Wednesday, 30 May 2018

દાંતનો દુખાવો...૧


દાંતનો દુખાવો...૧    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

એક  સવારે ધીરા  અને દબાતા પગલે ‘એ’ આવ્યો.... ‘એ’ એટલે એ જ... ‘દાંતનો દુખાવો.’   ઠીક છે, આવ્યો તો ભલે આવ્યો, મેં એની ખાસ દરકાર કરી નહીં. સાચું કહું તો મેં એની અવગણના જ કરી. ‘થોડું દુખે છે ને ? મટી જશે એ તો.’  એમ માનીને મેં એને ભગાડવા એક નાનકડું લવિંગ નીચેના દુખતા દાંત પર મૂકીને ઉપરના દાંત વડે દબાવી દીધું.
મને લવિંગવાળો ઉપાય કારગત થતો લાગ્યો, દુખાવો ઓછો થયો  હોય એમ લાગ્યું. પણ જેવી લવિંગની અસર ઓછી થઇ કે ફરી એણે ઉપાડો લીધો, મને ફરી હેરાન કરવાનું ચાલુ કર્યું.  દાંતના દુખાવાનું શાસ્ત્ર એવું છે કે – ‘રામ ના બાણ વાગ્યા હોય એ જ જાણે.’ દાંતનો દુખાવો થયો હોય એ જ જાણે, બાકીનાને ખબર ન પડે. એક પ્રખ્યાત પંક્તિને જરા મરોડીને કહીએ તો - ‘માંહી પડ્યા એ મહાદુઃખ માણે, દેખનહારા શું જાણે ?’ 
‘બસ બહુ થયું, હવે આને પાઠ ભણાવવો જ પડશે’,  ભારત જેમ પાકિસ્તાની સેનાની સામે કડક હાથે કામ લે છે, તેમ મેં પણ દુખાવાની સામે કડક હાથે કામ લેવાનું નક્કી કર્યું. પતિદેવ હજી થોડા સમય પહેલાં જ દાંતના દુખાવાની ટ્રીટમેન્ટ કરાવી (દાંત પડાવી) સાજા થયા હતા એટલે મેં એમને ઉપાય પૂછ્યો. એમણે મને એમના ‘દવા ભંડાર’ માંથી એક લંબગોળ સફેદ ટીકડી કાઢીને આપી અને પાણી સાથે ગળી જવાનું કહ્યું. મેં એ પેઇન કીલર  લીધી. અર્ધો કલાક માં જ મને રાહત થઇ ગઈ. ‘વાહ હુઝુર વાહ !’ કહીને મેં એમનો આભાર માન્યો.
પણ જમતી વખતે દુખાવા એ ફરી પોતાનું પોત પ્રકાશ્યું. ‘વ્યવસ્થિત ઉપાય કરાવ્યા વિના મારી પાસે કામ લેશો તો હું મારો પરચો બતાવીશ’ એમ કહીને એણે અસહકારનું આંદોલન કર્યું. એટલે ‘તું નહિ તો તારો ભાઈ કામ કરશે...’   એમ કહીને મેં ડાબી ના બદલે જમણી તરફના દાંત વડે જમવાનું કામ પતાવ્યું.
પણ એની અવગણના મને સાંજે  ભારે પડી.  આપણે દાબમાં રાખીને શિસ્ત શીખવી હોય, તે  બાળક ઘરમાં મહેમાનો આવે ત્યારે આપણી મજબુરીનો ગેરલાભ લે, સોફા પર ઉછળે, ચોકલેટ માંગે, મુખવાસના બુકડા ભરે અને મા બાપને ત્રસ્ત કરે,  એમ જ  એ દાંતે મને હેરાન પરેશાન કરી મૂકી.
રાત્રે તો મેં સાવ ઢીલો પોચો (મારી  સ્થિતિ જેવો) ખોરાક  જમણી તરફ ચાવીને લીધો, સાચું કહું તો  પાણીની મદદ વડે ખોરાકને ગળા નીચે ઉતાર્યો. હું ભાગ્યે જ પેઈન કીલર લઉં છું, પણ લાચારીવશ એ સાંજે મેં બીજી પેઈનકીલર લીધી, એનાથી જરા સારું લાગ્યું.
મને થયું, ચાલો  દુખાવા પર તો કાબુ મેળવ્યો. પણ  એ તો માત્ર ભ્રમ હતો. ટીવી પર આવતા ‘ઝી સીને એવોર્ડ્સ’  જોતા જોતાં , સ્ટાર લોકોની ચમક દમક અને મનીશ પોલ – ભારતીની કોમેડીમાં  દુખાવો થોડીવાર વિસરાઈ ગયેલો. પણ જેવી પથારીમાં પડી એવી જ એણે  એની હાજરી બતાવીને મારી પથારી ફેરવી નાખી.
આમથી તેમ પડખા ઘસતા ઘસતા અડધી રાત થઇ ગઈ, હવે ? પતિદેવ આ ઘટનાથી અજાણ બાજુમાં નીદ્રાદેવીની શરણમાં આરામથી સુતા હતા. શું કરું, જગાડું ? ના, એમની ઊંઘ બગાડવાથી મારો દુખાવો ઓછો નહીં થાય, ઉપરથી એ ચિંતા કરશે તો મારો દુખાવો બેવડાશે,
ત્યાં જ મને ‘કોમ્બીફ્લેમ’ નામની સ્ટ્રોંગ દવાનું નામ યાદ આવ્યું. એના પર લખ્યું હતું, ‘ડોઝ કરતા વધારે લેવાથી લીવર ખરાબ થાય છે.’ એ વાંચીને થોડો ડર લાગ્યો. પણ...’ આજે તો મેં બીજી જ કોઈ દવા લીધી હતી, આ દવા કોમ્બીફ્લેમ તો પહેલીવાર લઇ રહી છું,’ એ વિચાર આવતા જ મેં ગોળી ગળી લીધી. પણ દવા એમ કઈ તરત અસર થોડી જ કરે ?
દુખાવા સાથે હું ફરી પથારીમાં પડી, ત્યાં જ મને ઘરના ફ્રીઝરમાં મૂકેલા ‘આઈસ પેક જેલ’ ની યાદ આવી. જાડા પ્લાસ્ટીકની ટ્રાન્સપેરન્ટ લંબચોરસ એક થેલીમાં બ્લ્યુ રંગની જેલ (જેલી જેવો સેમી લીક્વીડ પદાર્થ) ભરેલી હોય, એને તમારે ફ્રીઝરમાં ઠંડી કરવા મૂકી રાખવાની. એની સાથે એના માપની એક કાપડની થેલી આપી હોય,( એ બહાર રાખી મુકવાની),  આ કાપડની થેલીમાં જેલપેક મુકીને દુખાવાની જગ્યાએ દસ પંદર મિનિટ ઠંડો શેક કરવાનો.
આ ઠંડા શેકથી ‘એનેસ્થેશીયા’ જેવી અસર થાય અને દુખાવો ઓછો થાય. આ ઉપાય કારગત નીવડ્યો. મને દાંતના દુખાવામાં રાહત થઇ ગઈ અને સરસ ઊંઘ આવી ગઈ. બીજે દિવસે સવારે ઊઠીને સૌથી પહેલા દાંતના ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લઇ લીધી, એમણે સાંજની એપોઇન્ટમેન્ટ આપી. હવે તો બસ, ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ’ ની જેમ ...‘હવે દાંતના ડોકટરના હવાલે હું અને મારો દાંત,  દોસ્તો.’ અને છેલ્લે:
એક મહિલા : (દાંતના ડોક્ટરને) : ડોક્ટર સાહેબ, આપ જલ્દીથી દાંત પાડી આપો, એનેસ્થેશિયા આપવાની જરૂર નથી , અમારી પાસે ટાઈમ નથી, એક મેરેજ રીશેપ્શનમાં માં જવાનું છે.,
ડોક્ટર: તમે તો બહુ બહાદુર મહિલા છો, ચાલો આવી જાઓ ખુરશીમાં.
મહિલા: (પતિને) : ચાલો બેસી જાઓ અહી, જલદી કરો. ડોક્ટર સાહેબ, આમનો દાંત પાડવાનો છે.

No comments:

Post a Comment