આન્ટી. પલ્લવી જીતેન્દ્ર
મિસ્ત્રી.
મેં એક દિવસ
છાપામાં એક નારીનો ભાવુક સંદેશ વાંચ્યો : ‘હું એક દીકરી છું, હું એક બહેન છું, હું એક પત્ની
છું, હું એક મા પણ છું, પણ ખબરદાર જો કોઈએ મને આન્ટી કહ્યું છે તો...’ મને આ નારીનો ભાવુક સંદેશ ખુબ ગમી ગયો. ‘આન્ટી’
નામના એક ‘રૂડ’ શબ્દે આ લાગણીશીલ નારીને કેટલી વ્યથા આપી હશે, એના નાજુક દિલને
કેવી ઠેસ પંહોચાડી હશે, ત્યારે એણે આપણા બધાની સામે આવો સંદેશ મૂકવાની ફરજ પડી હશે
ને ? તમે પણ આ નારીના
ભાવુક સંદેશ ને ધ્યાનમાં લઈને, એને માન આપીને આજે જ, અત્યારે જ નક્કી કરો, કે –
કોઈપણ સ્ત્રીને એની ઈચ્છા વિરુદ્ધ ‘આન્ટી’ કહીને તમે એને અપમાનિત નહિ કરો.
આમ જુઓ તો આન્ટી’ એ
કોઈ સારો શબ્દ તો નથી જ. એ શબ્દ એટલા માટે સારો નથી, કેમ કે એ સાંભળવો ગમે એવો નથી. એટલું જ નહિ એ
શબ્દ સાવ ગરબડીયો અને સમજમાં ન આવે એવો જટિલ છે. પપ્પાની બહેન આન્ટી, મમ્મીની બહેન
પણ આન્ટી, કાકાની પત્ની આન્ટી અને મામાની પત્ની પણ આન્ટી, અરે સગપણ ની વાત છોડો,
આપણે તો ન ઓળખાતા હોઈએ એવા એવા લોકો પણ આપણને હક્કથી ‘આન્ટી’ કહીને બોલાવે એ કેવી
રીતે સહન થાય ? છતાં મન મારીને
પણ, દિલ પર પથ્થર મૂકીને અને હસતા મોં એ આપણે એ સહન કરવું જ પડે છે ને ?
અવલોકન કરતાં એક
વાત મારા ધ્યાનમાં આવી છે કે, આપણા વાળમાં થોડી સફેદી આવવા માંડે એટલે લોકો આપણને
‘આન્ટી’ કહેવા માંડે છે. મારી ભત્રીજી શ્વેતા એ ફેસબુક પર ‘Happens every
single Time’ નામની એક પોસ્ટ શેર
કરી, જેમાં આલિયા ભટ્ટ કહે છે, ‘Today I didn’t wear kajal, and five
people asked me if I was sick,’ આંખમાં કાજલ ન લગાડવાથી પાંચ જણે એને પૂછ્યું કે,
‘તું બીમાર હતી ?’
મેં શ્વેતાની પોસ્ટ પર લખ્યું, ‘ Same
Experience with me without Hair Color.’ મેં પણ હેરડાઈ નહોતી કરી ત્યારે મને ત્રણ જણે
પૂછ્યું,’તબિયત નથી સારી ?’ એ લોકો કદાચ સીધી રીતે કહેવાની હિંમત નહિ કરતા
હોય કે – ‘કાબરચીતરા વાળમાં તમે સારાં નથી દેખાતાં’
હદ તો ત્યારે થઇ ગઈ
જ્યારે - અમે એક ઇન્ટરનલ ક્રોસ રોડ પર
ટ્રાફિક જામ માં ફસાયા હતા. કેટલાક અણઘડ શિક્ષકો ક્લાસમાં તોફાની વિધાર્થીઓને
કાબુમાં લેવાની કોશિશ કરતા હોય તેમ, કેટલાક સ્વયંસેવકો ટ્રાફિક નિયમન કરવાની
નાકામયાબ કોશિશ કરી રહ્યા હતા. બધા પોતપોતાના વાહનો (સાઈકલ, સ્કુટર, રીક્ષા, કાર,
ટેમ્પો) આડેધડ ઘુસાડી રહ્યા હતા. મેં કારમાં બેસીને સ્વયંસેવકોની અણઘડ કાર્યવાહી વીસ
મિનિટ સુધી શાંતિપૂર્વક જોતાં મારા વારાની રાહ જોઈ, પછી મને લાગ્યું કે હવે નિયમભંગ
કર્યા વિના અહીંથી નીકળાય એવું લાગતું નથી. મેં કાર ધીમે ધીમે આગળ વધારવા માંડી, એક
સ્વયંસેવક ગુસ્સે થઇ ગયો, મને કહે,’ માજી, ઉતાવળ ન કરો, શાંતિ રાખો’ એનું ‘માજી’
સાંભળીને મને આઘાત લાગ્યો. પહેલીવાર મને લાગ્યું કે ‘આ કરતા તો એણે મને આન્ટી
કહ્યું હોત તો સારું હતું.’
સ્ત્રી નું તો જાણે
સમજ્યા, નાનપણથી જ એને સુંદર દેખાવાની ખેવના હોય છે, પણ પુરુષો આ બાબતમાં શું વિચારે કે અનુભવે
છે તે જાણીએ. પત્ની : ક્યારના પથારીમાં
સળવળ સળવળ થાવ છો, રાતના બે વાગ્યા છે, ઊંઘ નથી આવતી ? તમને કંઈ થયું છે ? પતિ : આમ જુએ તો કશું થયું નથી...પણ.. એવું છે
કે... આજે મને એક સુંદર અને યુવાન છોકરીએ ‘અંકલ’ કહ્યું. પત્ની : ઓહ ! એમ વાત છે ? તમારી વ્યથા હું સમજુ
છું, કેમ કે યુવાન છોકરાઓ મને આન્ટી કહે છે, ત્યારે મને પણ બહુ સેડ ફિલ થાય છે.
હું રેડિયો ઓન કરું છું અને એના પર એક જાહેરાત
આવે છે : ‘હલ્લો, મેડમ, મે આઈ હેલ્પ યુ ?’ ત્યારે
પાછળથી બીજો અવાજ સંભળાય છે, ‘મેડમ ? અરે એમને આન્ટી કહો આન્ટી’ ત્યાર પછી એક પછી
એક ઘણા હથોડામાર અવાજો આવે છે, ‘આન્ટી’, ‘આન્ટી’, આન્ટી’.....પછી ધીરેથી એક અવાજ કહે
છે, ’આન્ટી બનનેસે બચના હો તો અપને પકે બાલોમેં હર્બલ મહેંદી લગાયેં.’ લોકો ભલે
‘નોટબંધી’ પછી ‘કાળા’ નાણાને ‘ધોળા’માં ફેરવે, આપણે ‘આન્ટી’ માંથી ‘મેડમ’ બનવું હોય તો ‘ધોળા’ વાળને
‘કાળા’ કરવા જ રહ્યા.
એકવાર કવિવર શ્રી
રવીન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી ચાલવા નીકળવાના હતા, દસ મિનીટ સુધી રવીન્દ્રનાથ
પોતાના વાળ ઓળતા રહ્યા. આ જોઈને ગાંધીજીએ કહ્યું, ‘કવિવર, તમારા માથે ખાસ વાળ
રહ્યા નથી, પછી આટલો બધો સમય એની ગોઠવણી પાછળ ગાળવાનું કારણ શું ?’ રવીન્દ્રનાથ
બોલ્યા, ‘લોકો મારા લઘરવઘર વાળ જૂએ અને એમના મનમાં દુઃખ પેદા થાય એવું મારે ન
કરવું જોઈએ, એટલે ખાસ મહેનત લઈને મારા વાળને સરખી રીતે ગોઠવ્યા છે.’ જો એક મહાન કવિ પોતાના દેખાવ અંગે લોકોનું
આટલું ધ્યાન રાખતા હોય, તો એમના વર્તન પરથી શીખ લઈને આપણે પણ આપણો દેખાવ ઠીક ઠાક
રાખવો જ જોઈએ ને ?
એક સંસ્કૃત શ્લોક
છે: ‘અન્ગમ ગલિતમ પલિતમ મુંડમ, દશન વિહીનમ
જાતમ તુન્ડમ, વૃધ્ધો યાતિ ગૃહીત્વા દન્ડમ, તદપિ ન મુચ્યતી આશા પીન્ડમ.‘
એનો મતલબ ઘણું કરીને એવો થાય છે કે
- અંગો ગળી જાય છે, વાળ ખરી જાય છે, દાંત વગર મો બોખું લાગે છે, વૃદ્ધ થઈને લાકડી
પકડીને ચાલે છે, છતાં મનુષ્ય થી આશા છૂટતી નથી. આશા અમર છે, આશા જીવન જીવવાનું બળ
છે, એટલે કોઈ આશાવાદી નારી એવી આશા રાખે
કે એને કોઈ ‘આન્ટી’ ન કહે, તો તમે એને નિરાશ કરશો નહીં.
No comments:
Post a Comment