બ્યુટી પાર્લર. પલ્લવી
જીતેન્દ્ર મિસ્ત્રી.
એક બ્યુટી પાર્લરની
બહારની બાજુએ બોર્ડ લગાવેલું હતું:
‘અહીંથી બહાર
નીકળતી સુંદર સ્ત્રી ની સામે જોઇને સીટી મારશો નહિ, એ કદાચ તમારી દાદીમા પણ હોઈ
શકે છે.’
આ બ્યુટી પાર્લર
વાળાની ‘બીઝનેસ સેન્સ’ ખરેખર ‘કાબિલે તારીફ’ છે. ‘દાદીમા’ ને નખશીખ સુંદર યુવતી
બનાવવાની એની કળાના વખાણ તો કરવા જ પડે. આજ કાલ તો ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય, દાખલા
તરીકે – સગાઇ, લગ્ન, જનોઈ, ફેરવેલ પાર્ટી કે બર્થડે પાર્ટી, તારીખ નક્કી થાય એટલે સૌથી પહેલા બ્યુટી પાર્લર
વાળા બહેનની એપોઇન્ટમેન્ટ લેવાય છે.
કેટલાક પુરુષો
(પતિઓ) ની ફરિયાદ છે કે, એમની પત્ની બ્યુટી પાર્લરમાં જોઈએ તે કરતા વધુ સમય અને
પૈસા વેડફે છે. પણ સાથે સાથે આપણે એ પણ કબૂલવું જોઈએ કે પુરુષો પોતે પણ સાધારણ
દેખાવાની યુવતી કરતા સુંદર અને દેખાવડી યુવતી પાછળ વધુ સમય અને પૈસા વેડફે છે.
એક સુંદર ફિલ્મ
એક્ટ્રેસ નો ઈન્ટરવ્યુ લેનાર ભાઈએ ઈન્ટરવ્યુ ના જ ભાગરૂપે એમને એક પ્રશ્ન કર્યો: ‘તમે ફિલ્મ એક્ટ્રેસ પોતાની સુંદરતાને સજાવવા જેટલો
સમય અને પૈસા ખર્ચો છો, એટલો સમય અને મહેનત તમારા અભિનયને સવાંરવા પાછળ ખર્ચો તો
વધુ સફળ ન થાવ?’ ‘એ પણ કરી શકાય. પણ મુદ્દાની વાત એ છે કે ૯૦%
પુરુષો અમારા અભિનયને જોવા કરતા અમારું રૂપ જોવા થીયેટરમાં આવે છે.’ ફિલ્મ એક્ટ્રેસ સો ટકા સાચો અને જડબાતોડ જવાબ
આપ્યો.
થીયેટરની વાત છોડો,
મોટેભાગના પુરુષો તો અસલ જિંદગીમા અત્યંત અગત્યનો ફેસલો, લગ્ન કરવાનો નિર્ણય કરે
ત્યારે પણ પોતાની બુદ્ધિ કરતા પોતાની આંખો પાસેથી જ વધુ કામ લે છે, એટલે ગુણવાન
યુવતી કરતા સ્વરૂપવાન યુવતીને પહેલા પસંદ કરે છે. આ બે વચ્ચેના તફાવતની ખબર એને
પડે ત્યારે તો ઘણું મોડું થઇ ગયું હોય છે. યુવતીઓ પણ આ વાત સારી રીતે જાણે છે,
એટલે એ પોતાની પાણીદાર આંખોને કાજળથી વધુ પાણીદાર બનાવીને પુરુષોને ઘાયલ કરે છે. પુરુષો
ભલે કહેતા હોય કે,’ સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ’ પણ લગ્ન કરતી વખતે પુરુષોની
સરખામણી એ સ્ત્રીઓ પોતાની બુદ્ધિનો વધુ ઉપયોગ કરે છે એ વાત આ
જોકથી આસાનીથી સમજી શકાય એમ છે:
મોનિકા : શેફાલી, તું તો આટલી યંગ અને બ્યુટીફૂલ છે તો પછી
તારો હસબંડ આવો કાળીયો, જાડિયો અને ટાલિયો કેમ છે ?
શેફાલી: કેમ કે એ
હીરા બજારનો કિંગ ગણાય છે. ઇન્ડીયામાં જ નહિ ફોરીનમાં પણ અનેક જગ્યાએ એની ઓફિસની બ્રાન્ચ
આવેલી છે. વાલકેશ્વરમાં ૮ બેડરુમનો એનો બંગલો છે, બંગલાના પાર્કિંગમાં પોતાની
માલિકીની ચાર ઈમ્પોર્ટેડ કાર રાખે છે. સૌથી
મહત્વની વાત તો એ છે કે એના કોઈ ભાઈ ભાંડુ નથી, પોતાની મિલકતનો એ એકલો જ વારસદાર
છે.
મોનિકા: સમજી ગઈ,
પુરુષોની સુંદરતા થોડી જ જોવાય ? એમની તો કાબેલિયત જ એની સંપતિ છે, હેં ને ?
લગ્ન બજારમાં પુરુષોની સુંદરતા ભલે મહત્વની ન
હોય, પણ સ્ત્રીઓની સુંદરતા અતિ મહત્વની છે, એ વાત તમને આ નીચે લખેલા કિસ્સાથી
સમજમાં આવશે.
થોડા દિવસ પહેલા ન્યૂસ
પેપર દ્વારા દુબઈ (યુએઈ) નો એક કિસ્સો પ્રકાશમાં એટલે કે સૌના જાણવામાં આવ્યો. તાજેતરમાં
જ જેમના લગ્ન થયેલા હતા એવો, ૩૪ વર્ષનો યુવાન પતિ પોતાની ૨૮ વર્ષની પત્ની સાથે
શારજાહના અલ-મમઝર બીચ પર ફરવા આવ્યો હતો. પત્ની દરિયામાં સ્વીમીંગ કરીને બહાર આવી
ત્યારે પતિ એને ઓળખી ન શક્યો. કેમ? કેમ કે દરિયાના પાણી એની પત્નીના મેકઅપ (કોસ્મેટીક
સર્જરી અને બનાવટી પાંપણો) ને તાણી ગયા હતા, એટલે કાયમ મેકઅપમાં જ જોયેલી પત્નીને
ઓરીજીનલ રૂપમાં એ ઓળખી ન શક્યો. પતિએ આ અજાણ લાગતી યુવતીને એટલે કે પત્નીને સ્વીકારવાનો
ઇનકાર કર્યો અને તાત્કાલિક છુટાછેડા આપી દીધા.
પત્ની માટે આવા
કારણોસર પતિનો ‘અસ્વીકાર’ અસહ્ય હતો. એ માનસિક આઘાતમાં સરી ગઈ. સાજી થઈને એ એના કોસ્મેટીક
સર્જન કે બ્યુટીશીયન પર કેસ માંડે તો નવાઈ નહિ. પણ સવાલ એ થાય છે કે દરેક જગ્યાએ બ્યુટી પાર્લરનું મહત્વ આટલું બધું વધી જવાનું
કારણ શું ? કારણ એ જ કે:
‘ના કજરેકી ધાર, ના
મોતિયોં કે હાર, ના કોઈ કિયા શિંગાર ફિર
ભી કિતની સુંદર હો, તુમ કિતની સુંદર હો’ એવી નેચરલ બ્યુટી આ જગતમાં માંડ બે કે પાંચ
ટકા હશે. અથવા આવી યુવતીને પસંદ કરનારા પુરુષો આ જગતમાં માંડ બે કે પાંચ ટકા હશે. એક
ન્યૂસ પેપરનો સર્વે કહે છે કે, ‘માત્ર ૨% યુવતિઓ માને છે કે તેઓ કુદરતી રીતે જ
સુંદર છે, એમને વધારાની સુંદરતા (બ્યુટી પાર્લરની મદદ) ની જરૂર નથી. પણ તેનાથી શું
ફરક પડે? એમને લગ્ન જેમની સાથે કરવાના હોય છે એ પુરુષો કુદરતી કરતા કૃત્રિમ સુંદરતાથી
વધુ આકર્ષાય છે.
ફેસબુક આ બાબતમાં
જ્ઞાન સમુદ્રનો ભંડાર છે. એમાં વિજય ભાઈ રાવલ નામના ભાઈ એ લખ્યું છે: ‘લગ્નસરાની સીઝન
શરુ થતા જ બ્યુટી પાર્લરમાં વધતી ભીડ જોઇને એમ થાય છે કે....
શું લ્યુના ને પોતું મારવાથી એ પલ્સર થઇ
જતું હશે ?’
વિજયભાઈને ખબર નહિ
હોય કે બ્યુટી પાર્લર વાળા એવા અદભુત જાદુગર હોય છે કે, લ્યુના તો શું, એ લોકો જો
બાઈસીકલ ને પોતું મારે તો એની સિકલ પણ ફરી જાય ને પછી તો એ ય પલ્સર થઇ જાય, હા, કાળક્રમે પોલીશ ઉતરે ત્યારે પલ્સર પાછી બાઈસીકલ
થઇ જાય એ વાત જુદી છે.
ફેસબુક પર જ એક ભાઈ
અતુલભાઈ મહેતાએ શેર કરેલી એક મજાની પંક્તિ વાંચી:
‘પ્રસંગે પ્રસંગે
મહોરાં ચઢે છે, અસલ માણસ જાત હવે ક્યા જડે છે?’
પણ મારે તો તમને એ પૂછવું
છે કે, ‘અસલ માણસ જાત મળી પણ જાય, તો એ હવે કોઈને ક્યાં ખપે છે ?’
No comments:
Post a Comment