તમે આવા તો નથી ને? પલ્લવી
જીતેન્દ્ર મિસ્ત્રી.
પત્ની: જુઓને, આ વખતે આ સીતાફળ કેવી જાતના આવ્યા છે, તે કેમેય કરીને
પાકતા જ નથી.
પતિ: એમ કરને, તું થોડીવાર એમની સાથે વાત કરી જો, કદાચ પાકી જાય.
આમ સીતાફળના માધ્યમથી પત્નીને ‘પકાઉ’ કહેનાર પતિની દશા, ‘પાકા ફળ પર વધારે પડતું વજન
મુકવા’થી એ ફળની જેવી થાય, એવી જ થઇ હશે, એવું કલ્પી શકાય છે.
મેં થોડા દિવસ પહેલાં જ ટીવી પર અનિલકપુર અને શ્રીદેવી અભિનીત ફિલ્મ
‘જુદાઈ’ જોઈ. એમાં શ્રીદેવી નું દુર થી જ ‘અજી સુનતે હો’ સાંભળીને શ્રીદેવીનો પતિ
બનતો અનિલકપુર અને બંને છોકરાઓ સાવધ થઇ જાય છે. શ્રીદેવી
નજીક આવે તે પહેલા અનિલકપુર છોકરાઓને
સ્કુલે જવા માટે તૈયાર થવાનું કહીને બીજી રૂમમાં મોકલી દે છે, અને પોતે છાપું
વાંચવાનો ઢોંગ કરે છે.
શ્રીદેવી અનિલકપુર ની પાસે આવીને પડોશણો વિશે બબડાટ કરતી રહે છે, અને
અનિલકપુર એની પાછળથી ધીરે રહીને દુર સરકી જાય છે. અહી શ્રીદેવી ની ઈમેજ ‘પકાઉ’
તરીકેની બંધાય છે. શ્રીદેવી આ ફિલ્મમાં અનીલકપુરને પરણીને એના ઘરે આવી પછી એને ખબર
પડે છે કે, ‘એન્જીનીયર’ થયેલા અનીલકપુરના ઘરમાં બેઝીક ઇક્વિપમેન્ટ્સ જેવા કે ટીવી,
વોશિંગમશીન, ફ્રીઝ વગેરે નથી.
હવે આવા સાધનો તો કોઈ પણ સાધારણ વર્કર, કે જે ઝુંપડીમાં રહેતો હોય, એના
ઘરે પણ હોય છે. ફિલ્મમાં બતાવ્યું
છે કે, અનીલકપૂર લાંચ લેતો નથી એટલે એના ઘરે આવા સાધનો નથી. અહી સવાલ એ થાય છે કે એન્જીનીયર
થયેલો અનિલકપુર લાંચ વગર આવા બેઝીક ઘર વપરાશના સાધનો પણ વસાવી ન શકે, તો એનું
અન્જિનિયર થયેલું શું કામનું? એ ધારે તો લોન
લઈને પણ આ બધું વસાવી શકાય ને? પણ અનીલ
કપૂરની તો એવી કોઈ દાનત જ નથી, એ તો પત્ની સાથે ગીતો ગાઈને અને ડાન્સ કરીને જ એને
ખુશ રાખવા માંગે, પછી પત્ની ‘પકાઉ’ ન બને
તો જ નવાઈ ને?
એકવાર મારી ફ્રેન્ડની દીકરી નેહા મારા ઘરે બેઠી હતી, એના પર કોઈનો ફોન
આવ્યો, એણે નામ જોઇને ફોન કટ કર્યો. પાંચ મીનીટમાં ફરી ફોન આવ્યો, એણે ફરી ફોન કટ
કર્યો. એ જોઇને મેં કહ્યું, ‘વાત કરી લે, બેટા. કદાચ કોઈને અરજન્ટ કામ હોય.’ તો એ
બોલી, ‘આંટી, મારી ફ્રેન્ડ જ્યોતિનો ફોન છે, રાતના નવ વાગ્યા પછી સવાર સુધી એના લેન્ડલાઈન ફોન પરથી ફ્રી કોલ થાય છે, એટલે
કાયમ આ ટાઈમે એ મને ફોન કરે છે, પાંચ મીનીટની વાત હોય તો પણ અમે લોકો મીનીમમ અર્ધો કલાક તો વાત કરીએ જ. રવિવારે પણ એને ફ્રી કોલ થાય,
એટલે અમે કલાકો સુધી એક બીજા સાથે ફોન પર ખપાવીએ. આ તો શું આંટી, મારે તો ફ્રી મા
ટાઈમ પાસ થાય છે.’
“આવા ‘ફ્રી મા ટાઈમ પાસ’ કરવાના બદલે, જો તું તારા મમ્મી - પપ્પાને એમના કામમાં થોડી મદદ
કરાવે તો, તેઓ રીલેક્સ થાય અને મનગમતી
પ્રવૃત્તિ કરવાનો થોડો વધુ સમય એમને મળે, અથવા તો તું કોઈ ‘ક્રિયેટીવ એક્ટીવીટી’
માં ટાઈમ પાસ કરે તો તારું ભણેલું લેખે લાગે,” નેહાને એવું કહેવાનું મને મન થયું,
પણ પછી, ‘Let me accept
her freedom to decide’ એમ વિચારીને મેં એને
કહેવાનું (સલાહ આપવાનું) માંડી વાળ્યું.
સ્ત્રીઓની સરખામણીએ પુરુષો મોટેભાગે મિતભાષી હોય છે. પણ તક મળે (ખાસ
કરીને પોતાની નહી પણ બીજાની પત્ની સાથે વાત કરવા મળે) ત્યારે પુરુષો પણ એવા વાતે
વળગે છે કે, ત્રીજા કોઈ સાંભળનાર માટે બરાબર ‘પકાઉ’ બની જાય છે. ભૂલેચૂકે પત્ની જો વાંધો ઉઠાવે તો કહે,
‘તને જલન થાય છે.’ જો આ ‘જલન’ વાળી વાત
સાચી હોય તો એ પતિ ભાગ્યશાળી કહેવાય, કેમ કે એની પત્નીને હજી એનામાં રસ છે. બાકી તો લગ્નના થોડા
જ વર્ષમાં પતિ-પત્ની બંને એક અલગ ટાપુ (તું
તારા રસ્તે અને હું મારા રસ્તે) જેવું, કે ‘રેલવેના પાટા’ (જે માઈલો સુધી સાથે તો
ચાલે, પણ કદી એકબીજાને મળે નહિ,) જેવું જીવન જીવતા હોય છે.
સ્માર્ટ ફોન આવ્યા પછી વોટ્સેપ, ફેસબુક, સ્નેપચેટ, ટ્વીટર જેવી અનેક એપ્સ અને સાઈટ્સ પર ફોરવર્ડેડ મેસેજિસ
કે ફોટાઓ મોકલનારાઓ પણ હવે તો પોતાની જાતને સ્માર્ટ સમજવા
માંડયા છે. આવો એક વિચિત્ર કિસ્સો છાપામાં હમણા જ મારા વાંચવામાં આવ્યો. સાઉદી અરેબિયામાં એક લગ્ન માત્ર બે કલાકમાં તૂટી
ગયા, અને તે માત્ર એટલા કારણ થી કે કન્યાએ પોતાના લગ્નના ફોટા સોશિયલ મીડિયા ઉપર
પોતાની એક મહિલા મિત્રને મોકલાવ્યા હતા. બનાવની વિગત એવી છે કે, લગ્ન પહેલા આ પતિ-પત્ની વચ્ચે
એવો કરાર થયો હતો કે, તેઓ લગ્નના ફોટા કે વિડીયો સોશિયલ મીડિયા ઉપર કોઈની પણ સાથે
શેર નહિ કરે.
આવો કરાર કરવાનું કારણ એ કે , યુવકને ખબર હતી કે પોતાની ભાવી પત્ની
સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરે છે, એ પોતાના મિત્રો સાથે કલાકો સુધી વાત કરે છે.
ભાવી પત્નીને આમ ‘પકાઉ’ બનતી રોકવા જ પતિએ આવો કરાર કરેલો. પણ ભાવી પત્નીએ કરારની શરત ન પાળી, અને લગ્નના ફોટા
સ્નેપચેટ પર શેર કર્યા. પતિએ ‘તલાક’ નામના
એક જ શબ્દનો ઉપયોગ કરીને પત્નીને તરત જ છૂટાછેડા આપી દીધા,’ ન રહેગા બાંસ ન બજેગી
બાંસુરી.’
જો તમે હિન્દુસ્તાનમાં રહેતા હશો તો તમારે આ બાબતમાં બહુ ફિકર કરવાની
જરૂર નથી, કેમ કે હિન્દુસ્તાનમાં પતિ અને
પત્ની બંને એક બીજાના આવા નાના નાના (અપ)લક્ષણોને ધ્યાનમાં લેતાં નથી. આથી જ તેઓ
લગ્નની ‘રજત જયંતી’, ‘સુવર્ણ જયંતી’ કે ‘હીરક જયંતી’ ઉજવી શકે છે. પણ મિત્રો, મૂળ
સવાલ એ છે કે, તમે આવા ‘પકાઉ’ તો નથી ને ?’
No comments:
Post a Comment