Wednesday 16 May 2018

મોંઘવારી સોંઘી થઈ છે.


મોંઘવારી સોંઘી થઈ છે.                પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

મોંઘવારી સોંઘી થઈ છે  એના કારણમાં કેટલાક લોકો કહે છે, ચીજ વસ્તુઓના ઉત્પાદકોની નિર્બળતા, વેપારીઓની બેફામ નફાખોરી, સંગ્રહખોરી, કાળાબજાર અને સરકારી વહીવટી તંત્રની નિષ્ફળતા ( કે પછી ભ્રષ્ટાચાર ?)  જવાબદાર છે. એનું કારણ ભલે ગમે તે હોય, પણ મોંઘવારીને કારણે જીવન જરૂરિયાતની ચીજો મોંઘી થઈ છે, એટલે અમારા જેવાં મધ્યમ વર્ગનાં લોકોને એની માઠી અસર થઈ રહી છે,  અમારે હવે કરકસર કરવાના દિવસો આવી ગયા છે.
એરકંડિશનર અને ઈલેક્ટ્રીસીટી – મોંઘા થયાં એટલે આ વર્ષે નવા બંધાવેલા અમારા  બંગલાને સેંટ્રલી એસી બનાવવાનું વચન અમારા પાળી ન શક્યા અને ચારે બેડરૂમમાં તથા  ડ્રોઈંગરૂમમાં અને ડાઈનીંગ રૂમમાં સ્પ્લીટ એસી ફીટ કરાવીને સંતોષ માનવો પડ્યો. તો પણ કીચનમાં તો કેટલી ગરમી લાગે ?  ઊનાળામાં તો  રસોઈ બનાવતાં પરસેવો વળી જાય. આ તો વળી અમારા રસોઈ કરનારા મહારાજ સારા છે, તે બહુ તાપ લાગે છે એમ ફરિયાદ તો કરે છે, પણ જૂના અને જાણીતા છે એટલે નોકરી છોડીને જતા નથી રહેતા. અમે જ સમજીને એમને કીચનમાં એક્ઝોસ્ટ ફેન નંખાવી આપ્યો અને પગાર થોડો વધારી આપ્યો.
‘ગધેડા સાથે ગાયને બાંધીએ તો એ ભુંકતા નહિ તો કમ સે કમ ઊંચું ડોકું કરતા તો શીખી જ જાય’ એમ  મહારાજનું જોઈને નોકરો પણ જીદે ચઢ્યા કે ‘ગરમીમાં અમારાથી રહેવાતું નથી અને કામ થતું નથી’  એટલે સર્વન્ટ ક્વાર્ટર્સમાં પણ બધાંને પંખા નખાવી આપવા પડ્યા. એ લોકોએ તો વળી એરકૂલર ની માગણી કરેલી, પણ આવી કારમી મોંઘવારીમાં એ બધું પોસાવું પણ જોઈએ ને ? નોકરોના દિલમાં પણ રામ વસ્યા હશે એટલે એમણે એરકુલર નાં બદલે પંખાથી ચલાવી લીધું.  જો કે મને તો ચિંતા એ વાતની છે કે આવી ને આવી મોંઘવારી જો ઘણા સમય સુધી ચાલુ રહેશે તો બંગલાને સેન્ટ્રલી એસી બનાવવાનું મારું સ્વપ્ન ક્યારે પૂરું થશે ?
હજી અમારા ફાર્મહાઉસ પર તો એસી લગાડવાના બાકી જ છે. ઘોડાઓના તબેલામાં પણ એરકૂલર્સ મૂકવાના બાકી છે. પણ આ જાલિમ મોંઘવારી ! અમારા એ કહે છે, તું ધીરજ રાખ, બધુંય થશે – ભલે એક સામટું નહીં પણ ધીરે ધીરે થશે. પણ ધીરજ પણ ક્યાં સુધી ધરવી ?  આ મોંઘવારી તો ઉતરવાનું નામ જ નથી લેતી. એટલું વળી સારું છે કે ફાર્મ હાઉસ ની દેખરેખ રાખતા અમારા જુના નોકર અને માળી તો જે આપ્યું એમાં સંતોષથી રહે છે અને પ્રામાણીકતા પૂર્વક કામ કરે છે. અમારા ‘એ’ બહુ દયાળુ ભામાશાનો અવતાર છે, મારી ના છતાં બધાને જરૂર પડે એટલી પૈસાની મદદ કરતા રહે છે, ને ‘પૈસા પાછા આવ્યા તો ય ઠીક અને ન આવ્યા તો ય ઠીક’  એવું ઉદાર વલણ રાખે છે.
જુઓને, આ વર્ષે જ બાબો બારમાની એક્ઝામ આપશે. એણે કહ્યું, ડેડી, હું પાસ થાઉં તો મને બી એમ ડબલ્યુ કાર અપાવશો ? તો એમણે કહ્યું, જોઈશું. હવે તમે જ કહો, હંમેશા વ્હાય નોટ ?’ એવું કહેનારા અમારા  ને જોઈશું કહેવું પડે તે આ કારમી મોંઘવારીની ખરાબ અસર જ કે બીજું કંઈ ? એ જોઇને  મારો તો જીવ એવો બળે છે ને, પણ બળ્યું આ મોંઘવારી.. ઉતરવાનું નામ જ નથી લેતી. આ તો હું સારી છું કે થોડામાં ચલાવી લઉં છું,  નહીતર કોઈ બીજી હોય ને આ બાબતે એમની સાથે લઢવાઢ કરવા બેસી જાય તો એમનું બિચારાનું  શું થાય ?  
આમ તો દર વર્ષે ફોરીનની એકાદ લક્ઝરી ટુર તો અમારે અચૂક થાય જ. ફાઈવસ્ટાર હોટલમાં રહેવાનું અને લીમોઝીનમાં ફરવાનું. પણ મોંઘવારીના હિસાબે આ વર્ષે ટુર પણ ન ગોઠવી શકાઈ. લોકો પૂછ પૂછ કરે તો  અમે  બહાનું કાઢ્યું, બાબો બારમામાં છે અને બૉર્ડની એક્ઝામ છે એટલે ન જવાયું.  ખરેખર તો આ વર્ષે તો મારો વિચાર અમેરિકા જઈને મારી ફ્રેન્ડ પિંકીને મળવાનો હતો. ઘણા વખતથી મળ્યા નથી તે મળાત પણ ખરું અને ગયા વર્ષે અમારા એ મને અપાવેલ ડાયમન્ડ સેટ પિંકીને બતાવત પણ ખરી. ખેર! આ મોંઘવારી જરા ઓછી થાય પછી વાત. પણ કિટી પાર્ટીમાં તો એકવાર મે એ સેટ પહેરીને ફ્રેન્ડસ આગળ મારો વટ પાડી જ દીધો, બધીઓ જોતી જ રહી ગઈ. અમેરિકા તો જવાશે ત્યારે ખરું, પણ હમણાં મેં તો  પિન્કીને પણ  વોટ્સ એપથી સેટ પહેરેલો મારો ફોટો મોકલી આપ્યો, એણે ભલે ‘નાઈસ  પિક’ થી વધુ કઈ લખ્યું નહિ, પણ એ પણ ઈમ્પ્રેસ તો થઇ જ ગઈ હશે.
આ મોંઘવારી તો સૌને બહુ નડે છે. નોકરોએ જ ગયા મહિને પગાર વધારો માંગ્યો તો ન છૂટકે આપવો જ પડ્યો. બીજા બધા વગર ચાલે, પણ નોકરો વગર કંઈ ચાલે ? હશે, અમે જરા કરકસર કરી લઈશું. હું પાંચ-છ હજારના બદલે ત્રણ-ચાર હજારનો ડ્રેસ લઈશ, મહિને પાંચ જોડને બદલે ત્રણ જ જોડ ચપ્પલ ખરીદીશ, પર્સ તો ત્રણ પડ્યા છે એટલે એકાદ બીજું લઈશ તો પણ ચાલી જશે, અમે ફાઈવસ્ટારને બદલે ફોરસ્ટાર રેસ્ટોરન્ટમાં જમીશું, પ્લેનમાં બીઝનેસ ક્લાસને બદલે ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરીશું. આ મોંઘવારીમાં થોડી કરકસર તો કરવી જ જોઈએ ને ?
અમારી બાજુના જ  ત્રણ નંબરના બંગલાવાળા મીસીસ શર્માએ છમાંથી બે નોકરોને છુટા કર્યાં જ ને ? ને પાંચ નંબરવાળા મીસીસ શેટ્ટીએ ત્રણમાંથી એક માળીને છુટો કર્યો. તો બે નંબરવાળા મીસીસ મહેતાએ પાંચમાંથી બે ડ્રાઈવરને છૂટા કર્યા. આ આઠ નંબરવાળા – શું સરનેમ છે એમની ? કંઈ વિચિત્ર જ છે – એમણે એમના બેમાંથી એક ફાર્મહાઉસ વેચી નાંખ્યું. ને પેલી મોના – કીટ્ટી પાર્ટીમાં દસ હજાર રૂપિયા હારી ગઈ એમાં તો રડવા જેવું મોં કરીને ચાલી ગઈ. આ મોંઘવારીએ તો ભલભલા ચમરબંધીઓને બિચારાં બનાવી દીધાં છે. મને પણ હવે તો આ મોંઘવારીનો બહુ ડર લાગે છે, ભગવાન જાણે ક્યારે એ ઓછી થશે.
ધન કુબેર ગણાતા મીસ્ટર મીરચંદાનીની નાની દીકરીના લગ્ન એમણે છેક હાઈવે પરના એક પાર્ટી પ્લોટમાં રાખ્યાં, કેમ ? કેમ કે કોઈ ઇન્કમટેક્ષવાળાની નજરે ન ચઢી જવાય તે માટે. બાકી મોટી દીકરીને પરણાવી ત્યારે એમણે વટથી ઇન્કમટેક્ષ ઓફિસરોને ઈન્વાઈટ કર્યા હતા. મોટા જમાઈને મર્સીડીઝ ગીફ્ટમાં આપેલી, અને નાનાને ? એસ્ટીમ  થી પટાવી મૂક્યો. મોટીને નવરંગપુરામાં ચાર બેડરૂમનો બંગલો ભેટ આપેલો અને નાનીને પણ ચાર બેડરૂમનો જ બંગલો આપ્યો પણ ક્યાં ? તો કહે છેક બોપલમાં. મોટીને હનીમુન માટે સ્વીત્ઝરલેન્ડ મોકલેલી અને નાનીને ન જાણે ક્યાં માથેરાન કે મહાબળેશ્વર મોકલી હશે. મોટીના લગ્નમાં તો વિવિધ વાનગીઓના ૫૭ કાઉન્ટરો હતા, અને નાનીના લગ્નમાં માત્ર ૩૭. આ વખતે તો મીસીસ મીરચંદાનીના નેકલેસમાં  ડાયમન્ડ્સ પણ ઓછા હતા, અને મી. મીરચંદાની નો સૂટ પણ ઝગારા મારતો નહોતો. મોટીનો તો કરિયાવર બધાંને બતાવેલો પણ નાનીનો તો બતાવ્યો જ નહીં. ક્યાંથી બતાવે ? આ મોંઘવારીએ તો હવે કોઈને ઊંચું મોં લઈને ફરવા જેવું જ નથી રાખ્યું.
નિરંકુશ પણે વધતી મોંઘવારી દેશના અર્થતંત્ર ઉપર  કારમો ઘા સમાન તો છે જ. પણ એથીય વધુ આપણા જેવા મધ્યમ વર્ગના માનવીના સામાજિક જીવન ઉપર પણ ખૂબ ખરાબ અસર કરનાર પરિબળ સાબિત થઈ છે. સરકારે એને કાબૂમાં લેવા તાત્કાલિક પ્રયત્નો કરવા જોઈએ. આ મોંઘવારી દેશના સુખ, સમૃદ્ધિ અને પ્રગતિમાં સૌથી મોટી રુકાવટ છે. મોંઘવારી નામનો  શત્રુ કાબૂમાં આવશે તો જ દેશનો અને આપણા જેવા સામાન્ય જન (કોમન મેન) નો સર્વાંગી વિકાસ થશે.  વાચક મિત્રો,  તમારું આ બાબતમાં શું માનવું છે ?  



No comments:

Post a Comment