સમજાય તેને સલામ. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
‘પલ્લવીબેન, જરા આ
વાર્તાઓ વાંચોને’
વાંચવાના શોખીન એવા મારા પડોશી નીલાબેન એક બપોરે મારા ઘરે આવ્યા અને એમનો મોબાઈલ મારી સામે ધર્યો.
મારે એક સમાચાર પત્રની સાપ્તાહિક પૂર્તિ માટે લેખ આપવાનો હતો, ‘લેખ કયા વિષય પર
લખું ?’ એવા વિચારમાં
હું મગ્ન હતી ત્યારે નીલાબેને આવીને મારી વિચારધારા તોડી.
‘અરે વાહ નીલાબેન !
તમે લેખિકા ક્યારથી બન્યા? ખુબ ખુબ અભિનંદન! પણ તમને ઉતાવળ ન હોય તો હું એક લેખ લખી લઉં પછી તમારી વાર્તા વાંચું તો
ચાલે ?’ મેં એમને રીક્વેસ્ટ કરી.( એમને મેં મારા ઘણા લેખો વંચાવ્યા હતા એટલે મારાથી એમની
વાર્તા વાંચવાની ના પડાય એમ નહોતું.)
‘પલ્લવીબેન, પહેલી
વાત તો એ કે આ મારી વાર્તા નથી.’
‘અચ્છા ?’ મને એમની આ વાતથી આનંદ તો નહીં પણ રાહતની લાગણી
થઇ. ‘અને બીજી વાત ?’ મેં મારી લાગણી
છુપાવીને પૂછ્યું.
‘બીજી વાત તો એ કે – એક પ્રશ્ન છે, ‘તમે સમજદાર છો ?’
‘હા, મને એવું લાગે છે તો ખરું.’
‘બરાબર, મને પણ એવું જ લાગે છે કે તમે સમજદાર છો,
અને એટલે જ આ વાર્તાઓ તમને વંચાવવા લાવી છું.’
‘વાર્તાઓ ? કેટલી વાર્તાઓ છે ? મારે આજે તંત્રીને
લેખ મોકલવાનો છે, એટલે મારી પાસે વાંચવાનો સમય ઓછો છે.’ મેં મારી લાચારી
રજુ કરી.
‘વાર્તાઓ તો લગભગ
ડઝનેક છે, પણ સાવ નાની નાની –
પેલી શું કહે છે, માઈક્રો... સમથીંગ...’
‘માઈક્રો ફિક્શન?’
‘હા, હા, એ જ. માઈક્રો ફિક્શન. માઈક્રો ફિક્શન એટલે શું
પલ્લવીબેન ?’
‘નીલાબેન, માઈક્રો ફિક્શન એ વાર્તાનો એક નવો અને લેટેસ્ટ
પ્રકાર છે. સહેલી રીતે સમજાવું તો –કોઈ દળદાર ‘નવલકથા’ ડાયેટિંગ કરે તો ‘નવલિકા’
બને, નવલિકા થોડું ડાયેટિંગ કરે તો ‘વાર્તા’ બને, વાર્તા ડાયેટિંગ કરે તો ‘લઘુકથા’
બને, અને લઘુકથા ડાયેટિંગ કરે તો ‘માઈક્રો ફિક્શન’ બને.’
‘અચ્છા, છાપામાં આવતી પેલી ટચુકડી જાહેરખબર ટાઈપ કે ?’
‘બરાબર એવું જ. In Short, ‘Slim and Trim’ વાર્તાને ‘માઈક્રો ફિક્શન’ કહેવાય.’
‘ટુનટુન’ ને ‘નવલકથા’ કહેવાય અને ‘કેટરીના’ ને ‘માઈક્રો ફિક્શન’ કહેવાય,
બરાબર ?’
‘There you are! નીલાબેન, તમે તો બહુ સ્માર્ટ છો.’
‘છતાં લેખક આ બાર વાર્તાઓમાં શું કહેવા માંગે છે તે
મને નથી સમજાતું, એટલે તમારી પાસે સમજવા આવી છું.’
‘અચ્છા ! બતાવો.’ નીલાબેન વાર્તાઓ વંચાવ્યા વિના મારો પીછો છોડશે
નહિ, એમ લાગતા મેં વાર્તાઓ વાંચવાની તૈયારી બતાવી. એમણે એમના મોબાઈલમાથી મને વાર્તાઓ બતાવી. વાર્તાઓના
મથાળે લખ્યું હતું: ‘માઈક્રો ફિક્શન
વાર્તાઓ’ અને પછી બીજા વાક્યમાં લખ્યું
હતું : ‘સમજાય તેને સલામ.’ મને આ વાંચીને નવાઈ લાગી, મેં વાર્તાઓ વાંચી. નીલાબેન
ઉત્સુકતાથી મારા ચહેરા સામું જોઈ રહ્યા હતા. અડધો ડઝન વાર્તાઓ વાંચીને મને લાગ્યું
કે ‘આમાં વાર્તા જેવું શું છે ?’ ત્યાં જ અચાનક મને વિચાર આવ્યો: ‘કદાચ મારી
વાર્તાઓ વાંચીને કેટલાક વાચકોને પણ આવું જ લાગતું હશે ?’ (વાચકોના અભિપ્રાય મળે તો ખબર પડે)
માઈક્રો ફિક્શન વાર્તાના લેખકે વાર્તાઓની નીચે લખ્યું હતું, ‘આશા છે કે
તમને મારી વાર્તાઓ ગમશે.’ દરેક લેખકો આવા જ આશાવાદી હોય છે. પણ દરેક વાચકમાં એક
વિવેચક પણ રહેલો છે. વાચક વાંચીને મજા માણે છે અને વિવેચક આલોચના કરીને એની મજા લે
છે. બંને પોતપોતાની જગ્યાએ બરાબર છે.
‘પલ્લવીબેન, સમજાવો.’ નીલાબેને ફરી મને વિચાર વમળમાંથી બહાર કાઢી.
‘શું સમજાવું ?’ મારાથી બોલાઈ ગયું.
‘લેખક આ વાર્તાઓમાં
શું કહેવા માંગે છે ?’
‘એ સમજવાનું તો મારે પણ હજી બાકી જ છે, નીલાબેન. એમણે
લખ્યું છે કે ‘સમજાય એને સલામ’ પણ ન સમજાય એને શું તે સ્પષ્ટ નથી કર્યું.’
‘ન સમજાય એને થપ્પડ’ એવું હોઈ શકે ?’ નીલાબેને રમૂજ કરી અને હસ્યા.
મને એમની ‘સેન્સ ઓફ હ્યુમર’ ગમી. ‘કઈ કહેવાય નહીં,
એવું પણ હોઈ શકે, અથવા ‘ન સમજાય એને
ડબલ સલામ’ એવું પણ હોઈ શકે.’ મેં પણ હસીને કહ્યું.
‘પલ્લવીબેન, લેખકની
સલામ મળે કે ન મળે, ઇટ્સ ઓકે. પણ લેખકે
છેલ્લે લખ્યું છે કે, ‘આશા છે કે તમને મારી વાર્તાઓ ગમશે.’ પણ એ તો એમની વાર્તાઓ
સમજાય પછી નક્કી કરાય ને ? હું એટલે જ તમારી પાસે આવી.’
‘મારી પાસે આવ્યા એ
સારું કર્યું, નીલાબેન. એ એક વિકલ્પ હતો. મને
પણ આ વાર્તાઓ સમજાઈ નથી ત્યારે હવે આમાં તમારી પાસે બીજા બે વિકલ્પ છે, એક તો તમે વાર્તાઓ ફરી ફરી વાંચો,
સમજાય તો ઠીક નહીતર મોબાઈલમાથી એને ડીલીટ કરો અને ભૂલી જાઓ. બીજા વિકલ્પમાં તમે
ડાયરેક્ટ લેખકને પૂછો, ‘તમે આમાં શું કહેવા માંગો છો તે સ્પષ્ટ કરો.’ એ જવાબ આપે
તો ‘વેલ એન્ડ ગુડ’ નહીતર તમે એને ભૂલી
જાઓ.’
‘પલ્લવીબેન, લેખક એમને બહુ બુદ્ધિશાળી અને વાચકને
બુદ્ધુ સમજતા લાગે છે એટલે જ લખ્યું છે કે ‘જેને સમજાય એને સલામ’ નીલાબેન થોડી નારાજગી અને નિરાશાથી બોલ્યા.
‘નીલાબેન, પહેલાના
જમાનામાં એટલે કે ઘણા વર્ષો પહેલાં બોલતી વેળા જીભની ગાંઠ વળી જાય, અને વાંચતી
વેળા વાચક ગૂંચવાઈ જાય, મનોમન મૂંઝાઈ જાય, એવી ભારેખમ ભાષા લખાણમાં ઉપયોગમાં લેવાતી. પણ હવે
જમાનો બદલાયો છે, હવે લેખકો એમનું લખાણ શક્ય હોય એટલી સરળ અને વાચકને સમજાય એવી ભાષામાં
લખતા થયા છે. હા, ‘રહસ્યકથા’ હોય તો જુદી
વાત છે. એમાં વાચકને છેલ્લે સુધી એટલે કે લેખક જણાવે નહીં, ત્યાં સુધી રહસ્યની ખબર
ન પડવી જોઈએ, જો કે કોઈવાર લેખક જણાવે તે પહેલા જ રહસ્યકથા નું રહસ્ય વાચકને ખબર
પડી જાય છે’.
‘અથવા કેટલીક વાર
લેખક જણાવે તોપણ વાચકને રહસ્યની ખબર પડતી નથી, બરાબર આ માઈક્રો ફિક્શન વાર્તાઓની
જેમ જ, ખરું ને પલ્લવીબેન ?’
‘વાહ વાહ ! માઈક્રો ફિક્શન વાર્તાઓ સમજાય કે ન
સમજાય, પણ આ વાત બરાબર સમજાઈ ગઈ એ બદલ તમને મારા સલામ, નીલાબેન.’
No comments:
Post a Comment