Wednesday, 28 February 2018

મેં તમને આવા નો’તા ધાર્યા.


મેં તમને આવા નોતા ધાર્યા.         પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

- હું શું કહેતી હતી...
- તું શું કહેતી હતી તે મને શું ખબર પડે ? હું કંઈ  અંતર્યામી છું તે તારા વગર બોલ્યે સમજી જાઉં ?
 - તમે અંતર્યામી નથી, પણ મારા સ્વામી તો છો ને ? આપણા લગ્નને કેટલા બધા વર્ષો થયા, હવે તો તમારે મારા વગર બોલ્યે સમજી જવું જોઈએ કે હું શું કહેવા માંગુ છું.
- સમજી ગયો.
- શું સમજી ગયા ?
- એ જ કે માણસે પરણવાની ભૂલ કરવાની ઉતાવળ ન કરવી જોઈએ.
- અબ પછતાયે હોત ક્યા જબ ચીડીયા ચુગ ગઈ ખેત ? પણ મારી વાત તમે સાંભળો તો ખરા.
- સાંભળ્યા વિના છૂટકો છે કંઈ ? બોલ, કાન ખુલ્લા જ છે, જે કહેવું હોય તે બેધડક કહે.
- તમે તો ભાઈસાબ બહુ રમૂજી.
- હું તારો ભાઈ પણ નથી અને કોઈનો સાહેબ પણ નથી. અને તે છતાં મારી પાસે વધારે સમય પણ નથી. તેથી જે કંઈ કહેવું હોય તે, વાતમાં મોણ નાખ્યા વગર ફટાફટ કહી નાંખ.
- આ તો એવું થયું કે ‘પાઈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં. આજે રવિવારની રજાને દાડે તે વળી તમે શું કામ લઈને બેઠાં?
- તે જાણીને તારે  શું કામ છે? તારે જે કહેવું હોય તે જલ્દી કહી નાંખ, નહીં તો તું તારું કામ કર ને મને મારું કામ કરવા દે, ડોન્ટ વેસ્ટ માય ટાઈમ.
- ઓહોહો! અંગ્રેજીના ખાં સાહેબ બોલ્યા. સાંભળો, હું કહેતી હતી કે ઘણા દિવસથી આપણે ઘરની  બહાર જ નથી નીકળ્યાં, તો ચાલોને આજે એકાદ સારું પિક્ચર જોઈ આવીએ.
- શહેરમાં એકેય સારું પિક્ચર નથી ચાલતું.
-બહાના ન કાઢો, કેટલા સારા સારા પિક્ચર  આવ્યા છે, ગણાવું ?
- ગણાવવાની જરૂર નથી, મને ખબર જ છે, પણ આજે સારા કે ખરાબ, એકેય મુવી જોવાનો મારો મૂડ નથી.
- ઠીક છે,તમારે મુવી જોવા નથી જવું તો એમ રાખો. આપણે  લૉ ગાર્ડન જઈએ, ત્યાં ઢોસા-પીઝા સારા મળે છે, ખાવાની મઝા આવશે.
- લૉ ગાર્ડન શું દાટ્યું છે તારા બાપાનું?
- જુઓ, તમને કહી દઉં છું, તમારે મને લઈ જવી હોય તો લઈ જાવ,અને ન લઈ જવી હોય તો રહેવા દો, પણ મારા બાપાને કારણ વગર વચ્ચે લાવશો નહીં.
- સોરી ડીયર, પણ રજાને દિવસે પણ તું મને જંપીને બેસવા નથી દેતી એટલે જરા હું તપી ગયો.
- ઇટ્સ ઓકે. પતિ થયા છો તે ઠીક, પણ તપી જવાની જરૂર નથી.
- અરે વાહ! તું તો કવિતા કરવા માંડી.
- ગધેડા સાથે ગાયને બાંધે તો તે ભુંકતા નહીં તો ઊંચું ડોકું કરતા તો શીખે ને ?
- એટલે તું મને...
- હું તમને કંઈ નહીં, વાત જવા દો, આ તો માત્ર એક ઉદાહરણ આપ્યું. લગ્ન પહેલાં તો તમે  કેવુ કેવું બોલતાતા. તારા માટે આકાશમાંથી ચાંદ-તારા તોડી લાવું, તને છોડીને મારે હવે ક્યાં જાવું?’  ઉડીને ફટ આવું તારી પાસે પ્રિયે, જો મને પંખીની જેમ પાંખ લાગે.  મારું જીવવાનું મરવાનું હવે તારા હાથમાં સનમ, સાત જનમ હું તારો જ રહું એવી મેં ખાધી છે કસમ. 
- હું કબુલ કરું છું કે એ મારી ભુલ હતી.
- શાની ભુલ? શાયરીઓ કરેલી તે કે  ઠાલા વચનો આપેલા તે?
- ના, ના. એ બધું તો ઠીક મારા ભાઈ, એ ઉમરમાં આવું બધું તો  સૌ કોઈ કરે. પણ ખરી  ભુલ તો લગ્ન કર્યા તે હતી.
- એટલે તમે કહેવા શું માંગો છો ? હવે હું તમને નથી ગમતી, એમ જ ને?
- એવું નથી, ડાર્લિંગ. તું સમજતી કેમ નથી ? મારા આટલા પગારમાં આમ દર અઠવાડિયે આપણને પિક્ચર જોવા જવાનું, ફરવા જવાનું કે બહાર ખાવા જવાનું પોસાય એમ નથી.
- અચ્છા ? લગ્ન પહેલાં તો બહુ ગીતો ગાયેલા, જૂતાં પાલિશ કરેગા, લેકિન તુમ પર મરેગા
- તારી વાત સાચી છે, પ્રિયે. પણ ત્યારે મારા પર કોઈ જવાબદારી નહોતી.તું જ કહે, હવે હું ગીતો ગાઉં કે કમાવા જાઉં ?
- એટલે હવે હું તમને જવાબદારી લાગું છું, કેમ? તમે કંઈ નવાઈના કમાવા જાવ છો, બાકી બીજા પુરુષો કમાવા નથી જતાં કે શું?
- પણ બધાને કંઈ તારા જેવી બૈરી નહીં મળી હોય ને.
- મારા જેવી એટલે કેવી? તમે કહેવા શું માંગો છો?
- તારા જેવી એટલે,  ૨૫ તારીખે પગાર પૂરો કરી નાંખે એવી.
- પગાર હું પૂરો કરી નાંખુ છું ? આ મોંઘવારી કેવી છે તે જોતાં નથી ? દાળ,  કઠોળ અને શાકભાજીના ભાવ આસમાને ગયા છે, તે જાણો છો ને?
- બધું જાણું છું.પણ મોંઘવારી કંઈ એકલા આપણને જ નડે છે ? થોડા ખર્ચા ઓછા કરતી હોય તો ?
- આટલી કરકસર તો કરું છું. હું કંઈ રોજ પિક્ચર જોવા, ફરવા કે શોપિંગ કરવા નથી જતી. બીજા બધાં બૈરાંની જેમ જીમ કે બ્યુટીપાર્લર પણ નથી જતી.
- જીમ અને બ્યુટીપાર્લર તો તારે જવા જેવું છે. ખાઇ ખાઇને આ ટુનટુન જેવી કાયા બનાવી છે, તે કાંક ઓછી કર, અને બહારનું ઝાપટવાનું બંધ કર.
- આટલા ઓછા પગારમાં ઘર ચલાવું છું,  તે નથી જોતાં ?
- આવું ને આવું ઘર ચલાવીશ તો મારે એક દિવસ બાવા બનવાનો જ વારો આવશે.
- હાય મા, કેવું બોલો છો ? તમે કેટલાં બદલાઈ ગયાં. ક્યાં લગ્ન પહેલાંના તમે અને ક્યાં હાલના તમે?  મેં તમને આવા નોતા ધાર્યા.Wednesday, 21 February 2018

રાઈટર’સ રેસ્ટોરાં.


રાઈટરસ રેસ્ટોરાં.           પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

ભારત દેશના -  ગુજરાત રાજ્યના -  અમદાવાદ શહેરના - પોશ એરિયાના - એક ગુજરાતી રેસ્ટોરન્ટ  નામે રાઈટર  રેસ્ટોરન્ટ માં એક ગુજરાતી ગ્રાહક પ્રવેશે છે. ફ્લોર મેનેજર એમને માનપૂર્વક દરવાજો ખોલી આપીને આવકારે છે, અને પૂછે છે,  આવો સાહેબ, કહો, આપ ક્યાં બેસવાનું પસંદ કરશો?’  ગ્રાહકે કહ્યું,  આજે હું બહુ ઉદાસ છું, એટલે કોઈ એક ખૂણાના ટેબલ પર, એકાંતમાં બેસવા માંગુ છું, જેથી મને કોઈ ડીસ્ટર્બ ન કરે.  સર આપ ઉદાસ હોવ તો અહીં ૪ નંબરના ટેબલ પર, હાસ્યઝોનમાં આવી જાવ.’ ફ્લોર મેનેજર ગ્રાહકને પૂરા સન્માન સાથે ૪ નંબરના ટેબલ સુધી લઈ જાય છે, અને ખુરશી ખેંચીને એમને બેસવા જગ્યા કરી આપે છે.
આરામદાયક ખુરશી  પર બેસીને ગ્રાહક રેસ્ટોરન્ટનું  નિરીક્ષણ કરે છે. દિવાલો પર પ્રખ્યાત લેખકોના તેમ જ એમના પુસ્તકોના ખુબ સુંદર ચિત્રો આલેખાયેલા છે. ખુબ ધીમા પણ સુરીલા અવાજમાં કવિતાઓ અને પંક્તિઓનું પઠન થઈ રહ્યું છે. ફ્લાવર વાઝમાં કલમ એટલે કે પેન – પેન્સિલ આકારે સુગંધીદાર ફૂલોને ગોઠવવામાં આવ્યા છે.  આખો માહોલ સ્કુલ કે કોલેજના ક્લાસરુમ જેવો સંસ્કારિતા પૂર્ણ લાગી રહ્યો હતો.
૪ નંબરના ટેબલ પર એટલે કે હાસ્યઝોન માં જાત જાતના સ્માઈલીવાળું  ટેબલ ક્લોથ પાથરેલું છે. ટેબલ પર પ્રસિધ્ધ હાસ્યલેખકો (સ્વર્ગસ્થ તારક મહેતા, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરિસાગર, અશોક દવે વગેરે)  અને જાણીતા હાસ્ય-લેખિકાઓ (નલિની ગણાત્રા, કલ્પના દેસાઈ, સ્વાતિ મેઢ, પલ્લવી મિસ્ત્રી વગેરે) ના હસતાં ફોટાવાળું કેલેન્ડર મૂકેલું છે. દરેક લેખક - લેખિકાઓના હસતા ફોટાઓની નીચે એમના દ્વારા કહેવાયેલા હાસ્યરસિક વાક્યો છપાયેલા છે.
આવું હળવું વાતાવરણ જોતાં જ ગ્રાહકની ૨૫% ઉદાસી દૂર થાય છે. એના તંગ ચહેરાની થોડી રેખાઓ હળવી થાય છે. વેઈટર ઠંડા પાણીનો ગ્લાસ મૂકી જાય છે, જેના પર ખુબ જ જાણીતા  સ્વર્ગસ્થ હાસ્યલેખક જ્યોતીંદ્ર દવે નું કાર્ટૂન વાળું સ્ટીકર લગાવેલું છે. એ જોતાં જ ગ્રાહકના મુખ પર હળવું હાસ્ય પ્રસરી જાય છે. મેનુકાર્ડ પર ગુજરાતી ફિલ્મના કોમેડીયન સ્વર્ગસ્થ રમેશજીનું વિચિત્ર મોં વાળું  ચિત્ર છે. નેપકીન પર ગુજરાતી હાસ્ય લેખક અને કલાકાર શ્રી શાહબુદ્દીન રાઠોડના  વનેચરનો વરઘોડો નું સચિત્ર વર્ણન છપાયેલું છે. ડીનર માટેની મોટી પ્લેટ પર હાસ્ય કલાકાર સાંઈરામ દવેનો જોક એમના હસતા ચહેરાની ની નીચે લખાયેલો છે. નાની પ્લેટ પર હાસ્યલેખક જગદીશ ત્રીવેદીનો ફોટા સહિત નો નાનકડો જોક છપાયેલો છે.
હવે ગ્રાહક ૫૦% હળવા મૂડમાં આવી જાય છે. એના મુખ પર સવારના ખીલેલા ફૂલ જેવું હળવું સ્મિત પ્રસરે છે. એ મેનુકાર્ડમાં જોઈને ખાવાનો ઓર્ડર આપે છે. સ્ટાર્ટર માં સ્વાતિ - સ્વીટ કોર્ન સૂપ, પલ્લવી - પકોડા, કલ્પના - કરકરી રૂમાલી રોટી અને  નલિની - નાચોસ મંગાવે છે.  દરેક ટેબલ પર મૂકાયેલા હેડફોનમાં સંગીત સાંભળવા મળે છે. ઓર્ડર આપ્યા બાદ એ સર્વ થાય એ વચ્ચેના ફ્રી ટાઈમમાં ગ્રાહક હેડફોન કાને લગાવે છે.
હેડફોન માં કવિશ્રી રઈશ મણિયારની  હાસ્યરચના, પરણીને પસ્ટાય ટો પછી કેતો નીં, ને બે વાસણ અઠડાઈ તો પછી કેટો ની સંભળાય છે. આ સાંભળીને ગ્રાહક ખડખડાટ હસે છે. એની ઉદાસી સાવ દૂર થઈ જાય છે. એ રઈશજીની પંક્તિ ગણગણે છે. અને પછી વેઈટરને બોલાવીને પોતાને માટે કોલ્ડ કોફી વીથ આઈસક્રીમ મંગાવે છે. ઓર્ડર સર્વ થાય ત્યારે જુએ છે તો  તો કોફી-મગ પર લેખક  ઊર્વિશ કોઠારીનો હસતો ચહેરો જોવા મળે છે. એને આ રેસ્ટોરન્ટ પસંદ આવી જાય  છે. એ  મોબાઈલ લઈને પોતાનું સ્ટેટસ અપડેટ કરે છે, એટ હેવન પ્લેસ – એટ રાઈટર્સ રેસ્ટોરાં 
રેસ્ટોરન્ટમાં આ હાસ્ય ઝોન જેવા બીજા અનેક ઝોન (શાંતિ ઝોન, રહસ્યમય ઝોન વીરતા ઝોન, કરુણા ઝોન, રોમેંટીક ઝોન વગેરે) આવેલાં છે. અને ઝોન મુજબના લેખકોના ચિત્રો - અવતરણો    (ફાધર વાલેસ, હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટ, નર્મદ, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, કનૈયાલાલ મુનશી, ઓશો રજનીશ, રઘુવીર ચૌધરી, કાજલ ઓઝા વૈધ અને ઘણા બધાં, એટલા બધાં કે અહી નામ લખવા બેસું તો આખો લેખ એમાં જ પૂરો થઈ જાય.)  ખુબ જ ચોકસાઈ પૂર્વક આલેખાયેલા છે.
ગ્રાહક પોત પોતાની પસંદ પ્રમાણે ઝોન પસંદ કરીને બેસે છે, અને અવનવી વાનગીઓની મજા માણે છે. દિન પ્રતિદિન આ રાઈટરસ રેસ્ટોરાં ખુબ પ્રસિધ્ધ થઈ રહ્યું છે. આ રેસ્ટોરન્ટમાં  દેશ વિદેશથી આવેલા ગ્રાહકોનો સૌથી પ્રિય ઝોન છે, ટી ઝોન  જેમાં આપણા હાલના પ્રધાન મંત્રી શ્રી નરેંદ્રભાઈના પુસ્તકો, પંક્તિઓ, સુવાક્યો અને દેશ વિદેશના એમના પ્રવાસોનું સચિત્ર વર્ણન છે. જ્યાં બેસીને લોકો ચાય પે ચર્ચા કરે છે.
આજની જોક : પત્ની : તમે ખરાબ ન લગાડશો, સાચું કહું તો મને કશું રાંધતા આવડતું નથી.        કવિ પતિ : તું અફસોસ ન કર, આપણા ઘરે રાંધવા જેવું કંઈ છે પણ નહિ. 

Wednesday, 14 February 2018

રેલયાત્રા સારી કે જેલયાત્રા?


રેલયાત્રા સારી કે જેલયાત્રા?        પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

મારા પતિને બહારગામ જવાનું હોવાથી, એમને અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશને મૂકીને પાછા વળતાં,  મારી કારથી આગળ જતી એક કારને, એક હવાલદારે દંડો બતાવીને રોકવાની કોશિશ કરી, પણ કાર ચલાવનાર યુવાને હવાલદારને અવગણીને કાર ભગાવી મૂકી. હવાલદારે વ્હીસલ વગાડી તો પણ યુવાને કાર ન રોકી, તેથી અપમાનિત થયેલાં હવાલદારે પાછળથી આવતી મારી કારને રોકી. અકળાયેલા  હવાલદારે મારી કાર રોકીને, મારી પાસે લાયસન્સ જોવા માંગ્યુ. મેં તે આપ્યું. લાયસંસ બરાબર નીકળ્યું એટલે ભોંઠા પડેલા હવાલદારે મારી ગાડીના પેપર્સ જોવા માંગ્યા. રજીસ્ટ્રેશન બુક, ઇન્સ્યોરન્સ પેપર્સ બરાબર હતાં. હવાલદાર વધારે ભોંઠો પડ્યો. ડૂબતાં ને તરણાનો સહારો’,  એમ છેલ્લા ઉપાય તરીકે એણે મારી પાસે કારનું પીયુસી (પોલ્યુશન અન્ડર કંટ્રોલ) માંગ્યુ.  એ પણ બરાબર હતું, એટલે એ નિરાશ થયો, અને બબડ્યો, કોણ જાણે સવારે કોનું મોઢું જોઈને ઊઠ્યો હોઈશ, તે દિવસ જ ખરાબ ગયો.
અરીસામાં મોઢું જોઈને ઊઠ્યા હશો, ભાઈ’,  એમ કહેવાનો મને વિચાર આવ્યો, પણ એનો કરડો ચહેરો અને હાથમાં દંડો જોતાં એ વિચાર મેં માંડી વાળ્યો. મારે તો એને સલાહ આપવી હતી કે- ભાઈ, હવેથી તું રોજ સવારે તારા હાથની બે હથેળી ભેગી કરીને, કરાગ્રે  વસતુ લક્ષ્મી, કરમૂલે તુ  સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ આમ બોલી તારા હાથમાં પ્રભુને સ્મરીને જાગજે, તારા બધાં દિવસો શુભ જશે. પણ પછી વિચાર આવ્યો કે- હું એને આટલું સમજાવવા જઈશ, ત્યાં સુધીમાં એના હાથમાંથી બીજા ચાર-પાંચ શિકાર છટકી જશે, તો એની કમાન પણ છટકશે, અને એનો દિવસ વધારે ખરાબ જશે.તેથી મેં ત્યાંથી કાર લઈને ચાલી નીકળવાનું વધુ મુનાસિબ માન્યું.  જો કે ત્યાં આડેધડ પાર્ક થયેલી ગાડીઓ, મુસાફરો પાસે મનફાવે એવો ભાવ માંગતા રીક્ષાવાળાઓ કે પછી પ્રવાસીઓને ચાલવાની અગવડ વધારતાં,  રેલ્વે પ્લેટફોર્મને બેડરૂમ સમજીને સૂતેલા  માણસોને આ હવાલદાર કે પોલીસ કેમ કંઈ કહેતી નહીં હોય?
રેલયાત્રાની વાત નીકળી છે તો યાદ આવ્યું કે- અમારી સોસાયટીમાં રહેતાં એક ભાઈ થોડા દિવસ પહેલાં જ મુંબઈથી અમદાવાદ આવતા હતાં, ત્યારે ટ્રેનમાં એમની  બેગ ચોરાઇ ગઈ. એમને જરા ઝોકું આવ્યું,  એમાં કોક મોરલો કળા કરી ગયો.  એ બેગમાં એમની બેંકની ચેકબુક, પોતાનું ક્રેડિટ કાર્ડ, થોડાંક અગત્યના પેપર્સ, છોકરાંઓ માટે લીધેલી મીઠાઇનું બોક્સ અને પત્નીની વર્ષગાંઠ પર આપવા ખરીદેલાં સાચા હીરાનાં બુટિયાં હતાં. એક તો બેગ ગઈ અને ઉપરથી પત્નીની ડાંટ પડી, તમે તો છે જ સાવ ગાલાવેલા, એક બેગ ન સાચવી શક્યા?’ ભાઈના મોઢે આવી ગયું, આટલા વર્ષોથી તને સાચવી રહ્યો છું તે કંઇ કમ છે કે?’    જિંદગીના એ સાચુકલા નાટકમાં પછી આગળ શું થયું, તે ખબર નથી, પણ જે થયું તે કરુણ જ હશે.
આપણે તો જિંદગીના કરુણ અંકમાંથી પણ હાસ્ય શોધી કાઢવાનું છે, તો આ જોક યાદ આવે છે, એક પતિએ એની પત્નીને જન્મદિવસે હીરાના બુટિયાં ભેટ આપ્યા. પત્ની પછી એની સાથે એક મહિના સુધી બોલી નહીં. તમને થશે- શું એ બુટિયાં નકલી  હીરાના હતાં? તો જવાબ છે, ના, એ સાચા હીરાના જ હતાં, પણ શરત જ એવી હતી.
‘મીનાબહેન, જુઓને મોંઘવારી તો દિવસે દિવસે વધતી જ જાય છે, આ રેલ્વેની જ વાત કરીએ તો છાશવારે એના ભાડા વધતાં  જ જાય છે.’  ‘ગીતાબહેન, રેલ્વેના ભાડાં વધતાં જાય છે, એ વાત તમારી સાચી છે, પણ જગત અને જીવન વિશે જે જ્ઞાન રેલયાત્રા દરમ્યાન મળે છે, તે અમૂલ્ય હોય છે.’  ‘પણ ટ્રેનમાં સાંભળનારા ઓછાં અને બોલનારા ઝાઝાં હોય છે, એટલે ઘોંઘાટ પણ ખુબ હોય છે.’  ‘તમે જોયું હશે, ગીતાબહેન. કે આટલા ઘોંઘાટમાં પણ  કેટલાંક યોગી પુરુષો કેવા આરામથી ઊંઘતાં હોય છે, કેટલાક મહાત્માઓ પુસ્તકો પણ વાંચતાં હોય છે અને આટલી ભીડમાં પણ કેટલાંક પ્રેમીઓ પ્રેમાલાપ પણ કરતાં હોય છે. એટલે એક રીતે જોઈએ તો  રેલયાત્રા આપણને  સ્થિતપ્રજ્ઞતા પણ શીખવે છે.’
‘બરાબર. પણ આ અપ-ડાઉન વાળાઓનો ભારે ત્રાસ હોય છે. એ લોકો પોતાની સીટ રીઝર્વ કરાવતા નથી, અને દાદાગીરી કરીને, આપણને ખસેડીને આપણી ત્રણની સીટ પર ચાર કે કોઈવાર પાંચ જણ પણ બેસી જાય છે.’  ‘એ જ તો સૂચવે છે કે, ના કુછ તેરા ના કુછ મેરા. અને જેને આપણે આપણી સીટ કહીએ છીએ, તે પણ આપનું ઉતરવાનું સ્થાન આવે એટલે આપણે ખાલી કરીને જવું જ પડે છે.  વાત સમજીએ તો આમાં જિંદગીનો  ગહન અર્થ છુપાયો છે. તમે જોયું હશે, અપ-ડાઉન વાળા ટ્રેનની હાલક-ડોલકવાળી સ્થિતિ હોવા છતાં  કેવાં સામસામે પાટિયા પર બેસીને,  પગ પર બેગ મૂકીને મસ્તીથી પત્તા રમે છે. એ જ આપણને શીખવે છે કે વિષમ પરિસ્થિતિમાં પણ મોજથી જીવવું’.
‘ચાલો, તમારું એ લોજિક માની લઈએ. પણ તમે જોયું હશે કે લોકો,  ચા-કોફીના ખાલી ગ્લાસ, પાણીના પાઉચના પ્લાસ્ટિક્સ, ખાવાના પેકેટ્સના ખાલી રેપર, બીડી-સિગરેટનાં ઠુંઠા, પાનની પીચકારી,  વગેરે કચરો રેલ્વેના ડબ્બામાં જ્યાં-ત્યાં ફેંકીને કેવી ગંદકી ફેલાવે છે.’  ‘વાત તો તમારી સોળ આના સાચી છે, ગીતાબહેન. એટલે જ તો આપણા નેતા નરેંદ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે.’  ‘નેતાઓ તો કહેતા રહે, પણ પ્રજા અનુસરે ત્યારે ખરું. આ તમે જુઓ છો ને ઘણી ટ્રેન એના સમય કરતાં કેટલી મોડી આવે છે?  લોકોના સમયની તો જાણે એમને કંઈ કિંમત જ નથી. આવું જ હોય તો રેલ્વે વાળા સમય પત્રક બનાવે છે જ શા માટે?
‘સમય પત્રક બનાવવાથી આપણને ખ્યાલ આવે કે કઈ ટ્રેન કેટલી મિનિટ, કેટલા કલાક કે કેટલા દિવસ(??) મોડી છે. મોડી થતી ટ્રેનની  રાહ જોવામાં આપણી ધીરજ વિકસે છે, જે પછીથી આપણને આપણા જીવનના બીજા ક્ષેત્રે પણ કામ આવે છે.’  ‘અને જે ટ્રેન કેન્સલ થઇ જાય છે, તે શું શીખવે છે?   ‘એનું રીફંડ લાઈનમાં ઊભા રહીને મેળવી શકાય છે. અને જવાનું અગત્યનું જ હોય તો બીજા રસ્તા(બસ, ટેક્સી, વિમાન) દ્વારા જઈ શકાય. આમ ન આવતી ટ્રેન આપણને બીજા ઓપ્શન શોધવાનું શીખવે છે. ગીતાબહેન, તમે મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી નથી કરી. ત્યાંના લોકોને તમે જુઓ તો તમે દંગ રહી જાવ. ભારે ભીડમાં ચઢવું, પર્સ-ચંપલ-કપડાં સાચવવાં, ચાલુ ટ્રેને બેલેંસ જાળવવું, જગ્યા શોધીને બેસવું, ચાલુ ટ્રેનમાં શોપિંગ કરવું, સ્ટેશન આવે એટલે ત્વરાથી ઉતરવું....શું  એમની સતર્કતા , ધીરજ  અને સહનશક્તિ’??  ...માન ગયે જનાબ.’
હમણાં થોડા સમય પહેલાં જ એક વક્તવ્ય  વિશે વાંચ્યુ, એનો  વિષય હતો, રેલયાત્રા સારી કે જેલયાત્રા?’ આ વિશે સર્વે કર્યો તો ઘણા લોકોને લાગે  છે, કે- રેલયાત્રા અતિ વિકટ  અને જેલયાત્રા અતિ સુગમ-સરળ છે.  આના કેટલાંક કારણો પણ એમણે આપ્યાં છે કે- રેલયાત્રામાં ટિકીટનું રિઝર્વેશન કરાવવું પડે છે, જ્યારે જેલયાત્રામાં આવી કોઈ માથાકૂટ કરવાની હોતી નથી. રેલયાત્રા કરવા આપણે ઘરથી સ્ટેશન સુધી જવું પડે છે, જ્યારે જેલયાત્રામાં પોલીસની સ્પેશિયલ  ગાડી આપણને લેવા ઘર સુધી આવે છે, જેમાં બેસવા કોઇ ધક્કામુક્કી કરવી પડતી નથી, ખુબ આરામથી બેસવાની જગ્યા મળે છે.
રેલ્વેમાં તો પાકીટમાર અને લુંટારાઓથી સંભાળવું પડે છે. જ્યારે જેલયાત્રામાં તો ખુદ પોલીસ આપણી હિફાજત કરતી હોય છે. રેલયાત્રા મોંઘી છે, ખર્ચાળ છે, જ્યારે જેલયાત્રા તો મફતમાં થાય છે. સુજ્ઞ વાચકો, તમે આ વિષય પર વિચારશો તો તમને બીજા ઘણાય કારણો મળી રહેશે. તમને  તમારી મનગમતી યાત્રા મળી રહે તે માટે ખુબ ખુબ શુભકામના!Wednesday, 7 February 2018

આ અન્ડરવર્લ્ડ ક્યાં આવ્યું?


આ અન્ડરવર્લ્ડ ક્યાં આવ્યું?      પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

ઘણા વર્ષો પહેલાં ગામના બજારમાંથી ખાંડ અદ્રશ્ય થઈ ગઈ હતી અને કાળા બજારમાં ડબલ ભાવે વેચાતી હતી.  ત્યારે મારા ઘરે કામ કરતી મારી કામવાળી ચંપાએ મને ઉત્સુકતાથી  પૂછ્યું હતું,
-ભાભી, આ કાળાબજાર કંઈ કણે (ક્યાં)  આયું?
-કેમ, તને વળી એનું શું કામ પડ્યું?
-ઘરમાં ખાંડ ખલાસ થેઇ ગેઇ સે ને ગામના બજારમાં તો ખાંડ મલતી નહીં. લોક કે સે (કહે છે) કે કાળાબજારમાં ખાંડ મલે સે. તે મીં કું (મેં કહ્યું) તંઈ કણે (ત્યાં) જઈને થોડીક ખાંડ લેતી આવું. અમે બે માણા (માણસ)  તો હું (શું) કે ગોરવારી(ગોળવાળી)  ચા હો પી લીયે પણ મારાં સોકરાંવ ને ગરે (ગળે) એ ઉતરતી નથ.
ત્યારે તો મેં એને મારી પાસે હતી એમાંથી થોડી ખાંડ આપી. એ ખુશ થઈ ગઈ ને કાળાબજારમાં જવાનું માંડી વાળ્યું. . થોડા દિવસ પછી એણે મને પૂછ્યું,
-ભાભી, આ અંડરવરલડ (અન્ડરવર્લ્ડ) કંઈ કણે આયું?
-કેમ ચંપા, તારે વળી એનું શું કામ પડ્યું?
-લોક કે સે કે તંઈ કણે નોકરી હારી મલે સે. તંઈ નોકરી કરનારને પટારો ભરીને બઉ બધા રુપિયા  મલે સે.
-અચ્છા? તે તારે કોને નોકરી અપાવવી છે?
-મારો રમલો મેટરિક પાસ થયેલો સે ને કેટલું ભટઈકો તો હો કાંક હારી નોકરી નહીં મલતી તે અતારે તો ઘેર જ બેઠેલો સે, ને એને કારણે એનું મગસ ખરાબ થેઈ ગીયું સે.ઘરમાં બધા પર ગુસ્સો કરે સે. તે મીં કું ઇને અંડરવરલડમાં મોકલી આલીયે તો કેમ?
-અત્યારે તો  અમારી અને સોસાયટીમાં બીજા બે જણની ગાડી ધોવાની નોકરી છે, એને ફાવે તો મોકલજે.  નહીતર તું થોડા દિવસ રાહ જો. આપણે એને ક્યાંક સારી નોકરી અપાવી દઈશું.
ખેર! એક મહિનો અમારી સોસાયટીમાં કામ કર્યા પછી ચંપાના દિકરા રમેશને તો પછી ગામની સ્કુલમાં સફાઈકામની નોકરી મળી ગઈ, પણ...
વર્ષો પહેલાં એક કહેવત પ્રચલિત થઈ હતી, ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને નફ્ફટ નોકરી જેમાં ખેતીને ઘરના મોટા કમાતા-ધમાતા દિકરાની વહુની જેમ ઘણું માન અપાતુ  હતું. જ્યારે વેપારને વચેટ વહુની જેમ નહીં માન કે નહીં અપમાન જેવું (ફિફ્ટી-ફિફ્ટી) હતું. જ્યારે નોકરીને તો નાના નકામા-રખડુ છોકરાની અપમાનિત વહુની જેમ નફ્ફટ નું બિરૂદ અપાતુ હતું. પછી સમયની સાથે સાથે માણસો બદલાતા ગયા, મૂલ્યો બદલાતા ગયા, અને એ મુજબ કહેવતો પણ બદલાતી ગઈ.
ઉત્તમ ગણાતી ખેતીમાં વરસાદ વીલનગીરી કરવા માંડ્યો. જરૂર હોય ત્યારે આવે નહીં અને પાક બાળી નાંખે, અને જરૂર ન હોય ત્યારે ધોધમાર વરસીને ઊભો પાક તાણી જાય.બધું સમુ સૂતરું ચાલે ત્યારે,  ખેડુતો અને ખરીદારોની વચ્ચે વચેટીયાઓ નફો તાણી જાય.  અણધારી આફત આવે ત્યારે સરકાર રાહત-ફાળો મોકલે તો પણ પેલા વાંદરો-બિલાડીની વાર્તામાં ન્યાય તોળવાને બહાને વાંદરો આખે આખો રોટલો ખાઈ જાય એની જેમ વચેટીયાઓ મોટેભાગેની રાહત ઘર ભેગી કરી દે અને ખેડુત તાકતો રહી જાય.જ્યારે રાજીવ ગાંધી હયાત હતા ત્યારે એમણે તો સાફ સાફ કહ્યું હતું કે, રૂપિયો મોકલીએ તો લોકોને ૧૫ પૈસા મળે છે.”  એટલે નેતાઓ પણ આ વાત જાણે છે,  પણ આંખ આડા કાન કરી મૂકે, આખરે તો વટ  નહીં,  પણ  વોટ નો સવાલ છે ને?
મધ્યમ  વેપાર એવું કહેવતમાં કહેવાયું છે, પણ ડુંગર દૂરથી રળિયામણા એ મુજબ વેપારીઓને સ્પર્ધા સતાવે અને ઉઘરાણી અકળાવે  સ્પર્ધામાં ટકી રહેવા માટે વેપારીઓએ જાતજાતના નુસખાઓ અજમાવવા પડે છે. વર્ષમાં ઓછામાં ઓછું એક્વાર અને પછી તો મરજી પડે એટલી વાર દુકાનમાં ડિસ્કાઉન્ટ સેલ  ના પાટિયા લટકાવવા પડે છે, છાપામાં જાહેરાતો આપવી પડે છે. કેટલાક વેપારીઓને ત્યાં તો બારેમાસ સેલ ના પાટિયા લટકતા હોય છે. ભાતભાતની સ્કીમ મૂકીને ગ્રાહકને દુકાનમાં આવવા લલચાવવા પડે છે.
ઉધાર આપતા વેપારીઓને પછી ઉઘરાણીના પૈસા પાછા લેતા નાકે દમ આવી જાય છે. ગ્રાહકનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ  એ વાત સાચવવામાં ગ્રાહકને સંતોષ તો મળતાં મળે પણ વેપારીને મુદ્રાઓ મુશ્કેલીથી મળે છે એ વાત નક્કી. ખાતર પર દિવેલ’,  ની જેમ ક્યારેક બાકી રહેતી ઉઘરાણી કરવા પગાર ચૂકવીને માણસ રાખવો પડે છે.  એમાં અંડરવર્લ્ડની ધમકી ને ક્યારેક અપરવર્લ્ડ એટલે કે ઈન્કમટેક્ષ વાળાની રેડ.કચવાતા જીવે  ક્યારેક પોલીસ લોકોને હપ્તા કે મફતનો માલ આપવો પડે.  બહુ ઓછા વેપારીઓ ટેન્શન  વગર પૈસા કમાય છે, બાકીતો નાણાની સાથેસાથે એમના ભાગે અનિદ્રા અને અલ્સર તો નક્કી જ છે.
નફ્ફટ ગણાતી નોકરીને આજકાલ ઘણા નવયુવાનો પ્રેમથી અપનાવી રહ્યા છે. નોકરીમાં નિરાંતની વાત એ છે, કે નોકરીના સમય દરમ્યાન ઓફિસમાં હાજર રહેવાનું અને બોસની હાજરી દરમ્યાન ઓફિસમાં કામ કરવાનું અથવા એવો દેખાવ કરવાનો. પગાર લઈને ઉંઘવાનું અને પરમેનન્ટ થઈ ગયા પછી દાદાગીરી કરવાની. રિટાયર્ડ થયા પછી પેંશન મેળવવાનું ને જલસાથી જીવવાનું. જો કે હવેની નોકરીઓમાં જંગી પગારની  સાથે સાથે કમરતોડ કામ અને મગજતોડ જવાબદારી પણ રહે છે, એ ખરું. પણ આજકાલ ઊચ્ચ શૈક્ષણિક ડીગ્રી ધરાવતા વિધાર્થીઓને આપણું મગજ કામ ન કરે(ગણતાં ન ફાવે એવા)  વાર્ષિક પગારે નેશનલ અને મલ્ટિનેશનલ  કંપનીઓ નોકરીમાં રાખવા લાગી છે.
એક સમયે તો અન્ડરવર્લ્ડમાં પણ ઉચ્ચક કામ ના બદલે નોકરીની પ્રથા શરુ થઈ હતી. અલી મારો વર તો આટલો પગાર પાડે છે, તારો વર કેટલા પાડે છે?’  એવું ભાઈલોગ ની વાઈફો પણ એકબીજીને પૂછતી હશે. અને જવાબમાં કોઈ બેકાર ભાઇલોગ ની વાઈફ કહેતી હશે, જવા દે ને વાત જ બેન, મારે તો એ- નહીં કામ ના કે નહીં કાજના, દુશ્મન મણભર અનાજના”
અંડરવર્લ્ડમાં પહેલાં હપ્તાવસૂલી કે હત્યા કરવાના બદલામાં કામ અનુસાર ઉચ્ચક પૈસા અપાતા હતા.  હવે આવા કામો માટે દર મહિને ફિક્સ પગાર મળશે. તેથી વધુ કામ - વધુ કમિશન – વધુ પૈસા એ સૂત્ર ભૂલાઈ જશે. હવે તો દર મહિને ડોન કહે એટલાને જ પતાવવાના અને એટલા હપ્તા ઉઘરાવી લાવવાના એટલે ડોન પણ છુટા અને આપણે પણ છુટા.
અંડરવર્લ્ડમાં આવી પગાર પ્રથા શરુ થવાના કારણોની તપાસ કરી તો જાણવા મળ્યું કે, કેટલાક શૂટરો પતિવ્રતા નારીની જેમ એક જુથ માટે જ કામ કરે છે. પણ કેટલાક શૂટરો ચંચળ નારીની જેમ એકથી વધુ જુથ માટે કામ કરે છે. આથી આવા બહુ - જુથવાદી શૂટરોની સેવા જોઈએ ત્યારે ઉપલબ્ધ થતી નથી. એથી અંડરવર્લ્ડના દાદા છોટા શકીલે શૂટર સાદિક કાલિયાને મહિને એક લાખ ચાલીસ હજાર રુપિયાના માનભર્યા પગારે નોકરીએ રાખ્યો અને આ પગાર પ્રથા ફેમસ થઈ.
એવું પણ કહેવાય છે કે કેટલાક લોભિયા શૂટરો વધુ પગાર મળે તે ડોનને ત્યાં નોકરી કરતાં, તો કેટલાક શૂટરો નવરાશના સમયે બીજા ધંધા કરીને આવક રળતા. કેટલાક તો વળી અપરાધની આ દુનિયાને કાયમ માટે અલવિદા કરી, અન્ડરવર્લ્ડમાંથી નીકળી આઉટરવર્લ્ડમાં કોઇ સારા ધંધે લાગી જતાં. આ બધા અવરોધોને દૂર કરવા અન્ડરવર્લ્ડમાં પગાર પ્રથા દાખલ કરવામાં આવી.
ઘણા ઉધોગપતિઓ, નેતાઓ અને અભિનેતાઓ આવા અંડરવર્લ્ડના ડોનને નિયમિત હપ્તા (પગાર) ચૂકવીને રક્ષણ મેળવે છે.  આપણા  શિક્ષિત યુવાનોને ધંધે લગાડવામાં આવા ડોનને ખાસ રસ છે, તેથી અંધકારની દુનિયામાં આપણા યુવાનોનું ભવિષ્ય ઉજળું છે. 
પણ આ અમારી ચંપા જેવી ઘણી વ્યક્તિને મૂંઝવણ એ વાતની છે, કે- આ અંડરવર્લ્ડ ક્યાં આવ્યું?’