Tuesday 23 October 2018

રસમ અહીની જુદી, નિયમ સાવ નોખા.


રસમ અહીની જુદી, નિયમ સાવ નોખા.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

હું શું કહેતી હતી....
 તું શું કહેતી હતી એ મને શી રીતે ખબર પડે ?   તમે ભાઈ’સાબ, આમ વચ્ચે વચ્ચે ડબકા મૂકો છો એમાં હું જે કહેવાનું છે તે ભૂલી જાઉં છું.
  જો સાંભળ, એક કવિએ કહ્યું છે કે – ‘તમારી ‘વાણી’ તમારા ‘મૌન’ કરતાં કિમતી હોય તો જ તમારે બોલવું. 
 તમારી સાથે લગ્નજીવનના આટલા વર્ષોના અનુભવથી મેં તારવ્યુ છે કે, તમને મારા ‘શબ્દો’ પણ પૂરેપૂરા સમજાતા નથી, તો ‘મૌન’ ની તો વાત જ શું કરવી ? બાય ધ વે -  મને જરા કહો તો ખરા કે એ વાત કયા કવિએ કહી છે ?
કવિનું નામ તો મને અત્યારે યાદ નથી.
  બસ તો પછી, જે (કવિ) નું નામ યાદ ન હોય એનું કામ (લખાણ) યાદ રાખીને આપણે શું કામ છે ? 
 પણ મને એ બરાબર યાદ છે કે - શેક્સપિયર કહી ગયા છે –‘વોટ ઈઝ ધેર ઇન અ નેમ ?’ એટલે કવિનું નામ ભલે યાદ ન રહે, એ શું કહી ગયા છે તે આપણે યાદ રાખવું જોઈએ.
  અચ્છા, તો તમે પણ સાંભળો, ‘મનોજ ખડેરિયા’ નામના કવિ કહી ગયા છે:   રસમ અહીની જુદી, નિયમ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા’  આવા સારા કવિ જો શબ્દોને આટલું મહત્વ આપતા હોય, તો પછી આપણે શબ્દો કહેવા અને સાંભળવામાં પરહેજ શા માટે રાખવી જોઈએ?
એમ તો એવું  કહેવાય છે કે - ‘In a Marriage  life,  one person is always Right, and the  another is Husband.’  એને સ્વીકારી લઉં તો તું જીતી અને હું હાર્યો. હકીકત તો એ છે કે, પતિ –પત્ની બંને અલગ અલગ ગ્રહના પ્રાણીઓ છે,            (Men are from Mars, and Women are from Venus’)  એટલે બંનેની વિચારસરણીમાં તફાવત તો રહેવાનો જ. સમજવાની વાત માત્ર એટલી જ છે કે – ‘દામ્પત્ય જીવનમાં સુખી થવું હોય તો પત્નીએ પતિને સમજવો, અને પતિએ પત્નીને સમજવાનું અઘરું કામ જવા દઈને માત્ર પ્રેમ કરવો,’ તને તો ખબર જ છે કે હું તને ખુબ પ્રેમ કરું છું,  હવે તું મને સમજવાનો પ્રયત્ન કર. 
આટલી નાની અમથી વાતમાં નાહકની મારી સાથે આટલી બધી જીભાજોડી કરી, અને કેટલા બધા શબ્દો વેડફ્યા. એના કરતાં પહેલાથી જ મારી વાત સાંભળી લીધી હોત તો ? 
 જો, લગ્નજીવનમાં આવી થોડીઘણી ‘તુ તુ મૈ મૈ’ થી સંબંધોમાં મીઠાશ ટકી રહે છે. લેખક ચન્દ્રકાન્ત બક્ષી પણ કહી ગયા છે કે – ‘એક જ વિષય પર પચીસ વર્ષ સુધી ઝઘડી શકાય, અને સુધર્યા વિના સાથે જીવી શકાય એનું નામ સુખી લગ્નજીવન.’ આપણા લગ્નને તો પચીસની ઉપર પણ થોડા વર્ષ થઇ ગયા.   તમને નથી લાગતું કે આપણું લગ્નજીવન સુખી રહે, તે માટે તમારે બક્ષી જે કંઈ કહી ગયા હોય, તે કરતા હું શું કહેવા માંગુ છું તેના પર વધુ ધ્યાન આપવું જોઈએ ?
તારી વાત સો ટકા સાચી છે, હવે કહી દે કે તું શું કહેતી હતી ?
  હું એમ કહેતી હતી કે- આજે આપણી સોસાયટીમાં શાક વેચવા જે આવી હતી તે બાઈનું નામ ‘ખાતુન’ હતું. 
 હા, તો એમાં નવાઈ શી વાતની છે ? મુસ્લિમ બાનુ શાક વેચી ન શકે એવો સોસાયટીનો કોઈ નિયમ થોડો છે ?   પહેલાં મારી પૂરી વાત તો સાંભળી લો. નવાઈ એ વાતની  છે કે, એની સગી દીકરીનું નામ ‘રંજન’ છે. અને વધુ વાત કરતા ખબર પડી કે એના ઘરવાળાનું નામ ‘સંજય’ છે, અને દીકરાનું નામ ‘સલમાન’ છે. 
 ઓહો ! આ વાત નવાઈની ખરી. ક્યાંથી આવી હતી એ ? 
 સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી,ભાવનગર, જુનાગઢ બાજુ વસતા ‘નટડા’ (‘નટ’ નહીં) જ્ઞાતિની હતી. એમની બીજી અજીબો ગરીબ વાત જાણવા જેવી છે તે એ કે, એમના લગ્ન ‘હિંદુ’ પરંપરા પ્રમાણે થાય છે અને અગ્નિસંસ્કાર  મુસ્લિમની   ની માફક ‘દફનવિધિ’ થી થાય છે.
ખરેખર આ જોતાં તો,  ‘રસમ અહીની જુદી, નિયમ સાવ નોખા’ સાચુ લાગે છે. ભારત - પાકિસ્તાન આ રીવાજ અપનાવે તો હિદુ-મુસ્લિમના સદીઓ જુના ઝઘડા ચુટકી વગાડતામાં મટી જાય, ખરું કે નહીં ? 
 હા, પણ એ કદી બનવાનું નથી એટલે એ વાત જવા દો. મને એ કહો કે ‘વર મરો કન્યા મરો, પણ ગોરનું તરભાણું ભરો’ એ કહેવત તમે સાંભળી છે ? 
 સાંભળી છે શું, મેં તો એ અનુભવી પણ છે. કથા-પૂજા-લગ્ન-મરણ વખતે ગોરમહારાજ ફળ-ફૂલ-અનાજ-કઠોળ-સુકોમેવો-ઘી-ગોળ-લોટ વગેરે વસ્તુઓ લાવવા માટે લાંબુ  લચક લીસ્ટ પકડાવે, વિધિમાં વચ્ચે વચ્ચે પૈસા મૂકાવે  અને ઉપરથી કહે, ‘દક્ષિણા’ તમારે જે આપવી હોય તે આપજો. આપણને ‘મોહ માયા’ છોડવાનું કહે અને પોતે બધું સમેટીને ઘરે લઇ જાય.
બરાબર છે તમારી વાત, પણ  આ ‘નટડા’ જ્ઞાતિમાં માત્ર બાજોઠ પર એક દીવો મૂકીને વર-કન્યા ચાર ફેરા કરી લે, વરની ભાભી છેડાછેડીની વિધિ પતાવે એટલે ગોરમહારાજની મદદ વગર જ લગ્ન પૂર્ણ થાય.
  વાહ !’ ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી’. કાશ ! આપણા દેશમાં બધી જ જ્ઞાતિમાં આ રીત અપનાવાય તો ખોટો દેખાડો, ખોટા ખર્ચા બચી જાય અને દીકરીના બાપને દહેજની ચિંતા ન સતાવે. 
 આગળ તો સાંભળો, આ ‘નટડા‘ સમાજમાં મોટેભાગે છોકરો જ છોકરીના ઘરે રહે. એણે ત્યાં ન રહેવું હોય તો પણ  માબાપના ઘર થી જુદું એક છાપરું બાંધીને જુદો રહે. 
આપણા ‘મોડર્ન’ સમાજમાં પણ હવે આવું જ થવા માંડ્યું છે ને ?
  હા, પણ આ આર્થિક રીતે પછાત લોકો અને આપણા મોડર્ન સમાજના લોકોમાં એક ફરક છે, એ લોકોનાં સંતાનો જીવનભર માબાપ પ્રત્યેની પોતાની ફરજ અને જવાબદારી નિભાવે છે.
 આ તો આપણે એમની પાસે શીખવા જેવું છે. એવું થાય તો આપણા સમાજમાંથી ‘ઘરડાઘરો’ અને ‘વૃધ્ધાશ્રમ’ નાબુદ થઇ જાય.
એ લોકો ‘સમુહઈદ’ મનાવે છે, હોળીના રંગે પણ રંગાય છે, અને નવરાત્રીમાં ‘માતાજીનું છાપરું’ પણ કરે છે. સૌથી સારી વાત તો એ છે કે એમનામાં દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ નથી. દીકરો જન્મે ત્યારે ઢોલ વગડાવે અને દીકરી જન્મે ત્યારે પણ ઢોલ વગડાવે.
  સુપર્બ ! બધા આ વાત અપનાવે તો સરકારે ‘દીકરી બચાઓ’ કે ‘દીકરી પઢાઓ’ ની જાહેરાત જ ન કરવી પડે.’  
આ વિમુક્ત જાતિના ૪૦ જ્ઞાતિ સમૂહો (૮૦ થી ૮૨ પેટા સમૂહો) ગરીબ હોવા છતાં ખુમારીવાળા છે, ઓછું ભણેલા છતાં ‘કોઠાસૂઝ’ વાળા છે, આપણા કરતાં વધુ ખુલ્લાદિલના અને સંવેદનશીલ છે. ‘સલાટ’ જ્ઞાતિના લોકો ‘હળ’ ની સાક્ષીએ લગ્ન કરે છે. 
અને આપણે ‘અગ્નિ’ ની સાક્ષીએ. એટલે જ પછી આપણામાં પતિ-પત્ની વચ્ચે ‘તણખા’ ઝરે.
આપણામાં તો વહુ બીજા ગ્રહમાંથી આવી પડી હોય એમ આપણે એને ન છૂટકે અપનાવીએ છીએ.  જ્યારે ‘સલાટ’ લોકો વહુને ‘દીકરી’ નો દરજ્જો આપે છે. કોઈ કારણસર છૂટાછેડા ની નોબત આવે તો સાસરીયા પોતે જ વહુને બીજે માનભેર વળાવી એની ગાડી પાટે ચઢાવી આપે છે. સ્ત્રી યુવાન વયે વિધવા થાય તો પણ સાસરીયા જીવનભર એને સાચવે છે, એણે પિયર જવું હોય તો પિયરીયા પણ પ્રેમથી એને પોંખે છે.
  અનબિલીવેબલ! આપણે આ નિતી અપનાવીએ તો આપણી વહુ –દીકરીઓ ની હત્યા અને આત્મહત્યા બંધ થઇ જાય. મને લાગે છે કે એમના માં ‘અફેર’ એટલે કે ‘લગ્નેત્તર’ સંબંધ જેવું કશું નહીં હોય.
‘ગામ હોય ત્યાં ઉકરડો તો હોય જ ને ?’ આ દૂષણ છે ખરું પણ ઓછું છે.  ક્યારેક કોઈ પરિણીત સ્ત્રી કે પુરુષ પ્રેમમાં પડીને ભાગી જાય તો એમને પાછા લાવવામાં આવે છે, પુરુષને દંડ કરવામાં આવે છે, એ દંડની રકમ પરિણીતાના પતિને આપવામાં આવે છે. એ લોકોને માફ કરીને  પોતાના ઘરે મોકલવામાં આવે છે, જેથી ઘર ભાંગે નહીં અને બાળકો સચવાય જાય.
આટલો ‘ઉદારવાદી’ સમાજ ભારતમાં છે, એ જાણીને નવાઈ તો લાગે જ છે, સાથે સાથે આનંદ પણ થાય છે.
 હા, આપણો શિક્ષિત સમાજ લગ્નનો બધો ખર્ચ અને દહેજ દીકરીના બાપ પાસે વસુલે છે, ત્યારે ‘સલાટ’ સમાજ માં લગ્નનો ખર્ચ બંને પક્ષ ‘અડધો-અડધો’ ભોગવે છે. જ્યારે ‘વાદી’ સમાજમાં કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે બીજા લોકો પોતાની  બે કે ત્રણ દિવસની કમાણી એને આપીને આર્થિક મદદ કરે છે.
 બીજી કઈ અનોખી રીતો છે, આ ‘ભણેલા નહિ પણ ગણેલા’ સમાજની ?
 લગ્ન કરવા આવેલા છોકરાએ જમીનથી દોઢ ફૂટ ઊંચા બાંધેલા સૂતરના દોરાને કૂદીને બીજી બાજુ આવવાનું, દોરાને  અડી જવાય તો પંચને દંડ ચૂકવવાનો, છોકરાના પરિવારે પોતાનું છાપરું છોકરીના પરિવારના છાપરાની બાજુમાં બાંધવાનું, છોકરાએ ત્રણ વર્ષ ‘ઘરજમાઈ’ તરીકે રહેવાનું, બારસાખ પાસે સાત વખત ‘ઉઠબેસ’ કરવાની. બોલો, તમે લોકો આવું કરી શકો અમારા માટે?
એને તો સાત ઉઠબેસથી જ કામ પતી જાય, જ્યારે અમે તો તમને રીઝવવા આનાથી ય વધુ ‘વાના’ કરીએ છીએ.  જાવ જાવ, જુઠ્ઠું નહીં બોલો તમે.’   ‘હું જરા પણ જુઠ્ઠું નથી બોલતો, સાવ સાચું કહું છું. અમે પતિઓ, અમારું ઘર છોડીને સાસરે રહેવા નથી જતા એટલું જ, બાકી તો અમે પતિઓ, તમો પત્નીના ઇશારે નાચીએ છીએ, ‘તું જો બોલે હાં તો હાં, તું જો બોલે ના તો ના.’  અને ‘જો તુમ કો હો પસંદ વહી બાત કહેંગે, તુમ દિન ઓ અગર રાત કહો રાત કહેંગે.’ એ બધા મોડર્ન ગીતો કંઈ અમસ્તા તો નહીં જ બન્યા હોય ને?’  
‘તમે વાતને ક્યાંથી ક્યાં લઇ જાવ છો, તમારી સાથે તો વાત કરવી જ નકામી છે.’ 
‘હું પણ તને ક્યારનો એ જ તો કહી રહ્યો હતો, કે - તમારી ‘વાણી’ તમારા ‘મૌન’ થી કિમતી હોય તો જ બોલવું.’
‘ઠીક છે, હવે હું ચુપ રહીશ, બસ? જાઉં છું રસોડામાં.’
‘ભલે, પણ જતા જતા સાંભળતી જા, તારી સાથે વાત કરવાની   મને બહુ મજા આવે છે, થાય છે - ‘તને સાંભળ્યા જ કરું.’ એમાં પણ આજે તેં જે વાત કરી તે ખરેખર મહત્વપૂર્ણ અને રસમય હતી.’  આજના મોડર્ન યુગમાં, આપણા શિક્ષિત સમાજમાં, આજે પણ દહેજના કારણે નાવોઢાઓ ની હત્યા અને આત્મહત્યાના સમાચાર રોજેરોજ ન્યૂઝપેપરમાં છપાય છે. અહીં હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટના એક લેખમાં લખેલ વાત યાદ આવે છે. ‘દીકરીના લગ્નની આગલી રાત્રે સૂતા પહેલાં ચિંતિત માતાએ પતિને એટલે કે દીકરીના પિતાને પૂછ્યું: ‘માલુને આપવાની ચીજવસ્તુઓના લીસ્ટ પ્રમાણે બધી ચીજો બરાબર મૂકી છે કે નહિ તે ચેક કરી લીધું છે ને ? નાહક સાસરીયાઓને કંઈ ઓછું પડે તો આપણી માલુને જ  સાંભળવાનું થાય.’  ‘તું ફિકર ન કર, રૂપિયા - પૈસા – ઘરેણા – ઘરવખરી  એ તમામ ચીજો બરાબર મૂકી છે, સાથે સાથે કેરોસીનનો એક ડબ્બો પણ મૂકી દીધો છે.’
ઉપર મુજબની જોક ‘બ્લેક હ્યુમર’ તરીકે ઓળખાય છે, ગુજરાતી હાસ્ય સાહિત્યમાં એનો પ્રયોગ જરા ઓછો થાય છે, પણ એ હોય છે બહુ જ ધારદાર, હૈયું વીંધી નાખે એવી. આજે સવારે પાપડ શેકતા જરાસી ગેસની ઝાળ શું લાગી, કે મોંમાંથી ઉંહકારો નીકળી ગયો, પતિ મજાકમાં બોલ્યા, ‘જરા સાચવીને કામ કર, ક્યાંક દાઝી ગઈ તો તારા ઘરવાળા કહેશે, મેં જ તને જલાવવાનો પ્રયત્ન કર્યો.’ મને એમની વાત સાંભળીને હસવું આવું ગયું, પણ સાથે સાથે ‘દહેજના ખપ્પરમાં આખેઆખી બળી મરતી વહુ-દીકરીઓની અગન કેવી હશે’ તે વિચારતા ધ્રુજારી આવી ગઈ.
ક્યાંક વાંચેલી એવી જ બીજી ‘દીકરા-દીકરી ના ભેદ’ની એક ચોટદાર વાત યાદ આવે છે: ‘પત્નીના કહેવાથી ‘મા’ ને ઘરડાઘરમાં મૂકવા આવેલો દીકરો, માને મૂકીને  ભારે હૈયે અને ભીની આંખે પાછો ફરી રહ્યો હતો, ત્યારે માએ એને કહ્યું, ‘દીકરા, તું તારે હૈયામાં કોઈ અફસોસ(ગીલ્ટ) ના રાખતો, તારો જન્મ થયો તે પહેલાં, બે દીકરીને મારી કોખમાં જ મેં મારી નાખી હતી, ‘પાપ’ તો લાગવાનું જ હતું, સાચે જ ‘કર્મના ફળ’ કોઈને છોડતા નથી.’
આપણી સરકાર ઢોલ વગાડી વગાડીને કહે છે:
 *‘દીકરી બચાઓ’- ‘દીકરી પઢાઓ’,  *દહેજના દૂષણને નાબુદ કરો., *કોમી એકતા જાળવો. (હિંદુ-મુસ્લીમ- શીખ- ઈસાઈ, દેખ સભી હૈ ભાઈ ભાઈ), *વસ્તુ વ્યય અટકાવો. (પાણી બચાઓ, વીજળી બચાઓ) -સાદાઈથી જીવો, *વડીલોને માન આપો, મા બાપને સાચવો.
આ બધા જ નિયમો, રસમ અહીંની જુદી, નિયમ છે નોખા’ માં માનતા  ‘વિમુક્ત’ જ્ઞાતિના ઓછું ભણેલા અને અણસમજુ ગણાતા લોકો પાળે છે, જેમ કે આ નિયમો એમના માટે જ ન બન્યા હોય ?  પણ આપણે તો ‘મુક્ત’ સમાજના શિક્ષિત અને સમજુ ગણાતા માણસો !  આપણી તો - રસમ પણ જુદી અને નિયમો પણ નોખા.

No comments:

Post a Comment