Wednesday, 15 August 2018

એક પંથ દો કાજ.


એક પંથ દો કાજ.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

એક સ્ત્રી અર્ધો ડઝન એટલે કે છ બાળકોને લઈને એક બસમાં જેમ તેમ કરતાં ચઢી. ઘણી મુશ્કેલી થી બાળકોને સંભાળતાં એણે બધાંની ટીકીટ કઢાવી. એ જોઈ કન્ડકટરે કહ્યું, ‘બહેન, આટલાં બાળકો સાથે બહાર જવામાં તમને કેટલી તકલીફ પડી રહી છે, અર્ધાં બાળકોને ઘરે મૂકીને આવતાં હોવ તો ?’ એ બહેને હસીને કંડકટરને જવાબ આપ્યો, ‘ભાઈ, મેં એમ જ કર્યું છે.’
આ તો એક જોક છે, પણ કોઈવાર આવા જોક હકીકતનું રૂપ પણ લેતાં હોય છે.  થોડા  સમય પહેલાં એક ન્યૂઝપેપરમાં એક રસમય સમાચાર વાંચ્યા, ‘દાહોદ જીલ્લાના, ગરબાડા તાલુકાના, ઝરી ખરેળી ગામના, ૩૭ વર્ષના પતિ રામચંદ સંગાડે અને એમની પત્ની કનુબેનને ૧૮ વર્ષના લગ્ન જીવનમાં ૧૭ બાળકો થયા છે. આમ તો આપણે ગાંધારીના સો બાળકોનો રેકોર્ડ સાંભળ્યો છે, પણ સાંભળેલામાં અને જોયેલામાં ઝાઝું અંતર હોય છે. ૧૮ વર્ષના લગ્ન જીવનમાં આ ૧૭ બાળકોના જન્મના સમાચાર જાણીને આપણને આશ્ચર્ય તો થાય જ ને ?
આ સમાચાર જાણીને એક ગામડાની એક સાસુમાએ ઉત્સાહમાં આવીને એની પુત્રવધુને કહ્યું,
વઉબેટા, આ તારી પોરી  સુરતી ચાર વરહની થેઈ ગેઇ , અવે એક પોઈરો થેઈ જાય તો ગંગા નાયા.  અમે છે તાં હુધીમાં તારા પોઈરાં મોટા થેઈ જાય તો અમને નિરાંત.
મા, આ એકલી શ્રુતિ જ અગિયાર બરોબરની છે. એને સંભાળતાં જ અમને નાકે દમ આવી જાય છે, એટલે બીજાનો તો સપનામાં ય વિચાર ન કરાય.  ભણેલી વહુએ કહ્યું.
અરે ! અમે ચાર પોઈરાં મોટા કઈરાં કે ની?
એ બદલ તમને ખરેખર ધન્યવાદ આપવા પડે, મા. પણ અમે તો આ એક પછી જ પૂર્ણ વિરામ મૂકી દીધું છે, એટલે તમે પણ હવે એ બાબતમાં કોઈ આશા રાખશો નહીં.  
સરકારને આ બાબતે (કુટુંબ નિયોજન ની બાબતે) જનતા પાસેથી ઘણી આશાઓ છે, એટલે એણે અમુક સૂત્રો પ્રજાને આપ્યા છે, ‘નાનું કુટુંબ સુખી કુટુંબ’, ‘બે બાળકો બસ’, ‘અમે બે અમારા બે’,  વગેરે .. વગેરે..  ડાહી ડમરી જનતા આ સૂત્રો પાળે છે પણ ખરી. આજના અતિશય મોંઘવારીના જમાનામાં જીવન જરૂરિયાતની ચીજોની સાથે સાથે બાળકોનું શિક્ષણ પણ ખુબ જ મોંઘુ થઇ ગયું હોવાથી માબાપ ને હવે બે કરતાં વધારે બાળકો પોસાતા પણ નથી. હવે તો પતિ પત્નીએ ‘અમે બે અમારું એક’ એવું નવું સૂત્ર શોધી  કાઢીને એને અપનાવ્યું છે. એથી પણ આગળ વધીને સારી પોસ્ટ પર જોબ કરતાં પતિ પત્ની તો DINK  (Double Income  No Kid) વાળી ફોર્મ્યુલા શોધી લાવ્યા છે. બંને કમાઓ, હરો-ફરો-મઝા કરો અને બાળકની ઝંઝટ ન રાખો. (હવેના બાળકો પણ મોટા થઈને મા બાપની ઝંઝટ રાખતા નથી.)
પાછા મૂળ વાત પર આવીએ, ૧૮ વર્ષના લગ્ન જીવનમાં ૧૭ બાળકો હોવા એ જરા નવી નવાઈનો કિસ્સો ગણાય. પેપરવાળાએ એની નોંધ લેવી જ પડે. ‘આવું શી રીતે થયું ?’ અથવા તો ‘આવું શું કામ થયું ?’ એ જાણવાની તમને, મને અને સૌને ઉત્સુકતા હોવાની જ. તો વાત જાણે એમ બની કે – રામચંદ અને કનુબેન ને દીકરાની આશામાં એક પછી એક ૧૪ દીકરીઓ જન્મી અને ૧૫ મા સંતાન તરીકે પુત્રરત્ન ની પ્રાપ્તિ થઇ.
લોજીકલી તો પુત્ર મળી ગયો એટલે આ દંપત્તિએ વસ્તીવાધારામાં ખમ્મા કરી દેવી જોઈતી હતી. છતાં એ પછી પણ એમને  ત્યાં ૧૬ અને ૧૭ મા સંતાન તરીકે પુત્રી જન્મી, એનું કારણ એ છે કે એમની, પુત્ર પહેલા જન્મેલી  ૧૪ છોકરીમાંથી બે છોકરી બાળપણમાં જ મૃત્યુ પામી હતી. હવે ‘ન કરે નારાયણ’  ને એકના એક પુત્રને કંઈ થઇ જાય તો ? બસ, આ જ ડરના લીધે  એમને ત્યાં બીજા પુત્રની આશામાં ૧૬ અને ૧૭ નંબરની પુત્રીઓ જન્મી.
આમ તો આ દંપત્તિ હજી યુવાન છે, બીજા પુત્રની આશામાં ધારે તો એમની  આ સંતાન પ્રાપ્તિની પ્રવૃત્તિ ચાલુ રાખી શકે, અને પ્રભુની કૃપા થાય તો ગાંધારીનો રેકોર્ડ તોડ્યા વિના બીજો પુત્ર મળી પણ જાય. પણ હવે આ દંપત્તિ આર્થિક રીતે થાક્યા  હતા. એટલે ૧૭મી પુત્રીના જન્મ બાદ દસ જ દિવસમાં એ તાજી જન્મેલી બાળકીને ઘરે મૂકીને કનુબેન ખેતરમાં કામે જવા માંડ્યા. ગામની બાલવાડીની બહેનોએ કનુબેનને  સમજાવીને ‘નસબંધી’ નું ઓપરેશન કરાવવા મનાવી લીધા.
ખેર ! ‘દેર આયે દુરસ્ત આયે.’ અને ‘જાગ્યા ત્યારથી સવાર.’  હવે આ દંપત્તિ ઈચ્છે છે કે કોઈ સેવાભાવી સંસ્થા એમના બહોળા કુટુંબ માટે આગળ આવે અને આર્થિક સહાય કરે, જેથી એમના બાળકોનું બાળપણ ચૂંથાઈ ન જાય. એમને આવી કોઈ સંસ્થા મળી જાય એ માટે પ્રભુને પ્રાર્થના.(ભારતની જનતાને લૂટીને બહારગામ ચાલ્યા ગયેલા વિજય માલ્યા જેવાની જપ્ત થયેલી સંપત્તિમાંથી આમને કઈ મળી શકે કે નહીં ?)
જ્યારે એ જ દિવસના બીજા એક ન્યૂઝપેપરમા એક જાણવા જેવા સમાચાર હતા, ‘ઉત્તર પ્રદેશના અલીગઢના નહારૌબા ગામના કડીયાકામના એક કારીગર પૂરન  શર્માએ રૂપિયા ૨૦૦૦ મેળવવા નસબંધી નું ઓપરેશન કરાવી લીધું છે.’ તે વખતમાં સરકારે અમલમાં મૂકેલી ૧૦૦૦ અને ૫૦૦ રૂપિયાની ‘નોટબંધી’ ને કારણે  પૂરનને રોજગાર મળતો બંધ થયો હતો, એથી પત્ની અને ત્રણ સંતાનોનું ભરણ પોષણ કરવાનું  મુશ્કેલ થયું હતું.એવામાં પૂરનની જાણમાં એ વાત આવી કે ‘નસબંધી’ નું ઓપરેશન કરાવનારને સરકાર ૨૦૦૦ રૂપિયા આપે છે. એટલે ‘ટીપીકલ’ પતિ હોવાને લીધે પત્નીનું નસબંધીનું ઓપરેશન કરાવવા એ એને સરકારી દવાખાને લઈ ગયો. એની પત્ની ‘મુકબધીર’ હોવાથી ડોકટરો એ એનું ઓપરેશન કરવાની ના પાડી, છેવટે ૨૦૦૦ રૂપિયા માટે એણે પોતે ઓપરેશન કરાવી લીધું. આમ ‘નોટબંધી’  એ ‘નસબંધી’ નું કારણ બની હતી.
‘સરકારે જ્યારથી સોશિયલ મીડિયા પર જોરશોરથી ‘ઘરમાં જ શૌચાલય’ નો પ્રચાર કરવા માંડ્યો છે, ત્યારથી એ બાબતે લોકોમાં ઘણી જાગૃતી આવી છે અને ઘરે ઘરે શૌચાલય બનવા માંડ્યા છે. એ જ રીતે સરકારે આ વિષય -  ‘નસબંધી’  પર પણ સોશિયલ મીડિયા પર એનો જોરદાર પ્રચાર કરવો જોઈએ. તો શું કે- લોકોની ‘ગરીબી’ પણ દૂર થાય અને ‘વસ્તી વધારો’ પણ અટકે. આ તો ‘એક પંથ દો કાજ’ જેવું કામ છે.

No comments:

Post a Comment