Wednesday, 29 November 2017

દારુબન્ધી કે દારુમુક્તિ?

દારુબન્ધી કે દારુમુક્તિ?          પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

સતીશ શાહ: સરકારે કાર ડ્રાઇવ કરતી વખતે દારુ પીવાની મનાઇ કેમ કરી હશે?
પરેશ રાવલ: સ્પીડ બ્રેકર આવે તો ગ્લાસ પડી જાય, અને વ્હીસ્કી ઢોળાઇ જાય, એટલું ય નથી ખબર ?
ગુજરાતમાં ચુંટણીનો માહોલ દિલ્હીના ધુમ્મસની જેમ બરાબર (ગાઢ) જામ્યો છે, બે આખલાઓ જેવા બે પક્ષો વચ્ચે આક્ષેપબાજીનું જોરદાર યુદ્ધ જામ્યું છે, આચાર સંહિતા લાગુ પડાઈ ચુકી છે, ત્યારે મુદ્દામાલ (રૂપિયા પૈસા અને દારૂની બોટલો) પકડાવાના કિસ્સા વધવા માંડ્યા છે. અહી ‘દારૂબંધી કે દારુમુક્તિ’ એ વિષય પર વર્ષોથી વાદવિવાદ ચાલતા રહ્યા છે.
હું પોતે આ બાબતે  કોઇ વાદી કે પ્રતિવાદી નથી. મેં દારુમુક્તિ વાળા વિસ્તાર મુંબઈમા પાંચ વર્ષ વસવાટ કર્યો છે, દારુની દુકાનોમા ગ્રાહકોની ભીડ પણ જોઇ છે, અને શહેરના પરાંઓની ગલીઓમા દારુ પીને સાન-ભાન ગુમાવી બેઠેલા અસ્ત-વ્યસ્ત અને મેલા-ઘેલા કપડામા, ઉઘાડા પગે, માખી બણબણતા શરીરવાળા ગંદા-ગોબરા લોકોને રસ્તા પર પડેલા જોયાં છે. આવા લોકોના ઘરની-પત્નીઓની-બાળકોની દયનીય સ્થિતિનો અંદાજ પણ મને આવ્યો છે, આવા લોકો પત્નીની કમાણી , પત્નીના ઘરેણાં, બાળકોના કપડાં, ઘરના સભ્યોનુ ભોજન કે બાપાના પ્રોવીડંડ ફંડ ના પૈસા જેવી તમામ  સંપત્તિને દારુમા ઉડાવી દેતા અચકાતાં નથી. આવા દેવાળિયાઓને તેમની આ પ્રવૃતિમા આવતો આનંદ મને કદી પણ સમજાયો નથી. (ખાખરાની ખિસકોલી શું જાણે સાકર નો સ્વાદ?)
દારુબંધીવાળા  ગાંધીજીના ગુજરાતના અમદાવાદ શહેરમા વર્ષોથી રહુ છું. સાંભળ્યું છે કે અહીં પાણીની નદી સાબરમતીની સાથે સાથે ખાનગીમા દારુની નદીઓ પણ વહે છે, જો કે આજ સુધી  જાહેર રસ્તાઓ પર છાકટા થઈને પડેલા સખ્શો મેં ક્યારે પણ જોયા નથી, ખાનગીમા કદાચ કોઇએ જોયા હોય તો ખબર નથી.
ગુજરાતને ટોકિયો-લંડન જેવું બનાવવું હોય તો મોદીએ દારુ પરથી પ્રતિબંધ ઉઠાવી લેવો જોઇએ. એવું ચર્ચાસ્પદ અને સ્ફોટક વિધાન એક જાણીતા અને સફળ લેખક ચેતન ભગતે ભાવનગર શહેરમા (એપ્રીલ-૨૦૧૩) ના રોજ એક સમારંભમા કર્યું  હતું. ભાવનગર શહેરમા થયેલા આ વિધાનને કોઇકે ભલે  ભાનવગર નુ વિધાન કહ્યું હશે, પણ ઘણા દારુઘેલાં લોકો ચોક્કસ એનાથી ગેલમા આવી ગયા હશે, અને ચેતનભાઇને મનોમન આશિષ આપ્યા હશે.
ચેતનભાઇને ભલે લાગતું હોય કે, દારુબંધી હઠે  તો ગુજરાતનો વિકાસ થાય. પણ અહીંના કટ્ટર ગાંધીવાદીઓ કહે છે કે, દારુબંધી હઠે તો ગુજરાતનો વિકાસ નહી પણ રકાસ થાય. ખેર! દારુબંધી કે દારુમુક્તિ એ તો લગ્નજીવન: સુખી કે દુખી જેવો અંતહીન ચર્ચાનો વિષય છે. મારો લખવાનો આશય તમને ગંભીર નહીં પણ હળવા કરવાનો છે, એટલે આપણે અહીં હળવાશને જ પ્રાધાન્ય આપીશું.
આગંતુક : આ ગામનો સારામા સારો એક નંબરનો વકીલ કોણ છે ?
લોકો : મગનલાલ. જ્યારે એમણે દારુ પીધો ના હોય ત્યારે.
આગંતુક: અને બીજા નંબરનો ?
લોકો : મગનલાલ. જ્યારે એમણે દારુ પીધો હોય છે ત્યારે.
સુપ્રસિધ્ધ ગાયક સ્વર્ગસ્થ શ્રી કે.એલ.સાયગલ સાહેબને દારુ પીધા પછી જ ગીત ગાવાનો મૂડ આવતો. બની શકે છે, કે સુરા એમના ગળાની નીચે જઈને ત્યાં રહેલા સૂરોને ધક્કો મારીને ઉપર મોકલતી હશે. સુરામા ઝબોળાઇને આવતા એમના સૂર અત્યંત મધુરા-જાદૂઇ હતા, મૈં ક્યા જાનુ ક્યા જાદૂ હૈ.. જાદૂ હૈ..જાદૂ હૈ...ઇન દો મતવારે નૈનોમે જાદૂ હૈ..જાદૂ હૈ..જાદૂ હૈ. નો જાદૂ આજે પણ સંગીત રસિયાઓમા છવાયેલો છે.  એવું કહેવાય છે કે..પહેલા તમે શરાબને પીવો છો અને પછી શરાબ તમને પીવે છે.  કેટલાક નાદાન લોકો  એવું પણ કહે છે કે, પીતે હૈં તો જીંદા હૈ, ના પીતે તો મર જાતે. હવે એમને કોણ સમજાવે કે, યે જીના ભી કોઇ જીના હૈ લલ્લુ ?’
પત્ની: બસ કરોને હવે, તમે ઓલરેડી ચાર પેગ પી ચૂક્યા છે.
પતિ: તું મારી  ચિંતા ન કર, ચાર પેગમા મને કંઇ ચઢી ના જાય. જો સામેના ટેબલ પર ચાર જણ બેઠા છે, એમને હું બરાબર જોઇ શકું છું.
પત્ની: રહેવા દો હવે તમે વધારે શેખાઇ કર્યા વગર, સામેના ટેબલ પર એક જ જણ છે.
આવા એક દારુઘેલા પતિને એની પત્ની દારુ છોડાવવા માટે યોગાચાર્ય બાબા ગામદેવ આગળ લઈ ગઈ. એમણે ભાઇને દારુ છોડવાની શીખામણની સાથે સાથે યોગના આસનો શીખવ્યા.ચાર દિવસ પછી એ મહિલા બાબાને મળવા આવી. બાબાએ પૂછ્યું, યોગ કરવાથી દારુ પીવામા કંઇ ફરક પડ્યો ? મહિલા બોલી, હા બાબા. હવે એ પદ્માસનમા બેસીને દારુ પીએ છે. પછી એ પત્ની એના પતિને વ્યસનમુક્તિ કેમ્પ મા લઇ ગઇ. ત્યાં કેમ્પના આયોજકે એક પ્રયોગ બતાવ્યો, એમણે દારુ ભરેલા ગ્લાસમા જીવતા કીડા નાંખ્યા તો કીડા મરી ગયા, એટલે એમણે આ ભાઇને પૂછ્યું, કહો, આનો મતલબ શું થાય ?’ પેલા પીયક્કડ  પતિએ કહ્યું, દારુ પીવાથી આપણા પેટમા રહેલા કીડા મરી જાય છે. પત્નીએ પોતાનું કપાળ કૂટ્યું.
પત્નીએ પતિને ઘરે આવીને પ્રેમથી સમજાવતા કહ્યું, જો તમે દારુ પીવાનો છોડી દો તો હું એ પૈસામાંથી હીરાનો હાર વસાવી શકું. પતિએ ઠંડે કલેજે કહ્યું, જો તુ મને છોડી દે તો હું એક સારી પત્ની વસાવી શકું.
પત્ની પતિને દારુ છોડાવવા મંદિરના મહંત પાસે લઇ ગઈ. મહંતે ગાયત્રી મંત્ર બોલીને પતિ પર એ પાણી છાંટીને  કહ્યું, હવે તમે રમણભાઇ નહીં પણ રામભાઇ છો, હવે તમે પવિત્ર છો, હવે દારુ પીશો નહી.’ પત્ની ખુશ થઈ  ગઈ, મહંતને દક્ષિણા આપી. પતિએ ઘરે આવીને પાણી  લઈ ગાયત્રી મંત્ર બોલી દારુની બોટલ પર છાંટતા કહ્યું, હવે તું દારુની નહી દૂધની બોટલ છો, હવે તું પવિત્ર છો. અને આરામથી દારૂ પીધો.
પત્નીએ નિસાસો નાંખતા કહ્યું, હવે તો ભગવાન જાતે આવીને તમને સમજાવે તો જ તમે દારુ છોડશો.
પતિએ કહ્યું, સાંભળ,પગલી. ભગવાન કાલે જ મને સ્વપ્નમા આવ્યા હતા. પત્ની તો આ સાંભળીને ઉત્સાહિત થઈ ગઈ અને બોલી, અચ્છા!  ભગવાને તમને શું કહ્યું ?’  ભગવાને મને પૂછ્યું, કે આટલો બધો દારુ પીવે છે તે તને અલ્ઝાઇમર આપું કે પાર્કિનસન્સ ?’ હાય હાય! એ વળી કઈ બલાનું નામ   છે ?’ મેં પણ ભગવાનને એ જ પૂછ્યું. તો એમણે મને કહ્યું કે ‘અલ્ઝાઇમર એટલે યાદશક્તિ જતી રહે તે, અને પાર્કિન્સન્સ એટલે હાથ ધ્રુજ્યા કરે તે..’ તો મે કહ્યું, ‘પ્રભુ અલ્ઝાઇમર નહી પણ મને પાર્કિનસન્સ જ આપજો. ગ્લાસમા કાઢતી વખતે વ્હીસ્કી ઢોળાઇ જાય તે ચાલે, પણ સાલું, બોટલ ક્યાં મૂકાઇ છે તે યાદ જ ના આવે તે કેમ ચાલે, ખરું કે નહી ?’
એક વખત ન્યુઝ પેપરમાં સમાચાર વાંચ્યા કે, ‘દારુની ૧૯ પેટી ગણતાં એક પી.આઇ.(પોલીસ ઇંસ્પેક્ટર) ને અઢી કલાક લાગ્યા.’  દિવ્યભાસ્કર ના રિપોર્ટર કેતન દવે (૨૦-૩-૧૩) ના જણાવ્યા મુજબ, વાત જાણે એમ બની હતી કે, પોલીસે પહેલા કહ્યું કે, દારુની બે બોટલ પકડાઇ છે. પછી જ્યાદા હૈ થી શરુ કરીને  ૩...૧૪...૧૯  પેટી સુધીની બાતમી પોલીસે આપી હતી. કેતન દવે ને પોલીસના આ જાદૂઇ ખેલ થી ભારે અચરજ થયું હતું.  અઢી કલાકમા પોલીસે ૨ માથી ૧૯ બોટલ દારૂ બનાવ્યો. આ રીતે જો પોલીસ આપણા અનાજના ગોડાઉનમા અનાજની ગુણીઓમા વધારો કરી શકે તો આપણે ત્યાં ક્યારેય દુકાળ પડે જ નહીં. હું સરકારને આ બાબતે વિચારવા અને પગલા લેવાનું નમ્ર  નિવેદન કરું છું. 
કેટલાક લોકો આ જાદૂઇ ખેલ કરનારા પી.આઇ. ને ખાનગીમા પુછી રહ્યા છે, દેસાઇ સાહેબ, પછી પાર્ટીમા ક્યારે બોલાવો છો ?’ હોય હવે, આવું બધું તો બન્યા કરે, એમ તો પ્રસિધ્ધ વૈજ્ઞાનિક આલબર્ટ  આઇનસ્ટાઇનને પરચુરણ હિસાબ ગણવામાં ભુલ નહોતી થતી ?
એકવાર ૪—૫ શરાબીઓની ટોળકી એક ઘરની સામે આવીને ઉભી રહી અને ઘરની ડોરબેલ વગાડી.
-કોનુ કામ છે ?’ ઉપરના માળેથી એક મહિલાએ પૂછ્યું,
-બિલ્લુસાહેબનું ઘર આ જ છે ?’ ટોળકીમાથી કોઇકે પૂછ્યું,
-હા. હું એમની પત્ની છું. બોલો, શું કામ હતું ?’
-તમે નીચે આવીને બિલ્લુ સાહેબને ઓળખીને ઘરમા લઈ જાઓ, જેથી બાકીના અમે અમારા ઘરે જઈ શકીએ.
દારૂ વિષે ઘણું લખાયું છે અને લખાતું રહેશે, દારૂબંધી અને દારુમુક્તિ વિષે પણ અનેક મતમતાંતર પ્રવર્તિ રહ્યા છે, આ બધી ચર્ચાઓ  તો ચાલુ જ રહેશે.....પણ.....
એક વાત તમે નિશ્ચિંત માનજો :
જો તમને તમારી પત્ની ખુબ સુંદર, શુશીલ, કહ્યાગરી, એફિશિયંટ, બ્રીલિયંટ, સર્વગુણ સમ્પન્ન લાગે તો........તમારે સમજવું કે....તમે જે દારુ પી રહ્યા છો તે  ઉત્તમ ક્વોલીટીનો છે.


Wednesday, 22 November 2017

આપણા ટ્રાફિક નિયમો.

આપણા ટ્રાફિક નિયમો.     પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

ટ્રાફિક પોલીસ: (સાઇકલ સવારને) : એ ઇ..ઊભો રહે, સાઇકલ પર કેમ ત્રણ જણ બેઠા છો? અરે! ઘંટડી પણ નથી લગાવી. અને આ શું? અંધારું થવા આવ્યું છે, તો પણ લાઇટ નથી જલાવી ?
સાઇકલ સવાર: અરે હવાલદાર સાહેબ, હટો, હટો, હટો...સાઇકલને બ્રેક પણ નથી.
 હવાલદાર સાહેબ હટે તે પહેલા સાઇકલ સવારે, બે પગ પહોળા કરીને ઊભેલા હવાલદાર સાહેબની બે ટાંગ વચ્ચે સાઇકલ પાર્ક કરી દીધી.પછી એ સાઇકલ સવારનું શું થયું તે તો, એ દિવસે થાણામા હાજર લોકોએ જ જાણ્યું હશે, પણ જે કંઇ થયું હશે તે કરુણ જ હશે, એમ મારી કલ્પનાશક્તિ કહે છે.
ભારતમા ટ્રાફિક ખાતું જેટલા  નિયમો ઘડે છે, એ બધા જ નિયમો વાહન ચાલકો પ્રેમથી તોડે છે, ને ઝપટમા આવી જાય તો દંડ પણ ભરે છે. અમદાવાદની ટ્રાફિક પોલીસે અમદાવાદના લોકોને આધુનિક રીતે નિયમોનું પાલન કરાવવા એક નવતર પ્રયોગ કર્યો. ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરીને ભાગી જનાર વ્યક્તિની  ગાડીનો નંબર, ટ્રાફિક પોલીસે ફેસબુક ના પેજ પર મૂકવાનું નક્કી કર્યું. મને અમદાવાદ ટ્રાફિક પોલીસની સેન્સ ઓફ હ્યુમર ગમી.
થોડા જ દિવસોમા (૧૩-૩-૧૩ સુધીમા) આ પેજના ફોલોઅર વધીને ૩૪૭૦ જેટલા થયા હતા, આજે ૨૦૧૭ મા આ પેજના ફોલોઅર કદાચ બમણા થયા હશે.  ટ્રાફિક પોલીસ ડીસીપી  દિનેશ પરમારે જણાવ્યું કે ટ્રાફિક પોલીસના આ પગલાંને, ટેક્નોસેવી અને ઈંટરનેટ યુઝર એવા યુવાધનોએ આવકાર્યું છે. પણ  બે દિવસ દરમ્યાન ટ્રાફિક નિયમોનું ઊલ્લંઘન કરનાર એક પણ વ્યક્તિની ગાડીના નંબરવાળો   ફોટો અપલોડ થઈ શક્યો નહીં કારણ ? ટેકનીકલ ખામી ? કે રાતોરાત વાહન ચાલકો સુધરી ગયાં ?  ગોડ નોઝ. કાયદા બને એટલા પળાતા નથી કે પછી કાયદા બને છે જ તોડવા માટે ?
ટ્રાફિક પોલીસ: (સ્કુટર સવારને ): રાત્રે બે વાગ્યે ક્યાં જાય છે ?
સ્કુટર સવાર: ભાષણ સાંભળવા.
ટ્રાફિક પોલીસ:રાત્રે બે વાગ્યે ભાષણ ? મને બનાવે છે ?
સ્કુટર સવાર: માન્યામા ન આવતું હોય તો ચાલો સાહેબ મારી સાથે, મારા ઘરે. મારી વાઇફનું ભાષણ આપણે બે ય મળીને સાંભળશું.
અમદાવાદ શહેરના સૌથી વધારે ટ્રાફિક ધરાવતા લાલ દરવાજા વિસ્તારમા સ્કુટર અને કાર પાર્ક કરવાની જગ્યાએ, વધારે પૈસા કમાઇ લેવાની લાલચમા કોંન્ટ્રાક્ટરો લારી-ગલ્લા પાર્ક કરાવે છે. ( એકે લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ....ગીત યાદ આવે છે ને ? )  ના છૂટકે નાગરિકોએ રસ્તા પર વાહનો પાર્ક કરવા પડે છે, અને ટ્રાફિક પોલીસ વાંધો લે તો દંડ પણ ભરવો પડે છે. કેટલાક લોકો તો  આ કારણે ત્યાં ચાલતા જવાનું વધુ પસંદ કરે છે અને આમ ઇન્ડારેક્ટલી એમનું સ્વાસ્થ્ય સુધરે છે, એમને ડાયાબિટીશ, બ્લડ પ્રેશર, મેદસ્વિતા જેવા રોગોમાં ફાયદો થાય છે.
સંતા: અરે! આપણી કારના કાચ પર આ ‘100 Rs. Fine for parking.’ નુ  સ્ટીકર કેમ લગાડેલું છે ?
બંતા: ટ્રાફિક પોલીસે આપણને સારી રીતે કાર પાર્ક કર્યાનું ઇનામ આપ્યું લાગે છે.
એક નવી નક્કોર BMW ના માલિકે બેંકમાં જઈને મેનેજર પાસે ૧૦ હજાર રુપિયાની લોન માંગી. મેનેજરે કહ્યું, ૧૨% વ્યાજ લાગશે, અને હા, ગેરંટી મા શું મૂકો છો ?’  માલિકે કહ્યું, મારી BMW કાર. મેનેજરને નવાઇ તો લાગી પણ મોટા માણસની મોટી વાતો એમ ધારી કંઇ કહ્યું નહીં. ૨ મહિના પછી જ્યારે BMW ના માલિકે વ્યાજ ચૂકવી પોતાની કાર છોડાવી ત્યારે મેનેજરથી રહેવાયું નહી અને તેણે પૂછ્યું, તમારે શા કારણે ૧૦ હજાર જેવી મામૂલી રકમ લેવાની જરુર પડી ?’ માલિકે હસીને સમજાવ્યું,’ મારે ૨ મહિના માટે અમેરિકા જવું હતું, પણ સવાલ હતો કે મારી BMW રાખવી ક્યાં ? અને તમારી બેંક યાદ આવી. હવે તમે જ કહો, આટલા સસ્તા દરમા મારી BMW આટલી સારી રીતે કોણ સાચવતે ?’
BMW  જેવી ફાસ્ટકાર ના ‘Hit and Run’  ના અનેક કિસ્સા નોંધાયેલા છે. અમદાવાદમાં જ માનસી સર્કલ પાસે ૨ જણને આ કાર માલિકે ઉડાવ્યાનો કિસ્સો ન્યૂઝપરમા ખુબ ચગ્યો હતો. પોલીસ ઠેર ઠેર બોર્ડ મારે છે, ઝડપની મઝા, મોતની સજા.  પણ આમાં ઝડપની મજા કાર ચાલકને મળે છે અને મોતની સજા એની અડફટમા આવનારને મળે છે, જે યોગ્ય નથી.
પત્ની (પતિને ફોન પર) : હલ્લો, બીઝી છો ?
પતિ : હા, કેમ? શું કામ હતું ?
પત્ની : એક સારા સમાચાર છે, અને એક ખરાબ.
પતિ : સારા સમાચાર આપી દે, ખરાબ માટે ટાઇમ નથી.
પત્ની: ઓકે. સારા સમાચાર એ છે કે, આપણી નવી ‘BMW-7 Series’  ની Air Bags એક્સિડન્ટ વખતે બરાબર કામ કરે છે, હું પરફેક્ટલી ફાઇન છું.
મારા હિસાબે BMW જેવી વૈભવી કાર બનાવનાર કંપની તો પરફેક્ટલી જ કાર ડીઝાઇન કરે છે, પણ ભારતમા આવી કાર સારી રીતે  ચાલી શકે એવા રસ્તાઓ જ બન્યા નથી.
સુરત શહેરના કમિશ્નર રાકેશ અસ્થાનાને એક સરસ વિચાર આવ્યો, સેફ સીટી સુરત [SCS]  બનાવવાનો. આ યોજના મુજબ સુરત શહેરમા ૨૩ જગ્યાએ ૧૦૪ કેમેરા કાર્યરત થયા. આ કેમેરા એટલા પાવરફૂલ છે કે,  ‘દિન કા ઉજાલા હો યા રાત કા અંધેરા ૨૪ કલાક વાહન ચાલકોના ચહેરા અને વાહનની નંબર પ્લેટ બરાબર નોંધી શકે. હવે સુરતનું જમણ અને કાશીનું મરણ એ કહેવત મુજબ ખાનપાનના શોખીન મોજીલા સુરતીઓ માટે એક જોક ખુબ જ પ્રચલિત થઈ….
રવીવારની સવારે ૯ વાગ્યે એક કંટ્રોલ રુમમા ફોનની ઘંટ્ડી વાગે છે,’ સાહેબ, તમારા કેમેરામા જોઇને જરા કેવની કે પેલા ચોક બજારના લોચાવાલાની દુકાન ખુલી ગેઈ છે કે ની ?’ ૬૦ લાખની વસ્તી અને ૨૧ લાખ વાહનો વાળા સુરત શહેરમા છેલ્લા પાંચ વરસમા માર્ગ અકસ્માત મા થયેલા ૧૨૦૦ થી વધુ લોકોના મોત ની સંખ્યામા ઘટાડો તો થતાં થશે, પણ આ સેફ સિટી સુરત ની યોજના થી સુરતીઓ ને તો જલસા જ જલસા. ‘SCS Project  લગા ડાલા તો લાઇફ ઝીંગા લાલા.


Wednesday, 15 November 2017

કામણગારું કોલેજજીવન.

કામણગારું કોલેજજીવન.     પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી

 આ વર્ષે જ મારું શાળા જીવન પુરું થયું,     હા...શ, ઘણી નિરાંત થઈ.
પપ્પા: બેટા, તને સ્કુલમાં સૌથી વધારે શું ગમે?
બિટ્ટુ: શાળા છુટતી વખતે વાગતો ઘંટ, પપ્પા.
આ ભલે એક જોક હોય, મારા માટે તો એ હકીકત હતી. કોઈકે શાળાજીવન ને અમસ્તું જ સોનેરી શાળાજીવન કહ્યું છે. નથી તો એનામાં સોના જેવી સુંદર ચમક, કે નથી તો એ સોના જેવું મન મોહક કે આકર્ષક. એ તો છે તદ્દ્ન ફિક્કું અને બોરિંગ જીવન. જોવા જઈએ તો શાળાજીવન નો પ્રારંભ જ ખોટી રીતે થાય છે. હજી તો  આપણે ચાર પગમાંથી ઊભા થઈને માંડ માંડ બે પગે ચાલતાં શીખ્યા હોઈએ છીએ. હજી તો આપણે માંડ માંડ મા..મા..દા..દા..જેવું અસ્પષ્ટ કંઈ બોલતાં શીખ્યા હોઈએ છીએ. આપણે આપણા ઘરની જ તમામ ચીજ વસ્તુઓના નામ પણ બરાબર જાણતાં નથી હોતાં, હજી તો આપણા રમવાના દિવસો હોય છે, ઊંઘવાના દિવસો હોય છે, અને આ શું?
 આપણા હરખ ઘેલાં મા – બાપ ! આપણને બીજા બાળકો કરતાં સ્માર્ટ બનાવવાના ઉદ્દેશથી આપણી મરજી વિરુધ્ધ પ્લે ગૃપ માં  દાખલ કરી દે છે. સવારની પહોરમાં આપણને કાચી ઊંઘમાંથી જગાડીને શાળાએ ધકેલી દે છે, અને પછી પોતે નિરાંત અનુભવે છે. મને તો એ જ સમજાતું નથી કે આપણો શાળાએ જવાનો ઉત્સાહ સો માંથી પાંચ ટકા પણ ના હોય, ત્યારે આપણા  મા –બાપ શા માટે ડોનેશન આપીને પણ આપણને સ્કુલમાં દાખલ કરતાં હશે? શા માટે તેઓ વહાલામાંથી વેરી બનવાનું પસંદ કરતાં હશે?  ‘સમરથ કો નહીં દોષ ગુસાંઈ?’
શું તેઓ એવું સમજતાં હશે કે આપણે સ્કુલમાંથી ભણી ગણીને હોંશિયાર બનીશું? ભગવાન જાણે એમની આવી ભ્રમણા ક્યારે ભાંગશે અને ક્યારે બાળકોને બદતર શાળા જીવનમાંથી મુક્તિ મળશે! આ જ સમાજમાં એવા કેટલાંય દાખલા એટલે કે ઉદાહરણ રૂપ મનુષ્યો છે, કે જેઓ શાળા જીવન પુરું કર્યા વિના જ મહાન અને સફળ પુરૂષો બન્યા હોય. શું આપણા મા – બાપ આવા કિસ્સા નહીં જાણતાં હોય? કે પછી, તેઓ જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચ મે નિવૃત્તિ. (જાણતા હોવા છતાં ધર્મમાં પ્રવૃત થઇ શકતા નથી અને ન જાણતા હોવા છતાં અધર્મમાંથી નિવૃત્ત થઈ શકતા નથી.) ની જેમ કરતાં હશે? જે હોય તે, હવે તો આપણા સમાજ સુધારકો જાગે તો જ આ કુપ્રથા બાબતે કંઈ સુધારો થાય, અને સુધારો થાય તો જ મારા જેવા આતુર બાળકોને નઠારા શાળા જીવનમાંથી મુક્તિ મળે.
તમને કે કોઈને પણ કદાચ એમ થાય, કે શાળા જીવન કંઈ એટલું બધું ખરાબ પણ નથી હોતું, જેટલું કે મેં વર્ણવ્યું છે, તો મારે તમને એ બાબતે એટલું જ કહેવાનું છે કે, રામનાં બાણ તો વાગ્યાં હોય એ જ જાણે. શાળા જીવનમાં તો એક એક  ટીચર્સ વીંટીમાં જડવાના નંગ જેવા હોય છે. શિસ્તના નામે વિધાર્થીઓ પર તેઓ નર્યો અત્યાચાર કરતા હોય છે. પરીક્ષામાં માર્ક્સ કાપી લેવાની ધમકીઓ આપી આપીને તેઓ વિધાર્થીઓને નિયમોના બંધનમાં બાંધી રાખતાં હોય છે. હરવા–ફરવા-રમવાના અને મોજ–મસ્તી કરવાના એ સોનેરી દિવસો ફરીવાર ક્યારે પણ આપણા જીવનમાં નહીં આવશે,’  એટલી સાદી વાત તેઓ પોતે પણ બાળ વિધાર્થી તરીકે  રહી ચુક્યા હોવા છતાં કેમ નહીં સમજતાં  હોય?
શાળાના વિધાર્થીઓની લાગણી અને માંગણી ને સિરીયસલી ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે તો બારમાંથી દસ ટીચરોને નોકરીમાંથી પાણીચું મળી જાય અને ઘરે બેસવાનો વારો આવે. મને પૂછો તો ખરું સોનેરી જીવન તો શાળાજીવન નહીં પણ કોલેજજીવન છે. કામણગારા કોલેજજીવન ની સરખામણીએ શાળાજીવન તો નર્યું ખાબોચિયું જ લાગે, જેમાં છબછબિયાં જ કરાય. બાકી અસલી જીવન કોલેજજીવનના તળાવમાં તો મુક્ત રીતે સ્વિમિંગ કરી શકાય.
કોલેજજીવન એ ઊડવા માગતા પંખીને માટે વિશાળ ગગન જેવું છે. એમાં નથી કોઈ સમયનું બંધન કે નથી કોઈ ભણતરનો બોજો. નહીં કાર્ટુન કે સરકસના જોકર લાગીએ એવા યુનિફોર્મનું બંધન કે નહીં કેડ ભાંગી નાંખે એવા પુસ્તકોનો ભાર. નહીં પ્રોફેસરો નું કડક વલણ  કે નહીં કોઈ જાતની મર્યાદાની લક્ષ્મણ રેખા. મન થાય ત્યારે ક્લાસમાં જાવ, મન થાય ત્યારે કેન્ટિનમાં જાવ અને ફોર એ ચેંજ તમે લાયબ્રેરીમાં પણ જઈ શકો. મન થાય તો ભણો અને નહીં તો ઊંઘી જાવ.
કોલેજમાં તો નીત નવા, સ્ટાઈલિશ લાગીએ એવા ફેશનબલ કપડાં પહેરવાની મૌસમ બારેમાસ છે. ટ્રેડિશનલ ડે ના દિવસે તો ધોતિયું–કફની–ખેસ અને ટોપી પહેરીને જવાની કેવી મજા આવે.! અને છોકરીઓ રંગીન સાડીઓ અને ઘરેણાંથી સજ્જ સુંદર સુંદર બનીને આવે એમને તીરછી નજરે જોવાની કેવી મજા આવે! મીસ-મેચ-ડે ના દિવસે તો કપડાની છુટ જ છુટ, મેચિંગની કોઈ ઝંઝટ જ નહીં. આ ઉપરાંત રોઝ-ડે’, બલૂન-ડે’, ચોકલેટ-ડે’,’ટાઈ-ડે’, ફ્રેંડશીપ- ડે વગેરે જાત જાતના અને  ભાત ભાતના દિવસો આવે જે જીવનમાં વિવિધતા લાવે. મેનેજમેંટ તરફથી વિજેતાઓને ઈનામો મળે. છોકરા છોકરીઓની દોસ્તી ગાઢ બને. આ બધું જોતાં અને માણતાં એમ લાગ્યા વિના રહે નહીં કે, જે વ્યક્તિએ કામણગારા કોલેજજીવનની મજા માણી નથી એ વ્યક્તિનું જીવતર જ એળે ગયું છે.
કોલેજજીવનમાં મને જે બહુ ગમે એ વાત છે, મરજી મુજબ ભણવાની (કે ન ભણવાની) સ્વતંત્રતા. જે પ્રોફેસરોના પીરીયડ ભરવાનું મન થાય એમના પીરીયડ ભરો, નહીંતર કોલેજના કમ્પાઉંડ મા સ્કુટર પર બેસી ગપ્પા મારો, તમને કોઈ રોકે કે કોઈ ટોકે નહીં. અહીં મીરાંબાઈને લગતી પંક્તિ મને યાદ આવી રહી છે: કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, મીરાં ગોવિંદ ગોપાલ ગાને લગી, મીરાં રાની દિવાની કહાને લગી, ઐસી લાગી લગન, મીરાં હો ગઈ મગન.. બસ, આવું જ કંઈક મારાં મનને મગન કરે આ કામણગારું કોલેજજીવન.
કોલેજજીવનમાં કોલેજની કેન્ટિનમાં બેસીને દોસ્તો સાથે ચા પીવાની લિજ્જત જ કંઈ જુદી હોય છે. વળી શરતમાં હારી ગયેલો દોસ્ત જ્યારે બાકીનાને નાસ્તો કરાવે, ત્યારે એ નાસ્તાનો સ્વાદ અનેરો હોય છે. ક્યારેક ભણવાનો કંટાળો આવે ત્યારે ફ્રેશ થવા થિયેટરમાં ફિલ્મ જોવા જતા રહેવાનો વિકલ્પ પણ અહીં ઉપલબ્ધ છે. અને પછી દોસ્તો સાથે આવી ફિલ્મની સ્ટોરી માણવાનો આસ્વાદ પ્રોફેસરોના લેક્ચર કરતાં અનેક ઘણો રસપ્રદ હોય છે.
કોલેજજીવનમાં વિધાર્થીઓ પીરીયડો પોતાની મરજીથી ભરતા હોવાથી પ્રોફેસરોને ભણાવવાનું પણ સહેલું પડે છે. જે નવા સવા આવેલા પ્રોફેસરોને બરાબર ભણાવતા નથી આવડતું એમના પીરીયડમાં ક્લાસમાં કાગડા જ ઊડતા હોય છે એટલે એમને પણ શાંતિ. કેટલાક વડીલો કોલેજજીવનની આ હકીકત જાણીને વિધાર્થીઓની પ્રગતિ માટે ચિંતા કરે છે. પણ એમને કોણ સમજાવે કે આવી ખોટી ચિંતા કરવાનો કંઈ અર્થ નથી. દરેક વિધાર્થી પોતાનું ભાગ્ય ઉપરથી લખાવીને જ લાવ્યો અથવા આવ્યો  હોય છે,  એની ચિંતા ભગવાનને હોય જ છે. આથી મન તું શીદને ચિંતા કરે, ક્રિષ્ણને જે કરવું હોય તે કરે.
મને તો લાગે છે કે ઘણીવાર વડીલો કોઈ પણ જાતના કારણ વગર જ, માત્ર ઈર્ષાવશ આવા મજાના કામણગારા કોલેજજીવનનો વિરોધ કરે છે. બાકી જો એમને પૂછવામાં આવે કે, તમે તમારી કોલેજલાઈફ માં કેટલા ડાહ્યાં ડમરાં હતાં?’ તો એમની બોલતી બંધ થઈ જાય છે. એમને પણ કદાચ કોઈની નોટબુકમાં મૂકીને આપેલી ચિઠ્ઠીની યાદ આવી જતી હશે? મનમાંને મનમાં ગાયેલાં પ્રેમગીતો યાદ આવી જતાં હશે?
જે બે ચાર સિન્સીયર વડીલો, અમારાં જમાનામાં તો આમ હતું અને અમારા જમાનામાં તો  તેમ હતું. તેવી વાતો કરે છે, આ જમાનામાં એમનું  પરિવારમાં કે સમાજમાં સ્થાન પૂછો તો સાવ નગણ્ય જેવું હોય છે. તો પછી મારું એટલું જ કહેવું છે કે, દરેક જમાનાને એના સમયનું સૌંદર્ય હોય જ છે. આપણે માણી શકાય એટલું માણો, બાકીનું બચ્ચાંઓને માણવા દો. એમને કોલેજજીવન ની મજા માણતા રોકો નહીં. કંઈ શીખવવું જ હોય તો એમને બાળપણથી જ તમારા વર્તન દ્વારા સારા નરસાનો વિવેક કે શિસ્તના પાઠ ભણાવો, બાકીનું એમની સમજશક્તિ પર છોડી દો, એમની સમજદારી પર વિશ્વાસ રાખો.
ઘણા સમાજ સેવકો કે કેળવણી ધારકો કહે છે કે, કોલેજજીવન એ વિધાર્થીઓના મૂલ્યવાન જીવન ઘડતર માટેનો સોનેરી સમય છે, આરામ કે મોજ મજા માટેનો સમય નથી. હું પોતે આ વિધાન સાથે જરા પણ સંમત નથી. કોલેજજીવન અને માત્ર કોલેજજીવન જ મોજમજા અને આરામ આનંદ માટેનો સમય છે. કારણ કે બાળપણ અને  શાળાજીવન આપણે વડીલો અને શિક્ષકોની આપખુદ શાહીનો શિકાર હોઈએ છીએ. અને લગ્નજીવન કે સંસારમાં પડ્યા પછી કઈ ‘માઈનો લાલ’ પત્નીની દાદાગીરી અને નોકરીમાં બોસની જોહુકમીનો સામનો કરી શકે છે ?  
એટલે કોલેજજીવનમાં જો મજા ન કરી શક્યા તો જીવનભર ક્યારેય મજા કરી શકવાના નથી. વાત રહી, મૂલ્યોની અને જીવનઘડતરની. એ તો અનુભવ નું ટાંકણું હર હંમેશ આપણું જીવન ઘડતર કરતું જ  રહે છે અને બાકી રહેલું કામ જીવનસાથી, વડીલો અને બોસ પુરું કરે છે.
કેટલાક ડાહ્યા લોકો કહે છે કે,’ કોલેજના વિધાર્થીઓએ વિવિધ વિષયોનું અગાધ અને તલસ્પર્શી જ્ઞાન મેળવવું જોઈએ. તો એ તો કોલેજીયનો કાયમ મેળવતાં જ રહે છે. જીન્સ અને ટી શર્ટ કઈ બ્રાન્ડના સારા અને એ ક્યાં મળે, ઈલેક્ટ્રોનિક આઈટમ કઈ વેબસાઈટ પરથી ઓર્ડર કરીએ તો લોએસ્ટ ભાવમાં મળે, બજારમાં લેટેસ્ટ કયો મોબાઈલ આવ્યો છે, કોની પાસે કયા મોડેલની કાર છે, નવી ફિલ્મ કઈ આવી અને કયા થિયેટરમાં કઈ ફિલ્મ ચાલે છે, કઈ છોકરીના પપ્પા બીઝનેસમાં કરોડો રૂપિયા કમાયા, કઈ રેસ્ટોરંટમાં ખાવાનું સુપર્બ મળે છે, વગેરે વગેરે વિવિધ વિષયોનું તલસ્પર્શી જ્ઞાન  દરેક ( બે ચાર બોચિયાઓને બાદ કરતાં) કોલેજીયનને હોય જ છે.
ઘણા શિક્ષણાધિકારીઓ કહે છે કે, વિધાર્થીઓએ હડતાળો અને રાજકીય આંદોલનોથી પર રહીને ફક્ત ભણતરને જ લક્ષ્ય બનાવવું જોઈએ. અરે આપણે તે સીધા સાદા કોલેજીયનો છીએ કે પછી પક્ષીની આંખ જોઈને અને પાણીમાં માછલીની પ્રતિછાયા જોઈને તીર ચલાવી લક્ષવેધ કરતાં મોડર્ન અર્જુનો? વળી અનુભવથી સિધ્ધ થયું છે કે, જીવનમાં લક્ષ્યપ્રાપ્તિ માટે કે ધ્યેયસિધ્ધિ માટે હડતાળ જેવું અસરકારક બીજું એક પણ શસ્ત્ર નથી. તો એની તાલિમ કોલેજજીવન માં જ મળી જાય એનાથી રૂડુ બીજું શું?
‘Simple Living and High Thinking,’ એટલે કે સાદુ જીવન અને ઊચ્ચ વિચાર, એ કાયર લોકોનો જીવન મંત્ર છે. વૈભવશાળી જીવન અને રંગીન વિચાર  એ પ્રગતિકારક કોલેજીયનોનો મંત્ર છે. ઠાલા આદર્શો અને વેદિયાવેડાંને કોલેજજીવનામાંથી તિલાંજલિ આપો. જેઓ મસ્ત મજાનું કોલેજજીવન પસાર કરી ચૂક્યા છે, તેમને માટે તો હવે, કોઈ લૌટા દે મેરે બીતે હુવે દિન. ગાઈને એ પુરાની યાદો ને તાજી કરવા સિવાય કોઈ બીજો રસ્તો નથી. પણ જેઓ મારી સાથે હાલમાં જ કામણગારા કોલેજજીવનમાં પ્રવેશ્યા છે, એમને મારી હાકલ છે કે, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, માટે આ કામણગારા કોલેજજીવનની મજા માણી લો,.

Wednesday, 8 November 2017

આઇ વીલ મીસ યુ ડીયર.

આઇ વીલ મીસ યુ ડીયર.      પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

કૃષ્ણ: એવી કઇ જગ્યા છે, જ્યાં હું નથી?
રાધા: મારા નસીબમા તું નથી ક્રિષ્ણ.
કૃષ્ણ: અરે! આખી દુનિયા આપણને રાધા-ક્રિષ્ણ ના નામે જાણે છે.
રાધા: પણ આપણા વિવાહ તો ન જ થયાં ને?
કૃષ્ણ: પ્રિયે, વિવાહ કરવા માટે તો બે જણ જોઇએ. આપણે બે તો એક જ છીએ.
પ્રેમ થાય એટલે લગ્ન કરવા જ જોઇએ, એ જરૂરી નથી. એ વાત યુવાનો ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખ્યા છે. યુવતીઓને, ખાસ કરીને સુંદર યુવતીઓને ટીકી ટીકીને જોવી, જોઇને સીટી મારવી, એમની તરફ ઈશારા કરવા, એમના વિશે રસપૂર્વક વાતો કરવી, ચાન્સ મળે તો એમની સાથે વાતો કરવી, એમની સાથે કોફી પીવા જવું, ફિલ્મ જોવા જવું, લોન્ગ ડ્રાઇવ પર જવું, ફ્લર્ટિંગ કરવું...વગેરે.. વગેરે...યુવાનોને ગમે છે. પણ જ્યારે લગ્નની વાત આવે છે, ત્યારે....
પ્રેમી: પ્રિયે, હું તને દિલોજાનથી ચાહું છું. (વચનેષુ કીમ દરિદ્રતાં? મતલબ બોલવામા શું કંજુસી?)
પ્રેમીકા: વર્ષોથી આ વાત તું મને કહ્યા કરે છે. મને હવે ફક્ત એટલું કહે, કે મારી સાથે લગ્ન ક્યારે કરે છે?
પ્રેમી: ઓહ! ફરીથી તેં વાતનું વિષયાંતર કર્યું?
પ્રેમીઓ હમેશા માને છે કે, ‘Love is Ideal But Marriage is Reality.’  અને આ કડવી વાસ્તવીકતા થી તેઓ દૂર ભાગવાનો પ્રયત્ન કરતા રહે છે, અને થોડા-ઘણા સમય માટે એમા સફળ પણ થાય છે. જ્યારે યુવતીઓ પોતાના સંસારીક જીવનને સલામતી આપતા લગ્નને આવશ્યક ગણે છે. તેઓ લગ્નને એક પવિત્ર બંધન ગણે છે, અને એનાથી આનંદ પણ પામે છે. ...
અધિકાર યે જબસે સાજનકા હર ધડકન પર માના મૈને. મૈં જબ સે ઉન કે સાથ બંધી યે ભેદ તભી જાના મૈને. કિતના સુખ  હૈ બંધનમે.......
જોકે આજકાલની મોર્ડન યુવતીઓના ખ્યાલો હવે બદલાવા લાગ્યા  છે. યુવતીઓ હવે ભણીગણીને સારી જોબ  કરતી થઇ છે, પુરુષ- સમોવડી થઈ છે.  તેઓ પણ લગ્ન બંધનમા જલ્દી જલ્દી બંધાવા નથી ઇચ્છતી. યુવકો પણ આવી આધુનિકાઓ ના વલણને લઇને જરા પરેશાન છે.
રમેશ: હું અને મારી પત્ની છેલ્લા દસ વર્ષ સુધી ખુશ હતાં.
મહેશ: અચ્છા! પછી શું થયું?
રમેશ: પછી શું થાય, અમે પરણી ગયાં.
યુવકોની વાત છોડો, હવે તો નાના નાના છોકરાઓ પણ જાણતા થઈ ગયા છે, કે.. લગ્નજીવનમા સુખ નામની ચીજ બહુ અલ્પ પ્રમાણમા હોય છે.  ચોથા ધોરણના વર્ગમા એક ટીચરે વિધાર્થીઓને એક નાની વાર્તા લખવાનું કહ્યું. એક છોકરાએ ફક્ત ચાર લીટીની વાર્તા લખી અને ટીચરના કહેવાથી વર્ગમા વાંચી સંભળાવી.
એક સમયે એક પતિ-પત્ની એકબીજાની સામે વિરુધ્ધ દિશામા મોઢું કરીને ઉભા રહ્યાં. પછી તેઓ થોડું ચાલ્યા. થોડું વધારે ચાલ્યા, અને એ રીતે ચાલતા જ ગયાં. એ પછી તેઓ સુખી થયા.
પરણેલા છતાં ડાહ્યા લોકો કહે છે કે, લગ્ન એ લાકડાના લાડુ જેવા છે, ખાય એ પણ પસ્તાય અને ના ખાય એ પણ પસ્તાય. પરણેલા પુરુષો જો કે ઉદાર બહુ જ હોય છે.  એક દિવસ એક છાપામા જાહેરાત આવી, જોઇએ છે, પત્ની....સુંદર, સુશીલ, ગુણવાન.... બીજા દિવસે એને ૧૨૦ સંદેશાઓ મળ્યા, મારી લઈ જાઓ. આમ અપરિણીત પુરુષો પરણવા માટે અને પરણેલા પુરુષો આઝાદ થવા માટે ખુબ અધીરા થાય છે. પણ એની પત્ની એને પરણ્યા પહેલાંની વાત યાદ કરાવે છે.
પત્ની: પરણ્યા પહેલાં તો તમે માને  ફ્લાવર્સ,  ગ્રીટીંગ કાર્ડ્સ, પરફ્યુમ્સ, કોસ્મેટીક્સ, જ્વેલરી...કેટલી બધી ચીજો ગીફ્ટ કરતા હતા, અને હવે તો કશું લાવતા જ નથી.
પતિ: તેં કોઇ દિવસ માછીમારને  જાળમાં પકડાયેલી માછલીને દાણા નાખતાં જોયો છે?
આમ પોતાની વૃત્તિ પ્રામાણિક પણે કબૂલ કરતો પતિ વિચારે છે, માછલી જાળમા ફસાઇ છે તે હવે ક્યાં જવાની છે. ને જાળમા ફસાવતા જે મહેનત પડી છે તે હું જ જાણું છું. કિતને પાપડ બેલને પડે  હૈં. આપ સુનોગે તો આપ ભી હૈરાન રહ જાઓગે.’
યુવક: તું બોલ તો ખરી, પ્રિયે.  તારા માટે આસમાન માથી ચાંદ-તારા તોડી લાવું, સમુદ્રના પેટાળમાથી મોતી કાઢી લાવું, પર્વતની ટોચ પર જઈને ફુલો લઈ આવું, (અરે! તારા પરમ પૂજ્ય પિતાશ્રી નો માલ છે કે?) સ્વીટહાર્ટ, તું કહે તો હું ભડભડતી આગમા કૂદી જાઉં.
યુવતી: કાલે મળવાનો વાયદો કર્યો હતો છતાં તું આવ્યો કેમ નહી?
યુવક: સોરી, યાર. કેવો ભયંકર વરસાદ હતો, એટલે ના અવાયું.
યુવતી: તારા કોઇ બહાના નથી ચાલવાના, સમજ્યો? મમ્મીએ ઘરે ચા-પાણી કરવા બોલાવ્યો છે તને. શાયદ મેરી શાદીકા ખયાલ દિલમે આયા હૈ, ઇસિલિયે મમ્મીને મેરી, તુમ્હે ચાય પે બુલાયા હૈ.
યુવક: પંછી અકેલા દેખ મુજે યે જાલ બીછાયા હૈ, ઇસિલીયે મમ્મીને તેરી, મુજે ચાયપે બુલાયા હૈ.
પતિ અને પત્ની, પુરુષ અને સ્ત્રી, બન્ને ઇશ્વરના અલગ-અલગ સર્જન છે. એટલે બન્નેના સ્વભાવ પણ અલગ-અલગ હોય છે. એમના વિષે વિસ્તારથી સમજવું હોય તો વાંચો પુસ્તક: ‘Men are from Mars and Women are from Venus.’  By ‘John Grey.’  પુરુષ અને સ્ત્રી બન્ને અલગ-અલગ છે છતાં બન્ને એક-બીજાના પૂરક પણ છે. એ વાત બન્ને સમજે, સ્વીકારે અને એ મુજબ અનુકૂલન સાધે તો બન્ને અકલ્પનીય વિકાસ સાધી શકે છે.
પણ આપણે વાત કરી રહ્યા છીએ પુરુષ-સહજ સ્વભાવની, એની ભ્રમર વૃત્તિની.
એક સમયે એક પરી એક પતિ-પત્ની પર ખુશ થઈ અને એમને એક-એક વરદાન માંગવાનું કહ્યું. સીધી-સાદી પત્નીએ સરળતા પૂર્વક કહ્યું, હું મારા પતિ સાથે વર્લ્ડટુર પર જવા માંગુ છું. પરીએ કહ્યું, તથાસ્તુ. પણ પતિએ બદમાશી પૂર્વક કહ્યું, મારે પણ વર્લ્ડટુર પર તો જવું છે, પણ મારાથી ૨૦ વર્ષ નાની સ્ત્રી સાથે.
પરીએ એક ક્ષણ વિચારીને કહ્યું, તથાસ્તુ. અને પતિને એની પત્ની કરતાં ૨૦ વર્ષ મોટો [૩૦+૨૦=૫૦ વર્ષનો] બનાવી દીધો. આખરે પરી પણ તો એક સ્ત્રી જ છે ને.
રેખા: તને ખબર છે, આજકાલ ઘણા છોકરાઓ લગ્ન કરવા જ નથી માંગતા.
હેમા: ના. પણ તને કેવી રીતે ખબર પડી?
રેખા: મેં ઘણાને પૂછી જોયું.
ચિત્રલેખા મા માઇલસ્ટોન મા એક કિસ્સો વાંચ્યો. બ્લુ ચીવેન  નામનો એક આશિક એની માશૂકાને લગ્નની દરખાસ્ત કરવા ૧૦૦૦[હજાર] માઇલ ચાલીને પેલીના ઘરે ગયો.  કેટલાક પરણેલા પુરુષોએ આ વાંચીને કહ્યું, આવું ગાંડપણ તે કરાતું હશે?’ આવી રીતે લગ્નની દરખાસ્ત કરનારો વિશ્વમા આ પહેલો મૂરતીયો છે. માશૂકાએ એની દરખાસ્ત સ્વીકારી પણ ખરી..અંતે  એમના લગ્ન પણ થયાં. અહીં સુધીની બધી વાતો બરાબર. પણ...ધારો કે... હવે એ પત્ની, એ પતિને કોઇ વસ્તુ લાવી આપવાનું કહેશે, અને એ પતિ  મહાશય ઇન્કાર કરશે તો શું થશે ? તો પત્ની કહેશે, મોટે ઉપાડે પરણવા તો એક હજાર માઇલ ચાલીને આવ્યા હતા, અને હવે બે માઇલ દૂરથી બટાકા લાવી આપતા તમને જોર પડે છે ?’
પુરુષો આ બાબત સારી રીતે સમજે છે, અને એટલે જ નાછૂટકે જ લગ્ન કરવા તૈયાર થાય છે.
જો કે કેટલાક  પુરુષો આ બાબતમા અડગ હોય છે, એમના પર પ્રેમિકાની ધમકીની અસર થતી નથી.
પ્રેમિકા: જો તુ મને પરણવા ના માંગતો હોય તો હું આપઘાત કરું છું.
પ્રેમી: લે આ ડેરીમિલ્ક ખા.
પ્રેમિકા: ડેરીમિલ્ક શાના માટે?
પ્રેમી: મારી મા કહે છે, કે...કોઇ પણ શુભ કામ કરતાં પહેલા મોં મીઠું કરવું જોઇએ.
ખેર! પુરુષ અને સ્ત્રી. પતિ અને પત્ની.પર અનેક રમૂજો લખાઇ છે, અને લખાતી રહેશે. લખનારા લખીને અને વાંચનારા વાંચીને એમાંથી આનંદ મેળવતા રહેશે. એટલે અંતમા હું આ  જોકથી મારી વાત સમાપ્ત કરું છું.
Wife: I will make you the ‘Happiest Man’ on the Earth.
Husband: Thanks. I will miss you, Dear.Wednesday, 1 November 2017

ચાંદી જેવા ચમકતા વાળ.

ચાંદી જેવા ચમકતા વાળ.           પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.
દ્રશ્ય – ૧:
રીના:આવી ગયો રીતેષ,  કામ પતી ગયુ ને?
રીતેષ: હા, પતી ગયું.
રીના: રીતેષ, મોં કેમ ઉતરેલું છે? શું વાત છે?
રીતેષ: કંઈ વાત નથી.
રીના: કંઈ વાત નથી તો  આજે બેંકથી આવ્યો છે, ત્યારથી તારો મૂડ કેમ ઓફ છે?
રીતેષ: યાર, આજે બેંકમાં એક યંગ છોકરીએ મને અંકલ કહીને બોલાવ્યો, અજબ જ કહેવાય ને?  
રીના:અચ્છા,  છોકરી કેવડી હતી?  
રીતેષ: લગભગ આપણી સોહા જેવડી  હશે.
રીના: જનાબ, સોહાની બધી ફ્રેંડ્સ મને આન્ટી અને  તને અંકલ કહીને બોલાવે જ છે ને? તો પછી એના જેવડી  છોકરીએ તને અંકલ કહ્યું  એમાં અજબ  જેવું શું લાગ્યું?
રીતેષ: એ તને ન સમજાય. સોહાની ફ્રેંડ્સ અંકલ કહે તો સ્વાભાવિક લાગે છે, પણ કોક અજાણી – યંગ છોકરી મને અંકલ કહીને બોલાવે એ મને ન ગમે. અભી તો મૈં જવાન હું, યાર.
રીના: યેસ ડીયર. અભી તો તુ જવાન હૈ, પણ આ તારા વાળમાં હવે જરા જરા સફેદી આવવા માંડી છે, એનું શું?
રીતેષ: આ એની જ તો -  એટલે કે સફેદ વાળની જ તો રામાયણ છે. એનું કંઈ કરવું પડશે.લાગે છે હવે  સફેદ બાલોને કલર કરીને કાળા કરવા પડશે.
આમ સફેદ વાળ અંકલ કે આન્ટી  બનવા તરફની મંઝીલનું પહેલું પગથીયું છે, જે કોઈને ગમતું નથી.
દ્રશ્ય – ૨:
-હલ્લો, મી. પારસ શાહ બોલો છો?
-હા, બોલું છું.
-હું રીઝર્વ બેંકમાંથી બોલું છું. એચડીએફસી બેંકમાં તમારું કેવાયસી (Know Your Client)  કંપ્લીટ નથી, તો મને જરા તમારી ડીટેલ લખાવશો?
-હા, બોલો, શું ડીટેલ જોઈએ છે?
-તમારા ક્રેડિટ કાર્ડ ના નંબરના છેલ્લા ચાર આંકડા ----  છે, બરાબર?
-હા, બરાબર છે.
-તો મને ક્રેડિટ કાર્ડ નો પૂરો નંબર અને પીન નંબર જણાવો.
-સોરી મેડમ, એ મારી માહિતી પર્સનલ અને કોન્ફિડેન્શિયલ મેટર છે, અને તે કોઈની સાથે શેર ન કરવાની મને બેંકમાંથી સૂચના મળી છે.
-તો પછી તમારું  કેવાયસી થશે નહીં. તમારું ખાતું બંધ થઈ જશે. તમે એમાંથી કોઈ ટ્રાંઝેક્શન નહીં કરી શકો.
-મેડમ, ક્રેડિટ કાર્ડ નો નંબર અને પીન નંબર આપવાથી શું ફ્રોડ થઈ શકે તે મને ખબર છે.  તમારી ખોટી ધમકી મને સમજમાં આવે છે. હું કોઈ બેવકૂફ  નથી પણ જાગૃત નાગરિક છું. મારા માથાના આ વાળ કંઈ મેં તડકામાં સૂકાવીને સફેદ નથી કર્યા, સમજ્યા?
ખરેખર જેમના વાળ સફેદ થઈ ચૂક્યા છે, એવા પ્રૌઢ  વડીલોને કોઈ વ્યક્તિ ઉલ્લુ બનાવવાની ટ્રાય કરે ત્યારે મુરબ્બી વડીલ કહે છે, આ વાળને તડકામાં સૂકાવીને સફેદ નથી કર્યા. મતલબ કે સારા એવા વર્ષોનો અનુભવ લીધો છે, ત્યારે આ વાળ સફેદ થયા છે.  આમ આવી વખતે સફેદ વાળ અનુભવ નું  અને ડહાપણ નું પ્રતિક મનાય છે. સીનિયર સીટીઝન નું માનદ બિરૂદ પામવામાં પણ વયની સાથે સાથે આ સફેદ વાળનું ઘણું મહત્વ હોય છે.
મશહુર ગાયક પંકજ ઉદાસજીના મુલાયમ સ્વરો માં નીચેની પંક્તિ તો આપ સહુએ સાંભળી જ હશે:
ચાંદી જૈસા રંગ હૈ તેરા સોને જૈસે બાલ,
એક તુ હી ધનવાન હૈ ગોરી બાકી સબ કંગાલ.
એમાં શરીરનો રંગ ચાંદી જેવો સફેદ -  ઉજળો અને વાળનો રંગ સોના જેવો સોનેરી – ચમકીલો  હોય એવી ગોરી એટલે કે છોકરીની વાત આવે છે.  આ પંક્તિમાં આવી છોકરી જ ધનવાન અને બાકી બધા કંગાલ એટલે કે ગરીબ એવી વાત કહી છે. આ હિસાબે  જોવા જઈએ તો ભારતમાં આવી કંગાળ છોકરીઓ અધિક અને આફ્રિકામાં તો ૯૦% થી વધારે આવી કંગાળ છોકરીઓ મળી આવે.
મારા ખ્યાલ મુજબ આ પંક્તિમાં  કોઈ ગોરી મેડમ એટલે કે યુરોપિયન યંગ ગર્લ વિશે ની વાત હોવી જોઈએ. એ લોકોની ત્વચા ચાંદી જેવી સફેદ અને વાળ સોના જેવા સોનેરી  જોવા મળે છે. પણ આપણા ભારતમાં તો ખુબ રૂપાળી છોકરી ની ત્વચા પણ ચાંદી જેવી ઉજળી હોવાની શક્યતા બહુ  ઓછી છે. હા, આજકાલ ફેર એન્ડ લવ્લી ની જાહેરાતમાં  માં ટ્યુબનો મલમ ઘસી ઘસીને ઘંઉવર્ણી  ત્વચાને ઉજળી બતાવાય છે ખરી. અને હવે તો યુવતિઓ ની સાથે સાથે યુવાનો માટેના બ્યુટી ક્રીમ પણ બજારમાં મળવા માંડ્યા છે. (લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે) એટલે ગોરીઓ ની સાથે ગોરાઓની ક્રીમની જાહેરાતો પણ આવવા માંડી છે.
પણ અહીં ચર્ચા માત્ર ગોરી ત્વચાની જ નથી, સોનેરી વાળની પણ આવે છે. આપણા ભારતમાં સામાન્ય પણે યુવાન  વયે કાળા ભમ્મર વાળ અને ઉતરતી ઉંમરે એટલે કે પ્રૌઢ વયે ભૂખરા – ગ્રે કલરના(કાળા  ધોળા મીક્સ)  વાળ અને ઘરડા લોકોના સફેદ ચાંદી જેવા વાળ જોવા મળે છે. આ તો કુદરતની રચનાની વાત છે. પણ માણસને ક્યાં કશું કુદરતી મેળવીને સંતોષ થાય જ છે? એટલે એ વાળને રંગીને લાલ, પીળા, લીલા, જાંબલી અને એના મનને જે ગમે તે ચિત્ર વિચિત્ર રંગ કરીને આનંદ મેળવે છે. હું બીજાથી અલગ લાગવો/ લાગવી જોઈએ’,   ‘લોકોનું ધ્યાન મારા તરફ જ જવું જોઈએ.  એટલે - ‘More, Better and Different’ એને આકર્ષિત કરે છે. પરિણામની કોને પરવા છે?
મશહૂર અભિનેતા સ્વર્ગસ્થ રાજેશ ખન્નાની વર્ષગાંઠ હમણાં જ ગઈ. એટલે એમનું એક ફિલ્મી ગીત યાદ આવ્યું, ગોરે રંગ પે ન ઇતના ગુમાન કર, ગોરા રંગ દો દિનમેં ઢલ જાયેગા.  મતલબ કે ગોરો રંગ સારો છે, પણ શાશ્વત નથી એટલે એનું અભિમાન કરવું જરૂરી નથી એવો મતલબ એ ગીતનો છે. છતાં શરીરનો રંગ તો બધાંને શ્વેત જ ગમે છે. પણ વાળનો રંગ કોઈને શ્વેત નથી ગમતો. એટલે જેવા સફેદ વાળ માથામાં દેખાવા માંડે કે  માણસ તરત એને કલર કરીને છુપાવવાની કોશિશ કરવા માંડે છે.
બીજા એક ગીતમાં, રંગ પે કીસ ને  પહેરે ડાલે, રૂપ કો કીસ ને બાંધા, કાહે સો જતન કરે...મન રે તુ કાહે ન ધીર ધરે. એવું ગીતકારે કહ્યું છે. એમાં ચોખ્ખું કહેવામાં આવ્યું  છે કે રંગ પર કોઈનો પહેરો નથી, રૂપને કોઈ બાંધી નથી શક્યું, પછી શા માટે એનું આટલું બધું જતન કરે છે?’ અને છતાં આપણે જે કાયમ છે એવા ગુણ નું જતન કરવાને બદલે જે ક્ષણભંગુર છે એવા રંગ અને રૂપ નું  જ જતન કર્યા કરીએ છીએ અને પરિણામે દુ:ખી થઈએ છીએ.
સફેદ વાળની પોતાની એક અલગ જ આભા હોય છે. અને આ જગતમાં એવા જાજ્વલ્યમાન વ્યક્તિઓ મેં જોયા છે કે જે પોતાના સફેદ વાળને લીધે ખુબ દીપી ઊઠે છે. સ્વ. ડૉ. અબ્દુલ કલામ એવા જ વ્યક્તિ હતા, નખશિખ મહાન! એમની તો હેરસ્ટાઈલ જ સફેદ વાળ હોવા છતાં યુનિક  હતી. અને આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રીમતિ ઈંદિરા ગાંધીના વાળની એ સફેદ લટ કેવી આભાવાન હતી, મને એ બહુ જ ગમતી. મેં તો નક્કી જ કર્યું છે કે હું વડાપ્રધાન બનીશ ત્યારે એમના જેવી જ સફેદ લટ વાળી હેરસ્ટાઈલ રાખીશ.
આજની જોક:
મુન્નો: પપ્પા, તમારા થોડા વાળ કાળા અને થોડા વાળ સફેદ કેમ છે?
પપ્પા: તું બહુ તોફાન કરે છે, તેથી મને સ્ટ્રેસ થાય છે, અને એનાથી મારા કાળા વાળ સફેદ થવા માંડ્યા છે.
મુન્નો: હં, હવે સમજ્યો.
પપ્પા: શું સમજ્યો?

મુન્નો: એ જ કે મારા દાદાજીના બધા વાળ સફેદ કેમ છે.