Tuesday, 8 November 2016

ચાલો ખબર કાઢવા જઈએ.

ચાલો ખબર કાઢવા જઈએ.     પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી. 

માણસ જાતમાં ઘણા વિચિત્ર રિવાજો છે. ખબર કાઢવા જવાનો રિવાજ એમાંનો એક છે. ઘણા તો કોઈની જરા સરખી બીમારીની ખબર સાંભળી નથી, કે ખબર કાઢવા દોડ્યા નથી, રખે ને પેલા હોસ્પીટલમાં જ ઢબી જાય, અને પોતે એમની ખબર કાઢવા જવાના રહી જાય તો?

ઘણા ખબર કાઢવા જાય કે ટાઈમ પાસ કરવા તે જ આપણને ખબર ન પડે, સવારે ચા-નાસ્તાની સાથે દર્દીની ખબર કાઢવા બેસે, તે સાંજે જમવાનું પણ દર્દીના સગા વહાલાઓ સાથે એના ઘરે કે હોસ્પિટલમાં પતાવીને જ આવે.

ઘણા હોસ્પિટલમાં ખબર કાઢવા જાય ત્યારે, ‘કદાચ ત્યાંથી સીધા સ્મશાને જવું પડે’ એવી મનોમન તૈયારી કરીને જાય. ઘણા ખબર કાઢનારા દર્દીને એટલા બધા સવાલો પૂછ પૂછ કરે કે, દર્દીને થાય કે આના કરતાં તો મરી ગયો હોત (હું)  તો સારું થાત, નકામા સવાલોના જવાબો આપવામાંથી તો મુક્ત થાત!

કેટલાક લોકોને ખબર કાઢવા જતા ઘણો સંકોચ અને મૂંઝવણ થતા હોય છે, એમને  ગાઇડન્સ આપવા માટે કેટલાક સૂચનો કરું છું. 

૧- દર્દી પ્રત્યે પોતાને સાચી સહાનુભૂતિ છે, એ પ્રગટ કરવા ખબર લેવા જનાર વ્યક્તિ હંમેશા ‘દીવેલિયું ડાચું’ રાખીને જાય છે. આ રીત યોગ્ય નથી, તમારું મોઢું હસતું રાખો જેથી ખબર પડે કે દર્દી કોણ છે.

૨-બીમાર વ્યક્તિના ઘરે ખબર લેવા જાઓ ત્યારે જઈને કહો, ‘ભાભી, ચા – નાસ્તો  હોય તો લાવો, તમારી હાથની ચા પીધા વિના જવાય જ નહિ,’ જેથી ભાભીનું મન અને તમારું પેટ બંને પ્રસન્ન થશે.

૩-બીમાર વ્યક્તિને તમે, તમને આવડતા હોય એટલા તાજા – વાસી જોક્સ કહી સંભળાવો. જેથી બીમાર વ્યક્તિને ખોટે ખોટું હસવાના કંટાળાને લીધે આરામથી ઊંઘ આવી જશે, અને એના સગાઓને પણ થોડો આરામ મળશે.

૪-બાળકો તો પ્રભુના પયગંબરો (?) છે, કોઈ બીમારની ખબર કાઢવા જાવ ત્યારે આવા એકાદ બે પયગમ્બરોને સાથે લેતા જાવ. ‘મોન્ટુ, ટીવી ની સ્વીચને ન અડાય બેટા, કરન્ટ લાગી જાય. પીન્કી, પલંગ પર ચઢવું હોય તો પહેલા સેન્ડલ કાઢી નાખો બેટા, બંને ઝઘડો નહિ, આન્ટી તમને બીજા બીસ્કીટ આપશે, અંકલને જરા મોટેથી બા બા બ્લેકશીપ સંભળાવો’  વગેરે વગેરે સૂચનો આપવામાં તમારું, બીમારનું અને સગા વહાલાઓનું ધ્યાન પરોવાયેલું રહેશે, અને બીમારી એટલો સમય ભુલાઈ જશે.

૫-દર્દીની પાસે બેસીને શેરીથી માંડીને રાજધાની સુધીની, છમકલાથી માંડીને પાણીપતની લડાઈ સુધીના સમાચાર સવિસ્તાર કહો, જેથી દર્દીનો (ખાસ કરીને તમારો) સમય સારી રીતે પસાર થશે.

૬-દર્દીને થઇ છે એવી બીમારી અગાઉ કોને કોને થયેલી, એમાંથી કેટલા ઉકલી ગયેલા અને કેટલા બચી ગયેલા તે એને કહો. તમે પોતે જે બીમારીઓ ભોગવી ચુક્યા છે તે વિશે, અને થોડી કાલ્પનિક ભયાનક બીમારીઓ વિશે પણ કહો. જેથી તમને સાજા સમા જોઇને દર્દીને આશ્વાસન લેવું હોય તો તેમ, અને અફસોસ કરવો હોય તો તે કરી શકે.

૭-બીમારી દરમિયાન શું ખાવું અને શું ન ખાવું, કઈ કંપનીની દવા સારી અને કઈની બોગસ, કયા ડોક્ટર હોશિયાર અને કયા બુડથલ, એલોપથી ની દવા સારી, આયુર્વેદિક સારી કે હોમિયોપેથીક સારી તે એને કહો, ચર્ચાઓથી દર્દીનો જીવ અને માથું ખાઈ જાવ, જેથી એના મનમાં રહેલી દર્દને લગતી ગડમથલ દુર થઇ જાય.

૮-દર્દીના તમામ  સગા વહાલાઓ અને મિત્રોના ઘરે જઈને, અથવા ફોનથી દર્દીની ભયાનક             (કાલ્પનિક) બીમારીની ખબર પહોચાડો, જેથી તેઓ બધા પણ દર્દીની ખબર કાઢવા જઈ શકે.

૯-હોસ્પિટલ મા તમારા મિત્ર ની ખબર કાઢવા જાઓ ત્યારે, કચોરી, બફવડાં, સમોસા, પાતરા જેવી મસાલેદાર વાનગીઓ લેતાં જાવ. ત્યાં જઈને કહો, ‘ભાભી, હું બેઠો છું અહી, તમ તમારે ઘરે જઈને, જમવાનું અને  કામ કાજ પતાવીને નિરાંતે આવો.’

ભાભી ઘરે જાય, પછી ભાઈને એટલે કે તમારા મિત્રને મસાલેદાર ચીજો ખાવા આપો. રાબ-કાંજી-ખીચડી જેવા પદાર્થ ખાઈને અને કડવી દવાઓ પીને કંટાળેલો તમારો મિત્ર, અતિ ઉત્સાહ મા આવી જશે, અને તમે બીમાર પડશો ત્યારે આનો બદલો જરૂર ચુકાવી આપશે.

ભાભી જમીને પાછા આવે ત્યારે કહો, ‘ભાભી, આને હમણા જ સફરજન-મોસંબી ખવડાવ્યા છે અને નારિયેળ પાણી પાયું છે, તમે રાબ હવે સાંજે પાજો. બસ, એટલું યાદ રાખજો કે, નાસ્તાની એકેય નિશાની (પડીકાનો કાગળ –થેલી સુધ્ધા) ત્યાં રહેવી ન જોઈએ, નહીતર તમારા અંજળ પાણી એ કુટુંબ સાથે પત્યા સમજજો.

   

1 comment:

  1. ખબર કાઢવાની જેમ "ખબર લેવી" પણ એટલું જ અગત્યનું છે.અરેરે..મને કહેવડાવ્યું ય નહીં ? અમે કાંઇ મરી નથી ગયા, આ તો ઠીક છે બાકી આને કાંઇ થયું હોત તો ? એવું ય કરીએ તો કંઇક કર્યાનો સંતોષ મળે.

    ReplyDelete