Wednesday, 26 September 2018

સુંદર મજાના સુત્રો.


સુંદર મજાના સુત્રો.         પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
એક ફ્લાવર બુકે વાળાની દુકાન પર નીચે મુજબનું એક મજાનું સૂત્ર લખ્યું હતું : ‘તમારી પ્રિય વ્યક્તિ (પ્રેમિકા ?) ને ફૂલોનો સુંદર બુકે ભેટ આપો, વધારેમાં તમારી પત્નીને ભૂલશો નહીં.’
આ સૂત્ર તરફ આંગળી ચીંધીને મેં મારા પતિને કહ્યું: જુઓ, આ નાનકડી દુકાનવાળો, ઓછું ભણેલો અને ઓછું કમાતો માણસ પણ કેટલો સમજદાર છે. એની દુકાન પર લખેલા સૂત્ર દ્વારા તમને પુરુષોને એ સલાહ આપે છે કે તમે તમારી પત્નીને ભૂલશો નહીં.
 ભૂલવું હોય તો પણ અહીં કોઈ અમને એ વાત ભૂલવા દે છે ખરું ? મારા પતિ નિશ્વાસ નાખીને બોલ્યા. પત્નીને ન ભૂલવાની સલાહના  દુખ કરતા પ્રેમિકાને ફૂલો આપવાની હિંમત ન કરી શક્યા હોય એનો વસવસો એમના નિશ્વાસમાં મને વધુ સંભળાયો.  
દુકાનોના પાટીયા પર, ટ્રક – બસ - રીક્ષા જેવા પબ્લિક વાહનો પર, છાપામાં લખાયેલા કે રેડિયો અને ટીવી પર સાંભળવા – વાંચવા મળતા આવા સુત્રો અનેક પ્રકારના અને કેટલાક તો મનોરંજક પણ હોય છે. દાખલા તરીકે- સરકારી બસ પર લાલ ત્રિકોણનું ચિત્ર અને સાથે લખાયેલું કુટુંબ નિયોજનનું  સૂત્ર: ‘અમે બે અમારા બે’  જે હવે તો – ‘એક જ બાળક બસ – દીકરો હોય કે દીકરી.’ નું થઇ ગયું છે.  કેટલાક દંપતી પર આ સુત્રોની એવી તો જાદુઈ અસર થઇ છે કે – ‘DINK – Double Income No Kid’  એવું સૂત્ર શોધી લીધું છે અને અપનાવી પણ લીધું છે.
કેટલીક ટ્રકની પાછળ લખાયેલા સુત્રો ધમકીભર્યા લાગે છે.
*બુરી નજરવાલે, તેરા મુંહ કાલા.
*સ્પીડની મજા, મોતની સજા.
*સલામત અંતર જાળવો. (સંબંધોમાં પણ આ વાત સાચી લાગે છે ને?)
*use DIPPER  at night.  (આમાં મારા ભાઈએ મસ્તીમાં કે મજાકમાં “ડીપર’ નું ‘ડાયપર’ કરી નાખ્યું હતું)
કેટલાક સુત્રો જાહેરાત ઉપરાંત સમજદારીનું જ્ઞાન પણ આપે છે:
*’પોતાના ઘર જેવી સર્વોત્તમ જગ્યા બીજી કોઈ નથી. (ગેસ્ટ બેડરૂમની દીવાલ પરનું સૂત્ર)
*’હવે અમે વિદાય સિવાય કઈ નહીં લઈએ.’ (વરિયાળી/મુખવાસની ડબ્બી પર લખેલું સૂત્ર)
એક ભોજનાલય (રેસ્ટોરાં) પર લખેલું ચાબરાકીભર્યું  સૂત્ર: ‘આપ અંદર પધારો. જો તમે તેમ નહીં કરો તો તમારે અને અમારે – બંનેને ભૂખ્યા રહેવાનો વારો આવશે.’  એક ડોકટરના દવાખાનાની બહાર સૂત્ર: ‘અહીં માત્ર સર્ટીફીકેટ આપવામાં આવે છે. રોગની સારવાર માટેની પૂછપરછ કરીને તમારો અને અમારો સમય વેડફવો નહીં.’
કેટલીક દુકાન પરના સુત્રો કમ સૂચના ગેરમાર્ગે દોરનારી હોય છે. ગામડેથી નટુ – ગટુ પહેલીવાર શહેરમાં ગયા. એમણે એક દુકાનના પાટીયા પર વાંચ્યું: શર્ટ – ૩ રૂપિયા, પેન્ટ – ૫ રૂપિયા, સુટ – ૨૦ રૂપિયા’ બંનેએ દુકાનદારને કહ્યું, ‘દસ શર્ટ, દસ પેન્ટ અને ચાર સુટ આપો’ દુકાનદારે કહ્યું, ‘શહેરમાં નવા આવ્યા લાગો છો’ નટુ – ગટુએ કહ્યું, ‘હા, પણ તમને કઈ રીતે ખબર પડી?’ દુકાનદારે કહ્યું, ‘આ કપડા ધોવાની દુકાન છે, કપડા વેચવાની નહીં’
ઇન્કમટેક્સ ઓફિસની બહાર લખેલું સૂત્ર ‘તમારો ટેક્સ હસીને ચૂકવો’ એ માટે અમે એકવાર ટ્રાય કરી જોઈ, પણ એમણે હાસ્ય ઉપરાંત ‘કેશ’ નો આગ્રહ રાખ્યો જે અમારે માન્ય રાખવો જ પડ્યો. એક વખત એક મેરેજબ્યુરો ની ઓફિસમાં સૂત્ર વાંચવા મળ્યું, ‘The secret of happy marriage remains secret.’ પરંતુ વિશ્વ વિખ્યાત ફોર્ડ મોટરના માલિક હેનરી ફોર્ડને એમની પચાસમી મેરેજ એનીવર્સરી પર કોઈકે પૂછ્યું, ‘બીઝનેસ વર્લ્ડ અને લગ્નજીવનમાં સફળતાનું તમારું રહસ્ય શું ?’ તો એમણે રમૂજપ્રેરક જવાબ આપ્યો, ‘જીવનભર એક જ મોડલ.’
કેટલાક સુત્રો ગેરમાર્ગે દોરનારા હોય છે, દાખલા તરીકે- જજ : આ પહેલાં તો તેં કદી ચોરી નથી કરી, તો પછી કાલે જ તને ચોરી કરવાનું કેમ મન થયું?  ચોર : સાહેબ, બંધ દુકાનની બહાર પાટિયા પર સૂત્ર લખેલું હતું, ’આ સુવર્ણતકનો લાભ લો.’
‘દરેક પુરુષે નાનપણમાં જ સ્વબચાવ કરતાં શીખી લેવું જોઈએ, કેમ કે યુવાનીમાં તેણે પરણવાનું જ છે.’ આ સૂત્ર વાંચીને મને એક જોક યાદ આવે છે:  ભયંકર વરસતા વરસાદમાં, પાણી – કીચડથી ભરેલા ખાડાઓ કુદાવતો  છગન દુકાને પહોંચ્યો અને બોલ્યો, ’એક મીડીયમ બ્રેડ અને ૧૦૦ ગ્રામ બટર આપો.’ દુકાનદારે જીજ્ઞાસાવશ પૂછ્યું, ‘સાહેબ, તમે પરણેલા છો ?’ આ સાંભળીને છગન થોડી ચીઢ સાથે બોલ્યો, ‘નહીંતર તમે શું એમ ધારો છો કે આવા વરસતા વરસાદમાં મારી મા મને બ્રેડ – બટર લેવા મોકલે ?’ 
એક સ્માર્ટ ડોકટરના કલીનીક પર સીધે સીધું ‘Keep Silence’  લખવાના  બદલે લખ્યું હતું, ‘The only time you make sense is where you are not talking.”  આ કદાચ એવું થયું કે – પપ્પા : બેટા તને તારી સ્કુલ ગમે છે?     મુન્નો : હા, પણ જ્યારે એ બંધ હોય છે ત્યારે.  સ્કુલે મુકવા આવતી મમ્મીને પીન્ટુએ પૂછ્યું, મમ્મી, અહીં ‘ધીમે હાંકો’ એવું બોર્ડ કેમ માર્યું છે? મમ્મીએ કહ્યું, ‘ બેટા, અહી નજીકમાં કોઈ હોસ્પિટલ નથી ને એટલે.’
એક બ્યુટી પાર્લર ની બહાર સૂત્ર લખ્યું હતું: ‘અહીંથી નીકળતી સુંદર સ્ત્રીને જોઇને સીટી મારશો નહિ, કદાચ એ તમારી દાદીમાં પણ હોઈ શકે છે.’ વાચકમિત્રો, તમે પણ આવા આવા ઘણા સૂત્રો વાંચ્યા જ હશે. પણ દર વખતે ‘વાંચો, વિચારો અને અનુસરો’ એ સૂત્ર અમલમાં મૂકવાને બદલે, ‘વાંચો, વિચારો, હસો અને ભૂલી જાવ’ એ યાદ રાખીને તમે હવે તમારા કામે વળગો અને હું પણ મારા કામે લાગુ. 

Wednesday, 19 September 2018

વિજયી ભવ!


વિજયી ભવ!         પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.
હે ભગવાન !    
બોલ વત્સ, મને કેમ યાદ કર્યો ?’ 
 તમે કંઈ ભગવાન છો ?’    
હાસ્તો. આપણા શાસ્ત્રમાં કહ્યું છે ને કે – પતિ પરમેશ્વર 
 એવું વળી કયા શાસ્ત્રમાં કહ્યું છે ?’   
 એ જાણીને તુ શું કરીશ ? પણ મને એ તો કહે,  તેં નિશ્વાસ નાંખીને ભગવાનને કેમ યાદ કર્યા ?’ 
 જુઓને, હજી તો ઝીણી ઝરમરમાં, એટલે કે  પહેલા વરસાદમાં જ આપણા ઘરમાં દાદર અને માળિયા ઉપરથી પાણી ઝરવા માંડ્યું, ભીંતેથી રંગના પોપડા ખરવા માંડ્યા.
અચ્છા! એટલા ખાતર તેં ભગવાનને યાદ કર્યા ? પણ તને  ખ્યાલ ન હોય તો હું કહું કે આ બીલ્ડિંગ ભગવાને નથી બાંધ્યું.   
 હા, એ તો મને ખબર છે.    
તો પછી એ માટે બીલ્ડિંગ કોન્ટ્રાક્ટરને યાદ કરવાને બદલે ભગવાનને કેમ યાદ કર્યા ?’   
 વરસાદ તો ભગવાને જ મોકલ્યો ને ? બધે પાણી પાણી થઈ ગયું. 
 કહેવાય છે ને કે – વહુ અને વરસાદ ને જશ નહીં.  ન આવે તો પણ ફરિયાદ અને આવે તો પણ ફરિયાદ. પણ તુ ચિંતા ન કર, વરસાદ બંધ થશે એટલે પાછું બધું યથાવત થઈ જશે.
તમારી વાત એકદમ બરાબર છે, પણ હજી તો વરસાદની સીઝન હમણાં જ ચાલુ જ થઈ છે. આખા ચોમાસા દરમ્યાન આવું જ ચલાવવાનું ?’  
 છૂટકો છે કંઈ ?’ 
 ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે હવે તો ડ્રોઇંગ રૂમનો માર્બલ પણ બેસવા માંડ્યો છે.
 એમાં એનો બિચારાનો પણ શું વાંક ? ખાસા દસ વર્ષ એ ઊભો રહ્યો, હવે તો એ થાકીને બેસે કે નહીં ?’ 
  તમને તો ભાઈસાબ દરેક વાતમાં મજાક જ સૂઝે છે, ક્યારેક તો સીરીયસ થશો કે નહીં ?’ 
ના ભાઈ ના,  જિંદગીમાં એકવાર સીરીયસ થયો તેની સજા આજ સુધી ભોગવી રહ્યો છું.  
તમે શેની વાત કરી રહ્યા છો, મને તો કંઈ પણ સમજાતું નથી. જરા ફોડ પાડશો કે ?’
 અરે, લગ્ન કરવાના નિર્ણયને સીરીયસલી લીધો તેની વાત કરું છું, એની સજા આજે પણ ભોગવી રહ્યો છું કે નહીં ?’ 
 અચ્છા ? તો આપણા  લગ્ન હવે તમને સજા લાગે છે ? પણ અત્યારે લગ્નદિવસ ક્યાંથી યાદ આવ્યો ?’
 એ દિવસ કંઈ ભૂલાય ? કેટલીક ભૂલો જિંદગીભર યાદ રહી જાય એવી હોય છે.
તો તમે કર્યા કરો યાદ, હું તો જાઉં છું, મારે ઘણા કામો કરવાના હજી બાકી છે.   
અરે! હું તો મજાક કરતો હતો, બોલ, શું કહેવું છે તારે ?’
 જુવોને દસ વર્ષમાં તો ઘરની કેવી દશા થઈ ગઈ છે, જોઈ જોઈને જીવ બળે છે મારો તો.   
એમ અમસ્તો અમસ્તો જીવ ન બાળ. સમય સમયનું કામ તો કરે જ ને ?’   
પણ આપણે પણ આપણું કામ કરવું જોઈએ કે નહીં ?’   
 જો, છોકરાંઓ છોકરાંઓનું કામ કરે છે, ભણવા જાય છે, રમવા જાય છે. હું પણ મારું કામ કરું જ છું, રવિવાર સિવાય રોજ ઓફિસે જાઉં છું. અને  I think તું પણ તારું કામ કરે જ છે, ઘર સંભાળે છે, હાસ્યલેખો લખે છે.
એ તો ઠીક, પણ આ ઘર પણ રીપેર કરાવવું જોઇએ કે નહીં ? એ પણ તો એક કામ જ છે ને ? અને તમારે ઘર નહીં જ રીપેર કરાવવું હોય તો પછી નવું ઘર લો. 
નવું ઘર ? આ ઘરની લોન તો હજી હમણા માંડ માંડ પતી છે. અને દસ વર્ષમાં તે વળી કોઈ ઘર બદલતું હશે ?’    
 કેમ નહીં બદલે ? અરે ઘર તો શું, માણસ ધારે તો વર પણ બદલી નાંખે.
આહા ! એ વાત તેં બરાબર કરી. બોલ, તારે બદલવો છે વર ?’
ના રે, એવું કરું તો મારે તો તમારા પર કરેલી બધી મહેનત નકામી જાય. અત્યારે તો માત્ર ઘર બદલવાથી જ ચાલશે.
જો ઘર બદલવાની વાતથી મને એક જોક યાદ આવ્યો:પતિ : પણ તારી પાસે પૂરા બે કબાટો ભરીને સાડીઓ તો પડી છે, છતાં તું નવી સાડીઓ કેમ માંગી રહી છે ?  પત્ની: એ બધી જ સાડીઓ મારી તમામ પડોશણો જોઈ ચૂકી છે એટલે મારે નવી સાડીઓ જોઈએ છે.   પતિ : મને લાગે છે કે હવે નવી સાડીઓ ખરીદવા કરતાં આપણે નવા ઘરે રહેવા જવું વધારે સારું પડશે. તું ત્યાં નવા પડોશીઓને તારી આ બધી જ સાડીઓ સમયાનુસાર બતાવી શકશે.
મેં તમને માત્ર નવું ઘર લેવાનું કહ્યું છે, શહેર બદલવાનું તો નથી કહ્યું ને ?’
એ વાત સાચી, પણ બે દિવસ પહેલાં તું જ તો અમદાવાદ છોડીને સુરત રહેવા જવાનું કહેતી હતી.
પણ તમે ક્યાં મારી વાત માનો એવા છો ? માની જાઓ તો મારા ભાઈને લખું, કે એ લોકો રહે છે એ એરિયામા આપણા માટે કોઈ સારું ઘર લઈ રાખે.
સુરત માં એક સરસ જગ્યા વેચવાની છે એવી જાહેરાત આજના પેપરમાં જ મેં વાંચી.
અરે વાહ! તો પછી કહેતા કેમ નથી ? બહુ મીંઢા છો તમે તો. કઈ જગ્યા વેચવાની છે ? કેટલામાં ? ક્યાં એરિયામાં ?’ 
સુરતની સેંટ્રલ જેલ વેચવાની છે, બાવીસ હજાર ચોરસ મીટરની જગ્યા, બસ્સો જણ રહી શકે એવું મકાન, ૪૫ કરોડ રૂપિયામાં. બોલ, છે વિચાર ખરીદવાનો ?’
વાત કરવામાં બહુ ઉસ્તાદ છો તમે. કોઈ પણ પ્રસ્તાવને ઉડાડી મૂકવામાં તમને કોઈ ન પહોંચી શકે.
હા, માત્ર મારા લગ્નના પ્રસ્તાવને ઉડાડી મૂકવામાં જ હું ચૂકી ગયેલો
ભૂલ કરી તો ભોગવો હવે એની સજા. 
છૂટકો છે કઈ ? અરે પણ તું ક્યાં ચાલી ?’
બીલ્ડિંગ કોન્ટ્રાક્ટરને ફોન કરવા. નવું મકાન તો આવવાનું નથી, તો આને તો રીપેર કરાવીએ.
હવે તેં બરાબર વાત કરી, જા વત્સ. જા. વિજયી ભવ!

Wednesday, 12 September 2018

મા બાપને ભૂલશો નહીં.


મા બાપને ભૂલશો નહીં.      પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

સેકન્ડ ઈનિંગ વૃધ્ધાશ્રમમાં આજે રવિવારની સવારથી જ હલચલ મચી ગઈ હતી. ઘડપણમાં ઊંઘ ઓછી થવાને લીધે લગભગ બધા જ વૃધ્ધો રાત્રે વહેલા પથારીમાં પડીને પડખા ઘસતા ઘસતા મોડાં સૂતા અને સવારે વહેલા, વહેલા એટલે કે પરોઢિયાના જાગી જતા. હરે કૃષ્ણા હરે કૃષ્ણા  બોલતા બોલતા માંડ માંડ પથારીમાં બેસતા ખુશાલભાઈ આજે જાગીને તરત પથારીમાંથી ઉતરીને ઓસરીમાં આવ્યા, અને ખુશહાલ ચહેરે બગીચા તરફ નજર માંડી. ડગુમગુ ચાલે પથારીમાંથી ઉતરીને માંડમાંડ બાથરૂમ સુધી પહોંચતા બાબુભાઈએ આજે રઘુપતિ રાઘવ રાજા રામ...ગાતા ગાતા ઉત્સાહભરી ચાલે બાથરૂમ તરફ પ્રયાણ કર્યું. તો રોજ સવારે દુખતી કમરની ફરિયાદ લઈને આહિસ્તા આહિસ્તા ઉઠતા અમૃતભાઈએ આજે થેલામાંથી  ટુથપેસ્ટ અને બ્રશ કાઢીને વોશબેસીન પાસે જઈને ફટાફટ અને આનંદપૂર્વક બ્રશ પતાવ્યું.
આમ તો આ  વૃદ્ધજનોને  મન બધા દિવસો, બધા  વાર સરખા જેવા જ હતા એટલે યાદ પણ નહોતું રહેતું કે આજે કયો વાર છે ?’ તહેવારોનું પણ લગભગ એવું જ હતું. હા, કોઈવાર કોઈ સખાવતી કે દાનેશ્વરી વ્યક્તિ  આવીને એમની  સાથે સમય ગાળે, વાતો કરે, એમની સંભાળ લે, એમની જીવન જરૂરિયાતની નાની નાની પણ આવશ્યક ચીજો પૂરી પાડે, તે દિવસ એમને માટે મોટો તહેવાર બની જતો. એવા વખતે એમને  પોતાના ઘરની અને સંતાનોની યાદ  શૂળની જેમ સતાવતી.
બધા ભેગા મળે ત્યારે પોતપોતાના સંતાનોની વાત અનાયાસે જ નીકળી જતી. વસુમા ‘પોતે સંતાનોને કેટલો પ્રેમ કરતાં, એમણે જીવથી પણ વધુ  વહાલા સતાનોને  કેટલી કાળજી લઈને ઉછેર્યા’ તે યાદ કરીને આંખમાં પાણી ભરી લેતા. તો રમાબા પણ ‘છોકરાઓને માટે કેવા કેવા દુ:ખો વેઠ્યા, પોતે પેટે પાટા બાંધીને સંતાનોને ભણાવ્યા, પરણાવ્યા...’ એની વાત કહેતા પાલવથી પોતાની ભીની થયેલી આંખોને લૂછતાં. જ્યારે હેતાબા ‘પોતાના જીવનની કઠિનાઈઓની અને સંતાનોની પોતાના પ્રત્યેની ઉદાસીનતાની ગાથાઓ ગૂંથીને ગળગળા થઇ જતા. છેવટે સામૂહિક નિશ્વાસ સાથે સભા બરખાસ્ત થતી. પિતાઓની વેદના મૂંગી રહેતી અને માતાઓની વેદના વાચાળ. 
પણ આજના રવિવારનો  દિવસ લગભગ તમામ વૃધ્ધજનો માટે જરા જુદો જ ઉગ્યો હતો. સવારનો સુરજ  સોનેરી અને રાતના સપના ગુલાબી થઈ રહ્યાં હતાં. બધા જ વડીલો ઉત્સાહથી  થનગનતા હતાં, પ્રાત:ક્રિયા સ્ફૂર્તિથી પતાવી રહ્યાં હતાં. થેલામાં દિવસોથી પૂરાઈ રહેલાં નવા અને સારા લૂગડાં – કપડાં બહાર નીકળીને વડિલોના શરીર પર શોભી રહ્યાં હતાં. નાસ્તાગૃહમાં આજે કોઈ  ફરક્યું  નહીં એટલે વૃધ્ધાશ્રમના કાર્યકારી સનતભાઈ બધાંને ચા – નાસ્તો કરવા બોલાવવા આવ્યાં, ત્યારે બધાંએ કહી દીધું, હમણાં નહીં, થોડીવાર પછી સનતભાઈ સાનમાં સમજી ગયાં કે - આજે તો બધાએ મળવા આવનાર સંતાનોની સાથે બેસીને ચા-નાસ્તો કરવાનું પ્લાનિંગ કર્યું લાગે છે.  પુલકિત ચહેરે, ભલે, થોડીવાર પછી આવો કહીને  એ જતા રહ્યાં.
‘આજે તો મારો દિકરો વિનય હમણાં મને મળવા આવવાનો છે, કેટલા બધા દિવસ પછી એનું મોં ભાળીશ. ‘  હસુ હસુ થતા બોખા મોંએ રમાબા બોલ્યા.  ‘અરે, આજે તો મારો દિકરો સ્નેહલ પણ આવવાનો છે,  હું તો એની સાથે ખુબ બધી વાતો કરીશ, ઘરમાં બધાંની ખબર પૂછીશ.’ વસુમાની ખુશીનો પણ કોઈ પાર નહોતો.  ‘આજે મારો અનિલ પણ આવશે, હું તો એને વઢવાની જ છું કે કેટલા બધા દિવસે, અરે દિવસે શું કેટલા બધા મહિનાઓ પછી મોઢું દેખાડવા આવ્યો.’ હેતાબાએ મીઠી રીસ કરતા હોય એમ કહ્યું.
ખુશાલભાઈ, બાબુભાઈ અને અમૃતભાઈ પણ આ ઘેલી ડોસીઓની વાત રસપૂર્વક સાંભળતા હતાં. એ સૌના મોં પર પણ આનંદના ભાવ તો હતા જ, પણ વ્યક્ત નહોતાં કરતાં. એમના દિકરાઓ પણ આજે મળવા આવવાના હતાં. આજે વૃધ્ધાશ્રમમાં અનોખું સ્નેહ-મિલન યોજાવાનું હતું. તમને થશે એવું તો વળી શું થયું કે બધાં સંતાનો એકસાથે ફરજ પરસ્ત થઈ ગયાં ? એવું શુ થયું કે જે સંતાનો પોતાના મા બાપને વૃધ્ધાશ્રમમાં મૂકીને ભૂલી ગયાં હતાં તે આજે અચાનક એમને મળવા આવવાના ? એવો તે શું ચમત્કાર થયો કે બધા બાળકોને પોતાના મા બાપ યાદ આવી ગયાં ?
તો બન્યું એવું કે – (એટલે ખરેખર નહિ, પણ આપણે એવી ધારણા કરવાની છે) ભારત દેશમાં વધી રહેલી વૃધ્ધોની વસતી અને એના સંદર્ભમાં વધી રહેલાં વૃધ્ધાશ્રમની વસતીને લક્ષમાં લઈને – (ચીનની સરકાર પાસેથી પ્રેરણા લઈને  - ચીનના શાંઘાઈમાં આ કાયદો ઓલરેડી ૧ લી મે, ૨૦૧૬ થી અમલમાં મૂકાઈ ગયો છે.)  ભારત સરકારે વૃધ્ધાશ્રમાં કે એકલાં રહેતાં વડિલોના સંતાનો માટે નીચે મુજબનો સખત કાયદો ઘડી કાઢ્યો છે, અને તાત્કાલિક અમલમાં મૂક્યો છે.
કાયદો આ મુજબ છે, એકલા રહેતા માતા- પિતા ને  જો સંતાનો મળવા નહીં જાય કે એમના ખબર અંતર નહીં પૂછે તો એમનો ક્રેડિટ સ્કોર ઘટાડી દેવામાં આવશે  એટલે મા બાપની ઉપેક્ષા કરનારને હવે આર્થિક નુકસાન વેઠવું પડશે. મા બાપને મળવા ન જનારા સંતાનોને અપ્રમાણિક ગણવામાં આવશે અને એની સીધી અસર એમની નોકરી ઉપર પડશે.’ આવા અપ્રમાણિક સંતાનોને ક્રેડિટ કાર્ડ કે લોન મળશે નહીં. બેંક પણ એમને વધુ સુવિધાઓ આપશે નહીં. આ કાયદો આવ્યા પછી જે બાળકો ઘણા દિવસો સુધી કે પછી મહિનાઓ સુધી ઘરે નથી જતાં, એમને મા બાપ કોર્ટમાં પણ ઘસડી શકે છે. કોર્ટના ચુકાદા ની  ઐસી કી તૈસી કરનાર પર ક્રેડિટ રેટિંગ વિભાગ તવાઈ લાવશે. એવાને નોકરીમાં પ્રમોશન નહીં મળે અથવા નોકરીમાંથી પાણીચું પણ મળી શકે છે.  આ કાયદાને લીધે કંઇક આવા દ્રશ્યો સર્જાશે :
દ્રશ્ય – ૧ :
મી. મહેતા : સર, મેં મહિના પહેલા ‘હોમ લોન’ માટે એપ્લાય કર્યું હતું, તે હજી પાસ કરવામાં નથી આવી.
બોસ : મી.મહેતા, તમારી લોન રીજેક્ટ કરવામાં આવી છે, અને હા, તમને નોકરીમાંથી પણ બરતરફ કરવામાં આવે છે.  મી. મહેતા : પણ સર, મારો વાંક શું છે ?
બોસ :  છેલ્લા છ મહિનાથી તમારાથી જુદા અને એકલા રહેતા તમારા ફાધરને તમે મળવા નથી ગયા.
દ્રશ્ય – ૨ :
મી.શાહ : (બેન્કમાં) મારું આ  ક્રેડીટ કાર્ડ અચાનક બંધ થઇ ગયું છે, આઈ કેન નોટ ઓપરેટ ઈટ.
ઓફિસર : સર, તમારી ‘અપ્રમાણિકતા’ ને કારણે તમારું ક્રેડીટકાર્ડ રદ થયું છે.
મી.શાહ : મેં શું ‘અપ્રમાણિકતા’ કરી ?
ઓફિસર : વૃધ્ધાશ્રમમાં રહેતા તમારા મધરની ખબર પુછવા તમે પાંચ મહિનાથી નથી ગયા.
દ્રશ્ય – ૩ :
પોલીસ : રોહનભાઈ તમે જ છો ?  રોહનભાઈ : હા, હું જ છું.  પોલીસ : તમારી ‘ધરપકડ’ કરવામાં આવે છે. રોહનભાઈ : કયા ગુના હેઠળ ?  પોલીસ: તમારા ફાધરે ફરિયાદ લખાવી છે કે - તમે સાત મહિનાથી તમારા ઘરે નથી ગયા, ચાલો, પોલીસચોકીએ.
વૃધ્ધોના અધિકારોનું રક્ષણ કરતો આ કાયદો હવે વૃધ્ધોનું જીવન સરળ અને રસમય બનાવશે ? શંકા તો છે જ કેમ કે  દરેક કાયદાને છીંડા હોય છે તેમ જ કાયદો બને છે જ તોડવા માટે. 
દાખલા તરીકે:
આનંદ: હલ્લો પિતાજી, કેમ છો? આ તમારા માટે હું ફળો અને નાસ્તો અને કપડાં લાવ્યો છું.
મોહનલાલ : તમે કોણ છો ભાઈ ? આજે તો મારો દિકરો સૌમિલ મને મળવા આવવાનો હતો ને ?
આનંદ: પિતાજી, મને સૌમિલભાઈએ જ મોકલ્યો છે, એમના વતીથી હું તમને મળવા, તમારી ખબર પૂછવા આવ્યો છું. એમણે મોકલાવેલી આ ચીજ વસ્તુઓ તમે સ્વીકારો અને મુલાકાતના આ ફોર્મ પર સહી કરી આપો.
આમ વ્યસ્તતાને કારણે સંતાનો પોતે ન આવી શકે તો પોતાના વતીથી કોઈ બીજા માણસને ભાડેથી લઈને  મોકલી આપશે. આવા કેસમાં સરકાર કેવાં પગલાં લેશે એ ખબર નથી. પણ હવે વૃધ્ધો અને વડિલો જાગૃત થવા માંડ્યા છે. પોતાની પાછલી જિંદગી સારી જાય એ માટે પ્લાનીંગ કરવા માંડ્યા છે. સંતાનો પરાણે મિલકત પચાવી પાડે તો એમને કોર્ટમાં ઘસડી જવાની હિંમત પણ  કરવા માંડ્યા છે. અને હવે તો કાયદો પણ એમની ફેવરમાં આવી ગયો છે.
પણ કેટલાક મા બાપ પોતે જ પોતાના સંતાનો સાથે રહેવા નથી માંગતા. સંતાનોની ફાસ્ટ અને કેરલેસ લાઈફ સ્ટાઈલ સાથે એમની સ્લો અને નિયમિત રીતની લાઈફ સ્ટાઈલ મેચ નથી થતી. સંતાનો પોતે જરા પણ બદલાવા કે કોમ્પ્રોમાઈઝ કરવા તૈયાર નથી, પરિણામે મા બાપને એમની સાથે રહીને જીવવાનું માફક નથી આવતું.
ઘણા કેસમાં બધું જ બરાબર એટલે કે - સંતાનો અને મા બાપ વચ્ચે સુમેળ હોય છે, પણ સાથે રહેવાના સંજોગો નથી હોતા. કેમ કે મા બાપ વર્ષોથી વતનના ગામમાં રહેતા હોય છે અને સંતાનો  ભણવા કે નોકરી અર્થે  મોટા શહેરમાં કે ભારતની બહારના દેશોમાં જાય છે અને વસી જાય છે. મા બાપને વતન છોડવું નથી હોતું અને સંતાનો વર્કપ્લેસ છોડી શકે એમ નથી હોતા. પરિણામે વચ્ચેનો રસ્તો.  એક બીજાના ઘરે વારે તહેવારે  થોડા દિવસો કે મહિનાઓ માટે જઈને સાથે રહેવાનો આનંદ ઊઠાવાય છે.
 કેટલાક મા બાપ પોતાનો જીદ્દી સ્વભાવ છોડવા નથી માંગતા. જમાના પ્રમાણે બદલાવા કે સંતાનો સાથે કોમ્પ્રોમાઈઝ કરવા તૈયાર નથી. જુના રીત રિવાજોને અડિયલ પ્રમાણે વળગી રહેવા અને  સંતાનોને પોતાના કંટ્રોલમાં રાખવા માંગે છે, પરિણામે સંતાનો જ એમનાથી જુદા રહેવા જતા રહે છે અથવા એમને વૃધ્ધાશ્રમમાં મૂકી આવે છે.
છતાં પણ છોરૂં કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય એ કહેવત હજી પણ મોટે ભાગેના કેસોમાં પૂરવાર થાય છે. તકલીફ અહીં એક જ વાતની છે કે - સંતાનો મા બાપને  મળે, વાતચીત કરે કે ખબર અંતર પૂછે તો -  મા બાપને બત્રીસે કોઠે દીવા થાય છે  આ વાત સંતાનો સમજે છે, પણ ખુબ મોડી મોડી – કે જ્યારે તેઓ મા બાપ તરીકે વૃધ્ધ થાય છે  ત્યારે, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું  હોય છે.

Wednesday, 5 September 2018

હાથીના દાંત : ચાવવાના જુદા , દેખાડવાના જુદા.


હાથીના દાંત : ચાવવાના જુદા , દેખાડવાના જુદા.  પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

યાદવ કુળમાં ગૌરવ સમાન ગણાય એવા એક વ્યક્તિ -  ભગવાન શ્રીકૃષ્ણ વર્ષો પહેલાં ભારત દેશમાં થઈ ગયા, જે આજે પણ ભગવાન તરીકે લોકોમાં પૂજાઈ રહ્યા છે. તે પછી સદીઓ બાદ એવી જ એક  મહાન વ્યક્તિ દેશભક્ત ગંગાપ્રસાદ યાદવ બિહારમાં પાક્યા છે. તમને થશે કે ગંગાપ્રસાદ યાદવ અને દેશભક્ત ? તો સાંભળો એમનો એક મજાનો  કિસ્સો. મહાન દેશભક્તના મનમાં પણ ન આવે એવો વિચાર થોડા વર્ષો પહેલા એમને આવ્યો હતો. “ આપણા જવાનો સરહદ પર  યુધ્ધ ખેલી રહ્યા છે,  ત્યારે આપણે ટી.વી. પર વર્લ્ડકપની મેચ ન જોવી જોઈએ, અને કેંદ્ર સરકારે પણ એના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.”
એ વખતે મને એમનો આ વિચાર ખુબ ગમ્યો, એમની વાત વ્યાજબી લાગતાં  મેં પણ મારા ઘરમાં ટી.વી. પર વર્લ્ડ કપની ક્રિકેટ મેચ જોવા પર સ્વૈચ્છિક પ્રતિબંધ  મૂકવાનો ત્વરિત નિર્ણય કર્યો.
મમ્મી, હું બહાર રમવા જાઉં છું, મેચ શરૂ થાય એટલે બોલાવજે.  મારા નાના દિકરાએ મને કહ્યું.
 આજે મેચ બેચ કશું જોવાનું નથી.  મેં જરા રૂઆબથી કહ્યું. 
કેમ ?’  એ મારા ક્રિકેટપ્રેમને જાણતો હતો એટલે નવાઈથી પૂછ્યું.
 કેમ શું ? આપણે કંઈ દ્રેશદ્રોહીઓ છીએ કે મેચ જોઈએ ?’ 
 દેશદ્રોહીઓ મેચ જુએ એવું તને કોણે કહ્યું ?’ 
 કોણે તે ગંગાપ્રસાદ યાદવે.
  કોણ  ગંગાપ્રસાદ ? પેલા ઘાસચારાના કૌભાંડવાળા ?’
અરે બાબા, એ મહાન દેશભક્ત વિશે એવું ન બોલાય.  મેં એને વાર્યો.
 મમ્મી, આર યુ  ક્રેઝી ? એ ગંગાપ્રસાદ મહાન દેશભક્ત ?’ 
 હન્ડ્રેડ પરસેન્ટ. એમણે કહ્યું કે  “સરહદ પર આપણા સિપાઈઓની જાનની બાજી લાગી છે ત્યારે આપણાથી ઘરમાં બેસીને ક્રિકેટ મેચ ન જોઇ શકાય.”
 મમ્મી, આપણે માઈનસ હું.  હું તો મેચ જોઈશ, તારે ન જોવી હોય તો તું કીચનમાં અથવા બેડરૂમમાં ચાલી જજે.  કહીને એ રમવા જતો રહ્યો. એના ગયા પછી થોડીવારમાં મોટો દિકરો બેડરૂમમાંથી અભ્યાસ કર્યા બાદ બહાર આવ્યો.
 મમ્મી ટી.વી. નું રીમોટ ક્યાં છે ? એણે બૂમ પાડીને મને પૂછ્યું.  
‘તારે રીમોટને શું કરવું છે ? આજે કોઈએ ટી.વી. નથી જોવાનું.’
 ‘હું ટી.વી. નથી જોવાનો, મેચ જોવાનો છું.’  એણે મજાક કરતા કહ્યું. 
‘એ બધું એક નું એક જ ને ? આજે મેચ પણ નથી જોવાની.’
‘કેમ, તને ઈન્ડિયા હારી જશે એવો ડર લાગે છે ?’ એણે હસતા હસતા પૂછ્યું.
‘અરે તને ક્રિકેટ મેચમાં ઇન્ડિયા હારી જશે તેની ફિકર છે અને ત્યાં ભારત – પાક ફ્રન્ટ પર આપણા સૈનિકો મરે તેની ફિકર નથી ?
‘આપણે ઘરે બેસીને એમની ફિકર કરીશું તો તેઓ બચી જશે ?  એણે લોજીકલ સવાલ કર્યો. 
‘ના, પણ આપણે એમના બચાવ માટે પ્રાર્થના તો કરી શકીએ ને ? મેં પાંગળો બચાવ કર્યો.
‘મમ્મી, તારે તો ભગવાન સાથે ડાયરેક્ટ ડાયલીંગ છે, હેં ને ?  ભગવાન તારી લગભગ બધી જ વાત સાંભળે છે, તો તું પૂજારૂમમાં જઈને આપણા સૈનિકો માટે પ્રાર્થના કરજે.’  કહીને એ બહાર ગેલેરીમાં હીંચકા પર બેસવા જતો રહ્યો.
 ‘અ ર ર ર ! મારા જેવી દેશદાઝ વાળી નારીના દીકરાઓમાં જ દેશભક્તિનો અભાવ ?’ એવું હું વિચારતીહતી ત્યાં જ મારા ઓફિસેથી આવ્યા.
‘મેચ શરૂ થઈ ગઈ ? ઓફિસેથી આવતાં વેંત જ એમણે આતુરતા પૂર્વક પૂછ્યું.’
‘મેચ, મેચ ,મેચ. તમને ત્રણેને મેચ સિવાય કશું દેખાતું જ નથી કે ?
‘ના, અર્જુનને  પક્ષીની આંખ સિવાય ક્યાં કશું દેખાતું હતું ?
‘ઓહ ! તમને હું કેમ કરીને મારી વાત સમજાવું ? 
‘અત્યારે તો મને એ સમજાવ કે ડ્રોઈંગરૂમમાંથી બધી ખુરશીઓ ક્યાં ગઈ ?
‘મેં સ્ટોરરૂમમાં મૂકી દીધી.’ 
‘કેમ, તેં બપોરે ભજન મંડળી બોલાવી હતી, કે પછી ડ્રોઈંગરૂમની સાફ સફાઈ કરી ?
‘બે માંથી કશું કર્યું નથી. આપણા મહાન દેશભક્ત નેતા ગંગાપ્રસાદ યાદવે....’ 
‘હે એ એ , વેઈટ... વેઈટ. શું કહ્યું તેં ? વોટ ડુ યુ મીન ? 
‘આઈ મીન વોટ આઈ સેઇડ. દેશભક્ત નેતા ગંગાપ્રસાદ...’
‘તારી તબિયત તો સારી છે ને ?’ એમણે મારા કપાળે હાથ મૂકતાં કહ્યું.
‘હા, ફીઝીકલી અને મેન્ટલી બન્ને રીતે સારી છે.’ મેં હસીને જવાબ આપ્યો.
‘તો પછી આ બધું શું છે ? 
‘જુઓ, ગંગાપ્રસાદે કહ્યું છે કે – આપણો ભારત દેશ જ્યારે સશત્ર અથડામણમાં ખાબકી ગયો છે, ત્યારે ખુરશી ઉપર બેસીને રમત (ક્રિકેટ) નો આનંદ માણવાનો આ સમય નથી. આપણા સૈનિકો પાક ઘૂસણખોરો સામે જીવ સટોસટનો ખેલ ખેલી રહ્યા છે, ત્યારે ક્રિકેટ મેચનું પ્રસારણ જોવું તે એ લોકોનું ખડહડતું અપમાન છે.’
‘જો એવું જ હોય તો કેંદ્ર સરકાર મેચનું પ્રસારણ જ ન કરે ને ?’ એમણે બુદ્ધિગમ્ય સવાલ કર્યો. 
‘ગંગાપ્રસાદે મેચનું પ્રસારણ અટકાવવા માંગણી કરી જ છે.’
‘અને એ બધું ન્યૂઝ પેપરમાં વાંચીને તેં ઘરમાં ટી.વી. પર મેચ પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દીધો, ખરું ને ?
‘હાસ્તો’ મેં કહ્યું.
‘મારી વાત ધ્યાનથી સાંભળ. અત્યારે જો તું એ ગંગાપ્રસાદના ઘરમાં જઈને જોશે તો એ અને એની ધરમપત્ની તેમ જ એમના ૮ – ૧૦ બાળકોની બટાલીયન, બધા નિરાંતે સોફામાં આડા પડીને ક્રિકેટ મેચ જોતાં હશે. હા, એની બાળકોની બટાલીયન માંથી બે –ચાર ને સૈનિક બનાવીને ફ્રન્ટ પર લડવા મોકલી આપે તો એમને હું સાચા દેશભક્ત ગણું. બાકી ઘાસચારો ખાઈને આવા નકામા સ્ટેટમેન્ટ કરે તે તારે વાંચવા નહીં અને વાંચે તો અમલમાં મૂકવા નહીં.  તને ખબર નહીં હોય પણ આ તો હાથીના દાંત  જેવી વાત છે, ચાવવાના જુદા અને દેખાડવાના જુદા.  સમજી ?
‘હા, સમજી ગઈ.’ એમની વાત સમજીને હવે હું થોડી નરમ પડી હતી.
‘તો પછી મને ટીવી. નું રીમોટ આપ, અમે ત્રણે જણ ખુરશીઓ સ્ટોરરૂમમાંથી લાવીને અહીં ગોઠવી દઈએ અને તું સરસ મજાની ચા અને ગરમ ગરમ નાસ્તો બનાવીને ફટાફટ આવી જા. આપણે ચારે જણ ક્રિકેટની મજા માણીએ. આજે તો પાકિસ્તાનને મેચમાં હરાવવું જ છે.’
‘ઓલ ધ બેસ્ટ, પપ્પા.’  બન્ને દીકરાઓ ઉત્સાહમાં આવીને બોલી ઊઠ્યા.