Wednesday, 25 April 2018

વાઈફની કુટેવ.


વાઈફની કુટેવ.         પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

મહેશ: યાર મારી વાઈફને એક કુટેવ છે, સવારની પહોરમાં ઉઠે તેવી એ મોબાઈલ લઈને અર્ધો કલાક
મેસેજ જોવા બેસી જાય છે, મને બહુ ગુસ્સો આવે છે, રાત્રે સૂતી વખતે પણ એ જ હાલ હોય છે, એની આ કુટેવથી  હું ખરેખર  કંટાળી ગયો છું,
રમેશ: આ તો બહુ ખરાબ ટેવ કહેવાય, તું કંઈ કહેતો કેમ નથી ?
મહેશ: કેટલું ય કહું છું, પણ એ સાંભળતી જ નથી, જાણે પણ પથ્થર પર પાણી.
રમેશ: અરેરે ! ભાભીજીની આ કુટેવના લીધે તારે તો રોજ સવારમાં દૂધ ગરમ કરવું પડતું હશે, ચા બનાવવી પડતી હશે, ખરું ને ?
- અરે ના રે, એ બંને કામ તો એ જ કરે છે.
- તો પછી તારે માટલું ભરવું પડતું હશે, રોટલીનો લોટ બાંધવો પડતો હશે, કૂકર મુકવું પડતું હશે.
- ના, આ બધા કામો પણ એ જ કરે છે.
- શાક બનાવવાનું, કચુંબર, ચટણી વગેરે બનાવવાનું કામ તું જ કરતો હોઈશ, બરાબર ?
- રાંધવાનું કોઈ કામ હું કરતો નથી, એવું બધું મને ગમતું પણ નથી અને આવડતું પણ નથી..
- અચ્છા, તો પછી ફર્નીચર લૂછવાનું, જાળા પાડવાનું, લાઈટ પંખા સાફ કરવાનું,  ટૂંકમાં ઘરની સાફસૂફીનું કામ તું કરતો હોઈશ ?
- ના, યાર. એ બધા કામો આપણે થોડા કરવાના હોય ? એ તો વાઈફ જ કરે ને ? અને આમ પણ મને ધૂળની એલર્જી છે.
- અચ્છા, તો પછી વોશિંગ મશીનમાં કપડાં ધોવા મૂકવાના, અને ધોવાઈ જાય એટલે સૂકવવાના, સુકાઈ જાય એટલે ઘડી કરીને યોગ્ય જગ્યાએ મુકવાના, એ તો તું ચોક્કસ કરતો જ હશે.
- ના, એ બધા કામ તો વાઈફ જ કરે છે. યાર, આપણે ઓફીસ જઈએ કે આવા  બધા કામો કરવા બેસીએ ? - અચ્છા, રજાના દિવસે શાકભાજી, અનાજ, કઠોળ કે કરીયાણું લેવા તો તું જતો જ હશે ને ?
- આમ તો વાઈફ જ જાય, મને તો આવા બધા કામમાં કંટાળો જ આવે, પણ એ કહે તો હું સાથે જાઉં ખરો.
- વાહ! કેટલી મદદ કરે છે તું  ભાભીજીને ! બેન્કના કે બીજા બહારના કામો તો તું જ કરતો હશે ને ?
- હા, બેન્કના કામો ને બિલ પેમેન્ટ જે ઓનલાઈન હોય છે, તે હું જ કરું છું. અને ઘરના બીજા નાના મોટા કામોમાં પણ હું એને મદદ કરું છું ખરો.
- જેવા કે...?
- જેવા કે - જમવા બેસીએ ત્યારે થાળીઓ લેવી, ફ્રીઝમાંથી છાશ - ચટણી વગેરે વસ્તુઓ કાઢવી, પાણીના ગ્લાસ ભરવા, જમ્યા પછી પાણીની બોટલ્સ ભરીને ફ્રીઝમાં મુકવી, જમ્યા પછી વધેલી ચીજો ડાઈનીગ ટેબલ પરથી ફ્રીઝમાં મૂકવી, નાસ્તાના ડબ્બા કબાટમાં મૂકવા, ઘરમાં હોઉં ત્યારે ડોરબેલ વાગે તો બારણું ખોલવા જવું, લાઈટ – પંખા – એસી  ચાલુ - બંધ કરવા, વાઈફ સાથે બહાર જતી વખતે ઘરનું ડોર લોક કરવું, આવીએ ત્યારે ડોર લોક ખોલવું, વગેરે વગરે..
-ઓહોહોહો ! તું આટલા બધા કામો કરે છે, ને  ભાભીજી  સવાર સાંજ મોબાઈલ જોયા કરે એ ખરેખર અન્યાય જ છે, ઓફકોર્સ તને જ તો વળી...

Wednesday, 18 April 2018

સ્ત્રી - એક સંશોધનનો વિષય.


સ્ત્રી - એક સંશોધનનો વિષય.           પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

લગ્ન પહેલાં તો એણે  જાણે મોં મા મગ ભર્યા હોય,  એમ એ ચુપચાપ રહે છે.એના મોં મા આંગળા નાંખીને બોલાવીએ ત્યારે એ માંડમાંડ જવાબ આપે છે. એની બોલી સાંભળવા આપણે તરસી જઈએ ત્યારે માંડ એકાદ શબ્દ કે એકાદ વાક્ય સાંભળવા મળે. એ બોલે તો બત્રીસે કોઠે દીવા થાય, અને એ હસે ત્યારે ફુલડાં ઝરે અથવા રૂપાની ઘંટડી વાગી હોય એવું લાગે. અરે, એ માત્ર એક અછડતી નજર કરે એમાં દિવસ સુધરી જાય અને સામે જોઈને હસે ત્યારે પૃથ્વી પર સદેહે સ્વર્ગનો અનુભવ થાય.
અને લગ્ન પછી?
તમે આ જોક તો સાંભળી જ હશે:
 લગ્ન પહેલાં પતિ બોલે અને પત્ની સાભળે, લગ્ન પછી પત્ની બોલે અને પતિ સાંભળે, અને લગ્નના પાંચ વરસ પછી પતિ અને પત્ની બન્ને બોલે અને પડોશીઓ સાંભળે. લગ્નના દસ વર્ષ પછી પોતાના છોકરાંઓ, નજીદીકના મિત્રો અને ક્યારેક આખી સોસાયટી સાંભળે. (સમય સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન)
ટી. વી. તો હજી સારું કે એને રીમોટ કંટ્રોલથી બંધ કરી શકાય, પણ બીવી? એને બોલતી બંધ કરવાનું રીમોટ કંટ્રોલ આજ સુધી કોઇ શોધી શક્યું નથી અને કોઇ શોધી શકે એવી આશા પણ નથી. થીયેટરમાં ફિલ્મ જોવા ગયેલા પતિએ પત્ની માટે પાન ખરીધ્યું. પત્નીએ પૂછ્યું, તમારા માટે પાન  કેમ ન લીધું ?’ એટલે પતિએ કહ્યું, હુ તો એમ ને એમ પણ ચુપ રહી શકું છું.
લગ્ન પહેલાં તો  આકાશમાંથી ઉતરી આવેલી પરી જેવી સુંદર સાજ-સજાવટ અને સુગંધનો દરિયો જેવી એ લાગે છે. અને લગ્ન પછી, ખાસ કરીને એક બાળકના જન્મ પછી  સુગરીના માળા જેવી જટીલ કેશસજ્જા, હળદર-હિંગની વાસ સહિતની લઘર-વઘર વેશભૂષા..! આશ્ચર્ય તો આપણને આપણી પોતાની પસંદ પર જ થાય, મેં ખરેખર આને પસંદ કરી હતી ?’ લગ્ન પહેલાં પરી જેવી લાગતી સ્ત્રી એટલે કે પત્ની લગ્ન પછી ઉપરી જેવી લાગે છે.
સ્ત્રી જાતિ એટલી તો કોમ્પ્લીકેટેડ હોય છે કે વાત જ ના પૂછો. જો કે તમે વાત પૂછો કે ન પૂછો તો પણ  આજે તો હું તમને એની વાત જણાવીને મારા દિલનો ઉભરો ઠાલવવા માંગું છું. આપણે જ્યારે અગત્યની મીટીંગ એટેન્ડ કરવાની હોય,  ઇન્કમટેક્સનું રીટર્ન ભરવાનું હોય કે કોઇ ટાઇમ બાઉન્ડ પ્રોજેક્ટ માટે પેપર્સ તૈયાર કરવાના હોય, ત્યારે જ એને મેરેજ-એનીવર્સરી કે બર્થ-ડે ભુલી જવા બદલ ઝઘડો  કરવાનું કેમ સૂઝતું હશે ? આવા  દિવસો યાદ રાખીએ તો જ એના પ્રત્યે આપણને પ્રેમ છે, અને નહીં તો નહીં એવું એ કેમ માનતી હશે ?  ખરેખર, એનું  લોજીક એ જ જાણે !
આપણે ટી.વી. પર અગત્યના ન્યૂઝ, સ્પોર્ટ્સ ઇવેન્ટ કે ફેશન-શો જોતાં હોઇએ ત્યારે જ એને લાઇટબીલ કે ટેલિફોનબીલ ભરવાનું યાદ કરાવવાનું કેમ સૂઝતું હશે ? આપણે કોમ્પ્યુટર પર કે મોબાઇલ પર  કોઇ ગેમ રમતાં હોઇએ કે કોઇ સાઇટ સર્ફ કરતાં હોઇએ ત્યારે જ એને સોશિયલ વીઝીટ પર જવાનું મન કેમ થતું હશે ? શું રંગ માં ભંગ પડાવવાનો એનો લગ્ન સિધ્ધ અધિકાર છે, એવું એ માનતી હશે ? મને તો લાગે છે કે સ્ત્રીઓની આવી એટેન્શન - સીકીંગ બિહેવીયર ભલભલા કાઉન્સેલરો માટે ચેલેન્જ નો વિષય છે.
પાર્ટીમાં જઇએ ત્યારે બીજી સ્ત્રીઓનાં કપડાં અને ઘરેણાં જુએ ત્યારે જ એને એવું કેમ થાય છે કે એની પાસે જોઇએ તેવાં યોગ્ય કપડાં અને ઘરેણાં નથી ? નવું હિંદી પીક્ચર આવે એટલે ગમે તેટલું ભંગાર કેમ ના હોય, એ જોવા લઈ જવાની જીદ કેમ કરતી હશે ? એને ઇંગ્લીશ ફિલ્મ જોવા લઈ જઇએ ત્યારે વચ્ચે વચ્ચે સવાલો પૂછી પૂછીને માથું ખાઇ જાય, ન એ ફિલ્મ શાંતિથી જુવે ના આપણને જોવા દે.
ચાલો એ વાત જવા દો, તો પણ ઘરમાં આપણે ટી.વી પર જે વખતે ઇન્ટ્રેસ્ટીંગ ક્રિકેટ મેચ જોવાં બેઠાં હોઇએ ત્યારે જ એને કચરા જેવી રડકુ હિંદી ટી. વી. સીરીયલો જોવી હોય. એને કહેવા જઈએ કે આવી ભંગાર સીરીયલો જોઇ જોઇને તારું મગજ ખરાબ થઈ ગયું છે, તો ખલાસ ! આપણું તો આવી જ બને. એના કપાળમાં કૂવો ભર્યો જ હોય, જે ખાલી કરવા એ ધ્રૂસકે- ધ્રૂસકે રડવા જ માંડે. પછી પૂરથી બચવા શું કરવું તે આપણે વિચારવું પડે.
બિલાડીના પેટમાં ખીર ટકે તો સ્ત્રીઓના પેટમાં વાત ટકે. એને જે વાત કોઇને નહી કહેવાની તાકીદ કરી હોય એ જ વાત જઈને બધાંને કહી આવે. એ તો જાણે ઠીક. પણ કોઇ વાત ટુંકાવીને કહેતાં તો એ એના બાપ-જનમારામાં શીખી જ નથી. એને જો કોઇ મોડી સાંજે બનેલા બનાવ વિશે પૂછીએ તો એ – હું સવારે સાત વાગ્યે ઊઠી, બ્રશ કર્યું..... થી કથાની શરુઆત કરીને સાંભળનારની ધીરજની કસોટી કરી એને અધમૂઓ કરી મૂકે ત્યારે જ એને ચેન પડે.

એક સુંદર પંક્તિ, કોણ જાણે હતી કેવી વર્ષો જુની જિંદગી માં અસર એક તનહાઇ ની, કોઇએ જ્યાં અમસ્તું પૂછ્યું કેમ છો, એને આખી કહાણી સુણાવી દીધી.  એ સ્ત્રીઓ ને પરફેક્ટલી લાગુ પડે છે. કદાચ આવી સ્ત્રીની સંગતની અસરમાં આવીને જ આવી પંક્તિ લખવા આ કવિશ્રી પ્રેરાયા હશે, મને તો એવું લાગે છે. બોલવાની બાબતે  વૈજ્ઞાનિકોનું તારણ એવું છે, કે- સામાન્ય વ્યક્તિ દિવસમાં દસ હજાર શબ્દો બોલે છે. પણ મારું માનવું છે, કે સ્ત્રીઓ આ બાબતમાં અસામાન્ય છે.
કોઇક મહાપુરુષે કહ્યું છે, કે પુરુષ ને પામવો હોય તો એને પ્રેમ કરવાને બદલે માત્ર એને સમજો.  અને  સ્ત્રીને પામવી હોય તો એને સમજવાને બદલે માત્ર એને પ્રેમ કરો. એ જ બતાવે છે, કે પુરુષને સમજવો કેટલો સહેલો છે અને સ્ત્રીને સમજવી કેટલી અઘરી છે.  સ્ત્રી: એક સંશોધનનો વિષય આ વિષય પર મહાનિબંધ લખી, પી.એચ.ડી. ની ઉપાધિ મેળવી શકાય એટલી બધી માહિતી અને મેટર મારી પાસે પડી છે. પરંતુ વાચકની સહનશીલતાને ધ્યાનમાં રાખીને હું આટલેથી જ સંતોષ માનીને વિરમું છું.

Wednesday, 11 April 2018

પરિપ્રશ્નેન સેવયા.


પરિપ્રશ્નેન સેવયા.              પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

સ્વ. શ્રી જ્યોતીંદ્ર દવે- પ્રખ્યાત હાસ્યલેખક- એમણે એમના એક લેખ,?”  અર્થાત પ્રશ્નાર્થચિહ્ન માં કહ્યું હતું,  “સર્વ વિરામચિહ્નો માં ભયંકરમાં ભયંકર ચિહ્ન પ્રશ્નાર્થચિહ્ન છે.”  એ લેખમાં એમણે જીવતાં-જાગતાં પ્રશ્નાર્થચિહ્ન સમા એમના એક સંબંધીના કપરા અનુભવની વાત લખી હતી. એ લેખ વાંચીને એમની કલ્પનાશક્તિ માટે મને માન ઉપજ્યું હતું. મને આવી કલ્પનાઓ કેમ નહીં થતી હોય?’ એ વિચારે હું દુ:ખી હતી. પણ અનુભવ માણસની  માન્યતા બદલી નાંખે છે. મને જ્યારે જીવનમાં આવા એટલે કે પ્રશ્નાર્થચિહ્ન જેવા જીવંત પાત્રનો અનુભવ થયો ત્યારે મેં માન્યું કે જ્યોતીંદ્રભાઈના લેખમાં આવતી વાત કલ્પના નહીં પણ હકીકત હતી.
ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, પરિપ્રશ્નેન સેવયા અર્થાત તું પ્રશ્ન પૂછીને તારી શંકાનું સમાધાન કર  અર્થાત  તારા જ્ઞાનમાં વૃધ્ધિ કર, ને સામાવાળાની ધીરજની કસોટી કર, એની સહનશીલતામાં વધારો કર. ભગવાને કદાચ આ વાત એટલા માટે કરી હશે કે જેથી જેમને  પ્રશ્નો પૂછાયા હોય તે પ્રશ્ન પૂછનારથી થાકી-હારીને છેવટે શ્રી કૃષ્ણના શરણમાં જાય. મારે પણ એકવાર આ રીતે શ્રી કૃષ્ણના શરણમાં જવા જેવું થઈ ગયું હતું, એની વાત હું તમને કહું છું.
કોલેજ અને કન્યાકાળ સુરતમાં વિતાવી, લગ્નજીવનનું પ્રથમ વર્ષ મુંબઈમાં ગાળી અમે અમદાવાદ રહેવા આવ્યાં. પડોશીઓની પંચાત વગર પણ અંગત જીવન ખૂબ જ આરામથી વિતાવી શકાય’, એ વાત મારા મુંબઈના એક વર્ષના વસવાટ દરમ્યાન મેં જાણી. અમારા જ બિલ્ડિંગમાં પાછળનાં ભાગે રહેતાં અને રાતપાળીની નોકરી કરતાં શશાંકભાઈને આઠ મહિનાપછી ખબર પડી કે જીતુ નામની વ્યક્તિ એટલે કે મારા પતિ નાં લગ્ન થઈ ગયા છે, અને હું એટલે કે પલ્લવી – જીતુની પત્ની- આઠ મહિનાથી આ બિલ્ડિંગમાં રહુ છું. જો કે મને પણ શશાંકભાઈ નામની વ્યક્તિ અમારા બિલ્ડિંગમાં જ વર્ષોથી રહે છે, તે વાત આઠ મહિના પછી ત્યારે જ ખબર પડી કે જ્યારે  અમારા બિલ્ડિંગના ગેટ પાસે એક રાત્રે એક વ્યક્તિનું મર્ડર થઈ ગયું અને બધા ભેગાં થયા. મુંબઈમાં વ્યક્તિ સ્વાતંત્રનું મહત્વ ઘણું, લોકો એકબીજાની વાતમાં માથું ન મારે. રોજ જોયેલા લોકો પણ સાવ અજાણ્યા હોય એ વાત મોહમયી નગરી મુંબઈ માં જ શક્ય બને.
જીતુની જોબના કારણે અમારે મુંબઈ છોડીને અમદાવાદ આવવું પડ્યું.  અમદાવાદના ઘરમાં અમે સામાન ઉતાર્યા બાદ અડધા કલાકમાં ચાર પડોશીઓ આવીને મળી ગયા અને કહી ગયા, કંઈ કામકાજ હોય તો કહેજો, મૂંઝાતા નહીં એમને કઈ રીતે કહું કે તમારી આ વધારે પડતી પૃચ્છા અને પ્રેમના કારણે અમે મૂંઝાઈએ છીએ. અઠવાડિયામાં તો અમારી ગલીમાં આવેલા બારે બંગલાઓના રહીશોનો પરાણે પરિચય થઈ ગયો.. એમાં પણ અમારા ઘરની બાજુના ઘરમાં રહેતાં એક વૃધ્ધ માજી-કાશીબાએ તો આવી આવીને અને પ્રશ્નો પૂછી પૂછીને અમારા આખાય ફેમિલીનો ઈતિહાસ  જાણીને મોઢે કરી લીધો. એમના સવાલોના જવાબો આપતા આપતા  હું થાકી ગઈ પણ એ ન થાક્યાં. મને લાગ્યું કે હું આખી જિંદગી નહોતી બોલી એટલું કાશીબા સાથે બોલી. અતિ સર્વત્ર વર્જયેત,  એ હિસાબે આ લેડી પરેશ રાવળ એ મને અકળાવી મૂકી.
(એક હિંદી ફિલ્મમાં પરેશ રાવળ પોતાના સંસર્ગમાં આવતાં લોકોને એટલા બધા પ્રશ્નો પૂછે છે, કે એમાંની એક વ્યક્તિ તો પ્રશ્નોના આવા મારથી બેભાન થઈને ઢળી પડે છે.) મારી પણ કાશીબાના પ્રશ્નોથી આવી જ સ્થિતિ થઈ હતી. હું સાવ બેભાન તો નહોતી થઈ પણ અધમૂઈ તો જરૂર થઈ ગઈ હતી. તમને થશે કે એવું તે કદિ થતું હશે? ન માનતા હોય તો એમાંના નમૂનારૂપ કેટલાક પ્રશ્નો તમારી જાણકારી માટે અહીં મૂક્યા છે
-(ઘરે આવીને આમતેમ નજર દોડાવીને)  કેમ છોડી, સામાન ગોઠવી દીધો?
 -હા. (તમને દેખાતું નથી?)
-જીતુભાઇ ઓફિસ ગયા?
-હા. (એ ગયા ત્યારે તમે ઓટલે જ તો બેઠાં હતાં)
-રસોઈ થઈ ગઈ?
-હા. એ રોજ જમીને જ ઓફિસ જાય છે.
-તું જમી?
-ના, હવે જમીશ.
-શું  શાક બનાવ્યું છે, આજે?
-ભીંડા.
-શું ભાવ મળ્યા ભીંડા?
-વીસ રૂપિયે કિલો. (૧૯૮૦ ની સાલની વાત છે.)
-બહુ મોંઘા કહેવાય, નહીં? પણ સોસાયટીને નાકે તો પંદર રૂપિયે કિલો મળે છે.
-હા, પણ ત્યાં લેવા જવાનો ટાઈમ નહોતો.
-કેમ ટાઈમ નહોતો?
-આજે ઊઠતાં મોડું થઇ ગયું, એટલે.
-ઊઠતાં મોડું કેમ થયું?
-રાત્રે સૂતાં મોડું થઈ ગયેલું એટલે.
-રાત્રે સૂતાં કેમ મોડું થયેલું?
-ટી.વી. પર ફિલ્મ જોઇ એટલે.
-કઈ ફિલ્મ જોઈ? 
-અરે, બા.અમે કોઈ પણ ફિલ્મ જોઇ હોય, તમારે શું? જે વસ્તુ તમને કામની નથી એ શું પૂછ પૂછ કરો છો?
મને અકળાયેલી જોઈને તરત તો એ જતાં રહ્યાં. પણ પ્રશ્નો પૂછવાની ટેવ કંઈ એમ જતી રહે? એમના પ્રશ્નો ચાલુ જ રહ્યા. “  બપોરે કોણ ઘરે આવ્યું હતું? કેટલા દિવસ રોકાશે? સાંજે ક્યાં બહાર જવાના? કેટલા વાગ્યે પાછાં આવશો? જમવાનું ઘરે કે બહાર? આજે તમારો દૂધવાળો કેમ નહીં આવ્યો? પસ્તી શું ભાવે કાઢી? ચોખા ભર્યાં કે નહીં? ક્યાંથી લીધા? કયા લીધા? શું ભાવે આવ્યાં? કામવાળો શું કામ રાખ્યો છે? પંદર નંબરમાં કોની વચ્ચે ઝઘડો થયો? બાર નંબરવાળી નીતા કોની જોડે ભાગી ગઈ? સત્તર નંબર વાળાએ કારના પૈસા ક્યાંથી કાઢ્યા? આવા  હજારો- લાખો- કરોડો  પ્રશ્નો  ફણીધર નાગની જેમ ફેણ ફેલાવીને મારી સામે ડોલતાં હતાં. છેવટે મેં પ્રશ્નની સામે પ્રતિપ્રશ્ન નું હથિયાર કાશીબા ની સામે અજમાવી જોયું.
-કાશીબા, તમે આટલાં બધાં પ્રશ્નો શા સારુ પૂછો છો?
-હેં?  કંઈ નહીં, બસ, એમ જ.
-અરે, એમ જ તે કોઈ નકામા સવાલો પૂછે?
-પણ આ તો ખાલી બેઠાં હોઇએ એટલે એમ કે—
-પણ ખાલી બેસો છો શું કામ? માળા કરો, ભગવાનનું નામ લો, મંદિરે જાઓ, ભજન ગાઓ, સારાં પુસ્તકો વાંચો, સત્સંગમાં જાઓ.
-મારુ આવવું તને નહીં ગમતું હોય તો હવે નહીં આવું, બસ?
આમ મારાથી રીસાઈને તેઓ ચાલ્યા ગયા.
શોખ ખાતર શોખ અને કળા ખાતર કળા, તો વાંચેલું, પણ અહીં તો કાશીબાના ટાઈમપાસ માટે પ્રશ્નો હતાં. કહેવાય છે કે ઘડપણ એ બીજું બાળપણ છે. એ પરથી મને યાદ આવે છે કે મારો મોટો દિકરો જીગર પણ નાનો હતો ત્યારે ઘણા સવાલો પૂછતો. એમાંનો એક પ્રશ્ન મને હજી યાદ છે, મમ્મી ગોડની સરનેમ શું છે?’ એ વખતે એને શું જવાબ આપેલો તે યાદ નથી. અને મારી ભત્રીજી શ્વેતા જે હવે ફીઝીયોથેરાપીમાં માસ્ટર્સ છે, એ નાની હતી ત્યારે એણે એની મમ્મીને પૂછેલું, મમ્મી, પૃથ્વી પર જે લાસ્ટ માણસ મરશે એને સ્મશાને બાળવા માટે કોણ લઈ જશે?’ ભણતાં હોઈએ ત્યારે પરીક્ષામાં પ્રશ્નોના જવાબ આપવા માટે આપણે માનસિક રીતે સજ્જ હોઈએ પણ જિંદગીમાં પૂછાતાં આવા આવા વિકટ પ્રશ્નોનું શું કરવું?
ખેર, કાશીબાના પ્રશ્નોમાંથી મને તો મુક્તિ મળી હતી એટલે મને નિરાંત હતી. મેં લખવા-વાંચવામાં ધ્યાન પરોવ્યું. પણ વીસેક દિવસ પછી અમારી સોસાયટીમાં નવા રહેવા આવેલા મીનાબહેન મને મળવા આવ્યાં. થોડી પ્રારંભિક ઓળખાણ પછી એમણે કહ્યું, પલ્લવીબેન, આ કાશીબાથી તો તોબા તોબા. ગજબના પંચાતિયા છે. રોજ ઘરે આવી આવીને હજારો પ્રશ્નો પૂછી પૂછીને મને પરેશાન કરી મૂકી છે. સમજ નથી પડતી કે એમનાથી છૂટકારો શી રીતે થાય?’
એમના થી તો ભગવાન જ બચાવી શકે, શ્રી કૃષ્ણના શરણે જાવ.’,  હું મનોમન બોલી ઉઠી. 
Wednesday, 4 April 2018

શ્યામ રંગ સમીપે ન જાવું.


શ્યામ રંગ સમીપે ન જાવું.     પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી

પોતાની કાળી મેશ  જેવી કે કાળી ભેંસ જેવી, છોકરીને જોવા આવેલા દેખાવે સુંદર એવા એક મૂરતીયાને છોકરીના પિતાએ  લાલચ આપતાં  કહ્યું, બેટા, તું મારી દિકરી સાથે લગ્ન કરશે, તો હું તને દહેજમાં એક સાસ મજાની એસ.યુ.વી. કાર ભેટમાં આપીશ. છોકરાએ ખુબ સલૂકાઇથી કહ્યું, વડીલ, આમ તો તમારી ઓફર લલચામણી છે. અને મને આ વાત સામે કોઈ વાંધો પણ નથી, અમાસની રાત જેવી તમારી આ છોકરીને હું પરણી તો જાઉં, પણ મને દર એ વાતનો છે કે ભવિષ્યમાં મારે ઘેર તમારી દીકરીની પ્રતિકૃતિ સમાન આવી જ કાળી છોકરી જન્મી તો મારે એને પરણાવવા દહેજમાં જમાઇને હેલિકોપ્ટર આપવું પડશે, એનું શું ? એ હું ક્યાંથી લાવીશ ?’ 
પત્નીને કાળી કહેવી, તે અત્યાચાર ન કહેવાય, એવા શીર્ષક હેઠળ તારીખ ૩૦-૩-૨૦૧૫ ના દિવ્ય ભાસ્કર અખબારમાં છપાયેલા એક સમાચારે લોકોનું ખાસ ધ્યાન દોર્યું હતું. સમાચારની વિગત એવી હતી, કે તિરુનેલવિલી  ના ડીસ્ટ્રીક્ટ અને સેશન્સ જજે પરમશિવમ નામના એક શખ્સને એની પત્નીને, તું કાળી છે. એમ કહીને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા બદલ દોષિત ઠેરવ્યો હતો. જે દિવસે એણે એની પત્નીને કાળી કહી એ જ દિવસે એટલે કે ૧૨ સપ્ટેમ્બર, ૨૦૦૧ ના રોજ પત્ની મૃત અવસ્થામાં મળી આવી હતી. કદાચ આ ઘટના કાગનું બેસવું અને ડાળનું પડવું જેવી આકસ્મિક પણ હોઈ શકે. પણ  જજે આ ઘટના માટે પરમશિવમ ને દોષિત ઠેરવી સાત વર્ષની કેદની સજા ફટકારી હતી. અહીં  ફટકારી શબ્દ પત્રકારત્વની અસરકારકતા ઉપજાવવા પ્રયોજાયો છે. એનો સાચો અર્થ સજા સંભળાવી એવો થાય છે.
એટલું જ નહિં, થોડા વર્ષો પહેલાં, એટલે કે  ૨૭ ઓક્ટોબર, ૨૦૦૬ ના રોજ પણ પરમશિવમને દહેજ ધારા હેઠળ ત્રણ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી હતી. કેમ કે એણે એની પત્ની પાસે પૈસા માંગ્યા હતાં. જો કે  એ પૈસા એણે કાર રીપેર કરાવવા અને બીઝનેસ શરુ કરવા માટે  માંગ્યા હતા.
એક કહેવત મુજબ જેમ શેરના માથે સવાશેર હોય છે, તેમ ડીસ્ટ્રીક્ટ જજના માથે હાઇકોર્ટ જજ હોય છે. ડીસ્ટ્રીક્ટ જજના આ ચુકાદાને મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેંચમાં પડકારાયો હતો. બિચારા - બાપડા પતિ પરમશિવમ ના સદનસીબે હાઇકોર્ટ ના જજ જસ્ટીસ એમ. સત્યનારાયણે સત્ય શોધી કાઢીને એના પર લાગેલાં તમામ આરોપો માંથી એને મુક્ત જાહેર કર્યો હતો. બચાવ પક્ષના વકીલે જણાવ્યું કે, પરમશિવમે કાર રીપેર કરાવવા અને બીઝનેસ શરુ કરવા પત્ની પાસે પૈસા જરુર માંગ્યા હતાં, પણ એ પૈસા પરમશિવમના જ હતા, જે ભૂતકાળમાં એણે એના સસરાને મદદ માટે પૈસા આપ્યા હતાં. એટલે એણે પાછા માંગેલા પૈસાને  દહેજ ગણી શકાય નહીં.
નોર્મલી કોઈ જમાઈ સસરાને પૈસા આપતો નથી બલ્કે સસરા જ જમાઇને દહેજરુપી (પોતાના વાવાઝોડા એટલે કે  દીકરી ને લઈ જવા અને સાચવવા બદલ) પૈસા આપતા હોય છે, એટલે આવી ગેરસમજ થવા પામી હતી. પણ મહત્વની વાત તો એ છે કે આ કેસના ચુકાદાને અંતે મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેંચ દ્વારા એટલું તો સિધ્ધ થયું કે, પત્નીને કાળી કહેવી તે અત્યાચાર ન કહેવાય. જુના જમાનાના ડાહ્યા માણસો કહી ગયા છે, કે...
કાણાને કાણો કહે વરવું લાગે વેણ, ધીરે રહીને પૂછીએ શાથી ખોયા નેણ?’
મતલબ કે કોઇની પણ ખામીને સીધે સીધી રીતે ન પૂછતાં એને આડકતરી રીતે એટલે કે ખરાબ ન લાગે તેમ પૂછવી જોઇએ. ખેર! ઉપરના મદુરાઇવાળા કેસ પછી પતિ યુનિયનની માંગણી છે, કે પુરા લગ્નજીવન દરમ્યાન પત્નીઓ પતિઓને જેટલું કહે છે, એના પ્રમાણમાં પતિઓ પત્નીઓને દસ ટકા પણ કહેતા નથી,  આ વાત સહાનૂભુતિ પૂર્વક ધ્યાનમાં રાખીને પતિ એની પત્નીને કંઇ પણ કહે તો તેને અત્યાચાર ગણવો ન જોઇએ.
એક સ્ત્રી હોવાને નાતે, એક પત્ની હોવાને નાતે મારી તો તમામ પરિણીતા બહેનોને વિનંતી છે, કે તમારો પતિ કે તમારા સાસરીયા તમને કાળી કહે તો તમારે એ દિલ પર લેવું નહીં. કેમ કે કાળા તો ક્રિષ્ણ પણ હતાં જ ને ? એ પણ જશોમતી મૈયાંને પૂછતાં જ હતાં ને, યશોમતી મૈયા સે બોલે નંદલાલા. રાધા ક્યું ગોરી, મૈં ક્યું કાલા ?’  પછી જશોમતી મૈયાંએ ક્રિષ્ણને સમજાવ્યું કે, કાલી અંધિયારી આધી રાતમેં તુ આયા, લાડલા કનૈયા મેરા કાલી કમલી વાલા, ઇસ લીયે કાલા. ક્રિષ્ણ ભગવાન પણ પછી તો મૈયાંએ લાડલા કહ્યું એટલે માની ગયા. જો કે રાધાએ એકવાર ક્રિષ્ણથી રિસાઇને એવી પ્રતિજ્ઞા કરી, કે શ્યામ રંગ સમીપે ન જાવું મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. મતલબ કે આજ પછી હું કોઇ દિવસ શ્યામ એટલે કે કાળા રંગની પાસે નહીં જાઉં.
મારી વહાલી બહેનો, ઠીક છે, રાધા તો મજાક-મસ્તીમાં આવું બધું કહે. પણ તમને કોઇ કાળી કહે તો તમારે એ વાત ગંભીરતાથી ન લેવી. આત્મહત્યા કરવા જેટલી ગંભીરતાથી તો કદાપી  નહીં. ગોરાં તો ગધેડાં પણ હોય છે,’ આવી વાત કોઇએ કહીને ગધેડાંઓનું અપમાન કર્યું છે. પણ જ્યાં સુધી કોઇ એનીમલ - લવર યુનિયનના ધ્યાન પર આ વાત આવી નથી, ત્યાં સુધી આવું તો ચાલતું જ રહેવાનું. આજકાલ કાળા લોકોને ઇન્સ્ટન્ટલી  ગોરાં કરી આપે એવા ઘણાં સૌંદર્ય – પ્રસાધનો બજારમાં ઉપલબ્ધ છે.  લોકોને સાત દિવસમાં ગોરાં કરી આપવાની ગેરન્ટી પણ વિક્રેતાઓ અને ઉત્પાદકો  આપે છે. ફક્ત છોકરીઓ માટે જ નહી, પરંતુ છોકરાઓ માટે પણ આવા ફેરનેસ ક્રીમ બજારમાં મળે છે, અને ધૂમ વેચાય પણ છે. હવે છોકરાઓમાં પણ ગોરાં થવાનું ભૂત પેઠું છે.
મેં ફિલ્મોમાં જોયું છે, અને વાર્તાઓમાં વાંચ્યું પણ છે, કે શ્યામ રંગની મોટી બહેનને જોવા માટે મૂરતીયો આવવાનો હોય તો એનાથી બે-ત્રણ વર્ષે નાની ગોરી - રુપાળી બહેનને છુપાવી દેવાય છે. જેથી મૂરતીયો ભુલેચુકે પણ એમ ના કહે, હું આ મોટી શ્યામા સાથે નહિં, પણ આ નાની શ્વેતા સાથે પરણવા માંગું છું. એકવાર શ્યામાનું ઠેકાણું પડી જાય, પછી શ્વેતાને તો કોઇ પણ મળી જ રહેવાનો છે.
 સોસાયટીના ગેટ પાસે મળેલા બે મિત્રોમાંથી એક મિત્ર બીજા મિત્રને પૂછે છે,  યાર,- પેલી કલર જાય તો પૈસા પાછા- એવી ભયંકર કાળી સ્ત્રી કોણ છે?’  એ મારી પત્ની છે.  ઓહ! આઇ એમ વેરી સોરી. પણ તેં આવી કાળી છોકરીને પત્ની તરીકે કેમ પસંદ કરી?’ જો, સોસાયટીમાં પાર્ક કરેલી પેલી લાલ રંગની મર્સીડીઝ કાર દેખાય છે?’  હા, શું સુપર્બ કાર છે, યાર.  કોની છે?’  મારી. છે, મને દહેજમાં મળી છે.
બંદિની ફિલ્મમાં નૂતન પર એક ગીત ફિલ્માવાયું છે, મોરા ગોરા રંગ લઈ લે, મોહે શામ રંગ દઈ દે. કોઈ ગોરા રંગના બદલામાં કાળો રંગ માંગે એવી આ વાત તો ફિલ્મમાં જ સારી અને શક્ય લાગે. બાકી તો અસલ જિંદગીમાં કોણ આવું કરવા તૈયાર થાય? કાળી પણ કામણગારી, એવું બધું વાર્તા અને કવિતામાં જ સારું લાગે, વાસ્તવિકતામાં નહીં. છોકરાઓ પોતે ગમે તેવા કાળા કે કુરુપ કેમ ના દેખાતા હોય, પત્ની તો એમને ગોરી અને રુપ રુપના અંબાર જેવી  જ જોઇએ. એટલે જ તો શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું એ વાત કંઇક અંશે આજે પણ સાચી અને વાસ્તવિક લાગે છે.