Wednesday, 29 April 2020

સત્યકામ


સત્યકામ        પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

પુણ્યસલિલા સાબરમતી નદીના કિનારે મહર્ષિ ગૌતમ (પ્રિન્સિપાલ જી.કે.) નો આશ્રમ આવેલો હતો. એ આશ્રમના નિર્માણનું કાર્ય ખુદ આચાર્ય જી.કે. ના ભાઈ ડી.કે. કે જેઓ એક નામીચા  બિલ્ડિંગ-કોન્ટ્રાકટર  હતા,  તેમણે જનતાના પૈસે કર્યું હતું. ( આ જનતા એટલે આશ્રમમાં ભણવા આવનાર વિદ્યાર્થીઓના વાલીઓ) ભારે ડોનેશન આપનાર જનતાના સંતાનોને અહીં વગર માર્કશીટ જોયે એડમિશન મળી શકતું. એટલું જ નહીં, આર્થિક સધ્ધરતાના ધોરણે એવા વિદ્યાર્થીઓને ડિગ્રીઓ પણ પરીક્ષા લીધા વિના અપાતી હતી.

વહેલી પરોઢથી એટલે કે સવારે ૧૧ વાગ્યાથી આ આશ્રમ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના કલરવથી ગુંજી ઊઠતો. અને ૧૨ વાગ્યે તો વિદ્યાભ્યાસનું કાર્ય આરંભાઈ જતું. આસપાસનાં ઘણાં ગામોમાંથી કહેવાતા વિધાર્થીઓ સાઇકલ, સ્કૂટર, કાયનેટીક, બાઈક, કાર વગેરે સાધનો લઈ વિદ્યા ગ્રહણ કરવાના અને પોતાનું જ્ઞાન સમૃદ્ધ કરવાના હેતુસર આ આશ્રમ પર ઊતરી આવતાં.
સહાધ્યાયીઓ એકબીજા સાથે દેશની, દેશના આર્થતંત્રની, સ્કૂલની, સ્કૂલના ટીચરોની સ્ટાઈલની, હીરો-હિરોઈનોના નખરાંની –ઈશ્કબાજીની, સહાધ્યાયિનીઓના રૂપ, રંગ, કપડાંની તેમ જ તેણીઓના લખપતિ, કરોડપતિ બાપાઓની એવી ઘણી ગંભીર ચર્ચાઓ તદ્દન હળવા મૂડથી કરતાં.

 ઘણી વાર ડૂબવા આવેલી ફિલ્મસૃષ્ટિને તારવા કે ટેકો દેવાના આશયથી તેઓ મેટીની-શોમાં પુખ્તવયનાઓ માટેની ફિલ્મ જોવા ઊપડી જતાં.ચાની લારીએ ઊભા રહી ચાની ચૂસકીઓ લેતાં લેતાં અને પાન, મસાલા, તમાકુ ખાતાં ખાતાં ભારતના ભવ્ય ભૂતકાળની ( કે જ્યારે ઘી, દૂધની નદીઓ વહેતી ) અને દેશના યૌવનધન અને તેના સ્વાસ્થ્યની ચર્ચાઓ કરતાં. ફાઈવસ્ટાર હોટલમાં નાસ્તો કરતાં કરતાં તેઓ ભારતની ગરીબીરેખા નીચે જીવતા શ્રમજીવી વર્ગના ઉદ્ધારની વાતો કરતાં. આ સર્વ કાર્યોથી પરવારી તેઓ મૂડ હોય તો વર્ગમાં જતાં  અને આ રીતે તેઓ પોતાના અત્યંત મૂલ્યવાન એવા વિદ્યાર્થી-અવસ્થાના કાળનું નિર્ગમન કરી રહ્યાં હતાં.

આવી જ એક સલૂણી સવારની વેળા હતી.ટાવરના ઘડિયાળે હમણાં જ ૧૨ વાગ્યાના ઘંટ વગાડ્યા હતાં. પોપ મ્યુઝિક સાંભળીને, ચા-નાસ્તો પતાવીને વિદ્યાર્થીઓ હમણાં જ કેન્ટીનમાંથી આવીને ક્લાસમાં ગોઠવાયાં હતાં. ઘંટારવ થતાં જ આચાર્ય જી.કે. વિદ્યાદાન અર્થે ક્લાસમાં પધાર્યા. પોતાનું વક્તવ્ય શરુ કરતાં પહેલાં, હંમેશ મુજબ એમણે પોતાની સર્વગ્રાહી નજર ક્લાસના વિદ્યાર્થી (ખાસ કરીને વિદ્યાર્થીની)ઓ પર ફેંકી. એમની નજર છેલ્લી બેંચ પર બેઠેલા અપરિચિત પરંતુ અત્યંત તેજસ્વી જણાતા યુવાન પર અટકી. તેઓ એ યુવાનને તાકી રહ્યા, પણ યાદશક્તિએ સાથ ન આપ્યો. (કે એની પાસેથી ડૉનેશન મળ્યું હતું કે નહીં ?)

‘એ યૂ, સ્ટેન્ડ અપ એન્ડ કમ હીયર’ જી.કે. એ યુવાનને કહ્યું.
‘ગુડમોર્નિંગ સર’ યુવાને ઊભા થઈને જવાબ આપ્યો.
‘ઈટ’સ ઓલરાઈટ. (ચિરંજીવ ભવ) હું આર યુ ?’
‘આઈ એમ સત્યકામ, સર, યોર સ્ટુડન્ટ સર.’
‘વોટ્સ યોર ફાધર’સ નેમ ?’
‘આઈ ડોન્ટ નો સર.’
‘વોટ ? વોટ ઈઝ યોર સરનેમ ?’
‘ધેટ ઓલ્સો આઈ ડોન્ટ નો સર.’
‘તેં કોલેજમાં એડમિશન લીધું છે ?’ (ડૉનેશન આપ્યું છે ?)
‘નો સર.’
‘સ્ટુપિડ ! વગર એડમિશને તારે ડિગ્રી જોઈએ છે ? ગેટ આઉટ.’
‘યસ, સર.’
નિરાશ થયેલ, અપમાનિત થયેલ સત્યકામ ક્લાસની બહાર નીકળી, ભારે હૈયે ટેક્સી કરીને ઘરે આવે છે.
‘કેમ બેટા, આટલો જલદી ઘરે આવી ગયો ?’ માતા પૂછે છે.
‘મોમ, (મા), હું કાલથી કૉલેજ નહીં જાઉં.’
‘પણ કંઈ કારણ ?’
‘પ્રિન્સિપાલ જી.કે. મને પિતાનું નામ અને અટક પૂછે છે.’
‘એમાં શું બેટા, કાલે એમને જઈને કહેજે કે -  સાબરમતીના કિનારે જે હોટલ શીશમહલ છે એની માલિક મારી માતા છે. મારી માતાનું નામ અરુંધતિ (જે આજથી ૧૮ વર્ષ પહેલાં તમારી વિદ્યાર્થીની હતી) છે. મારા નાનાજી રાજ્યના એક મોટા પ્રધાન છે.’
‘શું આટલું કહેતાં તેઓ મને ક્લાસમાં બેસવા દેશે ?’
‘હું તને એક કવર આપું છું એ તેમને આપી દેજે.’

બીજે દિવસે સત્યકામ ફરીથી આશ્રમના એ વર્ગમાં આવે છે અને માતાએ કહેલી વાત મહર્ષિ ગૌતમને કહે છે. અને પેલું ભારે લાગતું કવર એમને આપે છે. મહર્ષિ એ કવર ખોલીને જુએ છે અને પછી કોટના ખિસામાં સરકાવી દે છે. સત્યકામની આંખોમાંથી ટપકતી નિર્દોષતા જોઇને મહર્ષિ ગૌતમનું પિતૃવાત્સલ્ય ઊછળી આવે છે. તેઓ સત્યકામને વહાલથી આલિંગન આપે છે અને પ્રથમ બેંચ પર બેસાડે છે. હવે સત્યકામને કોઈ અસુખ નથી. ફક્ત એના ભોળા મનમાં માતા અને આચાર્ય વિશે કેટલાક પ્રશ્નો ઊઠ્યા કરે છે. પણ કેટલાક પ્રશ્નોનાં કોઈ સમાધાન નથી હોતાં એ સત્યકામ સારી રીતે જાણે છે. 

                                 

No comments:

Post a Comment