હંમેશા મોજ માં રહો. પલ્લવી
જીતેન્દ્ર મિસ્ત્રી.
‘પ્રકૃતિનો પહેલો નિયમ છે કે ખેતરમાં બીજ ન વાવો તો
કુદરત એને ઘાસફૂસથી ભરી દે છે, આપણા
દિમાગનું પણ એવું જ કામકાજ છે. જો એને આપણે સકારાત્મક વિચારોથી ન ભરીએ તો
નકારાત્મક વિચારો પોતાની જગ્યા બનાવી જ લે છે.’ આજે ‘આધુનિક હાલતી
ચાલતી ગીતા’ એટલે મારા મોબાઈલ ના વોટ્સએપ માં ઉપર મુજબનો સંદેશ મેં વાંચ્યો અને એક
જૂની પ્રસિદ્ધ કહેવત મને યાદ આવી.
‘નવરો બેઠો નખ્ખોદ વાળે.’ (ખાલી મન શેતાનનું ઘર) તરત જ મેં નક્કી
કર્યું કે મન કે દિમાગને ખાલી રહેવા જ ન
દેવું, હંમેશા સારા વિચારોથી એને ભરતા રહેવું. અને તરત મારા દિમાગમાં એક વિચાર
આવ્યો, ‘સારા વિચારો મળે ક્યાંથી ?’ મેં
ફરી મારી આધુનિક હાલતી ચાલતી ગીતા (એટલે કે મોબાઈલ) હાથમાં લીધી, અને સોશિયલ મીડિયા પર નીચે
મુજબનો જોક વાંચવા મળ્યો.
મહેશ નામના એક
શખ્સને એવી ટેવ હતી કે જ્યારે પણ કોઈ ખરાબ સમાચાર સાંભળે ત્યારે એમ જ કહે, ‘આનાથી
વધારે ખરાબ પણ બની શકે.’ એના મિત્ર દિનેશને એની આ ટેવ સામે સખત ચીઢ. દિનેશે નક્કી
કર્યું હતું કે એક દિવસ તો પોતે આ મહેશીયાને એવો ભીડાવશે કે એ - ‘આનાથી વધારે ખરાબ પણ બની શકે.’ એવું
કહેવાનું જનમભર માટે ભૂલી જશે. એક દિવસ દિનેશને એવો મોકો મળી ગયો, એણે મહેશને
કહ્યું,
‘આપણો ફ્રેન્ડ રમેશ
ગઈ કાલે રાત્રે પેલી નખરાળી નયનાને મળવા ગયેલો. રમેશે જઈને નયનાને પોતાની બાહોંમાં જકડી. નયનાનો હસબન્ડ
નરેશ કાલે વહેલો ઘરે આવી ગયો, એણે રમેશ અને નયનાને પ્રેમ કરતા જોઈ લીધા. ગુસ્સામાં
આવીને નરેશે રમેશને પોતાની બંદૂકથી ફૂંકી
માર્યો. બિચારા રમેશે પોતાનો જીવ ખોયો, આનાથી વધારે ખરાબ બીજી શું થઇ શકે ? બહુ જ
ખરાબ થયું, થયું કે નહીં તું જ કહે.’
દિનેશને હતું કે મહેશ હમણા પોતાની હાર
કાબુલી લેશે અને કહેશે, ‘હા, બહુ ખરાબ થયું, આનાથી વધારે ખરાબ બીજું કશું થઇ શકે જ
નહીં.’
‘હા યાર, બહુ ખરાબ
થયું.’ મહેશ બોલ્યો. અને દિનેશ તાનમાં આવી ગયો, ‘અબ આયા ના ઉંટ પહાડ કે નીચે.’ ‘તો તું સ્વીકારે છે ને કે
બહુ જ ખરાબ થયું ? આનાથી વધારે ખરાબ બીજું કશું થઇ શકે જ નહીં.’ દિનેશે આવેશમાં
આવીને પૂછ્યું. ‘ડેફીનેટલી, ખરાબ તો થયું જ, પણ....આનાથી વધારે ખરાબ
પણ થઇ શક્યું હોત.’ મહેશ બોલ્યો. ‘જા, જા હવે, આપણો ખાસ મિત્ર રમેશ માર્યો ગયો, અને
નરેશ એના ખૂનના આરોપસર જેલમાં જશે, આનાથી
વધુ ખરાબ બીજું શું થઇ શકે ?’ દિનેશને
નવાઈ લાગી. ‘જો નયનાનો હસબન્ડ નરેશ ગઈ કાલના બદલે પરમ દિવસે વહેલો ઘરે પહોંચી ગયો
હોત, તો રમેશના બદલે હું ભડાકે દેવાઈ જાત ને ? એટલે જે થાય છે તે સારા માટે જ છે,
સમજ્યો?’ મહેશે હસીને કહ્યું. દિનેશ માથું ખંજવાળતો મહેશની સામે જોઈ રહ્યો.
સોશિયલ મીડિયાની
વાત જ નિરાળી છે, ત્યાં વહેલી સવારથી જ્ઞાન અને ઉપદેશોનો ધોધ વહેવા માંડે છે. સવાલ એ છે કે જો
લોકો આટલા બધા ડાહ્યા, સમજુ, અને જ્ઞાની છે, તો દુનિયામાં આવા ડખા એટલે કે ઝઘડા,
લુંટ ફાટ, ચોરી, બળાત્કાર, ભ્રષ્ટાચાર કેમ અપરંપાર છે ? એ એટલા માટે છે કે ‘ડાહી
સાસરે જતી નથી, અને ગાંડીને શિખામણ આપે છે.’ આમ પણ સલાહ, સૂચનો અને શિખામણ આપવાની
સૌને ગમે છે, લેવાની કોઈને ગમતી નથી.
બીજી મુશ્કેલી એ છે
કે સોશિયલ મિડીયા પરથી આટલું બધું જ્ઞાન
લોકો મેળવી તો લે છે, પણ તે પચાવી શકતા નથી, એટલે પછી જ્ઞાન મેળવનાર એ અપાચ્ય જ્ઞાનની બીજા પર ઉલટી કરે છે, મતલબ એ જ્ઞાન SMS ના
સ્વરૂપમાં એક ગ્રુપમાંથી લઈને બીજા
ગ્રુપમાં ફોરવર્ડ કરે છે. ‘આલિયાની ટોપી માલિયાને માથે’ જેવું. કેટલીકવાર તો લોકો મેસેજીસ
વાંચ્યા વગર પણ ફોરવર્ડ કરી દે છે, અને કેટલીકવાર ભળતો મેસેજ ભળતા સરનામે જ પોસ્ટ
થઇ જાય છે, એમાંથી ય પછી ઝઘડા કે અબોલા થાય છે.
ટીનુ, તારા પપ્પા
મોબાઈલ ઘરે ભૂલી ગયા છે, હજી એ સોસાયટીના નાકે જ પહોંચ્યા હશે, જા ને બેટા, આ
મોબાઈલ આપી આવને.’ મમ્મીએ એના દીકરા ટીનુને કહ્યું. ‘મોમ, જોતી નથી હું કામમાં છું ?’ અને હા, ટીનું ખુબ કામમાં હતો, મેસેજ ફોરવર્ડ
કરવાના કામમાં, અને મેસેજ પણ કેવો ?
‘લોકોને મળવું અને થઇ શકે એટલી મદદ કરવી,
એ મારો શોખ છે, મળ્યા પછી કોઈ મને ભૂલી જાય કે રમત રમી જાય તો હું એનો હિસાબ
રાખતો નથી. ના યોગથી ના પ્રયોગથી, જીંદગી
જીવવાની મોજથી.’ મમ્મી બિચારી જાતે જઈને મોબાઈલ આપી આવે છે, પછી
ટીનુ જીંદગી મોજથી જ જીવે ને ?
એક તત્વજ્ઞાનીએ
વોટ્સ એપ પર પોતાનું જ્ઞાન ઠપકાર્યું, ‘સુખ
એટલે.... તમારી પાસે જે ફૂલો હોય એમાંથી ગજરો બનાવવાની કળા..’ વાહ વાહ ! સવાલ
એ છે કે સુખ આટલું સહેલાઈથી મળે છે તો આ દુનિયાના મોટાભાગના લોકો દુઃખી કેમ છે ? એનો
જવાબ આ છે, ‘કેમ કે રોજીરોટી મેળવવાના કામકાજમાંથી લોકો પરવારે અને ગજરો બનાવે તે
પહેલાં જ ફૂલો કરમાઈ ગયા હોય, ગજરો બનાવવાની કળા બતાવે શી રીતે?’
અમુક મેસેજ સમજવા
માટે વારંવાર વાંચવા પડે છે, ‘નફરતે નફરત થી પ્રેમને પૂછ્યું, તને કેટલી જગ્યા
જોઇશે ? પ્રેમે પ્રેમથી કહ્યું, ખાલી ઉગવા જેટલી જગ્યા આપ, તારામાં વિસ્તરી જવાનું
કામ હું ખુદ કરીશ.’ આપણે અંગ્રેજોને ઉગવાની જગ્યા આપી, એમણે ભારતમાં વિસ્તરી
જવાનું કામ કર્યું અને આપણને ગુલામ બનાવ્યા, એમ વગર વિચાર્યે બધા મેસેજ વાંચીને ફોલો કરાય નહીં, બહુ સાચવવા
જેવું છે.
વાચક મિત્રો, તમે આ બાબતમાં હવે વધુ વિચારો નહિ, કેમ કે ---એક મેસેજ એવો પણ આવ્યો છે, ‘આજ કોઈ
વિચાર કરનેકી જરૂરત નહીં હૈ આજ ઇતવાર હૈ, આજ મૌજ કરે ! જો હોગા કલ દેખા જાયેગા !’ જુઓ, ના પાડી છતાં તમે વિચારવા બેઠા ને કે ,
‘આજે કયો વાર છે ?’ અરે ભલા માણસ, આજે કોઈ પણ વાર હોય તમે વિચારવાનું છોડો અને
હંમેશા મોજ માં રહો.
No comments:
Post a Comment