Tuesday 22 November 2016

સુરત તારી મૂરત.

સુરત તારી મૂરત.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

સુરત શહેર એની બે મુખ્ય પૈદાઇશ માટે પ્રખ્યાત છે. એક તો ઘારી (મીઠાઈ) અને બીજી ગાળ. એમ તો ત્યાં નો પોંક, જીરાળુ, ભૂસું (ચવાણું), ઊંધિયું વગેરે પણ વખણાય છે. પણ ઘારી અને ગાળની બાબતમાં એની કોઈ બરાબરી ન કરી શકે. સુરતીઓના મોંએથી જેવી ગાળો સાંભળી છે, એવી મૌલિક ગાળ બીજે ક્યાંય સાંભળવા નથી મળી.
સુરતીઓ માટે એક જાણીતી પંક્તિ છે:
મોજ શોખને ખાણી પીણી સુરતીલાલા સહેલાણી,
વાડી, ગાડી, લાડી માટે કરી જિંદગી ધૂળધાણી.
અમદાવાદી વેપારી વહેલો ઊઠી નહાઈ-ધોઈને દુકાને જઈ ભગવાનના ફોટાને અગરબત્તીના રાઉન્ડ લગાવતો હોય, ત્યારે સુરતી વેપારી નિરાંતે ઓટલે બેસી દાતણ ચાવતો હોય. અમદાવાદમાં સવારે છ વાગ્યે સ્કુટર લઈને નીકળો તો ગલીના કૂતરાં ભસતાં-ભસતાં દોડતાં આવીને તમને છેક ગલીના નાકા સુધી વળાવી જાય. જ્યારે સુરતનાં કૂતરાં પણ આઠ વાગ્યા વગર ઊઠતાં નથી.
સુતની તો સેલ્સમેનશીપ પણ જબરી, વેપારીને ગ્રાહકની તસુભાર પણ તમા નહીં. અમદાવાદનો વેપારી ગ્રાહકને દ્કાનમા આવતો જુએ તો ચવાણાનું પડીકું અને ચાનો કપ બાજુએ મૂકી, ‘આવો આવો’ કહેતા ઊભો થઇ જાય જ્યારે સુરતીલાલો પોતાની ગાદી પરથી જરાય ચસકે પણ નહીં. ગ્રાહકને ગરજ હોય તો આફૂડો આવે નહીતર જાય તેલ લેવા, આપણને કેટલા ટકા?
સુરતનાં હીરાના ઘસનારા કારીગરો  લાલ, પીળા, લીલા એવા કલરફૂલ અને ઘણીવાર તો ચમકતા કપડાં પહેરે,  મોજા વગર ચમચમતા બૂટ પહેરે. હીરાના વેપારીઓ ખરીદી કરવા જાય ત્યારે ભાવ પૂછ્યા વિના અને બીલનું ટોટલ ચેક કર્યા વિના ખરીદી કરે. અમદાવાદી તો રેસ્ટોરાં માં પણ બીલ ચેક કરીને પૈસા આપે.
સુરતમાં શાકવાળાનું પણ એવું રાજાશાહી ખાતું, અહી અમદાવાદની માફક શાક સાથે મસાલો (કોથમીર-મરચાં)  મફતમાં ન મળે. શાકાવાળીનો મિજાજ પણ સાતમા આસમાને-
-ગુવારશીંગ કેમ આપી બેન?
-તીહ  રુપિયે હેર. (ત્રીસ રૂપિયે શેર/૫૦૦ ગ્રામ)
-આપવાનો ભાવ બોલ ને.
-તે આ આપ્પાનો જ ભાવ સે, લેવાનો ની, હમજી?
-હા સમજી, પેલી સામે વાળી તો પચ્ચીસ રૂપિયે આપે છે.
-તે એની પાંહેથી જ લેની બાઈ, આંઈ હું કામ આવી?
-મારે જેની પાસેથી લેવી હોય એની પાસે લઉં મારી મરજી.
-આવે જા જા મરજીવારી ના જોઈ ઓય તો.
આમ મિજાજ  પરથી શાકવાળી કોણ ને શેઠાણી કોણ  તે સમજવું અઘરું.
સુરત શહેર ની પ્રકૃતિ અને પ્રવૃત્તિ પ્રમાણે જે થોડાં-ઘણાં છોકરાં-છોકરીઓ ભણે છે, એમને બાદ કરતાં બાકીના સોળ વરસે પ્રેમમાં પડે છે. મા-બાપ એમને અઢાર-વીસે  પરણાવી દે છે, અને એ લોકો  બાવીસ ચોવીસના થાય એટલે મા બાપ બની જાય છે.
અહી રજાના દિવસે હોટલો,  દરિયાકાંઠો અને થીયેટરો માણસોથી ઉભરાઈ જાય છે.  રસ્તાઓ પર વાહનો પાર્ક કરીને પ્રેમીઓ પ્રેમાલાપ કરે છે અને ફેમીલી વાળા ભોજનની જયાફત ઉડાવે છે. અહી સીટીબસની સીટો પર ગાદીઓ ટકતી નથી.  સુરતમાં માનવ વસ્તી જે રીતે વધી રહી છે, તે જોતાં લાગે છે કે આગામી થોડા વર્ષોમાં સુરત ‘મીનીચીન’ બની જશે. ત્યાં હાઈરાઈઝ બિલ્ડીંગ જે રીતે બની રહ્યા છે, તે જોતા પણ લાગે છે કે એક દિવસ એ લોકો ડુમ્મસનો દરિયો પૂરીને ત્યાં પણ મકાનો બનાવી દેશે.
સુરતનો ટ્રાફિક પણ માતેલા સાંઢની માફક વકર્યો છે. અહી લોકો ટ્રાફિકના નિયમો જાણતા નથી, જે લોકો જાણે છે તે માનતા નથી. અહી કોઈ પણ વાહન કોઈ પણ દિશામાં ચાલી શકે છે, અને કોઈ પણ સાઈડથી સિગ્નલ બતાવ્યા વિના ઓવરટેક કરી શકે છે. કહે છે કે સુરતમાં જેણે વાહન સફળતાથી  ડ્રાઈવ કર્યું હોય તે આખા ભારત દેશમાં કોઈ પણ સ્થળે વાહન સહેલાઈથી ચલાવી શકે છે.
એક સદગૃહસ્થ ની કારનો એક અભણ સાઈકલ સવાર સાથે એક્સીડન્ટ થાય ત્યારે-
-અલ્યા આંધળો મૂવો છે કે મારી સાઈકલમાં ગાડી અથડાવે છે?
-જુઓ મિસ્ટર, એક તો તમે રોંગ સાઈડે સાઈકલ ચલાઓ છો.
-મારે જાં ચલાવી ઓય તાં ચલાવું, રસ્તો તારા બાપનો છે?
 -એક તો  સિગ્નલ બતાવ્યા વિના વળી જાઓ છો અને ઉપરથી ગાળ બોલો છો?
-આખેઆખી સાઈકલ ને એની પર બેઠેલો ઊં ની દેખાયો તો સિગ્નલ હું દેખાવાનું ઉતું?
અહી ઘણી રીક્ષાના મીટર બંધ હોય છે, એ જે માંગે તે ભાડું પ્રવાસીએ આપી દેવાનું અથવા રકઝક કરવાની. તમે કહેલા ભાડામાં એને ન આવવું હોય તો ના પાડવા પણ ઉભો નહિ રહે, રિસાયેલી પત્નીની જેમ ચાલતી પકડશે. અહીંની સીટી બસ પણ નિયત સ્ટોપ પર જ ઊભી રહેશે એવું નક્કી નહીં. એને સ્થળ-કાળના બંધનો નડતાં નથી.
મારું તો પિયર જ સુરત છે, અને કહેવાય છે કે પિયરનાં તો કૂતરાં પણ વહાલા લાગે. મને પણ સુરત ખુબ પ્રિય છે. કવિ નર્મદ સુરતનાં છે અને આ હાસ્યલેખિકા પલ્લવી મિસ્ત્રી પણ સુરતની જ છે. તેથી પણ સુરત ગણનાપાત્ર શહેર ગણાય.  હવે તો સ્વચ્છતાની દ્રષ્ટિ એ પણ સુરત અગ્રક્રમે છે.
એકવાર અમે વેકેશન ગાળવા સુરત ગયેલા અને ત્યાંથી બે દિવસ માટે નવસારી ગયા હતા. પણ રાજીવ ગાંધીના મૃત્યુના સમાચારથી નવસારીથી તરત પાછા સુરત આવી ગયા. પડોશી અમને મળવા આવ્યા.
-કાં પટેલ (જમાઈરાજ) નહારી ફરી અઈવા? તમે તાં ગીયા ને આંઈ આપણા વડા પરધાન રાજીવ ગાંધી ‘રામ બોલો ભાઈ રામ’ થેઈ ગિયા. (મરી ગયા)
-હા, એટલે તોફાનો થશે એવા ડરથી અમે જલ્દી પાછા આવી ગયા, જમવા પણ ન રોકાયા.
-જમવામાં હું ઉતું?
-રસ-પૂરી-ઢોકળા-ને દાળ-ભાત.
-અરરરર. બહુ ખરાબ થયું નહિ?
-હા, પ્રાઈમ મિનિસ્ટરનું મર્ડર થાય એ તો...
-હું એનું નથી કે’તો. આટલું હારું ખાવાનું મુકીને આવતા રે’વું પઈ’ડું તે કેઉ છું.  
-હેં????


5 comments:

  1. મસ્ત......
    મજા પડી.
    એની માને...હુરત વિશે હુરતીથી હારું ટો કોણ લખી હકે....?

    ReplyDelete
  2. હુરતી તે હુરતી જ!

    ReplyDelete
  3. ભૂતકાળમાં પણ સુરતને સોનાની મુરત કહેવાતું. હવે હીરાના વેપારથી એ હવે હીરાની મુરત થઇ ગયું છે.દુનિયામાં વેચાતા ૧૦ હીરા-ઝવેરાતમાંથી નવ સુરતમાં બને છે !
    સુરતીઓનાં લક્ષણો આ લેખમાં બહુ સરસ રીતે આલેખ્યાં છે.જ્યોતીન્દ્ર દવે જેવા હાસ્ય લેખકોથી પણ સુરત પ્રખ્યાત છે.પલ્લવીબેન ,એમાં તમે આવી ગયાં !

    ReplyDelete
  4. મને લાગે છે કે ગાળની બાબતમાં સૂરત નકામું બદનામ થાય છે.સુરતી શબ્દ જ ગાળનો પર્યાય થઈ ગયો છે તેમાં સૂરતને અન્યાય થાય છે. સુરતીઓ સિવાય અન્ય શહેર કે પ્રાન્તના લોકો એક એકથી ચડિયાતી ગાળો પૂરા ખુન્નસથી બોલતા આવ્યા છે. સૂરતીઓ ગાળો બોલતા હશે પણ લોકો એવી છાપ ઊભી કરવા માગે છે કે ગાળ જ જાણે માતૃભાષા હોય. સુરતી બોલી રફ ખરી પણ નિષ્પાપ છે. તોછડાઈ લાગે પણ ખંધાઈ તો નથી જ. બધા જ સુરતીઓ કંઈ તોતડું નથી બોલતા જેમકે ડ, ઢ. ટ વગેરે તેમ બધા જ લોકો ગાળ પણ નથી બોલતા.

    ReplyDelete
  5. આ હુરટીને હુરટની યાડ અપાવી. મારા ચન્ડુ ચાવાલા પન પાક્કુ હૂરટી જ બોલે. હું એને હમજાઉ ટો પન ની હમજે, મને કે'કે જો સાસ્ટ્રી, મારી વાટ હાંભરવી ઓય ટો હાંભર ની ટો ટેલ લેવા જા.

    ReplyDelete