ફેમિલી પ્લાનિંગ કેવી રીતે સમજાવાય?
ચેરમેન: અમારા આરોગ્યનો કંઈ વિચાર કર્યો તમે?
અધિકારી: આરોગ્ય મંત્રી પણ શનિવારે પતંગ ની મીટીંગમાં આવવાના છે.
ચેરમેન: અમારાં કપડાંની જે અવદશા થાય છે, તે તો જુવો.
અધિકારી:તમે સર્ફ એક્સલ ની જાહેરાત નથી જોઈ?
ચેરમેન: ધૂળ પડે એવી જાહેરાતો માં.
અધિકારી: અરે અરે, તમે તો કાદવ- કીચડ પરથી ધૂળ પર આવી ગયા.
ચેરમેન: તમે અમારી ફરિયાદ પર ધ્યાન નહીં આપશો તો અમે ધૂળ પરથી પથ્થરો પર આવી જઈશું, સમજ્યા?
અધિકારી: સમજવાની તો તમારે જરૂર છે, નરેંદ્ર મોદીજીની શ્રમયજ્ઞની વાત નથી સાંભળી કે?
ચેરમેન: તમારી સાથે માથાકૂટ કરવી નકામી છે.લાગે છે અમારે જ આમાં કંઈ કરવું પડશે.
અધિકારી: હવે તમે સમજ્યા.
ચેરમેન: શું?
અધિકારી: એ જ, “ જાત મહેનત જિંદાબાદ. “