Wednesday, 27 December 2017

પેનની પારાયણ.

પેનની પારાયણ.                   પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.
શિયાળાની કડકડતી ઠંડી નહોતી, છતાં પત્ની અને પુત્રને રૂમ  હીટર ચાલુ કરીને બેઠેલા જોઇને બહારથી આવેલો પતિ એમના પર તપી ગયો, ખોટાં ખર્ચની પણ હદ હોય ને, આમ કારણ વગર ખોટું હીટર બાળવાનો શું અર્થ છે?’  પત્ની બોલી, એમાં તમે શું કામ જીવ બાળો છો? હીટર બળે છે, તે કંઇ તમે ખરીદીને આપેલું નથી બળતું, એ તો ભેટ માં આવેલું બળે છે. 
જોકની વાત જવા દઇએ તો પણ ભેટ શબ્દ કેવો મજાનો છે. ભેટ નાની હોય કે મોટી, તે મેળવવામાં આપણને દરેકને ખુબ આનંદ આવે છે. નાના હોય કે મોટાં, દરેકને ભેટ મેળવવી ગમતી હોય છે. એક દિવસ અમને પણ એક સુંદર ભેટ મળી. એ મળી ત્યારે ખુબ જ સુંદર અને આકર્ષક ગીફ્ટ પેપરમાં લપેટાયેલી હતી. અમે ઘરના ચારે સભ્યો,  હું - મારા પતિદેવ - મારો મોટો દિકરો અને મારો નાનો દિકરો -  એને ફરતે ઘેરો ઘાલીને ઊભા રહી ગયા. એના ઉપરના આવરણો દૂર કર્યા તો એ મજાના રંગીન પ્લાસ્ટિક કવરમાં આરક્ષિત હતી. એનું કવર ખોલ્યું ત્યારે સૌ એક સાથે બોલી ઊઠ્યા, વાઉ !  અદભૂત !  બ્યૂટિફુલ !  એક્સલન્ટ !
સાવ શુધ્ધ ૨૪ કેરેટના સોનામાંથી ઘડી હોય એવી સુંદર કંચનવર્ણી એની કાયા હતી, જોતાની વારમાં જ એના પ્રેમમા પડી જવાય એવો એનો લોભામણો દેખાવ હતો. બધાએ વારા ફરતી એને હાથમાં લઈ, એના સ્પર્શનો રોમાંચ માણ્યો. પછી એક કોરાં પેપર પર એની ચાલ પણ ચકાસી જોઇ,  ‘A’ ગ્રેડ સર્ટિફિકેટ પણ આપી દીધું. પરંતુ હવે? હવે જ ખરી મુશ્કેલી શરુ થઈ. એક પેચીદો પ્રશ્ન પેદા થયો, આ મજાની પેનને રાખશે કોણ?’ એનો માલિક કોણ?’ કોણ હશે એ સદનસીબ કે જેની પાસે આ પેન રહેશે?’
-જુઓ, હું એક લેખિકા છું, એટલે પેન તો મારી બેન જેવી. એની સાથે તો મારે સાત જનમનું સહિયરપણું.  મને એની જરુરિયાત છે, એના કરતાં પણ એક સાચા કદરદાન તરીકે એને મારી ખાસ જરુરિયાત છે.
-મમ્મી, આવો અન્યાય ન ચાલે. પપ્પા, તમે જ મમ્મીને કંઇ કહોને, પ્લીઝ. બંને બાળકો એકસાથે બોલી ઉઠ્યા.
-સાંભળો મારાં વહાલાં દિકરાઓ. મારા જ ગામ સુરતના વીર કવિ નર્મદે કલમના ખોળે માથું મૂકીને એટલે કે પેનની પૂરેપૂરી શરણાગતિ સ્વીકારતાં કહેલું, હવે તારે ખોળે છઉં. (છું)  એમ મને પણ જો આવી સુંદર-સજીલી પેન મળતી હોય તો એના ખોળે માથું મૂકવા હું પણ તૈયાર છું.  મેં ગર્વપૂર્વક કહ્યું.
-તારા ઉત્સાહને અમે ત્રણે જણ આવકારીએ છીએ. પણ તું એક જોક સાંભળ. પતિદેવ ઉવાચ.
‘એક કવિનો કાવ્યસંગ્રહ પ્રગટ થયો. થોડા સમય બાદ એના મિત્રએ પૂછ્યું, કંઇ વેચાયું?’  કવિએ કહ્યું, હા. મારાં ઘરનાં સોફાસેટ અને ડાઇનીંગ ટેબલ-ખુરશીઓ વેચાઇ. માટે જ તને કહું છું કે પેનના ખોળે માથું મૂકવાનું માંડી વાળ. એનો ઉપયોગ તો ચેક પર અને ડોક્યુમેન્ટ્સમાં સહી કરવા માટે જ થાય તે સારું. એટલે એ પેન એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે એટલે કે મારી પાસે રહે તે જ વધુ  યોગ્ય  છે.’ 
-તમારી વાત તો સાચી છે. પણ ચેક પર સહી કરવા જેટલું બેંક બેલેન્સ તો હોવું જોઇએ ને?
-વાહ! મારી સાથે રહીને તું ય સ્માર્ટ થતી જાય છે.
-તો પછી તમને નથી લાગતું કે આવી સુંદર પેન તો મારાં જેવાં સ્માર્ટ લોકો પાસે જ હોવી જોઇએ?
અમારી બે જણની ચર્ચા સાંભળી  રહેલાં અને તાજા જ C.A. થઈને એક સારી કંપનીમાં, સારી પોસ્ટ પર જોડાયેલા મારા મોટા પુત્રનો આ પેન  બાબતે અભિપ્રાય એવો હતો કે, આવી એક્સલન્ટ પેન તો એના જેવા યંગ અને ઇન્ટેલિજન્ટ વ્યક્તિ પાસે જ શોભે, જેના થકી એ અગત્યની કોન્ફરન્સમાં ભાગ લેવા જતી વખતે શર્ટના પોકેટમાં દેખાય એ રીતે ગોઠવીને રોલો પાડી શકે. તો વળી C.A. ના ફર્સ્ટ ઇયરમાં ભણતાં મારાં નાના પુત્રનું માનવું એવું હતું કે, આ પેન તો એના જેવા સીન્સીયર સ્ટુડન્ટના માટે જ સર્જાઇ છે. જેના વડે એ એની  C.A. ની એક્ઝામ આપીને ડીસ્ટીંક્શન માર્ક્સ સાથે પાસ થઇ  શકે.
-લગ્ન પહેલાં તો તમે મારાં માટે બુકે, પર્ફ્યુમ્સ, કોસ્મેટીક્સ ને કેવી કેવી ગીફ્ટ્સ લાવતાં. મેં મારા પતિને ઇમોશનલ બ્લેકમેલ  કરવાની ટ્રાય કરી જોઇ.
-તો શું? એમણે મારા પ્રયત્નને નિષ્ફળ કરતાં નિર્લેપતાથી કહ્યું.
-અને હવે તો તમે મારા માટે કંઇ લાવતાં પણ નથી.
-તેં કોઇ માછીમારને જાળમાં ફસાયેલી માછલીને ખાવાનું નાંખતાં જોયો છે?
-તમે શું કહો છો, મનીષભાઇ? અત્યાર સુધી અમારી ચર્ચા શાંતિથી સાંભળી રહેલા મારા પતિના મિત્રને અમે પૂછ્યું.
-ચાલોને આપણે થોડા સમય માટે બોલવું બંધ કરીએ. એમણે એમના હંમેશ મુજબના શાયરાના અંદાજમાં કહ્યું.
-હેં? અમે ચારે જણ એકસાથે બોલી ઊઠ્યા.
-હેં નહીં, હા કહો. જુઓ, તમને એક સરસ મજાની રચના સંભળાવું. 
-મારે કોઇ રચના-બચના સાંભળવી નથી.પેન કોણ રાખે તે બોલ.
-શાંતિ રાખ. રચનાના અંતે તને એનો જવાબ મળી જશે.
-મનીષભાઇ, તમે રચના જરુર સંભળાવો. મને સાંભળવામાં રસ છે. મેં ઉત્સાહમાં આવીને કહ્યું.
-ભાભી, આ ઘરમાં સાહિત્યના ખરાં કદરદાન માત્ર તમે જ છો.
-ખોટાં વખાણ છોડ, અને ટુંકમાં તારી વાત પતાવ.
-ઠીક છે. સાંભળ. ચાલોને, આપણે થોડા સમય માટે બોલવું બંધ કરીએ.આપણી જીભના ઓશિકાં કરીને શબ્દો ભલે સુએ. મૌનને વિસ્તરવા દઈએ, કેમ કે...
-કેમ કે?
-કેમ કે આપણે તેમ ન કરીએ તો આપણી જીભ પરથી ગબડી ગબડીને ખોખરાં થઈ જશે શબ્દો. અને પછી તો સમર્થ સાહિત્યકાર-ડૉક્ટરો  પણ આવીને કહેશે, એલાસ! ઇટ્સ ટુ લેટ, ધી પેશન્ટ ઇઝ ડેડ. આવું ન થાય એ માટે કોણ, ક્યારે, કયો શબ્દ બોલે તે નક્કી ન થાય ત્યાં સુધી આપણે બોલવું બંધ કરીએ.
-વાહ ! વાહ ! અદભુત ! મેં દાદ આપી.
-ક્યાંથી ઉઠાવી? પતિદેવે સવાલ ઉઠાવ્યો.
-શું?
-આ રચના વળી.
-એ ને? એ પ્રસિધ્ધ લેખક, વ્યાખ્યાતા મેનેજમેન્ટ એક્સપર્ટ સ્વર્ગસ્થ શ્રી દોલતભાઇ દેસાઇની રચના છે.
-રચના ખુબ સરસ છે, પણ મનીષભાઇ, તમે એ તો કહ્યું નહીં કે પેન કોણ રાખે?
-અરે ! આખી રામાયણ પતી ગઈ, સીતાનું હરણ થયું અને પછી તમે પૂછો છો, હરણની પાછી સીતા થઈ કે નહીં?’
-વોટ ડુ યુ મીન? મનીષ?
-આઇ મીન કે- આ પેન કોણ, ક્યારે, કેટલા સમય માટે રાખે તે નક્કી ન થાય ત્યાં સુધી હું એને રાખીશ.
અમે ચારે મોં વકાસીને ઉભા હતા, અને મનીષભાઈ પેન લઈને ચાલતા થયા.


Wednesday, 20 December 2017

એક અનોખું વૃધ્ધ સંમેલન.

એક અનોખું વૃધ્ધ સંમેલન.      પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

દર શનિવારની જેમ આ શનિવારે પણ, ગાંધીબાગનાં ત્રણ વાંદરાનાં પૂતળા આગળની લોનમાં વૃધ્ધ સંમેલન યોજાયું હતું. આ પૂતળું એક પ્રતિક હતું. બુરા મત બોલો, બુરા મત દેખો, બુરા મત સુનો એવી શીખ આપતું હતું. એકત્ર થયેલાં વૃધ્ધોમાં નિવૃત્ત ગૃહસ્થો અને ગૃહિણીઓ હતી. તેઓ દર શનિવારે કોઈ સારા વક્તાને બોલાવીને તેમનું વક્તવ્ય સાંભળતા અને ચર્ચા કરતાં. આજે સદ્પરિવાર વાળા યુવાન કુમારભાઈનું વક્તવ્ય હતું.   
આ બાગમાં આવનારા વડીલોને સમયનું ખાસ બંધન નહોતું. તેથી તેઓ વક્તવ્યના સમય કરતાં ઘણા વહેલા આવી જતાં. અને વક્તવ્ય પત્યા પછી પણ, એકબીજાને બેહોને બે-ઘડી  એમ કહેતાં. સાપેક્ષતાની થીયરી પ્રમાણે આ બે ઘડી એમના માટે બે કલાક થઈ જતાં. કુમારભાઈ બરાબર પાંચના ટકોરે આવ્યા અને એમણે પોતાનું વક્તવ્ય શરૂ કર્યું.
‘’આદરણીય વડીલો, આજે આપ સૌના જીવનમાં ઉપયોગી થાય એવી બે- ચાર વાતો લઈને  હું અહીં ઉપસ્થિત થયો છું. કહેવાય છે  કે - વૃધ્ધાવસ્થા એ બાળપણનું જ બીજું રૂપ છે. કોઈ ચંચળ બાળકને તમે કહો કે, સીધો બેસ તો બે ઘડી એ સીધો બેસે, અને  ફરી તોફાન કરવા માંડે, એ જ રીતે વૃધ્ધોને - વડીલોને અમે બે - ચાર સારી વાત શીખવાડીને જઈએ, તે પછી બે-ચાર દિવસ તેઓ એ વાત સ્વીકારે, અનુસરે અને પછી પાછા હમેશની ઘટમાળમાં જ જીવે.પાકે ઘડે કાંઠા ન ચઢે એ એમના મનમાં, ઘર કરી ગઈ હોય છે. પણ હે વડીલો ! આપ સૌ તો સુજ્ઞજનો છો, સમજુ છો. તેથી મારી આજની વાત જીવનમાં ઉતારશો અને બાકીનું જીવન આનંદથી ગુજારશો એવી મને શ્રધ્ધા છે.
૧- વારંવાર ઘડિયાળમાં  જોઈને,  કેટલા વાગ્યા?’, કેટલાવાગ્યા?’ એમ પૂછવાનું બંધ કરજો. ભગવાનનું નામ લો, શ્લોક બોલો, માળા જપો, સારા પુસ્તકો વાંચો, સારા વ્યાખ્યાન કેસેટ -સીડી.. સાંભળો, સારુ વિચારો, સારા માણસનો સંગ કરો,
૨- ખાન પાન સાન - ભાન અને માન, આ પાંચ શબ્દો બરાબર સમજી લો. આ ઉંમરે ખાવા - પીવાનું ધ્યાન રાખો. પચે એટલું જ અને એવું જ ખાઓ - પીઓ. ઘરના માણસોની વાતો સાનમાં સમજી જાઓ અને બોલવાનું ભાન રાખો, તો તમારું માન આપોઆપ જળવાશે.
૩- આ ઘરમાં તો મારું કહ્યું જ થાય એવી મમત કે જીદ છોડી દો. ધીમે ધીમે બધું છોડતા જાઓ, તો ઇશ્વરની નજીક પહોંચી શકશો.
૪- ચિંતા છોડો ( છોકરો પચીસ વરસનો થયો પણ પરણવાનું નામ લેતો નથી, રામ જાણે ક્યારે પરણશે) , પારકાની પંચાત છોડો ( પડોશીની છોડી રાતના નવ-દસ વાગ્યા સુધી બહાર ભટકે છે),  બીજાની ટીકા - નિંદા કરવાનું છોડો ( ઘરમાં પરણીને આવ્યે વીસ  વરસ થયાં, પણ વહુને  હજી બાસુંદી બનાવતાં આવડતું નથી),  ભૂતકાળમાં કરેલા ત્યાગ કે આપેલા ભોગનો અફસોસ ન કરો (અમે તો ટાંટિયા - તોડ કરીને બે પૈસા બચાવ્યા, પેટે પાટા બાંધીને છોકરાંને ભણાવ્યા - પરણાવ્યા,અને જુઓ તો - એ લાટસાહેબો હવે મોટી મોટી ગાડીયુંમાં મહાલે છે, ધૂમ પૈસો વાપરે છે.).
૫- તમારા જમાનાની વાત, તમારા ભવ્ય ભૂતકાળની યશોગાથા, એક ની એક વાત વારંવાર કહેવાનું ટાળજો. સમય પ્રમાણે તમારા વિચારો, તમારી જાતને બદલજો. ઘરનાંને અનુકૂળ થઈને જીવતાં શીખજો, તો તમારું ઘડપણ ઉજમાળું - આનંદમય બનશે. 
કુમારભાઈનું વક્તવ્ય પૂરું થયું, એટલે વૃધ્ધજનોએ એમને તાળીઓથી વધાવ્યાં.  કુમારભાઈ વિદાય થયા પછી વૃધ્ધો ટોળે વળીને વાતોએ વળગ્યાં.
સન્મુખરાય : આ કુમાર ! અંગુઠા જેવડો છોકરો ! એને મેં એકડો ભણાવેલો. આજે એ મને - આપણને ભણાવવા નીકળ્યો. બે વાત શું શીખી લીધી કે આપણને સલાહ આપવા નીકળી પડ્યો. આપણને તોફાની બાળક સાથે સરખાવવા નીકળ્યો, અને એ ભૂલી ગયો કે એના તોફાન બદલ મેં એને કેટલીય વાર શિક્ષા કરી હતી. 
જીવણલાલ : પણ સન્મુખરાય, વાત તો એણે સો ટચના સોના જેવી - સોળ આની સાચી જ કરી ને?
મગનલાલ : વાત ગમે તેટલી સાચી હોય તો શું થયું ? આપણને વડીલોને એ ટેણિયો સલાહ આપી જાય એ સારું તો ન જ કહેવાય ને ? એકલા આપણે વડીલોએ જ બદલાવાનું ? આપણા સંતાનોની આપણા પ્રત્યે કંઈ ફરજ ખરી કે નહીં ?
કાંતિલાલ : અરે એ તો બોલનારા બધા બોલ્યાં કરે. હું તો વડીલ હોવાને નાતે, મારા  ઘરનાં માણસોને આંગળીના ટેરવે નચાવું છું. ખાવાનું ટાઈમસર નહીં આપે તો આ મારી પત્ની કાંતા અને વહુની ધૂળ કાઢી નાખું.  પીવી હોય ત્યારે ચા મૂકાવું, પછી ભલેને રાત્રીના ૧૧ કેમ ના વાગ્યા હોય. હું માંગુ ત્યારે - તે વસ્તુ મને મળવી જ જોઈએ. કોઈની દેન છે કે મને ના પાડે? ઘરમાં શું રાંધવું અને બહાર શું ચાંલ્લો કરવો, બધું મને પૂછીને જ થાય છે.
જીવણલાલ : આજના જમાનામં આવા આજ્ઞાંકિત છોકરાં - વહુ તો નસીબદાર હોય એને જ મળે.
કાંતિલાલ :અરે,  ધૂળ આજ્ઞાંકિત ! આ તો મારી પાસે ભરપૂર દલ્લો (માલ - મિલકત) પડ્યો છે, અને  તે બધાંને મેળવવો છે, એટલે નીચા નમીને બધાં સેવા કરે છે. બાકી તો હું જાણું ને કે બધાં સ્વાર્થના સગાં છે.
મગનલાલ : એમ તો દલ્લો તો મારી પાસે પણ ક્યાં નથી પડ્યો ? પણ મારાં ઘરવાળાને કે છોકરાંને એની જરાય પડી નથી. આ મારી પત્ની મંજુલા જ કહે છે, પૂળો મૂકો તમારા દલ્લામાં
મંજુલા : તે કહું તો ખરી જ ને ? ચમડી તૂટે પણ દમડી નથી છૂટતી, તમારા એવા દલ્લાને શું ધોઈને પીવાનો ? કોઈ દિવસ થયું નથી કે લાવ, આના માટે બે સારા લુગડાં લઉં કે સોનાની બંગડી કરાવું.
મગનલાલ : આ ઉંમરે એવા બધા ભભડા શું કરવાના ? બહુ પહેર્યું - ઓઢ્યું પણ બૈરાંને સંતોષ જ નહી.
જીવણલાલ : ચાલો તમે બન્ને આ બાબત પર ઝગડવાનું બંધ કરો. સંસાર છે, ચાલ્યા કરે એ તો. આ જુવોને, હું અને જીવી,આજે અમે  બન્ને સાથે  અહીં વ્યાખ્યાન સાંભળવા આવવના હતાં. પણ વહુ કહે, બાપુજી,આજે તમે બાને સાથે ન લઈ જતા. આજે ઘરમાં ઘણા મહેમાન જમવા આવવાના છે, તે બા ટીકુને રાખે તો હું રસોઈ બનાવી શકું.
કાંતાબેન : લ્યો, વહુએ તો સાસુને આયા બનાવી દીધી. મને તો વહુએ જ્યારે પહેલી વાર આ રીતે બિટ્ટુને રાખવાનું કહેલું, ત્યારે જ મેં તો ધડ દેતીકને ના પાડતાં કહી દીધેલું, તારા જણ્યાને તું રાખ બાઇ, મેં મારાને મોટો કરીને તને સોંપી દીધો, હવે મારી જવબદારી પૂરી, મને હવે એવી પળોજણ ન ફાવે.  ખરુંકે નહીં ?
મંજુલા : અરે વાત જ જવા દો ને, કાંતાબેન. શું ખરાબ જમાનો  આવ્યો છે. આ મને જરાક ડાયાબિટિશ થયો કે, છોકરાએ હુકમ છોડ્યો, બા, તમારે ભાત નથી ખાવાનો, બટાકા નથી ખાવાના, ખાંડવાળી ચા નહીં પીવાની, મીઠાઈની તો સામે પણ નથી જોવાનું અરે ત્તારી ભલી થાય ! તારી ઘરવાળી મારી નજર સામે માલમલીદા ઝાપટે, ઘી વાળી રોટલી ખાય, અને મારે કાચું - કોરૂં ખાવાનું ? હું તો મારે મન થશે તે ખાઈશ, મારે હવે ગયા એટલા વર્ષ થોડા જ જવાનાં છે ? માંદી પડીશ તો તારી ઘરવાળી છે ને મારી ચાકરી કરનારી ?  પાછો ડાહ્યો થઈને મને કહે, બા, સવાર-સાંજ ચાલવા જાઓ. ચાલવાથી ડાયાબિટિશ ઘટે. મેં તો રોકડું પરખાવ્યું, વાહ રે મારા દિકરા,  તું ગાડીમાં મહાલે અને મારે ટાંટિયાતોડ કરવાની ?’ એ તો ચૂપ જ થઈ ગયો.
કાંતાબેન : એમ તો મને પણ હાઈ બ્લડ પ્રેશર છે. દિકરો કહે છે, મા, ગુસ્સો ન કર, ચિંતા ન કર, બ્લડ પ્રેશર વધી જશે.  પણ સ્વભાવનું કોઈ ઓસડ નથી. હવે તો મશાણના લાકડાં ભેગો જ જશે આ સ્વભાવ.  ચિંતા કર્યા વિના  રહેવાતું જ નથી, અને ગુસ્સો આવે ત્યારે મારા જેવી ભૂંડી બીજી કોઈ નહીં.
કાંતિલાલ : હાસ્તો, તારા જેવી ભૂંડી બીજી કોઈ નહીં, એ વાત તું અને હવે તો બધાં જ સારી રીતે જાણે છે. હવે કોઇ તારી નજીક ફરકતું નથી અને  બધાં જ તારાથી દૂર થઈ ગયાં છે. આખી જીંદગી તું કડવી રહી અને મારું જીવતર પણ તેં કડવું ઝેર કર્યું.
કાંતાબેન : છો રહ્યાં અમે કડવાં, તમે ય તે ક્યાં ઓછાં ઉતરો એવાં છો ? રિટાયર્ડ થયા પછી ઓફિસના કે ઘરના લોકો ક્યાં તમારો ભાવે ય પૂછે છે ? આખો દિવસ ભૂત જેવા ભમ્યા કરો છો અને બધાંનો જીવ ખાયા કરો છો.
જીવણલાલ : લ્યો, હવે તમે બન્ને બાઝવા માંડ્યા ? ખમ્મા કરો બાપા. એમ તો મને નવરો જોઈને મારો દિકરો પણ કહ્યા કરે છે, બાપુજી, તમે સાવ આમ નવરા બેસી રહો છો, એ કરતાં શેરીના બાળકોને ભણાવતાં હોય તો ? એમને વાર્તાઓ કહો,  હોસ્પિટલમાં માંદા માણસની ખબર પૂછવા જાઓ. એની વાત પણ કંઈ ખોટી તો નથી જ. પણ હવે મને જ મન નથી થતું આ બધું કરવાનું, તન અને મન, બન્નેથી થાકી ગયો છું.
કાંતાબેન : જીવણલાલ, પણ તમે જ કહો. આપણે પેટે પાટા બાંધીને દિકરાને મોટો કર્યો અને હવે બધો લાભ પેલી વીસનખી  ખાટી જાય, તો જીવ તો બળે કે નહીં ?
મંજુલા : હું તો આખી સોસાયટીમાં જઈને બન્નેની આબરુના એવા તો ધજાગરા ઉડાવું કે બન્ને સમસમીને ચુપ બેસી જાય છે. ક્યારેક વળી પેલીનો ચઢાવ્યો દિકરો કહે, મા, તમે ઘરની વાત બહાર કરો છો તે સારું નથી, પારકાં આગળ પોતાનાની એબ શું કામ ખોલો છો ?’
મગનલાલ : પણ  દિકરાની વાત તો સાચી જ ને ? તારા આવા વર્તનથી પારકાની ખોટી ખોટી સહાનુભૂતિ તો આપણને મળી જાય, પણ આપાણા દિકરા - વહુનો પ્રેમ જ આપણને નહીં મળે.
મંજુલા : લ્યો બોલ્યા. પ્રેમને તે શું ચાટીને પીવો છે ? કે પછી એના ચાંદ ગળે લટકાવવાના છે ? હું તો કહું છું આપણ પાસે પૈસા પડ્યા હશે તો સૌ કોઈ આજુબાજુ રહેવાના જ છે.
જીવણલાલ : વાતવાતમાં અંધારું થઈ ગયું, ચાલો હું હવે જાઉં ને છોકરાંને રાખું તો જીવી, વહુને થોડી મદદ કરાવી શકે.
બધાં : ચાલો, ત્યારે અમે પણ હવે ઉઠીએ. આજે વ્યાખ્યાન સાંભળવાની અને ચર્ચા કરવાની બહુ મજા આવી. બાકીની વાતો આવતા શનિવારે કરીશું. સૌને જેશીકૃષ્ણ !   

Wednesday, 13 December 2017

ઘોંચપરોણ.

ઘોંચપરોણ.          પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી. 

રમેશ: ઈતિહાસ કહે છે કે સાવિત્રી નામની સતી સ્ત્રી એના પતિ સત્યવાન ને યમરાજ પાસેથી બચાવીને પાછી લઈ  આવી હતી.
મહેશ: હા યાર, લાચાર-બિચારા પતિને પત્નીથી કોઇ બચાવી ન શકે, યમરાજ પણ નહી.
આ વાત મને એટલા માટે યાદ આવી કે એક દિવસ સમાચાર પત્રમા મેં એક સમાચાર વાંચ્યા, મહેસાણા ડીવીઝન પોલીસ મથકમા તા.૧લી એપ્રિલ,૨૦૧૩- સોમવારના રોજ સાંજે ૪ વાગ્યે એક પત્ની પોતાના જ પતિની સામે નજીવી બાબતમા ફરિયાદ નોંધાવવા આવી હતી.. ભલે આ બનાવ ૧લી એપ્રિલના રોજ બન્યો હતો, પણ એ સાચૂકલો બનાવ હતો, એપ્રિલ ફુલ નો નહોતો. અને બીજી વાત એ કે aપતિઓ (પુરુષો) ને મન ભલે કોઇ  બાબત નજીવી લાગતી હોય, પત્નીઓ ( સ્ત્રીઓ) ને મન એ બહુ જ મહત્વની હોય છે. પત્ની પોતાના પતિ સામે ફરિયાદ કરવા માંગતી હતી કે, વસઈમા રહેવા ગયા પછી મારો પતિ મને ખુબ પરેશાન કરે છે. માત્ર બે મહિના પહેલાં જ આ યુગલના પ્રેમલગ્ન થયા હતાં.
અહીં મને એક જોક યાદ આવે છે.
- હું અને મારી પત્ની ૧૦ વર્ષ સુધી ખુબ સુખી હતા.   પતિ પોતાના મિત્ર આગળ પોતાની સ્થિતિ વર્ણવતા કહે છે.
 -અચ્છા, પછી શું થયું?  મિત્ર જીજ્ઞાસાથી પુછે છે.
- પછી અમારા લગ્ન થઈ ગયાં.  પતિ લાંબો નિસાસો નાંખીને કહે  છે.
જોકની વાત જવા દઈએ અને મૂળ વાત પર આવીએ તો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયેલી પત્ની આમ પાછી દયાળુ પણ હતી. એણે ઉદાર દિલે ઓફર મૂકી, જો મારો પતિ અહીં અને અત્યારે જ ૧૦૦ ઉઠક-બેઠક કરે તો હું એને માફ કરી દઊં અને ફરિયાદ ના નોંધાવું.  હવે મને ખ્યાલ આવે છે કે આપણી સરકારે વોટ આપવા માટે ૧૮ વર્ષ અને લગ્ન કરવા માટે ૨૧ વર્ષ ની ઉંમર કેમ રાખી છે. સરકાર જાણે છે કે દેશ ને સંભાળવા કરતાં પત્નીને સંભાળવી અઘરી છે અને એટલે જ સરકાર આ કાયદા વડે છોકરાઓને કાચી ઉંમરે મુસીબત વહોરી લેવામાંથી ઉગારે છે.
પોલીસ મથકમા ફરિયાદ નોંધાવવાની ધમકી આપીને પત્નીએ પતિને ૧૦૦ ઉઠક-બેઠકની સજા ફરમાવી અને પતિએ એ માન્ય રાખીને એ મુજબ સજા ભોગવી પણ ખરી. પોલીસો રમૂજપૂર્વક આ ઘટના નિહાળી રહ્યા. હકીકત તો એવી હતી કે પતિએ પત્ની સાથે વાસણ ખરીદવા બજારમા જવાની ના પાડી હતી અને પત્ની એટલે પતિ ઉપર વીફરી હતી, અને છેવટે પોતાનો ગુસ્સો આ રીતે વ્યક્ત કર્યો હતો. પહેલાંના જમાનામા સુખ-દુખ, માન-અપમાન થી પર હોય એને સંત કહેવાતા, હવે એ લોકો પતિ કહેવાય છે.
ઉપર મુજબના પોલીસ સ્ટેશન વાળા કિસ્સાથી પણ વધારે રસપ્રદ કિસ્સો એ જ દિવસના સમાચાર પત્રમા એજ સમાચારની બિલકુલ બાજુમા જ છપાયો હતો.પતિ-પત્ની નો જ કિસ્સો હતો. તિરુવનંતપુરમના સમાચાર હતા, કેરળના વનમંત્રી ગણેશકુમારના પત્નીએ એમની ધોલાઇ (મારપીટ) મંત્રીના સ્ટાફ સમક્ષ જ કરી હતી. (૨૨ મી ફેબ્રુઆરી, ૨૦૧૩ ના રોજ) મંત્રી બહાદુર હતા એટલે એમણે પત્નીએ કરેલી ઇજાના નિશાનો સાથે તસવીરો પણ છપાવી અને છુટાછેડાની અરજી પણ કરી. આવા બહાદુર પતિઓ પણ આ દુનિયામા ભલે ઓછા તો ઓછા પણ વસે છે ખરા.
જજ : સાંભળ્યું છે કે છેલ્લા દસ વર્ષથી તમે તમારી પત્નીને ડરાવી-ધમકાવીને ઘરમા રાખી છે ?
આરોપી : પણ..જજ સાહેબ.....
જજ : સફાઇ આપવાની જરુર નથી, ફક્ત એ કહો કે તમે આવું કઈ રીતે કરી શક્યા ?
ઘણા પતિઓની ફરિયાદ છે કે પત્નીઓ તેમને સતત ઘોંચપરોણ કરતી રહે છે, અને આ માત્ર ભારતદેશના જ નહી સમગ્ર વિશ્વના પતિઓની ફરિયાદ છે. (કાગડા બધે જ કાળા ?)  બ્રિટનની એક સંસ્થાનું રસપ્રદતારણ એવું છે કે, મહિલાઓ મોટેભાગે કામ-કાજ, ખાવા-પીવાની ટેવ (હું માનું છું કે  ખાસ કરીને  પીવાની ટેવ) અને આરોગ્યની બાબતો અંગે પુરુષોનો વાંક કાઢીને એમને ટોકતી રહે છે.
પત્ની : બસ કરોને હવે, ચાર પેગ તો ઓલરેડી થઈ ગયા.
પતિ : અરે, ચાર પેગમા મને કંઇ ચઢી ન જાય, જો સામેના ટેબલ પર ચાર જણ બેઠા છે ને તે હું બરાબર જોઇ શકું છું, સમજી ?
પત્ની :  હું તો બરાબર સમજી, પણ સામેના ટેબલ પર એક જ જણ છે, તમે સમજ્યા ?
બ્રિટીશ સંસ્થાના સર્વેનું રસપ્રદ તારણ એવું છે કે પત્નીઓ વર્ષમા ૭૯૨૦ મિનીટ પતિઓનો વાંક કાઢવામાં ખર્ચી નાંખે છે. મારું માનવું એવું છે કે પત્નીઓનો સમય મેકઅપ ગોસીપ શોપીંગ અને હવે તો સોશિયલ સાઇટ્સ જેવી કે  ફેસબુક-વોટ્સપ.. વગેરેમા ખર્ચાય  જાય છે, એટલે આટલો ઓછો સમય પતિઓને (વાંક કાઢવા) માટે ફાળવી શકે છે.  વળી પુરુષો તો જંગલમા આડેધડ ઉગી નીકળેલા ઝાડવાં જેવા હોય છે. એમને બાગ (સંસારરુપી બાગ) માં ઉગતા છોડવા જેવા વ્યવસ્થિત કરવા અને વ્યવસ્થિત રાખવા એ જેવું તેવું કામ નથી. ભલભલાના હાંજા ગગડી જાય એવું કામ છે. પણ પત્નીઓ થાક્યા વિના કે કંટાળ્યા વિના આ બોરીંગ કામ કરે છે. અને કૃતઘ્ની પુરુષો ? એમની આ સદ્પ્રવૃતિને  ‘ઘોંચપરોણ જેવું નામ આપે છે.
બ્રિટીશ સંસ્થા એમના સર્વેક્ષણના તારણમાં ઉમેરો કરતા કહે છે, પત્નીઓ પતિઓનો વાંક કાઢે છે એટલું જ નહીં, પણ  તે ખુલ્લેઆમ - છડેચોક કરે છે. અને એ અંગે જરા પણ શરમ કે ખેદ અનુભવતી નથી. કેમ કે એમ કરવાનો એમનો અધિકાર છે, એવું તેઓ માને છે. ઘણી સ્ત્રીઓ ઘરને વ્યવસ્થિત રાખવાના કામમા મદદ નહીં કરવા બદલ પતિઓને ઘોંચપરોણ કરતી રહે છે.  સાચુ કહું તો વ્યવસ્થિત ઘર અંગેની વ્યાખ્યા પતિઓ અને પત્નીઓ ની જુદી જુદી  હોય  છે.
ઇંસ્પેક્ટર : અરે ! તમારા કબાટમા કપડા આટલા બધા અસ્ત - વ્યસ્ત પડ્યા હતાં, તો પણ તમને શંકા ના ગઈ કે તમારે ઘરે ચોરી થઈ છે ?
સ્ત્રી : સાહેબ, હું તો સમજતી હતી કે રોજની જેમ મારા પતિએ ઓફિસ જતાં કબાટમાંથી શર્ટ કાઢીને પહેર્યું હશે. એ તો જ્યારે સાંજે ઘરે આવ્યા અને એમણે મને કહ્યું કે, આજે મેં કબાટ ખોલ્યું જ નથી. શર્ટ તો મેં બેડરુમના દરવાજાની પાછળ ખીંટી પરથી લીધું હતું. ત્યારે મને શંકા ગઈ કે ઘરમા ચોરી થઈ લાગે છે.
મોટેભાગે તો કામ - કાજમા મદદ નહીં કરવા બદલ જ પત્ની પતિને ટોકતી  હોય છે. ઇંટેલિજન્ટ પતિ સમજીને જ ઘરકામ માટે નોકરો રખાવી દે છે જેથી એમને એ બાબતે શાંતિ મળે. પણ તેઓ ભુલી જાય છે કે, સુખ માણસના નસીબમા લખેલું હોય એટલુ મળે, પણ શાંતિ તો જેટલી પત્ની ઇચ્છતી હોય એટલી જ મળે.
પતિ : મને લાગે છે કે આપણે ઘરના કામકાજ માટે નોકર રાખી લઈએ.
પત્ની : અરે! ખોટા ખર્ચા કરવાની શું જરુર છે ? મને તો તમે મળી ગયા, સમજોને  બધું મળી ગયું.
પત્ની તો પતિ પાસે ઘરકામમા મદદની આશા રાખે જ , એટલું જ નહી કામકાજમા પતિનો સહકાર એ પોતાનો લગ્નસિધ્ધ અધિકાર છે એમ એ માને છે. પણ કેટલા પુરુષો પત્નીઓની આ લાગણીને સમજી શકે છે ? એક પતિ કુંભના મેળામા પ્રાર્થના કરતો હતો, હે પ્રભુ, ન્યાય કરો ન્યાય કરો, હમેશા ભાઇ - ભાઇ હી બીછડતેં  હૈં - કભી પતિ - પત્ની પે ભી તો ટ્રાય કરો.
હવે જે પતિ પોતાની પત્નીથી છુટવા જ માંગતો હોય, તેને તો પત્નીની દરેક વાત ઘોંચપરોણ જ લાગવાની ને ? આવા પતિઓ પોતાના મોબાઇલમા પત્નીનો નંબર લગ્નજીવનની શરુઆતમા માય લવ થી સેવ કરે છે,  છએક મહિના પછી માય લાઇફ થાય છે, એકાદ વર્ષમા માય વાઇફ’, બે વર્ષે માય હોમ’, ત્રણ વર્ષે હીટલર  અને પાંચ વર્ષમા તો રોંગનંબર થઇ જાય છે. વહાલા વાચકો... હવે તમે જ કહો, પુરુષોની આ એટીટ્યુડ જ રોંગ નથી ? સ્ત્રીઓને  ઘોંચપરોણ કરવા પ્રેરે તેવી નથી?
રમેશ : લગ્ન કરીને મને એક મોટો ફાયદો થયો.
મહેશ : અચ્છા ? શું ફાયદો થયો ?
રમેશ : મારા ગુનાઓની સજા મને જીવતેજીવ જ  મળી ગઈ.
પુરુષો આવું બોલતી વખતે ભુલી જાય છે કે.......
‘Man has sent to Earth just to struggle and Woman was sent to make sure it happens.’
પુરુષો આ વાત જેટલી જલદી સમજી લેશે તેટલું જલદી તેઓ સ્ત્રીઓને સમજી શકશે. પછી પત્નીઓની ડીમાંડ પતિઓને ઘોંચપરોણ નહી પણ વ્યાજબી લાગશે. બાકી તો સમજદારકો ઇશારા હી કાફી હૈ.
કિસીને સહી હી કહા હૈ  કી ...
‘the  Relationship between Husband and Wife is very Psychological. One is Psycho and other is Logical. Please do not use your logic to figure out who is who. Just enjoy your Married Life.’  
Wednesday, 6 December 2017

જો મને લોટરી લાગે તો?

જો  મને લોટરી લાગે તો?          પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

કંઈ લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે  આ પંક્તિ કે વાક્ય લખનાર માણસ આશાવાદી જણાય છે. મને આશાવાદી માણસો ખુબ ગમે છે, કેમ કે હું પણ આશાવાદી જ છું. હું તો માનું છું કે દરેક માણસ મૂળે તો આશાવાદી જીવડો જ હોય છે, પણ એને જીવનમાં થતાં રહેતાં કેટલાંક કડવા અનુભવોને લીધે એ નિરાશાવાદી બની જાય છે.
માણસને પરિશ્રમ દ્વારા મળેલી સંપત્તિ કરતાં, મફતમાં, ઈનામમાં, વારસામાં કે લોટરીમાં મળેલી સંપત્તિ વધારે વહાલી લાગે  છે. પેલી જાણીતી કહેવત, મૂડી કરતાં વ્યાજ વહાલું (દિકરા કરતાં પૌત્ર વહાલો) માણસના આવા સ્વભાવને ધ્યાનમાં રાખીને જ બનાવી હશે. આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઈંદિરા ગાંધી ભલે કહી ગયા હોય, કે- કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. પણ ધન કમાવવા માટે શ્રમ ઉપરાંત ઘણા વિકલ્પો છે.
લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે  એવી એક કહેવત મુજબ કેટલાક ધૂર્ત લોકો લોભિયા લોકોને મૂરખ બનાવીને, શારિરીક પરિશ્રમ કર્યા વિના ધન કમાય છે. એમાં સૌથી સરળ રસ્તો છે, એક ના બે (ડબલ) કરી આપવાનો ઘણી કંપનીવાળા આમાં પૈસા રોકનારને ઠગી જાય છે. બીજો રસ્તો, સોનાના દાગીના ચમકાવી આપવાનો આમાં ઠગ લોકો સોનાના અસલી ઘરેણાંને ચાલાકીથી નકલીમાં ફેરવી નાંખી ઘરેણાના બદલે એના ભોળા  માલિકને ચમકાવી (રડાવી) નાંખે છે.
કેટલાક ઠગ લોકો નકલી લગ્ન કરીને જીવનસાથીને છેતરીને એનું ધન પડાવી જાય છે. સુંદર છોકરીઓ પૈસાદાર મૂરતિયા સાથે લગ્ન કરીને પછી છુટાછેડા લઈને ભરણ પોષણના નામે રૂપિયા પડાવીને શ્રમ વગર ધન કમાય છે, તો સરકાર માઈ-બાપ ઇન્કમટેક્ષ દ્વારા ખુલ્લમ ખુલ્લા લોકો પાસે ધન પડાવે છે.
ચોર લોકો ચોરીછુપીથી અને લુંટારા લોકો ધાક-ધમકીથી લોકોના રૂપિયા પડાવી પોતાનો ગુજારો કરે છે.
ઠગ : તમે રસ્તાની પેલે પાર જઈ રહ્યા છો ?
રાહદારી : ના, કેમ ?
ઠગ :  તો પછી મારે તમને અહીં લુંટવાનું  જોખમ ઉઠાવવું પડશે.
જો કે આ બધી રીતે ધન કમાવવામાં ભલે ઝાઝો શ્રમ ન પડે, પણ એના માટે હિંમ્મત જોઈએ, બુધ્ધિ જોઈએ, કુશાગ્રતા જોઈએ, જોખમ ઉઠાવવાની હિમ્મત જોઈએ, ધન કંઈ એમ રસ્તામાં રેઢું થોડું જ પડ્યું હોય? નસીબ વાંકા હોય તો  ક્યારેક તો આ રીતે કમાવા જતાં વળી ધન ના બદલે જેલપણ મળી શકે છે.
   ઈનામ મેળવવા તો જાણે કે થોડી ઘણી મહેનત પણ કરવી પડે છે, ૧૯૯૭ ના વર્ષમાં મને મારા હાસ્યલેખના પ્રથમ પુસ્તક હાસ્યપલ્લવ માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી, હાસ્ય વિભાગનું બીજું ઈનામ પ્રાપ્ત થયું. અને પહેલું ઈનામ શ્રી રતિલાલ બોરીસાગરને એમના પુસ્તક એંજોયગ્રાફી માટે મળ્યું. બિમારીનું વર્ણન કરીને લોકોની સહાનુભૂતિ  મેળવી શકાય, પણ ઇનામ પણ મેળવી શકાય, એ જોઈને મને ખુબ આનંદ થયો, એટલું જ નહીં પણ પ્રેરણા અને પ્રોત્સાહન પણ મળ્યું જેના થકી મેં આખું પુસ્તક તો નહીં પણ એક લેખ, માંદગી અને હાસ્ય લખ્યો. (જે મારા થોડામાંના થોડા વાચકોને ગમ્યો પણ ખરો)
ઇનામ વિતરણ  પછીના ભોજન સમારંભમાં રતિલાલભાઈને મળીને મેં પૂછ્યું, રતિલાલભાઈ,તમે ઈનામમાં મળેલી આ રકમમાંથી શું લેવા ધારો છો?’ એમણે કહ્યું, મેં હજી કંઈ વિચાર્યું નથી. આ સાંભળીને મને નવાઈ લાગી, કેમ કે મને તો જે દિવસથી ઈનામ મળ્યાની જાહેરાત થઈ એ દિવસથી જ વિચારો આવવા માંડ્યા હતાં. ઇનામની રકમ આવશે ત્યારે  હું એમાંથી શું લઈશ? સાડી લઉં? કે પંજાબીસૂટ લઉં? કાનના સોનાના બુટિયાં લઉં? કે પછી જે ઈનામે મારા નાકની શોભા વધારી છે, તે નાક માટે હીરાની ચૂંક/ જળ લઉં?’ એક હરખ પદૂડી હું અને એક આ સ્થિતપ્રજ્ઞ રતિલાલભાઇ....
થોડીવાર ની  ધીરજ પછી મેં રતિલાલભાઈને ફરી પૂછ્યું, રતિલાલભાઈ, હવે તો કહો, તમે શું લેશો?’  હું ઊંધિયું લઈશ. એમણે જવાબ આપ્યો.   હેં, તમને ઊંધિયું એટલું બધું ભાવે છે,  કે -,  ઇનામની રકમમાંથી તમે ઊધિયું લેશો?’ મેં નવાઈથી  એમને પૂછ્યું.  ના, ના. હું તો અત્યારે જમવામાં ઊધિયું લેવાનું વિચારતો  હતો કહીને તેઓ ઊધિયું લેવા ગયા,લઈને પાછા મારી પાસે આવ્યા અને બોલ્યા, પલ્લવીબહેન, ઘણા સમયથી હું અમુક પુસ્તકો લેવાનું વિચારતો હતો, પણ મેળ પડતો નહોતો. હવે આ ઈનામનાં નાણા મળ્યાં છે, તો તેનાથી હું પુસ્તકો લઈશ.
મને એમનો આ વિચાર ખુબ જ ઉમદા લાગ્યો, પણ એક અમદાવાદી જીવ તરીકે પુસ્તકો ખરીદીને વાંચવાની વાત મારા ગળે ન ઉતરી. જો કે મેં પોતે પણ મારા પુસ્તકની મને મળેલી ફ્રી કોપીઓ ઉપરાંત બીજી ઘણી કોપીઓ ખરીદીને મિત્રો અને સગા- સંબંધીઓમાં વહેંચી છે, પુસ્તકની રોયલ્ટીની રકમ તો એમાં જ વપરાઈ ગઈ એટલું જ નહીં,  એ ઉપરાંતની રકમ પણ ખિસ્સામાંથી જોડવી પડી. એટલે આ અણધારી મળેલી ઇનામની રકમ કયા શોખ માટે વાપરું તે હું વિચારી રહી હતી.
આ તો ઈનામની રકમ, થોડીઘણી મહેનતનું પરિણામ. પણ ધારો કે કોઈ રકમ મફત મળે તો? તમને ગમે કે નહીં? ચાલો, સાવ મફત નહીં, પણ ધારો કે ૧૦૦૦ રૂપિયાના રોકાણમાં દસ કરોડ રૂપિયા મળે તો? તો તમને મજા પડી જાય કે નહીં? મેં પણ એકવાર દસ કરોડ રૂપિયાનું ઇનામ મેળવવા ૧૦૦૦ રૂપિયાની લોટરીની ટિકીટ ખરીદી. એનો નંબર ડાયરીમાં નોંધી લીધો. પછી એ ટિકીટને પ્લાસ્ટિકના ટ્રાસ્પેરન્ટ કવરમાં પેક કરીને તિજોરીના ખાનામાં સંભાળીને મૂકી દીધી. બસ, પછી તો મને દિવસ અને રાત એના જ સ્વપ્ન આવવા માંડ્યા.
જો મને દસ કરોડ રૂપિયાની લોટરી લાગી જશે, તો હું કરોડપતિ બની જઈશ. આ કરોડ રૂપિયા મૂકવા એક સ્ટ્રોંગ તિજોરી લેવી પડશે. પણ  એમાંથી હું બીજું  શું શું લઈશ? પહેલાં તો એક નાનકડો મજાનો બગીચાવાળો, સેન્ટ્રલી એ.સી. હોય એવો  બંગલો ખરીદીશ, એમાં સાદું પણ આધુનિક  ફર્નિચર કરાવીશ, એ બંગલાનું નામ હું લોટરી વીલા રાખીશ. પછી એક એસયુવી કાર ખરીદીશ, શોફરડ્રીવન કારમાં બેસીને હું આશ્રમ રોડ પર શોપિંગ કરવા જઈશ. આસોપાલવ માંથી હું સિલ્કની સાડીઓ ખરીદીશ, જોયા લુક્કાસ માંથી હું ઘરેણાં ખરીદીશ,  લીબર્ટી માંથી હું એ બધાંની મેચિંગ ચપ્પલ, સેંડલ ખરીદીશ,  હોલમાર્ક માંથી મનગમતું પર્ફ્યુમ ખરીદીશ, સફારીમાં થી એના મેચિંગ પર્સ લઈશ, અંબિકા માંથી બેંગલ્સ અને હેરપીન લઈશ, સુરભિ માંથી કોસ્મેટીક્સ લઈશ.  
આ બધું સોહાવીને હું જ્યારે ટી.વી. પર ઈન્ટરવ્યુ આપવા જઈશ, ત્યારે કેવી સોહામણી લાગીશ! (મણી કેવી સોહામણી! વાહ વાહ !)  મારી બધી બહેનપણીઓ મારાં કપડાં, ઘરેણા, ચપ્પલના વખાણ કરશે, અને આ બધું ક્યાંથી લીધું એ બાબતે પૂછપરછ કરશે. જયલલિતાજી હવે આપણી વચ્ચે રહ્યા નથી, નહીતર મારું કલેક્શન જોઇને, એમને  એમના કલેક્શન માટે ઇન્ફીરીઓરીટી કોમ્લેક્સ થઈ જાત.
હું તો પછી મારા સમગ્ર પરિવારને લઈને વર્લ્ડટુર પર જઈશ, અને પછી પ્રસિધ્ધ હાસ્યલેખક સ્વર્ગસ્થ શ્રી તારક મહેતાની  આહ અમેરિકા વાહ અમેરિકા ની જેમ, મારી  આહ દુનિયા વાહ દુનિયા એ નામે,  રસપ્રદ અનુભવોનું પ્રવાસ વર્ણન કરતી બુક લખીશ. એ બુકને જે ઇનામ મળશે,એમાંથી હું અન્ય લેખકોના પુસ્તકો ખરીદીને વાંચીશ, આમ ભૌતિક સુખ સંપત્તિની સાથે સાથે હું મારી જ્ઞાનસંપત્તિને પણ સમૃધ્ધ કરીશ.

કેટલાક લોકો કહે છે, કે- પૈસો જ સર્વ દુ:ખોનું મૂળ છે અને કેટલાક લોકો કહે છે, કે- પૈસો જ સર્વ દર્દની દવા છે. આ બે માંથી સાચું શું છે, એની માથાકૂટમાં પડ્યા સિવાય હું જરૂરિયાત વાળા લોકોને પૈસાની મદદ કરતી રહીશ. અને હા, હાસ્યલેખો લખવાનું તો હું મારા વાચકોના હિત ખાતર પણ ચાલુ રાખીશ, અને એના પુરસ્કારમાંથી મળતાં પૈસામાથી (જો પૈસા મળશે તો) હું કાયમ લોટરીની ટિકીટો ખરીદતી રહીશ. મારી વાત છોડો, વાચકમિત્રો, તમને દસ કરોડની લોટરી લાગે તો તમે શું કરશો ?