Wednesday, 25 July 2018

આ વેકેશનમાં હવે શું કરવું?


આ વેકેશનમાં હવે શું કરવું?   પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

થોડા સમય પહેલાં મુંબઈના એક દરિયા કિનારે પૂણેના કેટલાક વિધાર્થીઓ દરિયામાં નહાવા પડ્યા, અને લગભગ ૧૪ વિધાર્થીઓ ડૂબી ગયાં. આગ અને પાણી સાથે રમત કરવી નહીં એવું આપણા પૂર્વજો કહી ગયા છે.  વંશજો તરીકે જેમ આપણે આપણા પૂર્વજોની વાત લક્ષમાં લેતા નથી, તે જ રીતે  આપણા વંશજો પણ આપણી વાત લક્ષમાં લેશે નહીં, અને આગ અને પાણી સાથે રમત ચાલુ જ રાખશે.
થોડા સમય પહેલાં જ સરકારે પતંગોત્સવ  વખતે ચાઈનીઝ બલુન પર પ્રતિબંધ ફરમાવ્યો હતો, કેમ કે તેનાથી ઘણી જગ્યાએ આગ લાગવાની સંભાવના હતી. છતાં કેટલાક ઉત્સાહી જીવોએ, બજારમાં ન મળતા આવા બલુનો,  કાળા બજારમાંથી મનમાગી કીમત આપીને પણ ખરીધા હતાં. અને પતંગોની સાથે સાથે આવા બલુનો પણ છોડ્યા હતાં. એટલું જ નહીં પણ બલુનોની સાથે સાથે ફટાકડા પણ ફોડ્યા હતા. ફટાકડા ફોડવા એ પણ આગ સાથેની એક જાતની રમત જ છે ને ?  દિવાળીમાં, લગ્ન કરવા જતા જાનમાં, ચૂંટણીની જીતમાં, કે ક્રિકેટ મેચની જીત જેવા મહત્વના પ્રસંગે આપણે ફટાકડા ફોડીને આપણી ખુશી વ્યક્ત કરીએ છીએ.
પાણી સાથે રમત કરવા આપણે વોટરગેમ્સ શોધી છે, સ્વીમિંગ પુલ અને વોટર પાર્ક્સ બનાવ્યા છે. એમાં ક્યારેક રમત કરવા જતાં ગફલત થઈ તો માણસ મરે છે પણ ખરો. ગણેશ-ચતુર્થી વખતે ગણેશ વિસર્જન કરવા જતાં ક્યારેક માણસ પોતે જ દરિયામાં વિસર્જિત થઈ જાય છે. પણ તેથી શું થયું, આપણે સાહસ છોડી દેવું ? માર્ગ અકસ્માત પણ કેટલા થાય છે, તેથી ડરીને કંઈ રસ્તામાં ચાલવાનું કે વાહનો ચલાવવાનું બંધ તો ન જ કરાયને ? હા, શક્ય હોય એટલી તકેદારી રાખી શકાય. માણસ સ્વભાવે સાહસિક છે, એટલે બધી સમસ્યાનો હલ પણ એ શોધી કાઢે છે. પણ ઘણીવાર આ વેકેશનમાં શું કરવું ?’ એવો સીધો સાદો પ્રશ્ન આવે એ ત્યારે ગૂંચવાઈ જાય છે.
દિવાળીના એક વેકેશનમાં મેં પણ આળસુની જેમ ઘરમાં પડી રહેલા મારા બન્ને પુત્રોને કહ્યું:
- અલ્યાઓ, આમ એદીની જેમ ઘરમાં પડી રહ્યા છો, તે તમને લોકોને એમ નથી થતું કે કશુંક કામ કરીએ ? કશું નવું શીખીએ ?
- મમ્મી, અમને તો એવું કશું નથી થતું. કેમ કે પરીક્ષામાંથી હમણા જ પરવારીને અમે તો વેકેશન એંજોય કરી રહ્યાં છીએ. છતાં તને જો એવું થતું હોય કે અમારે કશું કરવું જોઈએ કે નવું કશું શીખવું જોઈએ, તો તું જ કહે કે અમારે શું કરવું ?
- ડ્રોઈંગકામ કરો.
- એ તો આવડે છે.
- ક્રિકેટ કોચીંગના ક્લાસ કરો.
- શું ફાયદો ? તું અમને ભણવાનું છે, ભણવાનું છે કહીને વધારે સમય ક્રિકેટ રમવા તો દેતી નથી.
- હા, એ વાત સાચી. તો પછી કોમ્પ્યુટર શીખો.
- એ તો સ્કુલમાં શીખીએ જ છીએ, અને અમને બરાબર આવડે પણ છે. નાઈન્ટી અપ પરસન્ટેજ  તો આવે છે.
- તો પછી એમ કરો, સ્વીમિંગ શીખવા જાવ.
- યસ. ગુડ આઈડિયા. પણ મોમ, એ શીખવાથી શું થશે ?
- અરે! જુઓ આપણો રીહેન મહેતા, નાનકડો છોકરડો. રમત રમતમાં ઈંગ્લીશ ચેનલ તરી ગયો, અને એના મમ્મી પપ્પાનું નામ રોશન કર્યું.
- પપ્પાનું નામ રોશન કર્યું એ બરાબર, પણ મમ્મીનું નામ રોશની  કર્યું એમ ન કહેવાય ? નાનાએ કહ્યું.
- છોટુ, તારી સેન્સ ઓફ હ્યુમર જોરદાર છે.  મોટાએ કહ્યું.
- હા, પણ આપણે કોમેડિયન તરીકે કેરિયર નથી બનવવાની.  મેં એમને ટોક્યા.
- ઓકે મોમ, પણ સ્વીમિંગ શીખવા અમારે શું કરવાનું ?
- કર્ણાવતી ક્લબમાં જઈને સ્વીમીંગ માટેની ઇન્ફરમેશન લઈ આવો.
- મમ્મી, હમણા તો અમે આ ચેનલ પર મૂવી જોઈ રહ્યા છીએ તે પહેલા પુરું જોઈ લઈએ ?
- હા, જોઈ લો. આમ પણ તમને એકલાને ક્લબમાં એંટ્રી નહી મળે, મારે જ તમને લઈ જવા પડશે.
વેકેશનમાં નાના બાળકોના મા બાપને સતાવતો સૌથી મોટો સવાલ એ જ છે, આ વેકેશનમાં શું કરીએ તો પોતાના બાળકો બીઝી રહે ? બાળકો તો પોતાનામાં મસ્ત હોય છે, ક્ષણમાં જીવનારા જીવો, એમને ભવિષ્યની ચિંતા નથી સતાવતી. પણ એમની ધમાલ મસ્તીથી મા બાપ ત્રાસી જાય છે. અને એટલે જ વેકેશન પડે કે  મા બાપને ધખારા ઉપડે, બાળકને ડ્રોઈંગ, પેઈન્ટિંગ, ક્રિકેટ, કરાટે, પરસનાલિટી ડેવલપમેંટ વગેરે જાત જાતના ક્લાસીસમાં મોકલે. છોકરાઓને થાય, આના કરતાં તો વેકેશન ન પડ્યું હોત તો સારું.  વેકેશનમાં બાળકોનું આરામથી ઊઠવું, આરામથી પરવારવું, પથારીમાં પડ્યા રહેવું, ટી.વી, ની સામે ચોંટ્યા રહેવું, ઘરમાં કે ઘરની બહાર રમતાં રહેવું વગેરે વગેરે જોઈને મા બાપને (ખાસ કરીને મમ્મીને), ચિંતા (કે પછી ઈર્ષ્યા ?) થાય છે. મને પણ થઈ. એટલે મેં મારા બાળકોને આ વેકેશનમાં સ્વીમિંગમાં મોકલવાનું નક્કી કર્યું.
બીજે દિવસે નક્કી કર્યા મુજબ હું બન્નેને સ્વીમિંગ ક્લાસમાં લઈ ગઈ, બન્ને માટે સ્વીમિંગ કોશ્ચ્યુમ ખરીદ્યા.  બીજા છોકરાઓની સાથે સાથે મારા બન્ને બાળકો પણ સ્વીમિંગ શીખવા માંડ્યા.  અને એ બન્નેને એમાં ખુબ મજા પણ આવવા માંડી. માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખણ હારા દાઝે જોને એમ મારા છોકરાંઓને સ્વીમિંગ પુલમાં મજા આવવા માંડી અને મને બહાર બેસી રહેવાનો કંટાળો. ત્યાં કેટલાક નાના બાળકોની સાથે સાથે એમની મમ્મીઓ પણ સ્વીમિંગ શીખતી હતી. એટલે એ જોઇને લોકોની સાથે સાથે મેં પણ સ્વીમિંગ શીખવાનું નક્કી કર્યું. કોચ સરની સાથે વાત કરીને નક્કી પણ કરી લીધું અને મારો સ્વીમિંગ કોશ્ચ્યુમ પણ ખરીદી લાવી.
મારા સ્વીમિંગ શીખવાના નિર્ણયથી મારા પતિ અને બાળકોને આશ્ચર્ય થયું. બાળકોની આંખોમાં, મમ્મી તું ?’ એવો સવાલ દેખાયો અને પતિદેવની આંખોમાં, નવું નવ દિવસ એવો સંદેશ વંચાયો. પણ એમને ક્યાં ખબર હતી કે હું વીર કવિ શ્રી નર્મદના ગામની એટલે કે શહેર સુરતની છું,  કે જે ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું માં માને છે. સ્વીમિંગ સુટ અને કેપમાં હું મને પોતાને જ કાર્ટૂન જેવી દેખાઈ. મને ચેન્જીંગ રૂમની બહાર નીકળી સ્વીમિંગ પુલ સુધી જવાની પણ શરમ આવતી હતી. પણ જ્યારે મેં એક ટુનટુન જેવી મહિલાને બિંદાસ એ રીતે સ્વીમિંગ પુલમાં જતી જોઈ, તો હું પણ સંકોચ છોડી પુલમાં ગઈ. બાળકો તો તરવામાં અને મસ્તી કરવામાં વ્યસ્ત હતા. મેં પણ બીજી બધી બાબતોની ચિંતા છોડીને તરવા પર ધ્યાન આપ્યું.
દસ દિવસમાં મેં ઠીક ઠીક કહી શકાય એવું તરતાં શીખી લીધું. જ્યારે બારમાં  દિવસે પરીક્ષાના ભાગ રૂપે મેં બીજી બધી મહિલાઓ સાથે હાઈ બૉર્ડ પરથી જમ્પ માર્યો, ત્યારે મને પોતાને જ આશ્ચર્ય થયું. બાળકોએ મને તાળીઓ પાડીને વધાવી, આ વેકેશન તો સ્વીમિંગની જુદી જુદી સ્ટાઈલો ડકસ્ટાઈલ, ફ્રીસ્ટાઈલ, ડોગસ્ટાઈલ, ડોલ્ફીનસ્ટાઈલ, બટરફ્લાય વગેરે વગેરે શીખવામાં નીકળી જશે. પણ પાછું આવતું વેકેશન આવશે ત્યારે વિચારવું પડશે ને કે –આ વેકેશનમાં હવે શું કરવું ?

No comments:

Post a Comment