બહુ ચરબી ચઢી છે ને કંઈ ?
પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
‘અલ્યા, આમ સામે આવ
તો જરા, બહુ ચરબી ચઢી છે ને કંઈ ? ‘
‘જ જ જી સાહેબ, સલામ સાહેબ.’
બનાવની વિગત એવી છે કે - શુક્રવાર, ૧૭ નવેમ્બર,
૨૦૧૭ ના રોજ અમદાવાદના બાપુનગર પોલીસ
સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ ગઈ. એમાં લોકલ પોલીટીકલ લીડર્સ, શાંતિ સમિતિના સભ્યો
અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ વખતે નિરીક્ષણ દરમ્યાન સેક્ટર – ૨ ના અધિક
પોલીસ કમિશ્નર શ્રી અશોક યાદવની તીક્ષ્ણ નજરે એક પોલીસ કર્મચારી ચઢ્યો, કે જેનું પેટ ફાટ ફાટ થતી ચરબીથી લદાયેલું અને શર્ટના બટન
તોડીને બહાર આવવા મથી રહ્યું હતું,
પોલીસ કર્મચારીનું
આવું પ્રેગનન્ટ હાથણીના જેવું ભરાવદાર પેટ જોઇને અશોકભાઈને શોક થયો, શોકમાંથી બહાર આવ્યા એટલે એમણે
પોલીસ કર્મચારી ગણમાં સર્વગ્રાહી નજર ઘુમાવી, તો બે પોલીસ ઇન્સ્પેકટરો અને ત્રણ કોન્સ્ટેબલો સહીત પાંચ પોલીસના મોટા જાજરમાન
પેટ હતા, એ જોઇને એમને આઘાત લાગ્યો. પાંચેયનું વજન પણ હોવું જોઈએ તે કરતા અનેક ઘણું
વધારે હતું. એટલે એમને કહ્યું, ‘તમે પાંચેય જણ આગળ આવો.’ ‘જી સર.’ પાંચેય જણ આગળ
આવીને નીચી નજર કરી ઉભા રહ્યા, ત્યારે પાંચેયને પોતપોતાના પેટ જ નજરે ચઢ્યા. ‘તમારે બધાએ બે મહિનાની અંદર કસરત અને યોગ કરીને આ
માસ મોટા પેટ ઉતારવાના છે, અને વજન ઓછું કરવાનું છે, અને એ પછી મને રીપોર્ટ કરવાનો
છે, સમજ્યા ?’ ‘જી સર.’ પાંચેય જાણે માથું હલાવીને સંમતિ આપી. અશોકભાઈએ માત્ર બોલીને જ નહિ પણ એમને લેખિતમાં
સૂચના આપી.
આમ તો પોલીસ ખાતામાં
ભરતી થવા માંગતા ઉમેદવાર માટે ઉંચાઈ (૧૬૫ સેન્ટીમીટર), વજન ૫૦ કિલો મીનીમમ (મેક્સીમમની કોઈ લીમીટ નક્કી થઇ
છે કે નહિ તે ખબર નથી), છાતી (ફૂલ્યા વગરની ૭૯ સેન્ટીમીટર અને ફૂલ્યા પછીની ૮૪
સેન્ટીમીટર) હોવી જોઈએ, એવો નિયમ છે, પણ એમના પેટના ઘેરાવા માટે કોઈ નિયમ હોવાનું જાણમાં નથી. આમ તો સામાન્ય
નાગરિકને નિયમો તોડવા બદલ પોલીસો સજા
ફરમાવતા હોય છે, પરંતુ કોઈ પોલીસ અધિકારી – કર્મચારીને મેદસ્વીપણા માટે સજા
કરવામાં આવી હોય એવી ગુજરાતની આ પહેલી ઘટના હશે.
બેઠક બાપુનગરમાં
યોજાઈ હતી, અને શાંતિ સમિતિની હતી, એટલે પોલીસોને
નોકરીમાંથી પાણીચું આપવાને બદલે કસરત અને યોગ કરવા જેવી અહિંસક સજા ફરમાવવામાં
આવી. આમ તો શાહીબાગ હેડ ક્વાર્ટરમાં અઠવાડીયામાં બે વાર પરેડ યોજાય છે, એમાં દરેક
પોલીસ સ્ટેશનમાથી ૫ -૭ કર્મચારીઓને વારાફરતી બોલાવવામાં આવે છે, અને ત્યાં ૪૦૦
મીટરના ૩ – ૪ રાઉન્ડ લગાવવાનું કહેવામાં આવે છે. પણ આમાં ૩ – ૪ મહીને એક વખત પોલીસ
કર્મચારીનો નંબર આવે છે. ભારત દેશના એક જાગૃત નાગરિકનું એટલે કે મારું એક નમ્ર સુચન
છે કે – હેડ ક્વાર્ટરમાં રાઉન્ડ લગાવવાના બદલે આ પોલીસ કર્મચારીઓને અમદાવાદની પોળો
અને ગલીઓમાં, દિવસે અને રાત્રે રાઉન્ડ
લગાવવાનું કહેવામાં આવે તો ‘એક પંથ દો કાજ’ જેવું થાય. ચોરી અને લુંટફાટના ગુના
ઓછા થાય અને અપરાધીઓની સાથે સાથે પોલીસ કર્મચારીઓના પેટ અને વજન પણ કંટ્રોલમાં રહે,
ખરું કે નહિ ?
‘આમ ખાઈ પીને એદીની
માફક પડી રહે છે, તે તને તારા વધારે વજનની ચિંતા નથી થતી ?’ મારી એક
ઢમઢોલ ફ્રેન્ડને મેં કહ્યું.
‘મને નથી તો ઊંચું કે નીચું બ્લડ પ્રેશર, નથી વધારે
કે ઓછું કોલેસ્ટ્રોલ, કે નથી ડાયાબીટીશ,
પછી મને શાની ચિંતા ? અને હા, તું પણ મારી તબિયતની ફિકર કરીને તારું હાઈ બ્લડ
પ્રેશર વધારે હાઈ કરતી નહિ, સમજી ?’ એ હસીને બોલી.
કહેવાય છે કે જાડા
લોકો જોલી એટલે કે આનંદી હોય છે, કદાચ આનંદી લોકો જાડા થઇ જતા હશે, બાકી અમારા
જેવા ‘મિયાં દુબલે કયું ? તો બોલે સારે ગાંવકી ફિકર’, જેવા પાતળા લોકોના નસીબમાં આવી ચરબી ક્યાંથી ?
‘પૂરી એક અંધેરી ને
ગંડુ રાજા’ વાળી વાર્તામાં એવું આવે છે કે એક અંધેર નગરીના ગાંડા રાજાના રાજમાં ‘ટકે
શેર ભાજી ટકે શેર ખાજા’, એટલે કે સસ્તી મોંઘી ચીજો એક જ ભાવે વેચાતી હતી. એક ગુરુ
અને શિષ્ય આ નગરીમાં જઈ ચઢ્યા. સમજુ
ગુરુની સમજાવટ છતાં, નાદાન શિષ્ય સસ્તાની લાલચમાં અહી રહી પડ્યો, ખાઈપીને તગડો
થયો. એક દિવસ એક ચોરને શૂળીની સજા થઇ.
શૂળીના માપના પ્રમાણમાં ચોર પાતળો હતો, એટલે જાડા માણસને શોધી લાવીને શૂળીએ
ચઢાવવાનો હુકમ થયો. તગડો શિષ્ય ઝડપાયો, પણ એના સારા નસીબથી ગુરુએ એ સમયે આવીને
રાજાને કહ્યું કે ‘આ સમયે શૂળી પર જે ચડશે તેને સ્વર્ગ પ્રાપ્ત થશે.’ રાજા શૂળીએ ચઢી ગયો અને શિષ્ય બચી ગયો.
કહેવાય છે કે જાડા
માણસો ‘જાજરમાન’ લાગે છે. ‘એક બિલાડી જાડી એણે પહેરી સાડી’ અને ‘હાથીભાઈ તો જાડા,લાગે મોટા પાડા’... એમ અહીં
તો બાળગીતોમાં પણ જાડા પ્રાણીઓનું વર્ણન કરીને બાળકોને રીઝવવાનો પ્રયત્ન કરવામાં
આવ્યો છે. મિત્રો, આપણે નાના હતા ત્યારે ‘સોટી
અને પોઠી’ અને ‘લોરેલ એન્ડ હાર્ડી’ માં જાડા –પાતળા પાત્રોની ઘણી મઝા માણેલી, ખરું
ને ?
મારી નાની ભાભી કહે
છે, ‘હું પાતળી હતી ત્યારે કારમાં પાછળ ત્રણ જણા બેઠા હોય તો પણ મને ચોથીને સાંકડે
–માંકડે ગમેતેમ કરીને બેસાડી દેવામાં આવતી. હવે હું જાડી થઇ ગઈ છું, તો આગળની મોટી
સીટમાં હું એકલી વટભેર બેસું છું, (હવે મને પાછળ એમની સાથે બેસાડવા કોઈ તૈયાર નથી.)
નાનો ભાઈ કહે છે, ‘આ મારી અર્ધાંગીની નહિ, પણ બમણાંગીની (ડબલાંગીની) છે.’ ‘બુધવારની બપોર’ ના પ્રસિદ્ધ હાસ્યલેખક
એમની પત્નીને પ્રેમથી ‘જાડી’ કહીને બોલાવે છે. થોડા સમય પહેલા એક સંગીતના
કાર્યક્રમમાં એ અમને લીફ્ટ પાસે મળ્યા, અમે પૂછ્યું, ‘હકીભાભી ક્યાં છે ?’ તો એમણે
કહ્યું, ‘જાડીને ? જુઓ, મારું પ્રિય પેન્ગ્વીન પાછળ ડોલમડોલ કરતુ આવી રહ્યું છે.’
મિત્રો, આપણને કોઈ
‘જાડા’ કહી જાય તેનો કોઈ અફસોસ નથી, પણ .... ‘બહુ ચરબી ચઢી છે ને કંઈ ‘ એવું કહે તો
તમે જ કહો ચલાવી લેવાય કે ? ( ‘બહુ ચરબી ચઢી છે’
નો અર્થ કંઈ જુદો જ થાય છે, ખરું ને ?)
No comments:
Post a Comment