આ પુસ્તક (હાસ્યપલ્લવ) ની આત્મકથા. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
દરેક મહાન વ્યક્તિ
આત્મકથા લખે છે, તેથી મને થયું લાવ હું પણ આત્મકથા લખું. લોકોને અન્યના અંગતજીવન
વિશે જાણવાની જીજ્ઞાસા હોય છે, તેથી એમને મારી આ વાત પણ ગમશે એવી શ્રદ્ધા છે.
મારો જન્મ આટ ...લા
વિલંબથી થયો એનું કારણ મારી રચયેતા–જનેતાની આળસ નહીં પરંતુ અજ્ઞાન હતું. પોતે આટલા
સરસ (અહીં સરસ એ સાપેક્ષ બાબત છે તેથી એની ચર્ચા વિદ્વાનો પર છોડી દઈશું.) લેખો
લખે છે એ વાત એને ખૂબ મોડે મોડે સમજાઈ. ખેર ! Late is better than never. એને આ વાત સમજાઈ એટલે મારો જન્મ થયો અને તમને આ પુસ્તક વાંચવા મળ્યું.
‘સંદેશ’ ન્યુઝપેપર
ના ‘સંસાર-દર્પણ’ મા એકવાર હાસ્યલેખોની હરીફાઈ યોજાઈ. મારી જનેતાને આમ કોઈ
હરીફાઈમાં ભાગ લેવાનો ખાસ ઉત્સાહ નહીં,
પરંતુ એમાં ઇનામ મળતું હોય તો એમાં ભાગ લેવાનો કશો વાંધો પણ નહીં. એની નજર આ
હરીફાઈની જાહેરાત પર ગઈ અને લેખ માટે પહેલું, બીજું અને ત્રીજું એમ ત્રણ ઇનામો હતા
એટલે એનું મન ભાગ લેવા લલચાયું.
‘હાસ્યલેખ લખવા
એમાં વળી શું કરવાનું, એ તો સાવ સહેલું કામ છે.’ એવી માન્યતાને આધારે એણે એક લેખ
લખીને મોકલી આપ્યો. પરિણામની આતુરતા પૂર્વક રાહ જોઈ રહેલી મારી જનેતાએ રવિવારનું
છાપું બે ત્રણ વાર ઉથલાવી ઉથલાવીને જોયું, પણ ક્યાંય એના લેખનું નામોનિશાન નહોતું.
‘કરતાં જાળ
કરોળિયો...’ વાળી કવિતા એણે વાંચી હશે, અથવા ઇનામની લાલચ વધુ હશે એટલે એણે બીજા
અઠવાડિયે બીજો લેખ લખીને મોકલી આપ્યો. એના સાનંદાશ્ચર્ય વચ્ચે એ લેખને પ્રથમ ઇનામ
મળ્યું. આ હતી મારા બંધારણના પાયાની પ્રથમ ઈંટ. એના પછીના બે લેખોને બીજું અને
ત્રીજું સ્થાન મળ્યું અને બીજા ત્રણ લેખો ‘ગણનાપાત્ર’ કૃતિ તરીકે છપાયા. ત્યારે
એને લાગ્યું કે, ‘લોકો ક્યારેક તો સાહિત્યકારની કદર કરે જ છે અને પોતે લખવાનું
ચાલુ રાખે તો હાસ્યલેખિકા બની શકે છે.’ આમ મારા જન્મના પ્રથમ પ્રકરણની શરૂઆત થઇ.
‘સારા કામમાં સો
વિઘ્ન. આવે. મારી જનેતાએ એની એક ખાસ ફ્રેન્ડને કહ્યું, ‘હું હાસ્યલેખો લખી રહી
છું, તું વાંચીશ?’ ત્યારે ફ્રેન્ડે કહ્યું, ‘યાર, આવા રવાડે તું ક્યાંથી ચઢી ગઈ?
તું કોઈ સીરીયસ ટોપિક પર લખ, આધ્યાત્મ પર લખ, તો હું જરૂર વાંચીશ.’ આ સાંભળીને
જનેતા ‘લખું કે ન લખું?’ ના વિચારમાં પડી. એ તો સારું થયું કે આ જગતમાં ઉગતા
કલાકારોને પ્રોત્સાહન આપનારા કેટલાક સારા
લોકો પણ વસે છે.
‘ગુજરાત સમાચાર’ ના
લોકપ્રિય હાસ્યલેખક શ્રી અશોક દવેએ મારી માતાને પ્રોત્સાહન આપ્યું, અને ‘સમભાવ’
ન્યુઝપેપરના તંત્રી શ્રી ભૂપતભાઈ વડોદરિયા સાથે એનો પરિચય કરાવ્યો. ભૂપતભાઈએ એમના ન્યૂઝપેપરમાં મારી માતાને પ્રસિદ્ધ
હાસ્યલેખક શ્રી તારક મહેતાની પાડોશણ બનાવી જોડાજોડ લેખો છાપ્યા. મારી માતાનો
લખવાનો ઉત્સાહ જળવાઈ રહ્યો.
જ્યારે ખૂબ જ જાણીતા
લોકપ્રિય હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટ મારી જનેતાના લેખના વખાણ કરતાં (આવું ક્યારેક જ બનતું છતાં પણ) ત્યારે મારી જનેતાનો ઉત્સાહ બેવડાઈ જતો. એકવાર
મારી જનેતાના પિતાના ખાસ મિત્ર કુશળ ચિત્રકાર જય પંચોલીએ મારી માતાને કહ્યું, ‘તું
આટલા બધા હાસ્યલેખો (લગભગ ૨૦૦) લખી ચૂકી છે તો એકાદ પુસ્તક બહાર પાડ ને.
મારી માતાને તો
‘ભાવતું’તું ને વૈદે કહ્યું.’ જેવું થયું. એણે ખૂબ જ મહેનત કરીને ૨૮ લેખો પસંદ કરી,
ફરી ફરી સુધારીને “ગૂર્જર’ માં મનુભાઈને મોકલ્યા. એને હતું બે ત્રણ લેખો કેન્સલ
થાય તો પણ ૨૫ લેખોનું પુસ્તક થાય. પણ રોહિતભાઈ (સ્વ. રોહિતભાઈ કોઠારી) ને લેખો
ગમ્યા અને એમણે બીજા પચાસેક પાનાની મેટર મંગાવી.
મારી જનેતાએ બીજા
નવ નેવ લેખો લખીને મોકલ્યા. મારી નાજુક કમર જે ૨૮ લેખોની હતી તે હવે ભરાવદાર- ૩૭
લેખોની થઇ. દરેક મા-બાપને થાય છે એવી દ્વિધા મારી માતાને પણ થઇ. મારું નામ શું
રાખવું ? એણે આ બાબતે શ્રી વિનોદ ભટ્ટની સલાહ માંગી. હાજર જવાબી બીરબલ જેવા ગણાતા શ્રી
વિનોદભાઈએ તરત જ મારું નામ ‘હાસ્યપલ્લવ’
સૂચવ્યું, જે મારી માતાને ખૂબ જ ગમ્યું, કેમ કે એમાં એનું નામ અને કામ બન્નેનો
સમાવેશ થતો હતો.
સંતાનોને પિતાનું
નામ મળે છે એમ મને માતાનું નામ મળ્યું. મારા માટે સુંદર વસ્ત્રો(કવર પેજ) તૈયાર
કર્યા ચિત્રકાર શ્રી જય પંચોલીએ. જેમણે જેમણે મારા ઘડતરમાં સીધો કે આડકતરો ભાગ
ભજવ્યો છે, એ સર્વનો હું હ્રદયપૂર્વક ‘ઋણસ્વીકાર’ કરું છું.
મારી માતાના બે
અન્ય સર્જનો-દીકરાઓ આ રીતે મારા પર રમૂજ કરતા હતા:
જિગર(મોટો દીકરો) :
મમ્મી, તારી બુક છપાઈ જશે પછી એક મૂંઝવણ
મટી જશે.
સાકેત (નાનો દીકરો)
: કઈ મૂંઝવણ જિગર?
જિગર : સગાઓ અને
મિત્રોને વર્ષગાંઠ કે એનીવર્સરી પર શું આપવું એ વિચારની મૂંઝવણ.
સાકેત : કેમ ભાઈ
એવું?
જિગર : મમ્મીની બુક
છપાશે એની બધી નકલો જે ઘરમાં પડી રહી હશે તે જ ભેટ આપી દેવાની ને.
સાકેત : તો તો લોકો
આપણને પાર્ટીમાં બોલાવવાનું બંધ કરશે, ભાઈ.
જિગર : કોઈ વાંધો
નહીં, આપણી બર્થડે પર આપણે ક્લાસમાં ગીફ્ટ કે ચોકલેટ આપવાને બદલે મમ્મીની બુક્સ જ
વહેંચીશું.
તો વળી મારી
જનેતાના પતિ જીતેન્દ્ર મિસ્ત્રીએ આ રીતે મશ્કરી કરી.
-પલ્લવી, તારી
ચોપડીના કવર પેજ પર લખજે કે ‘આ હાસ્યલેખોની ચોપડી છે.’
-હાસ્યલેખોને ગમે
તે નામ આપો, તેથી એ હાસ્યલેખ છે એ હકીકત થોડી જ બદલાઈ જવાની છે?
-અને ગમે તે લેખને
હાસ્યલેખનું લેબલ મારો તેથી એ હાસ્યલેખ થોડો જ થઇ જવાનો છે?
-તમને તો મારી કદર
જ નથી. વિનોદભાઈએ ચોખ્ખું કહ્યું છે કે ‘હાસ્યલેખ લખવા બુદ્ધિની જરૂર પડે છે.’
-આમ કહીને તું શું
સાબિત કરવા માંગે છે?
-એ જ કે વિનોદભાઈ
કદી ખોટું ન બોલે.
-તો હું ક્યાં કહું છું કે વિનોદભાઈ ખોટું બોલ્યા?
-તમે પુરુષો અમસ્તા
જ કહો છો કે ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ’ એક સ્ત્રી હાસ્યલેખ લખી શકે છે એનો મતલબ
જ એ કે એનામાં બુદ્ધિ છે.
-પણ એ તો તારા
લખેલા લેખો ‘હાસ્યલેખો’ છે એવું સાબિત થાય
ત્યારે ને?
-તમને બડી વાતે
મશ્કરી સૂઝે છે પણ મારા પુસ્તકને પારિતોષિક મળશે ત્યારે તો માનશો ને?
-થોડા રૂપિયા
લાં...બી મુદત માટે ફિક્સ ડિપોઝિટમાં મૂકું?
-કેમ, શાના માટે?
-આપણા છોકરાઓના સૂટ
સીવડાવવા માટે. તારા પુસ્તકને પારિતોષિક મળશે ત્યારે આપણે બંને તો આ દુનિયામાં
હોઈશું નહીં. પણ આપણા છોકરાઓ પારિતોષિક લેવા જશે ત્યારે સૂટ પહેરીને જશે તો સરસ
લાગશે ને?
-હેં ???.
[આ પુસ્તક ‘હાસ્યપલ્લવ’
ને ‘સાહિત્ય અકાદમી’ ના હાસ્ય વિભાગનું બીજું ઇનામ(૧૯૯૭) પ્રાપ્ત થયેલ છે.]
No comments:
Post a Comment