Wednesday, 30 September 2015

બાપુની બકરીની આત્મકથા.

બાપુની બકરીની આત્મકથા.   પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

હું છું બાપુની બકરી, સત્યા મારું નામ. બાપુએ જ્યારથી ફિલ્મ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર જોઈ, ત્યારથી એમણે  સાચું જ બોલવાની પ્રતિજ્ઞા કરી. એમની આ જ્યાં ને ત્યાં અને જ્યારે ને ત્યારે પ્રતિજ્ઞા કરવાની રીત મને જરા પણ ગમતી નહીં. જે કરવું હોય તે આપણે મનોમન નક્કી કરી લેવું એની વળી જાહેરાત શું કરવાની?,  મારો તો એવો મત.  કહેવાય  છે કે - પ્રતિજ્ઞા એક જાતનું બંધન છે, મારા ગળામાં બાંધેલી દોરીના જેવું. સો ટકા સાચી વાત!  તમે જ કહો, આવું બંધન કોને ગમે?

એક દિવસ આશ્રમના ઓટલા પર બાપુ બેઠા બેઠા રેંટિયો કાંતતા હતા અને હું એમની બાજુમાં સૂઈ રહી હતી, ત્યારે જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ બાપુને મળવા આવ્યા. સાથે  એક નાનકડી સુંદર છોકરી પણ હતી. એની સુંદરતા અને નજાકત જોઈ મને એને વહાલ કરવાનું મન થયું. પણ જેવી હું એની નજીક ગઈ કે એ દોડીને નહેરુજીની પાછળ સંતાઈ ગઈ. ત્યાં જ મેં બાપુને કહેતા સાંભળ્યા, કે – આ છોકરી પ્રિયદર્શિની, એટલે કે ઈંદિરા એક દિવસ આખા દેશનું સુકાન સંભાળશે, દુશ્મનોના દાંત ખાટા કરી નાંખશે અને ભલભલા હરિફોને હંફાવશે.

મને તો બાપુની આ વાત સાંભળીને ખુબ હસવું આવ્યું અને કહેવાનું મન થયું, જે છોકરી એક બકરીથી બીએ એ બીજાને શું ડરાવવાની હતી?’ પણ એ સમયે હું ચુપ રહી અને કશું બોલી નહીં. કેમ કે બાપુએ જ કહ્યું હતું, કે – બીજાને દુ:ખ પહોંચે એવું કંઈ પણ આપણે  કહેવું કે કરવું નહીં.  જો કે ઈંદિરાની બાબતે તો પાછળથી બાપુ બહુ સાચા પડ્યા.

એ દિવસે બાપુ સાથેની મુલાકાત પતાવીને નહેરુજી મારી પાસે આવ્યા. અને મને દૂર એક તરફ લઈ જઈને કહે, સત્યા, મારી પોતાની અને ભારતની આમ જનતાની અંત:કરણ પૂર્વકની ઈચ્છા છે, કે તું તારી આત્મકથા લખીને અમને આપે, જેમાંથી અમને કોઈ પ્રેરણા મળે. હું તો આ સાંભળીને ફૂલી ન સમાઈ.  પણ મેં મારી ખુશી પ્રગટ થવા દીધા વિના, ભાવ ખાવા ખાતર, મારા શીંગડાં હલાવી, માથું ધુણાવી આનાકાની કરી. ત્યાં જ સરદાર પટેલ આવ્યા અને બોલ્યા, સત્યા, તને તારા અતિ પ્રિય એવા ગાંધી બાપુના સમ, આત્મકથા તો તારે આપવી જ પડશે.

આ સાંભળીને હું તો ખુબ જ મૂંઝાઈ ગઈ. પણ મારા બુધ્ધિશાળી મગજે તરત જ એક ઉપાય શોધી કાઢ્યો. મેં કહ્યું, ભલે, હું મારી આત્મકથા તો લખી આપું, પણ મારી એક શરત છે. અમને તે મંજૂર છે. શરત સાંભળ્યા વિના જ નહેરુજી અને સરદાર બન્ને એક સાથે બોલી ઊઠ્યા. તો પહેલા બાપુ એમની આત્મકથા લખી આપે,પછી હું મારી આત્મકથા લખી આપું. આ સાંભળીને બન્ને ઢીલા પગલે અને વીલાયેલા મોંએ બાપુ પાસે પહોંચ્યા અને એમની આત્મકથાની માંગણી કરી. બાપુએ ત્યારે તો જોઈશ  આમ કહીને બન્નેને વિદાય કર્યા.

તે દિવસે સાંજે બાપુ મને નદીએ ફરવા લઈ ગયા અને કોઈ સાંભળી ન જાય એમ ધીમેથી મને કાનમાં પૂછ્યું, સત્યા, નહેરુ અને સરદાર, બન્ને મારી આત્મકથા માંગે છે, અપાય?’ બાપુ જ્યારે જ્યારે મૂંઝાતા ત્યારે ત્યારે મને આમ જ નદીએ ફરવા લઈ જઈને મારી સલાહ પૂછતાં. મેં કહ્યું, બાપુ, એમાં આટલું બધું વિચારવાનું શું વળી? જ્યારે લોકોને તમારામાં રસ હોય ત્યારે તો ખાસ આત્મકથા આપવી જોઈએ. જેમ બને એમ જલ્દીથી તમારી આત્મકથા લખીને એમને આપો.

બાપુ પોતાનું માથું ખંજવાળતાં બોલ્યા, પણ મારું જીવન તો ઉઘાડી કિતાબ જેવું છે, એમાં લોકોને શું રસ પડશે?’ તો મેં કહ્યું, કંઈ વાંધો નહીં બાપુ, તમ તમારે તમારા સત્યના પ્રયોગો લખીને રવાના કરો, લોકો તો એમાંથી પણ અસત્ય શોધવાના પ્રયત્નમાં લાગી જશે. બાપુએ મારી સામે એવી રીતે જોયું જાણે હું એમની મજાક ન કરતી હોઊં? પણ પછી મને એકદમ સીરીયસ જોઈને મારી વાત એમના ગળે ઊતરી ગઈ.

આત્મકથા લખવા મેં બાપુને મનાવી તો લીધા પણ સારા કામમાં સો વિઘ્નો આવે  એમ બાપુની આત્મકથા, સત્યના પ્રયોગોનું એકાદ પાનું માંડ લખાયું હશે, ત્યાં બાપુને મુંબઈનું તેડું આવ્યું. પછી બાપુ યરવડા જેલની મહેમાન ગતી માણવાના લોભમાં પડ્યા. તેમાં એક બકરીની- બાપુની બકરીની- આત્મકથા વિલંબમાં પડતી ગઈ. ત્યાં વળી સ્વામી આનંદે બાપુને નવજીવન સામયિકમાં એમની આત્મકથાને નવું જીવન આપવાનો અનુરોધ કર્યો અને બાપુએ એ સ્વીકાર્યો. બાપુના કેટલાક સાથીઓએ ઉશ્કેરાઈ જઈને એમને આવું કરતાં રોક્યા. પણ બાપુએ જ્યારે એમને એવી ધરપત આપી કે, પોતે કદી પણ પોતાની આત્મકથા એ બધાંને વંચાવવા દુરાગ્રહ નહીં કરે  ત્યારે સૌ માની ગયાં.

સત્યના પ્રયોગો અક્ષર દેહ ધારણ કરે તે પહેલાં બાપુ ફરી એકવાર મારી પાસે આવ્યા,  અને અનેક ચર્ચા વિચારણાઓ કરી. મેં બાપુને એકવાર પોરબંદર આંટો મારી આવવાની સલાહ આપી જે બાપુએ સહર્ષ સ્વીકારી. બાપુએ મને પણ સાથે પોરબંદર લઈ જવાની ઓફર મૂકી, પણ મેં તે સ્વીકારી નહીં. કેમ કે ત્રીજા વર્ગમાં ટ્રેનમાં ગંદા ગોબરાં લોકો જોડે  મુસાફરી કરવાનું મને જરા પણ મન નહોતું. હા, પ્લેનમાં એક્ઝીક્યુટીવ ક્લાસમાં જવાનું હોત તો વળી વાત જુદી હતી.

બાપુએ ત્યાંથી આવીને સત્યના પ્રયોગો ના બે પ્રકરણ જન્મ અને બચપણ વિશે લખ્યાં જે ઠીક ઠીક રહ્યાં. ત્યાર પછીના પ્રકરણો બાળ વિવાહ, ધણીપણું, હાઈસ્કુલમાં... થી માંડીને અંતિમ પ્રકરણ પૂર્ણાહુતિ લખ્યાં અને એમાં જે સત્યના પ્રયોગો કર્યા તે વાંચીને હું તો ચોંકી જ પડી. બાપુએ મારો આ બાબતે અભિપ્રાય માંગ્યો ત્યારે મેં કહ્યું, બાપુ જેટલું લખો તે સત્ય જ લખો ત્યાં સુધી બધું બરાબર છે, પણ જેટલું સત્ય છે, એ બધું જ લખો તે જરૂરી નથી.


બાપુ મારી સામે આશ્ચર્યથી  જોઈ રહ્યાં. મેં કહ્યું, હજી પણ સમય છે. આ બધું લોકો સમક્ષ મૂકો તે પહેલાં બદલી નાંખો. પણ બાપુએ મારી આ પહેલી અને છેલ્લી જ વાત ન માની તે ન જ માની. એ તો બધું લખતાં લખી ગયાં પણ લોકો એમના સત્યના પ્રયોગો માંથી કેટલું શીખ્યાં અને શું શું શીખ્યાં એ જાણવાની એમણે કદી દરકાર ન કરી.મારું દિલ આ વાતથી ખાટું થી ગયું. અને પછી તો  નહેરુજી અને સરદારજીના લાખ મનામણા છતાં મેં મારી આત્મકથા ન લખી તે ન જ લખી.         હે રામ!

Wednesday, 23 September 2015

શ્રોતા બનવાની શરતો.

શ્રોતા બનવાની શરતો.   પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-સાંભળ.... આજનું છાપું કહે છે  કે...
-છાપાં વળી કે દાડા ના બોલતાં થઈ ગયાં?
-વાયડી થા મા, સાંભળ. આજે એલિસબ્રીજ જીમખાનામાં કોક સંત વક્તાનું ભાષણ છે.
-તો? તમને તો સંત વાણી પસંદ નથી.
-હા, નથી જ. તો પણ આપણે એ ભાષણ સાંભળવા જઈશું.
-તમારા હ્રદય પરિવર્તનનું કારણ જાણી શકું?
-હ્રદય પરિવર્તનની કોઈ વાત નથી. આ તો  મને લાગ્યું કે અહીં ઘરમાં તાપમાં બફાવા કરતાં ત્યાં એ.સી.ની ઠંડકમાં ત્રણ કલાક બેસવુ શું ખોટું? ઉપરથી ચા-નાસ્તો મળે એ નફામાં.

આવી  નગરનોંધ વાંચી વાંચીને,  છાશવારે  જ્યાં-ત્યાં દોડી જતા શ્રોતાઓએ મારો આ લેખ ખાસ ધ્યાનથી વાંચવો. કેમ કે તેઓ જાણતાં નથી કે તેમની આવી હરકત દ્વારા તેઓ  શ્રોતા-યુનિયન ની પ્રતિષ્ઠાને કેવો ધક્કો પહોંચાડી રહ્યા છે.

જેમ સુગંધ વિના ફૂલ નકામું, જ્યોતિ વિના દીપક નકામો, ફળ વિના વૃક્ષ નકામું, લજ્જા વિના સ્ત્રી નકામી, વીરતા વિના પુરુષ નકામો, વાચક વિના લેખક નકામો, હાસ્ય વિના માણસ નકામો, વગેરે વગેરે...એમ જ શ્રોતા વિના વક્તા નકામો છે.  અને આ જ કારણસર દરેક શ્રોતાએ પોતાનું મહત્વ પૂરેપૂરું સમજી લેવું જરૂરી છે. જો કોઈ શ્રોતાને આ બાબતમાં,  બિન ગુરુ જ્ઞાન કહાંસે પાઉં?’  એવો જો કોઈ પ્રોબ્લેમ નડતો હોય તો આજે એ જ્ઞાન હું એમને બિલકુલ ફ્રી માં આપવા તૈયાર છું.

મારા પ્રથમ પુસ્તક હાસ્યપલ્લવ કે જેને ૧૯૯૭ ની સાલમાં, હાસ્ય વિભાગનું,  સાહિત્ય અકાદમી, ગાંધીનગર  તરફથી બીજું ઇનામ પ્રાપ્ત થયું છે. આમ તો આ વાત માહિતી માટે લખી છે, પણ જો કોઈ આને જાહેર ખબર સમજે તો પણ મને વાંધો નથી. કેમ કે જમાનો જ જાહેર ખબરનો ચાલે છે.
   
એ પુસ્તકમાં મેં સફળ વક્તા બનવાના સાત સોનેરી સૂત્રો બતાવ્યાં હતાં. ત્યાર પછી શ્રોતાઓની મદદ માટેની માંગણી ધ્યાનમાં લઈને આજે હું  તમને સફળ શ્રોતા બનવાના સાત સોનેરી સૂત્રો આપુ છું.

સૂત્ર ૧: મફતમાં ક્યારેય કોઈ પણ ભાષણ સાંભળવા જવું નહીં. કલાક, મિનિટ, સેકંડના હિસાબે શ્રોતા બનવાનો ચાર્જ નક્કી કરવો. ભાષણ દરમ્યાન હસવાનો, તાળીઓ પાડવાનો, સૂત્રોચ્ચાર કરવાનો કે ઈંડા-ટામેટાં ફેંકવાનો ચાર્જ અલગથી નક્કી કરવો. ચાર્જ નક્કી કર્યા પછી, ૨૦% જેટલી સાઈનીંગ એમાઉન્ટ પ્રવચન રદ થઈ જાય તો પણ, પાછી ન આપવાની શરતે એડવાન્સમાં લેવી.

સૂત્ર ૨: પ્રવચન ધાર્યા સમય કરતાં લાંબુ થઈ જાય તો વધારાનો સમયનો ચાર્જ (ઓવર ટાઈમ) મૂળ ચાર્જના દોઢાના હિસાબે લેવો. તમે સમયસર પહોંચી ગયા હોવ અને વક્તા સમયસર ન આવે, એટલે કે ભાષણ સમયસર નચાલુ થાય તો ટાઈમપાસ કરવા તમારે આયોજકો પાસે શીંગ-ચણા-મમરા-વેફર્સ-પોપકોર્ન જેવી ખાવાની ચીજો માંગવી. લંચ કે ડીનરનો સમય થઈ ગયો હોય તો તેની માંગણી કરવામાં પણ કંઈ અજુગતું ન લગાડશો. કેમ કે એક પ્રચલિત કહેવત છે- માંગ્યા વિના  તો મા પણ પીરસતી નથી

સૂત્ર ૩: સુજ્ઞ શ્રોતાજનો, તમારે પોતાના ઘરથી ભાષણના સ્થળ સુધી જવા-આવવાનું ભાડું ( સ્કૂટર- રિક્ષા- ટેક્ષી-કાર), અને બહારગામના કેસમાં( ટ્રેન- પ્લેન –બસ) આયોજકો પાસે લેવાનો આગ્રહ રાખવો.

સૂત્ર ૪:શ્રોતાજનો,  શક્ય હોય ત્યાં સુધી તમારે એ.સી. હોલમાં જ ભાષણ સાભળવા જવું. નોન એ.સી. હોલમાં મજબૂરીથી જવું પડે તો હોલમાંપૂરતા પંખા હોવા જોઈએ, અને પોતાની સીટ પંખાની પાસે અથવા પંખાની નીચે જ આવે  એવો આગ્રહ રાખવો. ગઝલનો કે ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ હોય તો બેસવા માટે ગાદી-તકિયા (ધોયેલી ચાદર-કવર) ની સગવડ હોય એવો આગ્રહ રાખવો.

સૂત્ર ૫: સાંભળવાની ક્ષતિ ધરાવતી વ્યક્તિએ ઈયર ફોન,  અને જોવાની ક્ષતિ ધરાવતી વ્યક્તિએ આયોજકો પાસે ચશ્માની માંગણી કરી જોવી. આપે તો ઠીક નહિતર આગ્રહ ન રાખવો. પણ ભાષણ સાંભળતા તમારું માથું દુ:ખે તો સેરિડોન-એસ્પ્રો કે બામ જેવી વસ્તુઓ બેશક માંગી શકાય.

સૂત્ર ૬: ભાષણ સાંભળતાં ઊંઘ આવે તો શ્રોતા આરામથી સૂઈ શકે એવી સગવડ પણ આયોજકો કરે તો વેલ એન્ડ ગુડ’,   માંગણી કરવામાં શું જાય?


સૂત્ર ૭: જો આખા કાર્યક્રમનું વીડીયો રેકોર્ડિંગ થવાનું હોય તો વક્તાની સાથે સાથે શ્રોતા પણ સારો દેખાય એ ઈચ્છનિય છે. ઇન ધેટ કેસ- શ્રોતાને સારા પોશાકો આયોજકે પૂરા પાડવા. ઉપરાંત શ્રોતાઓનો મેકપ- બ્યૂટિફિકેશન નો ખર્ચ પણ આયોજકો જ ઉપાડે એવો આગ્રહ શ્રોતા રાખે તો એમાં કંઈ અનુચિત નહીં ગણાય. 

અંતે પ્રસિધ્ધ હાસ્યલેખક શ્રી જ્યોતીંદ્ર દવેનો શ્રોતા તરીકેનો શેર રજુ કરું છું:                            ‘’ભલે બોલ્યા કરો ભાઈ,  કેમ કે કંઠ તમારા છે, કિન્તુ દયા જરાક રાખો, આખર કાન અમારા છે. ‘’

Wednesday, 16 September 2015

પતિને પરમ મિત્ર બનાવો.

પતિને પરમ મિત્ર બનાવો.     પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

એક દિવસ એક છાપામાં જાહેર ખબર છપાઇ, જોઇએ છે પત્ની...
બીજા દિવસે એને એકસોને વીસ સંદેશા મળ્યા : મારી લઈ જાવ... 

મારી વહાલી બહેનો,
સ્વભાવથી આટલા ઉદાર એવા તમારા પતિને તમારો પરમ મિત્ર બનાવવાનું કામ થોડું અઘરું તો જરૂર છે, પરંતુ એ સાવ એટલું અઘરું પણ નથી, કે જેટલું સાડીના સેલમાંથી નવી સાડી ખરીદવાનું. તમારા લીગલ પાર્ટનર ફોર ફાઈટ એટલે કે તમારા પતિદેવને તમારા પરમ મિત્ર કઈ રીતે બનાવવા, તે માટેના કેટલાક સરળ નહીં, પરંતુ સચોટ એવા ઉપાયો હું તમને સૂચવું છું.

સૌ પ્રથમ તો તમારે તમારા ઘરમાં લેવાતા નિર્ણય બાબતે એની સાથે પ્રમાણિક પણે વહેંચણી કરવી પડશે. બધા જ નિર્ણયો તમે જ લ્યો અને એને ભાગે કંઈ જ નહીં, એવું ન કરતાં કેટલાંક અગત્યના નિર્ણયો એને પણ લેવા દો. દાખલા તરીકે- ભારતના રાષ્ટ્રપતિ પદે કોણ વધુ યોગ્ય છે, એનો નિર્ણય એને લેવા દો. પેટ્રોલ કે ડીઝલના ભાવ કેટલા વધવા કે ઘટવા જોઈએ, એ વાત એને વિચારવા દો. દેશનું દેવું ઘટાડવા સરકારે કયા કયા પગલાં લેવા જોઈએ, એ એને નક્કી કરવા દો.

તમે તો બસ, તમારા ઘરના બજેટ પ્રત્યે ધ્યાન આપો. તમે ખર્ચી શકો એટલું ધન એ કમાઈ લાવે છે કે નહીં, એ જોવાનું કામ તમારું. અને એ જો એટલું ધન કમાઈ નહીં શકતો હોય, તો એ માટે એને પ્રોત્સાહિત કરવાનું કામ તમારું. તમારાં બાળકોને કઈ સ્કુલમાં કે કયા ટ્યુશન ક્લાસમાં મૂકવાં તે તમે નક્કી કરો, પણ એને માટે જરૂરી ફંડ ક્યાંથી લાવવું તે એને નક્કી કરવા દો. તમારા રહેવા માટે ઘર કયા એરિયામાં અને કેટલું મોટું લેવું,  એ ભલે તમે નક્કી કરો, પણ એ માટે લોન ક્યાંથી લેવી, અને કેટલી લેવી, એ અગત્યનો નિર્ણય એને લેવા દો.

જ્યારે તમારો પતિ તમને ગુસ્સે થઈને કહે, આ તારા ખોટા ખર્ચા કરવાની ટેવથી હું તંગ આવી ગયો છું. હજી ગયા મહિને તો તને પાંચ નવી સાડીઓ અપાવી હતી અને આ મહિને તારે ફરીથી સાડી જોઈએ છે? હવે જો તું સાડીઓની માંગણી કરશે ને, તો હું..તો હું.. આપઘાત કરીશ.”  આવા વખતે તમે,’તમે આપઘાત કરશો? ઓહ નો. તો તો પછી મારે સફેદ સાડીઓ જ પહેરવી પડશે. અને મારી પાસે તો લેટેસ્ટ ડીઝાઈનની એક પણ સફેદ સાડી નથી.ડાર્લિંગ પ્લીઈ ઈ ઈ ઝ. મને બે-ચાર નવી સફેદ સાડીઓ અપાવોને.  એવું કહીને એને વધુ પરેશાન ન કરશો. એને બદલે એ વખતે તમે સમજદારી પૂર્વક સાડીના બદલે ઘરેણાંની માંગણી કરજો.

કોઈ વાર જમ્યા પછી વાસણ ઉટકવાનો એનો મૂડ ન હોય, અને એ બહાર જમવા જવાની માંગણી કરે તો તમે એ  સ્વીકારી લેજો, આખરે તો એ પણ એક ઈન્સાન છે. તમારા પતિની હાર્દિક ઇચ્છા તમારા લગ્નજીવનની રજત જયંતિ બે મિનિટનું મૌન પાળીને ઊજવવાની હોય, તો તમારે એની ઈચ્છાને માન આપવું જોઈએ. કેમ કે બાકીના ત્રણસો ચોસઠ દિવસ અને ચૌદસો આડત્રીસ મિનિટ તમને સાંભળ્યા સિવાય એનો છૂટકો થોડો જ થવાનો છે?

તમારા ઘરના પાછળના ભાગે આગ લાગી હોય, અને તમારા પતિની ઈચ્છા  ઘરના આગલે બારણેથી બહાર નીકળી જવાની હોય તો તમે એને જરૂરથી સહકાર આપો. કેમ કે એ રીતે તમે બંન્ને વસ્તુ બચાવી શકશો, એક તો એની સાથેની દોસ્તી અને બીજો તમારો પોતાનો જીવ.

તમારો પતિ જ્યારે એક અત્યંત કરૂણ પુસ્તક, એટલે કે એની બેંકની પાસબુક વાંચીને ઉદાસ  ચિત્તે બેઠો હોય, ત્યારે પૈસાની માંગણી કરીને એને વધુ ઉદાસ ન બનાવશો. એના કરતાં એની ગેરહાજરીમાં તમારે એ પુસ્તક જોયે રાખવું. જ્યારે એમાંપૈસા જમા થયેલા માલુમ પડે ત્યારે સિફત પૂર્વક, એને ભાવતાં ભોજન જમાડ્યાં બાદ, પૈસાની માંગણી કરવી.

વાત વાતમાં તમે પિયર ચાલી જવાની, કે તમારી મમ્મીને તમારા ઘરે બોલાવી લેવાની, ધમકી આપીને એ ત્રસ્ત જણને વધુ ત્રસ્ત કરશો નહીં. લગ્ન પહેલાં તમારો પતિ તમને જે રીતે, ડિયર, ડાર્લિંગ, હની, સ્વીટહાર્ટ, બ્યુટી, સ્વીટી કે માય-લવ વિશેષણોથી બોલાવતો, એ જ રીતે લગ્ન પછી પણ બોલાવે એવો દુરાગ્રહ રાખશો નહીં. કેમ કે કોઈપણ શિકારી જાળમાં સપડાયેલ માછલીને ચારો નાંખતો નથી.

દિવસભરની વાતચીત દરમ્યાન  તમે તમારા પતિને પણ બે-ચાર વાક્યો બોલવાની તક આપજો, જેથી એ ઊંઘમાં બબડે નહીં. તમારા લગ્નની પહેલી વર્ષગાંઠે જો એણે તમનેહીરાનો હાર ભેટ આપ્યો હોય તો બીજી વર્ષગાંઠે એની પાસે કારની માંગણી કરશો નહીં. કેમ કે નકલી હીરાનો હાર તો બજારમાં મળી જાય, પણ નકલી કાર એ ક્યાંથી લાવશે?

તમે પિયર જતા હો અને તમારો પતિ તમને સ્ટેશન પર મૂકવા આવે ત્યારે,ઉદાસ હોય,  અને તમે પિયરથી પાછા આવો ત્યારે એ તમને લેવા આવે ત્યારે એ ખુશ હોય, એવા અકુદરતી ભાવોની અપેક્ષા એની પાસેથી રાખશો નહીં.

તમને રડતાં જોઈને તમારો પતિ હવે રડવાનું કારણ ન પૂછતો હોય તો એવું ન વિચારશો, કે- એને મારે માટેનો પ્રેમ હવે ઓછો થઈ ગયો છે. જરા સહાનુભૂતિથી વિચારશો તો તમને સમજાશે કે, હવે એ કારણ પૂછવાનું એને પોસાતું નથી.

મારી વહાલી બહેનો,
ભારતીય સંસ્કૃતિમાં દુશ્મનને પણ દોસ્ત બનાવવાનો રિવાજ છે. તો પતિને પરમ મિત્ર બનાવવાના જે સચોટ ઉપાયો મેં તમને બતાવ્યા છે, તે બધાં જ,  અરે-  બધાં નહીંને એમાના થોડા પણ તમે અપનાવશો, તો મને ખાતરી છે, કે તમે તમારા પતિને પરમ મિત્ર જરૂર બનાવી શકશો.
વીશ યુ ઓલ ધ બેસ્ટ.

આજની જોક:
પત્ની: (પતિને) : જુવો, આ રેશમની સાડી હું આજે જ ખરીદી લાવી છું. કેટલી સુંદર છે નહીં? દુકાનદાર કહેતો હતો કે, એક કીડાની આખા વર્ષની મહેનતનું આ પરિણામ છે.
પતિ: (પત્નીને) : ડાર્લિંગ, એ કીડો બીજો કોઈ નહીં, પણ હું જ છું.  


Wednesday, 9 September 2015

ચોરની આત્મકથા.

 ચોરની આત્મકથા.     પલ્લવી જીતેંદ્રમિસ્ત્રી.

અત્તારે હું મારી ઘયડી ખડૂસ દસામાં મારા મોલ્લાને નાકે આવેલા મારા ઝૂંપડાની તૂટેલી ખાટલી પર પઈડો પઈડો મારા બાકી રેઈ ગેયલા દહાડા જુની યાદોમાં વિતાવી રીયો છું. મારા વિસવાસના પાયા હચમચી ગીયા છે ને મારા ચોરટાપણાની ચમક ઓહરી ગેઇ છે. મારા ધંધાના ઓજારો, મારી ઝૂંપડીના એક ખૂણામાં પઈડા પઈડા કાટ ખાઈ  રીયા છે.

મારો ધંધો મારા પછી મારા પોઈરાઓ હંભાળી લેહે,  અને મારા કરતાં હવાયા નીકળહે, બહુ નામ કમાહે  એવી મારી ઈચ્છા મરી પરવારી છે. પોઇરાઓ બાયલા નીકઈળા ને બાપનો ધંધો ની સ્વીકાઇરો ને આડી લાઈને ચઢી ગીયા છે. એક થોડું ઘણું ભણીને કોઇ ઓફિસમાં પટાવાળો થેઈ ગીયો ને બીજો હહરીનો પોલીસમાં હવાલદાર  બની બેઠો.

હમ ખાવા પૂરતી એક છોકરી ઉતી તે હો, કુંવારી મરું પણ કોઈ ચોરને તો નંઈ જ પઈણું એવી રટ લેઇને બેઠી  એટલે જમાઈ હો હાવકાર(શાહુકાર)  હોધવો પઈડો. પેલી કેવત મારે હારુ હાવ હાચી પઈડી,  જેને કોઇ નીં પોંચે એને એનું પેટ પોંચે.  છોકરાંઓ તો પઈણી પઈણીને જુદા થેઈ ગીયા. પણ મારી ઘરવાળીએ મારો હાથ હજી લગણ નંઈ છોઈડો. એ મારી જિંદગીના નાટકનો હુખદ અંક કેવાય.
મારી ઈચ્છા તો ભણી ગણીને બારિસ્ટર બનવાની ઉતી. પણ દરેકની  ઈચ્છા કંઈ એમ પૂરી નથી થતી. કેવા સંજોગોએ મને ચોર બનાઈવો તે હાંભળવા જેવી વાત આજે હું તમને કેવાનો છું. મારા બાપા એક ઓફિસમાં પટાવાળા ઉતા ને બહુ હારી રીતે કામ કરતા ઉતા. શેઠને હો બાપામાં બહુ વિસવાસ. પણ એક વરહે બાપાના શેઠને ધંધામાં બહુ ખોટ ગેઈ.

એ જ વરહે મારા બાપાએ હારુ માગું આવતાં મારી મોટી બેનની હગાઈ કરી ને શેઠ પાહે દસ હજાર રુપિયા માંઈગા. શેઠે રુપિયા આપવાની ના પાડી એટલે બાપાએ મારી બાના ઘરેણાં વેચીને બેન માટે રુપિયાનો જોગ કઈરો. હવે કાગનું બેહવું ને ડાળનું પડવું  જેવો ઘાટ થીઓ. શેઠની પેઢીમાં દસ હજાર રુપિયા ઓછા થીયા ને મેનેજરે ચોરીનો આરોપ મારા બાપા પર મૂઈકો.

પોલીસ તપાહ કરવા અમારા ઘરે આઈવી ને આઠ હજાર રુપિયા ઘરમાંથી મઈલા એટલે બાપાને પકડીને જેલમાં ધકેલી દીધા. બેનની સગાઈ તૂટી ગેઇ ને મારુ ભણવાનું છુટી ગીયું.  બે તઈણ મહિના પછી ઈસાબમાં ભુલ પકડાઈ, શેઠે માફી માંગી, બાપાના પૈહા પાછા આઇપા ને મારા બાપાનો જેલમાંથી  છુટકારો થીઓ. પણ આ બનાવથી મારા  બાપાને દિલને એવો ધક્કો લાઈગો કે એમનું મન આ સંસાર પરથી ઊઠી ગીયું તે એક દાડો કોઈને કંઈ કીધા કઈરા વગર જ ક્યાંક હેંડતા થેઈ ગીયા. મારી બા હાવ હુનમુન થેઈ ગેઈ ને ઘરની જફા બધી મારે આવી પઈડી. ભઈણા વગર નોકરી કોણ આપે અને મૂડી વિના ધંધો કેમનો થાય?
એટલે હું તો કામ માટે મંઈડો રખડવા, કામ તો નીં મઈલું પણ ખરાબ દોસતારોની સોબત મળી તે ચોરીના રવાડે ચઢી ગિયો. પેલ્લા પેલ્લા તો મારો માંયલો ડંખતો, પણ પછી તો બધું કોઠે પડી ગીયું. ચોરીની ઘણી તરકીબો હીખીને ધંધામાં પાવરધો થેઈ ગીયો ને પૈહા હો  હારા મળવા માંઈડા. બેનને હારે ઘેર પઈણાવી ને બનેવીને ધંધામાં પારટનર બનાઈવો. એવામાં મારા એક દોસ્તારની બેન મને ગમી ગેઈ તે મારું માગું નાઈખું. પણ એણે તો સરત કરી, ચોરી છોડી દે તો જ તને પઈણું.

મેં એને ઘણું હમજાવી, ગાંડી,ચોરી કરવી એ કોઇ કાચા-પોચાનું કામ નંઈ, જિગર જોઈએ જિગર. ને ચોરી નીં કરું તો ખાઉં હું? તમને લોકોને હું ખવડાવું?’ પણ એ તો રટ લેઈને બેઠી, એ હું કંઈ જાણું-બાણું નંઈ. મજુરી કર કે બીજું કંઇ હો કર, પણ ચોરી છોડ. એક ચોરને તો હું નંઈ જ પઈણું  મેં એને એની આ હઠનું કારણ પૂઈછું તો એ બોલી, તને હવાલદાર પકડીને મહોલ્લામાંથી મારતો મરતો લેઇ જાય, જેલમાં પૂરે, ખાવાનું નંઈ આલે, ગાળો બોલે, એ મારાથી જોયું જાય નંઈ.

મેં કીધું, હવાલદારના હાથમાં આવું એવો કોઈ કાચો-પોચો ચોર લાગું છું તને? કોની મા એ હવા હેર હૂંઠ ખાધી છે જે મને પકડે?’ એ નીં માની, તો હું ય કંઈ કમ નોતો .જાં લગણ લગનની  હા નીં પાડે તાં લગણ અનાજનો એક દાણો મોંઢામાં નીં મૂકું, ને પાણીનું એક ટીપું ઓઠે ની અડાડું  એમ કઈને  એના બાઈણે અપ્પાહ પર બેઠો. બે દાડે એ પીગળી ને અમે પઈણી ગીયાં.
અમે ધણી-ધણીયાણી બઉ સુખી ઉતા, બે દિકરા ને એક દીકરી. મારી ઘરવાળી બધી રીતે હારી, પણ એક જ વાતનું એનું દુ:ખ. મને ક્યારેક જરાક જેટલો માર પડે કે એનું રડવા કકળવાનું ચાલુ કરી દે. ધંધો એવો છે તે  કોઈવાર જેલ જવું  પડે, પણ એ એનાથી સહન નીં થાય. એનો કકળાટ શરૂ થેઈ જાય. બસ, એક જ રટ, આ કાળો ધંધો મેલી દીઓ.

શરુ શરુમાં તો હું એને ધીરજથી હમજાવતો, પણ પછી તો હું પણ એની કાયમની કડાકૂટથી કંટાળી ગીયો તે માથાકૂટ જ મેલી દીધી. નથી છોડવાનો હું આ ધંધો, બોલ. હું કરવાની તું, મને મેલીને જતી રેવાની?’  એ આંખ લૂછતાં બોલી, હાત ભવના બંધન બાંઈધા તે તમને મેલીને કઈ રીતે જાઉં?’ મેં એને હમજાવતાં કીધું. થોડીમૂડી જમા થેઈ જવા દે, પછી આ કામ છોડી દેવા. ને એ દાડે એની આંખમાં જે ચમકારો મેં જોયો, એ જીવનભર ઉં નંઈ ભુલું.

પણ કાળનું કરવું તે એક દાડો એક બંગલામાં ચોરી કરીને ભાગવા જતાં મારો પગ ભાંગી ગીયો. મારો બનેવી મને ઉંચકીને મારે ઘેર છોડી ગીયો. મને બે મહિનાનો ખાટલો થીયો. એમાંને એમાં મારો બનેવી મને છેતરી ગીયો. હું તો એનું કાટલું જ કાઢી નાંખવા માંગતો ઉતો, પણ મારી ઘરવાળીએ પોતાના સમ આઈપા, બહુ રડી ને આખો દાડો કંઈ ખાધું નંઈ બોલી,’ હવે તમે ચોરી છોડો નંઈ તો હું મારો જીવ છોડું
મારું, એક ચોરનું, કાળમીંઢ ખડક જેવું કોમળ ડિલ (દિલ) પણ હચમચી ગીયું, પીગળી ગીયું. ને એ દિ એની જીદ હામે હારી જઈને મેં ચોરી નંઈ કરવાના હમ ખાધા. 

બસ, આજની ઘડી ને કાલનો દિ ચોરી છોડી એ છોડી. છોકરાં અવે કમાતા થેઈ ગેયલાંને ઘરવાળીએ પણ પૈહા બચાવેલા એટલે એની તો કોઈ ફિકર નીં ઉતી. પણ પછી નવરા ધૂપ જેવા કરવુ હું? કંઈ કામધંધા વગર મજા નંઈ આવતી. ઓજારો ઘરનાં એક ખૂણે કાટ ખાતાં પઈડાં છે, તે જોઈને મારા ભૂતકાળના એ હોનેરી દાડાને યાદ કરું તંઇ હિંદી ફિલમનું એ ગીત યાદ આવે છે, કોઈ લૌટા દે મેરે બીતે હુવે દિન...


Wednesday, 2 September 2015

આજ કરે સો કાલ કર.

આજ કરે સો કાલ કર.    પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-મિહિર, તને હજારો વાર કહ્યું છે કે સ્કૂલેથી આવે,  એટલે તરત તારા બૂટને એની જગ્યાએ  શૂ-રેકમાં મૂકી દેવાનાં,  અને તારી સ્કૂલબેગને તારી રૂમમાં તારા ટેબલ પર મૂકી દેવાની.
-મમ્મી, પછીથી મૂકી દઈશ.
-એમાં પાછું મૂરત જોવાનું છે કે? અત્યારે મૂકી દેવામાં શું વાંધો છે?
-મમ્મી, હું નીચે મારા ફ્રેન્ડ્સ સાથે રમવા જાઉં છું.
-અરે, અરે! એય મિહિર, ઊભો રહે, તારો યુનિફૉર્મ તો બદલીને જા.
-મારા બધાં ફ્રેન્ડ્સ ક્રિકેટ રમવા ભેગાં થઈ ગયાં છે. મને મોડું થાય છે. યુનિફોર્મ પછી આવીને બદલીશ.
-થઈ રહ્યું. તું રમીને આવશે  ત્યાં  સુધીમા યુનિફોર્મ ગંદો થઈ જશે.
-સર્ફ એક્સલ હૈ ના?
-હૈ, પર તેરે લિયે નહીં હૈ. તું તો રમવા જાય ત્યારે યુનિફોર્મને વ્હાઈટ માંથી બ્લેક માં ફેરવી લાવે છે. આ ટાઈ-મોજાં તો ધોવાની બકેટમાં મૂકીને જા.
-મ..મ્મી...કહ્યુંને પછી બધું સરખું કરું છું.
-તારા આ પછી- પછી ના મંત્રજાપથી હું ત્રાસી ગઈ છું.
-ઓકે, મમ્મી. હવેથી હું પછી ના બદલે બાદમેં શબ્દ યુઝ કરીશ, પછી તો ચાલશે ને?
-તારી સાથે તો કેમ કામ લેવું તે જ સમજાતું નથી.
-આવીને સમજાવું છું, મમ્મી.  બાય બાય...

આ મિહિરની મમ્મી, એટલે કે મારી ફ્રેંડ હર્ષા. એને પછી શબ્દની ભારે એલર્જી છે. એકે એક કામ એ હમણાં જ થઈ જાય એવો આગ્રહ રાખે છે. કારણ કે પછી શબ્દની જે મજા છે, જે મહત્વ છે, તે એને સમજાયાં જ નથી. હર્ષા જેવા તો અનેક મનુષ્યો આ જગતમાં શોધવા જઈએ તો મળી આવે છે, કે જેઓ કામ તરતથાય એવી થીયરીને અનુસરે છે.

આવા લોકો આ થીયરીને ફક્ત પોતાના પૂરતી સિમીત રાખતા હોત તો વાત જુદી હતી. પરંતુ તેઓ તો – ઘરનાં સભ્યો, પડોશીઓ, સોસાયટીનાં રહીશો, નગરનાં પ્રજાજનો, રાજ્યના લોકો, દેશના વતનીઓ, અરે આ વિશ્વ સુધ્ધાંના માણસો,  આ થીયરી ચુસ્તપણે અનુસરે એવો આગ્રહ રાખતા હોય છે. પરિણામે  તેઓ પોતે તો હેરાન થતાં જ હોય છે, પણ અન્યને પણ હેરાન કરે છે.

આવાં  લોકોએ, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ જેવી પંક્તિ આત્મસાત કરી લીધી હોય છે. એમને નવી પંક્તિ,  આજ કરે સો કલ કર, કલ કરે સો પરસોં, પરસોં ભી ક્યા કરના, જબ જીના હૈ બરસો ની અસરકારકતા વિશે જરા પણ ખબર જ નથી. અમારા જેવા કોઈ હિતેચ્છુ એમને આ નવી અને સાચી પંક્તિ કહે તો પણ તેઓ પોતાની અજ્ઞાનતા (મૂઢતા) વશ સ્વીકારતાં નથી.

જરા શાંત મગજે વિચારો દોસ્તો, કે ભગવાને જ્યારે આપણને સો વર્ષ જેટલું  લાં...બુ આયુષ્ય આપ્યું છે, અને આપણા ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો પોતાની નવી નવી શોધખોળો દ્વારા એને સો વર્ષથી ય વધુ લાંબુ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, ત્યારે જાણે આપણે આવતી કાલે જ મરી જવાના હોઈએ એટલી ઉતાવળ, હાયવોય કે દોડધામ આપણે શા માટે કરવી જોઈએ?  એમાં તમને કયું ડહાપણ દેખાય છે?

-એ..ય,  શું કરે છે? મારી ફ્રેંડ  હર્ષા, મારા ઘરનાં ડ્રોઈંગરૂમમાં વાવાઝોડાની જેમ ધસી આવીને પૂછે છે.
-ટીવી જોઉં છું. હું ઠંડે કલેજે જવાબ આપું છું.
-એ તો આંધળાને ય દેખાય એવી વાત છે.
-એટલે જ તને નથી દેખાતું, કેમ?
-વાયડી થા મા. ઊઠ, ચાલ, ઊભી થા.
-આ બાજુની ખુરસી ખાલી જ છે, એમાં બેસતાં તને કાંટા વાગે છે?
-મારે બેસવું નથી. કેરી લેવા જવાનું છે, ચાલ મારી સાથે.
-આટલો પ્રોગ્રામ પતી જવા દે, પછી જઈએ.
-ત્યાં સુધીમાં કેરીઓ બધી વેચાઈ જશે.
-તો વાંધો નહીં, મારે કેરીઓ નથી જોઈતી.
-પણ મારે તો જોઈએ છે ને,  છુંદો બનાવવાનો છે.
-યાર, છુંદાને લાયક કેરીઓ હજી બજારમાં આવી નથી.
-કેરીની લાયકાત જોવા બેસીશું તો છુંદો બનાવવાનો રહી જશે.
-આજ સુધી કોઈ વર્ષે રહી ગયો છે? તું ચિંતા છોડ,  હું તને કેરી લાવી આપીશ. હવે તો નિરાંતે બેસ.
-નિરાંતે બેસવાનો ટાઇમ નથી,  બજારમાંથી મુન્ના(મિહિર)ની બુક્સ લાવવાની છે.
-મિહિરનું રિઝલ્ટ આવી ગયું?
-રિઝલ્ટ તો આવ્યા કરશે, પાસ તો થવાનો જ છે, ને? આ તો વરસાદ આવે તે પહેલાં  એની પાંચમાની બુક્સ લાવી દઉં તો પૂંઠાં ચઢાવી દઉં, પછી નિરાંત.
-તો હમણાં ક્યાં નિરાંત નથી?
-તારે હશે,  મારે તો હજી કેટકેટલાં કામ બાકી છે.
-હર્ષા, સાંભળ. તને બે મિનિટની એક વાર્તા કહું. એકવાર એક માણસ એક ઝાડ નીચે સૂતો હતો. ત્યાંથી પસાર થતાં બીજા એક માણસે એને આશ્ચર્યથી પૂછ્યું:
-એ..ય, શું  કરે છે?
-દેખાતું નથી ? સૂતો છું.
-એ તો દેખાય છે, પણ કેમ સૂતો છે? કંઈ નોકરી-ધંધો નથી કરતો?
-નોકરી-ધંધો? એ શું કામ કરવાનો?
-એનાથી પૈસા મળે.
-પછી?
-પછી એ પૈસા બેંકમાં મૂકવાના.
-પછી?
-પછી શું, ઘડપણમાં નિરાંત ને?
-તો હમણાં ક્યાં નિરાંત નથી?

તારી સાથે તો વાત કરવી જ નકામી છે,’  કહીને હર્ષા ત્યાંથી ચાલી ગઈ. એ જો થોડી વધારે વાર મારી પાસે બેઠી હોત તો હું એને સમજાવત કે મારી સાથે વાત કરવી કેટલી કામની છે. પણ મારી બીજી ફ્રેંડ રીના, હર્ષા જેવી નહીં, એ તો સ્વભાવે સાવ અલગ જ.

-આ તે કેવી વાત થઈ? મારા ઘરે આવેલી રીનાએ મને પૂછ્યું.
-હજી કંઈ વાત જ ક્યાં થઈ છે?  પણ કહે તો ખરી કે કઈ વાત કેવી થઈ? મેં પુછ્યું.
-સાંભળ્યું છે કે તું હાસ્યલેખો લખે છે, ને તારા પહેલા પુસ્તકને કંઈ રાજ્ય સરકારનું ઈનામ-બીનામ મળ્યું છે.
-હા, વાત સાચી છે, પણ તેનું શું છે?
-લે, તારા પુસ્તકને ઈનામ મળ્યું હોય, અને તારી ક્લોઝ ફ્રેન્ડ હોવા છતાં, તેં મને જણાવ્યું ન હોય, અને તે પુસ્તક તેં મને ભેટ ન આપ્યું હોય, એ તે કેવી વાત થઈ?
-જો સાંભળ રીના, તું મારી  ક્લોઝફ્રેંડ છે, અને એ જ પદ પર ટકી રહે, એટલે કે મારી ક્લોઝ્ફ્રેન્ડ જ રહે એટલા માટે જ મેં તને એ પુસ્તક નથી આપ્યું.
-એ હું કંઈ જાણું બાણું નહીં, લાવ અત્યારે ને અત્યારે જ મને તારું પુસ્તક જોઈએ.
-વાંચવા જોઈએ છે, કે રાખી મૂકવા?
-એની તારે શી પંચાત?
-કેમ નહીં, મારું પુસ્તક કેવું છે તે મારે જાણવું તો જોઈએ કે નહીં? જો ને, સગાં-સંબંધી અને મિત્રો- બધાં થઈને મેં લગભગ ૭૦ જણને મારું પુસ્તક ભેટ આપ્યું. મારી રોયલ્ટીના પૈસા તો આ પુસ્તક ખરીદવામાં જ વપરાઈ ગયાં.તું જ કહે,  ખરીદીને પુસ્તક વાંચે, એવા સાહિત્ય રસિક આત્મીયજનો આ જગતમાં કેટલાં? એ વાત તો જવા દે, ભેટમાં મળેલું પુસ્તક વાંચીને, એટલીસ્ટ પ્રતિભાવ આપે, એવા વાચકો કેટલાં? હું સદનસીબ છું,  કે મને તો આવા થોડાં લેખિત અને થોડાં મૌખિક  અભિપ્રાયો મળ્યાં છે ખરાં.
-જો, એક વાત સમજી લે, તારે દુખી થવું હોય તો પ્રતિભાવની અપેક્ષા રાખવી.

આટલું કહીને એ મારું પુસ્તક લઈ ગઈ. પછી બીજું, ત્રીજું અને ચોથું પુસ્તક પણ લઈ ગઈ. હવે એ તારું પાંચમું પુસ્તક ક્યારે આપે છે?’ ની ઉઘરાણી કર્યા કરે છે. અને હું પણ એની માંગણી સંતોષવાની દિશામાં કામ કરી જ રહી છું. પણ હું જ્યારે એની પાસેથી અગાઉના મારા ચાર પુસ્તકો વિશેનો પ્રતિભાવ માંગું છું,  ત્યારે એ પછી આપીશ કહીને વાતને ટાળે છે. આથી પછી શબ્દનું  મહત્વ મને વધુ સમજાયું છે. સાથે સાથે બીજી એક મહત્વની વાત પણ સમજાઈ છે કે, દોસ્તોનો પ્રેમ ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધુ હોય છે. 

આમ પછી શબ્દ આટલો મહત્વનો હોવા છતાં, કેટલાંક પછી- વિરોધી તત્વો આપણને કેટલીક બાબતમાં હેરાન કરે છે ખરાં. દાખલા તરીકે-

*૧૫ મી તારીખ સુધીમાં વીજળીનું બીલ નહીં ભરશો,  તો વીજળીનું જોડાણ કાપી નાંખવામાં આવશે.
*દસ તારીખ પછી મેન્ટેનન્સ ચૂકવનારને ૧૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે.
-૨૫મી તારીખ સુધીમાં ફી ન ભરનારનું સભ્યપદ રદ કરવામાં આવશે.

આપણે તો આવતી કાલ ની વાત,  આજે  વિચારવા તૈયાર  નથી હોતા, પણ કેટલાક ફિલસુફ લોકો ગોલ સેટીંગ ના મજાનાં શીર્ષક હેઠળ – તમે  કાલે કેવાં હશો તે વિચારો. , તમે એક વર્ષમાં શું કરવા ધારો છે તે વિચારો , પાંચ વર્ષ પછી તમે પ્રગતિનાં કયા સોપાનો સર કર્યા  હશે તે ધારો. વગેરે વગેરે કહીને આપણને ગેરમાર્ગે દોરે છે.

એક કવિએ કહ્યું છે કે- ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. જો જાનકી નાથ  એટલે કે સ્વયં ભગવાન રામ પણ  સવારે શું થવાનું છે તે ન જાણતાં હોય, તો આપણે તો પામર મનુષ્યો! આપણે આવતી કાલની ચિંતા કરવાની કોઈ જરૂર ખરી?