Friday, 12 April 2019

એય ને પછી તો આપણને પણ લીલાલ્હેર


એય ને પછી તો આપણને પણ લીલાલ્હેર.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-આ વર્ષનો આપણા ઘરનો મ્યુનીસીપલ ટેક્સ મેં ઓનલાઈન ભરી દીધો છે. પતિદેવ બોલ્યા.

-સરસ. કેટલા રૂપિયા ભર્યા ? મેં પૂછ્યું.

-છવ્વીસસો ને ચોવીસ. (૨૬૨૪)

-કેમ, આટલા બધા ? ગયા વર્ષે તો સોળસો અઠ્ઠાવન(૧૬૫૮) ભર્યા હતા ને ?

-હા, તારી વાત સાચી છે. આ વર્ષે નવસો છાસઠ (૯૬૬) રૂપિયા વધારે ભરવા પડ્યા.  આ વર્ષે એરીયર્સના (પાછલા બાકી લેણાના) એકસોત્યાંસી (૧૮૩) રૂપિયા ઉમેરાઈને આવ્યા હતા.

-આપણે તો ગયા વર્ષે પણ એડવાન્સમાં જ પ્રોપર્ટી ટેક્સ ભર્યો હતો ને ? તો પછી મ્યુનીસીપલ કોર્પોરેશને આપણી પાસેથી એરીયર્સ, એટલે કે બાકી લેણાના એકસોત્યાંસી રૂપિયા લેવાના ક્યાંથી લેવાના કાઢ્યા ?

- ગુડ ક્વેશ્ચિયન. મને પણ આવો સવાલ મનમાં જાગ્યો હતો. પછી મેં વિચાર્યું કે - આપણે એડવાન્સમાં ટેક્સ ભરી દીધો તે પછી એમણે ટેક્સની રકમ વધારી હશે, એટલે એમને આપણી પાસે પાછલી રકમના એકસોત્યાંસી રૂપિયા લેણા નીકળતા હશે. આ વર્ષે પાછો  ટેક્સ વધાર્યો હશે, એટલે છવ્વીસસો ને ચોવીસ ભરવાના આવ્યા. અને આ  તો મેં એડવાન્સમાં ટેક્સ ભર્યો એટલે આપણને ૧૦% ડિસ્કાઉન્ટ મળ્યું, ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ કર્યું એટલે બીજા ૨% વધારે ડિસ્કાઉન્ટ મળ્યું. ટોટલ ૧૨% ડિસ્કાઉન્ટ મળ્યું એટલે આટલામાં પત્યું, નહીતર આપણે આનાથી વધારે ટેક્સ ભરવો પડત, સમજી ?  

-એમ  એ લોકો મનફાવે ત્યારે દર વર્ષે ટેક્સની રકમ વધારી દે અને મનમાની કરે તે થોડું જ ચાલે ?

-ચલાવવું જ પડે ને.  જો ને આપણા ઘરમાં પણ તું મનમાની કરે છે તે ચાલે જ છે ને ?

-શું, આપણા ઘરમાં હું મનમાની કરું છું ?

-અરે ! હું તો બે ઘડીની ગમ્મત કરતો હતો, અને તેં તો સીરીયસલી લઇ લીધું. પણ તું જ કહે, આપણે એમની મનમાની ચલાવીએ નહીં તું શું કરીએ ?

-એમની સામે કેસ કરવો જોઈએ.

-કરવો છે કેસ ? બોલ, તું કહેતી હોય તો કરીએ.

-અરે ના રે ના ! આ તો જરા ગુસ્સો આવ્યો એટલે એમ બોલાઈ ગયું. બાકી હું પણ સમજુ છું કે આપણા દેશમાં કોઈપણ જાતનો  કેસ કરવાનું કામ તો કદાચ સહેલું છે, પણ એનું પરિણામ ભોગવવાનું કેટલું દુષ્કર છે. યાદ છે,  આપણા પાડોશી રમણભાઈના મકાનમાં રહેતો ભાડૂત બે વર્ષથી ભાડું નહોતો આપતો, રમણભાઈના ફોનનો જવાબ પણ નહોતો આપતો, રમણભાઈ એના ઘરે જાય તો મળતો પણ નહોતો. છેવટે એક દિવસ રમણભાઈએ ભાડૂતનું તાળું તોડીને પોતાનું તાળું લગાવી દીધું, વિચાર્યું હશે કે ‘હવે તો આફૂડો કરગરતો મળવા આવશે જ ને ?’ પણ એણે તો મળવા આવવાને બદલે, કે કરગરવાને બદલે, રમણભાઈ પર ‘ટ્રેસ પાસીંગ’ નો ગુનો દાખલ કરીને સામેથી  કેસ ઠોકી દીધો. બિચારા રમણભાઈ  કોર્ટના ચક્કર લગાવી લગાવીને અને વકીલને ફી આપી આપીને હેરાન પરેશાન થઇ ગયા.

-હા, મને બરાબર યાદ છે, છેવટે રમણભાઈએ  કંટાળીને જે ભાવ મળ્યો એમાં એ ભાડૂતને જ ઘર વેચીને સમાધાન કરી લીધું.

-બસ તો પછી.  કેસ બેસની વાત તો તમે વિચારતા જ નહીં.

-ભલે, તું જેમ કહે તેમ. પણ સાથે સાથે તને એ પણ કહી રાખું છું, કે આવા ઘણા બધા ટેક્સવધારા અને વધારાના ટેક્સ  માટે આપણે હવે તૈયાર રહેવું પડશે.

-કેમ એમ ?  

-કેમ તે આ ચૂંટણીના કારણે.

-ચૂંટણીના કારણે ? ચૂંટણીના કારણે  ટેક્સવધારો થાય કે વધારાના ટેક્સ કેમ લાગે તે મને સમજાયું નહીં.

-તને ખબર છે, ચૂંટણીમાં નેતાઓએ પ્રજાના વોટ લેવા માટે એમને ભરપુર વચનોની લહાણી કરી છે. એમાંનું એક વચન ખેડૂતોના દેવા માફ કરવાનું પણ છે. એટલું જ નહીં એ લોકોના બેંક ખાતામાં વર્ષે બોતેરહજાર (૭૨૦૦૦) રૂપિયા જમા કરાવવાનું વચન પણ સરકારે એમને આપ્યું છે, હવે તું વિચાર કર, આ બધા રૂપિયા આવશે ક્યાંથી ?

-હાય હાય ! આપણા ટેક્સની રકમમાંથી ?

-હાસ્તો વળી. સરકાર પાસે ‘અલ્લાદીનનો ચિરાગ’ તો છે નહીં, કે એને ઘસવાથી જીન પ્રગટ થાય અને ‘હુકુમ મેરે આકા’ બોલીને સરકારની કે નેતાઓની  મનની મુરાદ પૂરી કરી દે.

-હું શું કહું છું, તમે તો સાત આઠ વર્ષથી રીટાયર થઇ ગયા છો. હું પ્રસંગોપાત હાસ્યલેખ કે છૂટક છૂટક વાર્તાઓ લખું છું, પણ એમાંથી તો આપણા ચાપાણીના પૈસા પણ નીકળે નહીં એની મને ખબર છે. આપણે તો આપણી જે કંઈ બચત કરેલી મૂડી છે, એના વ્યાજમાંથી જ ગુજરાન ચલાવવાનું છે. તો મને તો ચિંતા થાય છે કે, આપણે આ ટેક્સવધારો કે વધારાના ટેક્સ ભરી શકીશું ખરા ?

-છાશવારે ન્યુઝપેપર કે ટીવીમાં આવતી ‘ભારે ડિસ્કાઉન્ટ’ સેલની ઓફરો જોઇને તું નકામી અને બિનઉપયોગી ચીજો ઘરમાં લાવવાનું માંડી વાળે તો આપણને કોઈ વાંધો નહીં આવે એમ મારું માનવું છે.        

-ઓહ ! એ તો થોડું મુશ્કેલ કામ છે.

-તો સહેલું કામ શું છે ?

-હું શું કહું છું, ચાલોને આપણે પણ ગામડે જઈને થોડી જમીન ખરીદી લઈએ, અને ખેડૂત બની જઈએ. આપણે માથે દેવું તો કંઈ નથી, એટલે એને માફ કરવાની તકલીફ સરકારે લેવી નહીં પડે. સરકારને આપણા તરફથી એટલી રાહત થશે. પણ  હા, આપણી જમીન ખરીદીની લોન એમણે માફ કરવી હશે તો આપણે તે એમને કરવા દઈશું. સરકાર આપણા ખાતામાં પણ દર વર્ષે બોત્તેરહજાર રૂપિયા જમા કરાવશે, એ બોત્તેર હજાર અને આપણી બેંકબચતની મૂડીનું વ્યાજ આવશે. પછી મને કોઈપણ ‘સેલ’માં જતી જોઇને તમને ચિતા નહિ થાય. એય ને પછી તો આપણને પણ  લીલાલ્હેર.

-હેં ? ? ?

No comments:

Post a Comment