Friday 19 November 2021

હું પણ આવું જ કહેત

 

હું પણ આવું જ કહેત.(હાસ્યલેખ)      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી

‘આ વળી નવી નવાઈની વાત’ છાપું વાંચતી વખતે મારાથી મોટેથી બોલાઈ ગયું. ‘એમાં નવી નવાઈની વાત શું છે, શું હું મારી ફાઈલો કોઈવાર નથી ગોઠવતો ? કે મારું ટેબલ અને લેપટોપ કોઈવાર સાફ નથી કરતો કે ? તું તો જાણે એ રીતે વાત કરે છે, કે આ બધું મેં આજે પહેલીવાર જ કર્યું હોય.’ પોતાના ટેબલ અને લેપટોપની સફાઈ કરી રહેલા મારા પતિદેવે જરા ફરિયાદી સુરે મને કહ્યું. દિવાળી નજીક આવી રહી હતી, એટલે  હું ઘરના ફર્નીચરની ઝાપટઝૂપટ જેવી રોજબરોજની સફાઈ સિવાયની વધારાની સફાઈ – ઘરની દીવાલો લુછીને થાક ઉતારવા સોફામાં આરામથી બેઠી હતી, ત્યારે છાપું વાંચીને મારાથી ઉપર મુજબનું વાક્ય બોલાઈ ગયું, પતિદેવને  એવું લાગ્યું કે હું એમને કહી રહી છું.

‘એમ તમે બંધ બેસતી પાઘડી તમારે માથે ના પહેરી લો, મેં તમારા સફાઈ કામ માટે કંઈ  નથી કહ્યું’ મેં એમને શાંત પાડતા કહ્યું. ‘તો ઠીક, આ તો તું મારી સામે જોઇને બોલી એટલે મને એમ લાગ્યું કે....’ એમણે પોતાનો બચાવ કરતાં કહ્યું.  ‘મને એમ લાગ્યું કે.... આ ચાર શબ્દ જ પતિ પત્નીના જીવનમાં ઝઘડો કરાવે એવા છે’ મેં ફરિયાદી સૂરમાં કહ્યું. ‘તારી વાત તો સાચી છે, સોરી.’ એમ કહીને એમણે શરણાગતિ સ્વીકારી લીધી એટલે વાત અહીં પતી જવી જોઈતી હતી. પણ હું જે કહેવા માંગતી હતી તે મારી વાત અધુરી હતી, એટલે અધુરી રહેલી વાતનો તંતુ પકડીને મેં નવેસરથી વાતની શરૂઆત કરી.

‘હું તો આ છાપામાં આવેલા એક સમાચાર વિશે તમને કહી રહી હતી. સમાચાર એવા છે કે -ચાઇનીઝ કપલ્સ પાર્ટનરની વફાદારી જાણવા લવ ટેસ્ટરની મદદ લઇ રહ્યા છે’ ‘આ સમાચાર મને સંભળાવવા પાછળ તારો કોઈ ખાસ હેતુ છે,  કે પછી એમ જ...’ ‘ખાસ હેતુ તો વળી શું હોવાનો ?’ ‘ના ના, આ તો તને મારી વફાદારી પર શક આવ્યો હોય, અને તું મને આ સમાચાર દ્વારા કોઈ ચીમકી આપવા માંગતી હોય.’ ‘લગ્નના આટલા વર્ષો પછી હવે હું તમારી વફાદારી પર શું કામ શક કરું?’ ‘હાસ્તો, આટલા વર્ષોમાં તો તું જાણી જ ગઈ હશે ને કે – આ ખોટો રૂપિયો મારા સિવાય ક્યાંય ચાલવાનો નથી, બરાબરને ?’ ‘બરાબર, લગ્નજીવનના આટલા વર્ષોના સાથ પછી હું તમને સારી રીતે ઓળખી ગઈ છું, હોટલમાં જઈએ તો પણ તમે મેનુમાં નવી નવી આઈટમના નામ વાંચો એટલું જ, બાકી મંગાવો તો એ જ કાયમનું, ઈડલીસંભાર  અથવા મિક્સ (ઓનિયન – કોકોનટ) ઉત્તપમ વિધાઉટ ચીલી....’ ‘ચાલ, આપણી વાત જવાદે, ચાઇનીઝ કપલ્સની શું વાત છે એ કહે.’

‘પોતાનો પાર્ટનર પોતાને કેટલો વફાદાર છે (કે પછી કેટલો બેવફા છે) એ જાણવા માટે આજકાલ ચીનમાં કપલ્સ એક નવી ઓનલાઈન સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે. આ સર્વિસ ઘણી કંપનીઓ ગ્રાહકને પૂરી પાડી રહી છે. આ સર્વિસ જેમને જોઈતી હોય, એ કસ્ટમરે  લવ ટેસ્ટરને પોતાના લાઈફ પાર્ટનરનું  નામ, જોબ, હોબીઝ, મોબાઈલ નંબર અને સોશિયલ મીડિયા પર એના એકાઉન્ટ્સની વિગતો આપવાની હોય છે. એ પછી લવ ટેસ્ટર કસ્ટમરને જુદી જુદી ટ્રીક્સના થોડાક ઓપ્શન મોકલે છે. કસ્ટમર એમાંથી  ઓપ્શન/વિકલ્પ પસંદ કરી લે, પછી કંપનીના લવ ટેસ્ટરની અસલી સર્વિસ શરુ થાય છે.’  ‘વેરી ઈન્ટરેસ્ટીંગ. આવી સર્વિસ આપવા બદલ કંપની કસ્ટમર પાસે શું ચાર્જ લે છે ?’ ‘ચાર્જ તો ૨૦ થી માંડીને ૧૩૦૦ યુઆન લે છે.’ ‘ઓહો, એટલે લગભગ ૨૨૦ થી માંડીને ૧૪૩૦૦ રૂપિયા ? આ બીઝનેસ તો સારો કહેવાય’

‘પારકે ભાણે મોટો લાડુ, એ કહેવત મુજબ બીજાના બીઝનેસ આપણને કાયમ સારા અને ફાયદાકારક જ  લાગે, પણ એ ધંધો કંઈ સહેલો નથી. લવ ટેસ્ટર તરીકે કામ કરતી ૨૩ વર્ષની ચાઇનીઝ યુવતી ચેન મેન્ગયુઆન કહે છે કે ઘણા લોકોને પાર્ટનરની બેવફાઈ આમ સરેઆમ ખુલ્લી પાડવાની વાત ગમતી નથી, પણ એમાં કંઈ ખોટું પણ નથી એમ એ કહે છે’ ‘હાસ્તો, વરને કોણ વખાણે ? તો કહે વરની મા. એમ કોઈ પણ બીઝનેસ કરનાર પોતાનો  બિઝનેસને તો યોગ્ય જ ગણાવે, ખરું કે નહીં ?’  ‘ખરું જ સ્તો વળી. એ લોકો નકલી સેલ્ફીઝ અને લલચાવનારી – લોભાવનારી વાતો દ્વારા પોતાના શિકારને સોશિયલ મીડિયાની મદદથી ફસાવે’ ‘કોઈ મીઠી મીઠી વાતો કરે, સારા સારા ફોટા બતાવે અને પેલો ફસાઈ પણ જાય એમ તું માને છે? ‘બેવફા હોય તે ફસાઈ જાય, અને વફાદાર હોય તે ન ફસાય, વેરી સિમ્પલ’ ‘તું ધારે એટલું એ સિમ્પલ નથી, ખરેખર તો બેવકૂફ હોય તે ફસાઈ જાય, અને ચાલાક હોય તે ન ફસાય.’ સી.એ. થયેલા પતિદેવ પોતાના લોજીકલ જ્ઞાનનો ઉપયોગ કરીને બોલ્યા.

‘પણ છાપામાં તો લખ્યું છે કે જે પાર્ટનર સારા હોય તે સોશિયલ સાઈટ્સ પર લવ ટેસ્ટરની રિક્વેસ્ટ સ્વીકારતા જ નથી. જ્યારે બેવફા પાર્ટનર તરત જ રિક્વેસ્ટ સ્વીકારી લે છે, અને લવ ટેસ્ટર ને  મળવા તૈયાર થઇ જાય છે, એટલું જ નહિ, એ લોકો કમિટેડ હોવા છતાં ખોટું બોલે છે કે પોતાને કોઈ પાર્ટનર જ નથી, અને પોતે ઘણા સમયથી સિંગલ જ છે’ મેં દુઃખી સ્વરે કહ્યું. ‘એ લોકોને પાર્ટનર સાથે અણબનાવ રહેતો હશે, એટલે સાથે રહેવા છતાં સાથે નથી રહેતા એવું ફિલ કરતાં હશે.’ પતિદેવ હળવાશના મૂડમાં હતા. ‘અરે, આવું તે કંઈ જસ્ટિફિકેશન હોય ? અણબનાવ રહેતો હોય તો મનમેળ કરવાની ટ્રાય કરવી જોઈએ, પોતાનાથી ના થઇ શકે તો કાઉન્સેલરની મદદ લેવી જોઈએ, એ પછી પણ કોઈ પોઝીટીવ રીઝલ્ટ  ન મળે તો કાયદેસર રીતે છુટા થઇ જવું જોઈએ, પણ આવી બેવફાઈ તો ન જ કરવી જોઈએ.’ મેં જોશમાં આવીને દલીલ કરી. ‘તારી વાત સાચી છે, પણ મને લાગે છે કે કોઈ પણ બેવફા પુરુષ સહેલાઈથી પોતાની બેવફાઈ સ્વીકારતો નહી હોય, કેમ કે એમ કરતાં એનો ઈગો અને ડર બંને એને નડે.’ પતિદેવે વ્યવહારુ વાત કરી.

‘દરેક લવ ટેસ્ટર પોતાના ક્લાયન્ટને તેના બેવફા પાર્ટનર સાથે થયેલી રોમેન્ટિક વાતચીતની ચેટ હિસ્ટ્રી મોકલી આપે છે, પછી તો પેલાને સ્વીકાર્યે જ છૂટકો.’ ‘પછી, તો પેલો પત્નીને ઘૂંટણીયે પડતો હશે, નાકલીટી તાણતો હશે, હાથ જોડીને માફી માંગતો હશે, ખરું ને ?’ ‘અહીં ભારતમાં  જો કદાચ આવું થાય તો પત્ની પોતાનો સંસાર બચાવવા, કે સમાજમાં આબરૂ બચાવવા બેવફા પતિને મન મારીને માફ પણ કરી દેતી હશે. પણ ચાઈનામાં તો મોટેભાગે એનો અંજામ બ્રેકઅપ મા જ આવે છે. લવ ટેસ્ટર  ચેન મેંગયુઆને પોતે જાતે એક વેબસાઇટ પર ‘બોયફ્રેન્ડ લોયલ્ટી ટેસ્ટ’ નામની  આ સર્વિસની મદદ લીધી હતી.’ ‘અચ્છા ? પછી એનો બોયફ્રેન્ડ એમાં પાસ થયો કે નહીં?’ ‘એ તો એણે નથી જણાવ્યું, પણ એ પછી જ એણે લવ ટેસ્ટરની જોબ માટે એપ્લાય કર્યું હતું’

‘એમાં જણાવ્યું છે ખરું કે - આ લવ ટેસ્ટીંગ ની વાત ફક્ત પુરુષોને જ લાગુ પડે છે, કે પછી સ્ત્રીઓને પણ લાગુ પડે છે?’  ‘આ છાપામાં તો જણાવ્યું છે ને કે – યુવકો પણ ગર્લફ્રેન્ડની વફાદારીની તપાસ કરાવે છે. જો કે યુવતીઓનો ટેસ્ટ મુશ્કેલ હોય છે, કેમ કે તેમને ફસાવવાનું સહેલું નથી.’ મેં જરા ગર્વથી કહ્યું. ‘આવું છાપામાં લખ્યું છે કે પછી તું પોતે તારા ખીસામાંથી ઉમેરીને કહે છે?’ પતિદેવ આંખો ઝીણી કરીને બોલ્યા. મેં એમની સામે છાપું ધરતા કહ્યું, ‘છાપામાં જ લખ્યું છે, પણ ધારો કે છાપામાં એવું ના લખ્યું હોત તો પણ,  હું પણ આવું જ કહેત.’

(મિત્રો, આપ સૌને ખુશહાલ દિવાળી અને સમૃધ્ધિમય નવા વર્ષની મારી શુભકામના)

ફૂડી કોલ્સ.

 

ફૂડી કોલ્સ. (હાસ્યલેખ)       પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

“તાજેતરમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસના તારણમાં જણાવવામાં આવ્યું છે કે ડેટ પર જતી પાંચમાંથી  ત્રણ મહિલા તો માત્ર વિનામૂલ્યે ભોજન મળતું હોવાથી જ ડેટ પર જતી હોય છે.”  દિવાળી નજીક આવી રહી હતી એટલે મેં મારા ઘરની સાફસફાઈ  કરવાનું કામ હાથ ધર્યું, ત્યારે તારીખ ૨૫-૦૬-૨૦૧૯ નું એક જુનું ન્યુઝ પેપર- સંદેશ  મારા હાથમાં આવ્યું. એમાં મને ઉપર મુજબના સમાચાર વાંચવા મળ્યા.  

આ સમાચાર વાંચીને એક મહિલા તરીકે મને આઘાત લાગ્યો . ‘આજની મહિલાઓ  ભોજન માટે આવી લાલચુ ?’  ‘રસોઈ બનાવવાની આવી આળસુ ?’ મને તો ‘ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનું’ મન થયું. પણ.. એક તો  ઢાંકણીભર પાણીમાં ડૂબી મરવાનું તો છોડો, કોઈ માત્ર ડૂબી પણ ના શકે, અને બીજું સ્વિમિંગ પુલના પાણીમાં ડૂબી  મરવું હોય તો એ શક્ય છે, પણ મને તો સ્વિમિંગ આવડતું હોવાથી મારે માટે તો એ પણ શક્ય નથી. એટલે પછી એ વિચાર પડતો મુકીને મેં સમાચાર આગળ વાંચવાનું મુનાસીબ માન્યું.

સંશોધકોએ આવી ‘પેટુ’ મહિલાઓને ‘ફૂડી કોલ્સ’ જેવું નામ આપ્યું છે. અને એમના માટે તેઓ લખે છે, ‘આવી મહિલાઓ શરાબની સંગાથે સાથી સાથે રોમાન્સ કરવામાં રુચિ નથી ધરાવતી, પણ માત્ર વિનામૂલ્યે ભોજન મળે છે એમાં જ રુચિ ધરાવે છે  આ સંશોધન માત્ર તર્ક એટલે કે અટકળના આધારે નથી થયું, પણ ઓનલાઈન સર્વેક્ષણ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ૩૩ ટકા મહિલાઓએ પોતે જ જણાવ્યું હતું કે, પોતે ‘ફૂડી કોલ્સ’ નો સ્વીકાર કરીને જ ડેટ પર જાય છે. 

આ જાણીને મને એક આશ્વાસન મળ્યું કે - ‘હાશ, બાકીની ૬૭ ટકા મહિલાઓ તો આવી પેટુ એટલે કે ‘ખાઉધરી’  નથી.’ પણ મારો આ હાશકારો ઝાઝો ટક્યો નહિ. મારો આ ભ્રમ માત્ર એક જ દિવસમાં ભાંગી ગયો. બન્યું એવું કે  અમારી સોસાયટીમાં બે  જણને ત્યાં એક જ દિવસે એક જ સમયે સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી હતી. જેમના ઘરે કથા પત્યા પછી ફક્ત પ્રસાદ જ મળવાનો હતો, ત્યાં માત્ર ત્રણ મહિલાઓ ગઈ, અને જેમના ઘરે કથા પછી ડીનર રાખવામાં આવેલું હતું, ત્યાં ત્રેવીસ મહિલાઓ ગઈ. ‘શીરાને માટે શ્રાવક થયા’ એ વાત અત્યાર સુધી માત્ર વાંચવામાં જ આવી હતી, આજે જોવા-જાણવામાં  પણ આવી ગઈ.’

‘ફૂડી કોલ્સ’ ની બાબતમાં સંશોધકો કહે છે કે –– ‘પુરુષ કમાણી કરવા બહાર જાય અને સ્ત્રી ઘરનું ધ્યાન રાખે’  એવા  પરંપરાગત વિચારો ધરાવતી સ્ત્રીઓ એટલે કે ગૃહિણી હોય એવી મહિલાઓ ‘ફૂડી કોલ્સ’ નો સ્વીકાર કરવામાં અગ્રેસર હોય છે.  હું પોતે માનું છું કે ગૃહિણી તરીકેની જોબ સૌથી અઘરી - ‘પાઈની પેદાશ નહિ અને ઘડીની નવરાશ નહિ’ એવી થેન્કલેસ જોબ હોય છે. પણ સાથે સાથે એક  સારી ગૃહિણી હોવાને નાતે હું એ વાત પણ એટલી જ સાચી માનું છું કે – ‘કાર્ય કઠીન હૈ ઈસલીયે કરને યોગ્ય હૈ’ અને શાંતિથી વિચારી જુઓ તો તમને સમજાશે કે કોઈ પણ જોબ ક્યાં સહેલી હોય છે ?

‘આદર્શ ગૃહિણી’ નું સર્વોત્તમ ઉદાહરણ જોઈએ તો ઈન્ફોસીસ કંપનીના ઓનર શ્રી નારાયણ મૂર્તિના પત્ની શ્રીમતી સુધામૂર્તિ છે. તેમણે કંપનીમાં પોતાનું  મહત્વનું પદ છોડીને પોતાની મરજીથી ગૃહિણીધર્મ સ્વીકાર્યો છે. ગૃહિણી હોવાની સાથે સાથે સુધાજી સખાવતના અને પરોપકારના અન્ય કેટલાય સામાજિક કાર્યો કરી રહ્યા  છે. આ ઉપરાંત તેઓ એક પ્રખ્યાત લેખિકા પણ છે. એટલે ગૃહિણી માટે કોઈ આવી હીણી વાત (ફૂડી કોલ્સ) કહે તે મને તો યોગ્ય નથી લાગતું.

પત્ની : સાંજે ભોજનમાં શું રાંધુ ?

પતિ : કંઈ પણ રાંધ, તારા તો હાથનું ઝેર પણ હું હસતાં હસતાં ખાઈ લઈશ.

પત્ની : પણ મને ઝેર રાંધતા આવડતું નથી.

પતિ : તું જે રાંધે છે, તે ઝેરથી કંઈ કમ હોય છે ?

ઉપરનો સંવાદ (ખરેખર તો વિસંવાદ) વાંચીને તમને નથી લાગતું કે આવા  પુરુષો (એટલે કે પતિઓ)  સાવ કૃતઘ્ની હોય છે ? એક તો ‘સાંજે હું શું રાંધુ ?’ એ સવાલ દરેક પત્ની માટે અઘરામાં અઘરો, વિકટ અને સનાતન પ્રશ્ન  હોય છે. પતિને પૂછવાથી  એનો કોઈ સમાધાનકારી જવાબ  મળવાને બદલે જો આવી અવળચંડી પ્રતિક્રિયા મળતી હોય તો, કોઈ પણ ગૃહિણી  ‘ફૂડી કોલ્સ’ બનવાનું પસંદ કરે કે નહિ, તમે જ કહો.

નવાઈની વાત તો એ છે કે  અમેરિકી સંશોધકો કહે છે,  ‘માત્ર મહિલાઓ જ નહિ, પણ કેટલાક પુરુષો પણ આ પ્રકારના  એટલે કે ‘ફૂડી કોલ્સ’ ટાઈપના માનસિક વલણો ધરાવી શકે છે’  આ વાત જાણીને મને એક જોક યાદ આવ્યો.

પત્ની : આજે સાંજે પુલાવ બનાવું કે બિરીયાની ?

પતિ : તું પહેલા જે કંઈ બનાવવા માંગતી હોય તે બનાવી દે, આપણે પછી ડીસાઈડ કરીએ કે એ શું છે.

જેમની પત્ની આ ઉપરના  જોકમાં આવે છે, એવી રીતની રસોઈ બનાવવામાં પારંગત હોય અથવા તો જે સ્ત્રીઓ બે કલાક  સુધી ‘રસોઈ શો’ પર અવનવી વાનગીઓ બનાવવાની રીતો જોઇને  અંતે તો ડીનરમાં રોજ  ખીચડી-કઢી  કે ભાખરી – શાક જ બનાવતી હોય, એવી સ્ત્રીઓના પતિઓ  ‘ફૂડી કોલ્સ’ હોય તો એમાં આપણને નવાઈ શા માટે લાગવી જોઈએ ?

આ સંશોધકોએ મહિલાઓને એક એવો સવાલ પણ કર્યો હતો કે ‘’ફૂડી કોલ્સ સામાજિક રીતે સ્વીકાર્ય છે ?’ જે મહિલાઓ ‘ફૂડી કોલ્સ’ નો સ્વીકાર કરતી હતી, તેમણે કહ્યું, ‘ફૂડી કોલ્સ સામાજિક રીતે સ્વીકાર્ય છે’ પણ બાકીની મહિલાઓએ કહ્યું, ‘ફૂડી કોલ્સ સામાજિક રીતે સ્વીકાર્ય નથી’ આ જાણીને મને ગુજરાતીમાં એક કહેવત છે ‘વરને કોણ વખાણે ? તો કહે ‘વરની મા’  યાદ આવી ગઈ. 

જ્યારે કોઈ પણ રીતરિવાજ માટે સામાજિક સ્વીકાર કે અસ્વીકારનો સવાલ આવે ત્યારે જવાબ મેળવવા માટે આપણે આપણા સાધુ સંતો શું કહે છે એ જાણવું પડે. તેઓ કહે છે, ‘મનુષ્યે  જીવવા માટે ખાવાનું છે,  ખાવા માટે જીવવાનું  નથી.’  આપણે એમની આ વાત માની  લઈએ તો પણ આ  હકીકતને નજરઅંદાજ કરી શકીએ નહિ, કે  આખરે તો આપણી બધી મહેનત પેટ ભરવા માટેની જ તો છે.  જો ભગવાને પેટ જ ના બનાવ્યું હોત તો આપણે એ ભરવાની ચિંતા ના હોત, એટલે હું ધારું છું ત્યાં સુધી  ‘ફૂડી કોલ્સ’ ને કુદરતી વૃત્તિ ગણીને એનો સ્વીકાર કરવો જોઈએ.

સહાયક અને અઝુસા પેસિફિક યુનીવર્સીટીના પ્રાધ્યાપક ડૉ. બ્રાયન કોલિસને જણાવ્યું કે  - ‘રોમેન્ટિક ડેટિંગ’ અને ‘ફૂડી કોલ્સ’ એ બંને અલગ ઘટના છે રોમેન્ટિક ડેટિંગમાં વિજાતીય આકર્ષણ, રાત્રિ રોકાણ, એકબીજાને ઈમ્પ્રેસ કરવા, એકબીજાનો સ્પર્શ પામવો, વગેરે હોય છે, જ્યારે ફૂડી કોલ્સ અનેક પ્રકારના સંબંધોનું માધ્યમ હોઈ શકે.’ ઘણીવાર સંશોધકો શું કહેવા માંગે છે, તે આપણી – સામાન્ય મનુષ્યની સમજની  બહારની વાત  હોય છે, એટલે આપણે એના પર ઝાઝો વિચાર નહીં કરીએ.

પ્રેમી : હું તને ખુબ જ ચાહું છું. પ્રેમિકા : તું મારી સાથે લગ્ન ક્યારે કરીશ ? પ્રેમી : તેં ફરી પાછું વિષયાંતર કર્યું ?  ભારતની સ્ત્રીઓ માટે  ડેટિંગનો અર્થ એકબીજાને સમજવું અને અનુકૂળતા લાગે તો પરણી જવું ‘ એવો પણ થાય છે. પણ ભારતના પુરુષોને લાગે છે કે સ્ત્રીઓને સમજવી એટલી અઘરી છે કે એક આખી જીંદગી પણ ઓછી પડે. એટલે તેઓ ડેટિંગ માટે જેટલાં ઉત્સુક હોય છે, લગ્ન માટે એના દસમા ભાગની ઉત્સુકતા પણ નથી હોતી.

થોડા સમય પહેલાં જ અમે થોડા મિત્રોએ મળીને એક સાંજે  કલ્ચરલ ક્લબમાં મળવાનું નક્કી કર્યું. ત્યાં ગેરહાજર એવી મારી એક ફ્રેન્ડ ઉષાને મેં ફોન કરીને કહ્યું, ‘આવતી કાલે સાંજે  ૫ વાગ્યે આપણે કેટલાક ફ્રેન્ડસ,  કલબના કાફેટેરિયામાં ચા-પાણી પર મળી રહ્યા છીએ. ત્યારે એણે મને ઉત્સુકતાથી પૂછ્યું, ‘ફક્ત ચા-પાણી જ કરવાના છે કે સાથે  કંઈ નાસ્તો-બાસ્તો પણ કરવાનો છે ?’ ‘યાર, મળવાનું મહત્વ છે કે ખાવાનું ?’ મેં જરા ચીઢાઈને કહ્યું. તો એણે બિન્દાસ કહ્યું, ‘તારી વાત તું જાણે, પણ મારા માટે તો ખાવાનું પણ એટલું જ મહત્વનું છે, જેટલું મળવાનું.’  આમ ‘ખાવું’ એ ‘મળવું’ કરતાં વધુ પ્રભાવશાળી છે.

પત્ની : આપણા એકના એક છોકરાના લગ્ન છે, એટલે કંકોત્રી તો હાઈક્લાસ જ છપાવીશું.

પતિ : કંકોત્રીમાં વધારે પૈસા ખર્ચવાનો કંઈ અર્થ નથી, કેમ કે કંકોત્રી ગમે તેટલી હાઈક્લાસ છપાવીએ, લોકોનું ધ્યાન તો લંચ કે ડીનર ક્યાં રાખ્યું છે અને કેટલા વાગ્યે છે, એના પર જ જવાનું છે, અને આમંત્રિતોને પણ ‘મેનુ શું છે’ એમાં જ વધારે રસ હોવાનો. 

પશુ – પક્ષીઓ કે અન્ય જીવોની તો મને ખબર નથી, પણ મનુષ્ય જાત તો હંમેશા ખાવાના વિચારમાત્રથી  ખુશ થઇ જાય છે, એ હકીકત નિર્વિવાદપણે  પુરવાર થયેલું સત્ય છે. તો પછી એ પુરવાર કરવા ‘ફૂડી કોલ્સ’ જેવા સંશોધનની પાછળ સમય, શક્તિ અને ધન બરબાદ કરીને એમને બદનામ કરવા કરતાં, એનો ઉપયોગ ઘણા બધા લોકોને રસ પડે એવુ, કંઇક નવું,  - દાખલા તરીકે - નવી નવી વાનગીઓ બનાવીને, એને નવીનતમ ધોરણે સજાવીને,  એની ઓછામાં ઓછી કીમત રાખીને, એને વધુમાં વધુ લોકો સુધી  કઈ રીતે પહોંચાડી શકાય એવું સંશોધન કરવું જોઈએ, તમે જ કહો કરવું જોઈએ કે નહીં ? 

મિત્રો, આપણે વાતોના વડા ઘણા કર્યા, પણ આજે મારે ઘઉં-જુવારના ખાટા વડા કરવાના છે. એટલે આ ચર્ચા હું અહી જ સમાપ્ત કરું છું. આપ સૌને દિવાળીની અનેક શુભકામના અને નવા વર્ષના ખુબ ખુબ અભિનંદન!