Wednesday, 27 June 2018

એક હળવું પ્રવાસ વર્ણન.


એક હળવું પ્રવાસ વર્ણન.      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

જયારે જયારે કોઈ પ્રવાસ વર્ણનની વાત નીકળે છે, ત્યારે ત્યારે મને મારા બાળપણની એક વાત યાદ આવે છે. એ વખતે હું પાંચમાં ધોરણમાં ભણતી હતી. એક દિવસ અમારા ક્લાસ ટીચરે અમને ક્લાસમાં બેસીને, ‘મારો પગપાળા પ્રવાસ’ એ વિષય પર નિબંધ લખવા જણાવ્યું, મેં લખ્યું :
‘મારા પપ્પાજી ગવર્મેન્ટ જોબમાં ઓફિસર છે, એટલે ગવર્મેન્ટે એમને એક જીપકાર વાપરવા માટે આપેલી છે. એ જીપ સરકારી હોવા છતાં ‘ટનાટન’ એટલે કે સરસ ચાલે છે. આ ઉપરાંત અમારી પાસે પોતાની માલિકીની એક પ્રાયવેટ કાર પણ છે. એટલે સદનસીબે મારે ‘પગપાળા પ્રવાસ’ કરવાનો દુખદ પ્રસંગ હજી સુધી ક્યારે પણ આવ્યો નથી, અને નજીકના ભવિષ્યમાં આવો કોઈ  પ્રવાસ કરવાની મારી ઈચ્છા પણ નથી. છતાં પણ ધારો કે મારે આવો કોઈ પ્રવાસ કરવાનો પ્રસંગ આવશે તો, તે વખતે હું આ વિષય ‘મારો પગપાળા પ્રવાસ’ પર નિબંધ જરૂરથી લખીશ.’ 
કમનસીબે મારા ક્લાસટીચર  મારી ‘સેન્સ ઓફ હ્યુમર’ સમજી શક્યા નહીં, અને એમણે મને શિક્ષા કરી. જો એ વખતે જ એમણે મને આ બાબતમાં પ્રોત્સાહન આપ્યું હોત, તો હાસ્યસાહિત્યમાં મારું સ્થાન ખુબ જ આગળનું – કદાચ પ્રસિદ્ધ હાસ્યલેખક સ્વર્ગસ્થ શ્રી જ્યોતીન્દ્ર દવે પછી તરતનું હોત. ખેર ! ‘લેટ ઈઝ બેટર ધેન નેવર’, મુજબ હું મારા લેખન દ્વારા આ દિશામાં મારા પ્રયત્નો ચાલુ રાખીશ.
આપણે ફરી પાછા મૂળ વિષય પર આવીએ તો, આવા-ગમનના ઝડપી સાધનો જેવા કે સ્કુટર, રીક્ષા, કાર, બસ, ટ્રેન, એરોપ્લેન વગેરે શોધાયા પછી, ‘પગપાળા પ્રવાસ’ કરવાનું ચલણ ઓછું જરૂર થઇ ગયું છે, પણ હજીસુધી નામશેષ નથી થયું.  હજી પણ લોકો – ખાસ કરીને ભારત દેશના  લોકો પોતાની માનતા પૂરી કરવા ડાકોર કે અંબાજી ચાલતા જાય છે કે નર્મદા નદીની પરિક્રમા કરે છે.   
અમારા પાડોશી ૬૨ વર્ષીય વડીલ જનુકાકા એકવાર એક સંઘ સાથે રણછોડરાયના દર્શન કરવા ચાલતા ડાકોર જવા નીકળ્યા. ‘જાય રણછોડ માખણ ચોર’ ના નારા સાથે જોશભેર બે દિવસ તો સારા ગયા. પણ ત્રીજા દિવસે જનુકાકા માંદા પડી ગયા, એમને તડકામાં ચાલવાને લીધે ‘સનસ્ટ્રોક’ થયો. એમનો દીકરો જઈને એમને કારમાં પાછા લઇ આવ્યો, બે દિવસના કમ્પ્લીટ બેડરેસ્ટ પછી તેઓ ઘરમાં ચાલી શક્યા.   
અત્યારના જમાનામાં યંગસ્ટર્સ લોકો બાઈક લઈને (બાઈકર્સ ગેંગ) દુનિયા ઘુમવા નીકળી પડે છે. પણ હવે ‘ભોમિયા વિના મારે ભમવા તા ડુંગરા...’ નું ચલણ ઓછું થઇ ગયું છે. હવે તો મોટેભાગેના લોકો ટ્રેન, બસ કે પ્લેન જેવા મુસાફરીના સાધનોનું એડવાન્સ બુકિંગ કરાવીને અને રહેવા માટે હોટેલનું બુકિંગ કરાવીને જ નીકળે છે.
ટુર પર જતા લોકો એ જગ્યાની યાદગીરી સચવાઈ રહે તે માટે ફોટા પાડે છે, વિડીઓ ઉતારે છે. ડીજીટલ કેમેરા અને સ્માર્ટ ફોનના આવી ગયા પછી, ભારતની વસ્તીની જેમ ફોટાની હસ્તી પણ અનલીમીટેડ થઇ ગઈ છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર પ્રવાસની એટલી બધી પોસ્ટ અપલોડ કરે કે તે જોઇને આપણને શંકા થાય કે ‘આ લોકો ફરવા ગયેલા કે ફોટા પાડવા ?’ 
‘એન્જોઇન્ગ એટ કુલુમનાલી વિથ ધ હોલ ફેમીલી ફોર અ વિક’ એવી પોસ્ટ ફેસબુક પર મુકનાર અમારા એક મિત્ર ઘરે આવ્યા ત્યારે જોયું તો કોક જાણભેદુ મોરલો એમના ઘરે કળા કરી ગયેલો, રૂપિયા – પૈસા –ઘરેણા અને ઘણી ઘરવખરી ચોરાઈ ગયેલી. ‘આજકાલ સાલા ચોર લોકો પણ  સ્માર્ટ અને ટેકનોસેવી બની ગયા છે’,  એમ બબડીને એમણે પોલીસમાં ચોરીની ફરિયાદ લખાવી. તો પોલીસે એમને જ ધમકાવ્યા, ‘બહારગામ જાવ તેની જાહેરાત સોશિયલ મીડિયા પર કરીને મઝા તમે લોકો લુંટો છો, અને પછી ઘરવખરી લુંટાઈ જાય ત્યારે ફરિયાદ અમને કરવા આવો છો ?’
વર્ષો પૂર્વે સમ્રાટ અશોકે ધર્મનો સંદેશ ફેલાવવા ‘શિલાલેખો’ કોતરાવ્યા હતા. પણ ગુજરાતી પ્રવાસીઓ કયા હેતુથી પ્રવાસે ગયા હોય તે સ્થળે, ‘ઝાડના થડ’ પર કે ‘પહાડોના પથ્થર’ પર પોતાના નામો કોતરી કે ચીતરી આવે છે, તે રહસ્ય આજ સુધી અકબંધ જ રહ્યું છે. ‘પીન્કી અને પકીયો’, જીનીતા અને જીગ્નેશ’, ‘રમીલા અને રોશેશ’,  વગેરે વગેરે નામો પહાડોની એટલી ઊંચી શીલાઓ પર લખાયેલા હોય છે, કે એ જોઇને આપણને એમ થાય  કે આટલી મહેનત જો ભણવામાં કરી હોત તો પકીયો, જીગ્નેશ કે રોશેશ ગ્રેજ્યુએટ તો જરૂર થઇ શક્યા હોત.
સામાન્ય રીતે નિયમ એવો છે કે પ્રવાસમાં  ઓછામાં ઓછો સમાન – તમે પીઠ પર લઇને ચાલી શકો એટલો - રાખો તો પ્રવાસ સરળ રહે. પણ કેટલાક લોકો એટલો સમાન લઈને નીકળે છે જાણે તેઓ હમેશ માટે જઈ રહ્યા છે, કે ઘર ખાલી કરીને બીજે રહેવા જઈ  રહ્યા હોય તેમ લાગે છે. ગુજરાતી પ્રવાસીઓના સામાનમાં ખાવાની સામગ્રી એટલી બધી  હોય છે, કે જાણે એમને બીજે કશે ખાવાનું મળશે જ નહિ અને તેઓ ભૂખે મરશે. તેઓ ફરવા કે સ્થળો જોવા નહિ, પણ ડબ્બાપાર્ટી કરવા જ બહારગામ  જતા હોય એવું જોનારને લાગે છે.
અમારા પાડોશી શેફાલીબેન અને સમીરભાઈ અગિયાર દિવસ માટે કાશ્મીર પ્રવાસે જઈ આવ્યા. અમે એમની પાસે પ્રવાસની માહિતી લેવા ગયા, કેમ કે અમે પણ ત્યાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા.
શેફાલીબેન, તમારો કાશ્મીરનો પ્રવાસ કેવો રહ્યો? મેં ઉત્સુકતાથી પૂછ્યું.   ખુબ જ  સરસ, સખ્ખત મઝા આવી. (ગુજરાતીઓને મઝા પણ ‘સખ્ખત’ આવે)’   ‘અચ્છા ? ક્યાં ક્યાં ફર્યા ? શું શું જોયું ?’  ‘ગુલમર્ગ, સોનમર્ગ, દાલલેક... ને એવું બધું.’  ‘તમને વધારે શું ગમ્યું ?’  ‘બધું જ. પણ તમે સાંભળો તો ખરા. સૌથી સારું તો એ હતું કે અમારો ટુરવાળો ગુજરાતી રસોઈયાને સાથે લઈને આવ્યો હતો. હજી આપણે સવારે ઉઠીને બ્રશ કરીએ ત્યાં તો ચા કોફીની સાથે બટાકાપૌવા – ઉપમા – ઇડલીસંભાર જેવો ગરમાગરમ નાસ્તો હાજર !’
      ‘અચ્છા ?’ ‘હા, અને ટાઈમ ટુ ટાઈમ લંચ તો ખરું જ. સૂપથી માંડીને ડેઝર્ટ સુધી બધું જ. સ્વીટ પણ રોજ હોય જ. સ્વાદ તો એવો હોય કે આપણને થાય કે આપણે આંગળા ચાટી જઈએ.’  ‘કોના, તમારા કે રસોઈયાના ?’  એવું પૂછવાની ઈચ્છા દબાવી રાખીને મેં પૂછ્યું કે ‘સૌથી અદભુત શું હતું ?’  ‘સૌથી અદભુત વાત તો એ હતી કે અગિયાર દિવસમાં એણે એક પણ અઈટમ કે શાક રીપીટ નથી કર્યા.  ‘ ? ? ? ‘  ‘અમે તો નક્કી જ કર્યું છે કે હવે પછી ક્યાંય પણ પ્રવાસે જઈશું તો આ ટુરવાળા સાથે જ જઈશું.’

Wednesday, 20 June 2018

રાઈટ ટુ પ્રાયવસી.


રાઈટ ટુ પ્રાયવસી.     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. 
 
-હલ્લો, તમારા નામે કુરિયરમાં એક કવર આવ્યું છે, એના પર ‘પ્રાયવેટ’ એવું લખેલું છે.  પત્નીએ પતિને ઓફિસે ફોન કરીને જણાવ્યું.
-અચ્છા ! કવરની અંદરના લેટરમાં શું લખેલું છે ? પતિએ પૂછ્યું.
‘રાઈટ ટુ પ્રાયવસી’,  દરેક નાગરિકને એની પ્રાયવસી એટલે કે ‘અંગતતા’ જાળવવાનો અધિકાર છે, (પરણેલા પુરુષને આમાં અપવાદરૂપ ગણવો) એવો સીમાચિન્હરૂપ ચુકાદો, ૯ જજોની બનેલી બંધારણીય બેન્ચે, સર્વાનુમતે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ જે.એસ. ખેહરની લીડરશીપમાં, સ્વાતંત્ર્યદિવસ (૧૫ મી ઓગષ્ટ) ના દસ દિવસ પછી એટલે કે ૨૫ મી ઓગષ્ટ, ૨૦૧૭ ના રોજ આપ્યો.  
આ ચુકાદાથી ઉત્સાહમાં આવી ગયેલા એક પતિએ પત્નીને કહ્યું, જો હવે તો સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે, લોકોને શું પહેરવું, શું ખાવું એવું બધું સરકારે નક્કી કરવાની જરૂર નથી, લોકો પોતાની જાતે જ એ નક્કી કરશે.   સમજી ગઈ. ‘શું પહેરવું ?’ એમાં  તો તમને મારી મદદ વિના ચાલતું નથી, કેમ કે તમે એ જાતે નક્કી કરી શકતા નથી. પણ હા જમવામાં તમને પસંદગીનો અવકાશ છે. બોલો, આજે સાંજે જમવામાં  તમારે શું ખાવું છે ?   આજે તો તું મસ્ત મજાની ચટપટી ભાજી પાઉં બનાવ, ઘણા વખતથી ખાધી નથી.   તમને પાઉં તો માફક આવતા નથી, જ્યારે ખાવ છો ત્યારે પેટમાં દુખે છે. 
ઓહ ! એવું છે ? તો પછી છોલે પૂરી બનાવી દે.   એમ ‘રાજા બોલ્યા ને દાઢી હાલી’ ની જેમ બોલો એટલે તરત તે થઇ જાય એવું થોડું હોય ? છોલેને પાંચ કલાક પાણીમાં પલાળવા પડે.   તો પછી પુલાવ –કઢી તો બની શકે ને ?   આ વરસાદની મૌસમમા દહીં ક્યાં બરાબર જામે જ છે ? સવારનું મેળવ્યું છે, તો પણ હજી નથી મેળવાયું.   તો પછી તું જ બોલ, તારે શું બનાવવું છે ?   હું તો કહું, પણ પછી તમારી પસંદગીનું શું ? સુપ્રીમ કોર્ટના ચુકાદાનું શું ?
આપણા ઘરમાં તો સુપ્રીમ કોર્ટ તું જ છે ને ?   ભલે, તો પછી હું તમને બે ઓપ્શન આપું છું, ખીચડી – શાક બનાવું છું.   અને બીજું ઓપ્શન ?    - આપ્યા તો ખરા બે ઓપ્શન, ‘ખાઓ’ અથવા ‘ન ખાઓ.’   કોઈકે સાચું જ કહ્યું છે, ‘In a Marriage, one person is always Right and the other is Husband’  એટલે કાયદા ના ફતવા સાંભળીને પતિઓએ બહેકી જવું નહિ.
આ કાયદો આવ્યો એના બીજા દિવસે જ વડોદરા શહેરમાં બહેકી ગયેલા એક પતિનો કિસ્સો બહાર આવ્યો છે. ત્રણ મહિના પહેલાં જ જેમના લગ્ન થયા હતા એવા, મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતાં એક  એન્જીનીયર દંપતીની આ વાત છે.  ગણેશ ઉત્સવ હોવાને કારણે પતિ મહાશય ફ્રેન્ડ સર્કલ સાથે મોડી રાત સુધી ઉત્સવની મજા માણતો રહ્યો, પત્ની એને સતત ફોન કરતી રહી, પણ ‘રાઈટ ટુ પ્રાયવસી’ની રાઈ પતિના મગજમાં ભરાઈ ગઈ હોવાથી એણે ફોન ઉપાડવાની કે સામેથી પત્નીને ફોન કરવાની દરકાર કરી નહીં.
મોડેથી ઘરે પહોંચેલા પતિને પત્નીએ ગુસ્સામાં આવીને ‘અત્યાર સુધી તુ ક્યાં હતો ?’ એમ પુછતા પતિએ કહ્યું,  ‘હું શું કરું છું, ક્યાં જાઉં છું, મારે તને બધી વાત જણાવવાની  જરૂર નથી.’  જવાબ સાંભળી પત્ની એવી વિફરી કે પતિએ જેમની સાથે એ ગણપતિ જોવા ગયો હતો, એ તમામ મિત્રોને ઘરે બોલાવવા પડ્યા.
સદભાગ્યે એ મિત્રોમાં બે વકીલો હતા, એમણે ગેરમાર્ગે દોરવાયેલા પોતાના આ મિત્રને સમજાવ્યો કે – ‘રાઈટ ટુ પ્રાયવસી’ નો અધિકાર પારીવારિક જીવનમાં માન્ય નથી. આ સાંભળીને પતિ બિચારો ‘મિયાંની મીંદડી’ જેવો ગરીબડો બનીને બેસી ગયો.  એક વાત ધ્યાન રાકવાની જરૂર છે કે ૧૮ વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિ આ કાયદાનો કોઈ રીતે ઉપયોગ નથી કરી શકતી. આ ઉપરાંત પરિવારમાં, શાળામાં, કોલેજોમાં આ કાયદાનો ઉપયોગ આંશિક રીતે જ થઇ શકે છે.
જ્યાં ‘અધિકાર’ની વાત આવે, ત્યાં ‘અંકુશ’ જરૂરી છે, હક્ક અને ફરજ એ સિક્કાની બે બાજુ છે. અને એટલે જ ભારતની કેન્દ્ર સરકારે સુપ્રીમના આ ચુકાદાને આવકારતા કહ્યું કે આ અધિકાર કેટલાક વ્યાજબી (વ્યાજબી એટલે સરકારને ઠીક લાગે એવા) અંકુશો સાથે આપવો જોઈએ. કાયદા મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે,  ‘દરેક નાગરીકને વાણીસ્વાતંત્ર્યનો અધિકાર છે, પરંતુ તેથી કંઈ  રાષ્ટ્રપતિભવન આગળ કપડા કાઢીને પ્રદર્શન કરી શકાય નહિ.’  આમ  વાણીસ્વાતંત્ર્યને પણ મર્યાદા હોય છે.
સુપ્રીમ કહે છે ‘ડીજીટલ યુગમાં બાળકોની પ્રાયવસી પર ધ્યાન આપવું ખુબ જરૂરી છે, કેમ  કે તેઓ  સતત ૨૪ x ૮ ઓનલાઈન ચેટીંગ અને સોશિયલ સાઈટ્સ પર બીઝી રહે છે, અને જાણ્યે અજાણ્યે અંગત માહિતી જાહેર કરી દેતા હોય છે,  જોકે સોશિયલ સાઈટ્સ પર ન રહેનારા બાળકો પણ આવું કરી શકે છે.
મિહિર, આખી બપોર ઘરની બહાર હતો, ક્યાં હતો તું ?   મમ્મી. અમે પોસ્ટમેન – પોસ્ટમેન રમતા હતા.   એ વળી કઈ રમત, નવી આવી છે કે ?    હા મમ્મી, અમે સોસાયટીના ઘરે ઘરે જઈને બધાને પોસ્ટ આપી આવ્યા.   એટલી બધી પોસ્ટ તમે લોકો લાવ્યા ક્યાંથી ?   મમ્મી, તારા કબાટમાં હતું ને એક બંડલ, ગુલાબી કવરોનું, જેના પર ‘પ્રાયવેટ’ લખેલું  હતું, બસ એ જ મેં લીધું હતું.   
૪૪ પાનાના ચુકાદા ‘રાઈટ ટુ પ્રાયવસી’  મા બીજા અનેક મુદ્દાઓ સાંકળી લેવાયા છે. એમાં મહિલાઓને અધિકાર છે કે એણે માતા બનવું કે નહિ તે એ નક્કી કરે. વ્યક્તિએ પોતાનું એચઆઈવી સ્ટેટસ જાહેર કરવું કે નહિ તે એ નક્કી કરે. એમાં અસાધ્ય બીમારીથી પીડાતી વ્યક્તિને પોતાનું જીવન ટૂંકાવવાનો અધિકાર પણ આવી જાય છે. જો કે સુપ્રીમ કોર્ટ સમક્ષ નિર્ણય માટે એ હજી પડતર છે.   
એક કેદી બે વર્ષની જેલ ભોગવીને છૂટીને ઘરે આવ્યો. જેવો ઘરમાં પગ મુક્યો કે -
‘ટીવીવાળા કહે છે તમને ૧૨ વાગ્યે જેલમાંથી છોડ્યા, હમણા ૨ વાગવા આવ્યા છે, એ તો કહો કે બે કલાક તમે ક્યાં રખડી આવ્યા ? 
 ઘરે આવ્યો એટલે તારું ખીટપીટ ચાલુ થઇ ગયું ? આના કરતા તો જેલમાં વધારે સ્વતંત્રતા હતી.’
 તો શું કામ ઘરે આવ્યા, ત્યાં જ રહેવું’તું ને ?