Wednesday 17 October 2018

તમે કોઈ દિવસ મોડા પડ્યા છો?


તમે કોઈ દિવસ મોડા પડ્યા છો?   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

એક હોટલની રૂમમાં ડોરબેલ વાગી, આધેડ વ્યક્તિએ દરવાજો ખોલ્યો, સામે સુંદર યુવાન છોકરીને જોઈ.
  સોરી, મને લાગે છે કે હું ખોટા રૂમમાં આવી ગઈ છું.  છોકરી સહેજ ખચકાટ સાથે બોલી.
 તું સાચા જ રૂમમાં આવી છે, ફક્ત વીસ વર્ષ મોડી પડી છે. આધેડે હસીને કહ્યું. 
 
 મોડા પડવાની પણ એક કળા છે, જે સૌ કોઈને આત્મસાત નથી હોતી. સૌ કોઈની વાત છોડો, અમને પોતાને જ એ આત્મસાત નથી.  એકવાર નાનકડું ‘ગેટટુગેધર’ હતું,  અમારે એક ફ્રેન્ડ ઘરે ૪.૩૦ વાગ્યે પહોંચવાનું હતું. બીજા બે કપલ પણ આવવાના હતા, એ દિવસે અમારી મેરેજ એનીવર્સરી હતી એટલે અમે નક્કી કર્યું કે ‘આપણે બધાને માટે આજે આઈસક્રીમ લઈને જઈશું’ ટ્રાફિકને ધ્યાનમાં રાખીને, કાર ડ્રાઈવની વીસ મિનિટ, અને આઈસક્રીમ લેવાની દસ મિનિટ, એમ ગણતરી કરીને અમે અર્ધો  કલાક વહેલા એટલે કે ૪ વાગ્યે ઘરેથી નીકળ્યા.

અમદાવાદનો ઉનાળો એટલે ધોમધખતા તાપ હતો, રસ્તો સુમસામ હતો, આઈસ્ક્રીમ વાળાને ત્યાં પણ અમે એકમાત્ર ગ્રાહક હતા, એટલે અમે ૪.૨૦ વાગ્યે જ યજમાનના ઘરે પહોંચી ગયા. આમ તો આપેલા સમય પ્રમાણે જ પહોંચવા માટે અમે ૧૦ મિનિટ એમના ઘરની બહાર પ્રતીક્ષા કરી લેત, વહેલા પહોંચી જવાના કારણે ઘણીવાર એ રીતે અમે કર્યું છે, પણ આજે તો આઈસ્ક્રીમ પીગળી જાય એમ હતું, એટલે ન છૂટકે અને ઘણા અફસોસ સાથે અમે ડોરબેલ વગાડી, યજમાન આંખો ચોળતા ચોળતા બહાર આવ્યા, અમારે એમને  બપોરની મીઠી નિદ્રામાંથી ઉઠાડવા પડ્યા એટલે અમે છોભીલા પડ્યા. એ વાત જુદી છે કે અમારા ઘરે મહેમાન આવવાના હોય ત્યારે અમે પોતે અર્ધોકલાક પહેલાં અમારી બધી રોજીંદી ક્રિયાઓ સ્થગિત કરીને, તૈયાર થઈને એમના આગમનની પ્રતીક્ષા કરતા ખાલી બેઠા હોઈએ છીએ. પણ એ તો ‘જેવો જેનો સ્વભાવ.’

અમે ઘણીવાર ‘મોડા પડવાની’  એટલે કે વહેલા ન પહોંચી જઈએ એ માટેની) પ્રેકટીસ કરી  છે, કોઈના ઘરે જવાનું હોય ત્યારે ઉચાટમા આદત મુજબ જલ્દી તૈયાર તો થઇ જ ગયા હોઈએ, પણ પછી ‘અત્યારે નીકળીશું તો બહુ વહેલા પહોચી જઈશું’ એ વિચારે ટીવીમા કે મોબાઈલમા મોં ખોસીને બેસીએ, પણ એમા  ચિત્ત ચોંટે નહીં, એટલે છેવટે થોડી જ વારમાં,  ‘ચાલો હવે નીકળીશું તો સમયસર પહોંચીશું, નહીતર મોડું થઇ જશે’ એમ વિચારીને અમે  ઘરની બહાર નીકળી  જઈએ અને પછી તો શું થયું હશે તે તમે સમજી જ ગયા હશો. ભૂલેચૂકે અમે કોઈવાર આપેલા સમય કરતા ૫ મિનીટ મોડા પહોચીએ તો અમને ઓળખનારા મિત્રો મજાકમાં પૂછે છે, ‘આજે આટલા મોડા કેમ ?’

મારી એક ફ્રેન્ડ મીતા એની એક ફ્રેન્ડ અમિતાની દીકરીના લગ્નમાં બહારગામથી ટ્રેનમાં આવી, એણે વિચાર્યું હતું કે- ‘ટ્રેનમાં કપડાં ખરાબ થઇ જશે, એટલે મેરેજ હોલ પર પહોંચીને કપડાં બદલી લઈશ. અમિતા એની ભાભી, અને કાકી સાથે બ્યુટીપાર્લરમાં તૈયાર થવા ગઈ હતી, પણ દુલ્હનને તૈયાર કરવા બ્યુટીશિયન હોલ પર આવવાની હતી. ‘લો, આ બ્યુટીપાર્લર વાળા બહેન તો બીફોર ટાઈમ આવી પણ ગયા.’  દુલ્હનની ફ્રેન્ડ એવી એક યુવતીએ મારી ફ્રેન્ડ મીતાને જોઇને કહ્યું, ત્યારે મીતા ક્ષોભમાં મુકાઈ ગઈ, એણે ખંચકાતા ખંચકાતા સ્પષ્ટતા કરી. પછી અમિતા જ્યારે  બ્યુટીપાર્લરમાંથી તૈયાર થઈને આવી, અને પરિસ્થિતિ જાણી ત્યારે એ પોતે  ક્ષોભમાં મુકાઈ ગઈ અને એણે મીતાની માફી માંગી. અમે પણ કેટલાય મેરેજ ફંકશનમાં  દુલ્હા-દુલ્હન આવે તે પહેલાં પહોચી ગયા છીએ. અરે એકાદ બે ફંક્શનમાં તો અમે યજમાન કરતા પણ વહેલા પહોંચ્યા છીએ. હવે તો અમે નક્કી જ કર્યું છે કે ફંકશનમાં શરુ થવાનો જે સમય આપ્યો હોય, તેના કરતા કલાક મોડું પહોંચવું, અને એમાં સફળ થવા માટે અમે જોરદાર રીહર્સલ  પણ  શરુ કરી દીધા છે.
અમારા મોડા પડવાને કારણે અમે  ટ્રેન ચુકી ગયા હોય એવું એક પણ વાર બન્યું નથી, તે છતાં  ટ્રેન પકડવાની હોય ત્યારે – ‘ટ્રાફિક નડશે તો ટ્રેન છૂટી જશે’ એમ વિચારીને  અમે ઘણા જ વહેલા, લગભગ ટ્રેનના આવવાના સમયના કલાક પહેલા રેલ્વે સ્ટેશન પર પહોંચી જઈએ છીએ. પછી રાહ જોઇને કંટાળીને અમે નક્કી કરીએ છીએ કે –‘હવે બીજીવાર આટલા જલ્દી નહીં નીકળશું’ પણ એ બીજીવાર ક્યારેય આવતી નથી.  ટ્રેન ભાગ્યેજ એના નિર્ધારિત સમયે આવે છે, મોટેભાગે તો એ સમય કરતા ઘણીવાર ઘણી મોડી આવે છે. પણ એ કેટલી મોડી આવશે આપણને કેવી રીતે ખબર પડે ? ધારો કે આપણે મોડા નીકળીએ અને એ જ દિવસે એ સમયસર આવી ગઈ તો ?

 એકવાર એક લાંબા અંતરની ટ્રેનને એકદમ સમયસર આવેલી જોઇને અમે આશ્ચર્ય પામીને રેલ્વે ઓફિસરને પૂછ્યું, ‘આ ટ્રેન કોઈ દિવસ એના નિયત  સમયે આવતી નથી, પણ આજે તો એ ‘ડોટ ટુ ડોટ’ ટાઈમસર છે, આજે આ ચમત્કાર કઈ રીતે થયો ? ઓફિસરે  કહ્યું, ‘નવાઈ ન લગાડશો, એમાં કોઈ ચમત્કાર નથી થયો, આ ટ્રેન ૨૪ કલાક મોડી પડી છે, એણે ગઈકાલે આ સમયે આવી જવું જોઈતું હતું,  એના બદલે આજે આ સમયે આવી છે.’ એવું કહેવાય છે કે ‘મોડી પડતી ઘડિયાળ પણ ૨૪ કલાકમાં બે વાર સાચો સમય બતાવે છે,’ પણ મોડા પડતા માણસો શું બતાવે છે તેની હજી સુધી મને ખબર નથી પડી, તમને ખબર હોય તો જણાવવા કૃપા કરશો.

‘નીલ બટા સન્નાટા’ ફિલ્મમા એક ઉધમી માતાની આળસુ છોકરી એની માને કહે છે, ‘તેં મારું નામ અપેક્ષાને બદલે ઝીનત રાખ્યું હોત તો માસ્તરસાહેબ હાજરી પૂરે તે વખતે મારું નામ પહેલાને બદલે છેલ્લા આવતે, અને મારે દોડીને વહેલા સ્કુલમાં જવું ન પડત, હું શાંતિથી મોડી ઊઠીને, મોડી  તૈયાર થઈને, મોડી  ક્લાસમાં જઈ શકત.’ (અમારી સ્કુલમાં નામના બદલે અટકથી હાજરી પુરાતી.) આ ફિલ્મમાં મા કામવાળી બાઈ છે, દસમીની પરીક્ષામાં  ફેલ થયેલી છે, છતાં દીકરી ખુબ ભણીને કલેકટર બને એવી અપેક્ષા દીકરી અપેક્ષા પાસે રાખે છે. (મૂવી જોવાલાયક છે), પણ દીકરી અપેક્ષાને પોતાની જાત પાસે ‘કામવાળી બાઈ’ બનવા સિવાયની કોઈ અપેક્ષા નથી.

ફ્રાન્સની એક જેલમાં નવાઈ પમાડે એવો રુલ હતો. જેલના કેદીઓ સવારે બાજુના ગામમાં કામ કરવા જઈ  શકતા અને સાંજે પાછા ફરતા. એ પ્રમાણે એક સાંજે બધા કેદીઓ આવી ગયા પણ એક કેદી ન આવ્યો. એ કેદી છેક મધરાતે પાછો આવ્યો. જેલરે જેલનો દરવાજો ખોલીને એને અંદર લેતા કરડાકીથી કહ્યું, ‘રોજ સમયસર પાછા આવી જવાનું, કાલે જો મોડું કરશે તો હું જેલનો દરવાજો તારા માટે નહીં ખોલું, સમજ્યો ?’ રુલ એટલે રુલ વળી, બધાએ ફોલો કરવો જ પડે.  હમણા થોડા સમય પર જ એક કિસ્સો વાંચ્યો. એરપોર્ટથી એરક્રાફ્ટ સુધી લઇ જનારી બસમાં એક થાકેલો પ્રવાસી  ઊંઘી ગયો. એ જાગ્યો ત્યારે એણે ખબર પડી કે પ્લેન ૬ કલાક પહેલાં જ ઉપાડી ચુક્યું હતું.  આમ એ ત્યાં હાજર હોવા છતાં ફક્ત ૬ કલાક જ મોડો પડ્યો હતો.

હિન્દી ફિલ્મના પ્રખ્યાત એક્ટર રાજેશ ખન્નાને સેટ પર કાયમ મોડા પડવાની ટેવ હતી. બધા જ નિર્માતા-નિર્દેશકો  એની આ ટેવથી અકળાતા, પણ આ સુપરસ્ટારને કંઈ કહેવાની  કોઈ  હિંમત કરતુ નહિ. એક વખત એક ડાયરેક્ટરે (નામ યાદ નથી) મસ્ત રીત અપનાવી. રાજેશખન્ના મોડો મોડો સેટ પર આવે એટલે  નિર્દેશક મોટે મોટેથી સ્પોટબોયને ખુબ ખરાબ રીતે ધમકાવવા માંડે. આવું બે ચાર વાર બન્યા પછી રાજેશખન્ના સમજી ગયો, અને એણે મોડા આવવાની સાહ્યબી છોડી. ‘પણ રામના બાણ વાગ્યા હોય એ જ જાણે’  અને  ‘માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને’ આ બે પંક્તિને ધ્યાનથી જોઈએ તો ‘મોડા પડવાની’ મજા તો જેણે માણી હોય તેને જ એની કિંમત છે, બાકી બધા તો ભલેને ‘સમયપાલન’ નું ગાણું ગાઈ ગાઈને મોડા પડનારાને વગોવ્યા કરે. અમે તો આ - મોડા પડવાની -  બાબતે ‘ઢ’ છીએ, પણ વાચકમિત્રો, મોડા પડવાને કારણે તમારી કોઈ ફ્લાઈટ, કે તમારી કોઈ ટ્રેન કે બસ છૂટી છે ખરી ? તમે  કોઈ દિવસ મોડા પડ્યા છો ખરા ? 
 

No comments:

Post a Comment