પ્રભુના પયગમ્બરો. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
જે વ્યક્તિ પૈગામ (સાચો શબ્દ છે પયામ) એટલે કે સંદેશ (કોઈ ન્યુઝપેપર કે
બંગાળી મીઠાઈ નહિ) લઈને આવે છે એને પયગમ્બર તરીકે ઓળખવામાં આવે છે. જેઓ પ્રભુનો
પૈગામ લાવે છે, એ પ્રભુના પયગમ્બરો છે.
દાખલા તરીકે – હજરત ઉમર સાહેબ, સંત કબીર, મીરાંબાઈ, નરસિંહ મહેતા વગેરે.
ઈંગ્લીશમાં એમને ‘Angel’ અને ગુજરાતીમાં
‘દેવદૂત’ કહેવાય છે. તો પછી સવાલ એ થાય કે જે વ્યક્તિ આપણા મિત્રો કે સગા વહાલાઓના
પૈગામ (પત્રો) લઈને આવે છે, એને ‘ટપાલી’ કેમ કહેવામાં આવે છે?
આ સવાલનો જવાબ એ છે કે – પૈગામ લાવવાનું અને આપવાનું કામ જેઓ વિના મુલ્યે
કરે છે, એમને જ ‘પયગમ્બર’ નું માનદ બિરુદ
આપી શકાય. જ્યારે ટપાલી તો ટપાલખાતા પાસે પગાર મેળવે છે, ઉપરાંત પ્રસંગોપાત આપણી
પાસે બક્ષીસ પણ મેળવે છે, એટલે એને ટપાલી જ કહેવાય, પયગમ્બર નહિ.
કેટલાક લેખકોએ નાના બાળકોને પ્રભુના પયગમ્બરો કહ્યા છે, હું આ વાત સાથે
સંપૂર્ણ સંમત નથી. જો બાળકો પ્રભુના પયગમ્બરો હોય, તો એમને આ પૃથ્વી પર મોકલવાનો
અધિકાર ફક્ત પ્રભુના હસ્તક જ હોવો જોઈએ, માણસોના નહિ. જ્યારે અહી તો એમને પૃથ્વી
પર લાવવાનો અધિકાર માણસના હસ્તક છે, એટલું જ નહિ, એ પયગમ્બર જો ‘બાળકી’ ના સ્વરૂપે
હોય તો માણસ ઘણીવાર એને પ્રભુના દરબારમાં ‘સાભાર પરત’ પણ કરી દે છે, એ વાત મને
યોગ્ય જણાતી નથી.
કહેવાતા આ ‘પ્રભુના પયગમ્બરો’ નો અભ્યાસ કરતા, ઘણી રમૂજપ્રિય બાબતો મારા
ધ્યાનમાં આવી છે:
પ્રભુના આ પયગમ્બરો દુનિયામાં આવે ત્યારે રડી રડીને પોતાના આગમનની જાણ
આજુબાજુના લોકોને કરે છે. આ રીતે તેઓ પૈગામ આપે છે કે – ‘રડીને અન્ય લોકોનું ધ્યાન
પોતાના તરફ ખેંચી શકાય છે.’ રડતી વખતે તેઓ ‘ઊઆં ઊઆં’ એવો અવાજ કરીને પ્રભુને કહે
છે, ‘હું અહી હું અહી’ (અને તું ત્યાં છે, અમારું ધ્યાન રાખતો રહેજે)
જ્યાં સુધી આ પયગમ્બરો બોલવા માટે અશક્તિમાન હોય છે, ત્યાં સુધી ટાણું
કટાણું જોયા વગર ગમે ત્યારે (ભલે ને રાત્રીના બે કેમ ન વાગ્યા હોય) રડી રડીને ઘરના
ને અને પાડોશીઓને પ્રભુનો પૈગામ સંભળાવવા તત્પર હોય છે. એ તો ભલું થજો એની
મમ્મીનું કે એને દૂધ પીવડાવીને, કે ઘોડિયામાં સુવડાવીને શાંત કરી દે છે. આમ તેઓ
પૈગામ આપે છે કે ‘માંગણીઓ સંતોષાય નહિ ત્યાં સુધી જંપીને બેસવું (કે બેસવા દેવું)
નહિ.’
જો કે કોઈવાર રડતા પયગમ્બરો શું પૈગામ આપવા માંગે છે, તે ઘરના લોકો સમજી
શકતાં નથી. ઘરના તમામ લોકો અગત્યના કામો
છોડીને એ સમજવાની કોશિશમાં લાગી જાય છે, છતાંય નિષ્ફળતા મળે, ત્યારે એમને
‘ચિલ્ડ્રન સ્પેશીયાલીસ્ટ’ ને ત્યાં લઇ જવા પડે છે. અભ્યાસુ ડોકટરો એમનો પૈગામ સમજી
જાય છે, તેથી એમને દુ:ખ શી વાતે છે તે
શોધી કાઢીને, ઈલાજ કરીને એમને શાંત પાડે છે.
આ પયગમ્બરો જેમ જેમ પ્રગતિ કરતા
જાય, એમ એમ ઘરમાં એમનો ત્રાસ વધતો જાય છે. એમને ચત્તા સુવડાવ્યા હોય ત્યારે, ઉંધા પડવાના થાય, અને પછી પાછા
ચત્તા ન થઇ શકે ત્યારે મોટે મોટેથી રડીને બીજાની મદદ માંગે. આ રીતે તેઓ આપણને શીખવે છે કે – ‘કોઈ કામ
આવડતું ન હોય તો પણ એમાં કુદી પડવું અને પછી બીજાની મદદ માંગવી.’
ચાલતાં શીખી જાય એટલે આ લોકો વારંવાર ઘરની બહાર નીકળી જાય છે. એ દ્વારા
પ્રભુનો પૈગામ આપે છે કે, ‘આ દુનિયાના મોહ માયા ત્યજીને ચાલી નીકળ’ મોટાઓ એમને અનુસરી શકતાં નથી, એટલે ઇર્ષ્યાવશ
તેઓ બાળકોને પણ તેમ કરતા રોકે છે, અને એમને અંદર લઈને દરવાજો બંધ કરી દે છે.
પ્રભુના પયાગમ્બરોને સમયાંતરે ખાવાનું આપવામાં આવે છે, છતાં તેઓ આજન્મ
ભૂખ્યા હોય તેમ ચોક, ચૂનો, માટી, રેતી વગેરે જે હાથમાં આવે તે ચીજ મોં માં મૂકી દે
છે. તેઓ આ ક્રિયા દ્વારા પૈગામ આપે છે, ‘નિ:સ્પૃહી બનીને જે મળે એ સ્વીકારી લો.’
આમ તો રસોડામાં જવાની એમને મનાઈ હોય છે, છતાં ક્યારેક આપણી નજર ચુકવીને
રસોડામાં ઘુસી જઈને, એમનો હાથ પહોંચે ત્યાં સુધીની ચીજ વસ્તુઓ, જેવી કે – ગ્લાસ,
વાડકીઓ, કપ –રકાબી ખેંચી પાડે છે. તેલ – ઘી ની બરણી ઉંધી વાળી દે છે, લોટના
ડબ્બામાંથી લોટ વેરે છે, કબાટમાની વસ્તુઓ ખેંચી કાઢે છે, અને પછી આ અસ્ત વ્યસ્ત
વાતાવરણમાં શાંતિથી બેસીને આનંદથી રમે છે.
આ વર્તનથી તેઓ મોટાને પૈગામ આપે છે, ‘તારી આસ પાસનું જગત ગમે તેટલું અસ્ત
વ્યસ્ત હોય, તું શાતિથી અને આનંદથી તારું કર્મ કર.’ આ પયગમ્બરો પહેલેથી જ જ્ઞાની
હોવાને લીધે, વિદ્યાલયમાં જવા આનાકાની કરે છે, અને ન જવા માટે ‘પેટમાં દુખે’ કે
‘માથું દુખે’ જેવા અનેક બહાનાઓ શોધી નાખે છે. પણ મા બાપ એમનો આ પૈગામ ન સાંભળતા
એમને પરાણે સ્કુલમાં ધકેલે છે.
આ પયગમ્બરો જેમ જેમ મોટા થાય તેમ તેમ વધુ ઉસ્તાદ થતા જાય છે અને મા-બાપની
મજબુરીનો ગેરલાભ (મહેમાનોની હાજરીમાં તો ખાસ) ઉઠાવવામાં જરાય અચકાતા નથી. ઘણા
પયગમ્બરો તો એટલા ઉચ્ચ કોટીના (સંત?) જીવ હોય છે કે – એમના પર સામ-દામ-દંડ-ભેદ ની
કોઈ અસર થતી નથી. તેઓ આપણને ‘નીડરતા’ અને ‘અલિપ્તતા’ નો પૈગામ આપે છે.
આવા પયગમ્બરોની એક વાત સારી હોય છે, તેઓ પોતાના દાદા-દાદી કે નાના-નાની પાસે
એકની એક વાર્તા મૂર્ખની જેમ સાંભળ્યા કરે છે અને એવા જ સવાલો પૂછ્યા કરે છે. મોટા
થઈને તેઓ પરણે છે, અને એમના ઘરે પણ પયગમ્બરો જન્મ લે છે. આ પૃથ્વી પર ભય પમાડે એ
હદે પયગમ્બરો ને આવતા જોઇને કહેવાનું મન થાય છે, ‘બસ થયું હવે, ખમ્મા કરો.’
ખરેખર, બાળ પેગમ્બરોની લીલાનું વર્ણન બહુ જ હસાવી જાય છે. પલ્લવીબેનની હાસ્ય ફીલોસોફીને સલામ.
ReplyDeleteઆ પયગમ્બર આપણને ચુસ્તી અને સ્ફુર્તિના પાઠ શીખવે છે.કસરત કરાવીને બી પી અને કોલેસ્ટોરલ ઘટાડે છે.ગરોળી કે જીવજંતુ પકડી લઇને નિર્ભયતા શીખવે છે.બાળલીલા સરસ વર્ણવી છે. સાત્વીક આનંદ આપતો લેખ.
ReplyDeleteબહુ સરસ લખાયું છે. મહિલાને પિયરની માયા વિશેષ હોય એ લેખમાં દેખાય છે.સેટાયર,સંવાદ કે પેરડી એ બધું બહુ સહજ રીતે થયું છે.
ReplyDeleteસુરતના લેખ અંગેનો પ્રતિભાવ આ લેખ સાથે કેમ જોડાઇ ગયો હશે ?
ReplyDelete