Wednesday, 24 June 2015

પુરુષોની દષ્ટિમર્યાદા.

પુરુષોની દષ્ટિમર્યાદા.        પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-મીતા, આજની પાર્ટીમાં મિસિસ શાહ સરસ લાગતાંતા નહીં? શી વોઝ લૂકિંગ બ્યુટિફૂલ એન્ડ યન્ગ.
-તે લાગે જ ને એમાં નવાઈ શું? યૂ નો મીતેષ, એમણે જે સાડી પહેરી હતી તે રૂપિયા સાડાબાર હજારની સાડી મિસ્ટર શાહ ગયા અઠવાડિયે જ બેંગલોરથી લાવ્યા.
-અચ્છા!
-હા, અને એમણે જે ડાયમન્ડ નેકલેસ પહેર્યો હતો તે ગયા મહિને મિસ્ટર શાહે એમની એનિવર્સરી પર ગિફ્ટમાં આપ્યો, પૂરા દોઢલાખ રૂપીયાનો.
-હંઅઅઅઅ .
-એય મીતેષ, તારે પણ આવતા અઠવાડિયે બેંગલોર જવાનું છે ને?
-હા, કેમ?
-તું બેગલોરથી મારા માટે મિસિસ શાહે પહેરી હતી એવી જ સાડી લઈ આવજે. આપણી એનિવર્સરી પર આપણા ઘરે પાર્ટી રાખીશું ત્યારે હું એ સાડી પહેરીશ.
-જો મીતા, આ મારી બિઝનેસ ટુર છે. એમાં શોપિંગનો ટાઈમ નહીં રહે.
-અરે! મેં ક્યાં તારી પાસે બાર-પંદર આઇટમ મંગાવી છે? એક જ તો સાડી લાવવાની કહી છે. એ તો તું ધારે તો આવતા આવતા એરપોર્ટ નજીકના શોપિંગ મોલમાંથી કાર થોભાવીને પણ લઈ આવી શકે.
-હંઅઅઅ. જોઈશ.
-હં, જરૂર જોજે હોં. મિસિસ શાહે પહેરી હતી એવી જ કોપી ટુ કોપી સાડી લાવજે.
-મીતા, મને યાદ નથી કે એમણે કેવી સાડી પહેરી હતી.
-શુંઊઊઊ? પાર્ટીમાં આખો વખત તો તું એની સામે ટીકીટીકીને જોયા કરતો હતો, અને લળીલળીને વાતો કરતો હતો. અને હવે કહે છે કે એમણે કેવી સાડી પહેરી હતી તે તને યાદ નથી.
-યાદ નથી તો નથી. સાચું કહું છું મીતા, મને ખરેખર યાદ નથી. આઇ સ્વેર. તારા સમ.
-જો મીતેષ, તારે સાડી ન લાવવી હોય તો ન લાવીશ, પણ મારા ખોટા સમ ખાઈશ નહીં. મને જુઠ્ઠાણા સામે સખત ચીઢ છે.
-અને મને વિના કારણે કોઈ જુઠ્ઠો કહે તેની સામે ચીઢ છે.
-સમજી. તમે પુરુષ લોકો! જોયું છતાં ન જોયું કરવામાં કેટલા ઉસ્તાદ હોવ છો તે.

જોવાની જ વાત નીકળી છે ત્યારે આ વિશેનું વૈજ્ઞાનિકોનું તારણ જોવા જેવું એટલે કે જાણાવા જેવું છે. વૈજ્ઞાનિકો કહે છે કે સરખામણીની દ્ષ્ટિએ જોઈએ તો પુરુષોની દ્ષ્ટિમર્યાદા સ્ત્રીઓની દષ્ટિમર્યાદા કરતાં સીમિત એટલે કે સાંકડી હોય છે. પુરુષોને એમની નજરની સામે પડેલી ચીજવસ્તુઓ પણ દેખાતી નથી, એ શોધવા એમણે ફાંફા મારવા પડે છે. દાખલા તરીકે-

-મીતા, મારાં ચશ્મા ક્યાં છે?
-ત્યાં જ પડ્યા હશે, ટેબલ પર.
-ટેબલ પર તો નથી, શોધી આપને.
-બે મિનિટ થોભો, આવું છું.
-અને મારુ બ્લ્યૂ શર્ટ ક્યાં છે?
-ત્યાં કબાટમાં સામે જ તો હેંગર પર લટકાવ્યું છે.
-નથી. પ્લીઝ, શોધી આપને. મને ઓફિસે જવાનું મોડું થાય છે.
-લ્યો, આ સામે જ તો શર્ટ પડ્યું છે. અને ટેબલ પર બુકની બાજુમાં ચશ્મા પડ્યાં છે. તમને  સામે પડેલી વસ્તુઓ પણ કેમ જડતી નથી?  રામ જાણે  અમે સ્ત્રીઓ ન હોત તો તમને પુરુષોને કપડાં કોણ શોધી આપત?
-તમે સ્ત્રીઓ ન હોત તો અમારે પુરુષોને કપડાં પહેરવાની જરૂરિયાત પણ ક્યાં હોત?

ખેર! આ તો એક રમૂજ થઇ. પણ હકીકત એ છે કે સાંકડી દ્ષ્ટિમર્યાદાને કારણે પુરુષોને આંખની સામે પડેલી ચીજવસ્તુઓ પણ દેખાતી નથી. તે શોધવા માટે એમણે ડાફરિયાં મારવાં પડે છે. જ્યારે સ્ત્રીઓને માત્ર સામે પડેલી જ નહીં પણ દૂર-સુદૂર કે ખૂણે-ખાંચરે પડેલી ચીજો પણ દેખાઈ આવે છે. અને એટલે જ પતિના ડાર્ક શર્ટ પર પડેલા લિપસ્ટિકના ડાઘ કે કાળા કોટ પરથી લાંબો કાળો વાળ પણ એ સહેલાઈથી શોધી કાઢે છે. કબાટનાં અંદરના ખૂણામાં મૂકેલા પૈસા કે બેગની અંદરની બાજુ મૂકેલ ચેકબુક એ સહેલાઈથી શોધી શકે છે.  કહેવાયછે કે કાબેલ જાસૂસ બનવાને લાયક કેટલીક સ્ત્રીઓને બોચીમાં પણ આંખો હોય છે.

-મીતેષ, મારી પાછળના ટેબલ-ખુરશી પર જે કપલ બેઠું છે એને ઓળખે છે તું?
- હા મીતા, આ તો  મારો બોસ રોનક અને એની વાઈફ છે.
-ધ્યાનથી જો. એ એની વાઈફ નથી, પર્સનલ સેક્રેટરી છે.
-અરે હા યાર!  પણ તને આટલી ડીમ લાઈટમાં અને પાછળ બેઠેલાં છતાં કેવી રીતે દેખાયું?


સ્ત્રીઓની આવી ચકોર દ્ષ્ટિમર્યાદા સામે પુરુષોની દ્ષ્ટિ ઘણી નબળી ગણાય. પણ તેથી એમણે શરમાવાની જરૂર નથી. જ્યાં સુધી પુરુષોને ટી.વી. અને કોમ્પ્યૂટરની સ્ક્રીન પર કે પછી ન્યૂઝપેપર કે મેગેઝીનમાં ઐશ્વર્યા રાય,ંગના રાણાવત કે વિધા બાલન બરાબર ક્લીયર કટ દેખાય ત્યાં સુધી બધું બરાબર જ છે, પછી ભલેને ઘરમાં સોફા પર બાજુમાં બેઠેલી પત્ની બરાબર ન દેખાય.  

Sunday, 21 June 2015

મારી યોગસાધના.

મારી યોગસાધના.                 પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

જ્યારથી મારા પતિદેવ શ્રી જીતેંદ્ર મિસ્ત્રીએ એસ. એસ. વાય. [સિદ્ધ સમાધિ યોગ] નો કોર્સ કર્યો, ત્યારથી તેઓ મને પણ આ કોર્સ કરી લેવા માટે આગ્રહ કરી રહ્યા હતા. જ્યારે એમણે અતિ આગ્રહ કર્યો ત્યારે મેં કહ્યું,:

-મેં એસ.એસ.સી. તો કર્યું હતું, હવે એસ.એસ.વાય. કરવાની શી જરૂર છે?
-એસ.એસ.સી. અને એસ.એસ.વાય. માં જમીન-આસમાન નો ફરક છે.
-એસ.એસ.સી. તો મેં જમીન પર રહીને કર્યું હતું. જો એસ.એસ.વાય. આસમાન માં રહીને કરી શકાય તો મજા પડે. બાય ધ વે, આ બે માં ફરક તો માત્ર છેલ્લા અક્ષરનો જ છે ને? “C” ના બદલે  “Y” જેટલો.
-એ તો તું એસ.એસ.વાય. કરશે એટલે તને સમજાઈ જશે કે બે માં ફરક શો છે, કરીશ ને?
- સારું, સારું. પણ શા માટે? [ S=સારું,   S= સારું.  Y= WHY=  શા માટે?]
-એટલા માટે કે એસ.એસ.વાય. કરવાથી તારો ‘EGO’,   તારો અહમ ઓગળશે.
-તમારો ઓગળ્યો?
-ઓલમોસ્ટ.  મોટાભાગનો.
-હવે એ ફરી પાછો ઉત્પન્ન નહીં થાય ને?
-એ તો ખબર નથી.
-તો પછી શા માટે કચુંબર ખાઈને મારી પાછળ એસ.એસ.વાય. નો દંડો લઈને પડ્યા છો? એક તો ત્યાં જઇએ એટલે ચા-કોફી છોડી દેવાના અને ઉપરથી કાચું-કોરું ખાવાનું.
-કુછ પાનેકે લિયે કુછ ખોના પડતા હૈ, મેડમ.
-પણ અહીં તો બન્ને બાજુની ખોટ છે. અહમ પણ ખોવાનો અને સારું સારું ખાવાનું પણ ગુમાવવાનું.
-સાધના કરે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય.
-પણ મારે તો સિદ્ધિ કે પ્રસિદ્ધિ કશું નથી જોઈતું. મુજે મેરે હાલ પે છોડ દીજીયે.
-એઝ યુ વીશ. હવે તો તને ઈચ્છા થશે તો જ હું તારું ફોર્મ ભરીશ.
-થેંક યુ. તમે મારી વાત માની તે બદલ.

-કોઇકે સાચું જ કહ્યું છે,Marriage is a relationship, in which one person is always right and another is Husband.”

આમ એ દિવસે એ  ચર્ચા તો મારા પતિદેવના  ઉપરના વાક્ય સાથે સમાપ્ત થઇ ગઈ. પણ થોડા દિવસ બાદ મારી એક ખાસ સહેલી હર્ષા મને મળવા મારા ઘરે આવી ત્યારે અમારી વચ્ચે આ મુજબનો સંવાદ થયો. એણે મને પૂછ્યું,

-હેય, શું કરે છે, આજકાલ?
-બસ, જલસા.
-લાગતું તો નથી.
-વોટ ડુ યુ મીન? શું લાગતું નથી?
-તું જલસા કરતી હોય એવું નથી લાગતું.
-કેમ?
-કેમ શું? સુકાઈને શેકટાની શીંગ જેવી થઈ ગઈ છે, કંઈક કર ને.
-કરું તો છું. ઘરનું-બહારનું કામ કરું છું, મારાં છોકરાંઓને ભણાવું છું, ન્યૂઝપેપરમાં મારી હાસ્યની કોલમ લખું છુ.
-ઠીક છે હવે એ બધું તો. પ્રવૃત્તિ તો એવી કરવી જોઈએ કે ક્યાં તો પૈસા બને અને ક્યાં તો તબિયત બને.

આમ કહીને એ તો ચાલી ગઈ અને મને વિચાર કરતી કરીને ગઈ. “તબિયત બનાવવા કરતાં પૈસા બનાવવા સારા” એમ લાગવાથી મેં  એ માટેના રસ્તાઓ વિચારી જોયા. પણ મને તો હાસ્યલેખ લખવા સિવાય એકેય અનુકૂળ રસ્તો ન દેખાયો.પણ એ રસ્તો પૈસા બનાવવાના કામમાં આવે એવો નહોતો. તો પછી શું કરવું? તબિયત બનાવવી?  એસ.એસ.વાય. કરવું? ના, ના. એમાં તો કાચું-કોરું ખાવાથી તબિયત ઔર ઊતરી જાય. ત્યાં જ મેં ક્યાંક વાંચ્યું, “યોગથી રોગ જાય.” અને રોગ જાય તો તબિયત અલમસ્ત બને. જો કે મને તો કોઈ રોગ છે જ નહીં તો જવાનું કશું જ નથી. છતાંય કશુંક તો કરવું જ છે, એમ વિચારીને મેં યોગસાધના કરવાનો વિચાર કર્યો અને પતિ જીતુને કહ્યું,

-સાંભળો, તમે દર વર્ષે શિયાળામાં યોગના ક્લાસ કરો છો ને? આ વર્ષે હું પણ તમને સાથ આપીશ.
-અરે વાહ! આવો શુભ વિચાર ક્યાંથી પ્રગટ્યો? એ ખુશ થયા.
-આપણા સેટેલાઈટ રોડ પર શિવાનંદ આશ્રમમાં સ્વામી શ્રી આધ્યાત્માનંદજીની આગેવાની હેઠળ, મતલબ કે એમના નિદર્શનમાં ૫૧૭ માં યોગશિબિરના આયોજનની વાત જાણી એટલે મને વિચાર આવ્યો.
-ગુડ, કાલે જ ત્યાં તપાસ કરી આવીએ.

અમે બન્ને તપાસાર્થે આશ્રમમાં ગયાં.પૂછપરછ કરતાંખબર પડી કે દસ દિવસના ક્લાસના એક જણના બસ્સો રૂપિયાચાર્જ છે. જીતુએ અમદાવાદી આત્માના અવાજને અનુસરીને પૂછ્યું, બે જણની ફી સાથે ભરીએ તો કંઈ કન્સેશન મળે કે?” ત્યાંના કર્મચારી પ્રતાપભાઇએ કહ્યું,
-તમે ફી ચૂકવી દો તો ફોર્મના પાંચ રૂપિયા બાદ મળે.
અમે બન્ને વિચારમાં પડ્યાં તે જોઈને પ્રતાપભાઇએ કહ્યું,
-વિચાર કરવા રોકાશો તો રહી જશો. ફુલ થઈ જશે તો જગ્યા નહીં મળે.
-ના, ના. આપણે રહી નથી જવું. આ ક્લાસ તો કરવા જ છે. મેં કહ્યું.

“સુખી થવું હોય તો પત્નીની વાત માની લેવી” એમ સમજીને જીતુએ  અમારી બન્નેની ફીના ૨૦૦રૂપિયા+૨૦૦રૂપિયા ચૂકવ્યા.આમ મારી ભવ્ય યોગસાધનાના પગરણ મંડાયા,  શ્રી ગણેશ થયાં. “આશ્રમની વિશાળ લૉન પર સવારે ૪.૩૦ વાગ્યે લગભગ સાતસો જણ એકસાથે પ્રાર્થના અને ઓમકાર સાથે યોગાસન કરતાં હશે એ દ્શ્ય કેવું અદભુત હશે.”  એ વિચારથી  હું રોમાંચિત થઈ ઊઠી.
૧૧ મી ફેબ્રુઆરી, ૧૯૯૮ અમારા જીવનના ઇતિહાસમાં સુવર્ણમય અક્ષરોએ લખાય એવો આ દિવસ. મારી યોગસાધનાનો પ્રથમ દિવસ! અહીં અમદાવાદની અતિશય ઠંડીના દિવસો હતા, છતાં હું અને જીતુ બન્ને જણ સવારે ૪.૧૫ વાગ્યે ઊઠી ગયાં. સામાન્યપણે ટ્રેન  પકડવાની હોય તો જ અમે આટલાં વહેલાં ઊઠીએ. પણ આજની વાત જુદી હતી.અમે બન્ને મજબૂત મનનાં માનવી હતાં.

શકુંતલા સાસરે જવા નીકળી ત્યારે એને વળાવવા કણ્વઋષિ અને પેલું નાનકડું હરણું હાજર હતું. હરણાંએ શકુંતલાનો પાલવ મોંમા પકડી રાખી એને સાસરે જતાં રોકી હતી. પણ વહેલી સવારે પાંચ વાગ્યે અમે યોગસાધના માટે આશ્રમ જવા પ્રસ્થાન કર્યું ત્યારે અમને વળાવવા માટે કોઇ હાજર નહોતું તો અમને પાછા વળવા આગ્રહ કરે એવું તો કોઈ હાજર હોય જ ક્યાંથી? અમારા ઘરનાં તમામ સભ્યો, અમારી સોસાયટીના તમામ સભ્યો, અરે,  માણસોની વાત તો છોડો, કૂતરાં સુધ્ધાં નિદ્રાદેવીના ગાઢ  આશ્ર્લેષમાં સમાઈને પોઢી રહ્યાં હતાં. તે જોઈને મને એમની મીઠી ઈર્ષ્યા થઈ. “ આપણે જ એવો તે શું ગુનો કર્યો તે મજાની મીઠી નિંદર ત્યજીને આમ નીકળી પડવાનું?” “અર્ધો કલાક લેટ જઈએ તો શું ખાટું-મોળું થઈ જવાનું?”  “ત્યાં તો હજી હવાય નહીં ફરકતી હોય.” જેવા વિચારોનું વાવાઝોડું,  જીતુના એક જ શબ્દ “જઈશું?” થી શમી ગયું અને અમે આશ્રમના પંથે  સંચર્યા.

અમારા આશ્ચર્યની વચ્ચે આશ્રમના ગાર્ડનની લૉનમાં લાઈટના ઝગમગ પ્રકાશમાં લગભગ ૨૦૦ થી ૨૫૦ જણ પાથરણાં પાથરીને બેસી ગયા હતાં. “ ઓમ નમો નારાયણાય...” ની મસ્ત ધૂન કેસેટ પ્લેયર પર વાગી રહી હતી. સાડા-પાંચ સુધીમાં તો આખી લૉન લોકોથી ભરાઈ ગઈ, વાહ ભાઈ! બરાબર સાડા-પાંચ વાગ્યે યોગાચાર્ય આધ્યાત્માનંદજી ભગવા રંગના હાફપેન્ટ-ટીશર્ટ માં સજ્જ થઈ આવી પહોંચ્યા. થોડીવારમાં અમદાવાદના કમિશ્નર ઓફ પુલિસ શ્રી બી.કે.સિંહા સાહેબ આવ્યા.જેમના વરદ હસ્તે શ્રી શિવાનંદ મહારાજનાં ફોટા આગળ દીપ પ્રગટાવીને શિબિરનો શુભારંભ કરવામાંઆવ્યો. સિંહા સાહેબે નાનકડું પ્રવચન કર્યું અને પછી શિર્ષાસન કરી બતાવ્યું. સ્વામીજીએ એમના પગ સરખાં કરતાં કહ્યું,” મોટા માણસનાં પગ પકડવાં, ક્યારેક કામ લાગે.” સિંહાસાહેબે સ્વામીજીને ચા પીવા આવવાનું આમંત્રણ આપ્યું તો સ્વામીજીએ કહ્યું, “ આપ ચાહે લિપ્ટન-ટી  લીજીયેગા, પર મેં તો સિર્ફ ચેરી-ટી હી લેતા હું.”

સ્વામીજીની “ સેન્સ ઓફ હ્યુમર” થી પ્રભાવિત થઈને મેં એમને મારા હાસ્યલેખોનું ઈનામ વિજેતા પુસ્તક “હાસ્યપલ્લવ” ભેટ આપ્યું. સ્વામીજીએ કાર્યક્રમની શરુઆત એક પંજાબી બહેનના ઉચ્ચાર વિશે કોમેન્ટ કરીને કરી.”હું જ્યારે પદ્માસન શીખવતો ત્યારે એ બહેન, સ્વામીજી,યે બદ્માસન મુજસે નહીં હોતા.  એવું કહેતા.”  યોગસાધનામાં સૌથી પહેલા ઓમ” [અ,,]  ઓમકાર આવે. એ મને ખુબ ગમે. કેમ કે એમાં ત્રણ ત્રણ કાર [ અકાર=અઉડી, ઉકાર= ઉનો અને મકાર= મર્સીડીઝ] આવે. મર્સીડીઝને જેમ હાઇવે પર ફુલ સ્પીડે ભગાવવાની મજા આવે એમ જ ઓમકાર ને અંતરના ભીતરી રોડ પર ભગાવવાની મજા આવે. અજબ શક્તિનો તન-મનમાં સંચય થઈ જાય.

એ પછી આવે પ્રાણાયામ. “ભ્રમરી પ્રાણાયામ”  એટલે કાનમાં આંગળી દબાવી, મોં બંધ રાખીને ભમરાની જેમ હમીંગ [ઓમકાર]  ગુંજન કરવાનું. સ્વામીજીએ કહ્યું, “ રાત્રે સૂતી વખતે ભ્રમરી પ્રાણાયામ કરો તો ઉંઘ સરસ આવી જાય.” એ રાત્રે ઘરે સૂતી વખતે આ પ્રયોગ મેં પાંચ-દસ મિનિટ પણ નહીં કર્યો હોય ત્યાં ઘરનાં બીજા સભ્યોએ વિરોધ નોંધાવ્યો. સૌનો એક જ સૂર હતો, તને ઉંઘ આવી જાય પણ અમારી ઉંઘ ઊડી જાય એનું શું? એટલે ન છૂટકે મેં એ પ્રયોગ પડતો મૂક્યો.

સ્વામીજીએ હાસ્યને પણ યોગનો જ એક પ્રકાર ગણાવ્યો. એ હિસાબે મારી યોગસાધના તો ઘણા સમય પહેલાંથી શરૂ થઈ ચૂકી હતી. શિબિરનાં દસ દિવસ યોગસાધના કરતાં અને હસતાં-હસાવતાં પસાર થઈ ગયા. એક બહેન શવાસનની તાલીમ દરમ્યાન ઊઘી ગયા. એમને ઊઠાડતાં સામીજીએ એક જોક કહી,
શિક્ષક: [ઉંઘતા વિધાર્થીને] તમે મારા ક્લાસમાં ઉંઘી જ શી રીતે શકો?
વિધાર્થી: સર, આપ થોડું ધીમેથી બોલો તો હું ઉંઘી શકું.

અમે શિબિરમાં  ઓમકાર, પ્રાણાયામ અને યોગ ના વિવિધ આસનો જેવા કે- પદ્માસન, વજ્રાસન, મત્સ્યાસન, હલાસન, સર્વાંગાસન, શીર્ષાસન, વગેરે શીખ્યાં. પણ  મને તો સૌથી વધારે ગમ્યાં બીજા બે આસનો, એક તો સુખાસન [પલાંઠી વાળીને બેસવું] અને શવાસન. [નિશ્ચેતન થઈને સૂઇ રહેવું] આ બે આસનની પ્રેકટિસથી મને ખુબ ફાયદો થતો હોય એમ લાગે છે. એનાથી તન-મનને ખુબ આરામ મળે છે, જીવને આનંદ મળે છે. મારી તબિયત તો એનાથી નથી બની, પણ ભવિષ્યમાં કદાચ બને પણ ખરી. આ છે મારી યોગસાધનાની રસ મધુર કહાણી. આશા છે કે એમાંથી  પ્રેરણા લઈને  તમે પણ યોગસાધના કરી પૂરેપૂરો લાભ-આનંદ મેળવશો. તો  શુભ શરૂઆત કરો આજના વિશ્વ યોગ દિવસ થી જ.આપ સૌને ખુબ ખુબ શુભકામના!
Wednesday, 17 June 2015

જીવનસાથીની પસંદગી.

જીવનસાથીની પસંદગી.          પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

પત્ની: હું જ મૂરખ હતી કે મારી મમ્મીની લાખ ના છતાં તમને પરણી.
પતિ: ઓહ,  અને હું આજ સુધી એ માટે એ ભલી બાઈને નકામો કોસતો રહ્યો!

લગભગ દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન નામનો સુંદર અને છતાં ભયાનક પ્રસંગ આવે જ છે.અને દરેકને લગ્ન કરવા માટે જરૂરી છે એક જીવનસાથીની. આ જીવનસાથીની પસંદગી કઈ રીતે કરવી એ વિકટ પ્રશ્ન દરેક લગ્નોત્સુક વ્યક્તિને જીવનમાં એકાદવાર તો શ્રી બાજપેયીજી ના રિસાયેલા ઘૂંટણની  જેમ સતાવે જ છે.

જો તમને પણ આ પ્રશ્ન સતાવતો હોય તો મૂંઝાવાની જરા પણ જરૂર નથી. કેમ કે તમારી મૂંઝવણનો સરળ ઉકેલ લઈને એક સફળ અને પ્રખ્યાત [??]  હાસ્યલેખિકા પલ્લવી મિસ્ત્રી તમારી મદદે આવી પહોંચ્યાં છે. જેમ સૂરજના પ્રકાશમાં ફૂલપાંદડી પરના ઝાકળબિંદુઓ અદ્શ્ય થાય છે, તેમ મારા અનુભવ જ્ઞાનથી ભરપૂર દિમાગમાંથી ઉત્પન્ન થયેલા સૂચનો વાંચતાં જ જીવનસાથીની પસંદગી બાબતે તમારી જે કંઈ પણ મૂંઝવણો હશે તે નિ:શંકપણે દૂર થઈ જશે એવી મને ખાતરી છે.

જીવનસાથીની પસંદગી કરતાં પહેલાં ત્રણ શબ્દો સમજી લેવા જેવાં છે :  એક છે, જીવન’,  બીજો છે, સાથી  અને ત્રીજો છે, પસંદગી.
 આ જીવન  શબ્દ જીવ [આત્મા]  અને વન [જંગલ] પરથી આવ્યો છે. જંગલમાં અટવાતા –ભટકતા આત્માની જન્મથી મરણ સુધીની સફર [કથા]  એટલે જીવન. અંગ્રેજીમાં જીવન માટે LIFE  શબ્દ પ્રચલિત છે. હકીકતમાં આ શબ્દ પહેલા માત્ર ત્રણ અક્ષરનો  LIE  હતો. LIE  એટલે જુઠ્ઠાણું, જીવનમાત્ર જુઠ્ઠાણું છે. પરંતુ વર્ષો પહેલાં જૂઠવિરોધી તત્વો એટલે કે કહેવાતા હરિશ્ચન્દ્રોએ આ શબ્દ સામે જેહાદ જગાવી. આથી કેટલાક ડાહ્યા માણસોએ LIE  માં વચ્ચે  ‘F for FUN’  ઉમેરીને એ શબ્દને  LIFE નું રૂપ આપ્યું. એવું કહેવાય છે કે જે વસ્તુની તમને તીવ્ર ઈચ્છા હોય તે મળી જાય પછી એનું આકર્ષણ ઓછું થઈ જાય છે. LIFE માં પણ એવું જ થયું. FUN નો  F ઉમેરાયા પછી LIFE એટલે કે જીવનમાંથી FUN એટલે કે આનંદ ઊડી ગયો છે.

LIFE જેવો જ બીજો અંગ્રેજી શબ્દ WIFE છે. એ પણ પહેલાં માત્ર ત્રણ જ અક્ષરનો WIE હતો. જે વ્યક્તિને જોવાથી વાઇ કે હિસ્ટેરીઆ નો એટેક આવે તેને WIE કહેવાય.[જેણે આખી જિંદગી એની સાથે વિતાવવાની હોય તેનું શું થાય એની તો કલ્પનાય કરવી અઘરી છે.] આ ત્રણ અક્ષરના શબ્દ  WIE ની સામે દુનિયા ભરની WIFE ઓએ આંદોલન કર્યું, વેલણ સરઘસ કાઢ્યું, રસોડમાં હડતાલો પાડી, ઉપવાસો કર્યા, અબોલા વ્રત રાખ્યા.એમના આવા આતંકથી ઝૂકી જઈને છેવટે પતિઓએ આ WIE શબ્દમાં F ઉમેર્યો અને આમ WIE માંથી WIFE શબ્દ બન્યો.તફાવત માત્ર એટલો રહ્યો કે  F for FUN ના બદલે અહીં F for FEAR થયું અને તે એટલી હદે કે સૈકાઓ પછી પણ આજદિન સુધી પતિઓ પોતાની પત્નીઓથી ડરતા રહ્યાં છે.

LIFE અને  WIFE શબ્દોનું પૃથ્થકરણ [એનાલિસિસ] તમને કોઈ ડિક્શનરીમાં જોવા નહીં મળે કેમ કે તેની મૈલિક શોધ એક વિદ્વાન મહાપંડિતા શ્રીમતી પલ્લવી મિસ્ત્રાસ્વામીએ કરેલી છે. જેના માટે તેમને નજીકના અથવા દૂરના ભવિષ્યમાં પીએચ.ડી. ની ડિગ્રીની સાથે એક સરસ મજાનું PRIE એટલે કે  PRIZE મળવાની શક્યતા છે.

જીવનસાથીની પસંદગી  માં બીજો શબ્દ છે, સાથી’.  સાથી શબ્દનો સાચો અર્થ છે, કોઇ પણ ક્ષણ  સુધી સાથ નિભાવે તે મતલબકે કોઇ પણ ક્ષણે [કારણસર અથવા વિનાકારણ]  સાથ છોડીને જઈ શકે તે એવો થાય છે. મરણ જેમ અકળ અને નિશ્ચિત  છે તેવી જ આ ઘટના પણ અકળ અને નિશ્ચિત હોવાથી એના પર વધુ ચર્ચા કરવી યોગ્ય નથી લાગતી.

જીવનસાથીની પસંદગી માં ત્રીજો શબ્દ પસંદગી બહુ જ મહત્વનો છે, જેમાં ભલભલા જ્ઞાની પંડિતો પણ માત ખાઇ જાય છે. એમાં જો ભૂલ કરી તો ગયા કામથી. પણ તમારે ડરવાની જરૂર નથી કેમ કે તમારા માર્ગદર્શન માટે હું જે મુદ્દા જણાવું છું તે ધ્યાનથી વાંચી જાઓ. યાહોમ કરીને પડો ફત્તેહ છે આગે

૧- રૂપ: જીવનસાથીની પસંદગી  મા સૌથી પહેલાં આવે છે, રૂપ એટલે કે દેખાવ. તમે ભલે દેખાવમાં ટી.વી. માં આવતા હોરર શો  ના હીરો કે હીરોઇન  જેવા હોવ, પણ તમારો જીવનસાથી તો રૂપ રૂપના અંબાર વાર્તાઓ મા આવતાં રાજકુમાર કે રાજકુમારી સમ હોવો/હોવી જોઇએ.

૨-  ભણતર: જીવનસાથીની પસંદગી માં બીજા નંબરે આવે છે ભણતર. તમે ભલે MABF [ મેટ્રિક એપિયર્ડ બટ ફેઈલ] હોવ, પણ જીવનસાથી તો તમારે C.A. ,  M.B.A. , I .A .S.  કે  M.B.B.S.  જ પસંદ કરવો/કરવી.

૩-સંસ્કાર:  જીવનસાથીની પસંદગી મા ધ્યાન રાખવા જેવી બાબત છે, સાથી ના સંસ્કાર.આમ તો  સંસ્કારનું મહત્વ આજકાલ વાળમાં નાંખવાના તેલ જેટલું છે. [આજે રાત્રે લગાડી કાલે સવારે ધોઈ નાંખવાનું.] એટલે આપણામાં સંસ્કાર હોય કે ન હોય કંઈ ફરક નથી પડતો. પણ આપણાં સંતાનોના સારા ભવિષ્યને ખાતર જીવનસાથી તો સંસ્કારી જ શોધવો/શોધવી.

૪-સંપત્તિ:  જીવનસાથીની પસંદગી માં આ શબ્દ સંપત્તિ અતિ મહત્વનો છે. કહેવાય છે કે-  સફળ પતિ એ છે કે જે આપણે ખરચવા ધારીએ એટલા પૈસા કમાઈ લાવે. અને સફળ પત્નીએ છે કે જે આવો પતિ શોધી કાઢે. બાકી ત્રેવડ ત્રીજો ભાઇ છે-કરકસર કરો અને પૈસા બચાઓ. જેવી ટેન્ડન્સી ધરાવતો ખડુસ જીવનસાથી તો કદી પસંદ ન કરવો. હા, પતિઓ પણ ધારે તો કોઇ કરોડપતિની એક ની એક પુત્રીના પતિ બનવા વિશે વિચારી શકે અને પ્રયત્ન પણ કરી શકે છે, એમાં ખોટું કંઈ જ નથી.

૫-જીવનસાથીની પસંદગી માં પછીનું તત્વ છે, ઉચ્ચજ્ઞાતિ:  આમ તો ૨૧ મી સદીમાં હવે નાત જાત કોણ જુએ છે. પણ તમે જીવનસાથીની પસંદગી વખતે  આ બાબતનું પણ ધ્યાન રાખજો એવી મારી સલાહ છે. આજકાલ બેકવર્ડ ક્લાસ” વાળાને જ્યાં-ત્યાં અકલ્પનીય ફાયદા મળી રહ્યા છે તે જોતાં આવો/આવી જીવનસાથી મળી જાય તો તક ચૂકવી નહીં જોઇએ.

હજી બીજી  અનેકાનેક બાબતો જીવનસાથીની પસંદગી માં ધ્યાનમાં રાખી શકાય એમ છે. પણ આજે તો આટલી રાખો તો પણ ઘણું છે.  ઉપરના સર્વગુણો જો કોઈ  કુંવારા/કુંવારી  યુવાન સાથીમાં જોવા ન મળે તો  પ્રૌઢ/પ્રૌઢા કે બીજવર/બીજવહુ  થી કામ ચલાવી લેવું. કેમ કે સર્વગુણ સંપન્ન, વેલ સેટલ્ડ જીવનસાથી આજકાલ રાજકારણમાં પ્રામાણિક માણસ  શોધવા જેવું અઘરું બની ગયું છે.

અંતે એક ગંભીર સલાહ:  તમારી  પાંચ Hobbies માંથી કોઇ પણ બે Hobbies  મળતી આવતી હોય એવો/એવી  જીવનસાથી વિશે ગંભીરતાથી વિચારજો.  સૌને મારી ખુબ ખુબ  શુભેચ્છા!