Wednesday, 14 November 2018

રડવું જરૂરી છે.


રડવું જરૂરી છે.     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

એક કવિએ એક મજાની પંક્તિ લખી છે...
‘ખોબો ભરીને અમે એટલું હસ્યા, કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા.’
કવિએ અહીં તેઓ કેટલું હસ્યા કે કેટલું રડ્યા, તે આંસુઓનું માપ લીટર કે ગેલનમાં નહીં, પણ ‘ખોબો’ અને ‘કૂવો’ જેવા મજાના અને અસરકારક શબ્દ પ્રયોગ કરીને (સરસ ઉદાહરણ આપીને) આપણને  સમજાવ્યું  છે. નવાસવા લેખકોએ આના પરથી સમજવાનું કે ‘અસરકારક લેખ લખવા માટે અસરકારક શબ્દપ્રયોગ કરતાં શીખી લેવું જોઈએ.’ કવિ અહીં શા કારણે હસ્યા કે શા કારણે રડ્યા, તે આપણને નથી જણાવ્યું. પણ કોઈ કહેનારે કહ્યું છે ને કે, ‘આપ કો આમ ખાને સે મતલબ હૈ કી ગુટલી ગિનને સે ?’ ગુજરાતીમાં  કહીએ તો - ‘તમારે રોટલાથી કામ છે કે ટપટપ થી ?’
એટલે કારણ જાણવાની પળોજણમા પડ્યા વગર, આપણે ઉપરની પંક્તિ વિષે વિચારીએ તો કવિનું હસવા કરતા રડવાનું પ્રમાણ અનેકગણું વધારે છે, એ જ બતાવે છે કે ‘હસવા કરતા રડવાનું મહત્વ અનેકગણું વધારે છે.’ જરૂરિયાતથી વધારે રડ રડ કરતી વ્યક્તિ માટે કહેવાય છે ને કે – ‘એની તો વાત જ ન કરશો, કંઈ પણ કહીએ તો રડી પડે છે, જાણે કે કપાળે કૂવો જ ભર્યો છે.’ કવિએ આ વાત સાંભળી હશે એટલે જ એમણે એમની પંક્તિમાં ‘કૂવો ભરીને અમે રોઈ પડ્યા’ એમ કહ્યું લાગે છે. વળી  ધ્યાનથી પંક્તિ વાંચતા -   (‘ખોબો ભરીને અમે એટલું હસ્યા, કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા.’)  એમાંના ‘કે’ શબ્દના ઉપયોગથી, આપણને ખ્યાલ આવે છે કે કવિ  ‘થોડું’ એટલે કે ખોબો ભરીને હસ્યા એના કારણે જ કવિ ‘ઘણું’  એટલે કે કૂવો ભરીને રડ્યા. એ જે પણ કંઈ  હોય તે, અહીં મને રડવાનું મહત્વ ઘણું વધારે લાગી રહ્યું છે.
મિત્રો, તમે કહેશો કે, ‘આ શું , એક હાસ્યલેખિકા થઈને તમે હસવાને બદલે રડવાની વાત કરો છો ? તો સાંભળો, એટલે કે વાંચો. હું પણ એમ જ માનતી હતી કે, હાસ્યલેખકોએ તો -  ‘રોના કભી નહિ રોના, ચાહે તૂટ જાયે કોઈ ખીલોના.’ એ વાત આત્મસાત કરી લેવી જોઈએ, અને રડવાનું ત્યાગીને સદાય હસતા રહેવું જોઈએ. પણ એકવાર એવું થયું કે -  મેં  પ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી શાહબુદ્ધિન રાઠોડ પાસે એમના ઓટોગ્રાફ માંગ્યા, ત્યારે ઓટોગ્રાફ આપતા એમણે લખ્યું, ‘Do you want to be humorist ? where are your tears ?’  મતલબ કે - ‘તારે  હાસ્યલેખિકા બનવું છે ? તો  તારા આંસુઓ ક્યાં છે ?’  બસ, આ વાંચ્યું ત્યારથી જીવનમાં અને સર્જનમાં રુદનનું કેટલું મહત્વ છે તે મને સમજાયું.  
એક ગીતકારે સાવ સાચું જ લખ્યું છે, ‘રોતે રોતે હંસના શીખો, હંસતે હંસતે રોના...”
પત્ની : હવે તમે મને પહેલાના જેવો પ્રેમ નથી કરતા.
પતિ : એવું તને કેમ લાગે છે ?
પત્ની : પહેલા તો તમે મને રડતી જોઇને તરત કારણ પૂછતાં, પણ હવે એવું નથી.
પત્ની : ડાર્લિંગ, એ સાચું છે કે  હવે તને હું રડવાનું કારણ નથી પૂછતો, એટલા માટે કે એ કારણ દૂર કરવાનું મને હવે પોસાતું નથી, બાકી પ્રેમ તો હું તને પહેલાના જેવો જ કરું છું, તારા સમ.
પત્નીઓને અહી એક રીક્વેસ્ટ છે, કે તમે થોડું ઘણું રડજો ખરા પણ - ‘મેં જિંદગીમે હરદમ રોતા (રોતી) હી રહા(રહી)  હું’ વાળી ફોર્મ્યુલા અપનાવીને પતિને કફોડી સ્થિતિમાં મૂકશો નહીં. કેમ કે લગ્ન પહેલા -  ‘તુ ના મિલી તો હમ જોગી બન જાયેંગે..’ એવું ગાતો પતિ, લગ્ન પછી તમારી વિવિધ માંગણી માટેના ‘રૂદાલી’ જેવા રૂપથી કે વર્તનથી ‘ભાવનગર ભાગી જઈશ અને રખડીશ હું રાજકોટ, પણ તારી સાથે નહિ રહું, તું તો મંગાવીશ મુજને લોટ રે..’  એવું કહેતો થઇ જાય, તે આપણી મહિલા જાતિ માટે સારી વાત ન ગણાય.
જો કે આ રડવાનો આઈડીયા એટલો તો મજાનો છે કે, ગુજરાત રાજ્યના, સુરત શહેરમાં  ભારતની પ્રથમ ‘ક્રાઈંગ ક્લબ’ ખુલી, જ્યાં લોકો રડીને હળવા થવા આવે છે. ‘જન્મ પછી નવજાત બાળક રડે તો એ તંદુરસ્તીની નિશાની ગણાય  છે’  એવું ડોક્ટર કહે છે, આ વિચાર પરથી આ ક્લબનો જન્મ થયો છે. લાફ્ટર થેરાપીસ્ટ શ્રી કમલેશ ભાઈ મસાલાવાલા આ ‘Healthy Crying Club’ નામની કલબના સંસ્થાપક છે. જાણીતા સાઈકોલોજીસ્ટ ડોક્ટર મુકુલ ચોકસી પણ આ ક્લબના કી પર્સન છે.
આપણે ઘણીવાર રડવા માંગતા હોઈએ છીએ, પણ રડી નથી શકતા, એમાં પણ પુરુષો તો ખાસ. એટલે આ ક્લબમા તમે તમારી લાગણી છુપાવ્યા વગર ખુલ્લા દિલે  રડી શકો છો, કેમ કે અહીં તમને, -  ‘છોકરો થઈને રડે છે ?’ એવું પૂછનાર કોઈ નથી.  દર મહિનાના છેલ્લા રવિવારે સવારે ૮ થી ૧૦ વાગ્યે ગૃહિણી થી માંડીને વકીલો, એન્જીનીયરો બધા આ ક્લબમાં રડવા માટે ભેગા થાય છે. ૨૫ મી જુન, ૨૦૧૭ ના રોજ પહેલું સેશન થઇ ગયું.
આ જોઇને ૧૭ વર્ષના યશ કુકરેજાએ રડવાનું શા માટે મહત્વનું અને ફાયદાકારક છે તે જણાવતા લખ્યું, ‘રડવાથી આપણા શરીરના નુકસાનકારક ટોકસીન નીકળી જાય છે જેથી શરીર ચોક્ખું થાય છે, આપણું વિઝન સુધરે છે, લાંબુ રડવાથી બેક્ટેરિયા મરી જાય છે,  આપણો મૂડ સુધરે છે અને મગજમાંથી સ્ટ્રેસ ઓછો થાય છે.  માટે જ ‘હસે તેનું ઘર વસે’ એ વાત ભૂલી જઈને,  તમે ‘હિબકે હિબકે રડો’ ‘મન ભરીને રડો’ (નેપકીન – ટુવાલ લઇ જવા. ) જૂની કડવી તીખી યાદો યાદ કરીને રડો, રડીને હ્રદય નો ભાર હળવો કરો.
‘ગોસીપ અને રડવું લેડીઝને મસ્ત અને સ્વસ્થ રાખે છે’ આ વાત હું નથી કહેતી પણ  લેખક શ્રી કૃષ્ણકાન્ત ઉનડકટ દિવ્યભાસ્કર ના એમની  ‘દૂરબીન’ કોલમના એક લેખમાં જણાવે છે, હું એમની આ વાત સાથે સંમત છું. કોઈ લેડી આ વાંચીને રડવા ન માંડે કે કોઈ સહેલી સાથે આ બાબતે ગોસીપ કરવા ન માંડે, એટલે કે.કે.ભાઈએ અહીં સ્પષ્ટતા કરી છે કે, ‘રડવું એ નબળાઈ નથી અને ગોસીપ એ કોઈ પાપ નથી. આ બે વસ્તુ તો મહિલાઓના પ્લસ પોઈન્ટ છે જે એમને વધુ જીવાડે અને હળવા રાખે છે, સો પ્લીઝ ટેઈક ઈટ પોઝીટીવલી.’    
મહિલાઓ ગોસીપ શા માટે વધારે કરે છે, એ બાબતે એમણે આ લેખમાં વિગતવાર જણાવ્યું છે. પણ આ લેખ ‘રડવા’ વિષે છે, એટલે એક મહિલા હોવા છતાં ‘ગોસીપ’ ની લાલચ જવા દઈને મૂળ વિષય રડવા વિષે એમણે જે જણાવ્યું છે, તે હું તમને અહીં જણાવું છું. પુરુષ વર્ષમાં માત્ર સાત વખત રડે છે, અને સ્ત્રી એનાથી વધારે અધધધ.. એટલે કે ૪૭ વખત રડે છે. પુરુષોને રડવામાં એમની ‘મર્દાનગી’ નડે છે, અને એટલે (સ્ટ્રેસ રીલીઝ ન થવાથી) તેઓ સ્ત્રીઓની સરખામણીમાં વહેલા મરે છે, એટલું જ નહીં પણ એને માટે સ્ત્રીને જવાબદાર ઠેરવે છે, જે મને યોગ્ય એટલા માટે નથી લાગતું કે ‘અભ્યાસનું તારણ એ કહે છે કે પરણેલા પુરુષો કરતાં કુંવારા(વાંઢા) પુરુષો જલ્દી મરે છે.’ 
આ પછી કે.કે.ભાઈએ લોકો ક્યારે રડે, કેટલું રડે, કઈ જગ્યાએ જઈને રડે,  વગેરે વાતોનું એમના લેખમાં રસમય વર્ણન  કર્યું છે, અને અંતે લખ્યું છે કે ‘રડી પડવું કે રડી લેવું એ કંઈ ખાવાના ખેલ નથી’  માટે હે વાચક મિત્રો, તમે જાહેરમાં ‘ઠુંઠવો મૂકીને’ કે ‘પોક મૂકીને’  જોરદાર અવાજમાં ન રડી શકો તો કંઈ નહીં, ચુપચાપ, એકલા એકલા, છાનેછપને પણ રડી લેજો, પણ રડજો જરૂર કેમ કે તંદુરસ્ત જીવન માટે રડવું જરૂરી છે.


No comments:

Post a Comment