Wednesday, 29 April 2020

રાજીવરત્ન શ્રી રાહુલગાંધીને પત્ર


રાજીવરત્ન શ્રી રાહુલગાંધીને પત્ર   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

આદરણીય શ્રી રાહુલભાઈ,

ઘણા વખતથી તમને પત્ર દ્વારા ચુંટણીની જીતના અભિનંદન પાઠવવા વિચારતી હતી તે છેક આજે ટાઈમ મળ્યો. સૌ પ્રથમ તો ભારતની પ્રજા તરફથી તમને હાર્દિક અભિનંદન ! મને તમારી સકારાત્મક ચૂંટણી પ્રચારની રીત ખૂબ જ ગમી. જોકે તમે પ્રચાર દરમિયાન કોઈ જોરદાર કે અસરકારક સૂત્ર અમને આપ્યું નહિ. તમારા પપ્પાને હિંદી બરાબર નહોતું આવડતું એટલે એમણે (રાજીવજીએ)  “હમેં દેખના હૈ... હમ દેખેંગે” જેવું નબળું સૂત્ર આપ્યું હતું. પરંતુ તમારાં નાનીમા ઈન્દિરાજીએ તો “કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી” અને “ગરીબી હઠાવો” જેવાં બે જોરદાર સૂત્રો આપેલાં. ખેર ! તમે જ્યારે વડાપ્રધાન બનો ત્યારે અમને કોઈ જોરદાર સૂત્ર જરૂર આપજો. તમારું તો હિંદી સારું છે એટલે અમને તમારી પાસે ઘણી આશા છે.
બીજી એક વાત તમને ખાસ કહેવાની છે, રાહુલભાઈ તે એ કે તમારા ફાધર રાજીવજીએ સુરક્ષાકવચ તોડ્યું અને પોતાની જાત ખોઈ. તમારાં નાનીમા ઇન્દિરાગાંધીને એમના જ સુરક્ષાદળના એક જવાને ગોળી મારી અને કમોતે માર્યા – એટલે પ્લીઝ, તમે તમારી સુરક્ષાનો પૂરેપૂરો ખ્યાલ રાખજો, જેથી અમારે ફરીથી એક હોંશિલા, તરવરિયા અને યુવાન આશાસ્પદ નેતાને ખોવાનો વારો ન આવે.

રમેશ : (ચૂંટણીના ઉમેદવાર છગનને) આપ ચૂંટણી જીતશો તો શું કરશો ?
ઉમેદવાર છગન : એના કરતાં મને વધારે ફિકર હું ચૂંટણી હારીશ તો શું કરીશ એની છે.

ચૂંટણી લડતા દરેક ઉમેદવારને હોય છે એવી ફિકર તમને પણ થઈ જ હશે, ખરુંને રાહુલભાઈ ! Defeat is not when you fall down,  defeat is when you refuse to get up. હાર પડી જવામાં નથી પણ પડીને પાછા ઊઠવાનો ઇન્કાર કરવામાં છે. તમે ગયા વખતે ચૂંટણી હારેલા પણ પછી જોરદાર તૈયારી કરીને પૂરેપૂરી માનસિકતાથી ઝુકાવ્યું  અને આ વખતે ઝળહળતી ફતેહ મેળવી. બ્રેવો ! અભિનંદન !

પ્રસૂતિ અને ચૂંટણી ! રિઝલ્ટ આવ્યા પછી જ કંઈ નક્કર કહી શકાય. આ ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને કોંગ્રેસ જીતી એટલે એનું એનાલિસીસ ચાલુ થઇ ગયું. અહીં એની વાત જણાવું છું. અમારા જગદીશકાકાએ કહ્યું, “ જે નેતા ઝૂંપડપટ્ટીમાં જાતે જઈને ગરીબોના ખબર-અંતર પૂછે, એમની સાથે ઊઠે-બેસે-ખાય-પીએ તે નેતા અચૂક ચૂંટણીમાં જીતે.” અમે પૂછ્યું, “એનું શું કારણ, જગદીશકાકા ?”  તો એમણે કહ્યું, “અભણ લોકોની જાગૃતિ અને ધીરજ અને ભણેલાઓનું અજ્ઞાન અને આળસ.” વળી એમણે ઉમેર્યું, “અમારા બિલ્ડિંગમાં ૪૨ જણમાંથી ૨ જણ વોટ આપવા ગયા અને મારી કામવાળી, રસોઇવાળી અને ડ્રાઇવર સવારમાં વહેલા જઈને વોટ આપી આવ્યાં અને ડયુટી પર હાજર થઈ ગયાં.” એમણે તમારી ઝૂંપડપટ્ટીની મુલાકાતને તમારી સફળતાનું કારણ આપ્યું.

તો મુંબઈના જાણીતા ન્યૂમરોલોજિસ્ટ (અંકશાસ્ત્રી) સંજય બી.જુમાનીએ તમારા જ્વલંત વિજયનું રસમય તારણ કાઢ્યું. એમના કહેવા પ્રમાણે ૯મી ડિસેમ્બરે જન્મેલા તમારા મમ્મી સોનીયાજીનો જન્માંક ૯ છે. એમને અત્યારે ૬૩મું  વર્ષ ચાલી રહ્યું છે. (સ્ત્રીની ઉંમર કહેવાય કે પુછાય નહીં, પણ અહીં એનો ઉલ્લેખ જરૂરી છે) તો ૬ + ૩ = ૯ ! સોનિયાજીના સ્પેલિંગને આંકમાં ફેરવો તો થાય છે ૩૬. ફરીથી ૩ + ૬ = ૯ !  ટૂંકમા ત્રણે ત્રણ  રીતે અંકશાસ્ત્ર સોનિયાજીની તરફેણમાં છે, એટલે ચૂંટણીમાં તેમનો – તમારો વિજય થયો. “ખુદા દેતા  હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ” મતદારોએ મત આપ્યા તો મન મૂકીને આપ્યા છે. હવે આપવાનો વારો તમારો છે, તમે અમને ભૂલશો નહિ. “રાજકારણી એટલે ભ્રષ્ટાચારી” એ પરંપરા હવે તમારે જ બદલવાની છે.

એરોપ્લેનમાં છગનની બાજુમાં બેઠેલા અમેરિકન જ્હોને બડાશ મારતાં કહ્યું, “અમારે ત્યાં એક મજૂર દર મહિને ઓછામાં ઓછા ૫ હજાર ડૉલર કમાઈ લે. એમાંથી ૪ હજાર ડૉલર ખર્ચ કરે અને એક હજાર ડૉલર બચાવે.” છગને ઇંતેજારીથી પૂછ્યું, “અચ્છા ? તો એ બચાવેલા એક હજાર ડૉલરનું શું કરે ?” જ્હોને કહ્યું, “અમારે ત્યાં લોકોની પ્રાઇવેટ મેટરમાં કોઈ માથું ન મારે.” છગને કહ્યું, “અમારે ત્યાં મજૂર કે કારકૂન ખાસ નથી કમાતા પણ અમારા નેતા સંસદસભ્ય કે ધારાસભ્ય થાય એ દર મહિને એક લાખ રૂપિયા કમાય અને એક કરોડ રૂપિયા ખર્ચે છે.” “એક લાખની કમાણી અને એક કરોડનો ખર્ચ ? તો બાકીના રૂપિયા એ લોકો લાવે ક્યાંથી ?” જ્હોને આશ્ચર્યથી પૂછ્યું. છગને કહ્યું, “અમારે ત્યાં સરકાર કોઈ પણ નેતાની પ્રાઇવેટ બાબતમાં દખલગીરી કરતી નથી.”

આ તો એક હળવી રમૂજ છે. પણ તમે એને હળવાશથી લેશો નહિ. કેમ કે ચૂંટણી જીતવા કરતાં પણ રાજ ચલાવવું અઘરું કામ છે. ઘણા લોકોને અહીં ઝાઝી ગતાગમ નથી. એમને મન તો બે જ પક્ષો છે. કોંગ્રેસ અને ભાજપ. જે એકબીજાના કટ્ટર વિરોધી છે. પણ તમે તો જાણતા જ હશો કે સત્તાપક્ષના સેંકડો વિરોધીઓ ફૂટી નીકળે છે. તમારે તો લોકોના દિલ અને સહાનુભૂતિ જીતવાનાં છે. “દર્દીની નાડ પારખે તે સાચો વૈદ અને પ્રજાની મનોદશા પારખે તે સાચો નેતા.”

તમારામાં અમને એક સાચા નેતાનાં દર્શન થયાં છે. ૧૯૮૪ના શીખોની કત્લેઆમના સાઝીદાર ગણાતા જગદીશ ટાઇટલર અને સજ્જનકુમારને નિર્દોષ જાહેર કરીને કોંગ્રેસી ઉમેદવાર તરીકે તમે પસંદ કર્યા. પણ ગૃહપ્રધાન ચિદમ્બરમ પર જોડો ફેંકીને શીખોએ વિરોધ પ્રદર્શિત કર્યો. તમે સમયસર ચેતી જઈને એ બંનેની ઉમેદવારી રદ કરી તે ડહાપણનું કામ કર્યું  ને દિલ્હીની તમામ બેઠકો જીત્યા. મને તમારી એટલે કે મનમોહનસિંહની મુત્સદ્દીગીરી માટે માન થયું -  શ્રીલંકાના બનાવથી.  
શ્રીલંકામાં તામિળવ્યાઘોના ચુંગાલમાં નિર્દોષ તામિલો ફસાઈ ગયા ત્યારે એમની સલામતી માટે તમિલનાડુમાં જબરો ઉહાપોહ થયો હતો. પી.એમ.કે, એમ.ડી.એમ.કે. જેવા કટ્ટરપંથી પક્ષે કોંગ્રેસનો છેડો ફાડી નાખ્યો ને જયલલિતાએ શ્રીલંકાના વિભાજનની માંગણી કરી, પણ મુત્સદ્દી મનમોહનસિંહે કહી દીધું કે “પારકા પ્રદેશમાં લશ્કરી ચંચુપાત કરવાનું યોગ્ય નથી.” આપણા વિદેશમંત્રી પ્રણવ મુખરજીએ પણ સમતુલા જાળવી એમને ટેકો આપ્યો. આ બનાવથી પ્રભાવિત ભારતની જનતાએ નીરક્ષીર વિવેક દાખવી તમને મબલક મતો આપ્યા.

રાહુલભાઈ,ડાબેરી પક્ષોએ મનમોહનસિંહને આર્થિક વિકાસના પાયારૂપ અમેરિકાના અણુકરાર વખતે જે બ્લેકમેઈલ કરીને પરેશાન કરી મૂક્યા તે મને જરાય નહોતું ગમ્યું. પણ શું થાય “ગામ હોય ત્યાં ઉકરડો તો રહેવાનો જ” હશે ! “ભેંસના શીંગડા, ભેંસને ભારી” એ બધા હવે પેટ ભરીને પસ્તાતા હશે. બાકી ગુજરાતમાં નરેન્દ્ર મોદી, બિહારમાં નીતિશકુમાર અને દિલ્હીમાં મનમોહનસિંહ સિવાય કોઈ નેતાને દેશની આર્થિક સધ્ધરતામાં રસ હોય એવું લાગતું નથી. બધાને પોતપોતાની ખીચડી પકાવવામાં રસ છે અને મલાઈદાર ખાતા પડાવી લેવાની પડાપડી છે.

“Never think before you speak”  મતલબ કે “સમજ્યા વિચાર્યા વગર ભસી મરો” વાળા બિહારના લાલુજી ચૂંટણીમાં ઊંધા માથે પછડાયા છે. રામવિલાસ પાસવાન ફક્ત વાણીવિલાસના પાસવાન પુરવાર થયા છે. કાશ ! બિહારની બેઠકો ભાજપના બદલે તમને મળી હોત. ખેર ! “Better luck next time”  “બે ની લડાઈમાં ત્રીજો ફાવે” એ મુજબ યુ.પી.માં આઝમખાન અને અમરસિંહની લડાઈનો લાભ તમને મળ્યો એ સારી વાત છે. મહારાષ્ટ્રની વિચારશીલ પ્રજાએ પણ “મરાઠી માણસ” ના કન્સેપ્ટને ફગાવી દઈ કોંગ્રેસ પર પસંદગી ઉતારી છે. ચારેકોર તમારો જયજયકાર છે રાહુલભાઈ.

“ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે” એ વાત છેલ્લાં પાંચ વર્ષમાં પ્રાદેશિક પક્ષોનો સહકાર લેવામાં તમને બરાબર યાદ રહી ગઈ હશે. હવે તમારી જીત બાદ એ બધાં મિયાંની મીંદડી બનીને તમને સહકાર આપવા પડાપડી કરી રહ્યા છે, એ જોઇને યાદ આવે છે કે ‘સમય સમય બલવાન હૈ, નહિ મનુષ્ય બલવાન.”  નરેન્દ્ર મોદીની જ વાત લઇ લ્યો ને. ૨૦૦૭માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ, ડાબેરીઓ, લાલુઓ, પાસવાનો બધા જ આદુ ખાઈને નરેન્દ્ર મોદીની પાછળ લાગી ગયેલા. મીડિયામાં એમને બદનામ કરવાની એકે તક નહોતી છોડી. પરિણામે લોકોની સહાનુભૂતિ એમના તરફ વળી અને એમને અઢળક મત મળ્યા.

બરાબર એવું જ આ ૨૦૦૯ ની લોકસભાની ચૂંટણીમાં તમારી સાથે થયું ને તમે જીતી ગયા. તમે ચૂંટણી ભલે જીત્યા રાહુલભાઈ, પણ મને તમારી કોંગ્રેસમાં તમારા જેવા જુસ્સાવાળા બીજા કોઈ ખાસ નેતા દેખાતા નથી. એટલે હવે જ તમારું કામ કપરું થવાનું છે. તમારી નાનીમાનું સૂત્ર, “કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી” એ ખાસ યાદ રાખીને હવે ભારતની આર્થિક સમસ્યાને સુલઝાવી એને આર્થિક મહાસત્તા બનાવવાના ભગીરથ કાર્યમાં જરૂર લાગી પડજો.

લોકો તમને “મમ્મા’ઝ બોય” તરીકે ઓળખે છે તો તમે મમ્મીનું ઠરેલપણું, સૂઝબૂઝ, અનુભવમાંથી ઘણુંબધું અપનાવજો. અમને તો તમારામાં વડાપ્રધાનના તમામ ગુણો જોવા મળ્યા છે. તો નેક્સ્ટ ટાઈમ તમે વડાપ્રધાનપદનો ઇન્કાર ન કરશો. અમને તો તમારા જેવા બાહોશ – તરવરિયા – યુવાન વડાપ્રધાન જોઈએ છે. ચાલો ત્યારે, ઘરનાં ઘણાં કામો અધૂરાં પડ્યાં છે (તમારે ઘણાં કામો કરવાનાં બાકી હશે) એટલે પત્ર અહીં જ પૂરો કરું છું.

એજ લિ. આપની હિતેચ્છુ,
ભારતીય પ્રજાજનોમાંની એક, પલ્લવી.

એક પ્રધાને પ્રવાસ દરમ્યાન એક ખેતરમાં ભૂખમરાથી મરતા એક કુટુંબને ઘાસ ખાતું જોયું. એમને બંગલે લઈ લેવા આદેશ આપ્યો. કુટુંબના મોવડીએ હાથ જોડીને ગદગદ થઈને પ્રધાનને કહ્યું, ‘આપ કેટલા દયાળુ છો, અમને ભૂખે મારતા જોઇને તમારા બંગલે ખાવાનું આપવા લઈ જાવ છો.” પ્રધાને કહ્યું, “એવી ગેરસમજ ન કરો ભાઈ, હું તો મારા બંગલાના કમ્પાઉન્ડમાં ઊંચુ ઘાસ ઊગી નીકળ્યું છે, એટલે તમને લઈ જાઉં છું.”                                                                        
 

ભારતનું ભવિષ્યકથન


ભારતનું ભવિષ્યકથન    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. 

ગયા વર્ષ દરમિયાન જે અણધાર્યા, કાતિલ, સાહસપૂર્ણ, જીવ સટોસટના કે તદ્દન બુદ્ધિહીનતાભર્યા – નકામા બનાવો બની ગયા છે, એનો લાં...બો પડછાયો ચાલુ વર્ષના આગળના થોડા સમયગાળા પર પડશે અને પછી એ પડછાયો ધીમે ધીમે દૂર થતાં નવાં નવાં કૌભાંડો કરવાની સુવર્ણતક ભારતવાસીઓને પ્રાપ્ત થશે એવી આગાહી પ્રખર જ્યોતિષાચાર્યા, પ્રખ્યાત ભવિષ્ય-વેત્તા અને પ્રકાંડ લેખિકા એવાં શ્રીમતી પી.જે. મીસ્ત્રાસ્વામીએ કરી છે. એમના કથન મુજબ અલગ અલગ કૉમના લડવૈયાઓ કે જેઓ હાલ ધર્મના રક્ષણ અર્થે આપસમાં લડી રહ્યા છે તેઓ થોડો સમય લડત બંધ કરીને : ‘આપણે શાના માટે એકબીજા સાથે લડી રહ્યા છીએ ?’ પ્રશ્નનો સાચો જવાબ શોધી કાઢશે ત્યારે ફરીથી નવેસરથી ઝુંબેશ ચાલુ કરશે.

‘શનિ-મંગળના પારસ્પરિક શુભાશુભ મિલનથી ભોપાલકાંડ, હર્ષદકાંડ, બોફોર્સકાંડ, અયોધ્યાકાંડ કે એના જેવા જ બીજા-ત્રીજા કોઈ પણ કાંડ (કર્મકાંડ સિવાય) ભારતદેશમાં જ બની ગયા હતા એ વાત ચાલુ વર્ષની શરૂઆતમાં  લોકો ભૂલી જશે. એમને ઝઘડા કરવા માટેનાં કારણો સરકાર માઈ-બાપ પૂરાં પાડશે. જો સરકાર તેમ કરવામાં નિષ્ફળ ગઈ તો લોકો પોતાનો મારગ ખુદ શોધી લેશે. આગામી વર્ષમાં સમગ્ર ભારતની સમગ્ર પ્રજાને બેકવર્ડ ક્લાસમાં આવરી લેતાં ૧૦૦% અનામત પદ્ધતિ દાખલ કરાશે અને આમ અનામત પ્રશ્ને ચાલતા વર્ષો જૂના વિવાદનો અણધાર્યો અંત આવતાં વિધાર્થીઓની લડત માટે કોઈ નવો મુદ્દો શોધવા જવું પડશે.

શનિ વક્રી થશે તો ભારતના ભાગલા થશે. કેટલા ભાગલા થશે એ માટે કોઈ સારા અંક-જ્યોતિષની સલાહ લેવામાં આવશે. કાશ્મીર પાકિસ્તાનને સોંપી દેવાથી, ‘ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી’ કહેવત સાચી પડશે. ખેડૂતો ખેતરમાં રાઈફલ માટેની કારતૂસો પકવશે, જે માટેનાં બીજ પરદેશથી આયાત કરવામાં આવશે. ખેતરોમાં પાણીની અછત થશે તો માનવરક્ત વહાવવામાં આવશે પણ ખેતી તો થશે, થશે અને થશે જ.
એઇડ્સ, કેન્સર કે પ્લેગ કરતાં પણ કેતુ, શનિ અને રાહુનો પ્રભાવ લોકોમાં વધુ પ્રમાણમાં દેખાશે. પરંતુ તેનાથી ડૉકટરની આવકમાં જરા પણ ઘટાડો થશે નહીં. પરંતુ ઉત્તરોત્તર એમની આવકમાં વધારો જ જોવા મળશે. બિઝનેસમેન તરીકે ડૉકટરને સમાજમાં વધુ માન-આદરથી જોવામાં આવશે. આગામી વર્ષ દરમિયાન દેશમાં જે કાંઈ હિંસાત્મક બનાવો બનશે એ સર્વ હિંદી ફિલ્મોમાં રૂપેરી પરદે લોકોને જોવા મળશે. જે મૂળ બનાવો કરતાં પણ સચોટ રીતે આલેખાયેલા હશે. ઘણા ન બનેલા બનાવો વિશે પણ ફિલ્મો દ્વારા લોકો જાણકારી મેળવી શકશે. છાપાંઓ પણ આવા અજ્ઞાની લોકોનાં અજ્ઞાન દૂર કરી જ્ઞાનરૂપી અમૃતકટોરો (!!!) લોકોને પાવામાં સફળ થશે. ‘હિન્દુ એ કોઈ કૉમ નહીં પણ ધર્મ છે અને અયોધ્યામાં જે ઇમારત તોડી પડાઈ એ મંદિર નહીં પણ મસ્જિદ હતી.’ એ વાતની જાણ છાપાંવાળાઓએ જ તો લોકોને કરી હતી ને ?
એક આગાહી મુજબ રાહુ-કેતુના ઘર્ષણને લીધે આરબદેશ આપણને પેટ્રોલ-ઓઈલ આપવાની ના પાડશે. પછી આપણે સામે આપણા છોકરાં-છોકરીઓ વેચવાની ના પાડીશું ત્યારે સીધા થઈને આપણા પગે પડતા આવશે. ગ્રહોની રાજકીય સ્થિતિ બતાવે છેકે આપણે રશિયાથી વૈજ્ઞાનિકો, અમેરિકાથી ઘઉં, ઇંગ્લેન્ડથી શસ્ત્રો, અરબસ્તાનથી ખજૂર અને પાકિસ્તાનથી આતંકવાદીઓની આયાત કરીશું. બદલામાં આ રાષ્ટ્રોને આપણે કિડની, આંખ, હાથ, પગ, નાક, કાન, હાડકાં, બ્લડ અને મળી આવે તો (બચ્યાં હશે તો) હાર્ટ જેવાં સ્પેરપાર્ટ્સ પૂરા પાડીશું. ઘણા રાષ્ટ્રોની માંગ ‘બુદ્ધિ’ માટે હશે, પણ એ તો આપણે ક્યારની વેચી ચૂક્યા છીએ એટલે આપણે એ પૂરી પાડવામાં  અસમર્થ રહીશું.
દેશની આર્થિક, રાજકીય, ધાર્મિક, અને સામાજિક પરિસ્થિતિના સઘન અભ્યાસથી માલૂમ પડ્યું છે કે તમામેતમામ ચિંતાઓ, ટેન્શન, અરાજકતા અને અંધાધૂંધીમાંથી દેશને ફક્ત એક જ ગ્રહ કે ગુરુ બચાવી શકે છે, તારી શકે છે અને તે ગ્રહ છે ‘હાસ્યલેખક.’ આગામી વર્ષમાં હાસ્યલેખકોની માંગ વધી જશે.                                                     

સત્યકામ


સત્યકામ        પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

પુણ્યસલિલા સાબરમતી નદીના કિનારે મહર્ષિ ગૌતમ (પ્રિન્સિપાલ જી.કે.) નો આશ્રમ આવેલો હતો. એ આશ્રમના નિર્માણનું કાર્ય ખુદ આચાર્ય જી.કે. ના ભાઈ ડી.કે. કે જેઓ એક નામીચા  બિલ્ડિંગ-કોન્ટ્રાકટર  હતા,  તેમણે જનતાના પૈસે કર્યું હતું. ( આ જનતા એટલે આશ્રમમાં ભણવા આવનાર વિદ્યાર્થીઓના વાલીઓ) ભારે ડોનેશન આપનાર જનતાના સંતાનોને અહીં વગર માર્કશીટ જોયે એડમિશન મળી શકતું. એટલું જ નહીં, આર્થિક સધ્ધરતાના ધોરણે એવા વિદ્યાર્થીઓને ડિગ્રીઓ પણ પરીક્ષા લીધા વિના અપાતી હતી.

વહેલી પરોઢથી એટલે કે સવારે ૧૧ વાગ્યાથી આ આશ્રમ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના કલરવથી ગુંજી ઊઠતો. અને ૧૨ વાગ્યે તો વિદ્યાભ્યાસનું કાર્ય આરંભાઈ જતું. આસપાસનાં ઘણાં ગામોમાંથી કહેવાતા વિધાર્થીઓ સાઇકલ, સ્કૂટર, કાયનેટીક, બાઈક, કાર વગેરે સાધનો લઈ વિદ્યા ગ્રહણ કરવાના અને પોતાનું જ્ઞાન સમૃદ્ધ કરવાના હેતુસર આ આશ્રમ પર ઊતરી આવતાં.
સહાધ્યાયીઓ એકબીજા સાથે દેશની, દેશના આર્થતંત્રની, સ્કૂલની, સ્કૂલના ટીચરોની સ્ટાઈલની, હીરો-હિરોઈનોના નખરાંની –ઈશ્કબાજીની, સહાધ્યાયિનીઓના રૂપ, રંગ, કપડાંની તેમ જ તેણીઓના લખપતિ, કરોડપતિ બાપાઓની એવી ઘણી ગંભીર ચર્ચાઓ તદ્દન હળવા મૂડથી કરતાં.

 ઘણી વાર ડૂબવા આવેલી ફિલ્મસૃષ્ટિને તારવા કે ટેકો દેવાના આશયથી તેઓ મેટીની-શોમાં પુખ્તવયનાઓ માટેની ફિલ્મ જોવા ઊપડી જતાં.ચાની લારીએ ઊભા રહી ચાની ચૂસકીઓ લેતાં લેતાં અને પાન, મસાલા, તમાકુ ખાતાં ખાતાં ભારતના ભવ્ય ભૂતકાળની ( કે જ્યારે ઘી, દૂધની નદીઓ વહેતી ) અને દેશના યૌવનધન અને તેના સ્વાસ્થ્યની ચર્ચાઓ કરતાં. ફાઈવસ્ટાર હોટલમાં નાસ્તો કરતાં કરતાં તેઓ ભારતની ગરીબીરેખા નીચે જીવતા શ્રમજીવી વર્ગના ઉદ્ધારની વાતો કરતાં. આ સર્વ કાર્યોથી પરવારી તેઓ મૂડ હોય તો વર્ગમાં જતાં  અને આ રીતે તેઓ પોતાના અત્યંત મૂલ્યવાન એવા વિદ્યાર્થી-અવસ્થાના કાળનું નિર્ગમન કરી રહ્યાં હતાં.

આવી જ એક સલૂણી સવારની વેળા હતી.ટાવરના ઘડિયાળે હમણાં જ ૧૨ વાગ્યાના ઘંટ વગાડ્યા હતાં. પોપ મ્યુઝિક સાંભળીને, ચા-નાસ્તો પતાવીને વિદ્યાર્થીઓ હમણાં જ કેન્ટીનમાંથી આવીને ક્લાસમાં ગોઠવાયાં હતાં. ઘંટારવ થતાં જ આચાર્ય જી.કે. વિદ્યાદાન અર્થે ક્લાસમાં પધાર્યા. પોતાનું વક્તવ્ય શરુ કરતાં પહેલાં, હંમેશ મુજબ એમણે પોતાની સર્વગ્રાહી નજર ક્લાસના વિદ્યાર્થી (ખાસ કરીને વિદ્યાર્થીની)ઓ પર ફેંકી. એમની નજર છેલ્લી બેંચ પર બેઠેલા અપરિચિત પરંતુ અત્યંત તેજસ્વી જણાતા યુવાન પર અટકી. તેઓ એ યુવાનને તાકી રહ્યા, પણ યાદશક્તિએ સાથ ન આપ્યો. (કે એની પાસેથી ડૉનેશન મળ્યું હતું કે નહીં ?)

‘એ યૂ, સ્ટેન્ડ અપ એન્ડ કમ હીયર’ જી.કે. એ યુવાનને કહ્યું.
‘ગુડમોર્નિંગ સર’ યુવાને ઊભા થઈને જવાબ આપ્યો.
‘ઈટ’સ ઓલરાઈટ. (ચિરંજીવ ભવ) હું આર યુ ?’
‘આઈ એમ સત્યકામ, સર, યોર સ્ટુડન્ટ સર.’
‘વોટ્સ યોર ફાધર’સ નેમ ?’
‘આઈ ડોન્ટ નો સર.’
‘વોટ ? વોટ ઈઝ યોર સરનેમ ?’
‘ધેટ ઓલ્સો આઈ ડોન્ટ નો સર.’
‘તેં કોલેજમાં એડમિશન લીધું છે ?’ (ડૉનેશન આપ્યું છે ?)
‘નો સર.’
‘સ્ટુપિડ ! વગર એડમિશને તારે ડિગ્રી જોઈએ છે ? ગેટ આઉટ.’
‘યસ, સર.’
નિરાશ થયેલ, અપમાનિત થયેલ સત્યકામ ક્લાસની બહાર નીકળી, ભારે હૈયે ટેક્સી કરીને ઘરે આવે છે.
‘કેમ બેટા, આટલો જલદી ઘરે આવી ગયો ?’ માતા પૂછે છે.
‘મોમ, (મા), હું કાલથી કૉલેજ નહીં જાઉં.’
‘પણ કંઈ કારણ ?’
‘પ્રિન્સિપાલ જી.કે. મને પિતાનું નામ અને અટક પૂછે છે.’
‘એમાં શું બેટા, કાલે એમને જઈને કહેજે કે -  સાબરમતીના કિનારે જે હોટલ શીશમહલ છે એની માલિક મારી માતા છે. મારી માતાનું નામ અરુંધતિ (જે આજથી ૧૮ વર્ષ પહેલાં તમારી વિદ્યાર્થીની હતી) છે. મારા નાનાજી રાજ્યના એક મોટા પ્રધાન છે.’
‘શું આટલું કહેતાં તેઓ મને ક્લાસમાં બેસવા દેશે ?’
‘હું તને એક કવર આપું છું એ તેમને આપી દેજે.’

બીજે દિવસે સત્યકામ ફરીથી આશ્રમના એ વર્ગમાં આવે છે અને માતાએ કહેલી વાત મહર્ષિ ગૌતમને કહે છે. અને પેલું ભારે લાગતું કવર એમને આપે છે. મહર્ષિ એ કવર ખોલીને જુએ છે અને પછી કોટના ખિસામાં સરકાવી દે છે. સત્યકામની આંખોમાંથી ટપકતી નિર્દોષતા જોઇને મહર્ષિ ગૌતમનું પિતૃવાત્સલ્ય ઊછળી આવે છે. તેઓ સત્યકામને વહાલથી આલિંગન આપે છે અને પ્રથમ બેંચ પર બેસાડે છે. હવે સત્યકામને કોઈ અસુખ નથી. ફક્ત એના ભોળા મનમાં માતા અને આચાર્ય વિશે કેટલાક પ્રશ્નો ઊઠ્યા કરે છે. પણ કેટલાક પ્રશ્નોનાં કોઈ સમાધાન નથી હોતાં એ સત્યકામ સારી રીતે જાણે છે. 

                                 

ટેલીફોન મેનર્સ


 ટેલીફોન મેનર્સ                  પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

           પ્રિય વાચકમિત્રો, આખાય વિશ્વમાં ગુજરાતનું અને તેમાંય અમદાવાદનું કલ્ચર કંઈક અનોખું જ છે. એમાં પણ જેમની પાસે પોતાની માલિકીનો ટેલિફોન હોય એવા અમદાવાદીની પર્સનાલિટીની તો વાત જ કંઈક નિરાળી હોય છે. એમની ટેલીફોન - મેનર્સ રમૂજી અને મનોરંજક હોય છે. રજાના દિવસે બપોરે ૧૨ થી ૩ ની વચ્ચે ફોન કરીને પૂછશે, ‘મેં આપણી ઊંઘમાં ખલેલ તો નથી પહોચાડી ને ?’  ‘ અથવા ‘આપના આરામના સમયમાં મેં વિક્ષેપ તો નથી પાડ્યોને ?’ આમ અમદાવાદી પાછો   વિવેકી ઘણો. સવારે કામની વ્યસ્તતાના સમયે જ એ ફોન કરીને તમારી પાસે અમુકતમુક ત્રાહિત વ્યક્તિનો ટેલિફોન નંબર માંગશે અથવા સોસાયટીમાંથી કોઈ ભાઈને ફોન પર બોલાવી લાવવા કહેશે. ઘણાને ટેલિફોન પર : ‘હું કોણ છું, મને ન ઓળખ્યો ?’ જેવો કોયડો પૂછવાની ઘણી મજા આવે છે. તમે એના પર  ગમે તેટલા ચિઢાઓ તો પણ ક્યાં ફટકારી શકવાના છો ? અમદાવાદી સંસ્કૃતિ પર વધુ પ્રકાશ ફેંકવા બે-ત્રણ કિસ્સાઓનો ઉલ્લેખ કરું છું... 

(૧)

‘હલ્લો, હલ્લો, નથી ?’
‘ના રે ના, બે દિવસ પહેલાં પિક્ચર જોવાના પૈસા લઈને ગયો એ ગયો, ત્યારનું મોં જ કોણે દેખાડ્યું છે ? સાવ રખડેલ થઈ ગયો છે.’
‘હેં ? કોણ ?’
‘અમારો રામો વળી.’
‘પણ હું તમારા રામનું નથી પૂછતો.’
‘લો કરો વાત, સવારથી સાત ફોન આવ્યા એમાં તમારો જ ફોન એવો છે કે તમે રામાનું નથી પૂછતા. તમે કોનું  પૂછો છો ?’
‘ભાઈ નથી ?’
‘છે ને. ભાઈ તો છે જ.’
‘તો બલાવો ને.’
‘કોને ? ભાઈને ?’
‘ત્યારે બીજા કોને વળી ?’
‘તેઓ ના આવી શકે.’
કેમ, માંદા છે ?’
‘માંદા પડે એમના દુશ્મન. મારા ભાઈ તો સાજા જ છે. પણ વાત શું છે કે તેઓ સુરત રહે છે અને કામ વગર આટલે લાંબે અમદાવાદ ન આવી શકે.
’હું તમારા  ભાઈની વાત નથી કરતો.’
‘ત્યારે તમારા ભાઈની વાત કરો છો ? ઘેરથી કહ્યા વિના જતા રહ્યા છે ? પોલીસમાં ફરિયાદ નોંધાવી ?’
‘હું મારા કે તમારા ભાઈની વાત નથી કરતો. મિતેશભાઈ – તમારા હસબન્ડની વાત કરું છું.’
‘તો પહેલેથી એમ કહેતાં શું થાય છે ? ક્યારના ભાઈ ભાઈ કરો છો !’
‘મને એમ કે તમે સાનમાં સમજી જશો.’
‘ધડ-માથા વિનાની વાત સાનમાં કોણ સમજી શકે ? એની વે, એ તો ગયા છે.’
‘બહારગામ ગયા છે ?’
‘ના, સૂઈ ગયા છે. ‘હોય’ તો ઉઠાડું.’
‘શું ? શું હોય તો ?’
‘અરજન્ટ કામ હોય તો ઉઠાડું નહીં તો અડધો કલાક...’
‘શું ?’
‘સાનમાં ન સમજ્યા ? અડધો કલાક પછી ફોન કરજો, આવજો.’

(૨)

‘હલ્લો, હલ્લો, ક્યાંથી ?’
‘શું ક્યાંથી  ?’
‘ક્યાંથી બોલો છો ?’
‘અમદાવાદથી.’
‘તે હું વળી કયો અમેરિકાથી બોલું છું ?’
‘હું મારા ઘરમાંથી જ બોલું છું.’
‘એ તો મૂર્ખાને ખબર પડે.’
‘તમને ખબર પડી ગઈ ને ? તો હવે ન ખબર પડે એ વાત પૂછો.’
‘કેમ ભાભી, ઓળખાણ ન પડી ?’
‘અરે હોય, આવા સવાલો (વાહિયાત સવાલો) તમારા સિવાય (મૂરખના સરદાર સિવાય) કોણ પૂછે ?’
‘તો પછી આપોને.’
‘શું આપું ?’
‘ફોન વળી, બીજું શું ?’
‘તમારે ફોન જોઈએ છે ? તો ટેલિફોન ખાતામાં અરજી કરો.’
‘ઓહ ! અમિતભાઇને ફોન આપો.’
‘એ તો ઘરે નથી. કામના દિવસે બપોરે ૧૨ થી ૩ માં એ ઘર ક્યાંથી હોય ?’
‘તો પછી ક્યારના કહેતાં કેમ નથી ?’
‘તમે ક્યારના પૂછતા કેમ નથી ? બોલો, બીજું કંઈ મારે કહેવાનું એટલે કે તમારે પૂછવાનું છે ?’
‘ના, અમિતભાઈ આવે એટલે મને ફોન કરાવજો.’
‘ભલે.’

(૩)

‘હલ્લો, હલ્લો...’
‘હલ્લો, કોણ બોલો છો ?’
‘મને ન ઓળખ્યો ભાભી ?’
‘હજી હું મને જ નથી ઓળખી શકી ત્યાં ...કોણ બોલો છો ?’
‘બસ, એટલી વારમાં ભૂલી ગયાં ને ?’
‘અરે, પણ મેં તમને યાદ જ ક્યારે કર્યા હતા કે...’
‘તો પછી કહો જોઉં, હું કોણ બોલું છું ?’
(‘મૂર્ખ, બબૂચક, ડફોળ...) પણ એ હું કેમ કહી શકું ?’
‘યાદ કરો, યાદ કરો...’
‘એ હા, યાદ આવ્યું.’
‘આવ્યું ને ? વાહ, કહો જોઉં.’
‘મને યાદ આવ્યું કે ગેસ પર દૂધ ગરમ કરવા મૂક્યું છે તે ઉભરાઈ જશે, ફોન મૂકી દઉં ?’
‘એ ના, ના, તમે ગેસ બંધ કરીને આવો, હું ચાલુ રાખું છું.’
‘હલ્લો, અરે, હજી ફોન ચાલુ છે ? (૫ મિનિટ લગાડી તો ય ?)’
‘હં, હવે બોલો, હું કોણ છું ?’
‘એમ કરો ને, તમે કાલે ફોન કરજો. હું યાદ કરી રાખીશ.’
‘ભાભી, હું અમુલખભાઈ, હવે ઓળખ્યો ?’
‘કેમ નહીં ? ગયા અઠવાડિયે જ તો તમે ૫૦૦૦ રૂપિયા ઉધાર લઇ ગયેલા, તે જ ને ?’
‘હેં, હા, હા, ચાલ્યા કરે એ તો. આપણા ઘેર ક્યારે આવો છો ?’
‘આપણા ઘેર ?’
‘એટલે અમારા ઘરે ભા..ભી, બોલો, ક્યારે આવો છો ?’
‘કંઈ નક્કી નથી કર્યું.’
‘તમે રહ્યા મોટા માણસ. અમારા જેવા નાના માણસના ઘરે ક્યાંથી આવો, હેં ?’
‘એવું નથી, અમુલખભાઈ, હમણાંના તો ઘણા વખતથી અમે કોઈ મોટા માણસના ઘરે પણ નથી ગયા. ફુરસદ જ નથી.’
‘એમ બોલોને યાર, એવું હોય તો અમે તમારે ઘેર આવીએ.’
‘કેમ ? (બીજા રૂપિયા ઉધાર જોઈએ છે ?) કેમ ?’
‘તમે ય શું ભાભી ? એમ ને એમ ન અવાય ?’
‘એ તો તમે ઘણી વાર આવો જ છો ને ?’
‘અરે ! તમે બોલાવો અને અમે ન આવીએ એવું તે બંને ?’
‘એમ તો અમે ન બોલાવીએ ને તમે આવો એવું પણ બંને ને ?’
‘હેં ? શું કહ્યું ?’
‘કંઈ નહીં.’
‘તો પછી એકાદ-બે દિવસમાં - ગુરુવારે મળીએ.’
‘નહીં ચાલે ?’
‘શું કહ્યું ?’
‘કંઈ નહીં, મજામાં છો ને એમ પૂછ્યું.’
‘હા, હા, સંદીપભાઈ મજામાં કે ?’
‘ગુરુવાર સુધી તો ખરા જ.’
‘ઠીક ત્યારે, એમને મારી યાદ આપજો.’
‘ભલે.’  (પણ તમારી યાદ  એમને આપું છું ત્યારે તેઓ ગુસ્સે થઈને કહે છે, ‘એ બબૂચક, ઉધારચંદ, ગુંદરિયાને યાદ કરીને મારો દિવસ ન બગાડ.)

     




કોરોનાવાસ (વિશ્વકર્મા વિશ્વ)


કોરોનાવાસ (વિશ્વકર્મા વિશ્વ)       પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. (૨૬-૪-૨૦૨૦)

રમેશ : હેલો, સુરેશ. વોટ્સ અપ ? આ લોકડાઉન ના પીરીયડમાં તું ઘરમાં શું કરી રહ્યો છે ?
મહેશ : યાર, વાત જવા દે ને. કંઈ કહેવાય એવું નથી.
રમેશ : એવું તે શું કામ કરી રહ્યો છે કે ખાસ ફ્રેન્ડને પણ કહેવાય એવું નથી ? જરા હમ ભી તો સુને.
મહેશ : યાર, આ કોરોના વાયરસે તો બધા લોકોને હેરાનપરેશાન કરી મુક્યા છે. લોકડાઉનના કારણે નથી તો કામવાળી આવતી કે નથી  તો રસોઈયો આવતો. વાઈફ રસોઈ બનાવે, છોકરાં સંભાળે. હું વાસણ ઘસું અને કચરા-પોતા કરું. પાછી ઘરમાં એકતા તો એવી છે કે હું પાણી પીવા ઉઠું ત્યારે જ બધાને તરસ લાગે. કંટાળી ગયો છું, યાર. બોલ, તારે કેમનું છે ?
મહેશ : મારે તો આરામ જ આરામ છે.
રમેશ : કેમ, ભાભી તને કામમાં મદદ કરાવવાનું નથી કહેતા?
મહેશ : ના રે. ઉલટાનું હું મદદ કરાવવાનું કહું તો મને ભાર દઈને ના પાડી દે છે.
રમેશ : શું વાત કરે છે, વાહ વાહ ! આવી વાઈફ સૌને મળે. નસીબદાર છે, તું તો યાર.
મહેશ : એવું કંઈ નથી. વાત ખાનગી રાખવાની શરતે તને કહું છું. એણે મને વાસણ સાફ કરવાના કહ્યા તો મેં એક દિવસ કપ અને બીજા દિવસે કાચનો ગ્લાસ તોડી નાખ્યો. ત્રીજા દિવસે નળ ફૂલ ફોર્સમાં ખોલીને સીન્કની બહાર કિચનમાં પાણી પાણી કરી મુક્યું. એણે મને કચરો  વાળવા કહ્યું તો મેં રૂમની વચ્ચેવચ્ચેથીકચરો  સાફ કરીને ખૂણે ખૂણે રહેવા દીધો, ને ઉપરથી મોંઘાં ભાવના ઝાડુનો દાંડો ભાંગી નાખ્યો. એણે મને પોતા મારવા કહ્યું તો મેં ફર્શ ભીની રાખી જેના પર એ લપસી પડી, મારા સદનસીબે એને ખાસ વાગ્યું નહિ. એણે મને શાક સમારવા કહ્યું તો મેં મારી આંગળીમાં ચપ્પુ વગાડી મુક્યું. લોહી નીકળ્યું એટલે એણે ડેટોલથી સાફ કરીને પાટો બાંધી આપ્યો. જો કે આ બધી અજાણતા થયેલી ભૂલો માટે મેં એની માફી માંગી લીધી. પછી તો મેં એને જ્યારે જ્યારે ઘરકામમાં મદદ કરાવવાની તૈયારી બતાવી ત્યારે ત્યારે એણે ઘભરાઈને ‘હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા’ એવું કંઇક  બોલીને મને ઘસીને ના જ પાડી દીધી. બસ, આપણા રામને તો ત્યારથી હવે આરામ જ આરામ અને જલસા જ જલસા છે.
રમેશ : એ બધું તો ઠીક પણ તને આખો દિવસ આમ ઘરમાં બેસીને કંટાળો નથી આવતો ?
મહેશ : કંટાળો તો બહુ આવે છે. પણ એકવાર કાર લઈને હું અમસ્તો બહાર ગયો તો પોલીસે કારમાંથી મને ઉતારીને રસ્તાની સાઈડે આઠ ‘ઉઠબેસ’ કરાવી. તો પણ બીજીવાર  હું સ્કુટર  લઈને નીકળ્યો તો પોલીસે મને એવી જગ્યાએ ડંડાથી  ટેટુ કર્યું કે તારી ભાભીને કહી પણ નથી શકતો અને સોફા કે ચેરમાં સરખી રીતે બેસી પણ નથી શકતો.
રમેશ : ‘હાથના કર્યા હૈયે વાગ્યા’ તે આનું જ નામ, સમજ્યો ? 
મહેશ : યાર, તું મારો ખાસ દોસ્ત થઈને મને ‘દાઝ્યા પર ડામ’ આપે છે ?
રમેશ : સોરી યાર, તારી અદેખાઈ થઇ  એટલે એમ બોલાઈ ગયું, ઘરકામ કરી કરીને હું થાકી ગયો છું. વાસણ ઘસવાનો પણ બહુ કંટાળો આવે છે, પણ હમણા તો વાઈફને એવું પણ કહેવાય એવું નથી કે ‘ચાલ, ડીનર બહાર લઇ લઈશું.’  ખેર ! મારે કપડાને ઈસ્ત્રી કરવાના બાકી છે, એટલે હવે પછી ક્યારેક વાત કરીશું. બાય.    
દોસ્તો, કોરોના વાઈરસનો કહેર તો  દેશ - પરદેશ આખી દુનિયામાં બધે જ ભયંકર રીતે ફેલાયો છે. સતયુગમાં સીતાજીની સુવર્ણમૃગની તૃષ્ણાને કારણે પહેલું લોકડાઉન લક્ષ્મણે સીતાજી માટે કર્યું હતું. રામની મદદમાં જતાં પહેલાં ઝૂંપડીમાં એકલા રહેલા સીતાજીની સુરક્ષા કાજે લક્ષ્મણે ઝુંપડીની બહાર એક રેખા (જે પાછળથી લક્ષ્મણરેખા તરીકે ઓળખાઈ) દોરી હતી અને સીતાજીને એ રેખા ઓળંગીને બહાર જવાની મનાઈ ફરમાવી હતી.
કળીયુગમાં આપણા ‘કાબિલે તારીફ’ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ‘કોરોના વાઈરસ’ નામના રાવણથી ય અતિ ભયંકર રાક્ષસ જેવા રોગશત્રુથી બચવાના એક રામબાણ ઉપાય તરીકે આપણને સૌને પોતપોતાના ઘરમાં નમ્રતાભરી  અપીલ કરીને કેદ કર્યા છે. એક ભક્તે તો આના કારણે ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું, ‘હે ઈશ્વર ! કોરોના વાઇરસના કારણે આવેલા લોકડાઉનથી ઘરમાં રહેવાને કારણે મારા ૨૧ દિવસ નકામા ગયા છે. તો મને તું એટલા દિવસની જીંદગી એક્સટેન્ડ કરી આપ. ભગવાને એને ટપારતા કહ્યું, ‘અલ્યા, આ ૨૧ દિવસ જ તો તું જીવ્યો છે, બાકી તો જીવનભર તું  ભટક્યો જ છે.’ કોરોનાએ લોકોને વિનાકારણ ઘરની બહાર ભટકતા અટકાવી દીધા છે.
સોશિયલ મીડિયા (વોટ્સ એપ, ટ્વીટર, ફેસબુક,વગેરે) પર જ્ઞાનીઓ કોરોના વિષે અગાધ જ્ઞાન પીરસી રહ્યા છે, એમાં મેં ક્યાંક વાંચ્યું કે વોશિન્ગટન આઈ.એ.એન.એસ. અમેરિકન low કંપની અને ટેક્સાસની એક કંપનીએ ‘કોરોના વાઈરસ’ ફેલાવવા માટે જવાબદાર ગણીને ચાઈના પર વીસ લાખ કરોડ (અધધધ!) નુકસાનીનો દાવો માંડી દીધો છે. પણ ચાઈનાની કોઈપણ પ્રોડક્ટ આટલી લાં....બી ચાલે જ નહિ, એટલે ચાઈના એ માટે કદાચ જ જવાબદાર હોય, એવું મને લાગે છે. જો કે કેટલીકવાર આપણને જે લાગતું હોય તે હમેશા સાચું જ હોય એવું નથી હોતું.        
દોસ્તો, તમને શું લાગે છે ? તમે એક  વાત નોટીસ કરી, કે – ‘આપત્તિના સમયે આપણી એટલે કે માણસ જાતની  ‘સેન્સ ઓફ હ્યુમર’ એટલે કે ‘રમુજવૃત્તિ’ અને ‘ક્રિએટીવીટી’ એટલે કે ‘સર્જનાત્મકતા’ ઘણી જ ખીલી ઉઠે છે ? આ ‘કોરોના વાઈરસ’ નામની મહામારીમાં પણ લોકોએ સોશિયલ મીડિયા એટલે કે વોટ્સ એપ, ટ્વીટર, ફેસબુક, વગેરે પર  વહેંચેલા ફિલોસોફીકલ સંદેશાઓ, ફોટો, કાર્ટુન્સ વગેરે જોતા મને આ વાત સાચી લાગે છે.
દાખલા તરીકે - એક મહાન પરદેશી વૈજ્ઞાનિકે જાહેર કર્યું, ‘અમે એવું મશીન બનાવીશું કે જેમાં એકબાજુથી ‘કોરોના’ નાખો તો બીજી બાજુથી ‘કરીના’ નીકળશે. ભલે તો, કરીનાના ઘરના લોકોને કંઈ વાંધો ન હોય તો અમે શું કામ વિરોધ કરીએ, ખરું કે નહિ ?  એ કોરોના માંથી કરીના બનાવે, કે પછી આલુમાથી સોનું બનાવે, આપણને કેટલા ટકા ? તમારા ચમત્કાર તમે જાણો અને તમારો દેશ જાણે, પણ મારો ભારતદેશ તો હીરાબાના હૈયાના હાર એવા સપૂત શ્રી ‘નરેન્દ્ર મોદી’ ને ઉત્પન્ન કરી શકે, જે અત્યારે આખા દેશની સૌથી જવાબદાર વ્યક્તિ તરીકે ઓળખાય છે.  
એમના પછી જવાબદાર વ્યક્તિ તરીકે બીજો નંબર ડૉકટર, નર્સ, આર્મી, પોલીસ, બેન્કર્સ, સફાઈ કામદારો વગેરે વ્યવસાયિક લોકોનો આવે, એ લોકોને બધા વતી મારા સલામ. એ પછીનો જવાબદાર વ્યક્તિનો ખિતાબ ગૃહિણીને ભાગે જાય છે. કામવાળી નથી, રસોઈયો નથી, પતિ ઓફિસમાં છે (અથવા ઘરે છે, કંઈ ખાસ ફર્ક નથી પડતો), બાળકો ૨૪ કલાક ઘરમાં છે, ઓછી સામગ્રીથી ઘર ચલાવવાનું છે, બહાર ખાવા જવાનું બંધ છે, અને સૌથી દુઃખદાયક વાત એ છે, કે કોઈપણ જાતના ‘સેલ’ માં જવાનું બંધ છે.
પત્ની : મને ૩૦૦૦ રૂપિયા આપોને
પતિ : અત્યારે કોરોનાને લીધે લોકડાઉન છે, બહાર કશે જવાય એમ નથી, ત્યારે તારે આટલા રૂપિયા કેમ જોઈએ છે ?
પત્ની : મારે સાડીઓના સેલમાં જવું છે.
પતિ : ગાંડી થઇ ગઈ છે કે શું ? અત્યારે  વળી કેવું સેલ ? પતિને પત્નીનું માનસિક સંતુલન બગડેલું લાગ્યું.
‘મારી સાથે આવો’ કહીને પત્ની પતિનો હાથ પકડીને બેડરૂમમાં લઇ ગઈ. બેડ પર ‘પ્રાઈસટેગ’ લગાવેલી અને સેલમાં મૂકી હોય તેમ અવનવી સજાવેલી સાડીઓ જોઇને પતિ આભો થઇ ગયો. ‘સ્ત્રીને સમજવી અઘરી છે’ એ વાત એને આજે સમજાઈ ગઈ. ખરેખર સ્ત્રી એ સર્જનહારનું અદભૂત  સર્જન છે, કેમ કે એ પોતે પણ માનવજાતની સર્જક છે. તમે ફેસબુક પર જોયું હશે, કે આવા આપત્તિના સમયે પણ સ્ત્રીઓ પોતાનો સાડી પહેરેલો ફોટો અપલોડ કરીને પોતાની બીજી સહેલીઓને પણ એમનો સાડી પહેરેલો ફોટો શેર કરવાની ચેલેન્જ આપે છે.
અને પુરુષો ? ખાસ કરીને ઘરમાં ઓછું ટકનારા અને બહાર વધારે ભટકનારા પુરુષો આ લોકડાઉનથી વ્યથિત થઈને   બળાપો વ્યક્ત કરે છે,  *યાર, આજકાલ જીવન આદિમાનવના જીવનમાં તબદીલ થઇ ગયું છે.ખાવાનું-પીવાનું-સુવાનું અને ઘર નામની ગુફામાં રહેવાનું. કોઈ વસ્તુ લેવા ઘરની બહાર જઈએ  તો શિકાર કરવા જતા હોય એવી ફીલિંગ આવે છે.  *યાર, ટ્રેનમાં મુસાફરી કરતા હોય એવી ફીલિંગ આવે છે, ટોયલેટ જવા ઉઠવાનું અને આવીને પાછા પોતાની જગ્યાએ બેસી જવાનું. *યાર, ઘરમાં આઇસોલેટેડ થઈને બેઠાબેઠા ખાઈએ છીએ એમાંને એમાં, પેન્ટ અને શર્ટના ગાજ અને બટનમાં અઈસોલેટેડ થવાની સ્પર્ધા થઇ જશે એમ લાગે છે. *યાર, સવારથી ત્રણ વખત ખાઈ ચુક્યો છું, બે વખત સુઈને ઉઠ્યો છું, છતાં હજી સુધી બપોર જ થઇ છે, વગેરે વગેરે. કેટલાક સંત પ્રકૃતિ ધરાવતા પુરુષો એમ પણ કહે છે કે – Who says ‘Nothing is Impossible ?’ from past few days   I am doing Nothing   and trust me   ‘It is Possible.’ 
‘કોરોના વાયરસ’ ના આ કાળ એટલે કે સમયમાં ‘બિગબોસ’ નામના ટી.વી.પ્રોગ્રામની યાદ આવે છે. જેમાં થોડા થોડા દિવસોના અંતરે બોસ આવીને ઘરના સભ્યોને  એકાદ ‘ટાસ્ક’ આપીને જતા રહે છે. એમ આપણા પ્રાઈમ મીનીસ્ટર મોદીજી અમુક અમુક દિવસે આવીને, એક રવિવારે ‘ઘંટડી, શંખ કે થાળી વગાડવાનું’ કામ સોંપી જાય છે, તો એકાદ રવિવારે ‘ઘરની લાઈટ બંધ રાખીને દીવડા પ્રગટાવવાનું’  કામ સોંપી જાય છે. ભલે, બોસે સોંપેલું કામ કરજો, પણ કોઈ બહેન સફેદ સાડી પહેરીને હાથમાં મીણબત્તી લઈને અંધારામાં ચાલશો નહિ, બીજું તો કંઈ નહિ પણ  નાહક ઘરના લોકો ડરી જાય. પણ અહી એક વાત ધ્યાનમાં રાખજો, કે રવિવારે માત્ર ‘દિવાળી’ જ ઉજવવાની છે, સોમવારે’ બેસતું વરસ’ સમજીને બધાને ‘સાલ મુબારક’ કરવા નીકળવાનું નથી, નહીતર સમજી લેજો, તમારુ ‘બેસણું’ પણ નહિ થાય.
બાકી ભારતના લોકોમાં ડહાપણની તો જરાય કમી નથી. એકેએક જીવમાં ફિલસૂફ સમાયો છે.  *આજે છુટા રહીશું તો કાલે ભેગા થઈશું, પણ અત્યારે ભેગા થઈશું તો હમેશ માટે છુટા પડી જઈશું. *આ સિઝનમાં કેરી ખાવાની ઈચ્છા હોય તો ચુપચાપ ઘરમાં જ રહેજો, નહીતર એવા હાલ થશે કે કોઈ સગું વહાલું ખબર પૂછવા પણ નહિ આવશે. *વેન્ટીલેટર કરતાં સારું છે - માસ્ક, આઈ.સી.યુ. કરતાં સારું છે – ઘર, જીંદગીથી હાથ ધોવા કરતાં સારું છે – સાબુથી હાથ ધોવા. ....પછી તો જેવી તમારી મરજી.  * Please ISOLATE – before you regret – why ‘I – SO –LATE ?
મારી એક ફ્રેન્ડ તો ‘કોરોના વાયરસ’ અને એને લીધે થયેલા ‘લોકડાઉન’ થી એટલી બધી ઉશ્કેરાઈ ગઈ કે મને ફોન કરીને બોલી, ‘જો મોદીજી મને એકવાર ચાઈના જવાની પરમીશન આપેને તો હું એ ચીનીયાઓને બતાવી દઉં કે –ખાંડવી, ઢોકળા, ખમણ, દાળઢોકળી, સમોસા, પાત્રા કઈ રીતે બનાવીને ખવાય. માળાઓ સાપ, ઉંદર, ચામાચિડિયું જે હાથ લાગ્યું તે ગળચે છે.’ ખરેખર તો આપણે ચાઈનાની પિચકારી અને ફટાકડા બંધ કરાવવાનું વિચારેલું, પણ ચાઈનાએ તો આપણા દાબેલી, વડાપાઉં, ફાફડા, સમોસા...આખું ભારત સુધ્ધાં બંધ કરાવી દીધું. 
એ વાત સાચી છે કે ‘આપણી પાસે ચાઈના જેવો પાવર નથી, ઇટાલી જેવી મેડિકલ ફેસીલીટી નથી, અમેરિકા જેવી એટમિક શક્તિ નથી, પણ એ વાત પણ એટલી જ સાચી છે કે – આખી દુનિયાના કોઈ પણ દેશ પાસે આપણી પાસે છે એવા પ્રધાનમંત્રી મોદીજી નથી.આપણા માટે એ સૌથી મોટા સદભાગ્યની વાત છે. આજે બધા જ કહે છે, ‘મોદીજી હૈ તો મુમકીન હૈ.’ જો કે હવે જ્યારે જ્યારે સાંભળવા મળે છે કે – મોદીજી આજે ટી.વી. પર રાષ્ટ્રજોગ સંદેશ આપવાના છે, ત્યારે  સાચું કહું છું, દિલના ધબકારા બહુ તેજ થઇ જાય છે, ‘હવે મોદીજી શું બંધ કરાવશે ?’ એ વિચારે.  
આપણે આખી દુનિયાને ‘હેન્ડશેક’ કરવાને બદલે ‘પ્રણામ’ કરતાં શીખવ્યું. તો પશ્ચિમના દેશોએ આપણને કામવાળાને બદલે જાતે કામ કરવાનું શીખવાડ્યું. પુરુષોએ ઘરકામ શીખવાનું બાકી રહ્યું હતું તે પત્નીએ શીખવીને પૂરું કર્યું,     પતિ (પત્નીને) : પ્રિયે મને શીતલ જલ આપોને. પત્ની (પતિને) : આર્યપુત્ર, આપ પોતે જાતે જલ ગ્રહણ કરો, આ ઘરવાસ છે, વનવાસ નથી. દોસ્તો,  ‘લોકડાઉન ઉઠી જશે પછી તમે કોને તમારા ઘરમાં આવનાર પ્રથમ વ્યક્તિ તરીકે ઇચ્છશો ?’ એમ પૂછતાં ૮૦% સ્ત્રીઓએ જવાબ આપશે ‘અમારી કામવાળીને’ અને ૧૦૦% પુરુષો પણ આ જ જવાબ આપશે, એવું મને લાગે છે.   
વાઇરસને કારણે આપેલા લોકડાઉન ને સહ્ય બનાવવા દૂરદર્શને ટી.વી.સીરીયલ ‘મહાભારત’ અને ‘રામાયણ’ નું પુન: પ્રસારણ શરુ કર્યું છે. ત્યારે કદાચ એવું પણ બંને કે – પુરુષો ઓફિસે જવાનું શરુ કરશે, ત્યારે બોસને ઓફિસમાં એન્ટર થતા જોઇને તેઓ બોલી ઉઠશે, ‘મહારાજ ની જય હો !’
આ ‘કોરોના વાઈરસ’ નું ‘લોકડાઉન’  જાહેર થયું તે પહેલાની વાત છે. દીપેશ એક દિવસ ઓફિસેથી ઘરે આવ્યો. સામાન્ય રીતે બંધ રહેતો ઘરનો મુખ્ય દરવાજો આજે ખુલ્લો જોઇને એને નવાઈ લાગી. એ ઘરમાં દાખલ થયો ત્યારે એણે જોયું તો પોતાના બંને પુત્રો એકબીજા સાથે લડી રહ્યા હતા, એણે કિચનમાં જઈને જોયું તો ફર્શ પર નાસ્તો વેરાયેલો હતો અને સિન્કમાં એંઠા વાસણો પડ્યા હતા. પેસેજમાં વોશિંગ મશીન પર મેલા કપડાઓ અસ્તવ્યસ્ત પડ્યા હતા. એણે પોતાના બેડરૂમમાં જઈને જોયું તો એની પત્ની દીપા પલંગમાં આડી પડીને ટી.વી. પર ‘મહાભારત’ સીરીયલ જોતી હતી. એણે ગુસ્સે થઈને પૂછ્યું, ‘આ બધું શું છે ?’ દીપાએ હસીને કહ્યું, ‘તમે રોજ મને પૂછો છો ને કે આખો દિવસ તું ઘરમાં કરે છે શું ?’ ‘હા, તો ?’ દીપેશને કંઈ સમજાયું નહિ. ‘તો હું રોજ જે કરું છું તે આજે નથી કર્યું, બસ.’
ભગવાન રામને ‘વનવાસ’ થયો, પાંડવોને ‘અજ્ઞાતવાસ’ થયો, અને માણસજાતને ‘કોરોનાવાસ’ એટલે  ‘ઘરવાસ’ થયો. એનાથી પુરુષોના સ્ત્રીઓને માટે વર્ષોથી પેન્ડીંગ પડેલા પ્રશ્ન ‘તું આખો દિવસ ઘરમાં કરે છે શું ?’ નો જવાબ એમને મળી ગયો. દોસ્તો, તમે જ કહો, ‘આ ઉપલબ્ધી કંઈ  નાનીસુની છે?                            

Friday, 12 April 2019

એય ને પછી તો આપણને પણ લીલાલ્હેર


એય ને પછી તો આપણને પણ લીલાલ્હેર.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-આ વર્ષનો આપણા ઘરનો મ્યુનીસીપલ ટેક્સ મેં ઓનલાઈન ભરી દીધો છે. પતિદેવ બોલ્યા.

-સરસ. કેટલા રૂપિયા ભર્યા ? મેં પૂછ્યું.

-છવ્વીસસો ને ચોવીસ. (૨૬૨૪)

-કેમ, આટલા બધા ? ગયા વર્ષે તો સોળસો અઠ્ઠાવન(૧૬૫૮) ભર્યા હતા ને ?

-હા, તારી વાત સાચી છે. આ વર્ષે નવસો છાસઠ (૯૬૬) રૂપિયા વધારે ભરવા પડ્યા.  આ વર્ષે એરીયર્સના (પાછલા બાકી લેણાના) એકસોત્યાંસી (૧૮૩) રૂપિયા ઉમેરાઈને આવ્યા હતા.

-આપણે તો ગયા વર્ષે પણ એડવાન્સમાં જ પ્રોપર્ટી ટેક્સ ભર્યો હતો ને ? તો પછી મ્યુનીસીપલ કોર્પોરેશને આપણી પાસેથી એરીયર્સ, એટલે કે બાકી લેણાના એકસોત્યાંસી રૂપિયા લેવાના ક્યાંથી લેવાના કાઢ્યા ?

- ગુડ ક્વેશ્ચિયન. મને પણ આવો સવાલ મનમાં જાગ્યો હતો. પછી મેં વિચાર્યું કે - આપણે એડવાન્સમાં ટેક્સ ભરી દીધો તે પછી એમણે ટેક્સની રકમ વધારી હશે, એટલે એમને આપણી પાસે પાછલી રકમના એકસોત્યાંસી રૂપિયા લેણા નીકળતા હશે. આ વર્ષે પાછો  ટેક્સ વધાર્યો હશે, એટલે છવ્વીસસો ને ચોવીસ ભરવાના આવ્યા. અને આ  તો મેં એડવાન્સમાં ટેક્સ ભર્યો એટલે આપણને ૧૦% ડિસ્કાઉન્ટ મળ્યું, ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ કર્યું એટલે બીજા ૨% વધારે ડિસ્કાઉન્ટ મળ્યું. ટોટલ ૧૨% ડિસ્કાઉન્ટ મળ્યું એટલે આટલામાં પત્યું, નહીતર આપણે આનાથી વધારે ટેક્સ ભરવો પડત, સમજી ?  

-એમ  એ લોકો મનફાવે ત્યારે દર વર્ષે ટેક્સની રકમ વધારી દે અને મનમાની કરે તે થોડું જ ચાલે ?

-ચલાવવું જ પડે ને.  જો ને આપણા ઘરમાં પણ તું મનમાની કરે છે તે ચાલે જ છે ને ?

-શું, આપણા ઘરમાં હું મનમાની કરું છું ?

-અરે ! હું તો બે ઘડીની ગમ્મત કરતો હતો, અને તેં તો સીરીયસલી લઇ લીધું. પણ તું જ કહે, આપણે એમની મનમાની ચલાવીએ નહીં તું શું કરીએ ?

-એમની સામે કેસ કરવો જોઈએ.

-કરવો છે કેસ ? બોલ, તું કહેતી હોય તો કરીએ.

-અરે ના રે ના ! આ તો જરા ગુસ્સો આવ્યો એટલે એમ બોલાઈ ગયું. બાકી હું પણ સમજુ છું કે આપણા દેશમાં કોઈપણ જાતનો  કેસ કરવાનું કામ તો કદાચ સહેલું છે, પણ એનું પરિણામ ભોગવવાનું કેટલું દુષ્કર છે. યાદ છે,  આપણા પાડોશી રમણભાઈના મકાનમાં રહેતો ભાડૂત બે વર્ષથી ભાડું નહોતો આપતો, રમણભાઈના ફોનનો જવાબ પણ નહોતો આપતો, રમણભાઈ એના ઘરે જાય તો મળતો પણ નહોતો. છેવટે એક દિવસ રમણભાઈએ ભાડૂતનું તાળું તોડીને પોતાનું તાળું લગાવી દીધું, વિચાર્યું હશે કે ‘હવે તો આફૂડો કરગરતો મળવા આવશે જ ને ?’ પણ એણે તો મળવા આવવાને બદલે, કે કરગરવાને બદલે, રમણભાઈ પર ‘ટ્રેસ પાસીંગ’ નો ગુનો દાખલ કરીને સામેથી  કેસ ઠોકી દીધો. બિચારા રમણભાઈ  કોર્ટના ચક્કર લગાવી લગાવીને અને વકીલને ફી આપી આપીને હેરાન પરેશાન થઇ ગયા.

-હા, મને બરાબર યાદ છે, છેવટે રમણભાઈએ  કંટાળીને જે ભાવ મળ્યો એમાં એ ભાડૂતને જ ઘર વેચીને સમાધાન કરી લીધું.

-બસ તો પછી.  કેસ બેસની વાત તો તમે વિચારતા જ નહીં.

-ભલે, તું જેમ કહે તેમ. પણ સાથે સાથે તને એ પણ કહી રાખું છું, કે આવા ઘણા બધા ટેક્સવધારા અને વધારાના ટેક્સ  માટે આપણે હવે તૈયાર રહેવું પડશે.

-કેમ એમ ?  

-કેમ તે આ ચૂંટણીના કારણે.

-ચૂંટણીના કારણે ? ચૂંટણીના કારણે  ટેક્સવધારો થાય કે વધારાના ટેક્સ કેમ લાગે તે મને સમજાયું નહીં.

-તને ખબર છે, ચૂંટણીમાં નેતાઓએ પ્રજાના વોટ લેવા માટે એમને ભરપુર વચનોની લહાણી કરી છે. એમાંનું એક વચન ખેડૂતોના દેવા માફ કરવાનું પણ છે. એટલું જ નહીં એ લોકોના બેંક ખાતામાં વર્ષે બોતેરહજાર (૭૨૦૦૦) રૂપિયા જમા કરાવવાનું વચન પણ સરકારે એમને આપ્યું છે, હવે તું વિચાર કર, આ બધા રૂપિયા આવશે ક્યાંથી ?

-હાય હાય ! આપણા ટેક્સની રકમમાંથી ?

-હાસ્તો વળી. સરકાર પાસે ‘અલ્લાદીનનો ચિરાગ’ તો છે નહીં, કે એને ઘસવાથી જીન પ્રગટ થાય અને ‘હુકુમ મેરે આકા’ બોલીને સરકારની કે નેતાઓની  મનની મુરાદ પૂરી કરી દે.

-હું શું કહું છું, તમે તો સાત આઠ વર્ષથી રીટાયર થઇ ગયા છો. હું પ્રસંગોપાત હાસ્યલેખ કે છૂટક છૂટક વાર્તાઓ લખું છું, પણ એમાંથી તો આપણા ચાપાણીના પૈસા પણ નીકળે નહીં એની મને ખબર છે. આપણે તો આપણી જે કંઈ બચત કરેલી મૂડી છે, એના વ્યાજમાંથી જ ગુજરાન ચલાવવાનું છે. તો મને તો ચિંતા થાય છે કે, આપણે આ ટેક્સવધારો કે વધારાના ટેક્સ ભરી શકીશું ખરા ?

-છાશવારે ન્યુઝપેપર કે ટીવીમાં આવતી ‘ભારે ડિસ્કાઉન્ટ’ સેલની ઓફરો જોઇને તું નકામી અને બિનઉપયોગી ચીજો ઘરમાં લાવવાનું માંડી વાળે તો આપણને કોઈ વાંધો નહીં આવે એમ મારું માનવું છે.        

-ઓહ ! એ તો થોડું મુશ્કેલ કામ છે.

-તો સહેલું કામ શું છે ?

-હું શું કહું છું, ચાલોને આપણે પણ ગામડે જઈને થોડી જમીન ખરીદી લઈએ, અને ખેડૂત બની જઈએ. આપણે માથે દેવું તો કંઈ નથી, એટલે એને માફ કરવાની તકલીફ સરકારે લેવી નહીં પડે. સરકારને આપણા તરફથી એટલી રાહત થશે. પણ  હા, આપણી જમીન ખરીદીની લોન એમણે માફ કરવી હશે તો આપણે તે એમને કરવા દઈશું. સરકાર આપણા ખાતામાં પણ દર વર્ષે બોત્તેરહજાર રૂપિયા જમા કરાવશે, એ બોત્તેર હજાર અને આપણી બેંકબચતની મૂડીનું વ્યાજ આવશે. પછી મને કોઈપણ ‘સેલ’માં જતી જોઇને તમને ચિતા નહિ થાય. એય ને પછી તો આપણને પણ  લીલાલ્હેર.

-હેં ? ? ?