Wednesday, 29 March 2017

પેટરનિટી લીવ.

પેટરનિટી લીવ.             પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. 

-સુધા, તેં આજનું છાપું વાંચ્યું? લોકસભામાં ‘મેટરનિટી બેનિફિટ (સુધારેલ) ૨૦૧૬’  બિલમાં મહિલાઓને મળતી મેટરનીટી લીવ ૧૨ અઠવાડીયાથી વધારીને ૨૬ અઠવાડિયા કરી દેવાઈ છે.
-હા, આ તો સારી જ વાત છે ને ? હવે માતા પોતાના નવજાત શિશુનું ધ્યાન વધુ સમય રાખી શકશે.
-એ બરાબર, પણ આ કાયદામાં પિતા માટે એક પણ રજા આપવાની જોગવાઈ કરાઈ નથી.
-પિતાને વળી આમાં રજાનું શું કામ?
-આમ કહીને તું શું કહેવા માંગે છે, પિતાઓનું આમાં કઈ કામ જ નહિ?  
-હું તો માત્ર આપણા અનુભવના આધારે એક સામાન્ય વાત કરી રહી છું. પાંત્રીસ વર્ષ પહેલાં આપણો ઉમંગ  જન્મ્યો તે વખતે પ્રેગનન્સી ના દરેક મહીને ડોક્ટર પાસે ચેક અપ માટે જતી વખતે તમે મને કહ્યું હતું, ‘ત્યાં મારું શું કામ, તું બા (મારા સાસુ) સાથે જઈ આવને’
-હા, પણ ડીલીવરી વખતે તો હું નર્સિંગહોમમાં હાજર હતો કે નહીં ? અને ઉમંગનું નામ પણ તો મેં જ ઉમંગભેર - ‘ઉમંગ’ રાખ્યું હતું ને?
-હા, એ વાત સાચી છે. પણ ઉમંગ છ મહિનાનો થયો ત્યાં સુધી તો રાત્રે બા જ અમારી સાથે સુતા હતા, અને તમે બીજી રૂમમાં, યાદ છે?
-એ તો ઉમંગ રાત્રે બહુ રડતો અને રાતભર જગાડતો હતો એટલે મારી ઊંઘ ડીસ્ટર્બ ન થાય એટલા માટે હું બીજી રૂમમાં સૂતો હતો. મારે તો બીજે દિવસે ઓફિસે જવાનું અને આખો દિવસ કામ કરવાનું તો રાત્રે તો આરામ જોઈએ કે નહીં ?
-હાસ્તો. અને હું તો દિવસભર આરામ જ કરતી હતી, ખરું ને ?
-મારા કહેવાનો મતલબ એ નથી. પણ તું જ કહે, હું ઘરે આવ્યા પછી ઉમંગને રાખતો હતો કે નહીં ?
-હા, રાખતા હતા ને, એ રમે ત્યાં સુધી.  રડે તો તરત, ‘’સુધા, જો તો આને શું થયું, કેમ રડે છે ? અથવા એણે ભીનું કર્યું હોય તો , ‘સુધા, આણે ભીનું કર્યું છે, એને લંગોટ બદલાવજે તો.’ તમને તો ‘બાળોતિયું’ બદલતા પણ નહોતું આવડતું.
-તું હોય પછી મારે એનું બાળોતિયું શા માટે બદલવું પડે?
- એ જ તો. કાયદો બનાવવા વાળા પણ આ વાત જાણે છે, અને એટલે જ  કાયદામાં મેટરનીટી  લીવ વધારી,  અને પેટરનિટી લીવ ન વધારી.
સુધાની ડીલીવરી વખતે અને એના બાળકના ઉછેર વખતે એના સાસુ સાથે હતા, એટલે એને બહુ તકલીફ ન પડી, પણ આજકાલ તો નવયુગલો જોબ  કે એવા કોઈપણ કારણસર એકલા જ રહેતા હોય છે. એટલે પ્રેગનન્સી દરમ્યાન, ડીલીવરી દરમ્યાન  કે પછી બાળઉછેર દરમ્યાન પત્નીને પતિની મદદની જરૂર પડી શકે છે. આવા કપલ ડીલીવરી  દરમ્યાન પોતાની સ્વતંત્રતા ભૂલીને સંતાનને  ખાતર માતાને કે સાસુને બે ત્રણ મહિના સાથે રહેવા બોલાવી લે છે. અને માતા અને સાસુ પણ પોતાના સંતાનોને ખાતર ખુશીથી જાય છે.
આજકાલ તો પ્રેગનન્ટ મહિલા અને એના પતિને સ્પેશીયલ ક્લાસમાં બાળકની સંભાળ કઈ રીતે રાખવી તેનું ટ્યુશન પણ આપવામાં આવે છે. મા બાપ હોંશે હોંશે આવું બધું શીખે છે પણ ખરા. હવે તો પિતાઓ પણ નાના બાળકની સંભાળ રાખતા શીખી ગયા છે, અને બાળ ઉછેરમાં પત્નીને પૂરેપૂરો સહકાર આપે છે.   
આવી એડવાન્સ વિચારસરણી હોવા છતાં, બ્રિટનથી લઈને કેન્યા જેવા દેશ પણ પિતાને માત્ર ૧૪ દિવસની જ પેટરનિટી લીવ આપે છે.  ફ્રાંસ ૧૧ દિવસની રજા આપે છે.  આપણા દેશની અમુક કંપનીઓ જેવી કે ‘કમિન્સ ઇન્ડિયા’ ૩૦ દિવસની પેટરનીટી  લીવ આપે છે. ‘ડોયચે બેંક’ નામની કંપનીએ મેટરનિટી કે પેટરનિટી ના બદલે ‘ચાઈલ્ડકેર લીવ’ શરુ કરી છે. રજાનું નામ ગમે તે હોય, અને કાળજી લેનાર કોઈ પણ સ્વજન હોય, શિશુની કાળજી બરાબર લેવાવી જોઈએ, ખરુંને વાચકમિત્રો ?    
શ્રમ તથા રોજગાર મંત્રાલયના સચિવ રહેલા શ્રી શંકર અગ્રવાલ આ બિલ, ‘મેટરનિટી બેનિફિટ (સુધારેલ) ૨૦૧૬’  ડ્રાફ્ટ કરતી વખતે કહે છે કે – ‘અમે દેશની સામાજિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ને ધ્યાનમાં રાખીને પેટરનિટી  લીવ નથી આપી.’ તો આજનો પિતા શું આવી દેશપ્રેમી પ્રવૃત્તિઓ માં રોકાયેલો હશે ? રામ જાણે.
ભારતીય મજૂર સંઘના અધ્યક્ષ બૈજનાથ રાયે આ બાબતમાં જણાવ્યું કે – ‘બાળકના જન્મ સમયે પિતાને રજા મળવી ખુબ જ જરૂરી છે, કેમ કે હવે સંયુક્ત પરિવારનો ટ્રેન્ડ સમાપ્ત થઇ રહ્યો છે.’ વાચકમિત્રો, તમને લાગે છે કે આપણા બાળક ખાતર આપણે સંયુક્ત પરિવારનો ટ્રેન્ડ પાછો લાવવો જોઈએ ?

અને છેલ્લે:     રોજ રાતે બાળકના રડવાની સામે ફરિયાદ કરનાર પાડોશીએ બાળકની મમ્મીના હાલરડાના અવાજ સાંભળ્યા પછી કહ્યું, ‘બેન, બાબો ભલે રાત્રે રડતો, એની સામે અમારી કોઈ ફરિયાદ નથી.’  

Wednesday, 22 March 2017

અજમાવી જુઓ.

અજમાવી જુઓ.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

‘અજમાવી જુઓ’, ‘અનુભવી જુઓ’, ‘આટલું તો કરો જ’, ‘જાણ્યું હશે તો ખપ લાગશે’ ... વગેરે વગેરે જેવા લોભામણા શીર્ષકો હેઠળ છાપામાં છપાતા નુસખાઓ તરફ વાચકોનું ધ્યાન આકર્ષિત થાય છે.
જેમ ઉંદર પિંજરામાં મૂકેલા રોટલી કે ચીઝ ના ટુકડાથી આકર્ષાઈ જાય, જેમ માછલી એને પકડવાના ગલના આંકડામાં મૂકેલા ખોરાકથી લલચાઈ જાય અને એ ખાવા જતા સપડાઈ જાય, એવું જ છાપામાં છપાતી ઉપર મુજબની આકર્ષક જાહેરાતો વાંચીને આપણા જેવા ભલા - ભોળા વાચકો ભરમાઈ જાય છે. વાચકો આવા લેખકોની ચીકણી – ચૂપડી વાતોમાં આવી જઈને, નવતર ‘નુસખા પ્રયોગ’ કરવા લલચાઈ જાય છે, પરિણામે એમના સમય અને શક્તિની બરબાદી સાથે આરોગ્ય અને પૈસાની પણ બાદબાકી થઇ જાય છે.
પોતાની આ બરબાદી જોઇને લોકો પોતે જ દુઃખી થાય છે, પછી આ દુખને ભૂલવા  અને મનને આનંદમાં લાવવા અન્ય નુસખાઓ જેવા કે – ફિલ્મ જોવા જવું, બાગમાં ફરવા જવું, મોલમાં શોપિંગ કરવા જવું કે રેસ્ટોરાંમાં જમવા જવું – વગેરે અજમાવે છે. આ ખર્ચાળ પદ્ધતિને કારણે – ‘બાવાના બેઉ બગડ્યા’ જેવો ઘાટ થાય છે.  
અમારા મનુકાકા તો આવા નુસખાઓ (અજમાવી જુઓ) વાંચવા જ છાપા ખરીદતા હોય એવું લાગે. ‘જાણ્યું હશે તો ખપ લાગશે’, એ વાત વાંચીને તેઓ ફક્ત જાણીને જ બેસી રહેતા હોત તો ઠીક, પણ તેઓ તો બધું અજમાવી જુએ ત્યારે જ જંપે. અજમાવ્યા બાદ એમને અનુભવ થાય કે વાક્યનો ઉત્તરાર્ધ, ‘ખપ લાગશે’ એ ખોટો છે. જો કે પ્રયોગ સફળ થાય કે અસફળ થાય , એમને પરિણામ સાથે કોઈ નિસ્બત નહી.
‘કર્મણ્યે વાધિકારસ્તે માં ફલેષુ કદાચન’ નો સિધ્ધાંત મનુકાકાએ જીવનમાં બરાબર ઉતારેલો. નિવૃત્ત થયા પછી એમને તો જાણે ‘ટાઈમપાસ’ કરવા માટે આ નવતર પ્રવૃત્તિ મળી ગઈ હતી. એમની સાથે રહેતા એમના વિધવા બહેન રમીલાફોઈ એમને આવા પ્રયોગો કરતા ઘણીવાર વારે, સમજાવે અને કોઈવાર ગુસ્સે પણ થાય. પણ મનુકાકા આમ પાછા ‘સ્થિતપ્રજ્ઞ’, એમને આવી ધાક ધમકીની જરાય અસર ન થાય.
એકવાર મનુકાકાએ  આવો જ એક નુસખો વાંચીને હેરઓઈલ  બનાવ્યું. મનુકાકાના આગ્રહ છતાં  રમીલાફોઇએ એ તેલ વાળમાં નાખવાનો ધરાર ઇનકાર કર્યો. મનુકાકા  મોજથી તેલ વાળમાં લગાવીને સુઈ ગયા. ઉઠ્યા ત્યારે ઓશીકું પણ એમના ભેગું જ (વાળ સાથે ચીપકીને) ઉઠ્યું. ‘તું જહાં જહાં ચલેગા, મેરા સાયા સાથ હોગા...’  જેવો ઘાટ થયો.
આજની કોઈ મોડેલે આ દ્રશ્ય જોયું હોત તો એને ‘નવી ફેશન’ માનીને અપનાવી લેત. મેં પરાણે  હસવું રોકીને, ગંભીર મોઢા સાથે યાદગીરી રૂપે એમનો આવો ફોટો ખેંચવા ધાર્યો. પણ મનુકાકાને પબ્લીસીટી ની ખેવના ન હોવાને લીધે મને ફોટો ખેંચવા ન દીધો. નહીતર વાચકને આ રસપ્રદ બયાનની સાથે સાથે એ ફોટો જોવાની પણ મઝા આવત.
ફોઈએ ઓશીકું ખેંચવાની ટ્રાય કરી તો વાળ ખેંચાવાને લીધે મનુકાકા ચીસ પાડી ઉઠ્યા. ફોઈ ગભરાઈને પાછળ હઠવા ગયા તો ટીપોઈ સાથે ટકરાઈને બાજુમાં મૂકેલા સોફામાં બેસી પડ્યા. મેં હળવેથી ઓશિકાના કવરમાંથી ઓશીકું કાઢી લીધું તો કવર કાકાના વાળ પર નવતર ટોપીની જેમ ચોંટી રહ્યું.
મનુકાકાએ પોતાના બનાવેલા સાબુ અને શેમ્પુ વાપર્યા છતાં કવર ન ઉખડ્યું, જાણે કહી રહ્યું હોય... ‘તેરા મેરા સાથ રહે, જીતે ભી, મરતે ભી હાથોમે હાથ રહે....” છેવટે કેશકર્તનકાર (હજામ) ને બોલાવીને વાળ ઉતરાવ્યા ત્યારે કાકાનો કવરથી છુટકારો થયો. આવા નુસખા નિષ્ણાત મનુકાકાને દુઃખ હોય તો એક જ વાતનું કે કમનસીબે (લોકોના સદનસીબે) પોતાની આ નિપુણતાનો લાભ લોકો લઇ શક્યા નથી. સાથે સાથે એમને શ્રદ્ધા છે કે એમના માર્યા બાદ લોકો એમની આ કલાને જરૂર બીરદાવશે. જો કે આ ભ્રમ તો ભલભલા સંશોધકો, વિજ્ઞાનીઓ , સર્જકો અને અમારા  જેવા લેખકોને હોય જ છે ને? 
‘અજમાવી જુઓ’ માં બે ક્રિયા રહેલી હોય છે, એક તો અજમાવવાની અને બીજી જોવાની. કોઈવાર આ બંને ક્રિયાઓના કર્તા એક જ હોય છે, તો ક્યારેક જુદા હોય છે. મારી એક ફ્રેન્ડ નીતા છાપામાં કે ટીવીમાં આવતા ‘વાનગી પ્રયોગ’ કરવા માટે એના ઘરમાં, સગામાં  અને ફ્રેન્ડ સર્કલમાં મશહૂર છે.
જ્યારે એણે પ્રથમ વાર ટીવીમાં આવતા પ્રોગ્રામ જોઇને વાનગી બનાવી ત્યારે એ જોઇને એનો પતિ રાજેશ ખુશ થઇ ગયો. નીતાની પીઠ થાબડી અને ધન્યવાદ પણ આપ્યા. પરંતુ જ્યારે એણે આ વાનગી ચાખી ત્યારે “ડુંગરા દૂરથી રળિયામણા’ એ કહેવત એને યાદ આવી. વાનગીના ભયાનક સ્વાદથી કટાણા થયેલા મોઢાને માંડ માંડ સાચવતા એને ધન્યવાદ પાછા લઇ લેવાનું મન થયું, પણ પછી, ‘પત્ની રિસાઈ જશે તો મનાવવાનો ખર્ચ ભારે પડી જશે’ એ વિચારે ડીશમાં રહેલી વાનગી પરાણે હસતું મોઢું રાખી પતાવી.
હદ તો ત્યારે થઇ જ્યારે સાંજે રાજેશ જમવા બેઠો ત્યારે એ જ વધેલી વાનગી, ‘રાજુ તને બહુ ભાવી છે તો તું  ખા, હું મારા માટે ખીચડી બનાવી લઈશ’ કહીને નીતાએ એને પીરસી. રાજેશે કહ્યું, ‘નીતુ ડીયર, મારા પેટમાં ગરબડ છે, નહીતર આ વાનગી હું જ ઝાપટી જાત, એમ કર મારા માટે પણ થોડી ખીચડી જ બનાવી દે.’ ત્યાર પછી જ્યારે નીતા આવા નવીન વાનગી પ્રયોગ કરતી ત્યારે રાજેશને ક્યા તો પેટમાં ગરબડ થતી, અપચો થતો, ઓફિસમાં ઓવર ટાઈમ આવતો કે ડીનર સાથેના સેમિનારમાં જવાનું થતું.
જ્યારે સગા, સબંધી અને મિત્રો એ  ઘરે આવવાનું ઓછું કરી નાખ્યું અને નિયમિત પણે આવતા નોકરે પણ વારંવાર ગુલ્લીઓ મારવા માંડી ત્યારે નીતાએ મારી સાથે વિચાર વિમર્શ  કરીને, વેળાસર સમજી જઈને, આ ‘વાનગી પ્રયોગ’ બંધ કર્યો. (એ માટે રાજેશે ખાનગીમાં મારો આભાર માનેલો) બાકી તો રાજેશને શક થઇ ગયો હતો કે – ટીવી કે છાપામાં આવતી આવી વાનગીઓની રેસિપી ડોકટરો પોતે જ અજ્ઞાત નામ સાથે આપતા હશે જેથી એમની પ્રેકટીસ ચાલતી રહે.
‘અજમાવી જુઓ’ માં આવતા નુસખાઓ એના લખનારા લેખકે પોતે અજમાવી જોયા હોય એવું કાયમ નથી હોતું. બલકે ‘ઝેરના તો પારખા થાય?’ એ નિયમ મુજબ એમણે એ  ક્યારેય એ અજમાવી જોતા જોયા નથી હોતા. કેટલાક લોકોને પોતાનું નામ છાપામાં છપાવવાની ઘેલછા હોય છે, એટલે એ લોકો આલતુ ફાલતુ નુસખા પણ છપાવે છે. તો કેટલાક સાવચેતી ખાતર પોતાનું નામ - સરનામું છુપાવી ઉપનામથી આવા નુસખા છપાવે છે, જેથી કોઈ જાતનો ખતરો ન રહે.
આમ તો આવા નુસખા અજમાવવાથી થતું નુકસાનનું વળતર એ છપાવનાર પાસે લઇ શકાય, પણ ભારત દેશમાં ‘તારીખ પે તારીખ’ વાળો અને  ગોકળ ગાયની ત્વરાથી મળતો ન્યાય બહુ ફેમસ છે, એટલે લોકો કોર્ટમાં જવાનું બહુ પસંદ નથી કરતા.
બધા જ નુસખાઓ નુકસાન કારક જ હોય છે, એવું નથી હોતું. કેટલાક નુસખાઓ અસરકારક કે ફાયદાકારક પણ હોય છે. મને પોતાને ‘અજમાવી જુઓ’ ના એક નુસખાથી ફાયદો થયો છે. (નુકસાન થયું હોય એવી વાત હું યાદ નથી રાખતી)
‘દૂધમાં સોય ડૂબાડો અને બહાર કાઢો, જો સોય પર દૂધ ચોંટેલું રહે તો ચોખ્ખું અને ચોંટેલું ન રહે તો પાણીવાળું’ આ નુસખો વાંચીને મેં એનો પ્રયોગ અમને દૂધ આપવા આવતા ભૈયાજીને કરી બતાવેલો. પહેલાં તો એ માનવા તૈયાર ન હતો, પણ છાપાનું કટિંગ બતાવ્યું અને બે ચાર વાર પ્રયોગ કરી બતાવ્યો પછી એણે દૂધમાં પાણી નાખવાનું ઓછું કરી નાખેલું.
મિત્રો, તમે પણ ડર્યા વિના આવા પ્રયોગો કરતા રહેજો, શું ખબર ક્યાંક તમને પણ ફાયદો થઇ જાય ?


Wednesday, 15 March 2017

પગાર વધારો.

પગાર વધારો.            પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

પ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી તારક્ભાઇના અવસાનથી હાસ્યજગતમાં એક ન ભરાય એવો ‘ખાલીપો’ વર્તાય  છે. પણ એમણે સર્જેલા ‘ટપુડા’ સહિતના તમામ પાત્રો આપણા દિલો દિમાગમાં વર્ષો સુધી સચવાયેલા રહેશે અને એ રીતે આપણે આપણા આત્મીયજન સમા તારક ભાઈને યાદ કરતા રહીશું. પગાર વધારાની વાત આવે એટલે આપણને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ટી.વી. સીરીયલ ના નટુકાકા અને બાઘા યાદ આવે, જે એમના શેઠ,  ‘ગડા ઇલેક્ટ્રોનીક્સ’ ના માલિક જેઠાલાલ પાસે કાયમ પગારવધારો જ માગ્યા કરતા હોય છે.

મારી કામવાળી એ પણ એક દિવસ એની પોતાની એક આગવી સ્ટાઈલમાં  પગાર વધારો માંગ્યો.
-બુન, મું કાલથી કોમ પર નંઈ આવું.
-કેમ, કેમ ? તું કાલથી સ્ટ્રાઈક પર જાય છે? કયા મુદ્દા પર તું મારી સામે અસહકાર નું આંદોલન કરવા માંગે છે?
-મારાથી પહોંચી નઈ વળાતું.
-તે તારે વળી ક્યાં પહોંચી વળવાનું છે?
-આજ કાલ કરતા બે વરહથી મું તમારે ઘેર કોમ કરું સુ.
-અને હું ઈચ્છું છું કે વરસો વરસ સુધી મારે ઘરે તું જ કામ કરતી રહે.
-બસ, હવે તમે બીજી કોમવાળી હોધી લેજો.
-તારા હોવા છતાં મારે બીજી કામવાળી શું કામ શોધવી પડે?
-પણ કાલથી મું નંઈ આવું.
-તને થયું છે શું તે – ‘કાલથી નંઈ આવું’ નું ગાણું ગયા કરે છે?
-થવાનું હું ઉતું ? મને ટેમ નંઈ.
-ટાઈમ નથી, કેમ તેં બીજે કામ બાંધ્યું છે?
-ના, ચ્યોય કોમ નંઈ બાંધ્યું.
-તો ઘરમાં કોઈ સાજું – માંદુ છે?
-ના, ઘેર બધા હાજા નરવા સે.
-તો મારું કામ વધારે પડે છે?
-વધારે કોમથી ઘભરાઈ જાય એવી આ લસમી (લક્ષ્મી) નંઈ.
-તો પછી વાતમાં મોણ નાખ્યા વિના કહી દે ને કે વાત શી છે?
-આ તેલના ભાવ ચેટલાં વધી જ્યાં સે.
-પણ મેં તારી પાસે ક્યારેય તેલ મંગાવ્યું છે ?
-પણ મારો વર તો મંગાવે સે ને? જોતાં નંઈ આ મોંઘવારી ચેટલી વધી ગેઇ સે તે.
-હા, તારી એ વાત સો ટકા સાચી હોં. આ બોલપેનની રીફિલની જ વાત લઈએ તો પહેલાં ૨ રૂપિયાની આવતી રીફીલ હવે દસ રૂપિયાની આવે છે, અને પાર્કર જેવી સારામાની રીફીલ તો ૨૫ રૂપિયાની આવે છે.
-તંયે જ તો, આટલા પગારમાં હવે પોહાતું નંઈ.
-હં, વાત ત્યારે એમ છે – હવે સમજાયું કે તને પગાર વધારો જોઈએ છે. જો સાંભળ, તને એક બે  જોક્સ કહું:
(૧)   શેઠ: પણ તારે એકાએક પગાર વધારો શા માટે જોઈએ છે?
      નોકર: શેઠજી, કાલે મારા છોકરાંઓ પાડોશીના ઘરે જઈને જાણી આવ્યા કે તેઓ દિવસમાં બે વાર જમે છે.
(૨)  નોકર : શેઠ, આટલા ઓછા પગારમાં તો હું જિંદગીમાં ક્યારેય લગ્ન કરી શકીશ નહીં.
     શેઠ: એ માટે ભવિષ્યમાં તું મારો જ આભાર માંગીશ.
-બુન, તમારા જોક્સ મુને હમજાતા નંઈ. મારે તો પગાર વધારો જોઈએ સે, બસ.
-સારું, આવતા મહીને તારો પગાર વધારી આપીશ, બસ?
-ચેટલાં આલહો?
-એક કામના છસ્સો લે છે અને બે કામના બારસો લે છે તે હવે બારસો પચાસ કરી આપીશ.
-ખાલી પચાહ રૂપિયા વધારે?
-અમે બે જ તો જણ છે ઘરમાં, વાસણ પણ કેટલા ઓછા નીકળે છે, છતાં ચાલ તેરસો આપીશ, હવે તો ખુશ?
-વાહણ તો ઓસાં હોય સે પણ કચરા પોતા નંઈ કરવાના આટલા મોટા ઘરમાં?
-તે એના જ તો સો રૂપિયા  વધારે આપું છું ને? તારે કેટલા વધારે જોઈએ?
-બે કામના થેઈને પન્દરહો કરી આલો, હવે તો બધે એ જ ભાવ ચાલે સે.
-અરે, મેં કદી ઘરકામના પગારમાં આટલા ટકાનો વધારો નથી સાંભળ્યો, તેં સાંભળ્યો છે?
-ટકા બકાની મુને ખબર નંઈ પડે, મુને તો પંદરહો રૂપિયા જોઈએ.
-એમ તો મને હો મારા લેખના પંદરહો રૂપિયા જોઈએ, પણ કોઈ છે આપનાર ? મારાથી ફ્રસ્ટ્રેશનમાં કહેવાઈ ગયું.
-ના આલવા હોય તો ના આલતા,. કાલથી હાથે કોમ કરી લેજો.
-આમેય હું હાથેથી જ તો કામ કરું છું ને?
-જુઠું કાં બોલો ? બે વરહથી તો હું કોમ કરી આલું સુ.
-મેં તને કહ્યું તો ખરું કે વરસો વરસ તું જ કામ કરી આપે એવી (મને) શુભેચ્છા !
-તમે કોઈ કોઈ વાર હું બોલો સો તે જ મુને તો હમજાતું નંઈ.
-મને પણ નથી સમજાતું.
-કાલ આવું કે નંઈ આવું?
-આવજે ને તું તારે, બધા વગર ચાલે પણ તારા વગર ના ચાલે.
-પંદરહો આલવાના હોય તો જ આવું. બે વરહથી કોમ કરું સું પણ રૂપરડી એ વધારી નહીં.
-તે હું પણ ઘણા વખતથી  છાપામાં લેખો લખું છું, છતાં મારા લેખનો પણ કોઈએ રૂપિયો ય વધાર્યો નથી. ઉપરથી કેટલાક લેખના અડધા જ પૈસા આવ્યા છે, અને કેટલાક તો ગાલખાધ ખાતે એટલે કે માંડવાળ ખાતે જ મૂક્યા છે, મને મોંઘવારી નહીં નડતી હોય?
-તમારી વાત તમે જાણો બુન.
-જો, મારા લેખના પૈસા વધશે તો તને પણ તારા કામના પૈસા વધારી આપીશ.
-અને નહિ વધે તો?
-તો પણ તને આપું છું એ કરતા સો રૂપિયા વધારે આપીશ, હવે તો ખુશ ને?
-નંઈ પોહાય.
-તો મને હો નંઈ પોહાય.
-તો કાલથી કોમ કરવા નંઈ આવું કે?
-જેવી તારી મરજી.
-પસી પાસળથી  બોલાવા આવહો તો નંઈ  આવું.
-સારું. આગળથી બોલાવવા આવું તો તો આવશે ને ?
-પંદરહો આલવાના હોય તો જ.
-ભલે, મારે પંદરસો આપવાના હશે તો અને ત્યારે તને બોલાવીશ.
-બોઈલું ચાઈલું માફ કરજો, બુન. આવજો.
-ભલે, તું કાલથી નથી આવવાની છતાં તને કહું છું, ‘આવજે’

( એ ગઈ, પણ મને એક સારો પાઠ શીખવાડીને ગઈ. કમીટ કર્યા પછી  મારા લેખના અડધા જ પૈસા આપનાર તંત્રીને ફોન કરીને મેં કહી દીધું, ‘કાલથી હું તમારા છાપામાં લેખ નહિ લખું.’)
  


    


Wednesday, 8 March 2017

વુમેન’સ ડે (મહિલા દિવસ)

વુમેન’સ ડે (મહિલા દિવસ)        પલ્લવી જીતેન્દ્ર મીસ્ત્રી.

-આજે કઈ તારીખ છે?
-૮ મી માર્ચ, કેમ?
-તમને ખ્યાલ છે ખરો કે આજે એક ‘સ્પેશીયલ ડે’ છે?
-તું જ્યારથી મારા જીવનમાં આવી છે, ત્યારથી મેં આવા દિવસો જોવાના બંધ કરી દીધા છે.
-એટલે, તમે કહેવા શું માંગો છો?
-હું એમ કહેવા માંગુ છું કે તું જ્યારથી મારા જીવનમાં આવી છે, ત્યારથી મારા માટે બધા દિવસો ‘સ્પેશીયલ ડે’ જ છે.
-આ કોમ્પ્લીમેન્ટ્સ  છે કે કમ્પ્લેન?
-ઓફકોર્સ કોમ્પ્લીમેન્ટ્સ, ડીયર.
-મને કેમ એવું લાગ્યું નહીં?
-એ બધી વાત છોડ, મૂળ વાત તો કહે, આજની શું વાત છે?
- આજે ૮ મી માર્ચ, આજે ‘સ્પેશીયલ ડે’ એટલે કે ‘વુમેન’સ  ડે’ એટલે કે ‘મહિલા દિન’  છે.
-ઓહો, એમ વાત છે. પણ આજે જ શું કામ? મને તો લાગે છે કે વર્ષમાં ૩૬૫ દિવસ તમારા મહિલાઓના જ દિવસો તો હોય છે. અમને પુરુષોને આવા દિવસોની શું જરૂર? અમને તો અમારી થોડી મીનીટ (મેન’સ  મીનીટ) મળી જાય તો પણ ભયો ભયો.
તમે શું માનો છો વાચકમિત્રો? પુરુષોની આ વાત, ‘વર્ષમાં ૩૬૫ દિવસ મહિલાઓના દિવસ’ વાળી, સાચી છે? જો આ વાત  સાચી હોય તો મને એક વાત નથી સમજાતી કે -  આપણો ભારત દેશ, આપણો સમાજ, ‘પુરુષ પ્રધાન’ દેશ કે સમાજ કેમ ગણાય છે?    
આજના ‘મહિલા દિવસે’ બીજી એક વાત કરવાની છે, દીકરીઓની વાત. કોઈક હોંશિલા બાપે ‘દીકરી વહાલનો દરિયો’ એવું સૂત્ર શોધી નાખ્યું. કોણે શોધ્યું હશે મને ખબર નથી પણ ખુબ જ અસરકારક સૂત્ર છે આ. દીકરી નામની નદી, મીઠા ઝરણારૂપે પિયરમાં રુમઝુમ કરતી , કલકલ કરતી વહેતી હોય છે, તરસ્યાની તરસ બુઝાવે છે, પણ એ જ મીઠી નદી સાસરીયાના દરિયામાં પહોંચીને સાવ ખારી ખારી કેમ થઇ જાય છે?  (દરિયાના પાણી ખારા હોય છે એટલે?)
નો ડાઉટ, દીકરીઓ ખરેખર લાગણીશીલ અને કેરીંગ હોય છે, પણ મોટેભાગે એ લાગણી અને કેર પિયરીયાઓ પ્રતિ,  કે વધુમાં વધુ એના પતિ કે એના બાળકો પ્રતિ જ  સીમિત રહે છે. સાસરીયાઓને આ લાગણી અને કેર બહુ ઓછા પ્રમાણમાં મળે છે. ઓફ કોર્સ, અપવાદ બધી જ બાબતમાં હોઈ શકે, કેટલાક ભાગ્યશાળી સાસરીયાઓને વહુદીકરીનો તેમ જ કેટલીક વહુદીકરીઓને સાસરીયાનો સાચો પ્રેમ મળે જ છે. જેમ તાળી બંને હાથની મદદથી જ પડે એમ લાગણી અને કેર બંને બાજુથી હોય તો જ ટકે એ વાત પણ સાચી છે.
પતિ પત્નીનો એક રસમય સંવાદ:
પતિ: ગુરુવારે મમ્મીજી આવવાના છે.
પત્ની: કેમ? હજી ચાર મહિના પહેલાં જ તો તેઓ આપણા ઘરે આવી ગયા.
પતિ: તો શું થયું, ફરી ન આવી શકે?
પત્ની: આવી તો શકે, પણ હું તો એમ કહું છું કે પોતાના ઘર જેવું સારું બીજું કોઈ ઠેકાણું નથી.
પતિ: આપણું ઘર એમનું પણ પોતાનું જ ઘર તો કહેવાય ને?
પત્ની: કહેવાય, પણ એટલે કઈ વારંવાર આવ્યા કરવાનું? અને એ જ્યારે પણ આવે ત્યારે એક અઠવાડીયાના ધામા તો હોય જ, આ વખતે કેટલું રોકવાના છે?
પતિ: એક મહિનો રોકાવાના છે.
પત્ની: એક મહિનો? આપણું ઘર તે ઘર છે કે હોટલ?
પતિ: પણ માંદે સાજે તેઓ આપણને કામ પણ તો આવે જ છે ને? બોલાવીએ ત્યારે જરાય આનાકાની વગર આવે છે, એટલું જ નહિ, એવા સમયે આવે છે ત્યારે પૂરા દિલથી ઘર અને આપણને સાચવી લે છે કે નહિ? એટલું જ નહિ આવે છે ત્યારે આપણી ભાવતી વસ્તુઓ લઇને  આવે છે. આમ તેઓ કરકસરથી રહેતા હોવા છતાં જાય છે ત્યારે તને અને મીનીને પૈસા આપીને જાય છે.
પત્ની: મા બાપ પોતાના સંતાનોને કામ ન આવે તો બીજા કોના કામ આવે? એ આપણને સાચવે છે તો આપણે એમને નથી સાચવતા કે? આપણે એમને સારી જગ્યાએ બહાર જમવા લઇ જઈએ છીએ, એટલું જ નહિ આપણે પણ તો એમને આવવા જવાની ટીકીટ અને ગીફ્ટ  લઇ આપીએ જ છીએ ને?
પતિ: નજીકના  સંબંધોમાં આવી ગણતરી ન ચાલે. માવતરના  પ્રેમને એમ ભેટ સોગાદ કે પૈસાથી ન તોલાય.
પત્ની: એ હું કઈ ન જાણું. દીકરીની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, સીઝનની ચીજો ભરવાનો સમય થઇ ગયો છે, રસોઈવાળા મહારાજ ગામડે જવાના છે. તમે અત્યારે અને અત્યારે ફોન કરીને એમને આવવાની ના કહી દો.
પતિ: ભલે, પણ પહેલાં તું મારી પૂરી વાત તો સાંભળી લે. મારા નહીં, તારા મમ્મી આપણા ઘરે આવવાના છે.
પત્ની: શું? મારા મમ્મી આવવાના છે? એમણે તમને ફોન કર્યો? મને ફોન કેમ ન કર્યો? એમને મેં ખાસ કહ્યું છે કે મને જ ફોન કરવો.
પતિ: એમણે તો તને જ કરેલો. પણ તું તારી કિટીપાર્ટીમાં વ્યસ્ત હતી, તેં ફોન ઉપાડ્યો નહીં તેથી મને કર્યો.
પત્ની: હંઅઅઅ, યુ નોટીબોય, મને ખરી બનાવી હોં તમે. મારા મમ્મી સાથે  શું વાત થઇ તે તો કહો.
પતિ: તારા ભાઈ ભાભી એક મહિનો ઇન્ડીયાની બહાર ફરવા જવાના છે, એટલે તારા મમ્મીને અહી મૂકીને જવાના છે. પણ તું બહુ બીઝી હોય અને તેઓ આવે એવું તું ન ઈચ્છતી હોય તો કઈ વાંધો નહીં, હું ના પાડી દઉં એમને. આમ પણ તેઓ  છ મહિના પહેલાં પંદર દિવસ અને બે મહિના પહેલાં જ વીસ દિવસ રહી ગયા છે ને આપણે ત્યાં?
પત્ની: તો શું થયું, મન થાય ત્યારે મા દીકરીને ઘરે મળવા કે રહેવા ન આવી શકે?
પતિ: ચોક્કસ આવી શકે. મારું તો તને ફક્ત એ જ કહેવું છે કે એ જ રીતે મન થાય ત્યારે મા બાપ દીકરાને ઘરે પણ મળવા કે રહેવા આવી શકે, એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે.
પત્ની: ભલે, મારા દયાળુ ભરથાર, તમારી એ વાત હું ધ્યાનમાં રાખીશ, ઓકે?
વાચકમિત્રો, તમે જોયું ને... અહીં પત્નીએ પતિની વાત કેવી તરત જ માની લીધી. જ્યાં પત્ની આટલી દયાળુ અને નરમ સ્વભાવની હોય ત્યાં ‘વુમેન’સ  ડે’  કે ‘મહિલાદિન’ ઉજવવાની જરૂર તો ખરી જ કે નહીં?

Friday, 3 March 2017

છે મજા તો એ જ.

છે મજા તો એ જ.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

એક ક્લાસમાં ટીચરે વિદ્યાર્થીઓને વાર્તા લખવા કહ્યું, અને સાથે સાથે સૂચન કર્યું કે- વાર્તા ‘ટૂંકી અને રસમય’ હોવી જોઈએ. એક બાળકની વાર્તા સાવ ટૂંકી હતી, તે જોઇને ટીચરે એને વાર્તા ક્લાસમાં વાંચી સંભળાવવા કહ્યું.  વિધાર્થીએ વાર્તા વાંચી, જે નીચે મુજબ હતી :
‘એક પતિ અને એક પત્ની એકવાર એકબીજાની સામે વિરુદ્ધ દિશામાં મોં રાખી ઉભા રહ્યા. પછી એ જ દિશામાં થોડુંક ચાલ્યા, થોડુક  વધુ ચાલ્યા, ચાલતા જ ગયા અને અંતે તેઓ  સુખી થયા.’ 
પતિ પત્નીના ઝઘડાની વાતો સર્વ સામાન્ય છે, બાળક પણ એ વિષે અજાણ નથી. બંને સંપીને રહેતા હોય તો સગાઓને કે પાડોશીઓને શંકા જાગે છે કે – ‘આ બંને પતિ પત્ની તો છે ને?’ લગ્નજીવનની શરૂઆતમાં પતિ બોલે છે અને પત્ની સાંભળે છે. થોડા વર્ષ બાદ પત્ની બોલે છે અને પતિ સાંભળે છે. થોડા વધારે વર્ષો બાદ બંને બોલે છે અને બાળકો કે પડોશીઓ સાંભળે છે.  
પતિ પત્નીના ઝઘડાની વાત આવી તો મને એક બહુ જ જૂની પંક્તિ યાદ આવે છે:
લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો,
ફૂલ  કેરે  દડુલિયે  સીતાએ  વેર વાળ્યા જો.
આ પંક્તિઓ સૂચવે છે કે પતિ પત્નીના ઝઘડા આદિકાળથી ચાલી આવ્યા છે. ભગવાન રામ  અને માતા સીતા પણ એમાંથી બાકાત નથી.  રામ દિવ્ય પુરુષ હતા એટલે એમણે પત્ની સીતાને મારવા લવિંગની લાકડી (હળવું શસ્ત્ર) પસંદ કરી. આપણે રહ્યા સામાન્યજન, તેથી જે હાથમાં આવે તે (નેતર હોય કે આંબો) લાકડીથી પત્નીને ફટકારીએ.
સામાન્ય જનની પત્ની હોય તો કદાચ માર ખાઈને, રડીને, કકળીને બેસી રહે, પણ સીતા તો સતી હતા. તેથી એમણે રામ પર ફૂલના દડાનો વળતો પ્રહાર કરી વેર વાળ્યું. આખરે ‘અબળા ક્યા સુધી અબળા રહે?’ એ વાત સીતાજીએ આપણને શીખવાડી.
સીતાજી જો આજે જીવતાં હોત તો આજની આધુનિક  નારીઓ એમને પોતાના રોલમોડેલ કે ગ્રુપલીડર બનાવતે.  જો કે રામ સીતાને મારી શક્યા તેનું કારણ એક જ છે કે તેઓ સીતાના કાયદેસરના પતિ હતા. બાકી બિચારા રાવણે તો ફક્ત સીતાનો હાથ જ પકડ્યો અને એની સોનાની લંકા બળીને રાખ થઇ ગઈ.
થોડા વર્ષો પૂર્વે છાપામાં પતિ પત્નીના ઝઘડાનો એક અજબ કિસ્સો છપાયો હતો. ગુજરાત રાજયના ભરૂચ જિલ્લામાં એક પતિએ પોતાની પત્નીને ખેતરમાં તુવેરો કાપવા મોકલી. પત્ની ખેતરમાં જવાને બદલે કડીયાકામે ગઈ.
એને કદાચ વિસર્જનાત્મક (કાપવાનું) કામ કરવા કરતા સર્જનાત્મક ((ચણવાનું) કામ વધારે ગમતું હશે. પણ એના પતિને આ ન ગમ્યું અને એણે પત્નીનું નાક કરડી ખાધું. કદાચ ખાવા માટે તુવેરો ન મળવાથી ઉશ્કેરાઈને એણે આવું પગલું ભર્યું હોઈ શકે. પછી એ લોકોનું શું થયું તે ખબર જાણવા મળ્યા નથી, પણ ન્યુઝપેપરની મદદથી આપણને આવા અનેક રસમય બનાવ જાણવા મળે છે.
વર્ષો પહેલાં પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયનાના લગ્નજીવનના ભંગાણના સમાચાર પણ આપણને ન્યુઝ્પેપરવાળા એ જ આપ્યા હતા ને. એ બંનેના છુટા પડવાથી,  ‘ચાલો, હવે આપણો ચાન્સ કદાચ લાગી જશે.’ એવા વિચારોથી ભારતના કેટલાય આશાસ્પદ કુંવારા યુવાનો ગેલમાં આવી ગયા હતા.  
ચર્લ્સથી છુટા પડ્યા બાદ ડાયેનાએ કરકસર કરવા માંડી હતી. દસ હજાર ડોલરના ડ્રેસને બદલે નવ હજાર ડોલરના  ડ્રેસ એણે ખરીદવા માંડ્યા હતા. એટલું ઓછું હોય તેમ એ જુના ડ્રેસને કપાવીને –ટૂંકા કરીને – નવી ફેશનના બનાવીને પહેરવા માંડી હતી.
આ સાંભળીને અમારી સોસાયટીના યુવાનોને આશા જાગેલી કે ‘હવે તો ચોક્કસ એ આપણા ઘરમાં ગોઠવાઈ જશે.’ એ લોકો તો જો ડાયેના મળતી હોય તો એના બંને બાળકો,  પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીને દત્તક લેવાય તૈયાર હતા. પણ અમારા એ યુવાનોની આશા ફળીભૂત થાય એ પહેલાં તો ડાયેના સ્વર્ગે સિધાવી ગઈ. ખેર ! યુવાનોને દિલાસા સિવાય આપણે બીજું શું આપી શકીએ?
કહેવાનું તાત્પર્ય એ છે કે આ દુનિયામાં ભાગ્યેજ કોઈ યુગલ એવું હશે કે જેમની વચ્ચે કદી તકરાર જ ન થઇ હોય. અમારી સોસાયટીમાં દર વર્ષે અપાતા ઇનામ  ‘શ્રેષ્ઠ યુગલ’ ના સન્માન સમારંભમાં વિજેતા યુગલ ઇનામ લેતી વખતે જ, ‘બેમાંથી કોણ એવોર્ડનો ખરો હકદાર છે’ એ મુદ્દા પર ઝઘડી પડયાના દાખલા મૌજુદ છે.
દામ્પત્ય જીવનના ઝઘડામાં અભણ લોકો શારીરિક યુદ્ધ કરે છે, તો ભણેલાઓ વાકયુદ્ધ કરે છે. કેટલાક કિસ્સાઓ અજ્ઞાત રીતે લુપ્ત થઇ જાય છે, તો કેટલાક કિસ્સાઓ કોર્ટ અને અંતમાં છાપે ચઢે છે. લોકો એ તમામ કિસ્સા ખુબ રસથી વાંચે છે.
તમામ દૈનિક, અઠવાડીક, પાક્ષિક, મેગેઝીનના તંત્રીઓને મારું જોરદાર પણ નમ્ર સૂચન છે, કે તેઓ પોતાના છાપામાં કે મેગેઝીનમાં પતિ પત્નીના ઝઘડાની એક કોલમ નિયમિત રૂપે છાપે. આમ કરવાથી એમના મેગેઝીનનો ફેલાવો અનેક ઘણો વધવાની શક્યતા છે. પતિ પત્નીના યુદ્ધની આ કોલમમાં અમે પણ લેખો આપીને એમને યથાશક્તિ મદદ કરીશું એવું મારું વચન છે. કેમ કે અમારું મન પણ એમ જ કહે છે, ‘મુક મન લેખા અને જોખા બધા, છે મજા તો એ જ... હરપળ ઝઘડીએ,’