કમ્પલેન. પલ્લવી જિતેંદ્ર
મિસ્ત્રી.
- મીનૂ , યાદ છે આજે તારે કોને કોને ફોન કરવાના છે ?
- હા હા, બરાબર યાદ છે.
- બોલ જોઉં, કોને
કરવાના છે અને શા માટે ?
- મારી બેનને ફોન
કરીને તમારા અપચા માટેની વૈદની દવા લાવી રાખવાનું કહેવાનું છે. ઘણા વખતથી માંદા રહે છે, એ સુરતમાં રહેતા તમારા એક
ના એક વડીલ કાકાની નાદુરસ્ત તબિયતના ખબર પૂછવાના છે. અને હાઉસ ફૂલ થઇ જાય તે પહેલા, વહેલામાં વહેલી
તકે એચ. આર. સરને ફોન કરીને આપણા બિટ્ટૂના ટ્યુશન ક્લાસ
માટેનું બુકિંગ કરાવવાનું છે, બરાબર ?
- ઊંહ મીનૂ, તું પણ ખરી છે, નો ડાઉટ, આ બધા જ કામ અગત્યના છે,
પણ તારી વાત પરથી મને લાગે છે કે તને કામની પ્રાયોરીટીનો કંઈ ખ્યાલ જ નથી.
- કેમ ? છેલ્લા પાંચ
દિવસથી તમે અપચાથી પીડાઓ છો, રોજ રાત્રે પેટ
પકડીને તમે અમળાઓ છો, પાંવભાજી, રગડા પેટીસ, છોલે ભટુરે ની તો વાત જ છોડો, મગ, દૂધી કે ખીચડી જેવો સાદો ખોરાક પણ તમને પચતો નથી
ને દુખી થયા કરો છો, એ વાત સાચી છે કે
નહીં ?’
- હા, સાચી જ છે,
પણ...
- બીજું તમારા કાકાને
ગયા મહિને હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યારે એકવાર આપણે મળી આવ્યા, તે પછી કામના ભાર
ને લીધે આપણે મળી જ નથી શક્યા એનો તમે ચાર વાર અફસોસ વ્યક્ત કરી ચૂક્યા છો, એ વાત
સાચી છે કે નહીં ?
- હા, એ વાત પણ સાચી
છે, પણ..
- અને એચ. આર. સરને
ત્યાં રીઝલ્ટ આવ્યા પછી બે જ દિવસમાં ‘વહેલો
તે પહેલો’ ના ધોરણે બુકિંગ થઈ
જાય છે, એ વાત બે દિવસમાં પાંચ
વખત તમે મને સંભળાવી ચુક્યા છો. તેથી મને લાગ્યું કે બિટ્ટૂના ટ્યુશન ક્લાસ માટે આજે
જ બુકિંગ કરાવવું જોઈએ.
- યુ આર રાઈટ મીનૂ,
પણ..
-પણ અને બણ, તમે મને
કહો તો ખરા, આ બધી પ્રાયોરીટી નથી તો બીજુ શું છે ?
-મીનૂ, તારી વાત સો ટકા સાચી છે, આ બધી પ્રાયોરીટી જ છે, પણ એની સાથે સાથે બીજી અગત્યની વાત તું ભૂલી રહી
છે એનું શું ?
- અચ્છા ? એવી વળી કઈ અગત્યની વાત હું ભૂલી રહી છું, જરા
મને કહેશો તમે ?
- કેમ, આપણા કોમ્પ્યૂટરમાં
વાયરસ આવી ગયો છે, તે કઢાવીને ‘એન્ટી
વાયરસ’ સોફ્ટવેર સીસ્ટમ લગાવડાવવાની છે. ફ્રીઝમાં ચાર દિવસથી
જોઈએ એવુ કૂલીંગ નથી થતું એ માટે ડીલરને ફોન કરવાનો છે. અને તેં અને બિટ્ટૂએ જીદ
કરીને જે ‘સ્માર્ટ જીમ’ લીધું છે, એમાં કૂવામાંથી ગરગડીથી પાણી ભરેલી ડોલ ખેંચતા હોય એવો કર્કશ અવાજ આવે છે, ફોન કરીને તેની કમ્પ્લેન કરવાની છે. અને હા, આ તારા
નવાં નકોર એક્ટીવામાં ‘સ્ટાર્ટીંગ ટ્રબલ’ છે, એની ફરિયાદ પણ લખાવવાની છે. આ બધી અગત્યની વાતો તું કેમ ભૂલી જાય છે ?
- એ બધી જ વાત મને
યાદ છે, જનાબ. એટલું જ
નહીં એ માટે હું લાગતા વળગતાને કેટલીય વાર ફોન કોલ્સ કરી ચૂકી છું. પણ એમાંનો એક પણ પ્રોબ્લેમ હજી સુધી સોલ્વ નથી
થયો. ખરેખર તો હવે હું કમ્પ્લેન કરી કરીને થાકી ગઈ છું. અને આ બધાની લાહ્ય માં ને
લાહ્યમાં હું મારી બેન કે મમ્મી સાથે શાંતિથી ફોન પર વાત પણ નથી કરી શકી.
- તું એક કામ કર, આ બધાં કામો માટે એક આસિસ્ટન્ટ અથવા એક ટેલિફોન
ઓપરેટર રાખી લે.
- તમારું સૂચન તો
સારું છે. ખરેખર એવું કામ કરી આપનારું કોઈ
મળે ખરું ?
- તપાસ કરી જોઈએ. તું
એક કામ કરને. એક ‘કમ્પ્લેન ફાઈલ’ બનાવ. એમાં કોને કોને અને ક્યારે ક્યારે કમ્પ્લેન
કરી તે લખ. એ કમ્પ્લેનનો શું જવાબ આવ્યો,
કંપનીઓએ કે પાર્ટીએ એ બાબતે શું એક્શન લીધી તે પણ લખ. કંપનીઓ સામે એક્શન લેવા
કોઈવાર કામ લાગશે.
- તે મેં એવી ફાઈલ
નથી બનાવી એમ તમે શા ઉપરથી કહો છો ? આ જુઓ ‘A’ ફાઈલ. એમાં એક્ટિવા ક્યારે લીધું, કેટલામાં લીધું, કોના નામે લીધું, કોની પાસેથી લીધું થી માંડીને એ
ક્યારે ક્યારે બગડ્યું, કયા દિવસે કેટલી કીક માર્યા પછી
સ્ટાર્ટ થયું (કે નહીં થયું), કેટલી વાર રીપેરમાં આપ્યું, એના માટે ક્યારે ક્યારે કોને કોને કમ્પ્લેન કરી, કોણે, ક્યારે, કઈ
કમ્પ્લેન નો શું જવાબ આપ્યો, તેનો વિગતવાર ચાર્ટ બનાવ્યો છે.
- અરે
વાહ ! તું તો ખુબ હોંશિયાર નીકળી.
- પણ
તમને એની કદર જ ક્યાં છે ? તમે તો કાયમ ‘આ કર્યું ?, કે
પછી ‘આ કેમ ન કર્યું ?’ ની પૂછપરછ માંથી પરવારતા જ નથી. અને મેં જે જે
કર્યું છે એ જોવાની તમને ફૂરસદ જ ક્યાં છે ? તમને એવું
ક્યારેય થયું છે કે આ એકલી બિચારી ક્યાં
ક્યાં પહોંચી વળશે ? લાવ એને રજાને દહાડે થોડી મદદ કરાવું ? તમારે તો બસ, તમે
ભલા ને તમારી ઓફિસ ભલી.
- અરે
હા, તેં
ઠીક યાદ દેવડાવ્યું, મારે ઓફિસ જવાનું મોડું થાય છે. રજાને
દહાડે હું તને જરૂર મદદ કરાવીશ. પણ અત્યારે તો જરૂરી લાગે ત્યાં બધે તું ફોન કરીને
કમ્પ્લેન નોંધાવી દેજે. અને જે લોકો કમ્પ્લેન પર ધ્યાન નથી આપતાં એવી જગ્યાએ ‘હાયર ઓથોરીટી’ ને ઇમેલ કરી દેજે, ઓકે ?
- જો હુકુમ મેરે
આકા !
No comments:
Post a Comment