ભારતનું ભવિષ્યકથન પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
ગયા વર્ષ દરમિયાન જે અણધાર્યા, કાતિલ, સાહસપૂર્ણ, જીવ સટોસટના કે તદ્દન
બુદ્ધિહીનતાભર્યા – નકામા બનાવો બની ગયા છે, એનો લાં...બો પડછાયો ચાલુ વર્ષના
આગળના થોડા સમયગાળા પર પડશે અને પછી એ પડછાયો ધીમે ધીમે દૂર થતાં નવાં નવાં કૌભાંડો
કરવાની સુવર્ણતક ભારતવાસીઓને પ્રાપ્ત થશે એવી આગાહી પ્રખર જ્યોતિષાચાર્યા,
પ્રખ્યાત ભવિષ્ય-વેત્તા અને પ્રકાંડ લેખિકા એવાં શ્રીમતી પી.જે. મીસ્ત્રાસ્વામીએ
કરી છે. એમના કથન મુજબ અલગ અલગ કૉમના લડવૈયાઓ કે જેઓ હાલ ધર્મના રક્ષણ અર્થે
આપસમાં લડી રહ્યા છે તેઓ થોડો સમય લડત બંધ કરીને : ‘આપણે શાના માટે એકબીજા સાથે
લડી રહ્યા છીએ ?’ પ્રશ્નનો સાચો જવાબ શોધી કાઢશે ત્યારે ફરીથી નવેસરથી ઝુંબેશ ચાલુ
કરશે.
‘શનિ-મંગળના પારસ્પરિક શુભાશુભ મિલનથી ભોપાલકાંડ, હર્ષદકાંડ,
બોફોર્સકાંડ, અયોધ્યાકાંડ કે એના જેવા જ બીજા-ત્રીજા કોઈ પણ કાંડ (કર્મકાંડ સિવાય)
ભારતદેશમાં જ બની ગયા હતા એ વાત ચાલુ વર્ષની શરૂઆતમાં લોકો ભૂલી જશે. એમને ઝઘડા કરવા માટેનાં કારણો
સરકાર માઈ-બાપ પૂરાં પાડશે. જો સરકાર તેમ કરવામાં નિષ્ફળ ગઈ તો લોકો પોતાનો મારગ
ખુદ શોધી લેશે. આગામી વર્ષમાં સમગ્ર ભારતની સમગ્ર પ્રજાને બેકવર્ડ ક્લાસમાં આવરી
લેતાં ૧૦૦% અનામત પદ્ધતિ દાખલ કરાશે અને આમ અનામત પ્રશ્ને ચાલતા વર્ષો જૂના
વિવાદનો અણધાર્યો અંત આવતાં વિધાર્થીઓની લડત માટે કોઈ નવો મુદ્દો શોધવા જવું પડશે.
શનિ વક્રી થશે તો ભારતના ભાગલા થશે. કેટલા ભાગલા થશે એ માટે કોઈ સારા
અંક-જ્યોતિષની સલાહ લેવામાં આવશે. કાશ્મીર પાકિસ્તાનને સોંપી દેવાથી, ‘ન રહેગા
બાંસ ન બજેગી બાંસુરી’ કહેવત સાચી પડશે. ખેડૂતો ખેતરમાં રાઈફલ માટેની કારતૂસો
પકવશે, જે માટેનાં બીજ પરદેશથી આયાત કરવામાં આવશે. ખેતરોમાં પાણીની અછત થશે તો
માનવરક્ત વહાવવામાં આવશે પણ ખેતી તો થશે, થશે અને થશે જ.
એઇડ્સ, કેન્સર કે પ્લેગ કરતાં પણ કેતુ,
શનિ અને રાહુનો પ્રભાવ લોકોમાં વધુ પ્રમાણમાં દેખાશે. પરંતુ તેનાથી ડૉકટરની આવકમાં
જરા પણ ઘટાડો થશે નહીં. પરંતુ ઉત્તરોત્તર એમની આવકમાં વધારો જ જોવા મળશે.
બિઝનેસમેન તરીકે ડૉકટરને સમાજમાં વધુ માન-આદરથી જોવામાં આવશે. આગામી વર્ષ દરમિયાન
દેશમાં જે કાંઈ હિંસાત્મક બનાવો બનશે એ સર્વ હિંદી ફિલ્મોમાં રૂપેરી પરદે લોકોને
જોવા મળશે. જે મૂળ બનાવો કરતાં પણ સચોટ રીતે આલેખાયેલા હશે. ઘણા ન બનેલા બનાવો
વિશે પણ ફિલ્મો દ્વારા લોકો જાણકારી મેળવી શકશે. છાપાંઓ પણ આવા અજ્ઞાની લોકોનાં
અજ્ઞાન દૂર કરી જ્ઞાનરૂપી અમૃતકટોરો (!!!) લોકોને પાવામાં સફળ થશે. ‘હિન્દુ એ કોઈ
કૉમ નહીં પણ ધર્મ છે અને અયોધ્યામાં જે ઇમારત તોડી પડાઈ એ મંદિર નહીં પણ મસ્જિદ
હતી.’ એ વાતની જાણ છાપાંવાળાઓએ જ તો લોકોને કરી હતી ને ?
એક આગાહી મુજબ રાહુ-કેતુના ઘર્ષણને લીધે
આરબદેશ આપણને પેટ્રોલ-ઓઈલ આપવાની ના પાડશે. પછી આપણે સામે આપણા છોકરાં-છોકરીઓ
વેચવાની ના પાડીશું ત્યારે સીધા થઈને આપણા પગે પડતા આવશે. ગ્રહોની રાજકીય સ્થિતિ
બતાવે છેકે આપણે રશિયાથી વૈજ્ઞાનિકો, અમેરિકાથી ઘઉં, ઇંગ્લેન્ડથી શસ્ત્રો,
અરબસ્તાનથી ખજૂર અને પાકિસ્તાનથી આતંકવાદીઓની આયાત કરીશું. બદલામાં આ રાષ્ટ્રોને
આપણે કિડની, આંખ, હાથ, પગ, નાક, કાન, હાડકાં, બ્લડ અને મળી આવે તો (બચ્યાં હશે તો)
હાર્ટ જેવાં સ્પેરપાર્ટ્સ પૂરા પાડીશું. ઘણા રાષ્ટ્રોની માંગ ‘બુદ્ધિ’ માટે હશે,
પણ એ તો આપણે ક્યારની વેચી ચૂક્યા છીએ એટલે આપણે એ પૂરી પાડવામાં અસમર્થ રહીશું.
દેશની આર્થિક, રાજકીય, ધાર્મિક, અને
સામાજિક પરિસ્થિતિના સઘન અભ્યાસથી માલૂમ પડ્યું છે કે તમામેતમામ ચિંતાઓ, ટેન્શન,
અરાજકતા અને અંધાધૂંધીમાંથી દેશને ફક્ત એક જ ગ્રહ કે ગુરુ બચાવી શકે છે, તારી શકે
છે અને તે ગ્રહ છે ‘હાસ્યલેખક.’ આગામી વર્ષમાં હાસ્યલેખકોની માંગ વધી જશે.
No comments:
Post a Comment