અખીયોં કે ઝરોખોં સે. પલ્લવી જીતેન્દ્ર
મિસ્ત્રી.
- જિતુ, જુઓને આ
અન્નુકપૂરનો ફેસ આવો કેમ થઇ ગયો?
- કેવો થઇ ગયો છે?
- સાવ ઝાંખો ઝાંખો
અને કરચલી વાળો.
- બરાબર તો છે.
- તમે જરા તમારા
મોબાઈલ અને કોમ્પ્યુટરમાથી માથું કાઢીને ધ્યાનથી ટી. વી. મા જુવો, અને પછી
બોલો.
- હું તો ધ્યાનથી જ
જોઈ રહ્યો છું, તું જ જરા ચેક કર કે તેં ચશ્માં
તો પહેર્યા છે ને?
- અરે ! જુઓને મેં
ચશ્માં તો પહેર્યા જ છે.
- તો ખોટા ચશ્માં
પહેર્યા હશે, ભૂલથી દૂરના (ટી. વી. જોવાના) ચશ્માં ને બદલે નજીકના (વાંચવાના)
ચશ્માં પહેરી લીધા હશે, એટલે તને ઝાંખું દેખાતું હશે.
- તમે પણ શું ? મેં દૂરના
એટલે કે ટી. વી. જોવાના ચશ્માં જ પહેર્યા છે.
- તો પછી તારી આંખ
ચેક કરાવવી પડશે.
બન્યું એવું કે એક દિવસ ટી. વી. ની
‘મસ્તી’ ચેનલ પર ‘ગોલ્ડન એરા વિથ અન્નુ કપૂર’ એ જુના ગીતોનો વિડીયો પ્રોગ્રામ જોતા જોતા મને અન્નુ કપૂરનો ફેસ ઝાંખો
ઝાંખો દેખાવા માંડ્યો, એકાએક એમના મોં પર કરચલીઓ વધી ગઈ. આમ કેમ થયું હશે ? મેં
ખાતરી કરી, ચશ્માં તો પહેરેલા હતા, આંખો ચોળી છતાં ય દ્રશ્ય સાફ ન દેખાયું. મને
થયું નક્કી ટી.વી. ની ‘ક્લેરિટી’ ગઈ, એમાં જ કંઈ ટેકનીકલ ક્ષતિ થઇ હોવી જોઈએ. કે પછી ‘ટાટા
સ્કાય’ ના સીગ્નલમાં કંઈ ગરબડ ? પછી મારા
પતિદેવ જીતુને પૂછ્યું તો એમણે ટી. વી. અને ચેનલ ની બરાબરીની ખાતરી આપીને મને મારી
આંખ ડોક્ટર પાસે જઈને ચેક કરાવી લેવાની સલાહ આપી.
ડોક્ટર પાસે જતા પહેલા મેં મારી જાતે મારી આંખ ચેક કરવાનું નક્કી કર્યું.
એ મુજબ મેં દૂરના ચશ્માં પહેરી રાખીને મારા જમણા હાથ વડે જમણી આંખ બંધ કરી અને માત્ર ડાબી આંખે જોયું તો
અન્નુકપૂરનો ચહેરો બરાબર ચોખ્ખો એકયુરેટ દેખાયો. પછી મેં ડાબા હાથ વડે ડાબી આંખ
બંધ કરી જમણી આંખે જોયું તો આ શું? ‘જાગીને જોઉં તો જગત દીસે નહિ’ જેવી મારી દશા
હતી. જમણી આંખેથી અન્નુકપૂરનો ચહેરો સાવ ધૂંધળો દેખાતો હતો. પછી મેં વાંચવાના
ચશ્માં પહેરીને ન્યુઝ પેપર લઈને એ જ પ્રમાણેનો પ્રયોગ વાંચવા માટે કર્યો, તો એમાં
પણ મારી જમણી આંખે હડતાળ પાડેલી છે, એ વાતની ખબર પડી. મેં ગભરાઈને જીતુને કહ્યું:
- મને દૂરનું જોવામાં
અને નજીકનું વાંચવામાં જમણી આંખે થોડી તકલીફ પડે છે.
- મોતિયો આવ્યો હશે.
એમણે અનુમાન લગાવ્યું.
- અત્યારથી મોતિયો ?
(મને મારી ઉંમર મોતિયા માટે નાની લાગી)
- અત્યારથી એટલે ? બે
વર્ષમાં તો તું ‘સીનીયર સીટીઝન’ થશે.
- ‘સીનીયર સીટીઝન’
થવાથી આવી બધી મુશ્કેલી આવવાની હોય તો મારે નથી થવું સીનીયર સીટીઝન.
- ‘સીનીયર સીટીઝન’
થવું કે ન થવું એ તારા હાથમાં નથી. અને તને ખબર છે, મને તો કેટલી નાની વયમાં
(સીનીયર સીટીઝન થવાના વર્ષો પહેલા) બંને આંખમાં મોતિયો આવેલો.
- હા, ખબર છે. પણ મને
તો મોતિયો ઉતરાવવાનો બહુ ડર લાગે છે.
- લે, એ તો હવે સાવ
‘માયનોર ઓપરેશન’ છે, એમાં શાનો ડર?
- મારી આંખને કઈ થઇ
ગયું તો ? પછી મારા વાંચવા લખવાના શોખનું શું?
- તું નહિ લખે તો કોઈ
વાચકને, અને નહિ વાંચે તો કોઈ લેખકને ખાસ નુકસાન જવાનું નથી.
- પણ મને નુકસાન જાય
એનું શું?
- બી પોઝીટીવ, તારી
આંખને કઈ નહિ થાય.
- તમે ખાતરી આપો છો?
- આંખના ડોક્ટર ખાતરી
આપશે. પણ એ માટે તારે આંખ બતાવવા જવું પડશે.
નોર્મલી તો માથું દુખતું હોય તો ‘સેરીડોન’, ખાંસી હોય તો ‘મધમાં સિતોપલાદી
ચૂર્ણ’, પેટમાં દુખતું હોય તો ‘અજમો-મીઠું’ , તાવ આવતો હોય તો ‘ક્રોસીન’, ગળામાં
દુખતું હોય તો ‘એલ્થ્રોસીન’ કે મીઠાના ગરમ
પાણીના કોગળા’, જેવા ઘરગથ્થુ ઉપચાર કરીને
હું (કદાચ તમે પણ) અને મારા જેવા ઘણા
ચલાવી લે છે. પછી એનાથી ન સારું થાય તો જ આપણે ડોક્ટરને ‘ઓબ્લાઇજ’ કરવા જતા હોઈએ
છીએ.
મોટા ભાગેના (અપવાદ બાદ કરતા) ડોકટરો પણ આ વાત જાણતા જ હશે, એટલે ‘હં..અબ
આયા ઉંટ પહાડ કે નીચે’ એમ મનમાં બોલીને આપણને પૈસાથી ખંખેરાય એટલા ખંખેરી લે છે.
(ફલાણી ટેસ્ટ કરાવવી પડશે અને ઢીકણી ટેસ્ટ કરાવવી પડશે – એમાં પાછું એમનું કમીશન
હોય.) સેમ્પલમાં મફતમાં આવેલી દવાના લેવાય એટલા પૈસા લઈને, ‘શું થયું છે’ તે ફોડ
પાડ્યા વગર ‘કાલે પાછા બતાવી જજો’, એવું કહી આપણને બોલાવ્યે રાખે, એમાં આપણી કેટલીય
કાલ કુરબાન થઇ જાય, અને સાથે પૈસા પણ. છતાં ડોક્ટર અને દર્દીનો સંબંધ ‘ઉનાળાના
પંખા’ જેવો હોય છે, ’ચાલુ હોય’ એનાથી ય
તકલીફ અને ‘ચાલુ ન હોય’ એનાથી પણ તકલીફ. જો કે ક્યારેક ડોક્ટર – દર્દીના ‘ઉનાળાના
એ. સી.’ જેવા સરસ હુંફાળા સંબંધ પણ હોય છે.
પણ આંખે ઝાંખું દેખાય એ માટે તો આંખના ડોક્ટર પાસે જવા વગર કોઈ ઉપાય જ
નહોતો. અમે પણ આંખના ડોક્ટર પાસે ગયા. રીસેપ્શન પર એક મજાની યુવતિએ નામ, ઉમર,
રહેઠાણનું સરનામું, ફોન નબર વગેરે વિગતો કોમ્પ્યુટર માં ભરી, એક પ્રિન્ટ આઉટ કાઢી અને
કાગળ અંદર ડોક્ટરની કેબીનમાં મોકલ્યો અને અમને બહાર વેઈટીગ રૂમમાં બેસવા કહ્યું. મારા
જેવા ઘણા ભાઈ બહેનો, કેટલાક ખુલ્લી આંખે અને કેટલાક આંખમાં દવા મુકેલી હોય
ડોક્ટરની સૂચના મુજબ બંધ આંખે બેઠા હતા.
મારો વારો આવ્યો એટલે મને કેબીનમાં બોલાવી, એક મશીનની બે પટ્ટી વચ્ચે
મારી હડપચી અને કપાળ ટેકવવાનું કહ્યું.
પછી એમણે નાની છતાં પાવરફુલ ટોર્ચ ની લાઈટ વારાફરતી મારી
ડાબી અને જમણી આંખમાં નાખીને જોયું, વારા ફરતી આંખ બંધ કરાવીને બીજી આંખથી દૂર મુકેલા પાટીયા પરના નાના મોટા અક્ષરો
વંચાવ્યા. કાગળમાં કંઈ ‘નોટ ડાઉન’ કર્યું. પછી કહ્યું, ‘તમને જમણી આંખમાં મોતિયાની
શરૂઆત છે, ચાર મહિના પછી પાછા બતાવી જજો’ એમની
આ વાત સાંભળતા મારા તો મોતિયા જ મરી ગયા. ઘરે આવીને મેં જીતુને કહ્યું:
- મારી તો બધી જ મહેનત
નકામી ગઈ ને?
- શાની મહેનત?
- કેટલા વર્ષોથી રોજ ગાયનું ઘી પગના તળિયામાં કાંસાના વાડકાથી
ઘસું છું, એ શું કામ લાગ્યું?
- અરે! એના લીધે જ તો
તને આટલો મોડો મોતિયો આવ્યો એમ માન.
- પણ મેં તો ધારેલું
કે ‘ઘી – પ્રયોગ’ને લીધે મને તો મોતિયો આવશે જ નહિ.
- એમ બધું કઈ આપણું
ધારેલું થોડું જ થાય છે? (હસબંડ પાસે ધારેલું કરાવી શકાય આંખ પાસે થોડું કરાવી
શકાય?)
‘શું હોવું જોઈએ અને શું નહિ’ ની
પળોજણ તત્પુરતી પડતી મુકીને હું મારા કામે વળગી. મોતિયો ઉતરાવતા પહેલા મારે
કેટકેટલું વાંચવાનું છે અને કેટકેટલું લખવાનું છે, એ વિચારતાં હું ચિંતાથી ઘેરાઈ
ગઈ. મારા ન વાંચવાથી કેટલા લેખકો નિરાશ (?) થશે, અને મારા ન લખવાથી કેટલા વાચકો
હતાશ (?) થશે, એ વિચારે હું ગંભીર થઇ ગઈ. ‘રાત થોડી ને વેશ ઝાઝા’ એ મારા જેવા જ કોઈ મોતિયાના દર્દીએ આ અવસ્થામાં
એટલે કે મોતિયો ઉતરાવવાનો હોય એના થોડા દિવસ પહેલા અનુભવ્યું હશે, એમ વિચારતા મને લાગ્યું.
No comments:
Post a Comment