Wednesday, 27 September 2017

તફાવત માત્ર એટલો જ.

તફાવત માત્ર એટલો જ.        પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-તેં આજનું છાપું વાંચ્યું?
-હા, વાંચ્યું ને.
-એમાં એક ઘણા જ અગત્યના અને પ્રેરણાદાયક ન્યૂઝ છે, તે વાંચ્યા?
-હાસ્તો. જે ન્યૂઝ અગત્યના હોય, ઉપરાંત પ્રેરણાદાયક પણ હોય તે વાંચ્યા વગર હું રહું કે?
-અચ્છા? વેરીગુડ. કહે,  તેં કયા સમાચાર વાંચ્યા, અને એમાંથી તને શું પ્રેરણા મળી?
-જુઓ, આજના છાપામાં મેં વાંચ્યું કે સોનાના ભાવમાં નરમાઈ છે, દસ તોલાએ હજાર રુપિયાનો કડાકો. છેલ્લા છ મહિનામાં આ ભાવમાં ખાસ્સો છ હજારનો કડાકો બોલ્યો છે. એમાંથી મને પ્રેરણા મળી કે આપણે સોનું વસાવીએ. નરમ થયેલું સોનું વસાવવાનું મને બહુ ગમે.
-પણ મને નહીં ગમે.
-કેમ, હજી ગઈ કાલે જ તો તમે મને કહ્યું હતું કે- જે તને ગમે તે મને ગમે!અબી બોલા અબી ફોક?
-તારી વાત સાચી છે, પણ સોનું વસાવવા આપણી પાસે પૈસા ક્યાં છે?
-કેમ, આ મહિને વરસ ભરના દાળ-ચોખા અને તેલ ભરવાના થાત તો તમે પૈસાની સગવડ કરત કે નહીં?
-અરે, પણ  એટલા પૈસામાંથી વળી આવી આવીને કેટલું સોનું આવે?
-ભલેને એકાદ વીંટી, બુટ્ટી, પેંન્ડ્ન્ટ કે નાની ચેન આવે. હું તો એટલામાં પણ રાજી.તમે પેલી કહેવત નથી સાંભળી, ટીપે ટીપે સરોવર ભરાય?’ 
-સાંભળી છે ને. પણ પછી તેલનાં ટીપા માટે ટળવળવું પડશે એનું શું? આ મહિને નહીં તો આવતા મહિને  દાળ-ચોખા-તેલ ભરવાં પડશે કે નહીં?
-તમે જ તો કાયમ કહ્યા કરો છો કે, ‘The Past is History, The Future is Mistery and the Present is Gift.’ તો પછી એ ગીફ્ટ ને એંજોય કરીએ ને. કલ કી બાત કલ સોચેંગે.
-તને તો કંઇ કહેવા જેવું જ નથી.
-હું પણ તો એ જ કહું છું ને. કુછ ન કહો...કુછ ભી ન કહો...  બોલો, ચેન લેવા ક્યારે જવું છે?
-જ્યારે સોનું એક હજાર રુપિયે તોલો થશે ત્યારે.
-હે પતિદેવ! તમે કઈ સદીમાં જીવી રહ્યા છો?  આપણે એકવીસમી સદીમાં પ્રવેશી ચૂક્યાં છીએ. આજે સોનું એક હજાર રૂપિયે તોલો વિચારવું એ પણ એક સ્વપ્ન છે.
-તો પછી તું સ્વપ્નમાં જ સોનાની ચેન ખરીદી લેજે. તારી અવનવી કે નિતનવી માંગણીઓ સાંભળીને હું ઓફિસે ચાલ્યો જાઉં તે પહેલાં એક અગત્યની વાત સાંભળી લે. આજના છાપામાં ત્રીજા પાને એક મહાન પણ સાદગીપૂર્ણ વ્યક્તિના જીવન વિશે સમાચાર છપાયાં છે તે વાંચજે.
-હવે આટલું સંભળાવ્યું છે, તો એ સમાચાર પણ તમારા સ્વમુખે સંભળાવતાં જાવ, સ્વામીનાથ!
-તેં ઈન્ફોસીસ ટેકનોલોજિસ નું નામ તો સાંભળ્યું જ હશે.
-હા, છાપામાં અનેકવાર વાંચ્યું છે.
-એમ? શું વાંચ્યું છે છાપામાં?
-એ જ કે મંદીના ટ્રેન્ડમાંપણ નફો કરતી કંપનીઓમાં એનુ સ્થાન મોખરાનું છે. એના શેરના ભાવ ઘણાં ઉંચા છે. એ પણ લખ્યા હતાં, પણ મને એ યાદ નથી.
- યાદ રાખવા જેવું ભૂલી જાય છે. અને ન યાદ રાખવા જેવું યાદ રાખે છે.
-આપણી પાસે એના શેર પડ્યાં છે?
-ના.
-તો પછી એના શેરના ભાવ દસ હજાર હોય કે દસ લાખ, આપણને શું ફરક પડે છે? તમે શેરબજારના સારા એવા મોટા બ્રોકર છો પણ આવી સારી કંપનીના શેર રાખતા નથી અને પસ્તીના ભાવે પણ કોઈ લેવા તૈયાર ન થાય એવી એવી કંપનીઓ ના શેર લઈને રાખી મૂકો છો. તમારી જગ્યાએ જો  હું હોત ને તો મસ્ત મસ્ત કંપનીના સારી એવી સંખ્યામાં  શેરો લઈ રાખ્યા હોત.
-અચ્છા?  તો હવે પછી હું તને પૂછી પૂછીને જ શેરોની લે-વેચ કરીશ, બસ? એમ કરને, મારે બદલે તું જ ઓફિસ જવાનું રાખ.
-તમને તો ખોટું લાગી ગયું. પણ મને જો એમાં સમજ પડતી હોત તો આ....કઈ કંપની?  હા, ઈન્ફોસીસના શેરો જ ન લઈ રાખ્યા હોત? જે વેચીને આજે સોનું તો ખરીદી શકાત.
-સોનું, સોનું, સોનું.... તને સોના સિવાય કંઈ દેખાતું નથી?
-દેખાય છે ને. પ્લેટિનમ અને ડાયમંડ.
-અરે, અસલી હીરા જેવા સાદગીપૂર્ણ માણસ છે આ ઈન્ફોસીસના સ્થાપક શ્રી નારાયણમૂર્તિ. એમની અંગત મિલકત હાલ ૧.૮૭ બિલીયન ડોલર્સ (કેટલા રૂપીયા થાય તે પછી તને ગણીને કહું છું.)  ગણાય છે. બેંગલોરમાં  નાનકડા મકાનમાં રહે છે, જાતે કાર ડ્રાઈવ કરીને ઓફિસે જાય છે અને દિવસના તેર તેર કલાક કામ કરે છે.
-અરરરર! બહુ કહેવાય. ભગવાન તું આવી દશા કોઈ પણ  પૈસાદાર માણસની કરતો નહીં.
-ભગવાનનો વાંક ન કાઢ. સ્ટાર ઓફ એશિયા  નું બિરુદ મેળવનાર આ વ્યક્તિએ જાતે જ આવી સાદગીભર્યું જીવન પસંદ કર્યું છે.
-એમ? પણ એમની પત્નીને તો જલસા જ ને? જ્યારે સોનું ખરીદવું હોય ત્યારે ખરીદી શકે ને? અરે, સોનું જ શા માટે? કપડાં, ચપ્પલ, પર્સ, પર્ફ્યુમ જે કંઇ ખરીદવું હોય ખરીદી શકે. શેર વેચ્યા કે પૈસા હાજર.
-એમ ખુશ ન થઈ જા. તેઓ ધારે ત્યારે એમ કંઇ કંપનીના શેર વેચી ન શકે.
-અરે, એ તે કેવું? પોતાની કંપની અને પોતાની માલિકીના શેર વેચવા એમણે તે વળી કોની પરમિશન લેવા જવાનું?
-એ વાત તને કહું છું. પહેલાં એક કપ સરસ મસાલાવાળી ચા પાઇ દે.
-લો આ તમારી ગરમાગરમ મસાલાવાળી ચા. હવે અધૂરી વાત પૂરી કરો. મી. મૂર્તિ ધારે તો પણ પોતાના શેર વેચી કેમ ન શકે?
-કેમ કે બજારમાં ખબર પડે કે મી.મૂર્તિ શેર વેચી રહ્યા છે, તો એના ભાવ ગગડી જાય.
-ઘણું વિચિત્ર છે, આ તમારું શેરબજાર.
-જેવું છે એવું છે, એની વાત છોડ.
-ભલે. પણ  મી. મૂર્તિની વાત તો કહો.
-એ તો બહુ સાદા માણસ છે. ઘરનું કામ પણ તેઓ જાતે જ કરે છે.
-કેમ? એમના પત્નીની કચકચથી કોઈ નોકર-ચાકર ઘરમાં ટકતાં નથી?
-એવું નથી.એમના પત્ની સુધાજી પણ  સાદગીપૂર્ણ અને સ્વાવલંબી છે. પોતાનું કામ પોતે કરવામાં માને છે.
-ઓહ, અને મને તો કામવાળીબાઈ  પંદર દિવસ માટે ગામડે  જાય તો પણ અઘરું પડી જાય છે.
-મી. મૂર્તિ પોતાના સંતાનોને સાદગી અને શિસ્ત શીખવવા આ કામો જાતે કરે છે.
-તો તમે પણ એમની પાસેથી પ્રેરણા લઈ હવેથી ઘરના કામમા મદદ કરવાનું રાખો.
-આપણાં સંતાનો તો હવે મોટાં થઈ ગયાં.
-બાય ધ વે, સુધાબેન શું ભણ્યા છે? અને હવે શું કરે છે?
-સુધાબેન એમ.ટેક. ની એક્ઝામમાં ફર્સ્ટ આવ્યા હતા અને ગોલ્ડમેડલ મેળવ્યો હતો.
-અને મી.મૂર્તિ?
-શ્રીમાન મૂર્તિ દસમાં નંબરે આવ્યા હતાં.
-હું નહોતી કહેતી કે હવે સ્ત્રીઓ પુરૂષોને પાછળ પાડતી થઈ ગઈ છે.
-હા, એ વાત તારી સાચી. મી.મૂર્તિ સુધાબેનની પાછળ જ પડેલા,એમનો હાથ માંગવા, લગ્ન કરવા માટે.  હું પણ એમની જેમ જ માનું છું કે, “Every man needs a woman to motivate him and to give him a reason to Live.”   
-પછી? સુધાબેને એમને લગ્ન માટે હા પાડી?
-હાસ્તો. It’s a Power of Love. મી. મૂર્તિના સાદગી, નિખાલસતા અને પ્રામાણિકતા સુધાબેનને ખુબ પસંદ આવ્યા. એમણે લગ્ન માટે હા પાડી. એટલું જ નહીં પતિને બીઝનેસમાં આગળ આવવાની પ્રેરણા આપી, સાથ અને સહકાર આપ્યો.
-ખરેખર સુધાબેન એક આદર્શ પત્ની કહેવાય, મને એમના માટે ખુબ માન છે.
-સાંભળ તો ખરી. જ્યારે એમની કંપનીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે પતિ અથવા પત્ની, બે માંથી એકે જ રહેવું એવું સૂચન મળ્યું ત્યારે સુધાબહેને સ્વેચ્છાએ એ પદ જતું કર્યું.
-એમ તો હું પણ તમે જમવા આવો છો ત્યારે તમારી ડાઈનીંગ ચેરવાળી જગ્યા સ્વેચ્છાએ  ખાલી નથી કરી આપતી?
-હા ભાઇ હા. યૂ આર ગ્રેટ. સુધાબેને સ્વેચ્છાએ ઘર સંભાળ્યું છે
, ટેલિફોન રીસીવ કરે છે, કોમ્પ્યૂટરના પ્રોબ્લેમ સોલ્વ કરી આપે છે, કોમ્પ્યૂટરના પ્રોગ્રામ્સ બનાવી આપે છે.
-પ્રોગ્રામ્સ તો હું પણ કેટ્કેટલાં બનાવું છું, પણ....જવા દો. હું પણ તમે નહાવા જાઓ છો ત્યારે તમારા ફોન રીસીવ કરું છું. અને જો તમે મને જણાવો તો તમારાં પ્રોબ્લેમ તો હું પણ સોલ્વ કરી આપું.
-રહેવા દે, તું જેટલું કરે છે, એટલું પણ મારા માટે તો ઘણું છે. અને હા, સુધાબેન પુસ્તકો પણ લખે છે, અને તે ઘણી બધી ભાષામાં પ્રકાશિત પણ થયાં છે.
-એમ તો મારાં પણ હાસ્યલેખોનાં ચાર પુસ્તકો પ્રકાશિત થયાં છે, એમાંથી બે ને ઈનામ પણ મળ્યાં છે અને પાંચમાં પુસ્તક માટે હું તૈયારી પણ કરી રહી છું. હા, તફાવત એટલો છે કે મારાં પુસ્તકો માત્ર ગુજરાતીમાં જ પ્રકાશિત થયાં  છે.
-હા. એ રીતે તું ક્રીએટીવ છે ખરી.ગપ્પાં મારવાં કરતાં એ પ્રવૃત્તિ સારી છે.આઇ લાઇક ઇટ.
-થેંક્યુ. સુધાબેન બીજુ શું શું કરે છે?
-સુધાબેને બેંગલોરમાં બાળકોના સર્વાંગી વિકાસ માટેનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. એ માટે એમને મહિનામાં લગભગ વીસેક દિવસ પ્રવાસ ખેડવો પડતો હતો.
-બાપરે! મને તો ટ્રાવેલિંગનો બહુ જકંટાળો છે.
-સુધાબેનને તો કદાપિ હતાશા થઈ નથી કે તેઓ કદાપિ નિરુત્સાહી થયા નથી કે એમને કદી કંટાળો આવતો નથી.
-માણસ હોય એને કદી કંટાળો ન આવે, હતાશા-નિરાશા ન થાય એ વાત આમ તો માનવામાં આવે એવી નથી. છતાં તમે કહો છો તો હું માની લઊં છું. પણ તેઓ કોઇવાર ફિલમ બિલમ જોવા જાય કે નહીં?
-હા. મૂડ આવે ત્યારે તેઓ કોઈ સારું પિક્ચર જોઈ નાંખે છે.
-લ્યો, આ વાત તમે બહુ સારી કરી. મારો પણ મૂડ આજે ફિલ્મ જોવા જવાનો છે. જઈશું ને?
-આજે તો મારે એક અગત્યની મીટીંગમાં જવાનું છે. સાંભળ. તેઓ ચાલે ત્યાં સુધી જુની કાર જ વાપરે છે. અને તને દર વખતે નવી કાર લેવાનું મન થાય છે.
-એ તો આપણી કાર જુની થઈ ગઈ છે, ખખડી ગઈ છે, એટલે.
-તો પણ હજી બીજા બે-એક વર્ષ તો નીકળી જશે. હા, હું કહેતો હતો કે મી. મૂર્તિ તો હવે ઈન્ફોસીસમાંથી નિવૃત્ત થઈ ગયા છે.પણ  મૂર્તિ પરિવારની હોબી વાંચન છે.
-એ તો આપણા પરિવારની હોબી પણ વાંચન છે. એમના વિશે આ બધું સાંભળીને મને તો લાગે છે કે  મી.મૂર્તિ  અને આપણી  લાઈફ સ્ટાઈલમાં ઝાઝો તફાવત નથી.
-અચ્છા, અને એમની સંપત્તિ જે ૧.૮૭  બિલીયન ડોલર્સ છે, તે...
 -હા, માત્ર એ એક તફાવત છે, કે એમની પાસે ૧.૮૭ બિલીયન ડોલર્સ ની સંપત્તિ છે જે આપણી પાસે નથી. બાકી તો બધું સરખે સરખું જ લાગે છે.
-એમ ને? તો હવે?
-તો હવે શું. તમે આજે જતાં જતાં દાળ-ચોખા-તેલનો ઓર્ડર આપી દેજો.
-અને સોનું ખરીદવાનો વિચાર?
-પડતો મૂક્યો.
-થેંક્યુ. તો હવે હું જાઉં ઓફિસે?
-હા, ખુશીથી અને નચિંત મને  જાઓ. હું પણ હવે ઘરકામમાં લાગું. 

આજની જોક:
એક શિક્ષક: જો મને તાતા-અંબાણીનો બિઝનેસ મળી જાય તો હું એમના કરતાં વધારે રુપિયા કમાઉં.
બીજા શિક્ષક: એ કઈ રીતે?
પહેલા શિક્ષક: હું બિઝનેસ ઉપરાંત ટ્યુશન પણ કરું ને.Wednesday, 20 September 2017

ઈન્ટરનેટનાં ઉપવાસ.

ઈન્ટરનેટનાં ઉપવાસ       પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી

દ્રશ્ય ૧:
-રીમા,  એ રીમા, અહીં આવ તો.
-બોલો, શું કામ છે મારું?
-કામ તો કંઈ નથી, બેસ ને બે ઘડી, અહીં મારી પાસે.
-સવાર સવારમાં એમ ખાલી બેસવાનો ટાઈમ નથી, ઘણા કામો બાકી પડ્યાં છે.
-ઈન્ટરનેટ તો ચાલતું નથી, તો પણ તને મારી પાસે બેસવાનો ટાઈમ નથી?
-અરે! ઈન્ટનેટ નથી ચાલતું તો શું થયું? દુનિયા થોડી જ રોકાઈ ગઈ છે?
-ઈન્ટરનેટ વગર સ્ટોક માર્કેટની એક્ટિવીટી રોકાઈ ગઈ,નથી તો માર્કેટ સ્ટડી કરાતો કે નથી તો સોદા કરાતા,  એટલે મારે માટે તો આખી દુનિયા રોકાઈ ગયા જેવું જ છે
-તમારી એ વાત સાચી, પણ મારે ઘણા બધાં કામો બાકી પડ્યાં છે. આવતી કાલે રક્ષાબંધન છે, તમારાં બહેન-બનેવી એટલે કે મારાં નણંદ-નણદોઈ સવારે આવવાના છે, એમની ગીફ્ટ તો આવી ગઈ છે, પણ એને ગીફ્ટ પેક કરવાની બાકી છે. સ્વીટ્સ અને શાકભાજી બજારમાંથી લાવવાના છે. કામવાળી  આવવાની છે, પણ વધારાનું કામ નથી કરી આપવાની એટલે ઘર સાફસૂફ કરવાનું છે.
-તને આ બધાં જ કામો માટે ટાઈમ છે, અને મારી પાસે બે ઘડી બેસવાનો જ ટાઈમ નથી?  જોઈ લીધો મેં તારો પ્રેમ.  હવે તું મને પહેલાંના જેવો પ્રેમ નથી કરતી.
-અચ્છા,  એમ વાત છે? તો લો ને, હું તમારી પાસે બે ઘડી નહીં, બાવીસ ઘડી સુધી બેસું. પણ પછી તમે મને કામમાં મદદ કરજો. આમ પણ લગ્ન પહેલાં તમે મારા માટે ચાંદ-તારા તોડી લાવવાનું કહેતા હતા, પણ  તે તો મારે જોઈતા નથી. એટલે તમે ફક્ત બજારમાંથી સ્વીટ-સબ્જી લાવી આપવાનું અને ગીફ્ટ પેકિંગનું કામ કરી આપજો.
-લાગે છે કે મારાથી, તારી  અન-સાઇકીક મોમેન્ટ્સ માં વાત થઈ ગઈ. તું તારે જા, તારું કામ કર, વાતો તો પછી પણ,  તું ફ્રી હોય ત્યારે કરાશે.
-અબ આયા ના ઊંટ પહાડકે નીચે?’
- આ તો શું છે કે- . નથી તો વોટ્સઅપ ચાલતું કે નથી તો ફેસબુક ચાલતું, એટલે નવરો પડી ગયો,  તુ જ કહે હું શું કરું?
-કોઈ સારી બુક વાંચો, સારી સીડી સાંભળો, ટી.વી. પર કોઈ સારા પ્રોગ્રામ્સ આવતા હોય તો જુવો.
૨૫ મી ઓગષ્ટ, ૨૦૧૫, અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ પર, હાર્દિક પટેલની આગેવાની હેઠળ, આખા ગુજરાતમાંથી લાખો પાટીદારો, અનામત આંદોલન માટે ભેગા થયાં. સાંજ સુધી તો સભા, રેલી, આવેદન પત્ર, ભુખ હડતાળ, વગેરે કાર્યક્રમો શાંતિ પૂર્વક થયા. બહારગામના પાટીદારો સાંજે પરત પણ થયા. પણ જેવી સાંજે પોલીસે હાર્દિક પટેલની ધરપકડ કરી, અને ગ્રાઉન્ડ પરના પાટીદારો પર લાઠીચાર્જ કર્યો કે અમદાવાદ, વડોદરા,  મહેસાણા, સુરત વગેરે સ્થળે હિંસક આંદોલનો ફાટી નીકળ્યાં. સરકારે આંદોલનને કાબુમાં લેવા માટે જે પગલાંઓ લીધા, એમાંના એક પગલા તરીકે, મોબાઈલ ઈન્ટરનેટ પણ બંધ કરી દીધું. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી,’ એમ માનીને સરકારે લોકોને સોશિયલ મીડીયાથી જ કટ ઓફ કરી દીધા.
થોડી મિનિટો માટે ઈન્ટરનેટ બંધ થાય તો પણ લોકો અકળાઈ જાય, તો આ તો કલાકો, અને પછી લંબાઈને દિવસો સુધી ઈન્ટરનેટ બંધ રહ્યું. આમ શ્રાવણ મહિનામાં ખાવાના ઉપવાસની સાથે સાથે ઘણા  લોકોને  ઈન્ટરનેટના ઉપવાસ  પણ પરાણે કરવા પડ્યાં, અને ઉપર મુજબનું દ્રશ્ય એક ઘરમાં ભજવાયું. એવાં બીજા પણ કેટલાક દ્રશ્યો ભજવાયા, જે અહી પ્રસ્તુત કરું છું.
દ્રશ્ય ૨:
-કહું છું, હવે બહાર થોડી શાંતિ પ્રસરી લાગે છે, તો આજે જરાવાર કોઈ મોલ માં આંટો મારી આવીએ?
-આપણે દૂધ, દહીં, શાક્ભાજી, ફ્રુટ્સ, લોટ, ખાંડ, અનાજ, કઠોળ, ઘી,તેલ, વગેરે ઘરમાં જરૂરી બધી વસ્તુઓનો સ્ટોક તો આગમચેતી વાપરીને  અનામત ની મહારેલી થાય એ પહેલાં જ ભરી લીધો હતો ને? તો હવે શું ખૂટી પડ્યું તે તારે મોલ માં જવું છે?
-ઈન્ટરનેટ. બુધવારથી ઈન્ટરનેટ બંધ છે, બે-ત્રણ દિવસથી શું ચાલી રહ્યું છે તે ખબર નથી, વોટ્સઅપ અને ફેસબુક વગર મજા નથી આવતી.  તેથી મને થયું કે કોઈ મોલમાં ફ્રી વાઈ-ફાઈ હોય તો ઘડીક જઈને સોશીયલી કનેક્ટ થઈ આવીએ.
દ્રશ્ય ૩:
-સાંભળ, હું જરા શોપિંગ સેન્ટર સુધી જઈ આવું.
-અત્યારે બહાર નીકળવાનું સલામત નથી, ત્યારે ઘરની બહાર શું કામ જાઓ છો?
-મારા પ્રીપેઈડ મોબાઈલમાં ટોકટાઇમ પૂરો થઈ ગયો છે. ઈન્ટરનેટ બંધ છે તેથી ઘરેથી ઓનલાઇન રિચાર્જ કરાવી શકાય એમ નથી. વોટ્સઅપ  અને  ફેસબુક તો બંધ જ છે. SMS પણ બંધ થઈ ગયાં છે,  ત્યારે એટ્લીસ્ટ ફોનથી વાતચીત ચાલુ રહે તે માટે ટોકટાઈમ કરાવવો જરૂરી છે.
દ્રશ્ય ૪:
-હલો શીલા, હવે પરિસ્થિતિ થોડી નોર્મલ થઈ લાગે છે, તો શુક્રવારે આપણી કીટીપાર્ટી રાખી દેવી છે?
-હા રોમા, હું તને એ માટે ફોન કરવાની જ હતી. શનિવારે પાછી બળેવ છે, તો કીટીપાર્ટી શુક્રવારે જ રાખી દઇએ. અને હા, જેના ઘરે વાઈ-ફાઈ ઈન્ટરનેટ બરાબર ચાલુ હોય તેના ઘરે જ પાર્ટી ગોઠવીએ. બે દિવસથી નેટ બંધ છે તે મજા નથી આવતી. તારા ઘરે ઈન્ટરનેટ ચાલે છે?
-ના, મારે પણ વાયરલેસ નેટ જ છે. અલકાને ઘરે કેબલનેટ છે, તો એને જ પૂછી જોઉં કે પાર્ટી રાખવાનું એને  અનુકૂળ છે કે કેમ. મેસેજીસ તો ચેક કરી શકીએ, બરાબર ને?
-હા, તું  પાર્ટી નક્કી કરીને ફોન કર મને.
-ઓકે.
દ્રશ્ય ૫:
-તમે તૈયાર થઈને ક્યાં ચાલ્યા?
-જરા કોર્પોરેટ રોડ સુધી જતો આવું. ઘરમાં નેટ નથી ચાલતું તો હસિતભાઈની ઓફિસમાં જઈને જરા બે ત્રણ અગત્યના ઈમેલ કરવાના છે તે કરતો આવું.
-બહાર હજી અશાંતિ છે, તમે પડોશમાં નીરજભાઈને ત્યાં કેબલનેટ છે ત્યાં જઈને જ કામ પતાવી આવોને.
દ્રશ્ય ૬:
- ઘરમાં આવું કે, હસુકાકા?
-કોણ મનન? અરે વાહ! આજે કેમનોક ને ભુલો પડ્યો? આ કાકો તને કેવી રીતે યાદ આવ્યો?
-એવું છે ને કાકા, ઘણા વખતથી તમને મળવાનું વિચારતો જ હતો. પણ કામના ભારથી નીકળી શકાતું નહોતું. અને આજે ઈન્ટરનેટ બંધ છે તેથી કંઇ કામકાજ થઈ શકે એમ નથી,તો થયું લાવ કાકાને મળી આવું.
-બહુ જ સારું કર્યું ભાઈ, કે તું મળવા આવ્યો, તારી કાકી તો કાગના ડોળે તારી રાહ જોતી હતી. ભલું થજો સરકારનું કે આજે એણે ઈન્ટરનેટ બંધ રાખ્યું ને અમને તારા દર્શન થયાં.
દ્રશ્ય ૭:
મમ્મી,  હું તને કામમાં કંઈ મદદ કરાવું?
-અરે વાહ! આજે સુરજ પૂર્વના બદલે પશ્ચિમમાં ઊગ્યો કે શું?
-એવું કંઈ નથી મમ્મી. ઈન્ટરનેટ બંધ છે, વોટ્સઅપ  કે  ફેસબુક કંઇ ચાલતું નથી તેથી કંટાળો આવે છે, તો થયું લાવ, તને કામમાં કંઈ મદદ કરાવું.
-મને તો લાગે છે કે સરકારે રોજ બે ચાર કલાક ઈન્ટરનેટ બંધ રાખવું  જોઈએ.
દ્ર્શ્ય ૮:
-મીનૂ, શું વાત છે, આજે તો ઘર એકદમ ચકાચક  ચોખ્ખું  છે  ને?
- ઈન્ટરનેટ બંધ છે, WA,  Face Book, Twitter , SMS, બધું બંધ છે, કંઈ સુઝતું નહોતું તો મને થયું કે લાવ આજે ઘર સફાઈ કરીને બધું વ્યવસ્થિત ગોઠવી દઉં. કેમ લાગ્યું મારું આયોજન?
-મને લાગે છે કે સરકારે રોજ  મીનીમમ બે કલાક નેટ બંધ રાખવું જોઈએ.
લોકોના તોફાનોને કાબૂમાં રાખવા સરકાર પાસે ઈન્ટરનેટ નામની ચાવી હાથમાં આવી છે. ભાગતાં ભૂતની ચોટલી ભલી   જોઈએ આ કીમીયો ક્યાં સુધી કારગત નીવડે છે તે.Wednesday, 13 September 2017

કેટલીક ડોકટરી જાહેરખબરો.

કેટલીક ડોકટરી જાહેરખબરો.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.    
 
ડોક્ટર: તમારા બંને  પગે સોજા છે, પણ એમાં મને કંઈ ચિંતા કરવા જેવું લાગતું નથી.
દર્દી: ડોક્ટર સાહેબ, તમારા પગે સોજા હોય તો મને પણ ચિંતા કરવા જેવું કંઈ લાગે નહિ.  
થોડા સમય પહેલાં જ અમદાવાદ શહેરના નામાંકિત ડોક્ટરોની એક મીટીંગ શહેરના અગ્રગણ્ય અને નામચીન ગણાતા ડોક્ટર શ્રી ધ.બા.કો. એટલે કે ધનવંતરાય બાલુપ્રસાદ કોબાવાલાના કલીનીક પર યોજાઈ ગઈ. પેશન્ટની બીમારીની સાથે સાથે તેઓ પોતાની ગરીબી દૂર કરવામાં ઘણા પાવરધા હતા, તેથી પોતાની ભવ્ય હોસ્પિટલમા એક અતિ ભવ્ય કોન્ફરન્સ રૂમ બનાવ્યો હતો, પણ મીટીંગ તો લગભગ ઘરના સેમીનાર હોલમાં જ યોજાતી.
એમના ૬ બેડરૂમવાળા નાનકડા કોટેજમાં ત્રણ ઈમ્પોર્ટેડ કાર હતી.   કોટેજમાં ફાઈવ સ્ટાર હોટેલ જેવી તમામ સગવડો હતી. ધનવાનોની ઓલાદ હંમેશા સર્વગુણ સંપન્ન જ હોય છે, એટલે એમના સંતાનો વિષે કંઈ કહેવા જેવું નથી. એમણે ઉંચી ઓલાદના બે ઘોડા અને બે આલ્શેશિયન કૂતરા પણ રાખ્યા હતા, ‘ઊંચે લોગ ઊંચી પસંદ’  
ડોક્ટર હતા ખુબ રંગીન અને શોખીન મિજાજના, જેના ઘરે જાય ત્યાં એમને કોઈ ચીજ ગમી જાય તો એના પર હાથ મૂકીને બોલે, ‘વેરી ગુડ, એક્સેલન્ટ, બ્યુટીફૂલ.’ બીજે દિવસે એ ચીજ ડોક્ટરસાહેબના કોટેજમાં હોય જ. (મિત્રો ખાસ કાળજી લેતા કે ડોક્ટર સાહેબ પોતાની બીબી પર હાથ મૂકીને આવું કશું ન બોલે.)
ડોક્ટરાણી ભલા, ભોળા અને નિસ્પૃહી (?) જીવ હતા. પતિદેવ પૈસા આપે એટલે શોફર ડ્રીવન કાર લઈને શોપિંગ કરવા નીકળી પડતા. ફેશનેબલ કપડા, જ્વેલરી, ચપ્પલ-સેન્ડલ, કોસ્મેટીક્સ, હોમ ડેકોરેશનની ચીજો, બધામાં એમને રસ. દામ્પત્યજીવન સુખેથી ચાલતું. (જો એને દામ્પત્ય જીવન કહેવાય તો)
આજે પણ  ડોક્ટરાણી નોકરોની અને રસોઇયાઓની મદદથી મીટીંગની બધી વ્યવસ્થા ગોઠવીને ‘બ્યુટી પાર્લર’મા યંગ દેખાવા માટેની ટ્રીટમેન્ટ લેવા ચાલી ગયા. ડોક્ટર ધ.બા.કો.ના ઘરે મીટીંગ હોય એટલે આમંત્રણ મળ્યું હોય એ દરેક ડોક્ટર હાજર રહે જ.
ઓરીજીનલ વ્હીસ્કી, રમ, વાઈન ની સાથે ‘ચખના’ મા કદી જોઈ – સાંભળી કે ચાખી ન હોય એવી એવી વાનગીઓ ખાવા મળતી. આજની મીટીંગ ડોકટરી વ્યવસાય અંગેની જાહેર ખબરો માટે મળી હતી. બધા એકમત હતા કે મંદ પડતા જતા ડોકટરી વ્યવસાયને ટીવી, ન્યૂસપેપર, મેગેઝીન્સ, સિનેમાહોલ વગેરે જગ્યાએ જાહેરાત આપીને તેજ કરવો જોઈએ.
ડોક્ટર ધ.બા.કો. એ એમના પગારદાર માણસે લખી આપેલું પ્રવચન ડચકા ખાતા ખાતા વાંચી સંભળાવ્યું, બોર થયા હોવા છતાં બધાએ જ એને તાળીઓથી વધાવી લીધું. પછી જાહેરખબરોના સ્લોગનોનું કાગળિયું ત્યાં હાજર સૌને વહેચ્યું, જે વાચકોના જ્ઞાનની અભિવૃદ્ધિ ખાતર અહીં પ્રગટ કરું છું.  
જાહેરખબર નં. ૧ : તમને જમ્યા પછી સુસ્તી લાગે છે ? ચાલ્યા પછી પગ દુખે છે ?  મુવી જોયા બાદ માથું દુખે છે ? તો આજે જ અમારે ત્યાં આવો, અમે તમારા તમામ દુખો દૂર કરીશું.
-પરદુઃખભંજક ડોક્ટર દુખદુરાવકર.        
જાહેરખબર નં. ૨ : આજે જ અત્યારે જ આવો... વહેલો તે પહેલો... પહેલા દસ દર્દીઓને દવામાં વીસ ટકા ડિસ્કાઉન્ટ... બાકીનાનો રીજનેબલ ભાવે ઇલાજ કરી આપવામાં આવશે.
-ડોક્ટર રામબાણલાલ.    
જાહેરખબર નં. ૩ : આવો, અમારા દવાખાનાના કાયમી ગ્રાહકો બનો અને  ઇનામી કૂપન દ્વારા લકી ડ્રોમા લાખોના ઇનામો જીતો. બાકીનાને પણ આખા અઠવાડિયાની દવા ફ્રીમાં આપવામાં આવશે.
-ડોક્ટર ધંધાધાપાવાળા સ્વામી.
જાહેરખબર નં. ૪ : અમારા દવાખાનામાં લાઈફ મેમ્બરશીપ મેળવનાર વ્યક્તિના કુટુંબના અન્ય મેમ્બરની ટ્રીટમેન્ટ રીજનેબલ ભાવે કરવામાં આવશે. કુટુંબના સૌથી વડીલ મેમ્બરની દવા એ જીવે ત્યાં સુધી મફત આપવામાં આવશે. આ અદ્ભુત યોજનાનો લાભ જરૂરથી લો.
-ડોક્ટર કાતિલ મજબુર.
જાહેરખબર નં. ૫ : ‘દર્દે ડીલ ભગાવ યોજન’ ૫ મી ડીસેમ્બર સુધી આ યોજનાનો લાભ લેનારને આકર્ષક વળતર. ઓપરેશનમાં ૫ % અને દવામાં ૭ % ડિસ્કાઉન્ટ, ( ૧૫ મી થી ૨૦ ડીસેમ્બર દીકરીના લગ્ન હોવાથી દવાખાનું બંધ રહેશે.)
તા.ક. પેશન્ટોના અપૂર્વ ધસારાને ધ્યાનમાં રાખીને યોજના ૧૦મી તારીખ સુધી લંબાવવામાં આવી છે. 
--ડોક્ટર દર્દેજીગર ભગાવકર.     
જાહેરખબર નં. ૬ : દર્દીઓ માટે ખુશખબર ! એમના હરએક દર્દની દવા અમારી પાસે ઉપલબ્ધ છે. એકવાર અમારા દવાખાનાની મુલાકાત લેશો પછી બીજે ક્યાંય (ઉપર સિવાય) જવાનું નામ નહીં લેશો. તમારી સાથે તમારા મિત્રને, પત્નીને, બાળકોને, સગાઓને લાવો. જેટલા વધુ પેશન્ટ લાવશો એટલું વધુ ડિસ્કાઉન્ટ મેળવશો. દોડો દોડો..જલ્દી કરો.
-ડોક્ટર તકલાદી સાધુ.
જાહેરખબર નં. ૭ : અમારે ત્યાં એક આંખના મોતિયાનું ઓપરેશન કરાવનારને બીજી આંખનું ઓપરેશન  ૫૦ % ડિસ્કાઉન્ટ થી કરી આપવામાં આવશે. ચશ્માની ત્રણ જોડ લેનારને એક જોડ ફ્રી આપવામાં આવશે. આ આકર્ષક યોજના માત્ર એક મહિના માટે જ છે, માટે જલ્દી આવો અને લાભ લો.
-ડોક્ટર સુનયનદીપ મોતીયાવાલા.       
અને છેલ્લે :
ડોક્ટર: બેટા, તું મારું  હાર્ટનું ઓપરેશન કરવા જઈ રહ્યો છે, ત્યારે મારે તને એક જ વાત કહેવાની છે, ( જે તારે યાદ રાખવાની છે) તે એ છે કે - જો આ ઓપરેશન ફેલ ગયું તો મારી પત્ની, એટલે કે તારી મા, (તારી પત્નીની સાસુ) કાયમ માટે તારા ઘરે રહેવા આવી જશે.


Wednesday, 6 September 2017

કાશ ! આપણી સરકાર પાસે એકાદ ડાહ્યો માણસ હોત !

કાશ ! આપણી સરકાર પાસે એકાદ ડાહ્યો માણસ હોત ! પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-પલ્લવીબેન, તમે કંઈ  સાંભળ્યું ?
-શું, ગીરાબેન ?
-આપણા પાડોશી અવનીબેન મંદિરે દર્શન કરવા ગયા હતા, ત્યાં એમનું સોનાનું ત્રણ તોલાનું મંગળસૂત્ર ચોરાઈ ગયું?
-કેવી રીતે ?
-અવનીબેન હજી તો  દર્શન કરીને મંદિરમાંથી બહાર જ નીકળ્યા હતા, અને ગલીમાંથી  બે છોકરાઓ સ્કુટર પર  આવ્યા, અવનીબેન કંઈ સમજે તે પહેલા સ્કુટરની પાછળ બેઠેલા છોકરાએ એમના ગળામાંથી મંગળસૂત્ર આંચકી લીધું અને બંને છોકરા સ્કુટર પર ભાગી ગયા.
-ઓહ ! બહુ ખોટું થયું.
-હા, હજી ગયા મહીને જ એમના હસબંડ જૈમિનભાઈ મોર્નિંગ વોક લઈને આવતા હતા, કોઈનો ફોન આવતા એ મોબાઈલ પર વાત કરી રહ્યા હતા, ત્યારે ગાર્ડનની બહાર આવી રીતે જ સ્કુટર પર ડબલ સવારી આવી રહેલા છોકરાઓ એમનો એપલનો મોંઘો ફોન આંચકી ગયા હતા.
-એનો અર્થ તો એ થયો કે આપણે ચાલતા  જતા હોઈએ ત્યારે સ્કુટર પર ડબલ સવારીમા આવતા છોકરાઓથી ચેતતા રહેવું.
-કહેવાય છે ને કે - ‘સાચવનારની બે અને ચોરનારની ચાર.’ આપણે સાચવી સાચવીને કેટલું સાચવીએ?
એના કરતાં સરકારે જ કાયદો કરીને સ્કૂટરની ડબલ સવારી પર પ્રતિબંધ જ મૂકી દેવો જોઈએ, શું કહો છો તમે આ બાબતમાં ?
ગીરાબેનની આ વાત સાંભળીને મને વર્ષો પહેલાની એક સવાર યાદ આવી ગઈ.
-હે ભગવાન !
-કેમ શું થયું? આજે કંઈ ઊઠતાંની સાથે  ભગવાનને યાદ કર્યા?
-જો ને આ આપણી સરકાર, ભલભલા ચમરબંધીઓને ભગવાન યાદ કરાવી દે.
-અચ્છા ! જાણું તો ખરી કે સરકાર તમને ક્યાં નડી ?
-છાપું વાંચ્યું તે આજનું ?
-ના, મેં તો એમ ને એમ જ ભગવાનને યાદ કરી લીધા છે. બોલો, ભગવાનને યાદ કરવા પડે એવા શું સમાચાર છે ?
-સમાચાર છે, ‘દ્વિચક્રી વાહનો પર ડબલ સવારીનો પ્રતિબંધ’
-પણ પ્રતિબંધ લગાડવાનું કંઈ કારણ ?
-આ તોફાનોના સમયમાં અસામાજિક તત્વો સ્કુટર પર ડબલ સવારીમાં આવે છે અને લોકોને ખંજર હુલાવીને પલાયન થઇ જાય છે.
-પણ આ તો ‘પાપડી ભેગી ઈયળ બફાય’ એવી વાત થઇ ને ? એ લોકોને લીધે જનતાએ તકલીફ ભોગવવાની ?
-તને પેલા ધૂની રાજાની વાર્તા તો ખબર છે ને ?  એક દિવસ એણે શું ધૂન ચઢી તે મહેલમાંથી પાલખી કે રથમાં જવાને બદલે ચાલતો નીકળી પડ્યો. પગે ધૂળ લાગી અને માથે તડકો, તેથી તપી જઈને એણે હુકમ કર્યો, ‘આખી પૃથ્વીને ચામડે મઢી દો અને આખા આકાશને મંડપથી ઢાંકી દો.’ એ તો એનો વજીર ડાહ્યો હતો તે રાજાને આવું અવિચારી પગલું ભરતા અટકાવ્યો અને એના માટે પગના જોડા અને શિરછત્ર બનાવી એનો પ્રોબ્લેમ સોલ્વ કરી આપ્યો.
-કાશ ! આપણી સરકાર પાસે એકાદ આવો ડાહ્યો માણસ હોત !
-રાજકારણમા તો ભલભલા ડાહ્યા માણસો ગાંડા બની જાય. રશિયાની એક જોક છે: ત્યાંથી કટ્ટર સામ્યવાદી (ભગવાનમાં ન માનનારા) લોકોનું એક જૂથ એક મહિના માટે ભારતમાં રાજકારણના અભ્યાસ માટે આવ્યું. એ લોકો રશિયા પાછા ગયા ત્યારે પાક્કા આસ્તિક થઇ ગયેલા. એમને રશિયામાં પૂછવામાં આવ્યું કે એવો તે શું ચમત્કાર થયો કે તમે  ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવતા થઇ ગયા ? જૂથના લીડરે કહ્યું, ‘ભારતનું રાજકારણ જે રીતે ચાલી રહ્યું છે, તે જોઇને લાગે છે કે ઈશ્વરનું અસ્તિત્વ છે જ, એ સિવાય આટલો મોટો દેશ ટકી રહે શી રીતે ?’
-તમારી વાત સાચી છે, પણ મને તો સ્કુટર પર ડબલ સવારી પ્રતિબંધથી ફાયદો થઇ ગયો.
-એ શી રીતે ?
-ઓફિસે જતી વખતે મારી બહેનના નણંદ નીલાબેનને મારે રોજ સ્કુટર પર લઇ જવા પડે છે, સાથે એમનો બાબો હોય, રસ્તામાં એને સ્કુલે ઉતારવાનો, રડતો હોય તો એને મનાવવાનો, પછી એમને એમની ઓફિસે ઉતારવાના, એમાં મને ઘણીવાર ઓફિસે જતા મોડું થઇ જતું હતું, ડબલ સવારી પ્રતિબંધથી  હવે એ ઝંઝટ મટી.
-બહુ ખુશ ન થઇ જા, મહિલા અને બાળકો માટે પ્રતિબંધ નથી.
-ઓહ ! તો પછી આવા કાયદાનો શું ફાયદો. ‘ કાશ ! આપણી સરકાર પાસે એકાદ ડાહ્યો માણસ હોત !’
-મારે તો ગેરફાયદો જ છે. હવે હું અનંતભાઈ સાથે સ્કુટર પર ઓફીસ નહિ જઈ શકું. મારું પોતાનું  સ્કુટર લઇ જાઉં તોપણ ઘણીવાર પાર્કિંગ નથી મળતું, અને રસ્તા પર પાર્ક કરતા ટોઈંગ થઇ જવાનો ડર રહે છે. તું જ કહે, એક બાજુ સરકાર કહે છે પેટ્રોલ બચાવો અને બીજી બાજુ આવા ફતવા બહાર પાડે તો પેટ્રોલ બચે કેવી રીતે?
-એક ઉપાય છે, કાલથી તમે ચાલતા ઓફિસે જાવ.
-તારે મને સીધો હોસ્પિટલ ભેગો જ કરવો છે એમ કહેને.
-ચાલવાથી કોઈ સાજો માણસ માંદો થઇ ગયો હોય એમ સાંભળ્યું નથી.
-કેમ, તારા સગ્ગા કાકા જ તો ચાલવા  ગયા પછી દોઢ મહિનો ખાટલામાં રહ્યા હતા.
-એ તો પગ નીચે કેળાની છાલ આવી ગયેલી એટલે. માણસે હંમેશા નીચું જોઇને ચાલવું જોઈએ.
-નીચું જોઇને ચાલવા જતા તારી બહેન ભેંસ સાથે અથડાઈ નહોતી પડી ?
-હા, એ તો સારું થયું કે ભેંસે એને શીંગડું ન માર્યું.
-બહેન કમ બહેનપણીને ભેંસ પણ ઓળખે તો ખરી ને ?
-એટલે, મારી બહેન ભેંસ જેવી છે ?
-આમાં ‘જેવી’ શબ્દ વાપરવાની ક્યા જરૂર છે ? તું વાતચીતમાં નકામા શબ્દ પ્રયોગ બહુ કરે છે.
-મને ખબર છે, મારા પિયરીયા તમને દીઠા ગમતા નથી.
-કાશ ! આ વાતની ખબર તારા પિયરીયાને હોત ! પણ જવા દે એ વાત, અત્યારે આપણે ડબલ સવારી પ્રતિબંધ ની ચર્ચા કરી રહ્યા છીએ.
-ચાલવાના ઘણા ફાયદા છે. ચરબી ઘટે છે, ડાયાબીટીશ ઘટે છે, બ્લડપ્રેશર નોર્મલ રહે છે, શરીર નીરોગી બને છે, પૈસા બચે છે.
-એ બધા ફાયદા હું તારા માટે અનામત રાખવા માંગુ છું, પણ હવે મારે ઓફિસે જવાનું શું ?
-એક ઉપાય છે, તમે અનંતભાઈની સાથે સ્કુટર પર પાછલી સીટ પર સાડી પહેરીને ઘૂંઘટ ઓઢીને અથવા બુરખો પહેરીને બેસો તો કેમ રહે ?
-મને લાગે છે કે આપણે ‘પૂરી એક અંધેરી ને ગંડુ રાજા’  ના જેવા વિચારો છોડીને એ કામ સરકાર પર છોડી દેવું જોઈએ.
-સાચી વાત છે, ટીવી પર એકાદ હિન્દી સીરીયલ  કે ગુજરાતી મુવી જોઈ નાખીને મગજને રીલેકસ કરીએ, અને પછી સુઈ જઈએ.