Wednesday, 23 May 2018

મારી સંગીત સાધના


મારી સંગીત સાધના.     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

મમ્મી, મારે સ્કુલે નથી જવું.   શું થયું, ક્લાસમાં કોઈ તારી સાથે લડ્યું ? ક્લાસટીચરે કંઈ કહ્યું  ?   ના, એવું કંઈ નથી થયું, પણ... મારે સ્કુલે નથી જવું.   એમ કારણ વગર સ્કુલે ન જાય તે ન ચાલે, ભણવામાં તો તું હોંશિયાર છે, પણ સ્કુલમાં તારી હાજરી ઓછી પડે તો તારા ટીચર તને પરીક્ષામાં બેસવા નહીં દે.   મારે પરીક્ષામાં બેસવું પણ નથી’  ખરેખર તો મને આવું જ કહેવાની ઈચ્છા થઇ આવી, પણ એવું કહીશ તો ક્યાં તો મમ્મીને દુઃખ થશે અથવા મમ્મી મારા પર ભડકશે, એ વિચારે હું બીજું જ કંઈ બોલી :
સારું, તો હું આજે સ્કુલે જઈશ, પણ પછી છઠ્ઠા ધોરણથી આગળ હું ભણવાની નથી   ભલે, પણ આજે તો તું સ્કુલે જા  મમ્મી મને સમજાવી પટાવીને સ્કુલે રવાના કરતી.  છઠ્ઠા ધોરણના અભ્યાસ કાળ દરમ્યાન ઉપર મુજબનો સંવાદ મારી અને મમ્મી વચ્ચે  વારંવાર થતો રહેતો, એનું એકમાત્ર કારણ હતું, મારા ક્લાસ ટીચર અરવિંદાબેન. એ અમને ગુજરાતી વિષય ભણાવતા. ભણવામાં હું હોંશિયાર હતી, ક્લાસમાં મારો પહેલો – બીજો નંબર આવતો, પણ જ્યારે કવિતાની વાત આવે ત્યારે..? કવિતા પણ મને સારી રીતે આવડી જતી, પણ અરવિંદાબેન જ્યારે એ ગાઈને સંભળાવવાનો આદેશ આપતા ત્યારે મારા મોતિયાં મરી જતા. ‘મુખડાની માયા લાગી રે...મોહન પ્યારા...’ હું ગાવાનું શરુ કરતી અને આખો ક્લાસ હસી પડતો, અરવિંદાબેન લડીને બધાને ચુપ તો કરી દેતા, પણ એ બધાના હસવાથી થયેલું મારું અપમાન, મારાથી કેમેય કરીને ભુલાતું નહીં.
‘ખાતર પર દીવેલ’ ની જેમ, ક્લાસટીચર મને આગળની પંક્તિઓ ગાવા કહેતા, ‘મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, મન મારું રહ્યું ન્યારું રે...’ મારા મોંએથી કવિતાની આગળની કડીઓ સાંભળીને, સહપાઠીઓના મુખ પર ફૂટેલા હાસ્યઝરણાને જોઇને મારું મુખ મ્લાન થઇ જતું, મને આખું જગત ખારું થઇ ગયેલું લાગતું, મારું મન ન્યારું રહેવાને બદલે શરમથી સંકોચાઈને નાનું થઇ જતું, સીતાજીને આપ્યો હતો એમ ધરતીમાતા માર્ગ આપે તો એમાં સમાઈ જવાની મને પણ તીવ્ર ઈચ્છા થતી.
શ્રોતા ૧- પેલા બહેન ગાતી વખતે કેમ આંખ મીંચીને ગાય છે ?
શ્રોતા ૨- એ બહેન બહુ દયાળુ છે, એમનાથી શ્રોતાઓનું દુઃખ જોયું જતું નથી.
મારાથી મારા સહપાઠી શ્રોતાઓના મુખ પરનું હાસ્ય જોયું જતું નહીં, એટલે એમના ઉપહાસથી બચવા હું ગાતી વખતે આંખ મીચી દેતી. જો કે તે વખતે મને ખબર નહોતી કે આને ‘શાહમૃગ વૃત્તિ’ કહેવાય, પણ ખબર હોત તો પણ પરિસ્થિતિમાં શું ફરક પડત ? ટીચરના કવિતા ગાવાના આદેશ પર, બે ચાર વાર તો મેં - ‘બેન, કવિતા લખીને આપું તો ચાલે કે નહીં ?’ એવી વિનંતી પણ કરી જોયેલી, કવિતા ગાવામાંથી મુક્તિ મળતી હોય તો હું એક, બે નહીં, દસ વખત કવિતા લખવા તૈયાર હતી, પણ અરવિંદાબેન તો આખરે અરવિંદાબેન જ હતા, હિમાલયની જેમ પોતાના નિર્ણયમાં અડગ. મારી આખી જિંદગીમાં માત્ર અરવિંદાબેન જ એક માત્ર એવી વ્યક્તિ હતા, કે જેમણે મારી નામરજી છતાં મારું ગાયન સાંભળવાનો આગ્રહ રાખ્યો હોય. બાકી તો ઘરના શું કે બહારના શું, તમામ લોકો હું જયારે જયારે ગાવા તૈયાર થાઉં, ત્યારે કોઈ ને કોઈ બહાનું કાઢીને, ખરાબ ન લાગે એ મને રીતે ગાવા સિવાયના બીજા કોઈ પણ કામમાં રોકી લેતા, અથવા તેઓ એવા જ બીજા કોઈ  કામમાં રોકાઈ જતા. 
ક્યારેક સખત માથું દુખે ત્યારે અરવિંદા બહેન સ્કુલમાં આવતા નહીં. મારા ગાવાને લીધે નહીં પણ  ‘માઈગ્રેન’ ની બીમારીને કારણે એમનું માથું દુખતું. જે દિવસે  ગુજરાતીનો પીરીયડ હોય ત્યારે હું  મનોમન પ્રાર્થના કરતી, ‘પ્રભુ, આજે અરવિંદાબેનનું માથું ખુબ જોરથી દુખાડજો,  કે જેથી એ સ્કુલે આવી જ ન શકે.’ અને જે દિવસે મારી પ્રાર્થના સ્વીકાર થતી એ દિવસે હું રાજી થઈને, અરવિંદા બેન માટે મનોમન ગીત ગાતી, ‘મૈ ગાઉં તુમ સો જાઓ, સુખ સપનોમે ખો જાઓ...’ એક ફિલ્મીગીત, ‘સુર કો સંભાલ, તાલ કો સંભાલ, દોનોકો સંભાલ વરના હોગા બુરા હાલ’ એ વાત ગાતી વખતે મને બરાબર લાગુ પડતી, કેમ કે અનેક પ્રયત્નો છતાં આ બે (સુર અને તાલ) મારાથી સંભાળાતા નહિ.
 પછી તો હું સાતમાં ધોરણમાં આવી, ત્યારે અમારા ટીચર  બદલાઈ ગયા, અરવિંદાબેન ટીચર તરીકે ન આવ્યા, એના કારણે  હું આગળ ભણી શકી. મારી બાબતમાં આટલું વાંચ્યા પછી વાચકમિત્રો, તમે જો એવું ધારી લો કે, ‘સંગીત’ ની બાબતમાં હું ‘ઔરંગઝેબ’ છું, એટલે કે હું સંગીતની દુશ્મન છું, કે  સંગીત મને અપ્રિય છે, તો એ તમારી ભૂલ થાય  છે, ‘લેખન’ પછીની મારી પ્રિય હોબી  ‘ગીત-સંગીત’ જ છે.
બહુ મોટી ઉમરે (કેટલી ? સ્ત્રીને ઉમર ન પુછાય) મને એક વિશેષ ફ્રેન્ડ મળી, નામ એનું હંસા. એણે સંગીતમાં ‘સંગીત વિશારદ’ ની ડીગ્રી મેળવી હતી, એનો કંઠ ખુબ જ મધુરો હતો,  ’પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા...’, ‘રાધાનું નામ તમે વાંસળીના સુર માંહી વહેતું ન મેલો ઘનશ્યામ..’ કે ‘જ્યોતિકલશ છલકે..’ એવી હલકથી એ ગાતી કે મારું અને સંભાળનાર તમામનું મન ડોલી જતું. ’હંસા, તું મને સંગીત શીખવાડી શકે ?’ મારા આ સવાલના જવાબમાં એણે હોંશે હોંશે એ વાત (ખરેખર તો ચેલેન્જ) સ્વીકારી લીધી.
અને શરુ થઇ મારી સંગીતની સાધના એટલે કે તાલીમ. સૌ પ્રથમ એણે મને સંગીતના પાયારૂપ સાત સ્વરો, સા..રે..ગ..મ..પ..ધ..ની..શીખવવાની કોશિશ કરી. હાર્મોનિયમ પર કઈ ચાવી પર કયો સૂર વાગે, અને એ વગાડતી વખતે કઈ ચાવી પર કઈ આંગળી કે અંગૂઠો મૂકવાનો તે બતાવ્યું. એ ગાતી ત્યારે હું ‘વાહ વાહ’ કહી ઉઠતી, અને હું ગાતી ત્યારે એ ‘આહ આહ’ કહી ઉઠતી. બહુ પ્રયત્નો કર્યા પછી એને લાગ્યું હશે કે -‘આમ બહુ લાંબુ ચાલ્યું તો એ પોતે સંગીત ભૂલી જશે.’ છેવટે એની દયા ખાઈને મેં સંગીત સાધનામાંથી નિવૃત્તિ લેવાનો નર્ણય જાહેર કર્યો, અને એની (ખરેખર તો અમારા બંનેની) જાન છૂટી.
મને પ્રસંગ યાદ છે, ‘નો પ્રોફિટ નો લોસ’ ના ઉદ્દેશ વાળી અમારી ‘એક્સેલર્સ’ સંસ્થાનો, ‘પબ્લિક સ્પીકિંગ’ ના કોર્સની સ્પર્ધાનો એ ફાઈનલ દિવસ હતો. લીડર્સની સૂચનાથી  મેં પ્રોગ્રામની શરૂઆત, ‘યા કુન્દેંદુ તુષાર હાર ધવલા...યા શુભ્ર વસ્ત્રા વૃતા..’ એ પ્રાર્થનાથી કરી. એ સ્પર્ધામાં મારા વક્તવ્ય માટે જજ દ્વારા મને પ્રથમ નંબર આપવામાં આવ્યો, પણ  ત્યાં ઉપસ્થિત એક મહેમાને ખુબ જ નારાજગીથી સંસ્થાના એક લીડરને પૂછ્યું, ‘આ બેન બોલે છે સારું. પણ એમને ગાવાનું કામ કોણે સોંપ્યું ?’
ભલે મને ગાતા સારી રીતે  નથી આવડતું, પણ  હિન્દી ફિલ્મોના સેંકડો ગીતોના શબ્દો મને મોઢે આવડે છે. લતા મંગેશકરના સુમધુર  ગીતો સાંભળું, ત્યારે તો મને એમ જ થાય કે  ભગવાન મને જો એક જ વરદાન માંગવાનું કહે, તો હું એક સેકંડનો પણ વિચાર કર્યા વિના માંગુ, કે મને લતા મંગેશકર જેવો કંઠ આપી દો. આશાજીના મસ્તીભર્યા ગીતો સાંભળીને હું પણ એક મજાની મસ્તીમાં તરવા માંડુ છું. કિશોરકુમાર, મુકેશજી અને મહેન્દ્રકપૂરના અમુક ગીતો મને એટલા બધા ગમે છે કે હું એ ગીતો વારંવાર સાભળવા  છતાં થાકતી નથી. પણ... મારા મોસ્ટ ફેવરીટ ગાયક તો મોહમ્મદ રફી જ છે, એમના જલ્દી સ્વર્ગસ્થ થયાનો મને ખુબ અફસોસ છે. પણ એક વાત નિશ્ચિત છે, હું જ્યારે સ્વર્ગે સીધાવીશ ત્યારે એમને મળીને એમના કંઠેથી અવિરતપણે ગીતો સાંભળીશ.
મેં રસોડામાં ‘થ્રી ઇન વન’ (રેડિયો – ટેપ રેકોર્ડર – પેન ડ્રાઈવ) રાખ્યું છે. કામ કરતા કરતા ગીતો સાંભળવાનો અને સાથે સાથે ગીતો લલકારવાનો  મને બહુ જ શોખ છે. રફીજીના ગીતો વખતે તો પતિદેવની સૂચના,  ‘હવે એમને બિચારાને પણ થોડું  ગાવા દે’, માની લઈને હું થોડીવાર ચુપ થઇ જાઉં,  પણ થોડીવારમાં પાછી એ સૂચના ભૂલીને ગીતો ગાવા મંડી પડું છું. ,
કિશોરકુમારે  ગાયેલું ગીત,  ‘ગીત ગાતા હું મેં, ગુનગુનાતા હું મૈ, મૈને હંસનેકા વાદા  કિયા થા કભી, ઈસલીયે અબ સદા મુશ્કુરતા હું મૈ...’ એ સાંભળીને, મેં નક્કી કર્યું  છે કે મનમાં આવે ત્યારે ગીત ગાઈશ અને હંમેશા હસતી રહીશ. દોસ્તો, તમે પણ એમ જ કરજો. તમારામાંના કેટલાક  સફળ અને કેટલાક બાથરૂમ સિંગર તો હશે જ ને ? ગાતા રહેજો  અને મારો હાસ્યલેખ વાંચીને હસતા રહેજો. અચ્છા ? અચ્છા તો હમ ચલતે હૈ  ...ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના, કભી અલવિદા ના કહેના, કભી અલવિદા ના કહેના...                                  

No comments:

Post a Comment