Wednesday, 30 May 2018

દાંતનો દુખાવો – ૨


દાંતનો દુખાવો – ૨         પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

તને દાંતનો દુખાવો હતો અને તું ડેંટીસ્ટ પાસે જવાની હતી, તેનું શું થયું ? જઈ આવી ?   મારી એક ખાસ મિત્ર હર્ષાએ મને ફોન કરીને પૂછ્યું.  મેં થોડા દિવસો પહેલાં જ મારા બ્લોગ હાસ્યપલ્લવ’ પર ‘દાંતનો દુખાવો’ નામનો લેખ મુક્યો હતો. મને થયું, હર્ષાએ એ લેખ વાંચીને મને ફોન કરીને ખબર પૂછી લાગે છે. હું ઉત્સાહમાં આવી ગઈ, ખુશખુશાલ થઇ ગઈ, એટલા માટે નહીં કે ડોકટરે મારા દાંતનો દુખાવો મટાડી દીધો હતો, પણ એટલા માટે કે મારી ખાસમખાસ ફ્રેન્ડે મારો લેખ વાંચીને મને ફોન કર્યો હતો.
શેક્સપિયર નામના લેખક તો કહી ગયા છે, કે ‘What’s there in a Name ?’  મતલબ ‘નામમાં તો શું છે ?’ તે છતાં આપણે સૌ આપણા નામના ખુબ જ પ્રેમમાં હોઈએ છીએ. મારા લેખની સાથે છપાયેલું મારું નામ વાંચીને,  વર્ષો પછી આજે પણ મને એટલો જ અવર્ણનીય આનંદ થાય છે. હું ૧૧ માં ધોરણમાં (જૂની એસ એસ સી) માં હતી ત્યારે બીજા વાર્તાકારોને જોઇને મને પણ  એકવાર વાર્તા લખવાનો ચસકો ઉપડ્યો. મેં વાર્તા લખી અને સુરતથી કુરિયર દ્વારા અમદાવાદના એક જાણીતા સ્ત્રી સાપ્તાહિકને મોકલી. મારી વાર્તા છપાઈ તો ખરી, પણ મારા બદલે કોઈક બીજા જ લેખકને નામે, એ જોઇને મને આઘાત લાગ્યો.
મારા પપ્પાની સલાહથી મેં કુરિયર દ્વારા મારી ફરિયાદ અને વાર્તાની  લખાણની મારી કોપી એ સાપ્તાહિકને મોકલી, પણ એમણે કઈ જવાબ ન આપ્યો. ખેર! મેં એમ માનીને સંતોષ માન્યો કે, ‘પ્રસિદ્ધ સાપ્તાહિકમા છપાઈ શકે એવી વાર્તા મને પણ લખતા આવડે છે ખરી.’ બાકી તો આ પંક્તિ લખનાર કવિએ કેટલું સરસ કહ્યું છે, ‘શ્રધ્ધાનો જ હોય વિષય તો પુરાવાની શી જરૂર ? કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી હોતી નથી.’
લગ્ન પછી તો હું ‘હાસ્યલેખો’ લખવાના રવાડે ચઢી ગઈ, સુખી લગ્નજીવનની એ આડઅસર હશે ? જે હશે તે, એમાં મારા ઘણા શુભચિંતકોએ મને પ્રોત્સાહન આપ્યું. ગુજરાતી સાહિત્ય અકાદમીએ મારા હાસ્યલેખોના  ચાર પુસ્તકોમાંથી બે પુસ્તકો(પહેલું ‘હાસ્યપલ્લવ’ અને ચોથું ’હાસ્યવસંત’) ને  હાસ્ય વિભાગનું ઇનામ પણ આપ્યું. (આ માહિતી છે કે માર્કેટીંગ ? જે ગણો તે, જમાનો જ માર્કેટિંગ નો ચાલે છે ને ?)  
મારા મુંબઈના વસવાટ દરમ્યાન ‘લેખિની’ સંસ્થાએ મારી લઘુકથા  ‘ત્રીજી દીકરી’ ને ઇનામ આપીને મને વાર્તા લખવા પ્રોત્સાહન આપ્યું. અમદાવાદ આવ્યા પછી ‘મમતા’ મેગેઝીને મારી લાંબી વાર્તા ‘સ્વાગતની તૈયારી’ ને ઇનામ આપ્યું. હું પહેલેથી જ અતિનમ્ર અને સરળ સ્વભાવની, એટલે ‘મારા હાસ્યલેખો અને વાર્તા કોઈ ઇનામના મોહતાજ નથી’, એવું કહેવાને (કે માનવાને) બદલે, મને મળેલા ઇનામથી પ્રોત્સાહિત થઈને હું  લાંબી અને ટૂંકી વાર્તાઓ પણ લખતી થઇ. હજી પણ વાર્તા લખવાની કોઈપણ ‘ઇનામી સ્પર્ધા’ વિષે જાણીને મારું મન ખુબ જ પ્રફુલ્લિત થઇ જાય છે, જો કે હવે મારામાં ઇનામની લાલચ કરતા આળસ વધી જાય, ત્યારે  હું એમાં ભાગ નથી લેતી એ વાત જુદી છે, બાકી મને વાર્તા લખવાની મઝા તો ખુબ આવે છે.
પણ ૨૦૧૫ માં  સાહિત્ય અકાદમીએ પ્રખ્યાત હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટને, અને ૨૦૧૬ માં સ્વ. શ્રી તારક મહેતાને હાસ્યનો  સર્વોચ્ચ એવોર્ડ, ‘રમણલાલ નીલકંઠ પારિતોષિક’ આપ્યો, તે પછી મને થયું કે મારે મારી આડે પાટે ચઢી ગયેલી ગાડીને ઠેકાણે લાવીને હાસ્યલેખો લખવા ખુબ મહેનત કરવી જોઈએ. ખેર ! આ તો બધી આડવાત થઇ, આપણે આ લેખની આડે પાટે ચઢી ગયેલી ગાડીને  ફરી પાટે ચઢાવીએ.
‘અરે વાહ હર્ષા! તેં મારો હાસ્યલેખ ‘દાંતનો દુખાવો’ વાંચ્યો ?’ મેં અતિ આનાદિત અવાજે એણે પૂછ્યું.  ‘તું તો જાણે જ છે  કે મને હાસ્યલેખો  કરતા આધ્યાત્મિક લેખો વાંચવાના વધુ ગમે છે, તો પછી તને એવો ભ્રમ શાથી થયો કે મેં તારો લેખ વાંચ્યો ?’ એણે સપાટ સ્વરે કહ્યું.  ‘જો તેં મારો લેખ ન વાંચ્યો હોય તો પછી તને મારા દાંતના દુખાવાની ખબર શી રીતે પડી ?’ મેં મારો શક વ્યક્ત્કાર્યો.  ‘અરે ! તેં જ તો કહ્યું હતું મને વોટસએપ પર. ( ઢન્ઢેરો પીટીને તું પોતે જ ભૂલી ગઈ કે ?)’ એણે મારી (એક લેખિકાની)  ખુશાલી ના ફૂગ્ગામાં વાસ્તવિકતાની  ટાકણી મારીને બધી હવા કાઢી નાખી. ઠીક છે, ‘દોસ્તીમાં સો ગુના માફ’, એમ સમજીને હું એને મારી દાંતના ડોકટરના દવાખાનાની મુલાકાતની દાસ્તાન સંભળાવવા ઉત્સુક થઇ.
‘સાંભળ હર્ષા, મેં સવારે જ દાંતના ડોક્ટરને ફોન કરેલો, પણ સાંજ સુધી ...’   ‘તારી સવારથી સાંજ સુધીની હિસ્ટ્રી જાણવામાં મને રસ નથી, મારી પાસે એટલો ટાઈમ પણ નથી, એટલે તું ટૂંકમાં જ પતાવ...’ એણે મારા ઉત્સાહ પર ઠંડુ પાણી રેડ્યું.  ‘તો પછી મને પણ મારી કોઈ વાત તને કહેવામાં રસ નથી... ‘ એના રુક્ષ શબ્દોથી ઘવાઈને મેં મોં ફુલાવીને અવાજમાં રીસ ઉમેરીને  કહ્યું.
‘અરે, અરે. તું તો ખોટું માની ગઈ. ચાલ, સંભળાવ તારો દંતકિસ્સો. અત્યારે હું ફ્રી જ છું, અને મેં ફોન પણ  JIO પરથી જ કર્યો છે, એટલે કોઈ ચાર્જ તો લાગવાનો નથી.’  એણે પાકા અમદાવાદીને છાજે એ રીતે કહ્યું. ‘અચ્છા ? એટલે ચાર્જ લાગવાનો હોત તો તું મારી વાત સાંભળવાનો ઇનકાર કરત, એમ જ ને ?’ મને વધુ નિરાશા થઇ.   ‘અરે, એવું તે હોતું હશે ? સાંભળ, ગાંડી. હું તો મજાક કરતી હતી.’  ‘હા, અને મજાક મજાકમા તેં મને ‘ગાંડી’ પણ કહી દીધી એમ જ ને ?’  ‘જો, સાચી વાત તો એ છે કે તું મારી ખાસમખાસ ફ્રેન્ડ છે. મારે તારા સિવાય બીજી કોઈ ક્લોઝ  ફ્રેન્ડ નથી,  જેની સાથે હું મારા દિલની તમામ વાતો શેર કરી શકું. વાત કરવામાં એક તું છે અને એક મારો ગ્રાન્ડસન. બસ બે જ સાથે મારે ફોન પર વાત કરવાની હોય, એટલે હવે રીસાયા વિના વાત કર, સમજી ?’
‘તારી સાથેની ‘લમણાઝીંક’ મા મારે સમય ક્યાં પસાર થઇ ગયો તે ખબર જ ન પડી. એક તો મારું ઘરનું કામ પણ બાકી રહી ગયું, અને બીજું,  દાંતના ડોક્ટરની મુલાકાતનો સમય પણ થઇ ગયો,  એટલે મારી દર્દભરી દાસ્તાન દવાખાને થી પાછી આવીને તને સંભળાવું છું, ઓકે ?’ મેં ઉતાવળે એણે જવાબ આપતા કહ્યું.  ‘ભલે, પણ સાંભળ, જો દવાખાનેથી આવ્યા પછી ડોકટરે થોડો સમય  બોલવાની ના પાડી હોય તો, પુરતો આરામ કરી લઈને પછી ફોન કરજે, આપણે તો તબિયત પહેલા પછી બીજું બધું, ખરું કે નહીં ?’ એણે હસીને કહ્યું.   ‘હાસ્તો વળી.’  ‘ચાલ તો પછી મોડેથી વાત કરીશું, બાય બાય’   ‘બાય બાય.’  
       


દાંતનો દુખાવો...૧


દાંતનો દુખાવો...૧    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

એક  સવારે ધીરા  અને દબાતા પગલે ‘એ’ આવ્યો.... ‘એ’ એટલે એ જ... ‘દાંતનો દુખાવો.’   ઠીક છે, આવ્યો તો ભલે આવ્યો, મેં એની ખાસ દરકાર કરી નહીં. સાચું કહું તો મેં એની અવગણના જ કરી. ‘થોડું દુખે છે ને ? મટી જશે એ તો.’  એમ માનીને મેં એને ભગાડવા એક નાનકડું લવિંગ નીચેના દુખતા દાંત પર મૂકીને ઉપરના દાંત વડે દબાવી દીધું.
મને લવિંગવાળો ઉપાય કારગત થતો લાગ્યો, દુખાવો ઓછો થયો  હોય એમ લાગ્યું. પણ જેવી લવિંગની અસર ઓછી થઇ કે ફરી એણે ઉપાડો લીધો, મને ફરી હેરાન કરવાનું ચાલુ કર્યું.  દાંતના દુખાવાનું શાસ્ત્ર એવું છે કે – ‘રામ ના બાણ વાગ્યા હોય એ જ જાણે.’ દાંતનો દુખાવો થયો હોય એ જ જાણે, બાકીનાને ખબર ન પડે. એક પ્રખ્યાત પંક્તિને જરા મરોડીને કહીએ તો - ‘માંહી પડ્યા એ મહાદુઃખ માણે, દેખનહારા શું જાણે ?’ 
‘બસ બહુ થયું, હવે આને પાઠ ભણાવવો જ પડશે’,  ભારત જેમ પાકિસ્તાની સેનાની સામે કડક હાથે કામ લે છે, તેમ મેં પણ દુખાવાની સામે કડક હાથે કામ લેવાનું નક્કી કર્યું. પતિદેવ હજી થોડા સમય પહેલાં જ દાંતના દુખાવાની ટ્રીટમેન્ટ કરાવી (દાંત પડાવી) સાજા થયા હતા એટલે મેં એમને ઉપાય પૂછ્યો. એમણે મને એમના ‘દવા ભંડાર’ માંથી એક લંબગોળ સફેદ ટીકડી કાઢીને આપી અને પાણી સાથે ગળી જવાનું કહ્યું. મેં એ પેઇન કીલર  લીધી. અર્ધો કલાક માં જ મને રાહત થઇ ગઈ. ‘વાહ હુઝુર વાહ !’ કહીને મેં એમનો આભાર માન્યો.
પણ જમતી વખતે દુખાવા એ ફરી પોતાનું પોત પ્રકાશ્યું. ‘વ્યવસ્થિત ઉપાય કરાવ્યા વિના મારી પાસે કામ લેશો તો હું મારો પરચો બતાવીશ’ એમ કહીને એણે અસહકારનું આંદોલન કર્યું. એટલે ‘તું નહિ તો તારો ભાઈ કામ કરશે...’   એમ કહીને મેં ડાબી ના બદલે જમણી તરફના દાંત વડે જમવાનું કામ પતાવ્યું.
પણ એની અવગણના મને સાંજે  ભારે પડી.  આપણે દાબમાં રાખીને શિસ્ત શીખવી હોય, તે  બાળક ઘરમાં મહેમાનો આવે ત્યારે આપણી મજબુરીનો ગેરલાભ લે, સોફા પર ઉછળે, ચોકલેટ માંગે, મુખવાસના બુકડા ભરે અને મા બાપને ત્રસ્ત કરે,  એમ જ  એ દાંતે મને હેરાન પરેશાન કરી મૂકી.
રાત્રે તો મેં સાવ ઢીલો પોચો (મારી  સ્થિતિ જેવો) ખોરાક  જમણી તરફ ચાવીને લીધો, સાચું કહું તો  પાણીની મદદ વડે ખોરાકને ગળા નીચે ઉતાર્યો. હું ભાગ્યે જ પેઈન કીલર લઉં છું, પણ લાચારીવશ એ સાંજે મેં બીજી પેઈનકીલર લીધી, એનાથી જરા સારું લાગ્યું.
મને થયું, ચાલો  દુખાવા પર તો કાબુ મેળવ્યો. પણ  એ તો માત્ર ભ્રમ હતો. ટીવી પર આવતા ‘ઝી સીને એવોર્ડ્સ’  જોતા જોતાં , સ્ટાર લોકોની ચમક દમક અને મનીશ પોલ – ભારતીની કોમેડીમાં  દુખાવો થોડીવાર વિસરાઈ ગયેલો. પણ જેવી પથારીમાં પડી એવી જ એણે  એની હાજરી બતાવીને મારી પથારી ફેરવી નાખી.
આમથી તેમ પડખા ઘસતા ઘસતા અડધી રાત થઇ ગઈ, હવે ? પતિદેવ આ ઘટનાથી અજાણ બાજુમાં નીદ્રાદેવીની શરણમાં આરામથી સુતા હતા. શું કરું, જગાડું ? ના, એમની ઊંઘ બગાડવાથી મારો દુખાવો ઓછો નહીં થાય, ઉપરથી એ ચિંતા કરશે તો મારો દુખાવો બેવડાશે,
ત્યાં જ મને ‘કોમ્બીફ્લેમ’ નામની સ્ટ્રોંગ દવાનું નામ યાદ આવ્યું. એના પર લખ્યું હતું, ‘ડોઝ કરતા વધારે લેવાથી લીવર ખરાબ થાય છે.’ એ વાંચીને થોડો ડર લાગ્યો. પણ...’ આજે તો મેં બીજી જ કોઈ દવા લીધી હતી, આ દવા કોમ્બીફ્લેમ તો પહેલીવાર લઇ રહી છું,’ એ વિચાર આવતા જ મેં ગોળી ગળી લીધી. પણ દવા એમ કઈ તરત અસર થોડી જ કરે ?
દુખાવા સાથે હું ફરી પથારીમાં પડી, ત્યાં જ મને ઘરના ફ્રીઝરમાં મૂકેલા ‘આઈસ પેક જેલ’ ની યાદ આવી. જાડા પ્લાસ્ટીકની ટ્રાન્સપેરન્ટ લંબચોરસ એક થેલીમાં બ્લ્યુ રંગની જેલ (જેલી જેવો સેમી લીક્વીડ પદાર્થ) ભરેલી હોય, એને તમારે ફ્રીઝરમાં ઠંડી કરવા મૂકી રાખવાની. એની સાથે એના માપની એક કાપડની થેલી આપી હોય,( એ બહાર રાખી મુકવાની),  આ કાપડની થેલીમાં જેલપેક મુકીને દુખાવાની જગ્યાએ દસ પંદર મિનિટ ઠંડો શેક કરવાનો.
આ ઠંડા શેકથી ‘એનેસ્થેશીયા’ જેવી અસર થાય અને દુખાવો ઓછો થાય. આ ઉપાય કારગત નીવડ્યો. મને દાંતના દુખાવામાં રાહત થઇ ગઈ અને સરસ ઊંઘ આવી ગઈ. બીજે દિવસે સવારે ઊઠીને સૌથી પહેલા દાંતના ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લઇ લીધી, એમણે સાંજની એપોઇન્ટમેન્ટ આપી. હવે તો બસ, ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ’ ની જેમ ...‘હવે દાંતના ડોકટરના હવાલે હું અને મારો દાંત,  દોસ્તો.’ અને છેલ્લે:
એક મહિલા : (દાંતના ડોક્ટરને) : ડોક્ટર સાહેબ, આપ જલ્દીથી દાંત પાડી આપો, એનેસ્થેશિયા આપવાની જરૂર નથી , અમારી પાસે ટાઈમ નથી, એક મેરેજ રીશેપ્શનમાં માં જવાનું છે.,
ડોક્ટર: તમે તો બહુ બહાદુર મહિલા છો, ચાલો આવી જાઓ ખુરશીમાં.
મહિલા: (પતિને) : ચાલો બેસી જાઓ અહી, જલદી કરો. ડોક્ટર સાહેબ, આમનો દાંત પાડવાનો છે.

યે ક્યા હુઆ ? કયું હુઆ ?


યે ક્યા હુઆ ? કયું હુઆ ?                           પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

૮ નવેમ્બર, ૨૦૧૬ ના દિને, રાત્રે ૮ વાગ્યે, ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ  એક ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો : ‘આજે રાત્રી ના ૧૨ વાગ્યા થી ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો ચલણ માંથી નાબુદ કરવામાં આવે છે.’ ‘એટમબોમ્બ’ ના વિસ્ફોટ સમાન આ સમાચાર સાંભળીને લોકો પહેલા થોડે ઘણે અંશે મૂર્છિત થયા, પછી મૂર્છામાંથી બહાર આવ્યા એટલે પાસે પડેલી આવી નોટોનું શું કરવું તેની વેતરણ માં પડ્યા.
મીનુ: તમે ઓફિસેથી આવી ગયા ? જમવાનું તૈયાર જ છે, હાથ મોં ધોઈ લો, એટલે થાળી પીરસું.
મનીશ: તું હાથ મોં ધોવાની વાત કરે છે, અહી તો નાહી નાખવાના દિવસો આવ્યા છે.
મીનું: કેમ શું થયું ?
મનીશ: ટીવી નથી જોતી ? ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ્સ ચલણમાથી નાબુદ થઇ ગઈ છે, જમવાનું મુક બાજુએ, જેટલી પણ  ૫૦૦ – ૧૦૦૦ ની નોટ પડી હોય તે ફટાફટ કાઢ, અમર (મોટો દીકરો) ને  બેન્કના એટીએમ માં પૈસા ભરવા મોકલીએ, પ્રીતિશ (નાનો દીકરો ) ને કહે, પેટ્રોલ પંપ પર જઈને વારા ફરતી બંને કારની ટેંક ફૂલ કરાવી આવે. અને આપણે બંને પહેલા જવેલર્સ ની દુકાનમાં જઈને ગોલ્ડ – ડાયમંડ જ્વેલરી ખરીદી લઈએ અને પછી ‘બીગ બજાર’ ૧૨ વાગ્યા સુધી ચાલુ છે, ત્યાં જઈને જેટલી  ખરીદી શકાય એટલી ઘરવપરાશની ચીજો  ખરીદી લઈએ, ૫૦૦ – ૧૦૦૦ ની જેટલી નોટ ઓછી થઇ એટલી સાચી.
મોદીજી એ  એ વખતે ૫૦ દિવસ સુધી, દરેક બેન્ક અને પોસ્ટ ઓફિસમાં માં ફોર્મ ભરીને આઈડી પ્રૂફ આપીને ૪૦૦૦ સુધીના મૂલ્યની ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ  બદલાવી શકાય એવી વ્યવસ્થા રાખી હતી, એટીએમ થી ૨૦૦૦ રૂપિયા ઉપાડવાની સગવડ રાખી  હતી. ચેકથી  દિવસમા ૧૦૦૦૦ અને એક અઠવાડિયામા ૨૦૦૦૦ ઉપાડી શકાય એવી ગોઠવણ કરી હતી,  આ ઉપરાંત રદ થયેલી જૂની નોટો બેંકમાં અનલીમીટેડ માત્રામાં ભરવાની છૂટ હતી. આમ પાછા મોદીબાપા દયાળુ પણ ખરા, શિયાળા માં જ આ ‘ડામ’ દીધો હતો,  જો એમણે ઉનાળે ‘લાલ’ કરી હોત તો કલાકો ના કલાકો લાઈનમાં ઉભા રહેવાથી લોકોના શું હાલ હવાલ થાત?
તે વખતે એક ઝૂંપડીમાં જોવા મળેલું દ્રશ્ય : 
છનો: સવલી, જલદી ટીફીન આપ, નઈ તો તાં બેન્કની બાર લાઈન વધી જહે.
સવિતા: મને હંધીય ખબર સે, ટીફીન  તીયાર  જ રાઈખું સે, પણ ઊ હું કેતી ઉતી કે આજે લાલ પાટીયા  વારી  બેંકની બાર ઉભા રેવાને બદલે ભૂરા પાટીયા વારી બેંકની બાર ઉભો રેજે,  હાંભર્યું  સે કે તાં રૂપિયા બદલાઈ આલવાના હો(સો) રૂપિયા વધારે મલતા સે, તણહો ની જગાએ ચારહો  રૂપિયા મલહે.
ભગવાન સત્યનારાયણની કથામાં એક પ્રસંગ આવે છે, વેશ બદલીને ભગવાન વૈશ્ય વણિકને પૂછે છે, ‘તારા વહાણમાં શું ભર્યું છે ?’ વૈશ્યવણિક કહે  છે, ‘એમાં ફૂલ પત્તી છે.’ ભગવાન કહે છે, ‘તથાસ્તુ’.  અને વહાણમાં રાખેલ સઘળું ધન, ફૂલ પત્તી થઇ જાય છે. નોટબંધીના ત્રણ મહિના પહેલા પ્રધાનમંત્રી મોદી સાહેબે પ્રજાને પૂછ્યું હતું, ‘તમારી તિજોરીમાં શું છે ? કાળું નાણું હોય તો જાહેર કરીને ટેક્ષ  ભરી દો.’ પણ કેટલાક લોકોએ કહ્યું, ‘એમાં તો ખાલી કાગળીયા જ છે.’ મોદી સાહેબે કહ્યું, તથાસ્તુ’. અને કાળાબજારીયાઓનું ધન કાગળ થઇ ગયું,  હવે શું થાય ? (ચોર ની મા કોઠીમાં મોં નાખીને રડે)
નોટબંધી વખતે ઘર ઘરમાં આવા દ્રશ્યો જોવા મળતા :
મુન્નો : પપ્પા, ૬૦૦ રૂપિયા આપોને.
પપ્પા : તારે છસ્સો રૂપિયા શું કામ જોઈએ છે ?
મુન્નો : ચાર્જર લેવું છે.
પપ્પા : તારો બાપો ચાર કલાક લાઈનમાં ઉભો રહ્યો ત્યારે માંડ માંડ ચાર હજાર મળ્યા છે.
મુન્નો : પપ્પા, ધીસ ઈઝ અનફેર. તમે બે દિવસ પહેલા જ મમ્મીને બે લાખની સોનાની ચેન અપાવી અને મને છસ્સોનું ચાર્જર અપાવતા નથી.
એક તરફ આ ’ફેર’ અને ‘અનફેર’ ની ચર્ચાઓ ચાલી હતી,  પણ છેક  એવું નહોતું  કે જેમની પાસે  બેનામી – બેહિસાબ નાણું છે તેઓ જ ત્રસ્ત થયેલા હતા. સામાન્ય માણસ (કોમન મેન),  વૃદ્ધ, અપંગ, અભણ અને જેના ઘરમાં લગ્ન નજીક હતા એવા લોકો પણ આ લાઈનમાં ઉભા રહેવાના, ‘unproductive  work’  ને લીધે પડતી તકલીફો ના કારણે બહુ ગુસ્સે થયેલા હતા. (એમાંના કેટલાકનો ગુસ્સો તો હજી ઉતર્યો નથી, એ લોકો તક મળે ત્યારે એટલે કે ચુંટણીટાણે પોતાના એરીયામાં ‘નેતાબંધી’ કરવાનો નિર્ણય લઈને બેઠા છે.)
એકબાજુ નોટબંધીની કાગારોળ અને  બીજી બાજુ સોશિયલ મીડિયામાં તે વખતે વહેતા થયેલા રમુજ પ્રિય સંદેશાઓ માંથી કેટલાક માણવા જેવા છે. ‘મારી ડાળખીમાં એક પણ પાંદડું નથી, મને પાનખરની બીક ન બતાવશો’ એ પંક્તિ જ બતાવે છે, કે કવિની પાસે એક પણ નોટ રૂપિયા ૫૦૦ કે ૧૦૦૦ની નથી. એક પ્રેમી શાયરે પોતાની મુશ્કેલી જણાવતા કહ્યું, ‘મુદ્દતો બાદ વો મીલી ભી તો બેન્કમે, બતાઓ મુહબ્બત કરતે  કી  નોટ બદલતે ?’
છગન: મારી સાથે પંગા લીધા છે તો તારી ખેર નથી.
મગન: જા જા, હું કઈ તારાથી ડરતો નથી, બોલ, શું ઉખાડી લઈશ તું ?
છગન: તારા બેન્કના ખાતામાં ૫ લાખ રૂપિયા ભરી દઈશ.
મગન: સોરી યાર, ગુસ્સો થુકી દે, ચાલ ક્યાંક બેસીને એકાદ બે પેગ લગાવીએ.
મુશ્કેલીમા પણ હસતા રહેવાનું અને કટોકટી ના કપરા કાળમાં રમુજ અને હસી મજાક કરતા રહેવાનું ભારતીય પ્રજાના લોહી માં વહે છે. તે વખતનો એક સંદેશ છે : ‘નોટ બદલવામાં જનતાને આટલી તકલીફ પડે છે, તો દેશ બદલવામાં પ્રધાન મંત્રીને કેટલી તકલીફ પડતી હશે ?’ આપણને શું ખબર ? એ તો બીજાના જુતામાં આપણે પગ નાખીને જોઈએ તો જ ખબર પડે કે એ ક્યાં અને કેટલો ડંખે છે.
લોકોને એ  જાણવું  હતું  કે આજ સુધી કોઈ  મોટા માથાઓ (સાંસદો, રાજકારણીઓ, બિલ્ડરો કે ઉધોગપતિઓ) જૂની નોટો બદલવા લાઈનમાં કેમ નહોતા ઉભા રહ્યા ? ‘તોડ’ કરવાની એમની કુનેહ પર કોઈને સંદેહ નથી. ત્યારે પ્રશ્ન એ છે કે ખરેખર આ પગલું ભરવાથી આજે કે ભવિષ્યમાં કાળા નાણા અને નકલી નોટો  દુર થશે ? ભ્રષ્ટાચાર અને આતંકવાદ નાબુદ થશે ? એની તો ખબર નથી, પણ તે વખતે કાશ્મીરમાં ‘પથ્થરબાજી’ તો બંધ થઇ જ ગઈ હતી.
જૂની નોટ બદલી કરાવનાર, જમા કરાવનાર, કે પૈસા ઉપાડનાર, તમામ ને  તે વખતે તકલીફ તો ઘણી જ પડી  હતી, અને આ બદલાવ નો ફાયદો પણ કોને અને કેટલો થશે તે તો હમણા કહી શકાય એમ નથી, પણ હાલ કહેવું હોય તો એટલું જ કહી શકાય,  : Keep Patience,  Country is Under ‘Modi’fication.’

Wednesday, 23 May 2018

મારી સંગીત સાધના


મારી સંગીત સાધના.     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

મમ્મી, મારે સ્કુલે નથી જવું.   શું થયું, ક્લાસમાં કોઈ તારી સાથે લડ્યું ? ક્લાસટીચરે કંઈ કહ્યું  ?   ના, એવું કંઈ નથી થયું, પણ... મારે સ્કુલે નથી જવું.   એમ કારણ વગર સ્કુલે ન જાય તે ન ચાલે, ભણવામાં તો તું હોંશિયાર છે, પણ સ્કુલમાં તારી હાજરી ઓછી પડે તો તારા ટીચર તને પરીક્ષામાં બેસવા નહીં દે.   મારે પરીક્ષામાં બેસવું પણ નથી’  ખરેખર તો મને આવું જ કહેવાની ઈચ્છા થઇ આવી, પણ એવું કહીશ તો ક્યાં તો મમ્મીને દુઃખ થશે અથવા મમ્મી મારા પર ભડકશે, એ વિચારે હું બીજું જ કંઈ બોલી :
સારું, તો હું આજે સ્કુલે જઈશ, પણ પછી છઠ્ઠા ધોરણથી આગળ હું ભણવાની નથી   ભલે, પણ આજે તો તું સ્કુલે જા  મમ્મી મને સમજાવી પટાવીને સ્કુલે રવાના કરતી.  છઠ્ઠા ધોરણના અભ્યાસ કાળ દરમ્યાન ઉપર મુજબનો સંવાદ મારી અને મમ્મી વચ્ચે  વારંવાર થતો રહેતો, એનું એકમાત્ર કારણ હતું, મારા ક્લાસ ટીચર અરવિંદાબેન. એ અમને ગુજરાતી વિષય ભણાવતા. ભણવામાં હું હોંશિયાર હતી, ક્લાસમાં મારો પહેલો – બીજો નંબર આવતો, પણ જ્યારે કવિતાની વાત આવે ત્યારે..? કવિતા પણ મને સારી રીતે આવડી જતી, પણ અરવિંદાબેન જ્યારે એ ગાઈને સંભળાવવાનો આદેશ આપતા ત્યારે મારા મોતિયાં મરી જતા. ‘મુખડાની માયા લાગી રે...મોહન પ્યારા...’ હું ગાવાનું શરુ કરતી અને આખો ક્લાસ હસી પડતો, અરવિંદાબેન લડીને બધાને ચુપ તો કરી દેતા, પણ એ બધાના હસવાથી થયેલું મારું અપમાન, મારાથી કેમેય કરીને ભુલાતું નહીં.
‘ખાતર પર દીવેલ’ ની જેમ, ક્લાસટીચર મને આગળની પંક્તિઓ ગાવા કહેતા, ‘મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, મન મારું રહ્યું ન્યારું રે...’ મારા મોંએથી કવિતાની આગળની કડીઓ સાંભળીને, સહપાઠીઓના મુખ પર ફૂટેલા હાસ્યઝરણાને જોઇને મારું મુખ મ્લાન થઇ જતું, મને આખું જગત ખારું થઇ ગયેલું લાગતું, મારું મન ન્યારું રહેવાને બદલે શરમથી સંકોચાઈને નાનું થઇ જતું, સીતાજીને આપ્યો હતો એમ ધરતીમાતા માર્ગ આપે તો એમાં સમાઈ જવાની મને પણ તીવ્ર ઈચ્છા થતી.
શ્રોતા ૧- પેલા બહેન ગાતી વખતે કેમ આંખ મીંચીને ગાય છે ?
શ્રોતા ૨- એ બહેન બહુ દયાળુ છે, એમનાથી શ્રોતાઓનું દુઃખ જોયું જતું નથી.
મારાથી મારા સહપાઠી શ્રોતાઓના મુખ પરનું હાસ્ય જોયું જતું નહીં, એટલે એમના ઉપહાસથી બચવા હું ગાતી વખતે આંખ મીચી દેતી. જો કે તે વખતે મને ખબર નહોતી કે આને ‘શાહમૃગ વૃત્તિ’ કહેવાય, પણ ખબર હોત તો પણ પરિસ્થિતિમાં શું ફરક પડત ? ટીચરના કવિતા ગાવાના આદેશ પર, બે ચાર વાર તો મેં - ‘બેન, કવિતા લખીને આપું તો ચાલે કે નહીં ?’ એવી વિનંતી પણ કરી જોયેલી, કવિતા ગાવામાંથી મુક્તિ મળતી હોય તો હું એક, બે નહીં, દસ વખત કવિતા લખવા તૈયાર હતી, પણ અરવિંદાબેન તો આખરે અરવિંદાબેન જ હતા, હિમાલયની જેમ પોતાના નિર્ણયમાં અડગ. મારી આખી જિંદગીમાં માત્ર અરવિંદાબેન જ એક માત્ર એવી વ્યક્તિ હતા, કે જેમણે મારી નામરજી છતાં મારું ગાયન સાંભળવાનો આગ્રહ રાખ્યો હોય. બાકી તો ઘરના શું કે બહારના શું, તમામ લોકો હું જયારે જયારે ગાવા તૈયાર થાઉં, ત્યારે કોઈ ને કોઈ બહાનું કાઢીને, ખરાબ ન લાગે એ મને રીતે ગાવા સિવાયના બીજા કોઈ પણ કામમાં રોકી લેતા, અથવા તેઓ એવા જ બીજા કોઈ  કામમાં રોકાઈ જતા. 
ક્યારેક સખત માથું દુખે ત્યારે અરવિંદા બહેન સ્કુલમાં આવતા નહીં. મારા ગાવાને લીધે નહીં પણ  ‘માઈગ્રેન’ ની બીમારીને કારણે એમનું માથું દુખતું. જે દિવસે  ગુજરાતીનો પીરીયડ હોય ત્યારે હું  મનોમન પ્રાર્થના કરતી, ‘પ્રભુ, આજે અરવિંદાબેનનું માથું ખુબ જોરથી દુખાડજો,  કે જેથી એ સ્કુલે આવી જ ન શકે.’ અને જે દિવસે મારી પ્રાર્થના સ્વીકાર થતી એ દિવસે હું રાજી થઈને, અરવિંદા બેન માટે મનોમન ગીત ગાતી, ‘મૈ ગાઉં તુમ સો જાઓ, સુખ સપનોમે ખો જાઓ...’ એક ફિલ્મીગીત, ‘સુર કો સંભાલ, તાલ કો સંભાલ, દોનોકો સંભાલ વરના હોગા બુરા હાલ’ એ વાત ગાતી વખતે મને બરાબર લાગુ પડતી, કેમ કે અનેક પ્રયત્નો છતાં આ બે (સુર અને તાલ) મારાથી સંભાળાતા નહિ.
 પછી તો હું સાતમાં ધોરણમાં આવી, ત્યારે અમારા ટીચર  બદલાઈ ગયા, અરવિંદાબેન ટીચર તરીકે ન આવ્યા, એના કારણે  હું આગળ ભણી શકી. મારી બાબતમાં આટલું વાંચ્યા પછી વાચકમિત્રો, તમે જો એવું ધારી લો કે, ‘સંગીત’ ની બાબતમાં હું ‘ઔરંગઝેબ’ છું, એટલે કે હું સંગીતની દુશ્મન છું, કે  સંગીત મને અપ્રિય છે, તો એ તમારી ભૂલ થાય  છે, ‘લેખન’ પછીની મારી પ્રિય હોબી  ‘ગીત-સંગીત’ જ છે.
બહુ મોટી ઉમરે (કેટલી ? સ્ત્રીને ઉમર ન પુછાય) મને એક વિશેષ ફ્રેન્ડ મળી, નામ એનું હંસા. એણે સંગીતમાં ‘સંગીત વિશારદ’ ની ડીગ્રી મેળવી હતી, એનો કંઠ ખુબ જ મધુરો હતો,  ’પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા...’, ‘રાધાનું નામ તમે વાંસળીના સુર માંહી વહેતું ન મેલો ઘનશ્યામ..’ કે ‘જ્યોતિકલશ છલકે..’ એવી હલકથી એ ગાતી કે મારું અને સંભાળનાર તમામનું મન ડોલી જતું. ’હંસા, તું મને સંગીત શીખવાડી શકે ?’ મારા આ સવાલના જવાબમાં એણે હોંશે હોંશે એ વાત (ખરેખર તો ચેલેન્જ) સ્વીકારી લીધી.
અને શરુ થઇ મારી સંગીતની સાધના એટલે કે તાલીમ. સૌ પ્રથમ એણે મને સંગીતના પાયારૂપ સાત સ્વરો, સા..રે..ગ..મ..પ..ધ..ની..શીખવવાની કોશિશ કરી. હાર્મોનિયમ પર કઈ ચાવી પર કયો સૂર વાગે, અને એ વગાડતી વખતે કઈ ચાવી પર કઈ આંગળી કે અંગૂઠો મૂકવાનો તે બતાવ્યું. એ ગાતી ત્યારે હું ‘વાહ વાહ’ કહી ઉઠતી, અને હું ગાતી ત્યારે એ ‘આહ આહ’ કહી ઉઠતી. બહુ પ્રયત્નો કર્યા પછી એને લાગ્યું હશે કે -‘આમ બહુ લાંબુ ચાલ્યું તો એ પોતે સંગીત ભૂલી જશે.’ છેવટે એની દયા ખાઈને મેં સંગીત સાધનામાંથી નિવૃત્તિ લેવાનો નર્ણય જાહેર કર્યો, અને એની (ખરેખર તો અમારા બંનેની) જાન છૂટી.
મને પ્રસંગ યાદ છે, ‘નો પ્રોફિટ નો લોસ’ ના ઉદ્દેશ વાળી અમારી ‘એક્સેલર્સ’ સંસ્થાનો, ‘પબ્લિક સ્પીકિંગ’ ના કોર્સની સ્પર્ધાનો એ ફાઈનલ દિવસ હતો. લીડર્સની સૂચનાથી  મેં પ્રોગ્રામની શરૂઆત, ‘યા કુન્દેંદુ તુષાર હાર ધવલા...યા શુભ્ર વસ્ત્રા વૃતા..’ એ પ્રાર્થનાથી કરી. એ સ્પર્ધામાં મારા વક્તવ્ય માટે જજ દ્વારા મને પ્રથમ નંબર આપવામાં આવ્યો, પણ  ત્યાં ઉપસ્થિત એક મહેમાને ખુબ જ નારાજગીથી સંસ્થાના એક લીડરને પૂછ્યું, ‘આ બેન બોલે છે સારું. પણ એમને ગાવાનું કામ કોણે સોંપ્યું ?’
ભલે મને ગાતા સારી રીતે  નથી આવડતું, પણ  હિન્દી ફિલ્મોના સેંકડો ગીતોના શબ્દો મને મોઢે આવડે છે. લતા મંગેશકરના સુમધુર  ગીતો સાંભળું, ત્યારે તો મને એમ જ થાય કે  ભગવાન મને જો એક જ વરદાન માંગવાનું કહે, તો હું એક સેકંડનો પણ વિચાર કર્યા વિના માંગુ, કે મને લતા મંગેશકર જેવો કંઠ આપી દો. આશાજીના મસ્તીભર્યા ગીતો સાંભળીને હું પણ એક મજાની મસ્તીમાં તરવા માંડુ છું. કિશોરકુમાર, મુકેશજી અને મહેન્દ્રકપૂરના અમુક ગીતો મને એટલા બધા ગમે છે કે હું એ ગીતો વારંવાર સાભળવા  છતાં થાકતી નથી. પણ... મારા મોસ્ટ ફેવરીટ ગાયક તો મોહમ્મદ રફી જ છે, એમના જલ્દી સ્વર્ગસ્થ થયાનો મને ખુબ અફસોસ છે. પણ એક વાત નિશ્ચિત છે, હું જ્યારે સ્વર્ગે સીધાવીશ ત્યારે એમને મળીને એમના કંઠેથી અવિરતપણે ગીતો સાંભળીશ.
મેં રસોડામાં ‘થ્રી ઇન વન’ (રેડિયો – ટેપ રેકોર્ડર – પેન ડ્રાઈવ) રાખ્યું છે. કામ કરતા કરતા ગીતો સાંભળવાનો અને સાથે સાથે ગીતો લલકારવાનો  મને બહુ જ શોખ છે. રફીજીના ગીતો વખતે તો પતિદેવની સૂચના,  ‘હવે એમને બિચારાને પણ થોડું  ગાવા દે’, માની લઈને હું થોડીવાર ચુપ થઇ જાઉં,  પણ થોડીવારમાં પાછી એ સૂચના ભૂલીને ગીતો ગાવા મંડી પડું છું. ,
કિશોરકુમારે  ગાયેલું ગીત,  ‘ગીત ગાતા હું મેં, ગુનગુનાતા હું મૈ, મૈને હંસનેકા વાદા  કિયા થા કભી, ઈસલીયે અબ સદા મુશ્કુરતા હું મૈ...’ એ સાંભળીને, મેં નક્કી કર્યું  છે કે મનમાં આવે ત્યારે ગીત ગાઈશ અને હંમેશા હસતી રહીશ. દોસ્તો, તમે પણ એમ જ કરજો. તમારામાંના કેટલાક  સફળ અને કેટલાક બાથરૂમ સિંગર તો હશે જ ને ? ગાતા રહેજો  અને મારો હાસ્યલેખ વાંચીને હસતા રહેજો. અચ્છા ? અચ્છા તો હમ ચલતે હૈ  ...ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના, કભી અલવિદા ના કહેના, કભી અલવિદા ના કહેના...                                  

Wednesday, 16 May 2018

મોંઘવારી સોંઘી થઈ છે.


મોંઘવારી સોંઘી થઈ છે.                પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

મોંઘવારી સોંઘી થઈ છે  એના કારણમાં કેટલાક લોકો કહે છે, ચીજ વસ્તુઓના ઉત્પાદકોની નિર્બળતા, વેપારીઓની બેફામ નફાખોરી, સંગ્રહખોરી, કાળાબજાર અને સરકારી વહીવટી તંત્રની નિષ્ફળતા ( કે પછી ભ્રષ્ટાચાર ?)  જવાબદાર છે. એનું કારણ ભલે ગમે તે હોય, પણ મોંઘવારીને કારણે જીવન જરૂરિયાતની ચીજો મોંઘી થઈ છે, એટલે અમારા જેવાં મધ્યમ વર્ગનાં લોકોને એની માઠી અસર થઈ રહી છે,  અમારે હવે કરકસર કરવાના દિવસો આવી ગયા છે.
એરકંડિશનર અને ઈલેક્ટ્રીસીટી – મોંઘા થયાં એટલે આ વર્ષે નવા બંધાવેલા અમારા  બંગલાને સેંટ્રલી એસી બનાવવાનું વચન અમારા પાળી ન શક્યા અને ચારે બેડરૂમમાં તથા  ડ્રોઈંગરૂમમાં અને ડાઈનીંગ રૂમમાં સ્પ્લીટ એસી ફીટ કરાવીને સંતોષ માનવો પડ્યો. તો પણ કીચનમાં તો કેટલી ગરમી લાગે ?  ઊનાળામાં તો  રસોઈ બનાવતાં પરસેવો વળી જાય. આ તો વળી અમારા રસોઈ કરનારા મહારાજ સારા છે, તે બહુ તાપ લાગે છે એમ ફરિયાદ તો કરે છે, પણ જૂના અને જાણીતા છે એટલે નોકરી છોડીને જતા નથી રહેતા. અમે જ સમજીને એમને કીચનમાં એક્ઝોસ્ટ ફેન નંખાવી આપ્યો અને પગાર થોડો વધારી આપ્યો.
‘ગધેડા સાથે ગાયને બાંધીએ તો એ ભુંકતા નહિ તો કમ સે કમ ઊંચું ડોકું કરતા તો શીખી જ જાય’ એમ  મહારાજનું જોઈને નોકરો પણ જીદે ચઢ્યા કે ‘ગરમીમાં અમારાથી રહેવાતું નથી અને કામ થતું નથી’  એટલે સર્વન્ટ ક્વાર્ટર્સમાં પણ બધાંને પંખા નખાવી આપવા પડ્યા. એ લોકોએ તો વળી એરકૂલર ની માગણી કરેલી, પણ આવી કારમી મોંઘવારીમાં એ બધું પોસાવું પણ જોઈએ ને ? નોકરોના દિલમાં પણ રામ વસ્યા હશે એટલે એમણે એરકુલર નાં બદલે પંખાથી ચલાવી લીધું.  જો કે મને તો ચિંતા એ વાતની છે કે આવી ને આવી મોંઘવારી જો ઘણા સમય સુધી ચાલુ રહેશે તો બંગલાને સેન્ટ્રલી એસી બનાવવાનું મારું સ્વપ્ન ક્યારે પૂરું થશે ?
હજી અમારા ફાર્મહાઉસ પર તો એસી લગાડવાના બાકી જ છે. ઘોડાઓના તબેલામાં પણ એરકૂલર્સ મૂકવાના બાકી છે. પણ આ જાલિમ મોંઘવારી ! અમારા એ કહે છે, તું ધીરજ રાખ, બધુંય થશે – ભલે એક સામટું નહીં પણ ધીરે ધીરે થશે. પણ ધીરજ પણ ક્યાં સુધી ધરવી ?  આ મોંઘવારી તો ઉતરવાનું નામ જ નથી લેતી. એટલું વળી સારું છે કે ફાર્મ હાઉસ ની દેખરેખ રાખતા અમારા જુના નોકર અને માળી તો જે આપ્યું એમાં સંતોષથી રહે છે અને પ્રામાણીકતા પૂર્વક કામ કરે છે. અમારા ‘એ’ બહુ દયાળુ ભામાશાનો અવતાર છે, મારી ના છતાં બધાને જરૂર પડે એટલી પૈસાની મદદ કરતા રહે છે, ને ‘પૈસા પાછા આવ્યા તો ય ઠીક અને ન આવ્યા તો ય ઠીક’  એવું ઉદાર વલણ રાખે છે.
જુઓને, આ વર્ષે જ બાબો બારમાની એક્ઝામ આપશે. એણે કહ્યું, ડેડી, હું પાસ થાઉં તો મને બી એમ ડબલ્યુ કાર અપાવશો ? તો એમણે કહ્યું, જોઈશું. હવે તમે જ કહો, હંમેશા વ્હાય નોટ ?’ એવું કહેનારા અમારા  ને જોઈશું કહેવું પડે તે આ કારમી મોંઘવારીની ખરાબ અસર જ કે બીજું કંઈ ? એ જોઇને  મારો તો જીવ એવો બળે છે ને, પણ બળ્યું આ મોંઘવારી.. ઉતરવાનું નામ જ નથી લેતી. આ તો હું સારી છું કે થોડામાં ચલાવી લઉં છું,  નહીતર કોઈ બીજી હોય ને આ બાબતે એમની સાથે લઢવાઢ કરવા બેસી જાય તો એમનું બિચારાનું  શું થાય ?  
આમ તો દર વર્ષે ફોરીનની એકાદ લક્ઝરી ટુર તો અમારે અચૂક થાય જ. ફાઈવસ્ટાર હોટલમાં રહેવાનું અને લીમોઝીનમાં ફરવાનું. પણ મોંઘવારીના હિસાબે આ વર્ષે ટુર પણ ન ગોઠવી શકાઈ. લોકો પૂછ પૂછ કરે તો  અમે  બહાનું કાઢ્યું, બાબો બારમામાં છે અને બૉર્ડની એક્ઝામ છે એટલે ન જવાયું.  ખરેખર તો આ વર્ષે તો મારો વિચાર અમેરિકા જઈને મારી ફ્રેન્ડ પિંકીને મળવાનો હતો. ઘણા વખતથી મળ્યા નથી તે મળાત પણ ખરું અને ગયા વર્ષે અમારા એ મને અપાવેલ ડાયમન્ડ સેટ પિંકીને બતાવત પણ ખરી. ખેર! આ મોંઘવારી જરા ઓછી થાય પછી વાત. પણ કિટી પાર્ટીમાં તો એકવાર મે એ સેટ પહેરીને ફ્રેન્ડસ આગળ મારો વટ પાડી જ દીધો, બધીઓ જોતી જ રહી ગઈ. અમેરિકા તો જવાશે ત્યારે ખરું, પણ હમણાં મેં તો  પિન્કીને પણ  વોટ્સ એપથી સેટ પહેરેલો મારો ફોટો મોકલી આપ્યો, એણે ભલે ‘નાઈસ  પિક’ થી વધુ કઈ લખ્યું નહિ, પણ એ પણ ઈમ્પ્રેસ તો થઇ જ ગઈ હશે.
આ મોંઘવારી તો સૌને બહુ નડે છે. નોકરોએ જ ગયા મહિને પગાર વધારો માંગ્યો તો ન છૂટકે આપવો જ પડ્યો. બીજા બધા વગર ચાલે, પણ નોકરો વગર કંઈ ચાલે ? હશે, અમે જરા કરકસર કરી લઈશું. હું પાંચ-છ હજારના બદલે ત્રણ-ચાર હજારનો ડ્રેસ લઈશ, મહિને પાંચ જોડને બદલે ત્રણ જ જોડ ચપ્પલ ખરીદીશ, પર્સ તો ત્રણ પડ્યા છે એટલે એકાદ બીજું લઈશ તો પણ ચાલી જશે, અમે ફાઈવસ્ટારને બદલે ફોરસ્ટાર રેસ્ટોરન્ટમાં જમીશું, પ્લેનમાં બીઝનેસ ક્લાસને બદલે ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરીશું. આ મોંઘવારીમાં થોડી કરકસર તો કરવી જ જોઈએ ને ?
અમારી બાજુના જ  ત્રણ નંબરના બંગલાવાળા મીસીસ શર્માએ છમાંથી બે નોકરોને છુટા કર્યાં જ ને ? ને પાંચ નંબરવાળા મીસીસ શેટ્ટીએ ત્રણમાંથી એક માળીને છુટો કર્યો. તો બે નંબરવાળા મીસીસ મહેતાએ પાંચમાંથી બે ડ્રાઈવરને છૂટા કર્યા. આ આઠ નંબરવાળા – શું સરનેમ છે એમની ? કંઈ વિચિત્ર જ છે – એમણે એમના બેમાંથી એક ફાર્મહાઉસ વેચી નાંખ્યું. ને પેલી મોના – કીટ્ટી પાર્ટીમાં દસ હજાર રૂપિયા હારી ગઈ એમાં તો રડવા જેવું મોં કરીને ચાલી ગઈ. આ મોંઘવારીએ તો ભલભલા ચમરબંધીઓને બિચારાં બનાવી દીધાં છે. મને પણ હવે તો આ મોંઘવારીનો બહુ ડર લાગે છે, ભગવાન જાણે ક્યારે એ ઓછી થશે.
ધન કુબેર ગણાતા મીસ્ટર મીરચંદાનીની નાની દીકરીના લગ્ન એમણે છેક હાઈવે પરના એક પાર્ટી પ્લોટમાં રાખ્યાં, કેમ ? કેમ કે કોઈ ઇન્કમટેક્ષવાળાની નજરે ન ચઢી જવાય તે માટે. બાકી મોટી દીકરીને પરણાવી ત્યારે એમણે વટથી ઇન્કમટેક્ષ ઓફિસરોને ઈન્વાઈટ કર્યા હતા. મોટા જમાઈને મર્સીડીઝ ગીફ્ટમાં આપેલી, અને નાનાને ? એસ્ટીમ  થી પટાવી મૂક્યો. મોટીને નવરંગપુરામાં ચાર બેડરૂમનો બંગલો ભેટ આપેલો અને નાનીને પણ ચાર બેડરૂમનો જ બંગલો આપ્યો પણ ક્યાં ? તો કહે છેક બોપલમાં. મોટીને હનીમુન માટે સ્વીત્ઝરલેન્ડ મોકલેલી અને નાનીને ન જાણે ક્યાં માથેરાન કે મહાબળેશ્વર મોકલી હશે. મોટીના લગ્નમાં તો વિવિધ વાનગીઓના ૫૭ કાઉન્ટરો હતા, અને નાનીના લગ્નમાં માત્ર ૩૭. આ વખતે તો મીસીસ મીરચંદાનીના નેકલેસમાં  ડાયમન્ડ્સ પણ ઓછા હતા, અને મી. મીરચંદાની નો સૂટ પણ ઝગારા મારતો નહોતો. મોટીનો તો કરિયાવર બધાંને બતાવેલો પણ નાનીનો તો બતાવ્યો જ નહીં. ક્યાંથી બતાવે ? આ મોંઘવારીએ તો હવે કોઈને ઊંચું મોં લઈને ફરવા જેવું જ નથી રાખ્યું.
નિરંકુશ પણે વધતી મોંઘવારી દેશના અર્થતંત્ર ઉપર  કારમો ઘા સમાન તો છે જ. પણ એથીય વધુ આપણા જેવા મધ્યમ વર્ગના માનવીના સામાજિક જીવન ઉપર પણ ખૂબ ખરાબ અસર કરનાર પરિબળ સાબિત થઈ છે. સરકારે એને કાબૂમાં લેવા તાત્કાલિક પ્રયત્નો કરવા જોઈએ. આ મોંઘવારી દેશના સુખ, સમૃદ્ધિ અને પ્રગતિમાં સૌથી મોટી રુકાવટ છે. મોંઘવારી નામનો  શત્રુ કાબૂમાં આવશે તો જ દેશનો અને આપણા જેવા સામાન્ય જન (કોમન મેન) નો સર્વાંગી વિકાસ થશે.  વાચક મિત્રો,  તમારું આ બાબતમાં શું માનવું છે ?  Wednesday, 9 May 2018

તમે આવા તો નથી ને?


તમે આવા તો નથી ને?    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

પત્ની: જુઓને, આ વખતે આ સીતાફળ કેવી જાતના આવ્યા છે, તે કેમેય કરીને પાકતા જ નથી.
પતિ: એમ કરને, તું થોડીવાર એમની સાથે વાત કરી જો, કદાચ પાકી જાય.
આમ સીતાફળના માધ્યમથી પત્નીને ‘પકાઉ’  કહેનાર પતિની દશા, ‘પાકા ફળ પર વધારે પડતું વજન મુકવા’થી એ ફળની જેવી થાય, એવી જ થઇ હશે, એવું કલ્પી શકાય છે.

મેં થોડા દિવસ પહેલાં જ ટીવી પર અનિલકપુર અને શ્રીદેવી અભિનીત ફિલ્મ ‘જુદાઈ’ જોઈ. એમાં શ્રીદેવી નું દુર થી જ ‘અજી સુનતે હો’ સાંભળીને શ્રીદેવીનો પતિ બનતો અનિલકપુર અને બંને છોકરાઓ  સાવધ થઇ જાય છે. શ્રીદેવી નજીક આવે તે પહેલા અનિલકપુર  છોકરાઓને સ્કુલે જવા માટે તૈયાર થવાનું કહીને બીજી રૂમમાં મોકલી દે છે, અને પોતે છાપું વાંચવાનો ઢોંગ કરે છે.

શ્રીદેવી અનિલકપુર ની પાસે આવીને પડોશણો વિશે બબડાટ કરતી રહે છે, અને અનિલકપુર એની પાછળથી ધીરે રહીને દુર સરકી જાય છે. અહી શ્રીદેવી ની ઈમેજ ‘પકાઉ’ તરીકેની બંધાય છે. શ્રીદેવી આ ફિલ્મમાં અનીલકપુરને પરણીને એના ઘરે આવી પછી એને ખબર પડે છે કે, ‘એન્જીનીયર’ થયેલા અનીલકપુરના ઘરમાં બેઝીક ઇક્વિપમેન્ટ્સ જેવા કે ટીવી, વોશિંગમશીન, ફ્રીઝ વગેરે નથી. 

હવે આવા સાધનો તો કોઈ પણ સાધારણ વર્કર, કે જે ઝુંપડીમાં રહેતો હોય, એના ઘરે પણ હોય છે. ફિલ્મમાં બતાવ્યું છે કે, અનીલકપૂર લાંચ લેતો નથી એટલે એના ઘરે આવા સાધનો નથી. અહી સવાલ એ થાય છે કે એન્જીનીયર થયેલો અનિલકપુર લાંચ વગર આવા બેઝીક ઘર વપરાશના સાધનો પણ વસાવી ન શકે, તો એનું અન્જિનિયર થયેલું શું કામનું? એ  ધારે તો લોન લઈને પણ આ બધું  વસાવી શકાય ને? પણ અનીલ કપૂરની તો એવી કોઈ દાનત જ નથી, એ તો પત્ની સાથે ગીતો ગાઈને અને ડાન્સ કરીને જ એને ખુશ રાખવા માંગે, પછી પત્ની ‘પકાઉ’  ન બને તો જ નવાઈ ને? 
  
એકવાર મારી ફ્રેન્ડની દીકરી નેહા મારા ઘરે બેઠી હતી, એના પર કોઈનો ફોન આવ્યો, એણે નામ જોઇને ફોન કટ કર્યો. પાંચ મીનીટમાં ફરી ફોન આવ્યો, એણે ફરી ફોન કટ કર્યો. એ જોઇને મેં કહ્યું, ‘વાત કરી લે, બેટા. કદાચ કોઈને અરજન્ટ કામ હોય.’ તો એ બોલી, ‘આંટી, મારી ફ્રેન્ડ જ્યોતિનો ફોન છે, રાતના નવ વાગ્યા પછી સવાર સુધી  એના લેન્ડલાઈન ફોન પરથી ફ્રી કોલ થાય છે, એટલે કાયમ આ ટાઈમે એ મને ફોન કરે છે, પાંચ મીનીટની વાત હોય તો પણ  અમે લોકો મીનીમમ અર્ધો કલાક  તો વાત કરીએ જ. રવિવારે પણ એને ફ્રી કોલ થાય, એટલે અમે કલાકો સુધી એક બીજા સાથે ફોન પર ખપાવીએ. આ તો શું આંટી, મારે તો ફ્રી મા ટાઈમ પાસ થાય છે.’

“આવા ‘ફ્રી મા ટાઈમ પાસ’ કરવાના બદલે, જો તું તારા મમ્મી - પપ્પાને એમના કામમાં થોડી મદદ કરાવે તો, તેઓ રીલેક્સ થાય અને  મનગમતી પ્રવૃત્તિ કરવાનો થોડો વધુ સમય એમને મળે, અથવા તો તું કોઈ ‘ક્રિયેટીવ એક્ટીવીટી’ માં ટાઈમ પાસ કરે તો તારું ભણેલું લેખે લાગે,” નેહાને એવું કહેવાનું મને મન થયું, પણ પછી, ‘Let me accept her freedom to decide’  એમ વિચારીને મેં એને કહેવાનું (સલાહ આપવાનું)  માંડી વાળ્યું.

સ્ત્રીઓની સરખામણીએ પુરુષો મોટેભાગે મિતભાષી હોય છે. પણ તક મળે (ખાસ કરીને પોતાની નહી પણ બીજાની પત્ની સાથે વાત કરવા મળે) ત્યારે પુરુષો પણ એવા વાતે વળગે છે કે, ત્રીજા કોઈ સાંભળનાર માટે બરાબર ‘પકાઉ’  બની જાય છે. ભૂલેચૂકે પત્ની જો વાંધો ઉઠાવે તો કહે, ‘તને જલન થાય છે.’ જો આ ‘જલન’ વાળી  વાત સાચી હોય તો એ પતિ ભાગ્યશાળી કહેવાય, કેમ કે એની  પત્નીને હજી એનામાં રસ છે. બાકી તો લગ્નના થોડા જ વર્ષમાં પતિ-પત્ની બંને એક  અલગ ટાપુ (તું તારા રસ્તે અને હું મારા રસ્તે) જેવું, કે ‘રેલવેના પાટા’ (જે માઈલો સુધી સાથે તો ચાલે, પણ કદી એકબીજાને મળે નહિ,) જેવું જીવન જીવતા હોય છે.

સ્માર્ટ ફોન આવ્યા પછી વોટ્સેપ, ફેસબુક, સ્નેપચેટ, ટ્વીટર  જેવી અનેક એપ્સ અને સાઈટ્સ પર ફોરવર્ડેડ મેસેજિસ કે  ફોટાઓ  મોકલનારાઓ પણ હવે તો પોતાની જાતને સ્માર્ટ સમજવા માંડયા છે. આવો એક વિચિત્ર કિસ્સો છાપામાં હમણા જ મારા વાંચવામાં આવ્યો.  સાઉદી અરેબિયામાં એક લગ્ન માત્ર બે કલાકમાં તૂટી ગયા, અને તે માત્ર એટલા કારણ થી કે કન્યાએ પોતાના લગ્નના ફોટા સોશિયલ મીડિયા ઉપર પોતાની એક મહિલા મિત્રને મોકલાવ્યા હતા. બનાવની  વિગત એવી છે કે, લગ્ન પહેલા આ પતિ-પત્ની વચ્ચે એવો કરાર થયો હતો કે, તેઓ લગ્નના ફોટા કે વિડીયો સોશિયલ મીડિયા ઉપર કોઈની પણ સાથે શેર નહિ કરે.

આવો કરાર કરવાનું કારણ એ કે , યુવકને ખબર હતી કે પોતાની ભાવી પત્ની સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરે છે, એ પોતાના મિત્રો સાથે કલાકો સુધી વાત કરે છે. ભાવી પત્નીને આમ ‘પકાઉ’ બનતી રોકવા જ પતિએ આવો કરાર કરેલો. પણ  ભાવી પત્નીએ કરારની શરત ન પાળી, અને લગ્નના ફોટા સ્નેપચેટ  પર શેર કર્યા. પતિએ ‘તલાક’ નામના એક જ શબ્દનો ઉપયોગ કરીને પત્નીને તરત જ છૂટાછેડા આપી દીધા,’ ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી.’
જો તમે હિન્દુસ્તાનમાં રહેતા હશો તો તમારે આ બાબતમાં બહુ ફિકર કરવાની જરૂર નથી, કેમ કે  હિન્દુસ્તાનમાં પતિ અને પત્ની બંને એક બીજાના આવા નાના નાના (અપ)લક્ષણોને ધ્યાનમાં લેતાં નથી. આથી જ તેઓ લગ્નની ‘રજત જયંતી’, ‘સુવર્ણ જયંતી’ કે ‘હીરક જયંતી’ ઉજવી શકે છે. પણ મિત્રો, મૂળ સવાલ એ છે કે, તમે આવા પકાઉ તો નથી ને ?’

Wednesday, 2 May 2018

ટ્રાફિક પોલીસ વડે દંડિત વિધાર્થીની આપવીતી.


ટ્રાફિક પોલીસ વડે દંડિત વિધાર્થીની આપવીતી.  પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

રાત્રે સૂતી વખતે જ મમ્મીને કહીને સૂઈ ગયો હતો કે સવારે સાડા પાંચે ઊઠાડી દેજે.  મમ્મીને આશ્ચર્ય થયું, પરીક્ષા તો પતી ગઈ હવે કેમ વહેલો ઊઠવા માંગે છે ?’  એવા એના પ્રશ્નના જવાબમાં મેં કહ્યું,  દોસ્તો સાથે ક્રિકેટ મેચ રમવા જવાનો છું.  ઠીક, પણ સાચવીને રમજે,  ક્યાંક વગાડીને ન આવતો.  મમ્મી મારા સાહસિક લક્ષણોથી પરિચિત હતી એટલે એણે મને તરત ચેતવણી આપી. હું અતિ ઉત્સાહી હતો, એટલે મને શરીરે ક્યાંક ને ક્યાંક વાગી જતું.  ભલે, હું સાચવીને રમીશ  મમ્મીના મનના સમાધાન માટે મેં એને કહ્યું.
મમ્મીએ મને સવારે મારા કહ્યા મુજબ જલ્દીથી ઊઠાડી દીધો. પરીક્ષાના લીધે જલ્દી ઊઠવાની ટેવ પડી ગયેલી એટલે આજે પણ ઊઠતા મુશ્કેલી ન પડી. આજે તો હું અતિ ઉત્સાહમાં હતો. ઊઠીને દોસ્તને ફોન જોડ્યો, ફોન પર જરા લાંબી વાત ચાલી એટલે મમ્મી ખીજવાઈ, પરીક્ષા પતી એટલે હવે પાછું તારું ફોનનું ચકરડું ઘુમાવવાનું ચાલુ થઈ ગયું, ખબર છે તને ફોનનું કેટલું બીલ આવે છે તે ?’ મેં જલ્દીથી વાત પતાવીને ફોન મૂક્યો.
સારું છે કે ઘણા ફોન તો હું મમ્મી બહાર ગઈ હોય ત્યારે કે પછી એ સૂઈ જાય પછી જ કરું છું. મને થાય છે કે SSC ના આ ત્રણ મહિનાના લાંબા વેકેશનમાં ક્યાંક જોબ કરીને પૈસા કમાઉં અને ફોનનું બીલ હું જ ભરું, જેથી મમ્મી કે પપ્પાને બોલવાનો મોકો જ ન મળે. પણ  મને ખબર છે કે આવી ટેમ્પરરી જોબ કંઈ આપણા માટે એમ સ્પેર ન પડી હોય. હું હજી પંદર જ વર્ષનો છું, તેથી માયનોર ગણાઉં.  એટલે ઘણી બાબતોમાં મોટાઓની મદદ લેવી પડે છે, અને તેથી જ એ લોકોની જોહુકમી પણ સહન કરવી પડે છે.
મારા મોટાભાઈનું બાઈક કે મમ્મીનું એક્ટિવા હું ચલાવું છું, અને મને તે ચલાવવાની ખુબ મજા આવે છે. પણ પ્રોબ્લેમ એ જ છે કે હું ૧૮ વર્ષનો ન થઈ જાઉં ત્યાં સુધી એનું લાયસંસ મળશે નહીં. અને જ્યાં સુધી લાયસંસ મળશે નહીં ત્યાં સુધી ટ્રાફિક પોલીસથી બચીને મારે ચલાવવું પડશે. આજે  મોટાભાઈએ તો એનું બાઈક આપવાની ચોખ્ખી ના પાડી, એટલે મમ્મીને  થોડી ઘણી રીક્વેસ્ટ કરીને એનું એક્ટિવા (ધીમે ચલાવવાની શરતે)  લઈ જવા માટે મનાવી લીધી.
હું તો એક્ટિવા લઈને ઉપડ્યો ક્રિકેટ મેચ રમવા. મેં ૨૪ રન કર્યા અને ૨ મહત્વની વિકેટ ઝડપી, મારી કેપ્ટનશીપમાં અમારી ટીમ જીતી ગઈ એટલે હું ખુબ ખુશ હતો. ઘરથી ત્રણેક કિલોમીટર દૂર આવેલા ગ્રાઉન્ડથી અમે ઘરે આવવા નીકળ્યા. પરીક્ષા પત્યા પછીનો પહેલો જ દિવસ હતો. અમે અઝાદ પંખીની જેમ એક્ટિવા પર જાણે ઉડતા હતા. હું એક્ટિવા ચલાવતો હતો અને પાછળ મારો ફ્રેન્ડ બેઠો હતો.
મેચની જીતની અને વેકેશનના બીજા પ્રોગ્રામ્સના આયોજનની વાત કરતા કરતા અમે ઘર તરફ આવી રહ્યા હતા. મારા ઘરથી થોડે જ દૂર નવા બંધાયેલા બ્રીજ પાસેના સર્કલ આગળ એ (ટ્રાફિક પોલીસ) છુપાઈને ઊભો હતો. મને જોઈને એ ત્યાંથી અચાનક મારી સામે ફૂટી નીકળ્યો. એને જોઈને હું જરા ઘભરાયો પણ મેં એને એ જણાવા ના દીધું. એણે હાથના ઈશારાથી એક્ટિવા ઉભુ રખાવ્યું અને પૂછ્યું:
‘લાયસંસ છે ?  ‘હા છે ને.’  મેં બચાવના એક ઉપાય તરીકે જૂઠું બોલવાનું પસંદ કર્યું.  ‘બતાવ.’  ‘અહીં નથી, ઘરે છે.’  ‘એક્ટિવા અહીં બાજુ પર મૂકી દે, અને ઘરેથી લાયસંસ લઈ આવ.’  એણે રૂઆબ દેખાડતા ડંડો પછાડીને કહ્યું. મને એના પર એવો તો ગુસ્સો આવ્યો કે અહીં ને અહીં ક્રિકેટના બેટથી એની ધોલાઈ કરી નાખું, મેચના સીઝન બોલથી એના માથામાં ગોબો પાડી દઉં, એક કીક લગાવીને એને અમારા એરિયાની બાઊંન્ડ્રીની બહાર મોકલી આપું. પણ પરિસ્થિતિની નજાકત સમજતા, મારી વિવેક બુધ્ધિએ મને તેમ કરતાં રોક્યો. ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે’,  એ કહેવત ભણવામાં આવેલી.  એટલે ગુસ્સો ગળી જઈને મેં એને રીક્વેસ્ટ કરી:
‘પ્લીઝ, આટલી વાર અમને જવા દો, બીજીવાર આવી ભૂલ નહીં કરીએ.’  ‘ ઠીક છે, પાંચસો રૂપિયા લાવ.’  એણે ટાઢકથી કહ્યું.   ‘પાંચસો રુપિયા ?  મારો અવાજ જરા ઊંચો થઈ ગયો. આ શું વિચારતો હશે ? જાણ્રે રૂપિયા અમારા બાપાના બગીચામાં ઝાડ પર ઉગતા હશે ?  ‘એટલા બધા રૂપિયા તો નથી.’  મેં કહ્યુ.  ‘ઠીક  છે, સ્કુટર અહીં મૂકી દે. અને R.T.O. પર આવીને દંડ ભરીને સ્કુટર લઈ જજે.’ ‘પાંચસો રુપિયા તો બહુ વધારે કહેવાય. કંઈ ઓછું થઈ શકે એમ નથી ? 
‘ઠીક છે, બસ્સો લાવ.’  ‘મારી પાસે તો અત્યારે ખીસ્સામાં વીસ રુપિયા જ છે.’  ‘ઠીક છે, તો ઘરે જઈને આ સ્કુટર જેનું છે એમને બોલાવી લાવ, કહેજે કે લાયસંસ લઈને આવે.’  ‘ઓકે. હમણા બોલાવી લાવું છું.’ એમ કહીને હું મારા દોસ્તને ત્યાં સ્કુટર પાસે ઊભો રાખીને ટાંટિયાતોડ કરતો વીલા મોંએ ઘરે આવ્યો. ઘરે આવીને પાણી પીતા પીતા અને ડરતા ડરતા મેં  મમ્મી અને ભાઈને ટ્રાફિક પોલીસની વાત કરી. મમ્મી પહેલા તો ગુસ્સે થઈ ગઈ, પણ પછી સાથે આવવા તૈયાર થઈ. મોટાભાઈએ કહ્યું, તારે આવવાની જરૂર નથી મમ્મી, હું જઈ આવું.’ પણ મમ્મીનું મન ન માન્યું એટલે પછી હું અને મમ્મી બન્ને જણ એક્ટિવા નામની અબળાને જાલિમ પોલીસના હાથમાંથી છોડાવવા નીકળ્યા.
મને રસ્તામાં એક જોક યાદ આવી.  ‘હવાલદાર પહેલો (સાઈકલ સવારને) : અબે રૂક, તેરી સાઈકલમેં લાઈટ ક્યું નહીં જલતી હૈ ? ચલ તેરા નામ લીખા.’  સાઈકલ સવાર: ‘લીખીયે સાબ, મોહનદાસ કરમચંદ ગાંધી.’  હવાલદાર બીજો: ‘ અબે યાર, યે નામ તો કહીં સુના હૈ, કીસી બડે આદમીકા નામ લગતા હૈ. ઇસે જાને દેતે હૈ, વરના ખાલી પીલી હમ ફંસ જાયેંગે.
ટ્રાફિક પોલીસના જનરલ નોલેજની ચર્ચા આપણે અહીં નથી કરવી. પણ એમની શિકાર પારખવાની શક્તિ ગજબનાક હોય છે. એકવાર મારા અંકલ સાથે અમે કારમાં જતા હતા. નહેરુનગર પાસે એક ટ્રાફિક પોલીસે કાર ઉભી રખાવી અને સીધો જ સો રૂપિયા દંડ માગ્યો. અંકલે પૂછ્યું, પણ દંડ શાને માટે લો છો તે તો કહો?’ તો પોલીસે કહ્યું, કારની હેડલાઈટ પર પીળો પટ્ટો નથી માર્યો તેનો. પોલીસની જીપ ત્યાંજ સાઈડમાં ઊભી હતી. અંકલે તેની સામે આંગળી ચીંધીને કહ્યું, પણ ખુદ તમારી જીપની હેડલાઈટ પર પણ પીળો પટ્ટો નથી માર્યો તેનું શું ?’  તો એ ગુસ્સે થઈને બોલ્યો, પોલીસ સામે દલીલ કરો છે, ચાલો લાવો બસ્સો રૂપિયા.
અંકલ વધુ કંઈ દલીલ કરે તે પહેલા પપ્પાએ બસ્સો રૂપિયા કાઢીને પોલીસને આપી દીધા. નહીતર પોલીસની સામેનો એક એક સવાલ અંકલને સો સો રૂપિયાનો પડત. અમસ્તું જ નથી કહ્યું કે સત્તા આગળ શાણપણ નકામું  કે પછી સમરથ કો નહીં દોષ ગુંસાઈ
લાયકાત પ્રમાણે જ લાયસંસ આપવાની વાત હોય તો અમારી જ સોસાયટીમાં રહેતા શાહ આંટીએ પાર્કિંગ એરિયાના થાંભલાને અડફટમાં લીધા સહિત આઠ ફૂટથી વધુ કાર નથી ચલાવી, છતાં એમની પાસે કારનું પાકું લાયસંસ છે, કેમ કે શાહ અંકલનો ભત્રીજો RTO  માં ઓફિસર છે. બાકી ઉંમર કરતા આવડતને ધ્યાનમાં રાખવામાં આવે તો મને અબઘડી લાયસંસ મળે. ખેર ! વેકેશનમાં એક્ટિવા લઈને ફરવાનો અને જલસા કરવાનો પ્લાન તો ટ્રાફિક પોલીસે પહેલા જ દિવસે ચોપટ કરી નાંખ્યો.
હુ અને મમ્મી પેલા ટ્રાફિક પોલીસ પાસે પહોંચ્યા એટલે એણે પહેલાં તો સ્કુટરના કાગળીયા અને મમ્મીનુ લાયસંસ ચેક કર્યું. પછી લાયસંસ વગરના છોકરાંને સ્કુટર ચલાવવા ન આપવા પર એક મીની ભાષણ ઠોક્યું. પછી મૂળ મુદ્દા પર આવ્યો અને પાંચસો રૂપીયા માંગ્યા. મમ્મીએ બસ્સોથી વધારે આપવાની ના પાડી એટલે  એણે બસ્સો રૂપિયા લઈ સો રુપિયાની રસીદ મમ્મીને આપી અને સો રૂપિયા પોતાના ખિસ્સ્સામાં સેરવ્યા.
અમે સ્કુટર લઈને ઘરે આવ્યાં. હું પોલીસના ભ્રષ્ટાચાર વિશે વિસ્તારથી કહેવા માંગતો હતો પણ મમ્મીએ મને ગુસ્સે થઈને લાયસંસ વગર સ્કુટર તું ચલાવતો હતો, એટલે વાંક તારો છે. હવે લાયસંસ ન આવે ત્યાં સુધી તારે સ્કુટર ચલાવવાનું નથી. કહીને મને ચુપ કરી દીધો. મમ્મી તો આપણું ભલું ઇચ્છે એટલે બે શબ્દો કહે, પણ સાચુ કહું તો મમ્મી કરતાં પણ હું એક્ટિવા વધારે સારી રીતે ચલાવું છું, અને છતાં પણ મને આવી સજા ?
પોલીસ પર મને દાઝ તો એવી ચઢી છે કે.... શું કરું ? શેરીના કૂતરાને ફટકારું ? સ્ટ્રીટ લાઈટ ફોડી નાંખુ ? સોસાયટીના છોકરાંની પાછળ સાઈકલ ભગાવું ? ના, ના. એક સુસંસ્કૃત નાગરિક તરીકે આવું બધું મને શોભે નહીં. તો ? ચાલ ગેલેરીમાં બાંધેલી સેન્ડબેગ સાથે મુક્કાબાજી કરી આવું, પછી આરામથી બાથટબમાં નાહીને ફ્રેશ થાઉં, પછી વીડીઓ ગેમ રમું. વાચકમિત્રો, તમે પણ મારી આત્મકથા, એટલે કે ‘ટ્રાફિક પોલીસ વડે દંડિત વિધાર્થીની આપવીતી’ વાંચીને જો ઉશ્કેરાઈ ગયા હો, તો તમારી પથારીમાં થોડા ભૂસકા મારી આવો, કે તકિયા ઉછાળી આવો. અને બોર થઈ ગયા હો તો ટેલિવિઝન પર દૂરદર્શન સિવાયની કોઈ ચેનલ પર પ્રોગ્રામ જોવા બેસી જાવ, ગુડબાય !