Saturday 26 March 2016

મર્સી કિલિંગ.

મર્સી કિલિંગ.         પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

પોલીસ: અબે એય બદમાશ, ચલ નીચે ઉતર,  ક્યા કરતા હૈ?  
રાહદારી: કુછ નહીં, કુછ નહીં સાબ.
પોલીસ: કુછ નહીં કે બચ્ચે, મૈં અંધા હૂં ક્યા? તાલાબ કી દિવાર કે ઉપર ક્યું ચઢા થા?
રાહદારી: યૂં હી ... ઐસે હી... ઘુમ રહા થા,  સાબ.
પોલીસ: ઘૂમને કે લિયે તેરે બાપ કે બગીચે કમ પડ ગયે થે જો તાલાબ કી દિવાર પે ઘૂમને કે લિયે ચઢ ગયા? તાલાબ મેં કૂદ કે મરને કા ઈરાદા હૈ ક્યા?
રાહદારી: નહીં સા, મૈં ક્યું મરુંગા?
પોલીસ:  અબે, તૂ તો મરેગા હી, સાથમેં મુઝે ભી મરવાયેગા. તૂ મરેગા તો મેરી નોકરી ચલી જાયેગી, મેરે બીવી બચ્ચે ભૂખે મર જાયેંગે. ચલ ગધે –   ચલ પુલીસથાને- વહીં જેલમેં મરના.
રાહદારી: ભૂલ હો ગઈ સા, માફ કર દો, જાને દો, દુબારા મરને કી બાત કભી સપને મેં ભી નહીં સોચૂંગા.
પોલીસ: ઠીક હૈ, ઈસ બાર તો જાને દેતા હૂં. દુબારા કભી ખુદકુશી કરનેકી કોશિશ  કી તો મૈં તુઝે જિંદા નહીં છોડૂંગા.
આપણા ભારત દેશમાં ખુદકુશી એટલે કે આપઘાત કરવો એ એક ગુનો ગણાય છે. તમે શાળા, કોલેજ કે જીવનની અન્ય પરીક્ષામાં નિષ્ફળ જાઓ તો બહુ બહુ તો તમારો સમય, શક્તિ અને રૂપિયા (અને ક્યારેક મા – બાપ) બગડે છે. પણ આપઘાત કરવાની પરીક્ષામાં નિષ્ફળ જાઓ તો તમે ગુનેગાર ઠરો છો, તમારા પર કાયદેસર રીતે કેસ ચલાવી શકાય છે. એ લોકોને મરતાને મારવાની મજા આવતી હશે? તમે કદાચ વાઘની બોડમાં જઈને જીવતા પાછા આવી શકો, પણ એકવાર કાયદાની ચુંગલમાં ફસાયા પછી એમાંથી છૂટવા માટે તમારે જે પ્રયત્ન અને પરિશ્રમ કરવા પડે તે કર્યા બાદ તમને એમ થયા વિના રહે નહીં કે આના કરતાં તો મરી ગયા હોત તો વધુ સારું થાત!
માણસને જે રીતે જીવવાનો હક્ક છે એ રીતે જ એને મરવાનો હક્ક પણ હોવો જોઈએ. એમાં સરકારની દખલગીરી ન હોવી જોઈએ. આપઘાત ને ગુનો ગણવાને બદલે પરાક્રમ ગણવું જોઈએ. અને તેથી જ આપઘાત કરનારને – જો એ જીવી જાય તો એને પોતાને, અને મરી જાય તો એના વતી એના સગા વહાલાઓને પરમ આપઘાત વીર ચક્ર એનાયત કરવું જોઈએ. જેથી અન્ય લોકોને આ દિશામાં આગળ વધવાનું બળ અને પ્રોત્સાહન મળી રહે. ભારત દેશની વસ્તી વધારાના ફણીધરને નાથવાના ઉપાયોમાંથી આ એક સરળ અને આવકાર દાયક ઉપાય છે.
ઓસ્ટ્રેલિયામાં તો મરવા માંગનાર વ્યક્તિને મર્સી કિલિંગ માટે મશીનની સગવડ પૂરી પાડવામાં આવે છે. એક મશીનમાં ‘YES’ અ‍ને  ‘NO’ ના બે બટન હોય છે. એની સામે બેસીને તમે ‘YES’ નું બટન દબાવો એટલે તમારું કામ તમામ થઈ જાય.( આપણે ત્યાં જોકે લગ્નના ઉમેદવારને આવી સગવડ મળે છે ખરી)
માની લો કે ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ મર્સી કિલિંગનો કાયદો માન્ય ગણાતો થાય તો  શું થાય?
-હાય ડેડ,  -મીતેષ.
-શું થયું દિકરા, કેમ હાય હાય કરે છે? – ભગુભાઈ.
-પપ્પા, હું તો તમને પૂછતો હતો કે તમે કેમ છો?
-બસ બેટા, હવે તો ભગવાન ક્યારે ઉપાડી લે તેની રાહ જોઉં છું.
-એના માટે ભગવાન પર ભરોસો રાખીને બેસવાથી કંઈ વળે નહીં. મર્સી કિલિંગ ઓફિસરનો સંપર્ક કરો ડેડ.
-મર્સી કિલિંગ ઓફિસર? એ વળી કઈ બલાનું નામ છે?
-એ છે દેવદૂત, હું  કાલે એની એપોઇન્ટ્મેટ લઈને તમને એની ઓફિસમાં લઈ જઇશ.  
એક મર્સી કિલિંગ ઓફિસનું દ્રશ્ય:
ડૉક્ટર કાતિલ: આવો આવો સર, ભલે પધાર્યા.
ભગુભાઈ:  મીતુ, આ તો આપણું સ્વાગત એ રીતે કરે છે જાણે વેવાઈ પધાર્યા હોય.
ડૉક્ટર કાતિલ: અમારે મન અમારા ક્લાયન્ટ વેવાઈથી કમ નથી. બોલો તમારી શી સેવા કરું?
મીતેષ: અમે મર્સી કિલિંગ વિશે જાણકારી લેવા આવ્યા છીયે.
ડૉક્ટર કાતિલ: ગુડ, વેરી ગુડ. તમારા જેવા જુવાનિયાઓ થી માંડીને કબરમાં પગ લટકાવીને બેઠેલા બુઢ્ઢાઓ અમારી સેવા લેવા ઉત્સુક છે. બેસો, તમારું નામ વેઇટિંગ લીસ્ટ માં લખી લઉં.
મીતેષ: રેલ્વેની  જેમ અહીં પણ વેઇટિંગ લીસ્ટ? કન્ફર્મ નંબર જોઈતો હોય તો શું કરવાનું?
ડૉક્ટર કાતિલ: કન્ફર્મ નંબર જોઈતો હોય તો તત્કાલ માં ઓન આપીને નંબર કઢાવી શકાય.
ભગુભાઈ: આમાંય પાછો ભ્રષ્ટાચાર?
મીતેષ: ઓહ ડેડ ! આને ભ્રષ્ટાચાર ન કહેવાય, કમ્ફર્ટ કહેવાય.
ભગુભાઈ: પણ જેની પાસે પૈસાની સગવડ ન હોય તે શું કરે?
ડૉક્ટર કાતિલ: સરકારી કર્મચારીઓ માટે સરકારે ઈચ્છામૃત્યુ પેંશન યોજના બહાર પાડી છે. બાકીનાઓને ખાનગી કંપનીઓ લોન આપે છે.
ભગુભાઈ: અને પછી એ લોન ભરપાઈ કોણ કરે, મરનારનો બાપ?
ડૉક્ટર કાતિલ: બાપ કરે કે દિકરો, એની સાથે અમને નિસ્બત નથી. અમારે તો અમારો કસ્ટમર ખુશીથી અને શાંતિથી મરે એ જ જોવાનું. લો આ ફોર્મ ભરો. તમે કયા પ્રકારનું મોત ઈચ્છો છો તે લખો.પાણીમાં ડૂબીને, આગમાં ઝંપલાવીને, હાઈરાઈઝ બિલ્ડિંગ પરથી પડતું મૂકીને, ખાવામાં ઝેર ખાઈને, વેક્યૂમ ઈંજેક્શનથી, રિવોલ્વરની ગોળીથી, તલવારની ધારથી, ખંજરની અણીથી, વાહન નીચે એક્સિડન્ટથી, આત્કવાદીઓના જુલમથી, બોમ્બ બ્લાસ્ટ્થી કે પછી...
ભગુભાઈ: બસ કરો ડૉક્ટર, મારો જીવ ચૂંથાય છે.
ડૉક્ટર કાતિલ: આવા સખત મૃત્યુથી ન મરવું હોય તો અમારી પાસે સોફ્ટ રસ્તાઓ પણ છે. અમે તમને કવિની કવિતાઓ કે હાસ્યલેખકોના લેખો સંભળાવીને  શાંત મૃત્યુ પણ આપી શકીએ છીએ. બીજા ખાનામાં લખો – તમે મરણ માટે કયું સ્થળ પસંદ કરશો. આ દેશ કે પરદેશ? ધાર્મિક સ્થળ કે હિલ સ્ટેશન? નદી કિનારો કે દરિયા કિનારો? વળી તે સ્થળે જવા તમે કયું વાહન પસંદ કરશો, કાર, બસ, ટ્રેન કે પ્લેન? ત્યાં રહેવા માટે કેવી હોટલ પસંદ કરશો, સાદી, ટુ સ્ટાર, થ્રી સ્ટાર, ફાઈવ્સ્ટાર કે પછી કોઈ ધર્મશાળા? ગેસ્ટહાઉસ અને મેદાનમાં તંબુમાં રહેવાની પણ અમે સગવડ આપીએ છીએ. ટુંકમાં અમે અમારા કસ્ટમરની લગભગ તમામ ઈચ્છાઓ પૂર્ણ કરીએ છીએ.
ભગુભાઈ: એ બધું તો ઠીક, પણ આ બધો ખર્ચ કોણ ભોગવે?
ડૉક્ટર કાતિલ: ઓફકોર્સ, મરનાર જ વળી.
ભગુભાઈ: તો તો મરવાનું પણ મોંઘું થયું ભાઈ.
ડૉક્ટર કાતિલ: સાથે સાથે મરવાનું મજાનું પણ થયું કે નહીં?
ભગુભાઈ:મરવાનું તે કોઈ દિવસ મજાનું લાગતું હશે?
ડૉક્ટર કાતિલ: એકવાર તમે અમારા હાથે મરી તો જુઓ, પછી તમે બીજે ક્યાંય નહીં જાવ. આઈમીન- તમારા દિકરા અને દિકરાના દિકરા પણ મરવા માટે અમારે ત્યાં જ આવશે.
મીતેષ: ટુંકમાં તમે અમારા ફેમિલી મર્સી કિલર બની જશો.
ડૉક્ટર કાતિલ: હા. મર્યા બાદ પણ અમે તમને અમારી સેવા આપીશું. તમારા મૃતદેહને દાટવા કે બાળવા,  સાદા લાકડાથી કે ચંદનના લાકડાથી બાળવા, કે પછી ઈલેક્ટ્રીક ભાઠ્ઠીમાં બાળવા, એ વિધિ કોના હાથે કરાવવી, કોને કોને આ વિધિમાં આમંત્રિત કરવા, આમંત્રિતો માટે હાઈટી કે લંચ કે ડિનર રાખવું, એનું મેનૂ શું રાખવું, વગેરે બધું જ તમારી ઈચ્છા પ્રમણે અમે ગોઠવી આપીશું.
મીતેષ:આ સિવાય બીજું કંઈ?
ડૉક્ટર કાતિલ: મરનારને જો કોઈ શખ્શ પર વેર વાળવાનું બાકી રહી જતું હોય તો અમારા માણસો એ કસર પણ પૂરી કરી આપશે. કોઈ પાસે  પૈસાની ઉઘરાણી બાકી રહી જતી હોય તો તે પણ અમે પતાવી આપીશું. જો કે આવી સેવાઓનો એક્સટ્રા ચાર્જ થશે. પણ અમારી સેવાઓમાં કંઈ જ કહેવાપણું નહીં રહે. અમારે મન તો ગ્રાહક નો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ આવતા વર્ષે તો અમને આ ક્ષેત્રમાં ગોલ્ડમેડલ મળવાની શક્યતા પણ છે.
મીતેષ: All the Best.
ડૉક્ટર કાતિલ: થેક્યૂ! તમે બીજા પાંચ ક્લાયન્ટ લઈ આવો તો તમને અમારી  ફીમાં વીસ ટકા ડીસ્કાઉન્ટ પણ મળશે.
ભગુભાઈ: ભલે, અમે વિચાર કરીને જણાવીશું.
ડૉક્ટર કાતિલ: જેમ બને એમ જલ્દી જણાવજો. નહીંતર વેઇટિંગ લીસ્ટ્માં તમારો નંબર પાછળ જતો રહેશે તો તમારે મરવા માટે ઘણી પ્રતિક્ષા કરવી પડશે.
ભગુભાઈ: ભલે, ચાલ મીતેષ. હવે તો નિરાંતે એમ પણ નહી બોલી શકાશે કે હે ભગવન! મને ઉપાડી લે.



Sunday 20 March 2016

તેજુનો તુલસી ક્યારો (બાળવાર્તા)

તેજુનો તુલસી ક્યારો (બાળવાર્તા)  પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

નામ તો હતું એનુ તેજલ, પણ મમ્મી પપ્પા એને વહાલથી તેજુ કહીને જ બોલાવતા. તેજુના પપ્પા એક મોટા સરકારી અધિકારી હતા. એમને ઓફિસે માંથી લેવા અને મૂકવા સરકારી ગાડી આવતી. ડ્રાઈવર ગાડીનો દરવાજો ખોલીને સલામ કરીને અદબભેર ઊભો રહેતો. તેજુના પપ્પા પ્રમાણિક અને શિસ્તપ્રિય અધિકારી હોવાથી ઓફિસમાં એમનું ઘણું માન હતું.  
આ ઓફિસમાં એમને પાંચ વર્ષ પૂરાં થયાં હતા એટલે સરકારી નિયમ પ્રમાણે એમની  બદલી બીજા શહેરમાં થઈ. તેજુને આ વાતની જાણ થઈ એટલે એણે એની મમ્મીને પૂછ્યું, મમ્મી બદલી એટલે શું?’ એની મમ્મીએ હસીને એને સમજાવ્યું, બદલી એટલે ટ્રાન્સફર. આપણે હવે બીજા શહેરમાં સુંદરપુર જઈશું. ત્યાંની નવી ઓફિસમાં તારા પપ્પા હોદ્દો સંભાળી લેશે.  તો પછી એમની આ ઓફિસમાં એમનું કામ કોણ કરશે?’ તેજુએ પૂછ્યું. જવાબમાં મમ્મીએ કહ્યું,  અહીં કોઈ બીજા ઓફિસર ને મૂકશે.
પણ મમ્મી,  આપણે સુંદરપુર જઈશું તો મારી અહીંની ફ્રેન્ડનું શું? એ બધી તો અહીં જ રહેશે ને? હું તો ત્યાં સાવ એકલી જ પડી જઈશ ને?’ તેજુએ રડમસ અવાજે પૂછ્યું. અરે ! ત્યાં તને બીજી નવી બહેનપણીઓ  મળશેને? ક્યારેક ક્યારેક આપણે અહીં તારી ફ્રેન્ડ્સને મળવા પણ તો આવીશું ને?’ મમ્મીએ તેજુને સમજાવતાં કહ્યું. તેજુને સ્કુલે જવાનો સમય થયો હતો એટલે એ સ્કુલે ગઈ પણ મમ્મીની વાતથી એનું મન ન માન્યું.  
એણે જ્યારે એની ફ્રેન્ડ્સ વૈશાલી, પલક, તનયા અને મૃગાને પપ્પાની બદલી સુંદરપુર થઈ છે અને પોતે ત્યાં જવાની છે એ વાત કરી ત્યારે બધી જ ફ્રેન્ડ્સ ઉદાસ થઈ ગઈ. તેજુ એરાત્રે એના પપ્પાને પુછ્યું, પપ્પા,આ બદલી રોકી ન શકાય? પપ્પાએ એને પ્રેમથી કહ્યું, ના બેટા, બદલી એ સરકારી નોકરીના એક ભાગ રૂપે જ હોય છે, એને સ્વીકારવી જ પડે. પણ તું કેમ આવું પૂછે છે?’
પપ્પા,  મારે બીજે રહેવા નથી જવું, મારે અહીં જ રહેવું છે, મને બીજે ગમશે નહીં. તેજુ બોલી.  શરુઆતમાં કદાચ ન ગમે,  પણ ધીમે ધીમે ગમી જાય, બેટા. જેમ અહીં ગમી ગયું હતું એમ. પપ્પાએ એને વહાલથી ટપલી મારી અને મમ્મીએ એને પ્રેમપૂર્વક પાસે ખેંચીને કહ્યું, બેટા,પરિવર્તન એ કુદરતનો નિયમ છે. આપણા જીવનનો એક ભાગ છે,’ તેજુને મમ્મીની વાત બરાબર સમજાઈ નહીં, એ ભારે હૈયે જૂની બહેનપણીઓને બાય બાય કહીને નવી જગ્યાએ રહેવા આવી ગઈ.
પણ નવા શહેર સુંદરપુરમાં તેજુ એકલી પડી ગઈ. નવી સ્કુલમાં તો એની ઉંમરના ઘણા છોકરા છોકરીઓ હતા, પણ  એના ઘરની આસપાસ એની ઉંમરની કોઈ બહેનપણી નહોતી. એને બિલકુલ ગમતું નહોતું એથી એ ઉદાસ રહેતી હતી. એક દિવસ એના પપ્પા છોડના ઘણા બધા રોપાઓ લઈ આવ્યા. પછી તેજુને લઈને ઘરની આસપાસની ખાલી જગ્યામાં જમીન સાફ કરીને ખોદીને માટીમાં આ રોપાઓ વાવ્ય, ખાતર નાંખ્યું, પાણી પાયું.
એક દિવસ કડિયાને બોલાવીને તુલસીના છોડની આસપાસ ઈંટોથી  ક્યારો બનાવડાવ્યો. મમ્મીએ તેજુને લઈને એ ક્યારાને ગેરુથી રંગ કર્યો અને એના પર  તેજુ પાસે સૂરજ –ચંદ્ર અને વેલના મજાના ચિત્રો દોરાવડાવ્યા. તેજુને આ કામમાં ખુબ મજા પડી, એણે ચિત્રોમા રંગ પણ પૂર્યા.
શરૂઆતમાં તેજુને જમીન ખોદવી , છોડ રોપવા, ખાતર નાંખવું, પાણી પાવું, નકામા પાંદડા અને કચરો દૂર કરવો જેવા કામો ફાવતા નહીં. પણ મમ્મી પપ્પાની મદદથી પછી એને એ કામ ગમવા માંડ્યું. પછી તો રોપાઓ મોટા થવા માંડ્યા, અંકુર ફૂટવ્વા માંડ્યા, એના પર રંગબેરંગી ફૂલો ખીલવા માંડ્યા અને સુંદર પતંગીયાઓ પણ આવવા માંડ્યા. એક મજાનો બાગ તૈયાર થઈ ગયો. હવે એની ઉંમરના બાળકો રમવા આવવા માંડ્યા.
તેજુને આ બધું જોઈને ખુબ ખુશી થઈ. એ વધારે કાળજીથી છોડને ઉછેરવા માંડી. હવે એને એકલું નહોતું લાગતું. આજુબાજુના ઘરોમાંથી એના જેવડા બાળકો એને કામમાં મદદ કરવા લાગ્યા. એની સાથે રમવા લાગ્યા. આજુબાજુના ઘરોમાંથી સ્ત્રીઓ વારે તહેવારે  તુલસી ક્યારે પૂજા કરવા આવતી. અને તેજુને અભિનંદન આપતી. થોડા સમયમાં તો એ સ્થળ તેજુનો તુલસી ક્યારો નામ પ્રખ્યાત થઈ ગયું.


ઈનામી સ્પર્ધાઓ.

ઈનામી સ્પર્ધાઓ.   પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

-મીતા, જમવાનું તૈયાર છે?
-દસ પંદર મિનિટ થોભો, મીતેષ.
-પણ મારે ઓફિસે જવાનું મોડું થાય છે.
-પ્લીઝ મીતેષ, માત્ર દસ મિનિટ?
-ઓકે, પણ અત્યારે સવારના પહોરમાં એવું તે શું અગત્યનું કામ કરી રહી છે તું?
-આ ન્યૂઝપેપરના ઈનામી સ્પર્ધાના જવાબ લખી રહી છું.
-પણ એ બધા તો કામકાજમાંથી પરવારીને બપોરના તારા આરામના સમયમાં પણ કરી શકાય ને?
-ચોક્કસ કરી શકાય અને કાયમ હું એમ જ કરું છું. પણ આજે આ સ્પર્ધાનો ફોર્મ મોકલવાનો છેલ્લો દિવસ છે, એટલે લખીને તમને આપી દઉં તો તમારી ઓફિસમાંથી માણસ ન્યૂઝ્પેપરની ઓફિસમાં જઈને આપી આવે ને?
-તો છેલ્લી ઘડી સુધી બેસી શા માટે રહી? આવા કામ થોડા વહેલા કરી દેવા જોઈએ ને?
-આમ અકળાઈ શું જાવ છો મીતેષ? દર વખતે તો હું બીજા કે ત્રીજા જ દિવસે જવાબો લખીને રવાના કરી દઊં છું. પણ આ વખતે સ્પર્ધા અઘરી હતી અને એક સવાલનો જવાબ નહોતો આવડતો એટલે રહી ગયું.
-તો પડતું મૂકવું તું ને આવું કામ? એક વખત જવાબ ન મોકલે તો શું રહી ગયા?
-એ વાત તો બરાબર, પણ  નસીબ જોગે આપણને કદાચ આ વખતે જ ઈનામ મળી જાય તો?  મેં તો આપણા પડોશમાં મોનાબહેનને પણ પૂછ્યું હતું, પણ એમણે જવાબ ન કહ્યો.
-એમને જવાબ નહીં આવડતો હોય.
-અરે એવું તે કંઈ હોતું હશે? રાત્રે જ મેં એમને એમના પતિ મનીષભાઈને સવાલ પૂછતા જોયાં હતાં, અને સવારે એમના દિકરાને કવર લઈને બહાર જતો પણ મેં જોયો ને.
-જબરી જાસૂસી કરે છે તું તો. ડિટેકટીવ તરીકે ઓફિસ ખોલે તો ધમધોકાર ચાલે. બોલ છે વિચાર?
-મારે કંઈ ઓફિસ બોફિસ નથી ખોલવી.આવી થોડી ઈનામી સ્પર્ધામાં નંબર લાગી જાય અને ઈનામ જીતીને તમને થોડી મદદરૂપ થાઉં તો પણ ઘણું.
-પણ હાલ તો તું  મને ઓફિસે સમયસર  જવામાં મદદરૂપ થાય તો સારું,  મારે મોડું થાય છે. તું જવાબ પછી કોઈ બીજાને પૂછી જોજે.
-મેં પિયર ફોન કરીને મારા ભાઈને જવાબ પૂછી લીધો છે.
-ઓહ! આવા નકામા કામ માટે STD ફોનના ખર્ચા કરાતા હશે?
-નકામું કામ? અરે નંબર લાગી જાય તો પૂરા હજાર રૂપિયાનું ઇનામ મળશે.
-બહુ ખુશ ન થઈ જા. તારા જેવા તો લાખો લોકો આવા ફોર્મ ભરીને મોકલતા હશે. એ લોકો કોને કોને ઈનામ આપે? ઘણી તો સ્પર્ધા જ બોગસ હોય છે.
-હું તમને કમાણી કરવામાં મદદરૂપ થવા ઈચ્છું છું પણ તમને તો કોઈ કદર જ નથી, કોઈ જાતનો ઉત્સાહ જ નથી.
-ઓફિસે જવાનું મોડું થતું હોય ત્યારે કયા પુરુષને આવી વાતે ઉત્સાહ જાગે?
-ઓફિસે જાણે તમે એકલાં જ જતા હશો? આ બજુવાળા મોનાબહેનના હસબન્ડ મનીષભાઈને જુઓ. એમણે ઓફિસમાંથી અડધા દિવસની રજા લઈને મોનાબહેનને ઈનામી સ્પર્ધાની એક વાર્તાનો અંત લખી આપ્યો.
-હું એવા અંત ફંત લખવા ઓફિસમાંથી રજા લઉં ને તો મારો હિટલર બૉસ મારી નોકરીનો જ અંત લાવી દે.
-તમે તમારા બૉસથી આટલા ઘભરાઓ છો કેમ?
-કેમ, મેં કંઈ લખી આપ્યું છે કે મારે માત્ર તારાથી જ ઘભરાવું?
-દર વખતે બસ નોકરી, નોકરી અને નોકરી. આ તે નોકરી છે કે ગુલામી?
-એ આપણે પછીથી નક્કી કરીએ તો કેમ રહેશે? હાલ તો તું જમવાનું પીરસ. આપણો રીંકુ ક્યાં છે? એ  હજી જમવા કેમ ન આવ્યો?
-એ વાર્તા લખી રહ્યો છે.
-શુંઉઉઉ? રીંકુ અને વાર્તા? આવો ચમત્કાર શી રીતે થયો?
એ તો એના એક ફ્રેન્ડને વાર્તા સ્પર્ધામાં હજાર રૂપિયાનું ઈનામ મળ્યું એટલે એને જોઈને રીંકુને પણ વાર્તા લખવાનું મન થયું. આજે સવારથી રીંકુ એમાં જ બીઝી છે.
-ઓહ ગોડ ! આ ઘરમાં આ બધું શું ચાલી રહ્યું છે?
-મીતેષ પ્લીઝ, લ્યો આ કવર, તમે એના પર આ પેપરમાં લખ્યું છે તે સરનામું કરો, ત્યાં સુધીમાં હું તમારે માટે ગરમ ગરમ રોટલી ઉતારું.
-હે ભગવાન! મને તો  થાય છે કે હું આવી તમામ ઇનામી સ્પર્ધાઓ બંધ કરવા માટેનું કોઈ ઈનામ આપણા ઘરમાં જાહેર કરું.
વાચકમિત્રો! તમને નથી લાગતું કે આવી ઈનામી સ્પર્ધાઓ, આપણામાં છુપાયેલી પ્રતિભાઓને બહાર લાવવામાં પ્રેરક બળ પૂરું પાડે છે? તમે મારી જ વાત લ્યો ને. હાસ્યલેખિકા તરીકેની મારી કારકિર્દીની શરૂઆત જ ઈનામી સ્પર્ધાથી થયેલી. અને પ્રથમ પુસ્તક હાસ્યપલ્લવ ને સાહિત્ય અકાદમી તરફથી ઈનામ મળતાં આ કારકિર્દીને વેગ મળ્યો. માટે જ કહું છું કે ઈનામી સ્પર્ધાઓ ચાલુ રહેવી જ જોઈએ.

રમેશ: જો મનુ, આ સિલ્વરકપ મને દોડવાની સ્પર્ધામાં મળ્યો હતો.
મનુ: એમ? કેટલા સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો?
રમેશ: ત્રણ જણ. હું, આ  કપનો માલિક અને એક પોલીસ કોન્સ્ટેબલ!   






Sunday 13 March 2016

ચારોં ઔર હૈ ચોર.

ચારોં ઔર હૈ ચોર.    પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

ગુડ ઇવનિંગ શ્રોતા મિત્રો,
આજે આપણા સ્ટુડિયોમાં એક એવી નામાંકિત હસ્તી ઉપસ્થિત છે કે જેમને ચોરી કરવાના એટલે કે ચૌર્યક્ષેત્રે જિલ્લાકક્ષા, રાજ્યકક્ષા અને રાષ્ટ્રીયકક્ષા – એમ ત્રણ ત્રણ કક્ષાના એવોર્ડ્સ એનાયત થઈ ચૂક્યા છે. અને હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ એમને એવોર્ડ મળે એવી સંભાવના છે. આવા પ્રસિદ્ધ ચોર મહાશય શ્રી કાલિદાસભાઈ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા છે. કાલિદાસભાઈ અમારા સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે.
-ભાઈ? અપુનકો ભાઈ – બાઈ મત કહેના. કાલિદાસ બોલો, કાલિયા બોલો, કલ્લુ બોલો યા કાનકટ્ટી બોલો પર ભાઈ નહીં બુલાનેકા સમજે?
ઔર કુછ ભી કહ લીજીયે, પર મુઝે ભાઈ મત કહેના,
સારે રીશ્તે નાતે જુઠે હૈ, ઉસકા બોજ અબ નહીં સહેના.
–અરે વાહ! તમે તો સરસ શાયરી પણ કરી જાણો છો ને કંઈ, કાલિદાસભાઈ.
-વાપસ ભાઈ?
-સોરી સોરી! કાલિદાસજી, પણ તમે અમારા શ્રોતા જનોને એ જણાવશો કે તમને ભાઈ શબ્દથી આટલી નફરત કેમ છે?
-બાત યે હૈ કી, ગાય અપને ઘાસસે ઔર શિકારી અપને શિકારસે દોસ્તી કરેગા તો ખાયેગા ક્યા? ઉસી તરહસે હમ કીસીકે ભાઈ – ચાચા – મામા બનેગા તો ચોરી કીસ કે ઘર  કરેગા? ડાકા કિધર ડાલેગા?
-બાત તો બિલકુલ સહી કહી આપને કલ્લુજી, તમે તમારા ભવ્ય ભૂતકાળ વિશે  અમારા શ્રોતા જનોને કંઈ કહેશો?
-સ્યોર, યે તબ કી બાત હૈ જબ મૈને ઈસ ચોરીકી દુનિયામેં કદમ નહીં રખ્ખા થા. મૈં તબ કોલેજ મેં પઢતા થા.
-અચ્છા ! તમે કોલેજમાં પણ જતા હતા?
-હાં, મૈં સિર્ફ કોલેજ જાતા હી નહીં થા, મગર સિન્સિયરલી પઢતા ભી થા. જબ મૈં લાસ્ટ ઈયરમેં થા,  તબ એક સુંદર લડકીને કોલેજમેં એડમિશન લી. ઈત્તફાકસે  ઉસને મેરે ક્લાસમેં હી એડમિશન લી, યૂં કહીએ ઉસને મેરી જિંદગીમેં એડમિશન લી. મેં દિલો જાનસે ઉસે પ્યાર કરને લગા, ઉસ પર મરને લગા, ઔર  ઢેર સારી શાયરીયાં ભી લીખી.
-તમે એની સામે તમારા પ્યારનો એકરાર કેવી રીતે કર્યો? 
-મૈને એક દિન જબ વો અકેલી કોલેજકે  ગાર્ડનમેં બૈઠી થી તબ  મેરી શાયરીકી ડાયરી ઔર લવલેટર ઉસ કો દિયા.
-વેરી ગુડ, તમે હિમંતવાન નીકળ્યા. પછી એણે તમારા પ્યારનો સ્વીકાર કર્યો ખરો? કેવી રીતે કર્યો?
-ઉસને મેરે સામને હી ઉસ ડાયરી કે પન્ને પન્ને ફાડકર ફેંક  દિયે, દિલકે અરમાં આંસુઓમેં બહ ગયે.
-ઓહ1 અરરરર. ઘણા દુ:ખની વાત છે.
-હાં, દુખકી બાત તો હૈ, કાગઝ બનાનેકે લિયે હમ કીતને સારે પેડ કાટતે હૈં, બાગ ઉજાડતે હૈં, ઔર ઉસ જાલિમ કો ઇસ બાતકી કોઈ તમા તક નહીં.  
-આપ તો પર્યાવરણ વાદીપણ લાગો છો, કાલિદાસજી.
-મૈં તો બસ અબ ફરિયાદી બનકર રહ ગયા હું. ઉસ માશૂકાને કિસી પહેલવાનસે શાદી કર લી. ચાંદીકી દિવાર ન તોડી પ્યાર ભરા દિલ તોડ દિયા.
-અમારી સૌની સહાનુભૂતિ તમારી સાથે છે. પણ અમને એ ન સમજાયું કે તમે એજ્યુકેટેડ પર્સન થઈને ચોરીને રવાડે કેમ ચઢી ગયા?  
-મેરી માશૂકાને કોલેજ કે પ્રીન્સીપલકો મેરા લવલેટર  દીખાકર  મેરી ફરિયાદ કી, ઉસકે રઈસ બાપને મુઝે કોલેજસે રસ્ટીકેટ કરવાયા, ઉતના હી નહીં ઉસ કે આવારા ભાઈને મેરી જમ કે પીટાઈ કી ઔર પુલીસ થાનેમેં મતલબ જેલમેં દો દિન બંધ કરવાયા.
-અરેરે ! બહુ જ કરુણ વાત.પછી શું થયું?
-ફિર ક્યા જેલમેં એક નેક બંદે સે મુલાકાત હુઈ, ઉસને મુજે ગલે લગાયા, મૈં ઉસ કા શાગિર્દ બના ગયા, ઉસ ને મુજે અપની કલા શીખાઈ, ઔર મૈં ઇસ ચોરીકે કામ મેં માહિર બન ગયા.
-પછી કોઈવાર કોલેજ ગયા કે નહીં? તમારી માશૂકાને મળ્યા કે નહીં?
-નહીં, મૈને તય કર લિયા થા કી ઐસી લડકી સે ક્યા મિલના જીસ કે દિલમેં મેરે લિયે પ્યાર તો નહીં, પર ઈન્સાનીયત કે નાતે રહમ ભી નહીં. પર હાં, ઇક દિન મૈં એક બડે સે મોલમેં ચોરીકે ઈરાદેસે ગયા થા. વહાં એક મોટીસી ઔરતને અપને  હટ્ટે કટ્ટે હસબન્ડકો પબ્લિક મેં જો ડાંટા – જો ડાંટા, ઔર વોહ પહેલવાન ભી મિયાંકી મીંદડી બનકે ખડા થા, દેખકર સબકો રહમ આ રહા થા. ફિર ધ્યાનસે દેખા તો વો મેરી માશૂકા હી થી જો અપને પતિ કો ડાંટ રહી થી. .
-એ જોઈને તમને તો લાગ્યું હશે કે બચી ગયો નહીં?
-મુજે એક જોક યાદ આયા, બતાઉં?
-હા, હા. જરૂર કહો.
-પતિ: તુજસે શાદી કરનેકા એક ફાયદા મુજે જરૂર હુવા.
પત્ની: વો ક્યા?
પતિ: મુજે અપને કિયેકી સજા યહાં જીતે જી મીલ ગઈ.
-અરે વાહ કાલિદાસજી, તમે તો સાહિત્યમાં રસ ધરાવતા લાગો છો. રમૂજ પણ સારી કરી જાણો છો. ચોરીની બાબતમાં તમારું મંતવ્ય જણાવશો?
-ચોરી એક વિનિમય હૈ. બીના કિમત ચુકાયે, યા બીના ઇજાજત લીયે ચીજ ઉઠા લેનેકા ! બસ, ઔર કુછ નહીં.
-પણ આમ કરીને તમે કાયદાનો ભંગ કરો છો, ચોર મહાશયજી.
-કાયદા અંધા હૈ, કાયદા ગધા હૈ. કાયદા – કાનૂન કો કૌન માનતા હૈ?  લોગ કહેતે હૈં કી કાનૂન કે હાથ લંબે હોતે હૈં પર મૈં કહતા હું કી કાનૂન કો દિમાગ હી નહીં હૈ.  
-કાયદા વિશે તમારે આવું ન બોલવું જોઈએ, કલ્લુજી. શું તમને ચોરી કરવા બદલ ક્યારેય અફસોસ એટલે કે GUILT ની લાગણી નથી થઈ?
-Guilt my Foot! ચોરી કરનેમેં શરમ કૈસી? બચપનમેં ગાંધીજી ને અપને ઘરમેં હી કડેમેંસે સોના ચુરાકર ચોરી કી, ફિર બડે હોકર દાંડીસે નમક ચુરાયા. શ્રીકૃષ્ણને બચપનમેં માખન ચુરાયા, ફિર રાધાકા દિલ ચુરાયા. આપ ગાંધીજીકો મહાત્મા ઔર કૃષ્ણકો ભગવાન કહેતે હો. યહી ઇસ બાત કા સબૂત હૈ કી, ચોરી કરના બૂરીબાત નહીં હૈ.
-તમારી દલીલમાં વજૂદ છે, છતાં પણ....
-દેખીયે, ચોરી કરનેકી ઈચ્છા તો હર ઇંસાનમેં હોતી હૈ. બડે બડે રઈસજાદે ભી ફાઈવસ્ટાર હોટલમેં હજારો રૂપિયેકા બીલ પે કરનેકે ઔર વેઈટરકો પાંચસો – હજાર રૂપિયે ટીપ દેનેકે બાવજૂદ ભી વહાંસે છુરી, ચમ્મચ, કાંટે, સાબુન, ટુથબ્રશ, તૌલિયા, સ્લીપર્સ જૈસી ચીજેં ચુરાતે હૈં. ઉસમેં ચોરીકી ભાવના કમ ઔર મજે લૂટનેકી ભાવના જ્યાદા હોતી હૈ. અબ આપ હી બતાઈએ, ક્યા આપને કભી ચોરી નહીં કી?
-આ લાઈવ ટેલિકાસ્ટ છે. અને અહીં મારી નહીં તમારી વાત થઈ રહી છે. અચ્છા, એ કહો તમારા વ્યવસાયમાં કોઈ પધ્ધતિસરની ટ્રેનિંગની જરૂર ખરી?
-અરે હાં, ઉસકી તો બહુત જરૂર હૈ. ક્યૂં કિ ઇસમેં જરા સી ભી ગફલત કી ઔર પકડે ગયે તો મામૂ માર ડાલેગા.
-મામૂ? મામૂ કોણ?

-મામૂ કો નહીં જાનતે? મામૂ માને પુલીસ. ઉસ કે હાથ લગ ગયે તો માર ખાન પડતી હૈ, કભી કભી સસુરાલ (જેલ) જાના પડતા હૈ. યે કોઈ બચ્ચોંકા ખેલ નહીં હૈ, યે બાત આપ નહીં સમજોગે.
-તમે સમજાવો તો સમજીએ ને.
-અરે યે સબ સમજાનેમેં તો શામ કી સુબહ હો જાયેગી. ઔર આજ રાત કો એક અચ્છી જગહ બડા હાથ મારનેકા પ્લાન બનાયા હૈ. તો આજ આપ હમકો ક્ષમા કરે, ફિર કીસી દિન વક્ત મીલા તો બતાઉંગા.
-ઠીક છે, કાલિદાસજી. તમે તમારો કીમતી સમય આપ્યો અને તમારા ક્ષેત્રની માહિતી આપી એ બદલ તમારો ખુબ ખુબ આભાર! તમે જતા જતા કોઈ અગત્યનો સંદેશ અમારા શ્રોતાજનોને આપશો?
-મૈં તો સિર્ફ ઇતના હી કહૂંગા:
ધનચોર કોઈ, મનચોર કોઈ, કોઈ દિલદુનિયાકા ચોર,
ઇસ દુનિયામેં જહાંભી દેખો, ચારોં ઔર હૈ ચોર, ચારોં ઔર હૈ ચોર.
અલવિદા! સલામ!  ફિર મિલેંગે! બાય બાય!

આજની જોક :
જજ: પણ તેં શેઠના બંધ કોટના અંદરના ખીસામાંથી પાકીટ ચોર્યું શી રીતે?
ચોર: એ શીખવવાના હું એક હજાર રૂપિયા ફી લઉં  છું.







Tuesday 8 March 2016

સ્ત્રી સ્વાતંત્ર્ય.

સ્ત્રી સ્વાતંત્ર્ય.       પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

લીલી: અલી ચંપા, તેં સાંભળ્યું, લોકો ચંદ્ર પર જઈ આવ્યા?
ચંપા: હા બહેન, સાંભળ્યું તો ખરું, પણ શું કરીએ, આપણને ઘરકામમાંથી ફુરસદ મળે તો ક્યાંક જઈએ ને?

સ્ત્રી સ્વાતંત્ર્ય ના આજના યુગમાં સ્ત્રીઓ દ્વારા થતી આવી વાતચીત સાંભળીને મને ઊંડો આઘાત લાગ્યો. એક લેખિકા તરીકે મારે કલમ નામનું શસ્ત્ર ઉઠાવીને ઘરકામની ગુલામીમા સબડતી આવી અનેક સ્ત્રીઓને મુક્તિ અપાવીને, સ્ત્રી સ્વાતંત્ર્ય નો મહિમા સમજાવવો જોઈએ. પણ એ માટે મારે શું કરવું? ઇંગ્લેન્ડના વડાપ્રધાન ચર્ચિલને હિટલરના હુમલાથી પણ નહોતી થઈ એવી ચિંતા મને આ ગુલામીમાં સબડતી સ્ત્રીઓને માટે થઈ.

શું કરવું?  શું કરવું?’ ના મનોમંથનમાં હું ડૂબી હતી. ત્યાં જ રણમાં મીઠી વીરડી જેવા એક સમાચાર મને ન્યૂઝ પેપરમાં વાંચવા મળ્યા. એક પ્રખ્યાત લેખકના પુસ્તક, સ્ત્રી સ્વાતંત્ર્ય નો મહિમા નો રીવ્યૂ એમાં છપાયો હતો. જે વાંચીને મારું રોમે રોમ પુલકિત થઈ ઊઠ્યું, હું ખુશીથી નાચી ઊઠી અને અત્યંત પ્રોત્સાહિત થઈ ગઈ. ટ્રેલર આટલું સરસ છે,  તો ફિલ્મ કેટલી અસરકારક હશે! એ વિચારે પ્રેરિત થઈ, મારી અતિ પ્રિય એવી બપોરની ઊંઘ છોડીને, અમદાવાદના ઉનાળાના ભડભડતા તાપમાં હું એ પુસ્તક ખરીદવા  માર્કેટમાં આવેલી દુકાનમાં ગઈ.  

ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને અમદાવાદમાં પુસ્તકો ખરીદવા કરતાં, લેખકો પાસેથી માંગી લાવીને અથવા લાઈબ્રેરી માંથી લાવીને વાંચવાનો રિવાજ છે. છતાંય પુરુષોની ગુલામીમાં સબડતી મારી વહાલી બહેનો માટે, હું એ રિવાજ ભંગ કરીને, પુસ્તક સ્ત્રી સ્વાતંત્ર્ય નો મહિમા  ખરીદીને લઈ આવી. આ પુસ્તકની સાઈઝ અત્યંત દળદાર હતી. છતાંય કૂલીની કે કોઈની ય મદદ વિના, હું જાતે પોતે એ પુસ્તક ઊંચકીને ઘરે લઈ આવી.

ઘરે આવ્યા પછી મને થયું,’ લાવ પહેલા જરા આરામ કરી લઉં અને પછી નિરાંતે  પુસ્તક વાંચીશ. હવે ઘરમાં જ આવ્યું છે તો ક્યાં નાસી જવાનું છે  પરંતુ પછી મારામાં રહેલી એક જાગૃત સ્ત્રીએ મને લલકારી ને યાદ કરાવ્યું, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. તેથી આરામ હરામ કરીને હું એ પુસ્તક લઈને વાંચવા બેઠી. પુસ્તક ઉઘાડીને જોયું તો પ્રસ્તાવનાના પચાસ પાના! પ્રસ્તાવના તો ન વાંચીએ તો પણ ચાલે,  એ વાંચવી જરૂરી?’  એવો પ્રશ્ન મારા મને કર્યો.

પણ હું પાછી નિડર કવિ નર્મદના ગામ સુરતની હોવાથી કવિશ્રી કહી ગયેલા તે વાત, ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું યાદ આવી. એટલે છેવટે હતી એટલી હિંમત ભેગી કરીને મેં પુસ્તક, સ્ત્રી સ્વાતંત્ર્ય નો મહિમા  વાંચવાનું શરુ કર્યું. જેમ જેમ હું એ પુસ્તક વાંચતી ગઈ તેમ તેમ મારી આંખ ઊઘડતી ગઈ. આમ તો હું ઉઘાડી આંખે જ પુસ્તક વાંચતી હતી, પણ મારા કહેવાનો મતલબ એ કે પુસ્તક વાંચીને મારો અંતરાત્મા જાગી ઊઠ્યો. મેં એનો અમલ કરવાનું નક્કી કર્યું. 

મેં મારી તમામ ઉદાસી ખંખેરી નાંખી અને નવા અભિગમ સાથે જીવવાનો નિર્ણય લીધો. એ દિવસે સાંજથી જ મેં સ્ત્રી સ્વાતંત્ર્ય અભિયાન શરૂ  કરી દીધું. મારા પતિને જરા પણ ન ગમતી, પરંતુ મને ગમતી એવી મોરપિંછ રંગની સાડી મેં પહેરી. એ ઓફિસેથી આવ્યા ત્યારે હંમેશ મુજબ જાતે દરવાજો ખોલવા જવાને બદલે, મેં મારા દિકરાને મોકલ્યો. એ ઘરમાં આવ્યા ત્યારે ન તો મેં હંમેશનું સ્મિત ફરકાવ્યું, કે ન તો પાણીનો ગ્લાસ એમને ધર્યો.

મારી સામે આવીને એમણે પૂછ્યું, તબિયત ઠીક નથી?’ મેં જરા રૂક્ષતાથી કહ્યું, ઠીક છે. એમણે લાગણીસભર અવાજે પૂછ્યું, પિયરમાં કોઈ માંદુ છે?’ મેં એકાક્ષરી જવાબ આપ્યો, ના. પછી એમની નજર ત્યાં ટેબલ પર પડેલા પુસ્તક સ્ત્રી સ્વાતંત્ર્ય નો મહિમા  પર પડી અને વધુ કંઇ જ ન કહેતાં તેઓ કપડા બદલવા જતા રહ્યા. પુસ્તકનો આવો અસરકારક  પ્રભાવ જોઈ હું ખુશ થઈ. બીજે દિવસે મારી ફ્રેન્ડ જૈમિનીને એ પુસ્તક વાંચવા આપ્યું, જેથી સ્ત્રી સ્વાતંત્ર્ય નો મહિમા એને પણ  સમજાય અને એ બાબતમાં એ પણ કંઈ વિચારે અને અમલમાં મૂકે,  તો એનો પણ જન્મારો થોડો સુધરે.

પુસ્તક વાંચીને જૈમિની તો એવી પ્રભાવિત થઈ કે, એણે મને કહ્યું, અરેરેરે! આ પુસ્તક મને પહેલાં કેમ ન મળ્યું? મારી તો આટલી જિંદગી એળે જ ગઈ ને? પણ ઠીક છે, હવે હું મારી રીતે જીવીશ. એણે  એ દિવસે એના પતિને પૂછ્યું,” અમને  સ્રીઓને અમારા ઘરકામના બદલામાં પૈસા કેમ નથી મળતાં?’  એના પતિ વિનોદરાયે કહ્યું, તમારા ખર્ચા જ એટલા બધા હોય છે કે ગણવા બેસીએ તો અમારે પુરુષોને પૈસા લેવાના થાય. 

જૈમિનીએ મક્કમ પણે નિર્ણય લીધો અને એના પતિની ઘણી વિનવણી છતાં, હવે હું તમારી ગુલામી વધુ સમય સહન કરવા નથી માંગતી કહીને એ પોતાના પાંચ વર્ષના પુત્ર હર્ષને લઈને  પિયર ચાલી ગઈ. જૈમિનીના પિયરથી હર્ષની સ્કુલ ઘણી દૂર પડતી હોવાથી, નિયમિત પણે લેવા આવતા સ્કુલવાન વાળાએ આવવાની ના પડી દીધી.

જૈમિની આ બાબતથી થોડી મૂંઝાઈ, પણ સ્ત્રી સ્વાતંત્ર્યના અડગ નિર્ણયના કારણે એણે બીજા રિક્ષાવાળાને ડબલ પૈસા આપવાના ઠરાવીને નક્કી કરી લીધો. એના પતિ વિનોદરાય રસોઈ કળામાં માહેર ન હોવાથી સવારે રેસ્ટોરન્ટમાં અને સાંજે  લૉ ગાર્ડનની લારીઓ પર જમવા લાગ્યા. પંદર દિવસમાં એમને એટલી બધી એસિડિટી થઈ ગઈ કે ડોક્ટરને કન્સલ્ટ  કરવા પડ્યા અને દવા ચાલુ કરી. જૈમિનીએ વિનોદરાયની કોઈ પણ વાત સાંભળવાની ના પાડી ત્યારે વિનોદરાયે એના મા બાપને વાત કરી જૈમિનીને સમજાવીને ઘરે મોકલવા જણાવ્યું.


પોતાના મા બાપની વિનવણીથી અને પતિની આવી હાલત જોઈને  જૈમિની પીગળી અને પોતાના ઘરે પાછી ફરી. હિસાબ કર્યો તો રિક્ષાના, બહાર જમવાના અને ડૉક્ટરના મળીને સાડા સાત હજાર રૂપિયા ખર્ચાઈ ગયા હતા. સ્ત્રી સ્વાતંત્ર્ય એમ કંઈ સસ્તામાં થોડું જ મળે?  વિનોદરાય બીજા જ દિવસે એ પુસ્તક, સ્ત્રી સ્વાતંત્ર્ય નો મહિમા  અમારા ઘરે આવીને સોફામાં ફગાવીને જતા રહ્યાં. 

Sunday 6 March 2016

મહાશિવરાત્રી.

મહાશિવરાત્રી.         પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-પલ્લવીબહેન.....
-શું છે, વીણાબહેન?
-આ વઘારનો અવાજ ક્યાંથી આવ્યો?
-મારા રસોડામાંથી.
-અને હિંગની સુગંધ?
-એ પણ મારા ઘરમાંથી જ, નામદેવ હિંગ,  ટિંગ ડિંગ ટિંગ ડિંગ..
હિંગનો વઘાર? શેમાં કર્યો?
-તુવેરની દાળમાં સ્તો વળી. હું રોજ દાળમાં હિંગનો જ વઘાર કરું છું.
-પણ આજે રોજ નથી.
-તો શું છે આજે, રોજા?’
-હા, રોજા જ, પણ આપણા હિંદુઓના રોજા.
-સમજી ગઈ, વીણાબહેન. તમે મહાશિવરાત્રીના ઉપવાસની વાત કરો છો ને?
-હા, પણ તમે ક્યાં ધર્મ કે ભગવાનમાં માનો છો?
-અરે! એવું વળી તમને કોણે કહ્યું? હું તો પરમકૃપાળુ પરમેશ્વરમાં અપાર શ્રધ્ધા ધરાવું છું.
-તો પછી એક્કેય ઉપવાસ કેમ કરતાં નથી?
-ઘણીવાર કરી જોયાં, પણ મને તે માફક નથી આવતાં. સાબુદાણા-બટાકા મને વાયડા પડે છે. રાજગરો-શિંગોડા મને ભાવતાં નથી. આમ તો મને મીઠાઈ ખુબ જ ભાવે છે,પણ ઉપવાસના દિવસે મને મીઠાઈ જોવી પણ ગમતી નથી. અને મીઠા (નમક) વગર મને ખાવાની મજા આવતી નથી. રોજ તો ભગવાનની પ્રાર્થના સારી રીતે થાય છે, પણ ઉપવાસના દિવસે મારું ધ્યાન પ્રાર્થના કરતાં ભુખ અને ખાવાનું તરફ વધારે રહે છે. બીજાને ખાતાં જોઈને મને ઇર્ષ્યાની લાગણી થાય છે. એટલું જ નહીં, ક્યારેક તો એમનું ભર્યું ભાણું ખૂંચવી લઈને મને ખાઈ લેવાની ઈચ્છા થાય છે.
હવે તમે જ કહો વીણાબહેન, કે સામાન્ય સંજોગોમાં સારા ગુણો ધરાવતી હું ઉપવાસના દિવસેઆવા, ઈર્ષ્યા , ચોરી, લુંટફાટના ગુણો ધરાવતી થઈ જાઉં તો મને ઉપવાસ ફાયદાકારક થાય કે નુકસાનકારક?
-ઉપવાસ કંઈ મજા માટે થોડા જકરવાના હોય? એમાં તો જેટલું કષ્ટ વેઠો એટલું પુણ્ય મળે.
-કષ્ટ વેઠવાથી પુણ્ય મળે?
-સો એ સો ટકા મળે.
-તો પછી તમે તમારા માંદા સાસુજીની સેવાનું કષ્ટ વેઠવાને બદલે એમને તમારા દિયરને ત્યાં કેમ મોકલી આપ્યાં?
-તમે તો કંઈ સમજતાં જ નથી પલ્લવીબહેન, સાસુનું કષ્ટ ભોગવવાથી  કંઈ પુણ્ય થોડું જ મળે?
-કષ્ટ એટલે કષ્ટ. પછી તે સાસુનું હોય કે ઉપવાસનું, બન્ને સરખાં જ.
-જવા દો ને, તમે નાસ્તિક છો, એટલે તમારી સાથે ધર્મની ચર્ચા કરવી નકામી છે.
-ઓહ!  હા. તમે ઠીક યાદ કરાવ્યું, આજે મારે ચર્ચા નથી કરવાની.
-કેમ, આજે વળી શું છે?
-આજે શિવરાત્રી છે ને? એટલે મેં  વાણીનો અલ્પાહાર કરવાનું વિચાર્યું છે.
-વાણીનો અલ્પાહાર?’ કંઈ સમજાય તેવું તો બોલો.
-જુવો વીણાબહેન, આપણે બોલવા બેસીએ છીએ  ત્યારે કોઈ જાતની લિમિટ રાખતાં નથી. અને અનલિમિટેડ બોલવામાં આપણાથી કોઈની નિંદા થઈ જાય તેની આપણને ખબર રહેતી નથી.
-તો શું થઈ ગયું? બીજા લોક આપણી નિંદા નથી કરતાં શું?
-હવે તમે સમજતાં નથી વીણાબહેન, શિવરાત્રીના દિવસે આપણે કોઈની નિંદા કરીએ તો ડબલ પાપ લાગે, એટલે આજે મેં ઓછું બોલવાનું નક્કી કર્યું છે.
-તમે તો આમ પણ ઓછું જ બોલો છો, પલ્લવીબહેન.
-હા, તો પણ ટેલિફોનનું બિલ બહુ આવે છે.
-ટેલિફોનનું બિલ? એ આમાં વચ્ચે ક્યાંથી આવી ગયું?
-અમારા કહે છે કે- આપણે ટેલિફોન પર વાતચીત કરવાની રીતભાત શીખવી જોઈએ. ટેલિફોન જોડતાં પહેલાં જે વાત કરવાની હોય તેના પોઈન્ટ્સ યાદ રાખવા જોઈએ અથવા લખી રાખવા જોઈએ. જેથી ટૂંકમાં મુદ્દાસર વાત થઈ શકે. આપણે તો STD કોલ કરતાં હોઈએ તો પણ લોકલ કોલની જેમ આરામથી વાતો કરીએ છીએ. અને લોકલ કોલ કરતી વખતે..? એ તો ટેલિફોનનું બિલ આવે ત્યારે જ ખબર પડે. અને વાતો પણ કેવી? અર્ધો કલાક વાતો કરીને ટેલિફોન મૂકીએ પછી યાદ આવે કે, અગત્યની વાત કરવાની તો રહી જ ગઈ. એટલે મેં નક્કી કર્યું છે કે હવે ઓવરઓલ વાતચીત જ ઓછી કરી નાંખું.
-અરરરર! એવું ના કરશો. જુઓને, આ બાજુવાળા મીનાબહેન તો સર્વિસે જાય છે એટલે વાતચીતમાં તો એ કામનાં જ નહીં. હવે તમે પણ જો વાતચીત કરવાની બંધ કરો તો પછી મારે વાતચીત કરવા ક્યાં જવું?
-તમારી વાત વિચારવા લાયક તો છે વીણાબહેન. પડોશી હોવાને નાતે મારે તમને એમ નોંધારાં ન છોડવાં જોઈએ, પણ હવે હું જાઉં? મારે હજી ન્યૂઝપેપર વાંચવાના પણ બાકી છે.
-છાપામાં  લખ્યું હોય છે વળી શું? લ્યો, આજની જ વાત તમને કહું, આજના મહાશિવરાત્રીના પર્વે નવસારીમાં નંદીએ દૂધ પીધું.
-હંબગ...ફેંકાફેંક..ગપગોળા. પથ્થરનો નંદી તે વળી દૂધ પીતો હશે?
-મને હતું જ કે તમે આ વાત માનશો નહીં. પણ સીંધી સોસાયટીમાં રહેતી મારી ફ્રેંડે નજરે જોયું, એટલું જ નહીં, એણે જાતે દૂધ પાયું પણ ખરું. તમને યાદ છે, થોડા વર્ષો પૂર્વે ગણેશજીની મૂર્તિએ આપણા અમદાવાદમાં પણ દૂધ પીધું હતું?
-હા, સાંભળ્યું હતું, પણ એ બધી તો અંધશ્રધ્ધા.
-તમે ભલે નહીં માનો, પણ જેને શ્રધ્ધા છે તે તો માને જ છે. મારાં બા ઉપવાસ કરે છે ત્યારે લૉ બ્લડપ્રેશર થઈ જાય છે ને ડૉક્ટરને ત્યાં લઈ જવાં પડે છે, છતાંય ઉપવાસ કરે જ છે ને?
-અરે હા રે હા. મહાશિવરાત્રીના દિવસે તો ઘણા કહેવાતા ભક્તો ભાંગ પણ પીએ છે. ગઈ શિવરાત્રીએ અમારાં એક સંબંધીએ હાઈવે પરનાં એક મિલિટરી કેમ્પમાંભાંગ પીધી હતી. ભાંગ પીને   ઘરે આવતાં એમની કારને અકસ્માત થયો, પગ ભાંગ્યો અને ત્રણ મહિના પાટો રહ્યો.
-અરરર!
-શિવજી  તો ભગવાન હતાં, ભાંગ શું તેઓએ તો ઝેર પણ પચાવી જાણ્યું હતું, પણ સામાન્ય માણસનું એ ગજું નહીં. આપણા અમદાવાદના અમરાઈવાડીનો એક પુણ્યશાળી જીવ તો ભાંગ પીને સ્વર્ગે સિધાવ્યો. બીજો એક જીવ  હોસ્પિટલમાં જઈને સાજો થઈને તો આવ્યો, પણ હજીય મહાશિવરાત્રીના દિવસે કોઈવાર એના પર ગાંડપણનો હુમલો આવી જાય છે ખરો.
-અરરર! આપણા જેવા સામાન્ય મનુષ્યોને ભાંગ-બાંગ પીવાની પોસાય નહીં, ખરું ને?
-હાસ્તો, આપણા માટે તો તુવેરની દાળ જ બરાબર. અરે, મારી દાળ?
-કેમ, તમારી દાળને શું થયું?
-ગેસ પર ઉકાળવા મૂકી હતી, તમારી સાથે વાતો કરવામાં યાદ જ ન રહ્યું.ઉકળી ઉકળીને હવે તો એ અડધી થઈ ગઈ હશે.
-કહેવત છે ને કે- દાળ બગડી એનો દિવસ બગડ્યો. તમે ઉપવાસ ન કરો તેનું આ પરિણામ.

-અચ્છા! તો દિવસ સુધારવા હવે મારે કંઈ કરવું પડશે, ચાલો ત્યારે હું જાઉં, બાય બાય!