Wednesday, 14 November 2018

રડવું જરૂરી છે.


રડવું જરૂરી છે.     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

એક કવિએ એક મજાની પંક્તિ લખી છે...
‘ખોબો ભરીને અમે એટલું હસ્યા, કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા.’
કવિએ અહીં તેઓ કેટલું હસ્યા કે કેટલું રડ્યા, તે આંસુઓનું માપ લીટર કે ગેલનમાં નહીં, પણ ‘ખોબો’ અને ‘કૂવો’ જેવા મજાના અને અસરકારક શબ્દ પ્રયોગ કરીને (સરસ ઉદાહરણ આપીને) આપણને  સમજાવ્યું  છે. નવાસવા લેખકોએ આના પરથી સમજવાનું કે ‘અસરકારક લેખ લખવા માટે અસરકારક શબ્દપ્રયોગ કરતાં શીખી લેવું જોઈએ.’ કવિ અહીં શા કારણે હસ્યા કે શા કારણે રડ્યા, તે આપણને નથી જણાવ્યું. પણ કોઈ કહેનારે કહ્યું છે ને કે, ‘આપ કો આમ ખાને સે મતલબ હૈ કી ગુટલી ગિનને સે ?’ ગુજરાતીમાં  કહીએ તો - ‘તમારે રોટલાથી કામ છે કે ટપટપ થી ?’
એટલે કારણ જાણવાની પળોજણમા પડ્યા વગર, આપણે ઉપરની પંક્તિ વિષે વિચારીએ તો કવિનું હસવા કરતા રડવાનું પ્રમાણ અનેકગણું વધારે છે, એ જ બતાવે છે કે ‘હસવા કરતા રડવાનું મહત્વ અનેકગણું વધારે છે.’ જરૂરિયાતથી વધારે રડ રડ કરતી વ્યક્તિ માટે કહેવાય છે ને કે – ‘એની તો વાત જ ન કરશો, કંઈ પણ કહીએ તો રડી પડે છે, જાણે કે કપાળે કૂવો જ ભર્યો છે.’ કવિએ આ વાત સાંભળી હશે એટલે જ એમણે એમની પંક્તિમાં ‘કૂવો ભરીને અમે રોઈ પડ્યા’ એમ કહ્યું લાગે છે. વળી  ધ્યાનથી પંક્તિ વાંચતા -   (‘ખોબો ભરીને અમે એટલું હસ્યા, કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા.’)  એમાંના ‘કે’ શબ્દના ઉપયોગથી, આપણને ખ્યાલ આવે છે કે કવિ  ‘થોડું’ એટલે કે ખોબો ભરીને હસ્યા એના કારણે જ કવિ ‘ઘણું’  એટલે કે કૂવો ભરીને રડ્યા. એ જે પણ કંઈ  હોય તે, અહીં મને રડવાનું મહત્વ ઘણું વધારે લાગી રહ્યું છે.
મિત્રો, તમે કહેશો કે, ‘આ શું , એક હાસ્યલેખિકા થઈને તમે હસવાને બદલે રડવાની વાત કરો છો ? તો સાંભળો, એટલે કે વાંચો. હું પણ એમ જ માનતી હતી કે, હાસ્યલેખકોએ તો -  ‘રોના કભી નહિ રોના, ચાહે તૂટ જાયે કોઈ ખીલોના.’ એ વાત આત્મસાત કરી લેવી જોઈએ, અને રડવાનું ત્યાગીને સદાય હસતા રહેવું જોઈએ. પણ એકવાર એવું થયું કે -  મેં  પ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી શાહબુદ્ધિન રાઠોડ પાસે એમના ઓટોગ્રાફ માંગ્યા, ત્યારે ઓટોગ્રાફ આપતા એમણે લખ્યું, ‘Do you want to be humorist ? where are your tears ?’  મતલબ કે - ‘તારે  હાસ્યલેખિકા બનવું છે ? તો  તારા આંસુઓ ક્યાં છે ?’  બસ, આ વાંચ્યું ત્યારથી જીવનમાં અને સર્જનમાં રુદનનું કેટલું મહત્વ છે તે મને સમજાયું.  
એક ગીતકારે સાવ સાચું જ લખ્યું છે, ‘રોતે રોતે હંસના શીખો, હંસતે હંસતે રોના...”
પત્ની : હવે તમે મને પહેલાના જેવો પ્રેમ નથી કરતા.
પતિ : એવું તને કેમ લાગે છે ?
પત્ની : પહેલા તો તમે મને રડતી જોઇને તરત કારણ પૂછતાં, પણ હવે એવું નથી.
પત્ની : ડાર્લિંગ, એ સાચું છે કે  હવે તને હું રડવાનું કારણ નથી પૂછતો, એટલા માટે કે એ કારણ દૂર કરવાનું મને હવે પોસાતું નથી, બાકી પ્રેમ તો હું તને પહેલાના જેવો જ કરું છું, તારા સમ.
પત્નીઓને અહી એક રીક્વેસ્ટ છે, કે તમે થોડું ઘણું રડજો ખરા પણ - ‘મેં જિંદગીમે હરદમ રોતા (રોતી) હી રહા(રહી)  હું’ વાળી ફોર્મ્યુલા અપનાવીને પતિને કફોડી સ્થિતિમાં મૂકશો નહીં. કેમ કે લગ્ન પહેલા -  ‘તુ ના મિલી તો હમ જોગી બન જાયેંગે..’ એવું ગાતો પતિ, લગ્ન પછી તમારી વિવિધ માંગણી માટેના ‘રૂદાલી’ જેવા રૂપથી કે વર્તનથી ‘ભાવનગર ભાગી જઈશ અને રખડીશ હું રાજકોટ, પણ તારી સાથે નહિ રહું, તું તો મંગાવીશ મુજને લોટ રે..’  એવું કહેતો થઇ જાય, તે આપણી મહિલા જાતિ માટે સારી વાત ન ગણાય.
જો કે આ રડવાનો આઈડીયા એટલો તો મજાનો છે કે, ગુજરાત રાજ્યના, સુરત શહેરમાં  ભારતની પ્રથમ ‘ક્રાઈંગ ક્લબ’ ખુલી, જ્યાં લોકો રડીને હળવા થવા આવે છે. ‘જન્મ પછી નવજાત બાળક રડે તો એ તંદુરસ્તીની નિશાની ગણાય  છે’  એવું ડોક્ટર કહે છે, આ વિચાર પરથી આ ક્લબનો જન્મ થયો છે. લાફ્ટર થેરાપીસ્ટ શ્રી કમલેશ ભાઈ મસાલાવાલા આ ‘Healthy Crying Club’ નામની કલબના સંસ્થાપક છે. જાણીતા સાઈકોલોજીસ્ટ ડોક્ટર મુકુલ ચોકસી પણ આ ક્લબના કી પર્સન છે.
આપણે ઘણીવાર રડવા માંગતા હોઈએ છીએ, પણ રડી નથી શકતા, એમાં પણ પુરુષો તો ખાસ. એટલે આ ક્લબમા તમે તમારી લાગણી છુપાવ્યા વગર ખુલ્લા દિલે  રડી શકો છો, કેમ કે અહીં તમને, -  ‘છોકરો થઈને રડે છે ?’ એવું પૂછનાર કોઈ નથી.  દર મહિનાના છેલ્લા રવિવારે સવારે ૮ થી ૧૦ વાગ્યે ગૃહિણી થી માંડીને વકીલો, એન્જીનીયરો બધા આ ક્લબમાં રડવા માટે ભેગા થાય છે. ૨૫ મી જુન, ૨૦૧૭ ના રોજ પહેલું સેશન થઇ ગયું.
આ જોઇને ૧૭ વર્ષના યશ કુકરેજાએ રડવાનું શા માટે મહત્વનું અને ફાયદાકારક છે તે જણાવતા લખ્યું, ‘રડવાથી આપણા શરીરના નુકસાનકારક ટોકસીન નીકળી જાય છે જેથી શરીર ચોક્ખું થાય છે, આપણું વિઝન સુધરે છે, લાંબુ રડવાથી બેક્ટેરિયા મરી જાય છે,  આપણો મૂડ સુધરે છે અને મગજમાંથી સ્ટ્રેસ ઓછો થાય છે.  માટે જ ‘હસે તેનું ઘર વસે’ એ વાત ભૂલી જઈને,  તમે ‘હિબકે હિબકે રડો’ ‘મન ભરીને રડો’ (નેપકીન – ટુવાલ લઇ જવા. ) જૂની કડવી તીખી યાદો યાદ કરીને રડો, રડીને હ્રદય નો ભાર હળવો કરો.
‘ગોસીપ અને રડવું લેડીઝને મસ્ત અને સ્વસ્થ રાખે છે’ આ વાત હું નથી કહેતી પણ  લેખક શ્રી કૃષ્ણકાન્ત ઉનડકટ દિવ્યભાસ્કર ના એમની  ‘દૂરબીન’ કોલમના એક લેખમાં જણાવે છે, હું એમની આ વાત સાથે સંમત છું. કોઈ લેડી આ વાંચીને રડવા ન માંડે કે કોઈ સહેલી સાથે આ બાબતે ગોસીપ કરવા ન માંડે, એટલે કે.કે.ભાઈએ અહીં સ્પષ્ટતા કરી છે કે, ‘રડવું એ નબળાઈ નથી અને ગોસીપ એ કોઈ પાપ નથી. આ બે વસ્તુ તો મહિલાઓના પ્લસ પોઈન્ટ છે જે એમને વધુ જીવાડે અને હળવા રાખે છે, સો પ્લીઝ ટેઈક ઈટ પોઝીટીવલી.’    
મહિલાઓ ગોસીપ શા માટે વધારે કરે છે, એ બાબતે એમણે આ લેખમાં વિગતવાર જણાવ્યું છે. પણ આ લેખ ‘રડવા’ વિષે છે, એટલે એક મહિલા હોવા છતાં ‘ગોસીપ’ ની લાલચ જવા દઈને મૂળ વિષય રડવા વિષે એમણે જે જણાવ્યું છે, તે હું તમને અહીં જણાવું છું. પુરુષ વર્ષમાં માત્ર સાત વખત રડે છે, અને સ્ત્રી એનાથી વધારે અધધધ.. એટલે કે ૪૭ વખત રડે છે. પુરુષોને રડવામાં એમની ‘મર્દાનગી’ નડે છે, અને એટલે (સ્ટ્રેસ રીલીઝ ન થવાથી) તેઓ સ્ત્રીઓની સરખામણીમાં વહેલા મરે છે, એટલું જ નહીં પણ એને માટે સ્ત્રીને જવાબદાર ઠેરવે છે, જે મને યોગ્ય એટલા માટે નથી લાગતું કે ‘અભ્યાસનું તારણ એ કહે છે કે પરણેલા પુરુષો કરતાં કુંવારા(વાંઢા) પુરુષો જલ્દી મરે છે.’ 
આ પછી કે.કે.ભાઈએ લોકો ક્યારે રડે, કેટલું રડે, કઈ જગ્યાએ જઈને રડે,  વગેરે વાતોનું એમના લેખમાં રસમય વર્ણન  કર્યું છે, અને અંતે લખ્યું છે કે ‘રડી પડવું કે રડી લેવું એ કંઈ ખાવાના ખેલ નથી’  માટે હે વાચક મિત્રો, તમે જાહેરમાં ‘ઠુંઠવો મૂકીને’ કે ‘પોક મૂકીને’  જોરદાર અવાજમાં ન રડી શકો તો કંઈ નહીં, ચુપચાપ, એકલા એકલા, છાનેછપને પણ રડી લેજો, પણ રડજો જરૂર કેમ કે તંદુરસ્ત જીવન માટે રડવું જરૂરી છે.


Wednesday, 7 November 2018

લગ્ન કઈ ઉમરે કરવા જોઈએ ?


લગ્ન કઈ ઉમરે કરવા જોઈએ ?    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

તમે મને શા માટે પરણ્યા ?
 પરંપરા ને લીધે.  
પરંપરાને લીધે ? કંઈ સમજાયું નહીં. 
 જો હું સમજાવું. મારા પપ્પા મારી બાને પરણ્યા, ખરું ?
 હા.  
અને મારા દાદા મારી દાદીને પરણ્યા, મારા પરદાદા મારી પરદાદીને પરણ્યા, મારા દાદાના દાદા…
બસ, બસ.  
ઓકે બસ, તો પછી પેઢીઓથી ચાલી આવતી આ પરંપરા જાળવવા જ હું તને પરણ્યો, જેથી આપણા છોકરાઓ પણ આ પરંપરા જાળવી શકે. 
 એ બધું તો ઠીક, પણ મારો સવાલ એ હતો કે તમે મને જ શા માટે પરણ્યા ?
 અચ્છા, આવો સવાલ તો મને ઓળખનારા ઘણા લોકોને થાય છે, તને પણ થાય છે, ખરુંને ? 
 હા, થાય છે, આપો જવાબ. 
મૂળ સવાલ તો એ છે કે કોઈ પણ માણસને જ્યારે ‘હું પરણ્યો જ શા માટે ?’ એવો સવાલ સુઝે છે, ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે, કોઈ એનો સંતોષજનક જવાબ નથી આપી શકતું,  એટલે એ અઘરો સવાલ તો આપણે જવા જ દઈએ. હવે રહ્યો તારો આ સવાલ,  ‘હું તને જ શા માટે પરણ્યો ?’ તો એ સવાલ તને નહિ, ખરેખર તો મને થવો જોઈએ.  ચાલ, તો પણ હું તારા સવાલનો જવાબ આપું તો મારી બાએ તારા સંદર્ભમાં કહ્યું, ‘તારા માટે આ છોકરી સારી છે, ડાહી છે, પત્ની તરીકે સારી રહેશે.’  
ઓહોહો ! જાણે તમે તમારા બાની બધી જ વાત માનતા હોય, બાએ કહ્યું અને તમે મને પરણી ગયા ? 
મારે વર્ષોથી ચાલી આવેલી પરંપરા જાળવવા માટે કોઈ નહીં ને કોઈને તો પરણવાનું હતું જ, તો પછી બાએ બતાવેલી છોકરીને, એટલે કે તને પરણું તો મારે તો ફાયદો જ હતો ને ?
એમાં વળી શું ફાયદો, બાએ તો તમને મારી સાથે પરણવા કહ્યું, પણ ધારો  કે તમને મારી સાથે ન ફાવ્યું હોત તો ?
 એ જ તો ફાયદો છે ને, તારી સાથે ન ફાવ્યું હોત તો બાને બ્લેમ તો કરી શકાત ને કે –‘આવી કેવી છોકરી તમે મને પરણવા માટે સજેસ્ટ કરી ?’
ઓહ ! 
ચાલ હવે, એમાં તું બહુ વિચાર ન કર, આ તો બે ઘડીની ગમ્મત હતી.’
‘ગમ્મત ? આ બે ઘડીની ગમ્મત હતી ?’ 
‘નહીતર બીજું શું વળી ? લગ્નજીવનના વર્ષો બાદ પતિ પત્નીએ આવી ગમ્મત કરતા રહેવું જોઈએ, નહીતર જીવન રેઢીયાળ અને કંટાળાજનક બની જાય. અચ્છા !  હવે તું કહે, તેં મને કેમ પસંદ કર્યો ?’
‘મેં તમને પસંદ કર્યા તમારા હાયર એજ્યુકેશનના કારણે, બા-પપ્પાના મળતાવડા સ્વભાવના કારણે, ઘરના આનંદમય વાતાવરણના કારણે.’
‘લે, તારી પાસે તો પરણવા માટે મારા કરતા સારા કારણો હતા. પણ આજે આ ટોપિક કાઢવાનું કારણ ?’
‘કારણ તો એ કે આજે ન્યુઝ પેપરમાં વાંચ્યું કે ૩૦ થી ૪૦ ની વયે લગ્ન કરનાર યુગલમાં છૂટાછેડાની સંભાવના માત્ર ૧૦% જ રહે છે.’
‘અચ્છા ! તો તું વિચારતી હશે કે આપણે તો એથીય વહેલા પરણ્યા હતા, તો આપણા છુટાછેડાની સંભાવના કેટલી, ખરું ને ?’
‘તમે પણ શું ? ભારતમાં તો પરણ્યા એટલે સાત જનમનો સાથ, આવું  બધું તો અમરિકામાં જ ચાલે.’
‘હા, પહેલા જનમમાં પતિ નામના જાનવરને વર એટલે કે માણસ બનાવતા તમને લોકોને કેટલી બધી મહેનત પડે છે, પણ સાત જનમના સાથના કારણે પછી બાકીના છ જન્મોની તમને લોકોને નિરાંત ને ?’
‘મજાક કરીને વાતને આડે પાટે ન ચઢાવો, આપણે ન્યુઝ પેપરની વાત કરતા હતા.’
‘હા, મેં પણ વાંચ્યું, અમેરિકાની ‘યુનિવર્સીટી ઉટાહે’ અલગ અલગ વયમાં લગ્ન કરનારાના છૂટાછેડાના દર પર અભ્યાસ કર્યો છે. તને ખબર છે, છૂટાછેડાનું કારણ શું હોય છે ?’
‘કારણ તો.... જુદા જુદા કેસમાં જુદા જુદા જ કારણ હોવાના ને ?’ 
‘હા, પણ છૂટાછેડાનું મૂળ કારણ ‘લગ્ન’ છે. જો માણસના લગ્ન જ ન થાય તો છૂટાછેડા થાય જ નહિ ને ?’
‘આ તે વળી કેવી જાતનો તર્ક ?’
‘સાંભળ. આ લગ્નની વય અને છૂટાછેડાના દર વિષે વાંચીને એક જોક યાદ આવ્યો.’  જજ : પણ ૬૦ વર્ષની મોટી ઉમરે તમારે છૂટાછેડા શા માટે જોઈએ છે ? અરજદાર : સાહેબ, છૂટાછેડા મને નહીં મારા બાપાને જોઈએ છે, અને એટલા માટે કે – જિંદગીની પાછલી ઉમરે તો માણસ સુખ શાંતિ ઈચ્છે કે નહીં?
‘આવું બધું અમેરિકા જેવા પશ્ચિમના દેશોમાં જ થાય, ૩૦ તો હજી સમજ્યા, પણ ૪૦ તે વળી પરણવાની ઉમર કહેવાતી હશે ? આપણી જ વાત લો ને, આપણે  ૨૧ - ૨૫ ની વયમાં જ પરણ્યા’તા  ને ?’
‘એટલે એમના અભ્યાસ પ્રમાણે આપણા છુટાછેડાની સંભાવના ૨૭ ટકા જેટલી છે, આપણો મોટો દીકરો આપણી વયમાં પરણ્યો એટલી એની આપણા જેટલી, અને આપણો નાનો દીકરો ૨૫ ની વય પછી પરણ્યો તો એના છુટાછેડાની સંભાવના ૧૪ ટકા જેટલી છે, અને ધારો કે બાજુવાળા વિધુર કીસનભાઈ, જે ૫૦ વર્ષની વયના છે, તે પરણે તો એમની છુટાછેડાની સંભાવના ૧૦ ટકાથી પણ ઓછી છે, જો કે આ વય સ્વાસ્થ્યની દર્ષ્ટિએ  સારી નથી, એવું અમેરિકાની યુનીવર્સીટીનું તારણ  છે.’  
‘કિસનભાઈ પરણે તો એમના સંતાનોનું સ્વાસ્થ્ય બગડે એમ છે (મિલકતના ડખા), એટલે એમની વાત છોડો, અને આપણે ત્યાં કામ કરનારી ગીતાની વાત કરો, એના લગ્ન ૧૫ વર્ષે થયા છે, એની નાની બેનના લગ્ન તો ૧૨ વર્ષે જ થઇ ગયા છે, એનું શું એ કહો.’
‘અભ્યાસના પરિણામો તો કહે છે કે ૩૦ થી ૩૪ વર્ષની વય લગ્ન માટે યોગ્ય છે, ૨૮, ૨૯,વર્ષે લગ્ન કરનારનું જીવન પણ આનંદિત હોય છે, જો કે કહેવાય છે કે  ‘આનંદમય લગ્નજીવન’ એ એક મીથ એટલે કે ભ્રમ  છે.  એટલે ૧૨ – ૧૫ વર્ષે લગ્ન કરનાર સીતા – ગીતાનું  જીવન કેવું હશે તે તો કલ્પનાનો જ વિષય છે.’
‘ભલે, તો એના વિષે કલ્પનાબેનને જ વિચારવા દો, કેમ કે એ સારું વિચારે છે, અને સરસ લખે પણ છે.. મને લાગે છે કે આપણે આ ગપસપમાં બહુ ટાઈમ કાઢ્યો, હવે આપણું કામ કાજ કરીએ ?’
‘જેવી તારી મરજી !’

Wednesday, 31 October 2018

બહુ ચરબી ચઢી છે ને કંઈ ?


બહુ ચરબી ચઢી છે ને કંઈ ?    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

અલ્યા, આમ સામે આવ તો જરા, બહુ ચરબી ચઢી છે ને કંઈ ?  
 જ જ જી સાહેબ, સલામ સાહેબ.
 બનાવની વિગત એવી છે કે - શુક્રવાર, ૧૭ નવેમ્બર, ૨૦૧૭ ના રોજ  અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ ગઈ.  એમાં લોકલ પોલીટીકલ લીડર્સ, શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ વખતે નિરીક્ષણ દરમ્યાન સેક્ટર – ૨ ના અધિક પોલીસ કમિશ્નર શ્રી અશોક યાદવની તીક્ષ્ણ નજરે એક પોલીસ કર્મચારી ચઢ્યો,  કે જેનું  પેટ ફાટ ફાટ થતી ચરબીથી લદાયેલું અને શર્ટના બટન તોડીને બહાર આવવા મથી રહ્યું  હતું,
પોલીસ કર્મચારીનું આવું પ્રેગનન્ટ હાથણીના જેવું ભરાવદાર પેટ જોઇને  અશોકભાઈને શોક થયો, શોકમાંથી બહાર આવ્યા એટલે એમણે પોલીસ કર્મચારી ગણમાં સર્વગ્રાહી નજર ઘુમાવી, તો બે પોલીસ ઇન્સ્પેકટરો  અને ત્રણ કોન્સ્ટેબલો સહીત પાંચ પોલીસના મોટા જાજરમાન પેટ હતા, એ જોઇને એમને આઘાત લાગ્યો. પાંચેયનું વજન પણ હોવું જોઈએ તે કરતા અનેક ઘણું વધારે હતું. એટલે એમને કહ્યું,  તમે પાંચેય જણ આગળ આવો.  જી સર.  પાંચેય જણ આગળ આવીને નીચી નજર કરી ઉભા રહ્યા, ત્યારે પાંચેયને પોતપોતાના પેટ જ નજરે ચઢ્યા.  તમારે બધાએ બે મહિનાની અંદર કસરત અને યોગ કરીને આ માસ મોટા પેટ ઉતારવાના છે, અને વજન ઓછું કરવાનું છે, અને એ પછી મને રીપોર્ટ કરવાનો છે, સમજ્યા ?  ‘જી સર.’ પાંચેય જાણે માથું હલાવીને સંમતિ આપી.  અશોકભાઈએ માત્ર બોલીને જ નહિ પણ એમને લેખિતમાં સૂચના આપી.
આમ તો પોલીસ ખાતામાં ભરતી થવા માંગતા ઉમેદવાર માટે ઉંચાઈ (૧૬૫ સેન્ટીમીટર), વજન  ૫૦ કિલો મીનીમમ (મેક્સીમમની કોઈ લીમીટ નક્કી થઇ છે કે નહિ તે ખબર નથી), છાતી (ફૂલ્યા વગરની ૭૯ સેન્ટીમીટર અને ફૂલ્યા પછીની ૮૪ સેન્ટીમીટર) હોવી જોઈએ, એવો નિયમ છે, પણ એમના પેટના ઘેરાવા  માટે કોઈ નિયમ હોવાનું જાણમાં નથી. આમ તો સામાન્ય નાગરિકને  નિયમો તોડવા બદલ પોલીસો સજા ફરમાવતા હોય છે, પરંતુ કોઈ પોલીસ અધિકારી – કર્મચારીને મેદસ્વીપણા માટે સજા કરવામાં આવી હોય એવી ગુજરાતની આ પહેલી ઘટના હશે.
બેઠક બાપુનગરમાં યોજાઈ હતી, અને શાંતિ સમિતિની હતી,  એટલે પોલીસોને નોકરીમાંથી પાણીચું આપવાને બદલે કસરત અને યોગ કરવા જેવી અહિંસક સજા ફરમાવવામાં આવી. આમ તો શાહીબાગ હેડ ક્વાર્ટરમાં અઠવાડીયામાં બે વાર પરેડ યોજાય છે, એમાં દરેક પોલીસ સ્ટેશનમાથી ૫ -૭ કર્મચારીઓને વારાફરતી બોલાવવામાં આવે છે, અને ત્યાં ૪૦૦ મીટરના ૩ – ૪ રાઉન્ડ લગાવવાનું કહેવામાં આવે છે. પણ આમાં ૩ – ૪ મહીને એક વખત પોલીસ કર્મચારીનો નંબર આવે છે. ભારત દેશના એક જાગૃત નાગરિકનું એટલે કે મારું એક નમ્ર સુચન છે કે – હેડ ક્વાર્ટરમાં રાઉન્ડ લગાવવાના બદલે આ પોલીસ કર્મચારીઓને અમદાવાદની પોળો અને ગલીઓમાં, દિવસે અને  રાત્રે રાઉન્ડ લગાવવાનું કહેવામાં આવે તો ‘એક પંથ દો કાજ’ જેવું થાય. ચોરી અને લુંટફાટના ગુના ઓછા થાય અને અપરાધીઓની સાથે સાથે પોલીસ કર્મચારીઓના પેટ અને વજન પણ કંટ્રોલમાં રહે, ખરું  કે નહિ ?
આમ ખાઈ પીને એદીની માફક પડી રહે છે, તે તને તારા વધારે વજનની ચિંતા નથી થતી ? મારી  એક ઢમઢોલ ફ્રેન્ડને મેં કહ્યું.
 મને નથી તો ઊંચું કે નીચું બ્લડ પ્રેશર, નથી વધારે કે ઓછું  કોલેસ્ટ્રોલ, કે નથી ડાયાબીટીશ, પછી મને શાની ચિંતા ? અને હા, તું પણ મારી તબિયતની ફિકર કરીને તારું હાઈ બ્લડ પ્રેશર વધારે હાઈ કરતી નહિ, સમજી ? એ હસીને બોલી.
કહેવાય છે કે જાડા લોકો જોલી એટલે કે આનંદી હોય છે, કદાચ આનંદી લોકો જાડા થઇ જતા હશે, બાકી અમારા જેવા ‘મિયાં દુબલે કયું ? તો બોલે સારે ગાંવકી ફિકર’,  જેવા પાતળા લોકોના નસીબમાં આવી ચરબી ક્યાંથી ?
‘પૂરી એક અંધેરી ને ગંડુ રાજા’ વાળી વાર્તામાં એવું આવે છે કે એક અંધેર નગરીના ગાંડા રાજાના રાજમાં ‘ટકે શેર ભાજી ટકે શેર ખાજા’, એટલે કે સસ્તી મોંઘી ચીજો એક જ ભાવે વેચાતી હતી. એક ગુરુ અને શિષ્ય  આ નગરીમાં જઈ ચઢ્યા. સમજુ ગુરુની સમજાવટ છતાં, નાદાન શિષ્ય સસ્તાની લાલચમાં અહી રહી પડ્યો, ખાઈપીને તગડો થયો. એક દિવસ  એક ચોરને શૂળીની સજા થઇ. શૂળીના માપના પ્રમાણમાં ચોર પાતળો હતો, એટલે જાડા માણસને શોધી લાવીને શૂળીએ ચઢાવવાનો હુકમ થયો. તગડો શિષ્ય ઝડપાયો, પણ એના સારા નસીબથી ગુરુએ એ સમયે આવીને રાજાને કહ્યું કે ‘આ સમયે શૂળી પર જે ચડશે તેને સ્વર્ગ પ્રાપ્ત થશે.’  રાજા શૂળીએ ચઢી ગયો અને શિષ્ય બચી ગયો.
કહેવાય છે કે જાડા માણસો ‘જાજરમાન’ લાગે છે. ‘એક બિલાડી જાડી એણે પહેરી સાડી’  અને ‘હાથીભાઈ તો જાડા,લાગે મોટા પાડા’... એમ અહીં તો બાળગીતોમાં પણ જાડા પ્રાણીઓનું વર્ણન કરીને બાળકોને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મિત્રો, આપણે નાના હતા ત્યારે  ‘સોટી અને પોઠી’ અને ‘લોરેલ એન્ડ હાર્ડી’ માં જાડા –પાતળા પાત્રોની ઘણી મઝા માણેલી, ખરું ને ?
મારી નાની ભાભી કહે છે, ‘હું પાતળી હતી ત્યારે કારમાં પાછળ ત્રણ જણા બેઠા હોય તો પણ મને ચોથીને સાંકડે –માંકડે ગમેતેમ કરીને બેસાડી દેવામાં આવતી. હવે હું જાડી થઇ ગઈ છું, તો આગળની મોટી સીટમાં હું એકલી વટભેર બેસું છું, (હવે મને પાછળ એમની સાથે બેસાડવા કોઈ તૈયાર નથી.) નાનો ભાઈ કહે છે, ‘આ મારી અર્ધાંગીની નહિ, પણ બમણાંગીની (ડબલાંગીની)  છે.’ ‘બુધવારની બપોર’ ના પ્રસિદ્ધ હાસ્યલેખક એમની પત્નીને પ્રેમથી ‘જાડી’ કહીને બોલાવે છે. થોડા સમય પહેલા એક સંગીતના કાર્યક્રમમાં એ અમને લીફ્ટ પાસે મળ્યા, અમે પૂછ્યું, ‘હકીભાભી ક્યાં છે ?’ તો એમણે કહ્યું, ‘જાડીને ? જુઓ, મારું પ્રિય પેન્ગ્વીન પાછળ  ડોલમડોલ કરતુ આવી રહ્યું છે.’ 
મિત્રો, આપણને કોઈ ‘જાડા’ કહી જાય તેનો કોઈ અફસોસ નથી, પણ .... ‘બહુ ચરબી ચઢી છે ને કંઈ ‘ એવું કહે તો તમે જ કહો ચલાવી લેવાય કે ? ( ‘બહુ ચરબી ચઢી છે’  નો અર્થ કંઈ જુદો જ થાય છે, ખરું ને ?)  

Tuesday, 23 October 2018

રસમ અહીની જુદી, નિયમ સાવ નોખા.


રસમ અહીની જુદી, નિયમ સાવ નોખા.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

હું શું કહેતી હતી....
 તું શું કહેતી હતી એ મને શી રીતે ખબર પડે ?   તમે ભાઈ’સાબ, આમ વચ્ચે વચ્ચે ડબકા મૂકો છો એમાં હું જે કહેવાનું છે તે ભૂલી જાઉં છું.
  જો સાંભળ, એક કવિએ કહ્યું છે કે – ‘તમારી ‘વાણી’ તમારા ‘મૌન’ કરતાં કિમતી હોય તો જ તમારે બોલવું. 
 તમારી સાથે લગ્નજીવનના આટલા વર્ષોના અનુભવથી મેં તારવ્યુ છે કે, તમને મારા ‘શબ્દો’ પણ પૂરેપૂરા સમજાતા નથી, તો ‘મૌન’ ની તો વાત જ શું કરવી ? બાય ધ વે -  મને જરા કહો તો ખરા કે એ વાત કયા કવિએ કહી છે ?
કવિનું નામ તો મને અત્યારે યાદ નથી.
  બસ તો પછી, જે (કવિ) નું નામ યાદ ન હોય એનું કામ (લખાણ) યાદ રાખીને આપણે શું કામ છે ? 
 પણ મને એ બરાબર યાદ છે કે - શેક્સપિયર કહી ગયા છે –‘વોટ ઈઝ ધેર ઇન અ નેમ ?’ એટલે કવિનું નામ ભલે યાદ ન રહે, એ શું કહી ગયા છે તે આપણે યાદ રાખવું જોઈએ.
  અચ્છા, તો તમે પણ સાંભળો, ‘મનોજ ખડેરિયા’ નામના કવિ કહી ગયા છે:   રસમ અહીની જુદી, નિયમ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા’  આવા સારા કવિ જો શબ્દોને આટલું મહત્વ આપતા હોય, તો પછી આપણે શબ્દો કહેવા અને સાંભળવામાં પરહેજ શા માટે રાખવી જોઈએ?
એમ તો એવું  કહેવાય છે કે - ‘In a Marriage  life,  one person is always Right, and the  another is Husband.’  એને સ્વીકારી લઉં તો તું જીતી અને હું હાર્યો. હકીકત તો એ છે કે, પતિ –પત્ની બંને અલગ અલગ ગ્રહના પ્રાણીઓ છે,            (Men are from Mars, and Women are from Venus’)  એટલે બંનેની વિચારસરણીમાં તફાવત તો રહેવાનો જ. સમજવાની વાત માત્ર એટલી જ છે કે – ‘દામ્પત્ય જીવનમાં સુખી થવું હોય તો પત્નીએ પતિને સમજવો, અને પતિએ પત્નીને સમજવાનું અઘરું કામ જવા દઈને માત્ર પ્રેમ કરવો,’ તને તો ખબર જ છે કે હું તને ખુબ પ્રેમ કરું છું,  હવે તું મને સમજવાનો પ્રયત્ન કર. 
આટલી નાની અમથી વાતમાં નાહકની મારી સાથે આટલી બધી જીભાજોડી કરી, અને કેટલા બધા શબ્દો વેડફ્યા. એના કરતાં પહેલાથી જ મારી વાત સાંભળી લીધી હોત તો ? 
 જો, લગ્નજીવનમાં આવી થોડીઘણી ‘તુ તુ મૈ મૈ’ થી સંબંધોમાં મીઠાશ ટકી રહે છે. લેખક ચન્દ્રકાન્ત બક્ષી પણ કહી ગયા છે કે – ‘એક જ વિષય પર પચીસ વર્ષ સુધી ઝઘડી શકાય, અને સુધર્યા વિના સાથે જીવી શકાય એનું નામ સુખી લગ્નજીવન.’ આપણા લગ્નને તો પચીસની ઉપર પણ થોડા વર્ષ થઇ ગયા.   તમને નથી લાગતું કે આપણું લગ્નજીવન સુખી રહે, તે માટે તમારે બક્ષી જે કંઈ કહી ગયા હોય, તે કરતા હું શું કહેવા માંગુ છું તેના પર વધુ ધ્યાન આપવું જોઈએ ?
તારી વાત સો ટકા સાચી છે, હવે કહી દે કે તું શું કહેતી હતી ?
  હું એમ કહેતી હતી કે- આજે આપણી સોસાયટીમાં શાક વેચવા જે આવી હતી તે બાઈનું નામ ‘ખાતુન’ હતું. 
 હા, તો એમાં નવાઈ શી વાતની છે ? મુસ્લિમ બાનુ શાક વેચી ન શકે એવો સોસાયટીનો કોઈ નિયમ થોડો છે ?   પહેલાં મારી પૂરી વાત તો સાંભળી લો. નવાઈ એ વાતની  છે કે, એની સગી દીકરીનું નામ ‘રંજન’ છે. અને વધુ વાત કરતા ખબર પડી કે એના ઘરવાળાનું નામ ‘સંજય’ છે, અને દીકરાનું નામ ‘સલમાન’ છે. 
 ઓહો ! આ વાત નવાઈની ખરી. ક્યાંથી આવી હતી એ ? 
 સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી,ભાવનગર, જુનાગઢ બાજુ વસતા ‘નટડા’ (‘નટ’ નહીં) જ્ઞાતિની હતી. એમની બીજી અજીબો ગરીબ વાત જાણવા જેવી છે તે એ કે, એમના લગ્ન ‘હિંદુ’ પરંપરા પ્રમાણે થાય છે અને અગ્નિસંસ્કાર  મુસ્લિમની   ની માફક ‘દફનવિધિ’ થી થાય છે.
ખરેખર આ જોતાં તો,  ‘રસમ અહીની જુદી, નિયમ સાવ નોખા’ સાચુ લાગે છે. ભારત - પાકિસ્તાન આ રીવાજ અપનાવે તો હિદુ-મુસ્લિમના સદીઓ જુના ઝઘડા ચુટકી વગાડતામાં મટી જાય, ખરું કે નહીં ? 
 હા, પણ એ કદી બનવાનું નથી એટલે એ વાત જવા દો. મને એ કહો કે ‘વર મરો કન્યા મરો, પણ ગોરનું તરભાણું ભરો’ એ કહેવત તમે સાંભળી છે ? 
 સાંભળી છે શું, મેં તો એ અનુભવી પણ છે. કથા-પૂજા-લગ્ન-મરણ વખતે ગોરમહારાજ ફળ-ફૂલ-અનાજ-કઠોળ-સુકોમેવો-ઘી-ગોળ-લોટ વગેરે વસ્તુઓ લાવવા માટે લાંબુ  લચક લીસ્ટ પકડાવે, વિધિમાં વચ્ચે વચ્ચે પૈસા મૂકાવે  અને ઉપરથી કહે, ‘દક્ષિણા’ તમારે જે આપવી હોય તે આપજો. આપણને ‘મોહ માયા’ છોડવાનું કહે અને પોતે બધું સમેટીને ઘરે લઇ જાય.
બરાબર છે તમારી વાત, પણ  આ ‘નટડા’ જ્ઞાતિમાં માત્ર બાજોઠ પર એક દીવો મૂકીને વર-કન્યા ચાર ફેરા કરી લે, વરની ભાભી છેડાછેડીની વિધિ પતાવે એટલે ગોરમહારાજની મદદ વગર જ લગ્ન પૂર્ણ થાય.
  વાહ !’ ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી’. કાશ ! આપણા દેશમાં બધી જ જ્ઞાતિમાં આ રીત અપનાવાય તો ખોટો દેખાડો, ખોટા ખર્ચા બચી જાય અને દીકરીના બાપને દહેજની ચિંતા ન સતાવે. 
 આગળ તો સાંભળો, આ ‘નટડા‘ સમાજમાં મોટેભાગે છોકરો જ છોકરીના ઘરે રહે. એણે ત્યાં ન રહેવું હોય તો પણ  માબાપના ઘર થી જુદું એક છાપરું બાંધીને જુદો રહે. 
આપણા ‘મોડર્ન’ સમાજમાં પણ હવે આવું જ થવા માંડ્યું છે ને ?
  હા, પણ આ આર્થિક રીતે પછાત લોકો અને આપણા મોડર્ન સમાજના લોકોમાં એક ફરક છે, એ લોકોનાં સંતાનો જીવનભર માબાપ પ્રત્યેની પોતાની ફરજ અને જવાબદારી નિભાવે છે.
 આ તો આપણે એમની પાસે શીખવા જેવું છે. એવું થાય તો આપણા સમાજમાંથી ‘ઘરડાઘરો’ અને ‘વૃધ્ધાશ્રમ’ નાબુદ થઇ જાય.
એ લોકો ‘સમુહઈદ’ મનાવે છે, હોળીના રંગે પણ રંગાય છે, અને નવરાત્રીમાં ‘માતાજીનું છાપરું’ પણ કરે છે. સૌથી સારી વાત તો એ છે કે એમનામાં દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ નથી. દીકરો જન્મે ત્યારે ઢોલ વગડાવે અને દીકરી જન્મે ત્યારે પણ ઢોલ વગડાવે.
  સુપર્બ ! બધા આ વાત અપનાવે તો સરકારે ‘દીકરી બચાઓ’ કે ‘દીકરી પઢાઓ’ ની જાહેરાત જ ન કરવી પડે.’  
આ વિમુક્ત જાતિના ૪૦ જ્ઞાતિ સમૂહો (૮૦ થી ૮૨ પેટા સમૂહો) ગરીબ હોવા છતાં ખુમારીવાળા છે, ઓછું ભણેલા છતાં ‘કોઠાસૂઝ’ વાળા છે, આપણા કરતાં વધુ ખુલ્લાદિલના અને સંવેદનશીલ છે. ‘સલાટ’ જ્ઞાતિના લોકો ‘હળ’ ની સાક્ષીએ લગ્ન કરે છે. 
અને આપણે ‘અગ્નિ’ ની સાક્ષીએ. એટલે જ પછી આપણામાં પતિ-પત્ની વચ્ચે ‘તણખા’ ઝરે.
આપણામાં તો વહુ બીજા ગ્રહમાંથી આવી પડી હોય એમ આપણે એને ન છૂટકે અપનાવીએ છીએ.  જ્યારે ‘સલાટ’ લોકો વહુને ‘દીકરી’ નો દરજ્જો આપે છે. કોઈ કારણસર છૂટાછેડા ની નોબત આવે તો સાસરીયા પોતે જ વહુને બીજે માનભેર વળાવી એની ગાડી પાટે ચઢાવી આપે છે. સ્ત્રી યુવાન વયે વિધવા થાય તો પણ સાસરીયા જીવનભર એને સાચવે છે, એણે પિયર જવું હોય તો પિયરીયા પણ પ્રેમથી એને પોંખે છે.
  અનબિલીવેબલ! આપણે આ નિતી અપનાવીએ તો આપણી વહુ –દીકરીઓ ની હત્યા અને આત્મહત્યા બંધ થઇ જાય. મને લાગે છે કે એમના માં ‘અફેર’ એટલે કે ‘લગ્નેત્તર’ સંબંધ જેવું કશું નહીં હોય.
‘ગામ હોય ત્યાં ઉકરડો તો હોય જ ને ?’ આ દૂષણ છે ખરું પણ ઓછું છે.  ક્યારેક કોઈ પરિણીત સ્ત્રી કે પુરુષ પ્રેમમાં પડીને ભાગી જાય તો એમને પાછા લાવવામાં આવે છે, પુરુષને દંડ કરવામાં આવે છે, એ દંડની રકમ પરિણીતાના પતિને આપવામાં આવે છે. એ લોકોને માફ કરીને  પોતાના ઘરે મોકલવામાં આવે છે, જેથી ઘર ભાંગે નહીં અને બાળકો સચવાય જાય.
આટલો ‘ઉદારવાદી’ સમાજ ભારતમાં છે, એ જાણીને નવાઈ તો લાગે જ છે, સાથે સાથે આનંદ પણ થાય છે.
 હા, આપણો શિક્ષિત સમાજ લગ્નનો બધો ખર્ચ અને દહેજ દીકરીના બાપ પાસે વસુલે છે, ત્યારે ‘સલાટ’ સમાજ માં લગ્નનો ખર્ચ બંને પક્ષ ‘અડધો-અડધો’ ભોગવે છે. જ્યારે ‘વાદી’ સમાજમાં કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે બીજા લોકો પોતાની  બે કે ત્રણ દિવસની કમાણી એને આપીને આર્થિક મદદ કરે છે.
 બીજી કઈ અનોખી રીતો છે, આ ‘ભણેલા નહિ પણ ગણેલા’ સમાજની ?
 લગ્ન કરવા આવેલા છોકરાએ જમીનથી દોઢ ફૂટ ઊંચા બાંધેલા સૂતરના દોરાને કૂદીને બીજી બાજુ આવવાનું, દોરાને  અડી જવાય તો પંચને દંડ ચૂકવવાનો, છોકરાના પરિવારે પોતાનું છાપરું છોકરીના પરિવારના છાપરાની બાજુમાં બાંધવાનું, છોકરાએ ત્રણ વર્ષ ‘ઘરજમાઈ’ તરીકે રહેવાનું, બારસાખ પાસે સાત વખત ‘ઉઠબેસ’ કરવાની. બોલો, તમે લોકો આવું કરી શકો અમારા માટે?
એને તો સાત ઉઠબેસથી જ કામ પતી જાય, જ્યારે અમે તો તમને રીઝવવા આનાથી ય વધુ ‘વાના’ કરીએ છીએ.  જાવ જાવ, જુઠ્ઠું નહીં બોલો તમે.’   ‘હું જરા પણ જુઠ્ઠું નથી બોલતો, સાવ સાચું કહું છું. અમે પતિઓ, અમારું ઘર છોડીને સાસરે રહેવા નથી જતા એટલું જ, બાકી તો અમે પતિઓ, તમો પત્નીના ઇશારે નાચીએ છીએ, ‘તું જો બોલે હાં તો હાં, તું જો બોલે ના તો ના.’  અને ‘જો તુમ કો હો પસંદ વહી બાત કહેંગે, તુમ દિન ઓ અગર રાત કહો રાત કહેંગે.’ એ બધા મોડર્ન ગીતો કંઈ અમસ્તા તો નહીં જ બન્યા હોય ને?’  
‘તમે વાતને ક્યાંથી ક્યાં લઇ જાવ છો, તમારી સાથે તો વાત કરવી જ નકામી છે.’ 
‘હું પણ તને ક્યારનો એ જ તો કહી રહ્યો હતો, કે - તમારી ‘વાણી’ તમારા ‘મૌન’ થી કિમતી હોય તો જ બોલવું.’
‘ઠીક છે, હવે હું ચુપ રહીશ, બસ? જાઉં છું રસોડામાં.’
‘ભલે, પણ જતા જતા સાંભળતી જા, તારી સાથે વાત કરવાની   મને બહુ મજા આવે છે, થાય છે - ‘તને સાંભળ્યા જ કરું.’ એમાં પણ આજે તેં જે વાત કરી તે ખરેખર મહત્વપૂર્ણ અને રસમય હતી.’  આજના મોડર્ન યુગમાં, આપણા શિક્ષિત સમાજમાં, આજે પણ દહેજના કારણે નાવોઢાઓ ની હત્યા અને આત્મહત્યાના સમાચાર રોજેરોજ ન્યૂઝપેપરમાં છપાય છે. અહીં હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટના એક લેખમાં લખેલ વાત યાદ આવે છે. ‘દીકરીના લગ્નની આગલી રાત્રે સૂતા પહેલાં ચિંતિત માતાએ પતિને એટલે કે દીકરીના પિતાને પૂછ્યું: ‘માલુને આપવાની ચીજવસ્તુઓના લીસ્ટ પ્રમાણે બધી ચીજો બરાબર મૂકી છે કે નહિ તે ચેક કરી લીધું છે ને ? નાહક સાસરીયાઓને કંઈ ઓછું પડે તો આપણી માલુને જ  સાંભળવાનું થાય.’  ‘તું ફિકર ન કર, રૂપિયા - પૈસા – ઘરેણા – ઘરવખરી  એ તમામ ચીજો બરાબર મૂકી છે, સાથે સાથે કેરોસીનનો એક ડબ્બો પણ મૂકી દીધો છે.’
ઉપર મુજબની જોક ‘બ્લેક હ્યુમર’ તરીકે ઓળખાય છે, ગુજરાતી હાસ્ય સાહિત્યમાં એનો પ્રયોગ જરા ઓછો થાય છે, પણ એ હોય છે બહુ જ ધારદાર, હૈયું વીંધી નાખે એવી. આજે સવારે પાપડ શેકતા જરાસી ગેસની ઝાળ શું લાગી, કે મોંમાંથી ઉંહકારો નીકળી ગયો, પતિ મજાકમાં બોલ્યા, ‘જરા સાચવીને કામ કર, ક્યાંક દાઝી ગઈ તો તારા ઘરવાળા કહેશે, મેં જ તને જલાવવાનો પ્રયત્ન કર્યો.’ મને એમની વાત સાંભળીને હસવું આવું ગયું, પણ સાથે સાથે ‘દહેજના ખપ્પરમાં આખેઆખી બળી મરતી વહુ-દીકરીઓની અગન કેવી હશે’ તે વિચારતા ધ્રુજારી આવી ગઈ.
ક્યાંક વાંચેલી એવી જ બીજી ‘દીકરા-દીકરી ના ભેદ’ની એક ચોટદાર વાત યાદ આવે છે: ‘પત્નીના કહેવાથી ‘મા’ ને ઘરડાઘરમાં મૂકવા આવેલો દીકરો, માને મૂકીને  ભારે હૈયે અને ભીની આંખે પાછો ફરી રહ્યો હતો, ત્યારે માએ એને કહ્યું, ‘દીકરા, તું તારે હૈયામાં કોઈ અફસોસ(ગીલ્ટ) ના રાખતો, તારો જન્મ થયો તે પહેલાં, બે દીકરીને મારી કોખમાં જ મેં મારી નાખી હતી, ‘પાપ’ તો લાગવાનું જ હતું, સાચે જ ‘કર્મના ફળ’ કોઈને છોડતા નથી.’
આપણી સરકાર ઢોલ વગાડી વગાડીને કહે છે:
 *‘દીકરી બચાઓ’- ‘દીકરી પઢાઓ’,  *દહેજના દૂષણને નાબુદ કરો., *કોમી એકતા જાળવો. (હિંદુ-મુસ્લીમ- શીખ- ઈસાઈ, દેખ સભી હૈ ભાઈ ભાઈ), *વસ્તુ વ્યય અટકાવો. (પાણી બચાઓ, વીજળી બચાઓ) -સાદાઈથી જીવો, *વડીલોને માન આપો, મા બાપને સાચવો.
આ બધા જ નિયમો, રસમ અહીંની જુદી, નિયમ છે નોખા’ માં માનતા  ‘વિમુક્ત’ જ્ઞાતિના ઓછું ભણેલા અને અણસમજુ ગણાતા લોકો પાળે છે, જેમ કે આ નિયમો એમના માટે જ ન બન્યા હોય ?  પણ આપણે તો ‘મુક્ત’ સમાજના શિક્ષિત અને સમજુ ગણાતા માણસો !  આપણી તો - રસમ પણ જુદી અને નિયમો પણ નોખા.

Wednesday, 17 October 2018

તમે કોઈ દિવસ મોડા પડ્યા છો?


તમે કોઈ દિવસ મોડા પડ્યા છો?   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

એક હોટલની રૂમમાં ડોરબેલ વાગી, આધેડ વ્યક્તિએ દરવાજો ખોલ્યો, સામે સુંદર યુવાન છોકરીને જોઈ.
  સોરી, મને લાગે છે કે હું ખોટા રૂમમાં આવી ગઈ છું.  છોકરી સહેજ ખચકાટ સાથે બોલી.
 તું સાચા જ રૂમમાં આવી છે, ફક્ત વીસ વર્ષ મોડી પડી છે. આધેડે હસીને કહ્યું. 
 
 મોડા પડવાની પણ એક કળા છે, જે સૌ કોઈને આત્મસાત નથી હોતી. સૌ કોઈની વાત છોડો, અમને પોતાને જ એ આત્મસાત નથી.  એકવાર નાનકડું ‘ગેટટુગેધર’ હતું,  અમારે એક ફ્રેન્ડ ઘરે ૪.૩૦ વાગ્યે પહોંચવાનું હતું. બીજા બે કપલ પણ આવવાના હતા, એ દિવસે અમારી મેરેજ એનીવર્સરી હતી એટલે અમે નક્કી કર્યું કે ‘આપણે બધાને માટે આજે આઈસક્રીમ લઈને જઈશું’ ટ્રાફિકને ધ્યાનમાં રાખીને, કાર ડ્રાઈવની વીસ મિનિટ, અને આઈસક્રીમ લેવાની દસ મિનિટ, એમ ગણતરી કરીને અમે અર્ધો  કલાક વહેલા એટલે કે ૪ વાગ્યે ઘરેથી નીકળ્યા.

અમદાવાદનો ઉનાળો એટલે ધોમધખતા તાપ હતો, રસ્તો સુમસામ હતો, આઈસ્ક્રીમ વાળાને ત્યાં પણ અમે એકમાત્ર ગ્રાહક હતા, એટલે અમે ૪.૨૦ વાગ્યે જ યજમાનના ઘરે પહોંચી ગયા. આમ તો આપેલા સમય પ્રમાણે જ પહોંચવા માટે અમે ૧૦ મિનિટ એમના ઘરની બહાર પ્રતીક્ષા કરી લેત, વહેલા પહોંચી જવાના કારણે ઘણીવાર એ રીતે અમે કર્યું છે, પણ આજે તો આઈસ્ક્રીમ પીગળી જાય એમ હતું, એટલે ન છૂટકે અને ઘણા અફસોસ સાથે અમે ડોરબેલ વગાડી, યજમાન આંખો ચોળતા ચોળતા બહાર આવ્યા, અમારે એમને  બપોરની મીઠી નિદ્રામાંથી ઉઠાડવા પડ્યા એટલે અમે છોભીલા પડ્યા. એ વાત જુદી છે કે અમારા ઘરે મહેમાન આવવાના હોય ત્યારે અમે પોતે અર્ધોકલાક પહેલાં અમારી બધી રોજીંદી ક્રિયાઓ સ્થગિત કરીને, તૈયાર થઈને એમના આગમનની પ્રતીક્ષા કરતા ખાલી બેઠા હોઈએ છીએ. પણ એ તો ‘જેવો જેનો સ્વભાવ.’

અમે ઘણીવાર ‘મોડા પડવાની’  એટલે કે વહેલા ન પહોંચી જઈએ એ માટેની) પ્રેકટીસ કરી  છે, કોઈના ઘરે જવાનું હોય ત્યારે ઉચાટમા આદત મુજબ જલ્દી તૈયાર તો થઇ જ ગયા હોઈએ, પણ પછી ‘અત્યારે નીકળીશું તો બહુ વહેલા પહોચી જઈશું’ એ વિચારે ટીવીમા કે મોબાઈલમા મોં ખોસીને બેસીએ, પણ એમા  ચિત્ત ચોંટે નહીં, એટલે છેવટે થોડી જ વારમાં,  ‘ચાલો હવે નીકળીશું તો સમયસર પહોંચીશું, નહીતર મોડું થઇ જશે’ એમ વિચારીને અમે  ઘરની બહાર નીકળી  જઈએ અને પછી તો શું થયું હશે તે તમે સમજી જ ગયા હશો. ભૂલેચૂકે અમે કોઈવાર આપેલા સમય કરતા ૫ મિનીટ મોડા પહોચીએ તો અમને ઓળખનારા મિત્રો મજાકમાં પૂછે છે, ‘આજે આટલા મોડા કેમ ?’

મારી એક ફ્રેન્ડ મીતા એની એક ફ્રેન્ડ અમિતાની દીકરીના લગ્નમાં બહારગામથી ટ્રેનમાં આવી, એણે વિચાર્યું હતું કે- ‘ટ્રેનમાં કપડાં ખરાબ થઇ જશે, એટલે મેરેજ હોલ પર પહોંચીને કપડાં બદલી લઈશ. અમિતા એની ભાભી, અને કાકી સાથે બ્યુટીપાર્લરમાં તૈયાર થવા ગઈ હતી, પણ દુલ્હનને તૈયાર કરવા બ્યુટીશિયન હોલ પર આવવાની હતી. ‘લો, આ બ્યુટીપાર્લર વાળા બહેન તો બીફોર ટાઈમ આવી પણ ગયા.’  દુલ્હનની ફ્રેન્ડ એવી એક યુવતીએ મારી ફ્રેન્ડ મીતાને જોઇને કહ્યું, ત્યારે મીતા ક્ષોભમાં મુકાઈ ગઈ, એણે ખંચકાતા ખંચકાતા સ્પષ્ટતા કરી. પછી અમિતા જ્યારે  બ્યુટીપાર્લરમાંથી તૈયાર થઈને આવી, અને પરિસ્થિતિ જાણી ત્યારે એ પોતે  ક્ષોભમાં મુકાઈ ગઈ અને એણે મીતાની માફી માંગી. અમે પણ કેટલાય મેરેજ ફંકશનમાં  દુલ્હા-દુલ્હન આવે તે પહેલાં પહોચી ગયા છીએ. અરે એકાદ બે ફંક્શનમાં તો અમે યજમાન કરતા પણ વહેલા પહોંચ્યા છીએ. હવે તો અમે નક્કી જ કર્યું છે કે ફંકશનમાં શરુ થવાનો જે સમય આપ્યો હોય, તેના કરતા કલાક મોડું પહોંચવું, અને એમાં સફળ થવા માટે અમે જોરદાર રીહર્સલ  પણ  શરુ કરી દીધા છે.
અમારા મોડા પડવાને કારણે અમે  ટ્રેન ચુકી ગયા હોય એવું એક પણ વાર બન્યું નથી, તે છતાં  ટ્રેન પકડવાની હોય ત્યારે – ‘ટ્રાફિક નડશે તો ટ્રેન છૂટી જશે’ એમ વિચારીને  અમે ઘણા જ વહેલા, લગભગ ટ્રેનના આવવાના સમયના કલાક પહેલા રેલ્વે સ્ટેશન પર પહોંચી જઈએ છીએ. પછી રાહ જોઇને કંટાળીને અમે નક્કી કરીએ છીએ કે –‘હવે બીજીવાર આટલા જલ્દી નહીં નીકળશું’ પણ એ બીજીવાર ક્યારેય આવતી નથી.  ટ્રેન ભાગ્યેજ એના નિર્ધારિત સમયે આવે છે, મોટેભાગે તો એ સમય કરતા ઘણીવાર ઘણી મોડી આવે છે. પણ એ કેટલી મોડી આવશે આપણને કેવી રીતે ખબર પડે ? ધારો કે આપણે મોડા નીકળીએ અને એ જ દિવસે એ સમયસર આવી ગઈ તો ?

 એકવાર એક લાંબા અંતરની ટ્રેનને એકદમ સમયસર આવેલી જોઇને અમે આશ્ચર્ય પામીને રેલ્વે ઓફિસરને પૂછ્યું, ‘આ ટ્રેન કોઈ દિવસ એના નિયત  સમયે આવતી નથી, પણ આજે તો એ ‘ડોટ ટુ ડોટ’ ટાઈમસર છે, આજે આ ચમત્કાર કઈ રીતે થયો ? ઓફિસરે  કહ્યું, ‘નવાઈ ન લગાડશો, એમાં કોઈ ચમત્કાર નથી થયો, આ ટ્રેન ૨૪ કલાક મોડી પડી છે, એણે ગઈકાલે આ સમયે આવી જવું જોઈતું હતું,  એના બદલે આજે આ સમયે આવી છે.’ એવું કહેવાય છે કે ‘મોડી પડતી ઘડિયાળ પણ ૨૪ કલાકમાં બે વાર સાચો સમય બતાવે છે,’ પણ મોડા પડતા માણસો શું બતાવે છે તેની હજી સુધી મને ખબર નથી પડી, તમને ખબર હોય તો જણાવવા કૃપા કરશો.

‘નીલ બટા સન્નાટા’ ફિલ્મમા એક ઉધમી માતાની આળસુ છોકરી એની માને કહે છે, ‘તેં મારું નામ અપેક્ષાને બદલે ઝીનત રાખ્યું હોત તો માસ્તરસાહેબ હાજરી પૂરે તે વખતે મારું નામ પહેલાને બદલે છેલ્લા આવતે, અને મારે દોડીને વહેલા સ્કુલમાં જવું ન પડત, હું શાંતિથી મોડી ઊઠીને, મોડી  તૈયાર થઈને, મોડી  ક્લાસમાં જઈ શકત.’ (અમારી સ્કુલમાં નામના બદલે અટકથી હાજરી પુરાતી.) આ ફિલ્મમાં મા કામવાળી બાઈ છે, દસમીની પરીક્ષામાં  ફેલ થયેલી છે, છતાં દીકરી ખુબ ભણીને કલેકટર બને એવી અપેક્ષા દીકરી અપેક્ષા પાસે રાખે છે. (મૂવી જોવાલાયક છે), પણ દીકરી અપેક્ષાને પોતાની જાત પાસે ‘કામવાળી બાઈ’ બનવા સિવાયની કોઈ અપેક્ષા નથી.

ફ્રાન્સની એક જેલમાં નવાઈ પમાડે એવો રુલ હતો. જેલના કેદીઓ સવારે બાજુના ગામમાં કામ કરવા જઈ  શકતા અને સાંજે પાછા ફરતા. એ પ્રમાણે એક સાંજે બધા કેદીઓ આવી ગયા પણ એક કેદી ન આવ્યો. એ કેદી છેક મધરાતે પાછો આવ્યો. જેલરે જેલનો દરવાજો ખોલીને એને અંદર લેતા કરડાકીથી કહ્યું, ‘રોજ સમયસર પાછા આવી જવાનું, કાલે જો મોડું કરશે તો હું જેલનો દરવાજો તારા માટે નહીં ખોલું, સમજ્યો ?’ રુલ એટલે રુલ વળી, બધાએ ફોલો કરવો જ પડે.  હમણા થોડા સમય પર જ એક કિસ્સો વાંચ્યો. એરપોર્ટથી એરક્રાફ્ટ સુધી લઇ જનારી બસમાં એક થાકેલો પ્રવાસી  ઊંઘી ગયો. એ જાગ્યો ત્યારે એણે ખબર પડી કે પ્લેન ૬ કલાક પહેલાં જ ઉપાડી ચુક્યું હતું.  આમ એ ત્યાં હાજર હોવા છતાં ફક્ત ૬ કલાક જ મોડો પડ્યો હતો.

હિન્દી ફિલ્મના પ્રખ્યાત એક્ટર રાજેશ ખન્નાને સેટ પર કાયમ મોડા પડવાની ટેવ હતી. બધા જ નિર્માતા-નિર્દેશકો  એની આ ટેવથી અકળાતા, પણ આ સુપરસ્ટારને કંઈ કહેવાની  કોઈ  હિંમત કરતુ નહિ. એક વખત એક ડાયરેક્ટરે (નામ યાદ નથી) મસ્ત રીત અપનાવી. રાજેશખન્ના મોડો મોડો સેટ પર આવે એટલે  નિર્દેશક મોટે મોટેથી સ્પોટબોયને ખુબ ખરાબ રીતે ધમકાવવા માંડે. આવું બે ચાર વાર બન્યા પછી રાજેશખન્ના સમજી ગયો, અને એણે મોડા આવવાની સાહ્યબી છોડી. ‘પણ રામના બાણ વાગ્યા હોય એ જ જાણે’  અને  ‘માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને’ આ બે પંક્તિને ધ્યાનથી જોઈએ તો ‘મોડા પડવાની’ મજા તો જેણે માણી હોય તેને જ એની કિંમત છે, બાકી બધા તો ભલેને ‘સમયપાલન’ નું ગાણું ગાઈ ગાઈને મોડા પડનારાને વગોવ્યા કરે. અમે તો આ - મોડા પડવાની -  બાબતે ‘ઢ’ છીએ, પણ વાચકમિત્રો, મોડા પડવાને કારણે તમારી કોઈ ફ્લાઈટ, કે તમારી કોઈ ટ્રેન કે બસ છૂટી છે ખરી ? તમે  કોઈ દિવસ મોડા પડ્યા છો ખરા ? 
 

Wednesday, 10 October 2018

સમજાય તેને સલામ.


સમજાય તેને સલામ.      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

પલ્લવીબેન, જરા આ વાર્તાઓ વાંચોને
વાંચવાના શોખીન એવા મારા પડોશી નીલાબેન એક બપોરે  મારા ઘરે આવ્યા અને એમનો મોબાઈલ મારી સામે ધર્યો. મારે એક સમાચાર પત્રની સાપ્તાહિક પૂર્તિ માટે લેખ આપવાનો હતો, ‘લેખ કયા વિષય પર લખું ?’ એવા વિચારમાં હું મગ્ન હતી ત્યારે નીલાબેને આવીને મારી વિચારધારા તોડી.
અરે વાહ નીલાબેન ! તમે લેખિકા ક્યારથી બન્યા? ખુબ ખુબ અભિનંદન! પણ તમને ઉતાવળ ન હોય તો  હું એક લેખ લખી લઉં પછી તમારી વાર્તા વાંચું તો ચાલે ?  મેં એમને રીક્વેસ્ટ કરી.( એમને મેં  મારા ઘણા લેખો વંચાવ્યા હતા એટલે મારાથી એમની વાર્તા વાંચવાની ના પડાય એમ નહોતું.)
પલ્લવીબેન, પહેલી વાત તો એ કે આ મારી વાર્તા નથી.  
અચ્છા ?  મને એમની આ વાતથી આનંદ તો નહીં પણ રાહતની લાગણી થઇ.   અને બીજી વાત ? મેં મારી લાગણી છુપાવીને પૂછ્યું. 
 બીજી વાત તો એ કે – એક પ્રશ્ન છે, ‘તમે સમજદાર છો ?’ 
 હા, મને  એવું લાગે છે  તો ખરું.   
 બરાબર, મને પણ એવું જ લાગે છે કે તમે સમજદાર છો, અને એટલે જ આ વાર્તાઓ તમને વંચાવવા લાવી છું.
 વાર્તાઓ ? કેટલી વાર્તાઓ છે ? મારે આજે તંત્રીને લેખ મોકલવાનો છે, એટલે મારી પાસે વાંચવાનો સમય ઓછો છે. મેં મારી લાચારી રજુ કરી.
વાર્તાઓ તો લગભગ ડઝનેક છે, પણ સાવ નાની નાની – પેલી શું કહે છે, માઈક્રો...  સમથીંગ...  
માઈક્રો ફિક્શન?
 હા, હા, એ જ. માઈક્રો ફિક્શન. માઈક્રો ફિક્શન એટલે શું પલ્લવીબેન ?   
 નીલાબેન, માઈક્રો ફિક્શન એ વાર્તાનો એક નવો અને લેટેસ્ટ પ્રકાર છે. સહેલી રીતે સમજાવું તો –કોઈ દળદાર ‘નવલકથા’ ડાયેટિંગ કરે તો ‘નવલિકા’ બને, નવલિકા થોડું ડાયેટિંગ કરે તો ‘વાર્તા’ બને, વાર્તા ડાયેટિંગ કરે તો ‘લઘુકથા’ બને, અને લઘુકથા ડાયેટિંગ કરે તો ‘માઈક્રો ફિક્શન’ બને.
અચ્છા,  છાપામાં આવતી પેલી ટચુકડી જાહેરખબર ટાઈપ કે ? 
 બરાબર એવું જ. In Short,  Slim and Trim’  વાર્તાને ‘માઈક્રો ફિક્શન’ કહેવાય.
‘ટુનટુન’ ને ‘નવલકથા’ કહેવાય અને ‘કેટરીના’ ને ‘માઈક્રો ફિક્શન’ કહેવાય, બરાબર ? 
 ‘There you are!  નીલાબેન, તમે તો બહુ સ્માર્ટ છો. 
 છતાં લેખક આ બાર વાર્તાઓમાં શું કહેવા માંગે છે તે મને નથી સમજાતું, એટલે તમારી પાસે સમજવા આવી છું.
અચ્છા ! બતાવો.’  નીલાબેન વાર્તાઓ વંચાવ્યા વિના મારો પીછો છોડશે નહિ, એમ લાગતા મેં વાર્તાઓ વાંચવાની તૈયારી બતાવી.  એમણે એમના મોબાઈલમાથી મને વાર્તાઓ બતાવી. વાર્તાઓના મથાળે લખ્યું હતું:  ‘માઈક્રો ફિક્શન વાર્તાઓ’   અને પછી બીજા વાક્યમાં લખ્યું હતું :  ‘સમજાય તેને સલામ.’  મને આ વાંચીને નવાઈ લાગી, મેં વાર્તાઓ વાંચી. નીલાબેન ઉત્સુકતાથી મારા ચહેરા સામું જોઈ રહ્યા હતા. અડધો ડઝન વાર્તાઓ વાંચીને મને લાગ્યું કે ‘આમાં વાર્તા જેવું શું છે ?’ ત્યાં જ અચાનક મને વિચાર આવ્યો: ‘કદાચ મારી વાર્તાઓ વાંચીને કેટલાક વાચકોને પણ આવું જ લાગતું  હશે ?’ (વાચકોના અભિપ્રાય મળે તો ખબર પડે)  
માઈક્રો ફિક્શન વાર્તાના લેખકે વાર્તાઓની નીચે લખ્યું હતું, ‘આશા છે કે તમને મારી વાર્તાઓ ગમશે.’ દરેક લેખકો આવા જ આશાવાદી હોય છે. પણ દરેક વાચકમાં એક વિવેચક પણ રહેલો છે. વાચક વાંચીને મજા માણે છે અને વિવેચક આલોચના કરીને એની મજા લે છે. બંને પોતપોતાની જગ્યાએ બરાબર છે.
પલ્લવીબેન, સમજાવો.  નીલાબેને ફરી મને વિચાર વમળમાંથી બહાર કાઢી.
 શું સમજાવું ?  મારાથી બોલાઈ ગયું.
લેખક આ વાર્તાઓમાં શું કહેવા માંગે છે ?
 એ સમજવાનું તો મારે પણ હજી બાકી જ છે, નીલાબેન. એમણે લખ્યું છે કે ‘સમજાય એને સલામ’ પણ ન સમજાય એને શું તે સ્પષ્ટ નથી કર્યું.
‘ન સમજાય એને થપ્પડ’ એવું હોઈ શકે ? નીલાબેને રમૂજ કરી અને હસ્યા.
મને એમની ‘સેન્સ ઓફ હ્યુમર’ ગમી.  કઈ કહેવાય નહીં, એવું પણ હોઈ શકે, અથવા ‘ન સમજાય એને ડબલ સલામ’ એવું પણ હોઈ શકે. મેં પણ હસીને કહ્યું.
પલ્લવીબેન, લેખકની સલામ મળે કે ન મળે, ઇટ્સ ઓકે. પણ  લેખકે છેલ્લે લખ્યું છે કે, ‘આશા છે કે તમને મારી વાર્તાઓ ગમશે.’ પણ એ તો એમની વાર્તાઓ સમજાય પછી નક્કી કરાય ને ? હું એટલે જ તમારી પાસે આવી.
મારી પાસે આવ્યા એ સારું કર્યું, નીલાબેન. એ એક વિકલ્પ હતો. મને પણ આ વાર્તાઓ સમજાઈ નથી ત્યારે હવે આમાં તમારી પાસે બીજા બે  વિકલ્પ છે, એક તો તમે વાર્તાઓ ફરી ફરી વાંચો, સમજાય તો ઠીક નહીતર મોબાઈલમાથી એને ડીલીટ કરો અને ભૂલી જાઓ. બીજા વિકલ્પમાં તમે ડાયરેક્ટ લેખકને પૂછો, ‘તમે આમાં શું કહેવા માંગો છો તે સ્પષ્ટ કરો.’ એ જવાબ આપે તો ‘વેલ એન્ડ ગુડ’ નહીતર  તમે એને ભૂલી જાઓ.
 પલ્લવીબેન, લેખક એમને બહુ બુદ્ધિશાળી અને વાચકને બુદ્ધુ સમજતા લાગે છે એટલે જ લખ્યું છે કે ‘જેને સમજાય એને સલામ’  નીલાબેન થોડી નારાજગી અને નિરાશાથી બોલ્યા.
નીલાબેન, પહેલાના જમાનામાં એટલે કે ઘણા વર્ષો પહેલાં બોલતી વેળા જીભની ગાંઠ વળી જાય, અને વાંચતી વેળા વાચક ગૂંચવાઈ જાય, મનોમન મૂંઝાઈ જાય,  એવી ભારેખમ ભાષા લખાણમાં ઉપયોગમાં લેવાતી. પણ હવે જમાનો બદલાયો છે, હવે લેખકો એમનું લખાણ શક્ય હોય એટલી સરળ અને વાચકને સમજાય એવી ભાષામાં લખતા થયા છે.  હા, ‘રહસ્યકથા’ હોય તો જુદી વાત છે. એમાં વાચકને છેલ્લે સુધી એટલે કે લેખક જણાવે નહીં, ત્યાં સુધી રહસ્યની ખબર ન પડવી જોઈએ, જો કે કોઈવાર લેખક જણાવે તે પહેલા જ રહસ્યકથા નું રહસ્ય વાચકને ખબર પડી જાય છે.
અથવા કેટલીક વાર લેખક જણાવે તોપણ વાચકને રહસ્યની ખબર પડતી નથી, બરાબર આ માઈક્રો ફિક્શન વાર્તાઓની જેમ જ, ખરું ને પલ્લવીબેન ?
 વાહ વાહ ! માઈક્રો ફિક્શન વાર્તાઓ સમજાય કે ન સમજાય, પણ આ વાત બરાબર સમજાઈ ગઈ એ બદલ તમને મારા સલામ, નીલાબેન.