Tuesday, 29 November 2016

ઉઠમણું.

ઉઠમણું.     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

સામાન્ય રીતે ઘરમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે એનું ઉઠમણું રાખવામાં આવે છે, આને બેસણું પણ કહેવાય છે. બે માંથી કયો શબ્દ વધુ યોગ્ય છે, એ સિધ્ધ કરવા એકવાર બે ભાષા શાસ્ત્રીઓ લડી પડ્યા. ઝઘડો વધીને વાકયુદ્ધ પરથી હાથોહાથની મારામારી પર આવી ગયો, અંતે..  બેમાંથી જે ઉઠમણા ની ફેવર કરતા હતા એનું ઉઠમણું અને જે બેસણાં ની ફેવર કરતા હતા એનું બેસણું રાખવામાં આવ્યું.
‘ચાહે રામ કહો યા રહીમ અલ્લાહ એક હૈ,’  ની જેમ બેસણું કહો કે ઉઠમણું, પ્રસંગ એક જ છે. ખુશીના પ્રસંગે આવે કે ન આવે,  આ પ્રસંગે તો અડોશી પડોશીઓ અને સગા સંબંધીઓ અચૂક આવે જ છે. અને મરનારના સ્વજનોને આશ્વાસન આપે છે.
*ભગવાનને જે ગમ્યું એ ખરું, તમે જનારનો શોક ન કરશો.
*અહીની જેમ ભગવાનના ઘરે પણ સારા માણસોની ખોટ જ હોય છે.
*ધીરજ રાખો, આમ હિંમત હારી જશો તો કેમ ચાલશે?
*કઈ પણ કામકાજ હોય તો કહેજો, સંકોચ ન કરશો.
*તમે જ જો આમ કરશો તો બિચારા છોકરાં ક્યા જશે?
  (છોકરાંઓ તો ક્યારના થીયેટરમાં ફિલ્મ જોવા ગયાં)
સામાન્ય રીતે ‘મરનારનું બેસણું અમુક દિવસે અમુક સમયે અમુક જગ્યાએ રાખવામાં આવ્યું છે,’ એવી જાહેર ખબર  ન્યુઝપેપરમાં આપવામાં આવે છે. ઘણા તો સાથે સાથે પોતાની ડીગ્રીની કે પોતાના ધંધાની જાહેરાત પણ કરી દેતા હોય છે.
એક મરનારની વિધવાએ ન્યૂઝપેપરમાં જાહેરાત આપી:
‘મારા પતિના મૃત્યુ પ્રસંગે હાજર રહેનાર, તેમ જ શોક સંદેશ પાઠવનાર તમામ વ્યક્તિઓનો હું આભાર માનું છું.’ લિખિતંગ: રેશમા, ઉમર વર્ષ ૪૨, ગોરો વાન, ૫’૮’’ હાઈટ, 3BHK ફ્લેટની માલિક અને મરનારની એક માત્ર વારસદાર’ 
જોકે શુભ પ્રસંગે જોવાય છે, એમ બેસણું રાખવામાં મુહુર્ત કે ચોઘડિયું જોવાતું નથી. પહેલાના વખતમાં તો પોસ્ટ કાર્ડ પર ‘લૂગડાં ઉતારીને વાંચવું’  એમ લખીને કે ઉપરના છેડે ‘અશુભ’  લખીને એની નીચે લાલ લીટી દોરીને સગા વહાલાઓને મોકલવામાં આવતું. હવે તો ટેલીફોન અને મોબાઈલ આવી ગયા પછી તો ડાયરેક્ટ ફોન જ કરી દેવામાં આવે છે. થોડા દિવસો મા સગા વહાલાઓ આવીને ખરખરો કરી જાય અને બારમાં તેરમાની વિધિઓ પતી જાય એટલે ઘરના લોકો છુટ્ટા.
જેના ઘરમાં ઉઠમણું રાખ્યું હોય એના ઘરમાં ડ્રોઈંગ રૂમમાંથી ફર્નીચર ખસેડીને, જગ્યા હોય તો બાજુની રૂમમાં અને નહીતર પાડોશીઓને ત્યાં મૂકી દેવામાં આવે છે, આખી રૂમમાં શેતરંજી પાથરી દેવામાં આવે છે, પુરુષ સભ્યો સફેદ કફની પાયજામો અને સ્ત્રી વર્ગ સફેદ સાડી કે ડ્રેસ પહેરે છે, એક ટીપોઈ પર મરનારનો ફોટો મુકીને, ફૂલોની માળા કે સુખડનો હાર લગાવવામાં આવે છે. ત્યાં છુટા ફૂલો મુક્યા હોય છે, દીવો સળગાવવામાં આવે છે, અને અગરબત્તી કરવામાં આવે છે.
ફોટાની એક બાજુ સ્ત્રી વર્ગ અને બીજી બાજુ પુરુષ વર્ગ બેસી જાય છે. ‘મગજ કેટલો બનાવડાવવાનો છે, કોને કોને ત્યાં અને કેટલો મોકલવાનો છે?’ વગેરે ચર્ચા ચાલતી હોય છે. જેવું કોઈ બહારથી આવતું લાગે કે આ ચર્ચા બંધ થઇ જાય છે, બધાના મો ગરીબડા બની જાય છે, પાંપણો ભીની થઇ જાય છે. જુના લોકો તો પોક(મોટેથી રડવું અને બોલવું) પણ મુકે છે, ‘ઓ મારા વાલીડા રે..અમને મુકીને તમે ક્યા જતા રહ્યા રે..તમને અમારી જરાય દયા ન આવી રે..’ મરનારનો જીવ જો ભૂલેચૂકે ત્યાં આસપાસ ભટકતો હોય, તો આ મરણ ચીસ સાંભળીને ઘભરાઈ ને ભાગી જ જાય.
ઉઠમણામા આવનાર પણ શેતરંજી પર નીચા મોઢે બેસી જાય, પછી ઘરના સભ્યો સાથે નજર મળે તો બંને પક્ષે કઈ ખોટું કર્યું હોય તેમ નજર ઝુકાવી દે, આમ ને આમ પાંચ – સાત મિનીટ બધા  ગૂંગળાઈ મરે. ફરીવાર નજરો મળે  એટલે ‘નમસ્તે’ ની મુદ્રામાં હાથ જોડીને આવનાર ઉભા થઇ બહાર નીકળી જાય, અને ખુલી હવામાં એકાદ બે ઊંડા શ્વાસ ખેંચી લે.
ઉઠમણામા  આવનાર વ્યક્તિ જો બોલકી હોય તો ઘરનાને પૂછે, ‘આમ કેમ કરતા થયું?’ બસ, પછી તો જોઈએ જ શું? ઘરની વ્યક્તિ પોતે આ ઘટનામાં તદ્દન નિર્દોષ છે, એ પુરવાર કરવા મચી પડે. રૂમાલથી કોરી આંખોના આંસુ લુછી, નાક નસીકી કહે: ‘કાલ સુધી તો મારા સસરા સાવ સાજા સમા હતા, નખમાં ય રોગ નહોતો, મને બાસુંદી બનાવવાનું કહ્યું તો મેં તરત જ બનાવી આપી,  એમણે બે વાડકા બાસુંદી ખાધી, અને આજે સવારે અચાનક ..ઓ બાપુજી રે...’  ડુસકા..
બહાર આવીએ ત્યારે ગલીના નાકે, એની પાડોશણ મળે તે કહે, ‘સાવ જૂઠ્ઠાડી છે એ તો, સસરાએ બાસુંદી બનાવવાનું કહ્યું તો એમને ધરાર ના પાડતા બાઈએ કહ્યું કે, પચતું તો છે નહિ અને ખાવાના ધખારા થાય છે, ઝાડા થઇ ગયા તો સાફ કોણ કરશે?’
ખરખરો કરવા કોણ આવ્યું અને કોણ નહિ એની ઘરના માણસો નોંધ રાખતા હોય છે. અને જે ન આવ્યા હોય એના ઘરે બેસણામાં ન જવું એવું નક્કી કરવામાં આવે છે. મરનાર જો ઘરડી વ્યક્તિ હોય તો, સ્મશાનમાં મગજ કે લાડુ અને ગાંઠીયા નો નાસ્તો વહેંચવામાં આવે છે, ખાસ કરીને સુરતીઓ આ બાબતમાં ખુબ ખેલદિલ છે.
મરનાર બાઈનો પતિ યુવાન હોય અને સ્મશાને ન આવે, તો એ ફરી પરણશે એવી અટકળ થાય છે, અને કન્યાના મા બાપ આ વાત ધ્યાનમાં રાખે છે. ઘણીવાર તો સગાઓ દ્વારા ત્યાં જ માગાં પણ નખાઇ જાય છે. એક બહેનની સાસુનું બેસણું હતું અને એ ખુબ રડતી હતી, કોઈના થી ય કેમેય કરીને છાની જ નહોતી રહેતી. આખરે એની એક બહેનપણીને બોલાવવામાં આવી.
મન્ગુ: અલી ચંપા, તારી હાહુ તો હાવ વઢકણી ઉતી, તો એના નામનું આટલું બધુ તુ કાં રડે?
ચંપા: તો હું થયું? આખરે તો એ મારી હાહુ ઉતી કે ની?
મન્ગુ : હોવે, પણ હાંભળ્યું સ કે ઈ તને હખે ધાન હો ખાવા ની દેતી ઉતી?
ચંપા: હાવ હાચી વાત સે, બુન.
મન્ગુ: તો પસી આમ આભ ફાઇટુ ઓય ઈમ રોવે સે કાં?
ચંપા: આ ઈ જ વાતનું તો દુઃખ સે ને, જાં હુધી મારી હાહુ મને કે’ નઈ કે તારા બાપને તાંથી લાવી સે કે આમ ઝાપટે રાખશ? તાં હુધી મને ધાનનો એક કોળીયો ય ગળે નઈ ઉતરે, ઓ મારી હાહુ રે..

                                                                  



1 comment:

  1. પલ્લવીબેન, આવા લેખ વાંચ્યા પછી યાદ રહી જાય છે પણ કોઈના બેસણામાં જતા યાદ આવશે તો હસવું આવ્યા વિના રહેશે નહી એ જોખમ તમે ઊભું કર્યું છે.

    ReplyDelete